Readers

Tuesday, March 17, 2026

ટાલ એટલે માલામાલ

                                             

                              ટાલ એટલે માલામાલ                દિનેશ લ. માંકડ

          જૂની રમૂજ યાદ આવી ગઈ. ચલચિત્ર જોવા ગયેલા બે ટીખળી મિત્રો અનિલ અને બકુલ  વચ્ચે શરત લાગી.આગળ બેઠેલા ટાલ વાળા ભાઈને જો ટપલી મારે તો સામેવાળો પાંચસો રૂપિયા આપે. પહેલો વારો અનિલનો હતો.ચલચિત્ર શરુ થયું.અંધારું છવાયું.અનિલે આગળવાળા ટાલગ્રસ્ત ભાઈને જોરથી ટાપલી મારીને તરત બોલ્યો ,કેમ છો પોપટ ,ઘણા દિવસે મળ્યો.'- પેલા ભાઈ ગુસ્સામાં ઉભા થયા ને બોલ્યા,' હું પોપટ નથી અને તમને ઓળખતો પણ નથી સમજ્યા.' અનિલે માફી માગતાં કહ્યું,'સોરી પણ મારા મિત્ર પોપટની ટાલ પણ તમારી ટાલ જેવી જ છે એટલે ભૂલ થઇ.'  હળવેથી બાજુમાં બેઠેલા બકુલ પાસેથી પાંચસો રૂપિયા સેરવી લીધા.

           મધ્યાન્તર પછી બકુલનો વારો હતો .પણ એ ઓછો સાહસિક હતો એટલે એણે છટકી જવા,  અનિલ પાસે નવી શરત મૂકી.' મારે બદલે તું જ એ ભાઈને બીજી વાર ટાપલીદાવ કરે તો હું તને હજાર રૂપિયા આપીશ.ન મારી શકે તો તારે મને પાંચસો જ આપવાના.' અનિલે શરત મંજુર રાખી.અને ફરી એક વાર ....એક જોરદાર ટાપલી એ જ  ટાલ વાળા ભાઈને દઈ દીધી .અને ખુબ ઝડપથી બોલ્યો,' એલા  પોપટ હમણાં મધ્યાન્તર પહેલાં તારા જેવા જ એક ભાઈ મારી આગળ બેઠેલા ને મેં ભૂલથી બિચારા એમને ટાપલીદાવ કરેલો.ખરું થયું નહિ  પોપટ ? '-

            આ વખતે પેલા ઈજાગ્રસ્ત ભાઈનો મગજનો પારો 100 ડિગ્રી ઉપર હતો.' અરે ભાઈ ,તમે પહેલીવાર પણ મને જ ટાપલી મારેલી.એનો દુખાવો મટ્યો નથી ત્યાં ફરીને મને જ પાછો પોપટ સમજીને પાછી ટાપલી મને જ મારી.સમજો છો શું તમારા મનમાં ? ' – “ ભાઈ બુલ થઇ ગઈ .માફ કરજો..અંધારામાં દેખાયું નહિ.મને એમ કે પોપટ મારી આગળ બેસવા આવી ગયો હશે.'  હજાર રૂપિયા અનિલના  ખિસ્સામાં આવી ગયા..ચલચિત્ર પૂરું થયું બંને ઘર ભણી અને પેલા ભાઈ વાળ ઉગાડવાની દવા લેવા.     

          આ લેખ માત્ર ને માત્ર પુરુષોને સમર્પિત છે.બહેનો ફક્ત વાચક જ બની શકશે. હા,, ઘરમાં કોઈ પરિવાર જન ને ટાલ હોય તો ફકત નિરીક્ષણ કરવાની  છૂટ. .હાથ ફેરવવાનું કે ટીકા કરવાનું દુષ્કૃત્ય ન કરવું.

          સામાન્ય રીતે પતિ તરીકે બહેનો વાળ વાળાને જ પસંદ કરે છે.એને  કારણે લગ્ન પછી ટાલ પડવાનું કારણ લોકો, લગ્ન ગણે છે પણ એ સદંતર ખોટું છે કારણકે કેટલીય વાર જ્યાં ટાલ વાળા યુવાનો પસંદગી પામે છે તે કન્યાઓ  ખુબ નસીબદાર  બને છે.

           ટાલ ને ઘણા લોકો આર્થિક સ્થિતિ સાથે જોડે છે.અને ઘણા અંશે તે સાચું પણ છે.એટલે જ લેખનું મથાળું ' ટાલ એટલે માલામાલ રાખ્યું છે.ટાલ વાળા મિત્રો આર્થિક રીતે સમૃદ્ધ હોવાના ઘણા કારણો છે.સૌથી અગત્યની બચત સાબુ અને તેલનો  નહિવત ખર્ચ .એટલે મોટી બચત. નથી માનવું ને ? લ્યો,કરો ગણતરી. સ્નાનાર્થે વપરાતો મહિને ત્રણ સાબુ.વાર ગણો તો માથું ધોવાનો ભાગ બાદ કરીએ તો માત્ર  મહિને એક સાબુ.. બાર મહિનાના ચોવીસ સાબુની બચત.

        માથાનું સારી જાતનું તેલ મોંઘુ જ આવે છે.ઘરના ટાલ વાળા પરિજનનો વર્ષ આખાનો વપરાશ માત્ર પાંચસો એમ.એલ. જ હોય.એટલે જો ઘરમાં જો ટાલવાળા વધારે સભ્યો હોય તો જલદી લખપતિ થઇ જવાય.  .દીવાનખાનામાં રાત્રે સાથે ઘરના ટાલસભ્યો બેઠા હોય તો ઓછા વોલ્ટનો વીજળી ગોળો લગાવીએ તો ચાલે કારણકે ટાલો ના ચમકારાના પરાવર્તન ને લીધે આખો ખંડ ઝળાંહળાં થઇ જાય.

           એવી જ બીજી વાત કેશ કર્તનના ખર્ચની બચત ની છે. બિચારા વાળવાળા ભાઈઓ  એરકંડીશન વાળા કેશ કર્તનાલાયમાં જાય તો મહિને ચારસોથી પાંચસો ચૂકવે. હજામ  આપણા જ વાળ વેચીને બીજા ઘણા રૂપિયા મેળવે ખરેખર તો એમાં પણ આપણો ભાગ ગણાય પણ હજી સુધી તેના હક્કનો કોઈ દાવો અદાલતે થયો નથી એટલે દેશના એંસી કરોડ ભાઈઓ એ ભોગવે છે વિચારો ,ટાલ વાળા કેટલા નસીબદાર !

            ટાલ અને ગાલ ને સીધો સબંધ છે.બંને સ્થળે મરજી મુજબ વધે અને બંનેની માવજત પણ એટલી જ લેવી પડે.ટાલ અને ગ઼ાલ જેટલા લીસાં હોય એટલા સારા લાગે. નજરે જોયેલી  એક સત્યઘટના - કોલેજ પ્રવાસ રાત્રે પાછો વળતો હતો. બધા  હળવા મૂડ માં હતા.બસમાં  લાઇટ્સ ચાલુ હતી.એક ટીખળી ને મજાક સૂઝી , ' એક શેર સુનતા હું .- દુરસે દેખા તો સ્વાતિ મેડમ કા ગાલ લગા ,પાસ જા કર દેખા તો વ્યાસ સાહબકા ટાલ નિકલા .'- પરિણામ આવ્યું કે બીજે દિવસે કોલેજ આચાર્ય એ ટીખળી ને બે દિવસ માટે કોલેજ માંથી બરતરફ કર્યો!

            ટાલ ને રાજકારણ સાથે ગાઢ સબંધ છે.અનેક અનેક મહાનુભાવોને ટાલ હતી અને છે .આચારસંહિતા ભંગ થાય એટલે વધુ તો ન લખાય પણ એટલું ખરું કે  કેટલાકે ટાલ ઢાંકવા ટોપીનો ઉપયોગ કર્યો.                        

          એટલું ચોક્કસ છે કે દિવસોદિવસ ટાલવાળા વધતા જાય છે એટલે  જો વિજ્ઞાનીઓ પર્યાવરણ અને માનવીની જીવનશૈલીના  માપદંડ માટે સંશોધન કરે તો  ગુરુવર્ય  ઋષિઓથી માંડીને  વર્તમાન ટાલ મિત્રોનો અભ્યાસ થઇ શકે.સંભવ છે કે પૃથ્વીનું આયુષ્ય નક્કી કરવામાં પણ આ સંશોધન ઉપયોગી થાય અને ટાલ મિત્રો તેમાં સહભાગી થવાનું ગૌરવ લઇ શકે.