અમદાવાદની એક
ટ્રાવેલ કંપનીએ પુરુષોત્તમ માસ
નિમિત્તે અમદાવાદ થી 150 કી.મી. આસપાસમાં
આવેલાં પ્રચલિત દસેક મંદિરોની યાત્રાનું આયોજન કર્યું.બસમાં આખા દિવસની આવી યાત્રા
વ્યક્તિગત રીતે થોડી કપરી પડે એટલે એ જ સ્થળોએ ટેક્ષી ભાડે કરીને જવાનું અમે બે
{ રંજના --
દિનેશ } એ ગોઠવ્યું..શ્રી ભરતભાઈ છાયા અને કલ્પનાબહેન { ગ્રીવાના મમ્મી
પપ્પા } યોગાનુયોગ
અમદાવાદ જ. તેઓ
પણ સાથે જોડાયા એટલે તો વિશેષ આનંદ થયો.
28 મી મેં 2026
અધિક જેઠ સંવત 2082 ગુરુવારે વહેલી સવારે ટેક્ષી કરીને ચારેય સભ્યોએ યાત્રા પ્રારંભ
કરી.સૌ પ્રથમ અમદાવાદથી 83 કી.મી .દૂર આવેલા ડાકોરના રણછોડરાયના દર્શને
પહોંચ્યા.મંદિર નવ વાગ્યે ખુલવાનું હતું .થોડી વાર પછી ખુલયું.આરતી શરુ થઇ.ભીડ કહે,મારુ કામ.વ્યવસ્થાપકોની બિનઆયોજનને લીધે દર્શન ખુબ કપરાં
થયા.ન થયા.છતાં ભક્ત બોડાણા ની પવિત્ર ભૂમિ પર પગ મૂકીને પણ પાવન તો થવાય જ.
ગુજરાતના ખેડા
જિલ્લામાં ગોમતી તળાવના કાંઠે આવેલું ડાકોરનું રણછોડરાયજી મંદિર ભક્તિ અને
ચમત્કારનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. પ્રાચીન સમયમાં આ સ્થળ ડંકપુર તરીકે ઓળખાતું
હતું, જ્યાં ડંક ઋષિએ તપસ્યા કરી હતી. ૧૮મી સદીમાં હાલનું ભવ્ય
મંદિર ગાયકવાડ રાજવી પરિવારના સહયોગથી બંધાયું હતું.
દ્વારકાથી ડાકોર
આગમન (બોડાણાની ભક્તિ):બોડાણાનો ભક્ત: સંવત ૧૨૧૨ આસપાસ ડાકોરમાં વિજયસિંહ બોડાણા
નામના પરમ કૃષ્ણ ભક્ત રહેતા હતા. તેઓ દર છ મહિને પગપાળા દ્વારકા જતા હતા.
વૃદ્ધાવસ્થામાં બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાથી તેમની
સાથે ડાકોર આવ્યા.સવારે જ્યારે પૂજારીઓને મૂર્તિ ગાયબ હોવાની જાણ થઈ, ત્યારે તેઓ ડાકોર
પહોંચ્યા અને બોડાણા પર હુમલો કર્યો. બોડાણાને બચાવવા ભગવાને પૂજારીઓને સોનું
આપ્યું હતું. પૂજારીઓએ સોનું સ્વીકારીને મૂર્તિ ત્યાં જ છોડી દીધી. ત્યારથી ભગવાન
"રણછોડ" (રણ છોડનાર) તરીકે ઓળખાયા.
ડાકોરથી દર્શન કરી ખુબ નજીક જ આવેલા મીઠી લીમડી ગયાં લોકવાયકા અનુસાર જયારે ભક્ત બોડાણા શ્રીકૃષ્ણને બળદગાડાંમાં બેસાડીને ડાકોર લાવતા હતા ત્યારે માર્ગમાં શ્રીકૃષ્ણએ અહીં જે લીમડાની ડાળથી દાતણ કર્યું તે કડવા લીમડીના પાન મીઠાં થયાં
.શ્રદ્ધાનો વિષય છે.ચાખ્યા તો ખરેખર અન્ય કડવા લીમડા કરતાં કૈંક જુદાં તો હતાં .ત્યાં રણછોડરાયજીના પગલાંનું મંદિર પણ છે.ખુબ નજીકથી દર્શન અને પગલાંના ચરણસ્પર્શ કર્યાં.ત્યાં અનાયાસે કચ્છ અંજાર રહેતા બે પરિવારના શ્રદ્ધાળુ બહેનો મળી ગયાં અને એ પવિત્ર લીમડાના સાન્નિધ્યમાં સહુ બહેનોએ હળવો રાસ રમી લીધો.
હવે પછીનું પ્રયાણ 16 કી.મી દૂર આવેલા
ગળતેશ્વર મહાદેવ તરફ..જે સોલંકી
(ચૌલુક્ય) વંશના રાજા કુમારપાળના શાસન દરમિયાન ૧૨મી સદીમાં બંધાયું હતું. આ મંદિર બે નદીઓ, મહી નદી અને ગળતી નદીના સંગમ પર સરનાલ ગામની
નજીક આવેલું છે. ગળતી નદી પરથી મંદિરનું નામ પડ્યું છે
આ મંદિર પુરાણકથાઓમાં વર્ણવાયેલા ગાલવ ઋષિ અને રાજા ચંદ્રહાસની સાથે સાંકળવામાં આવે છે મંદિરનું ગર્ભગૃહ મંડપ કરતા નીચું છે અને અંદરની બાજુથી ચોરસ છે. બહારની દીવાલ ગોળાકાર છે અને અનેક ખૂણાઓ સાથે ૨૪ ફીટનો વ્યાસ ધરાવે છે. આ ખૂણાઓમાં સાત ગોખલા છે જેમાં આઠ દિક્પાલો (દિશાના રક્ષક દેવો)પૈકી સાતની મૂર્તિઓ છે.
ગર્ભગૃહની આગળની
દિવાલ કોતરણી ધરાવે છે, જેમાં શિવના
વિવિધ રૂપો દર્શાવેલ છે અને તે લગભગ નષ્ટ પામેલ છે. ગર્ભગૃહના દ્વાર પર આબુ શૈલીના
રૂપસ્થંભની કોતરણી કરેલ છે. આ શિલ્પો અને કોતરણીઓમાં ગાંધર્વો, ઘોડેસ્વારો, હાથીસવારો, રથ, જીવનથી મૃત્યુની
ઘટમાળો વગેરેનો સમાવેશ થાય છે..
અમને નિજ મંદિરમાં જઈને અભિષેક કરવાનો લહાવો મળ્યો. શાસન કે,પુરાતત્ત્વ વિભાગ દ્વારા કોઈ પ્રકાર જતન થતું નથી.તેવું
સ્પષ્ટ દેખાય.
હવે પછીનું તીર્થધામ
તે ખેડા જિલ્લાનું વાત્રક નદીના કિનારે આવેલું
રઢુ, .જે ત્રણ સશક્ત
ઓળખાણને કારણે બીજા ગામ કરતા વધુ મહત્વ ધરાવે છે.
નડિયાદના સંતરામ મહારાજની સાત ગાદીમાની એક ગાદી રઢુમાં
આવેલી છે. બીજી ઓળખ ગુજરાતના મૂક સેવક તરીકે જાણીતા સ્વતંત્રસેનાની રવિ શંકર
મહારાજની જન્મભૂમિ, અને ત્રીજી
મહત્વની ઓળખ છે કામનાથ મહાદેવનું મંદિર. જેમાં ખાસ મંદિરમાં ૫૭૫ વર્ષથી સચવાયેલા
ઘી ભરેલા ૬૫૦થી વધારે માટીના મોટા કાળા માટલા
પહેલી નજરે સાભળીને આશ્ચર્ય થશે કે બે ચાર મહિના ગરમીમાં ઘી પડી રહે તો તેમાં ગંધ આવે કે ફૂગ જેવું લાગે છે. અહી મંદિરના ઓરડામાં આટલા વર્ષોમાં ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીમાં તપતા ધાબા નીચે માટલામા સંઘરાયેલું ઘી કોઈ પણ જાતની ગંધ વિના તાજુ રહ્યું છે. ગુજરાતમાં આવેલું આ એવું શિવ મંદિરમાં ઘી ભરેલા ૬૫૦ કાળામાટીના ગોળા છે. અંદાજે ૧૩થી ચૌદ હજાર કિલો જેટલું ઘી ૬૨૦ વર્ષથી અહી સચવાયેલું છે. જેમાં જરા સરખી ગંધ નથી. જીવાતનો કોઈ ઉપદ્રવ નથી.
કામનાથ મહાદેવના ગર્ભસ્થાનમાં બે મોટી અખંડ જ્યોત આટલા જ
વર્ષોથી સતત પ્રજ્વલ્લિત રહી છે. તદુપરાંત શ્રાવણ મહિનો આખો મંદિરના પ્રાંગણમાં ઘી
હોમાત્મક યજ્ઞ રખાય છે. જેમાં કેટલુય ઘી હોમાવી દેવાય છે છતાં પણ વધારો અટકાવી
શકતો નથી.
પાંચ નદીઓના
સંગમસ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર ૧૪૪પમાં બન્યું હોવાની લોકવાયકા છે. આજથી
૫૭૫વર્ષ પહેલા આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો
પહેલા લાવ્યા હતા. તેઓ મહાદેવજીના ભકત જેસંગભાઇ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા
બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ જેસંગભાઇને સ્વપ્ન આવ્યું હતું. જેમાં મહાદેવજીએ
કહ્યું હતું કે, પુનાજ ગામેથી
દીવો પ્રગટાવીને મને લઇ આવ. આથી બીજી સવારે સ્વપ્નની વાત જેસંગભાઇએ ગ્રામજનોને કરતા સૌ
શ્રદ્વાપૂર્વક રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામે પહોંચ્યા હતા અને ત્યાંથી
દીવો પ્રગટાવીને સાથે લીધો હતો. કહેવાયછે તે સમયે વરસાદ અને ભારે પવન હતોછતાંયે
દીવો અખંડ રહ્યો. સંવત ૧૪૪પમાં દીવાની સ્થાપના કરીને નાની દેરી બનાવી હતી.
સંવત ર૦પ૬ના શ્રાવણ માસથી દર વર્ષે મહિના
દરમિયાન હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞ સવારે ૬ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા
સુધી ચાલે છે. જેમાં ઘીનો હોમ કરવામાં આવે છે. દિવસભર મોટી સંખ્યામાં ભાવિકજનો
યજ્ઞના દર્શનાર્થ આવે છે. ઉપરાંત શ્રાવણ વદ બારસના દિવસે શ્રી કામનાથ દાદાનો મોટો
મેળો ભરાય છે. ટ્રસ્ટની આગેવાની હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથીઅન્નક્ષેત્ર ચાલે છે
જ્યાં અહી દર્શનાર્થે આવતા ભક્તોને જમવાની વ્યવસ્થા પૂરી પડાય છે.
યાત્રા આગળ વધી ગણપતપુરા તરફ. ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે ૨૦ કિલોમીટર તેમ જ જિલ્લા મથક અમદાવાદથી ૬૨ કિલોમીટર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બગોદરાથી ૧૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.
આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય
છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય
છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. આ ઉપરાંત એક
દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ જેટલી ઊંંચી છે.
આ જગ્યાએ દુદા
ભરવાડ અને ગોકળની શક્તિમાતાની સ્થાપના કરી હતી ત્યાં ગાડામાંથી ગણપતિદાદાની મૂર્તિ
આપોઆપ નીચે ઊતરી ગઇ હતી. ત્યારથી આ ટેકરાનું નામ ગણપતિપુરા પડ્યું. એ જ દિવસે અને
એ જ તિથિએ અરણેજમાં બુટભવાની માતાજી પ્રગટ થયેલાં અને તેમના પૂજારી અંબારામ
પંડિતના નામ ઉપરથી અરણેજ નામ પડેલ. ગણપતિપુરામાં દર
માસની વદ ચોથના દિવસે ગુજરાત તેમજ બહારનાં રાજ્યોમાંથી અહીંયા બેથી અઢી લાખ લોકો દર્શને આવે છે. અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા-પાણી
અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે. ઉત્તમ રીતે કરાયેલું મંદિરનું પુનરાનિર્માણ ખુબ સરસ છે.દર્શન આયોજન પણ ખુબ
સુંદર છે
ગણપતિપુરાથી
અરણેજ બુટભવાની માતાનું મંદિર પાંચ કિ.મી આવે છે
બુટભવાની માતાજીના ઈતિહાસ વિશે એમ કહેવાય છે કે બુટભવાની
માતાજી ચારણ કુળમાં પ્રગટ થયેલાં. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડામાં બાપલ દેથા
ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાજીના ભક્ત હતા અને આઈશ્રી દેવળબાને ત્યાં એમ
ત્રણે દીકરીઓ પ્રગટ થયેલાં તેમાં બુટભવાની માતાજી તેમજ બલાડ માતાજી તેમજ બહુચર
માતાજી. એ રીતે જોવા જઈએ તો બુટભવાની માતાજી ભાલ પંથકમાં પ્રગટ થયેલાં
બુટભવાની માતાજીનો ઇતિહાસ ગુજરાતના આસ્થા અને ચમત્કારો સાથે
જોડાયેલો છે.
પ્રાગૈતિહાસિક
ઉત્પત્તિ: આ મંદિરનો ઇતિહાસ પાંડવો અને માતા કુંતી સાથે જોડાયેલો હોવાનું માનવામાં
આવે છે. પાંડવો વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા અને માતાજીની પૂજા-આરાધના કરી હતી.
તે સમયે આ વિસ્તારમાં ગાઢ જંગલ હતું, જેથી માતાજી 'અરણેજ' તરીકે ઓળખાયા.
બુટભવાની માતાજીના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત
ચમત્કાર અંગ્રેજ શાસનકાળ દરમિયાન બન્યો હતો. એવું માનવામાં આવે છે કે તે સમયે
અમદાવાદ-બોટադ રેલવે લાઇન નાખવામાં
આવી રહી હતી અને માતાજીના મંદિરને તોડવાનું નક્કી કરાયું હતું. ત્યારે માતાજીના
પરચાથી પાટા પરથી પસાર થતી ટ્રેન અચાનક આપમેળે ઊભી રહી ગઈ હતી અને અંગ્રેજ
અધિકારીઓએ પણ માતાજીની શક્તિ આગળ ઝૂકીને મંદિરને નુકસાન પહોંચાડવાનું માંડી
વાળ્યું હતું.
ભવ્ય મૂર્તિ અને
મંદિર પુનરાનિર્માણ ખુબજ સુંદર છે.દર્શન કરીને ધન્ય થઇ જવાય.
અહીંથી આગળ
યાત્રા મોગલધામ ભાયલા . અમદાવાદ જિલ્લાના
બાવળા તાલુકામાં આવેલું મોગલધામ ભાયલા આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચીન અને રોચક
ઇતિહાસ ધરાવે છે। આ જગ્યા ભાલ અને નળકાંઠા વિસ્તારમાં આસ્થાનું મોટું કેન્દ્ર છે.આ
પવિત્ર ધામના ઇતિહાસની મુખ્ય વાતો નીચે મુજબ છે:
જિંડવાવાળી મોગલ:
ભાયલા ગામમાં વર્ષો પહેલા એક ચારણ પરિવાર રહેતો હતો, જેમના કુળમાં આઈ શ્રી મોગલ માતાજી 'જિંડવા' સ્વરૂપે બિરાજમાન
હતા. ગામના અમુક ઈર્ષાળુ અને માથાભારે લોકો દ્વારા આ ચારણ પરિવારને સતત હેરાન
કરવામાં આવતો અને તેમની જમીન-મકાન પચાવી પાડવાના પ્રયાસો થત. હેરાનગતિથી કંટાળીને ચારણ પરિવારે આખરે ભાયલા ગામ છોડીને
બીજે સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો. તે સમયે માતાજીને આ પરિસ્થિતિ સોંપી ગયા.
પાછળથી જ્યારે
અત્યાચારીઓએ તેમના ઘરમાં પશુઓ બાંધવા અને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કર્યા, ત્યારે માતાજી
કાળઝાળ બન્યા અને તે જગ્યાએ તેમના પરચા જોવા મળ્યા. આજે એ જ ઐતિહાસિક અને
ચમત્કારિક જગ્યા ‘મોગલધામ ભાયલા’ તરીકે ઓળખાય છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. મંદિર પરિષર માં
શણગારેલા બળદ વાળું ગાડું , વિશાળ ગરુડ પર
વિરાજમાન શ્રી વિષ્ણુ અને હિંચકે ઝૂલતા
શ્રીહરિ વગેરે વિશેષ આકર્ષણ પ્રેરે છે.મંદિર તરફથી દર્શાર્થીઓએ ચા અપાય છે..
યાત્રા પૂર્ણ કરીને મોડી સાંજે તો ઘેર અમદાવાદ પણ આવી
જ્વિગયા.યાત્રા હોય ને ભવ્ય મંદિરોમાં પ્રત્યક્ષ દર્શન થયા હોય એટલે થાકનું તો
નામનિશાન હોય જ નહિ. પુરુષોત્તમ માસમાં
અચાનક જ ગોઠવાયે આ યાત્રા ખરેખર તો ઈશ્વર પ્રેરિત જ હોય તેવી અનુભૂતિ થઇ.અને એમાંય
કચ્છ અંજાર નિવાસી શ્રી ભરતભાઈ અને કલ્પના બહેન નો સંગાથ પણ ઉત્તમ નિમિત્ત બન્યું.ખાસ તો કોઈ ટ્રાવેલવાળા
યોજના બનાવે ને એના જ આયોજનને માર્ગદ્રશક બનાવીને જાતે યાત્રા ગોઠવાઈ એ યોગાનુયોગ
પણ અદભુત જ ગણાય.જય પુરુષોત્તમ ભગવાન
વિશેષ નોંધ ;અમે જે
પવિત્રધામોના દર્શન કર્યા તેના દર્શન કરવા
હોય તો ફોટા સાથે જોવા બ્લોગ પર જશો.
mankaddinesh.blogspot.com