Readers

Thursday, January 15, 2026

અટકમાં અટકચાળો

                                     

                                               અટકમાં  અટકચાળો

             એકવાર એક આચાર્યની શહેરના છેવાડાના વિસ્તારમાં એક શાળામાં બદલી થઇ.. જતાં વેંત આચાર્યશ્રીએ કર્મચારીગણ હાજરીપત્રક  ખોલ્યું..ત્રણ  શિક્ષકમિત્રોની અટક દેસાઈ ને બે ની વોરા.આચાર્યના મોં પર ખુશીની લહેર પ્રસરી. એક જ શાળામાં આટલા નાગર શિક્ષકો ? એક તો હું રહ્યો નાગર ને આ મારા જ્ઞાતિબંધુઓ .વાહ કામ કરવાની  ખુબ મજા આવશે..થોડી વારે શિક્ષકસભા  શરુ થવાની હતી.ત્યાં બે દેસાઈ સાહેબ મળવા આવ્યા .ઉત્સાહી આચાર્ય બોલી  ઉઠ્યા ,'જય હાટકેશ .' પ્રત્યુત્તર આવ્યો. ‘જય ગોગા મહારાજ ' .આચાર્ય ચોંક્યા .અને બોલ્યા ' નમસ્તે નમસ્તે,તમે દેસાઈ એટલે ....? ઉત્તર આવ્યો ,' હા સાહેબ અમે રબારી છીએ.' ત્યાં તો બાજુમાંથી એક  શિક્ષિકા બહેન બોલ્યાં ,' એમ તો હું પણ દેસાઈ જ, સાહેબ પણ અમે તો અનુસૂચિત જનજાતિમાં આવીએ.' ભોંઠપ અનુભવતા ઠાવકા મોં એ આચાર્યશ્રીએ મનમાં ને  મનમાં  બોલ્યા '  પૂછવાને બદલે આના કરતા સેવાપોથી જોઈ લીધી હોત તો ?' વાત વળતાં કહ્યું,' સરસ. સરસ .ચાલો  બેઠક  સભા  શરુ કરીએ.'

          સભા પછી કારકુન વર્ગ હાજરી પત્રકો લાવ્યા..વળી આચાર્ય પાછા ચોંક્યા..મોટાભાગના વિદ્યાર્થીઓ 'પટ્ટણી'  અને ' રાણા' અટક વાળા. આ વખતે  આચાર્યે એ ઉત્સાહ બતાવવાને બદલે કારકુનને જ પૂછી લીધું,' આ વિસ્તારમાં સામાન્ય રીતે ક્યાં સમાજના પરિવારો રહે છે?' કારકુને ઉત્તર વાળ્યો ,' મોટાભાગના દેવીપૂજક છે અને બીજા ઘણા પરિવાર વાલ્મિકી સમાજના છે.' બીજીવાર ભોંઠા ન પાડવાનો આચાર્યે હાશકારો અનુભવ્યો કારણકે આ અટકો પણ નાગરોની છે એટલે  વર્ગહાજરીપત્રક જોઈને એમને તો થયેલું કે શાળા નાગરચકલામાં જ છે કે શું ?.      અટકમાં એકલા આચાર્ય અટવાયા  એવું નથી .આપણે બધા ક્યારેક ને ક્યારેક અટવાઈએ છીએ.

           અટકનો ઇતિહાસ કૈંક અવનવો જ છે.વિશાળ જ્ઞાતિમાંથી પારિવારિક ઓળખ માટે અટક એક માધ્યમ છે.હકીકતમાં આપણે ઋષિ સંતાન.ઋષિનાં નામ પરથી ગોત્ર આવ્યું.પછી આવી અટક.કોઈ અટક ગામના નામ પરથી તો કોઈ વ્યવસાયના આધારે તો કોઈ વળી પ્રાણી પક્ષીને જીવજંતુ પરથી !અને હવે તો એકબીજાની અટક ઉઠાંતરી શરુ થઇ ગઈ છે.એક અટક અનેક અનેક જ્ઞાતિમાં હોય એટલે કેટલીયે વાર અર્થ- અનર્થ થાય.' મહેતા' અને ' દેસાઈ ' અટક તો એટલી બધી જ્ઞાતિ એ લઇ લીધી છે કે  ન પૂછો વાત.

            સમાજ માટે હંમેશ સંવેદનાના સાથીદાર કનુભાઇ બેસણાની જાહેરાત જોઈને તેમના સ્વજનને ફોન કરે ને દર વખતે એમની ધારણા કરતા જુદી જ જ્ઞાતિના પરિવાર નીકળે. બાબુલાલને હંમેશ મફતનું ખાવાની ટેવ.શુભપ્રસંગોના  માહોલ વખતે અલગ અલગ સમારંભ ગૃહમાં પહોંચી જાય. જ્યાં ' મહેતા પરિવાર આપનું સ્વાગત કરે છે ' લખ્યું હોય ત્યાં ઝાપટી આવે કારણકે પોતે મહેતા અટક ધરાવતા હતા.

            બે સત્ય ઘટના - અમદાવાદની એક જ્ઞાતિ સંસ્થાને એક અનુદાન મળ્યું .જેમાંથી  દાતાના વડીલની  સ્મૃતિમાં તેમની જ્ઞાતિની કોઈ સેવા આપનારનું સન્માન કરવાની સૂચના આપી..સન્માન આપવાનો પ્રારંભ પણ થયો.પણ  બન્યું એવું કે  જેમની સ્મૃતિમાં સન્માન થતું હતું તે  નામના એક જાણીતા સાહિત્યકાર પણ હતા!  નામ અને અટક સરખા અને એ પણ અન્ય જ્ઞાતિના ! કેટલાક જ્ઞાતિજનોએ તો વિરોધ નોંધાવવાનો શરુ કર્યો.આખરે લોક ગેરસમજણ ને ટાળવા આયોજકોએ  સ્પષ્ટ્ટતા પણ કરી અને જેની સ્મૃતિમાં એવોર્ડ અપાતો હતો તેના નામમાં, પિતાનું નામ ઉમેર્યું અને ભળતી અટકની ચોખવટ કરવા અટકની બાજુમાં જ્ઞાતિ પણ લખી.

           એવી જ અટકની બીજી ઘટના પણ આના જેવી જ છે.કોઈ જિજ્ઞાસુએ પોતાની નાગર જ્ઞાતિનાં સાહિત્યકારોની વિગતો એક્ઠી કરવાનું શરુ કર્યું..ક્યાંક ક્યાંક ચોકસાઈ કરવા તેઓ  વિદ્યમાન  લેખકોને પત્ર પણ લખતા.જાણીતા લેખક ચંદ્રકાન્ત બક્ષીએ ઉત્તર પાઠવી ને તેમને તેમના પ્રયત્ન માટે  અભિનંદન પણ પાઠવ્યા અને પત્રના અંતે લખ્યું કે ' અકસ્માતે હું નાગર નહિ પણ જૈન છું.'

            વર્ષો પહેલાં એક નવયુવાન સાહિત્યકારોના મિલનમાં ગયો.ઉત્સાહી યુવાન સાહિત્યકાર મોહમ્મદ માંકડના હસ્તાક્ષર લેવા ગયો. સાહિત્યકાર જવાની ઉતાવળમાં હતા એટલે સહેજ આનાકાની કરતા હતા.યુવાને એક તીર અજમાવ્યું ,' આપણે બે ય માંકડ અટકધારી છીએ ભલે તમે મુસ્લિમ ને હું નાગર પણ અટકનું માન તો રાખો.'- મહંમદ માંકડે હસ્તાક્ષર આપી દીધા .

             નાગર જ્ઞાતિ મૉટે ભાગે ઉચ્ચ વ્યવસાય કે નોકરી સાથે જોડાયેલી હોય એટલે 'નાગર ચવાણા ' કે '  વૈષ્ણવ  દાબેલી ' ની લારી જોઈને દૂરથી ભાગે. ન કરે નારાયણ ને સગા સમજીને મફત ન ખવરાવે એટલે.! કાયમ લાંબી મૂછવાળા બહાદુરસિંહ પરમાર અને  ગજેન્દ્રસિંહ  સોલંકી હંમેશ પોતાના નામમાં અટક પાછળ કૌંસમાં { ક્ષત્રિય } લખે. પ્રધાનમંડળમાં સાત દેસાઈ હોય પણ સાતેય ની જ્ઞાતિ જુદી હોય! લાગે છ ને નવાઈ  ?

              ને વોરાની તો ન પૂછો વાત .કટલેરીની દુકાન શાંતિલાલ વોરા { જૈન } તેમાં નોકરી કરે સૈફુદીન વોરા ને ખરીદી કરવા જાય.  નાગરાણી શ્વેતાબેન વોરા સૈનિક દેવુસિંહ મારુ તો કહે કે ,’ હું તો દુશ્મન દેશના લશ્કરને ગોળીએ મારું.’ ત્યાં સામે બેઠેલા અમીચંદ મારુ { જૈન } બોલી ઉઠ્યા ,' જીવહિંસા કરતાં સમજણનો રસ્તો લેવાય ને ?' ત્યાં પડખેથી મુત્સદી નાગર મુનીન્દ્રભાઈ મારુ બોલ્યા ,વાત તો તમારા બે ય ની સાચી છે પણ જેવો સમય ને જેવો દુશ્મન તેવો ન્યાય થાય.'       

              દેશને સાદગી અને અહિંસાના પૂજારી એવા મોહનદાસ ગાંધી જેવા મહાન રાષ્ટ્રપિતા મળ્યા પણ અત્યારે તો ગાંધી અટકના ગડબડ ગોટાળાની વાત જ ન  થાય. સુરતમાં આવકવેરા અધિકારી આકસ્મિક તપાસમાં પહોંચ્યા સુબંધુ ધોળકિયા પાસે..એમને એમ કે કોઈ રત્ન બજારના કોઈ સોની હશે આ તો નિયમિત કરવેરો ભારત નાગર બેન્ક  અધિકારી નીકળ્યા ! અટકના આવા અટકચાળા જોઈને વર્ષો પહેલાં દેશના એક વિચક્ષણ રાજપુરુષે તો સૂચન પણ કરેલું કે દરેક ભારતવાસી પોતાની અટકને બદલે ' ભારતીય ' લખે તો દેશની એકતા તો વધે પણ અટકચાળા પણ ઘટે.