Readers

Tuesday, December 30, 2025

ભદ્રંભદ્ર ની આત્મકથા

                                        

                                             ભદ્રંભદ્ર ની આત્મકથા

            હા હું ભદ્રંભદ્ર ,એકસો પચીસ વર્ષનો થયો.ગુજરાતના લેખક રમણભાઈ નીલકંઠના મનોદર એટલે કે મન રૂપી ઉદરમાં જન્મ્યો તે વખતે  મારા પિતાતુલ્ય રમણભાઈને વિચાર આવ્યો કે  અંગ્રેજોની ગુલામીમાં બિચારો ગુજરાતી જરાય હસતો નથી.લાવને જરા પ્રયત્ન કરું.અને  એમણે ગુજરાતની પ્રથમ કદાવર સ્વરૂપની હાસ્ય નવલકથા લખી .અને એના મુખ્ય પાત્ર તરીકે મારો જન્મ  થયો.

            આમ તો મારા ફોઈએ મારુ નામ દોલતશંકર પડેલું પણ મારા પિત્તાશ્રી એ કહેલું કે તારે જીવનભર ગુજરાતી કે સંસ્કૃત સિવાય એક શબ્દ પણ બોલવાનો નથી.હવે દોલત શબ્દ તો અરબો ભાષાનો એટલે તરત જ  મને મારુ નવું નામ ભદ્રંભદ્ર  મળ્યું..આ સંસ્કૃત શબ્દનો અર્થ છે સારામાં સારું.



           હું 125 વર્ષનો થયો .મારે અનેક અનેક દુઃખ વ્યથા છે પણ છતાં હું જીવીશ જ્યાં સુધી એક ગુજરાતી ભાષાપ્રેમી જીવશે ત્યાં સુધી જીવીશ..જો કે મારી સમસ્યાઓ આજની નથી .વર્ષો પહેલાથી છે.મારી વ્યથાને લેખક ચંદ્રકાન્ત બક્ષીએ તેમના એક પ્રહસન ' દેડકાની પાંચ શેરી'માં વાચા આપી છે. વાત જાણે એમ છે કે એક વાર કવિ વિજયરાય વૈદ્ય બોમાર પડયા.સહુ કવિ લેખક તેમની ખબર પૂછવા ભેગા થયા. પણ આ તો લેખકો હતા. ચડી ગયા ચર્ચાએ ..આનંદશંકર ધ્રુવે સંસ્કૃત  મહાકાવ્ય  ગીત ગોવિંદ નો ગુજરાતી અનુવાદ સંભળાવવાનું શરુ કર્યું. ને  બધાને ઝીલવા કહયું.' લલિત લવંગ લતા પરિશીલન ,કોમય મલય સમીરે, મધુકર નીકર  કરંભિત કોકિલ,કૂંજાતી કુંજ  કુટીરરે  ' ભારેખમ પ્રાસ સાંભળીને કવિ કાન્ત અકળાયા ,બંધ કરો આ તો લટપટ લટપટ બોલતા જીભ મારી તૂટી રે.' નરસિંહરાવથી રહેવાયું નહિ .' તમારા આ સંસ્કૃતના અનુવાદ કરતાં અમારો  આ અંગ્રેજીનાં ' Liad me kindly  to the Light ' નો ગુજરાતી અનુવાદ કેવો બધાને   મોઢે ચડી ગયો છે.?'  અહીં વિજયરાયની ખબર પૂછવાનું તો બાજુએ રહ્યું.અને બધા બાખડી પડ્યા.મિત્રો , બક્ષી સાહેબે એમાં મારા મનની વાત કરી છે., એમાં મારી ગુજરાતી ભાષા નું શું ?

            વખતે ઘણા લેખકો અંગ્રેજી ભાષાના  એટલા તો પ્રભાવમાં  હતા કે ન પૂછો વાત.રત. તમને આશ્ચર્ય થાય તેવી એક વાત કરું. આપણા જાણીતા કવિ બળવંતરાય ઠાકોર -બ.કે.ઠા એ એકવાર રાષ્ટ્રપિતા ગાંધીજીને અંગ્રેજીમાં પત્ર લખ્યો.પત્ર જોઈને બાપુ તો એટલા નારાજ થયા કે તરત જ બ.કે.ઠા ને ઉત્તર લખ્યો કે ,' એક ગુજરાતી બીજા ગુજરાતીને અંગ્રેજીમાં કેમ પત્ર લખે.? મારુ ચાલશે તો આઝાદી મળ્યા પછી આવી ભૂલ કરનાર ને હું છ માસની કેદની સજા આપવાની સલાહ આપીશ.

          'અંગ્રેજી માધ્યમની શાળાઓ વધી ત્યારથી તો મારી  સમસ્યા અનેકગણી વધી ગઈ છે.પેઢીઓથી વર્ષો સુધી શુદ્ધ  ગુજરાતી બોલતા પરિવારમાં બધા સાચું ખોટું મિશ્રિત ભાષામાં બોલતા થઇ ગયા છે.રસ્તે ચાલતા માં એના દીકરાને કહે ,બેટા મારી ફિંગર પકડ ,સામે કાઉ આવે છે.' નાનું બાળક નક્કી ન કરી શકે કે એમાં કયો શબ્દ મારી માતૃભાષાનો છે. અરે ત્યાં સુધી  કે  શાળાઓ પણ ઘેર વધારે સમય અંગ્રેજી બોકવાની સલાહ આપે 

         મિત્રો માની પણ ન શકો એવો પ્રસંગ તમને જાણવું.જાણીતા કવિ તુષારભાઈ શુક્લએ કહેલો એક પ્રસંગ યાદ આવે છે.એમના એક નિકટ સ્નેહીનો પુત્ર અમદાવાદની એક મોટી અંગેજી માધ્યમની શાળામાં ભણતો હતો.એક દિવસ  બાળકના વાણીને એક દિવસ એક પત્ર મળ્યો ,'  આપનું બાળક શાળા પરિસરમાં ગુજરાતી બોલે છે ,જે શાળા નિયમ વિરુદ્ધ છે .જેથી સજા શુલ્ક રૂ 1000/- રૂબરૂ આવીને ભરી જશો.'  વાલી તો શાળાએ કોરો બેન્ક નાણાં માંગણી પત્ર  લઈને ગયા.આચાર્યને મળ્યા ને કહ્યું,' ગુજરાતી તો અમારી માતૃભાષા છે.મારો દીકરો આપના શાળા પરિસરમાં ગુજરાતી વારંવાર બોલી તમારા શાળાના નિયમનો ભંગ કરશે.એટલે બધું શાળા શુલ્ક એક સાથે લઇ લો.મારે વારંવાર ધક્કો ન પડે. 

            'મિત્રો સમય અને આવશ્યકતા અનુસાર ચાલવું પડે એની ના નહિ પણ ત્યાં વ્યવહાર બુદ્ધિ તો વાપરવી પડે કે નહિ ?  માનનીય પ્રધાનમંત્રી ખુબ સાચી વાત કરે છે ,' અંગ્રેજીનો પ્રભાવ પણ નહિ અને અભાવ પણ નહિ.'

            હકીકતમાં મિત્રો આપણે ગુજરાતીઓ કેટલાં ઊંચાં મનના છીએ.! કોઈ એક રૂપિયો આપે તો આપણે તેને લખી આપીએ ' રૂપિયો એક પૂરો મળ્યો છે.' અને ભુરીયા અંગ્રેજોએ આપણને કેવી ટેવ  પાડી ? કોઈ પાસેથી લાખ રૂપિયા મળે તો લખી આપીએ ,' Received Rupees One Lac Only .' પણ હવે આપણી સંકુચિતતા પણ વધી જ ગઈ છે.રાજા માટે વપરાતો શબ્દ 'મહારાજ' આપણે રસોયા માટે વાપરતા થઇ ગયા.'ગુરુ ',દાદા જેવા માનાર્થ શબ્દો ગુંડા અને મવાલી માટે વપરાય .

           જેના લાખો દર્શકો છે તેવા દૂરદર્શનના સમાચાર વાચકો અને ઉદ્ઘોષકો જયારે  ખોટા શબ્દ અને અશુદ્ધ ઉચ્ચારો કરે ત્યારે મને કાળજામાં કોઈ મહારોગ થયો હોય તેમ અનુભવાય .

           એમાંય જ્યારથી વોટ્સએપ આવ્યું છે ત્યારથી તો મારી વ્યથા અસહ્ય થઇ ગઈ છે Eng રાતી અને  ગુજlish  વપરાય ત્યારે લખનારો તો ફટાફટ લખી નાખે પણ વાંચનારો બે વાર વાંચે ત્યારે સમજાય.કેટલીયે વાર અનર્થ પણ થાય.'Have ame bagger valaa thaya ' માં ba gger  એટલે બે ઘરના મલિક કે ભિખારી ?  શું સમજવું ?

          છતાં મિત્રો ભલે હું સવાસોનો થયો પણ હજી ઘણું જીવવાનો છું.કારણકે મારી ગુજરાતીને સમૃદ્ધ બનાવનારા અનેક લેખક કવિ ખુબ સરસ લખે છે અને સરસ મજાના  સ્વરકારો અને ગાયકો સુમધુર ગુજરાતી ગીતો માં ગુર્જરી ના આકાશમાં વહેતુ કરે ત્યાં સુધી હું જીવીશ જ. ચાલો હવે મારે વીર નર્મદની ભૂમિ પર જવાનું છે .ત્રિચક્રી વાહન આવી ગયું છે.અને અગ્નિરથ વિરામસ્થાન પર પહોંચવાનું છે.આવજો.જય ગુજરાતી જય જય ગુજરાત.

Friday, November 21, 2025

ઝુકરબર્ગને પત્ર

                                 

                                                ઝુકરબર્ગને  પત્ર               

                                                                   

         વહાલા ઝુકરબર્ગભાઈ ,

        સવારના સુપ્રભાત. આ પત્ર શુદ્ધ ગુજરાતીમાં લખું છું. અમારે ગુજરાતમાં  બે  પ્રકારની ગુજરાતી ભાષા વપરાય છે. ગુજ lish અને Eng રાતી . .અમે જયશ્રી કૃષ્ણ ને બદલે JSK અને you are  બદલે ur  લખીએ છીએ .તમને સમજાય તેવું  Meta Translater થી અંગ્રેજીમાં અનુવાદ કરી લેશો..

        અમારા વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા આપનું સન્માન કરવા ઇચછીએ છીએ.તે માટે અમારું નિમંત્રણ સ્વીકારશો.આપે અમારા ઉપર એટલે કે વરિષ્ઠ નાગરિકો પર એટલા તો ઉપકાર કર્યા છે કે અમારે કદર  રૂપે આપણું સન્માન કરવું જ જોઈએ. અમારી આ ઉંમરે ઉભી થતી અનેક અનેક સમસ્યાઓનો તમે  વોટ્સએપ અને ફેસબુકની શોધ કરીને નિવારણ કરી દીધું છે.



         પહેલી સમસ્યા સમય પસાર કરવાનો છે.વાહનો વધ્યા એટલે ટ્રાફિક વધ્યો..એટલે નથી અમે ચાલવા જઈ શકતા કે નથી પુસ્તકાલયમાં..ટ્રાફિકને લીધે મિત્રોને મળવા પણ નથી જવાતું.. દેવદર્શન પણ નથી જવાતું.તમારા વોટ્સએપને લીધે આ મોટી સમસ્યા હલ થઇ ગઈ છે.દિવસ આખો ક્યાં નીકળી જાય છે તેની ખબર પડતી નથી.અમારા મંડળના કેટલાયને ખુબ વહેલા ઉઠવાની ટેવ  હોય એટલે સવારના ચાર પાંચ વાગ્યાથી જ 'સુપ્રભાત 'અને દેવદેવીઓના રંગબેરંગી અને અવનવા ફોટાઓ પોતાના અનેક મિત્રોને ફોરવર્ડ કરીને સેંકડોની સવાર સુધારે છે. સમય અને નાણા વેડફાયા વગર રોજેરોજ કાશી વિશ્વનાથ થી માંડીને રામેશ્વરમના લાઈવ આરતીના દર્શન ઘેર બેઠા થાય છે.અને તે પણ તમારે લીધે.અમારું અડધું પુણ્ય તો તમને જ મળશે.


            બીજી સમસ્યા તે આરોગ્યની અને તબિયતની.સ્વાભાવિક છે કે હવે શરીરમાં નાની મોટી તકલીફો થાય.પણ વોટ્સએપ અને ફેસબુકમાં અનેક અનેક નુસખા આવે છે અને ડોક્ટર પાસે જવાની જરૂર નથી પડતી.અને કરવા પડતા મોટા મોટા તબીબી ખર્ચાઓમાંથી મુક્તિ મળી ગઈ છે. વોટ્સએપમાં નુસખાઓ એટલા બધા આવે છે કે એક લાગુ ન પડે તો બીજો હાજર જ હોય. હા ,ક્યારેક ક્યારેક તેની અવળી આડઅસર પણ થાય ખરી પણ આ ઘેર બેઠા મફતિયું મળતું હોય તો થોડું સહન કરવાની તૈયારી તો રાખવી જ પડે ને ?



         ત્રીજી સમસ્યા તે ખાવા પીવાની.અમે જુના ભારતીય એટલે વર્ષોથી એક સરખું જ ખાવા વાળા જીભ એકસરખું ખાઈને કંટાળી ગઈ છે ,.પણ હવે તો ઘરના મહિલા સભ્યો વોટ્સએપ અને ફેસબુક પર થી જોઈને રોજ અલગ અલગ વાનગીઓ બનાવે છે .મેક્સિકન ,ઇટાલિયન ચાઇનીસ વગેરે વગેરે .લાગે છે કે ધીમે ધીમે ગુજરાતી થાળી જમવા વિદેશ પ્રવાસ કરવો પડશે.


ચોથી સમસ્યા તે શોખ પુરા કરવાની.નથી ક્યાંય જવાતું કે નથી ગવાતું.અને  ઘરમાં એકલા  એકલા ગાવાની મજા પણ શું આવે ? શ્રોતા વગર  ગવાય ખરું ?  પણ  તમારી વોટ્સએપ ફેસબુકની શોધે તો કમાલ કરી દીધી છે.મન મૂકીને ગાયા પછી ફેસબુક પર મૂકીએ ને હજારો લાઈક, કોમેન્ટ આવે .આટલો સંતોષ અને આનંદ તો ભલભલા જાણીતા ગાયકોને પણ નહિ મળતો હોય.એમાંય તેમારા મિત્ર સ્ટારમેકર વાળા એ કેરાઓકેની શોધ કર્યા પછી તો અમારી જિંદગી જ બદલાઈ ગઈ છે.



          અમારા માના ઘણાનો રાજકારણની ચર્ચાનો છે.. મોટા મોટા મંત્રીઓને સાચી સલાહ દેવાનું મન થાય .ભ્રસ્ટાચારની ટીકા કરવાનું મન થાય..ભેગા મળીએ ત્યારે કાં તો સમય ખૂટે નેને કાં તો ચર્ચા ઉગ્ર સ્વરૂપ પકડે.પણ તમારા ફેસબુકથી અમે  બધો ઉભરો કાઢી શકીએ અને રાજકીય નેતાને પણ ફાવે તેમ કહી શકીએ.છીએ. એમાં પ્રતિભાવ કે પ્રતિકારની ચિંતા જ નહિ.

          હમણાં હમણાં વાર તહેવારખાસ કોઈ ઘેર આવતું નથી.એમાંય તમારું વોટ્સએપ આવ્યા પછી તો સૌ બંધ.અરે નવા વર્ષે પણ મીઠાઈ ડ્રાયફ્રુટ ને મુખવાસ તો સાવ બચ્યા.બેસણા ઉઠમણા ની વિગત વોટ્સએપ કે ફેસબુકમાં આવે એટલે લાગણીસભર કોમેન્ટ કરી દેવાની એટલે રૂબરૂ જવાનો ધક્કો પણ બચે.જુઓને અમારા મંડળના મોહનલાલનો દીકરો હમણાં જ પરણ્યો. એણે પ્રસંગમાં માં  કરકસર કરવા કંકોત્રી છપાવી જ નહિ.વોટ્સએપ ઝિંદાબાદ.{ જો કે દીકરાએ પ્રિ વેડિંગમાં ખર્ચ કર્યો એનો જીવ મોહનલાલ અમારી પાસે બાળતો હતો.}



           અમારા માના કેટલાક તો એવું વિચારે છે કે ભગવાનના મંદિરમાં તમારો ફોટો મૂકીને 



રોજ આરતી ઉતારવી પણ આરતી કઈ આરતી અને કઈ ભાષામાં ઉતારવી તે નક્કી થતું નથી.એટલે હાલ ફોટો મુકવાનું માંડી વળ્યું છે. આશા રાખીએ તમે અમારા નિમંત્રણને સ્વીકારીને જરૂર પધારશો.

                                                                     લિખિતંગ   વરિષ્ઠ નાગરિક  મંડળ


Friday, November 7, 2025

યાત્રા રાજ ભૂમિ -- રણભૂમિ

                                            

                                                              રાજ ભૂમિ -- રણભૂમિ

           દિવાળીના તહેવારોનો આનંદ વખતે થોડો વિશેષ રહ્યો કારણકે દિવાળીના સપરમા દિવસે ભુજ હાટકેશ્વરની સવારની 5.30 ની મંગળા આરતી માણી.

            .તહેવારો પૂર્ણ થયા પણ સંવત 2082 નો પ્રારંભ થોડો વિશેષ માણવાનું આયોજન થયું.અમારું અને પાર્થના નિકટ મિત્ર કેદાર પરિવારનું રાજસ્થાન -જેસલમેર ,જોધપુર પ્રવાસનું આયોજન થયું.અમારું ગ્રુપ અગાઉ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી ' વખતે પણ સાથે હતું એટલે ફરી સાથે મળવા -માણવાની વિશેષ ઉત્કંઠા હતી. પાર્થ ,કેદારનું સુંદર પૂર્વ આયોજન હતું એટલે સાવ નિશ્ચિંન્ત હતાં .અમે { દિનેશ ,રંજના ,પાર્થ ,ગ્રીવા શર્વાણી અને પરાર્ઘ્યા } અને જનકભાઈ પરિવાર { જનકભાઈ ,મીનાબહેન ,કેદાર ,ફોરમબહેન,અન્વેષા ,કૃષ્ણવી ,સિદ્ધાર્થ ,હિનાબહેન, અને આશ્વી -10 મોટાં અને 5 બાળકો } સાથે જોડાયાં . ભાઈભીજના બીજા દિવસે 24 મી ઓક્ટોબર 2025 ના સવારે સાબરમતી -જોધપુર ના 3 A .C માં સવારે 7 વાગ્યે બેસી અમારો પ્રવાસ શરુ થયો. સાંજે રાજસ્થાનના જોધપુર શહેરમાં પગ મુક્યો.

           ટેમ્પો ટ્રાવેલ હોટેલ ઉમેદ તરફ હંકારી ગયા.અનેક સુવિધવાળો રિઝોર્ટ ખુબ સરસ હતો  અમદાવાદથી 444 કી.મી દૂર આવેલું જોધપુર શહેર રાજસ્થાનના મુખ્ય શહેરોમાંનું એક છે..16 લાખની વસ્તી ધરાવતું જોદ્ધપુર ઉત્તર પશ્ચિમ નું બીજા નંબરનું શહેર છે.તે 'બ્લ્યુ સીટી ' તરીકે ઓળખાય છે. સમયની અનુકૂળતા હતી એટલે વિશાળ  ' મેન્ડોર ગાર્ડન ' તરફ ગયા..મોડી સાંજ હોઈ આખો ગાર્ડન જોવો શક્ય નહોતો પણ  જોધપુરની ગાથા દર્શાવતો 'લાઈટ એન્ડ સાઉન્ડ શો '' જોયો.

            .. 6 થી સદીમાં રાઠોડ પ્રતિહાર રાજવંશનું પ્રભુત્ત્વ ધરાવતું મંડોર જાહોજલાલી વાળું હતું. .તેની સ્મૃતિમાં ગાર્ડન વિકસાવાયું છે.રાજસ્થાનના અન્ય રાજ્યોના આંતરિક કલહ નો અને શૂરવીરતાનો  વિસ્તૃત ઇતિહાસ લાઈટ સાઉન્ડ દર્શાવાયો છે. આખરે ... 1459 માં મારવાડ રાજ્ય ના રાજપૂત રાજા રાવ જોધાએ તેની સ્થાપના કરી.અને 11 ની ઓગસ્ટ 1947 ના રોજ  તત્કાલીન  રાજા હાણવન્ત સિંહ દ્વારા ભારત ગણમાં તે ભળી  ગયું


           બીજા દિવસે  25 મી ઓક્ટોબરના જોધપુરના અતિ વિશાળ રાજમહેલ ' ઉમેદ ભવન પેલેસ' ની મુલાકાતે .વિશ્વના સૌથી મોટા ખાનગી રહેઠાણ તરીકે સ્થાપિત મહેલનો કેટલોક ભાગ 'હોટેલ તાજ ' તરીકે ઉપયોગમાં છે.347 ખંડ ધરાવતો મહેલ સંગ્રહાલય અને વર્તમાન રાજાના રહેઠાણ તરીકે ઉપયોગમાં લેવાય છે.મહેલના બાંધકામ માટે પણ એક ઇતિહાસ છે.કોઈ સંતની અગમ વાણી હતી કે  રાઠોડ રાજા પ્રતાપસિંગ ના શાસન પછી મોટો દુકાળ પડશે.અને બન્યું પણ તેવું જ.તેમના ગયા પછી રાજ્યમાં ખુબ લાંબા સમય સુધી ભીષણ દુકાળ પડ્યો.તત્કાલીન રાજા ઉમેદસિંહ એ લોકોને આર્થિક સહાય મળી રહે તે માટે વિશાળ મહેલ બાંધવાનો નિર્ણય કર્યો. સેંકડો પ્રજાજનોને રોજી પ્રાપ્ત થઇ.અને પોતાનો વૈભવી મહેલ પણ બંધાઈ ગયો.રાજા ઉમેદસિંહ ને સંગ્રહનો ભરી શોખ હોય એવું દેખાતું હતું. વિવિધ દેશી અને વિદેશી વસ્તુઓનો મોટો સંગ્રહ અને વિવિધ મોડેલની વિવિધ કારો અહીં છે.

          જોધપુરનો બીજો મોટો કિલ્લો તે મેહરાનગહંધ કિલોઓ . રાવ જોધાએ 1459માં બંધાવેલો  મેહરાનગઢ  કિલ્લો એ દેશના સહુથી મોટા કિલ્લાઓમાં સ્થાન ધરાવે છે.1200 એકરના પરિસરમાં 122 મીટર નો ઘેરાવો ધરાવતો આ કોલલો સાત પ્રવેશદ્વાર ધરાવે છે. જેમાનું મુખ્ય પ્રવેશદ્વાર 'જય પોળ ' એ 1806માં તત્કાલીન રાજા માનસિંહે પોતાના જોધપુર બિકાનેર પર વિજયની સ્મૃતિ પ્રતીક તરીકે બનાવેલ છે. સંગ્રહાલય ઉપરાંત  વિવિધ નામધારી  મહેલો જેવાકે મોતી મહેલ,ફૂલ મહેલ,શીશ મહેલ ,સિલેહ ખાના,દૌલત ખાના .મહેલના ઝરૂખાઓ પણ વિશેષતા ધરાવતા છે. અહીં ચામુંડા માતાનું મોટું મંદિર પણ છે. આ કિલ્લા સાથે કોઈ પક્ષીઓના દેવતાની કથા પણ જોડાયેલી છે .{ અંગત નોંધ -મેં  આ કિલ્લો પ્રત્યક્ષ અંદર જઈને જોયો નથી .માહિતીના આધારે લખ્યું છે  એટલે અધુરાશ હો શકે.}

      26 મી ઓક્ટોબર સવારે જેસલમેર તરફ પ્રયાણ .માર્ગમાં પોખરણ ગામ આવ્યું.આ એ પોખરણ જ્યાં ભારતે પ્રથમ  અણુ  વિસ્ફોટનો પ્રયોગ કરેલો. 'હસતા બુદ્ધ 'ના કોડ -સંદેશ સાથે  પરમાણુના વિશ્વ શાંતિ અને ઉપયોગીતાના વિચાર સાથે 18 મી 1974 ના રોજ  પોખરણ ની ટેસ્ટ રેન્જમાં આ પ્રયોગ કરાયેલો. વિશ્વમાં પરમાણુ પ્રયોગમાં ભારતનું સાતમું સ્થાન હતું.તે સમયે ભારતનું સુકાન વડાપ્રધાન શ્રીમતી  ઇન્દિરા  ગાંધી નું હતું.આ રેન્જ BSF ના પ્રતિબંધિત વિસ્તારમાં હોઈ દૂરથી જોઈને સંતોષ માની લીધો.



         માર્ગમાં આગળ રણુજા ગામમાં રામદેવપીર રામદેવરાનું સમાધિ સ્થાન આવ્યું.

રામદેવપીર[નો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે.



           રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ)ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે. દર્શન માટે થોડી ભીડ હતી પણ સરસ અને સરળ દર્શન થયાં.   જેસલમેર  મોડી સાંજે પહોંચ્યા એટલે હોટેલ SKK The Fern An Ecotel Hotel, Jaisalmer ખાતે જ વિરામ

           27 ઓક્ટોબર સવારે જેસલમેર ની સાંકડી ગલી ઓમાથી પસાર થઈને પરંપરાગત શહેરની મજા માણી. જયપુર ગુલાબી નગર ,જોધપુર બ્લ્યુ શહેર અને આ જેસલમેર ગોલ્ડાન સીટી -સોનેરી શહેર તરીકે ઓળખાય છે.અંદરના બધા જ મકાન સોનેરી -પીળા રંગથી  રંગેલા.એક વિશેષ પરંપરા તો ઉડીને આંખે વળગી.કોઈ ઘેર શુભ પ્રસંગ જેવા કે લગ્ન કે કોઈનો જન્મદિવસ હોય તો બહારની દીવાલ પર ખુબ સરસ રીતે દોરેલા રંગીન ગણપતિ ,અન્ય દેવ દેવી અને ખાસ તો પરિવારના સભ્યોની જન્મ તારીખ  આવા અનેક ઘર જોવાનો લહાવો મળ્યો.અંદરના શહેરના  કેટલાક પ્રાચીન મકાનો -હવેલીઓ જોવા લાયક છે.



            નથમલની હવેલી    રાજસ્થાનની સ્થાપત્ય કલાનો અદભુત નમૂનો છે આખી હવેલી સોનેરી રેતીમાંથી બનાવેલી છે.19  સદીના શરૂના ગાળામાં તત્કાલીન રાજા ગુમાનસિન્હ માટે એક હવેલી બનાવવાનું કામ જેસલમેરના ખ્યાતનામ સ્થાપત્યકાર  ભાઈઓ હાથીસિંહ અને લુલુને સોંપાયું.શરત એ હતી કે હવેલીનો એક ભાગ એક ભાઈ બનાવે અને બીજો ભાગ બીજો ભાઈ  બનાવે ,પણ  બનાવતી વખતે કોઈએ કોઈનો બનાવેલો ભાગ જોવાનો નહિ..જોતી વખતે સ્પષ્ટ ખ્યાલ આવે કે હવેલીના બને ભાગ  જુદા  દેખાય પણ બંનેમાં અદભુત કલા દેખાય.


              આગળ એક વધુ હવેલી ' પટવા હવેલી ' તરફ ગયા.ઈ.સ. 1805 અને 1860 માં જેસલમેરના અતિ સમૃદ્ધ જૈન ગુમાનચંદ પટવા દ્વારા તેમના પુત્રો માટે આ હવેલી બનાવેલી છે. રેતીના  પથ્થરોમાંથી વિશાળ પાંચ મોટા મકાનોનો આ સમૂહ છે.જેસલમેરના વિશેષ સ્થાપત્યોમાં આની ગણના થાય છે.



          જેસલમેર કિલ્લાની મુલાકાતે દુનિયામાં ખુબ ઓછા એવા કિલ્લા છે જેમાં લોકો પણ રહે છે .અત્યારે પણ ચારેક હજાર લોકો તેમાં રહે છે જેમાં મોટા ભાગના બ્રાહ્મણ અને રાજપૂત છે...1156  માં ત્યાંબા રાવલ રાજા જેસલે બંધાવેલો કિલ્લો રાજસ્થાનનો બીજા નંબરનો મોટો  કિલ્લો છે.' સુવર્ણ દુર્ગ ' તરીકે ઓળખાતા કિલ્લાને .. 2013 માં કંબોડીયા ખાતે ભરાયેલ વિશ્વ વારસા બેઠકમાં યુનેસ્કો દ્વારા ' વિશ્વ વિરાસત 'માં સમાવેશ કરવા માં આવ્યો છે.{ હું અને જનકભાઈ કોર્ટમાં ગયા.એટલે કદાચ થોડી માહિતી ઓછી પણ હોઈ શકે.} આગળ જેસલમેર તળાવ તરફ.'ગોડીસર ' તરીકે ઓળખાતું વિશાળ સરોવર હાલ પણ જેસલમેર શહેરને પાણી પૂરું  પાડે છે.1156 માં રાવલ જેસલે બંધાવેલ જેને 1367 માં રાવલ ગોડી ફરી બંધાવ્યું .

             હવે જૈસલમેરના ' વોર મ્યુઝિયમ 'ની મુલાકાત તરફ. ઈ.સ. 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધની વિજયગાથાની સ્મૃતિમાં બનાવાયેલું છે.અગાઉ પાકિસ્તાનના બે ભાગ હતા.પશ્ચિમ પાકિસ્તાન અને આપણા બંગાળ પાસે નું પૂર્વ પાકીસ્તન.1971માં પૂર્વ પાકિસ્તાનને થતા અન્યાય સામે  પ્રજા એ બળવો કરીને પોતાનો અલગ દેશ બાંગ્લાદેશ જાહેર કર્યો.શેખ મુજીબુર તેના પ્રથમ વડાપ્રધાન બન્યા.ભારતે આ દેશને સ્વતંત્ર થવામાં ટેકો અને સહકાર આપ્યા .


            તેના રોષ સ્વરૂપે પાકિસ્તાનના પ્રમુખ યાયાખાનએ ભારતના રાજસ્થાનના જેસલમેર ક્ષેત્ર પર હુમલો કર્યો. લોન્ગેવાળા બોર્ડર પર થયેલા આ યુદ્ધને  દુનિયાના એક વિરલ યુદ્ધ તરીકે નોંધવામાં આવ્યું છે.4 ડિસેમ્બર 1971ની મોડી રાત્રે  અચાનક જ પાકિસ્તાનની 2000 થી 3000 સૈનિકો અને 40 ટેન્કો સાથે આપણી આ બોર્ડર પર  અણધાર્યો હુમલો કર્યો.એ વખતે  આ પોસ્ટ પર સામનો કરવા માટે મેજર કુલદીપસિંહ ચૌધરીની રાહબરીમા ફક્ત 120   શૂરવીર જવાનો ખુબ નજીવા શાસ્ત્રો સાથે હતા.આવી કટોકટીની સ્થિતિમાં એ વખતે ઉપરથી સૂચના મળી કે 'સામનો ન થાય તો પાછા ફરો.' પણ ભારતીય જાનબાઝ કુલદિપસિંહે સામનો કરવાનું સ્વીકાર્યું.વિશેષ લશ્કરી સહાય આવતાં પણ કલાકો  લાગ્યા છતાં. હિમ્મત પૂર્વક સામનો કરીને પાકિસ્તાનના સૈન્યને ચાર જ દિવસમાં તેના ઘર ભેગું કરી દીધું. 

         અમારી મુલાકાત વખતે રાત પડી હોઈ મ્યુઝિયમ બંધ થઇ ગયેલું પણ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં આ ગૌરવ ગાથા જોવા -સાંભળવાનો લ્હાવો લીધો.આપણા સનિનીકોએ જપ્ત કરેલી પાકિસ્તાની ટેન્ક સાથે ફોટા પડાવવાનો આનંદ લીધો. રાત્રે હોટેલ પરત.

          તારીખ 28 મી ઓકકટોબર.  લોન્ગેવાલા બોર્ડર પાસેના તનોટ માતા દર્શને ગયા.મામદિયા ચારણ ના પુત્રી અવાડ ,તનોટ માતા તરીકે પૂજાય છે.મામદિયાને કોઈ સંતાન ન હોઈ તેણે સાત વખત હિંગલાજ માતા ની પદયાત્રા કરી તેના પ્રતાપે તેમને સંતાનો થયાં.પુત્રી અવાડ ખુબ ધર્મિષ્ઠ હોઈ તેને સહુ હિંગલાજમાતા ના અવતાર તરીકે જ જોતાં.તેમની સ્મૃતિમાં ઈ.સ. 828 માં  ભાટી રાજા તનુ એ આ મંદિર બંધાવ્યું.આ મંદિર વિશેષ શ્રદ્ધાનું સ્થાન છે    

          એનું એક વિશેષ નોંધનીય કારણ પણ જાણવા જેવું છે.ઈ.સ. 1965 જયારે ભારત -પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાને આ મંદિર પર 3000 બૉમ્બથી હુમલો કરેલો.માતાજીના સંત થી કેટલા ય બૉમ્બ ટાર્ગેટ ચુક્યા ને બાકીના ફૂટ્યા નહિ.  મંદિર સુરક્ષિત જ રહ્યું.ઈ.સ. 1971 માં પણ પાકિસ્તાને આ મંદિર પર હુમલો કરેલ જેને ભારતીય વાયુદળે પડકાર્યો અને મંદિર સુરક્ષિત જ રહ્યું.હાલમાં મંદિર પરિસરમાં વિજય સ્મૃતિ સ્તંભ બનાવાયો છે અને ભારતીય  સેના મંદિરના સંચાલનમાં સહયોગ કરે છે.


               હવે લોન્ગેવાલા -ભારત પાકિસ્તાન  બોર્ડર પાસે જવાનું અહીં બોર્ડર જોવા ઊંચું 'વોચ ટાવર ' બનાવ્યું છે.આપણા ફરકતા વિશાળ રાષ્ટ્રધ્વજ ની પાછળ પાકિસ્તાનની બોર્ડર પણ દેખાતી હતી. હતું.પ્રદર્શનમાં ઈ.સ. 1971 ના યુદ્ધમાં સૈનિકોની શૂરવીરતા ,વિજયગાથા અને શહીદીના ચિત્રો અને વિગતો છે.વપરાયેલા શાસ્ત્રોનું પણ પ્રદર્શન છે.એક દસ્તાવેજી ચલચિત્ર { ડોક્યુમેન્ટરી } માં સાચા સૈનિકોની સ્વમુખે મુલાકાત ,સાહસ કથા અને ચલચિત્ર 'બોર્ડર ' ના સંકલિત અંશો વડે તૈયાર આ ડોક્યુમેન્ટરી યુદ્ધની વાસ્તવિકતા અને  સૈન્યની આત્મબળ અને દેશપ્રેમની ન્યોનછાવર થવાની ભાવનાનું અદભુત દર્શન કરાવે છે.


         મોડી સાંજે જેસલમેરના થાર રણ ના ટેન્ટ સિટીમાં પહોંચ્યા.ડબલબેડ ,એ.સી.ફ્રીઝ, ચા કીટલી , અને પૂર્ણ સુવિધા વાળો બાથરૂમ ધરાવતા ટેન્ટમાં રાત ગાળવાનો લહાવો છે.રાત્રીસભામાં રાજસ્થાની લોકગીતો અને લોકનૃત્યની ભરપૂર મજા માણીવૈવિધ્ય પૂર્ણ ગીતો ગાતા ગાયક,વાદ્ય અને લોક નૃત્ય કરતી કન્યાઓના મન મૂકી થતા ભાવ  પ્રગટ માં રાજસ્થાની  સાચી હલક  દેખાઈ  આવતી હતી.

 તારીખ 29 ઓક્ટોબર વહેલી સવારે  રણમાં ડેઝર્ટ સફારી  કરીને  સૂર્યોદય જોવાનો હતો. છ વાગ્યે બે ખુલી જીપ આવી ગઈ. સહુ ગોઠવાયાં. થાર રણની સફેદ રેતીમાં ઢુંવા ની ઉપર નીચે ,ઉબડ ખાબડ દોડતી જીપમાં ડર  અને મનોરંજન નો મિશ્ર આનંદ લીધો.  ની પહેલાં પૂર્વના આકાશમાં ઉષારાણીએ સૂર્યનારાયણના આગમનની છડી પોકારી દીધી હતી.આછાં આછાં વાદળ હતાં.તેમ છતાં  જોજન દૂર અફાટ રણની કાંધી એ સૂર્યદેવ એ ડોકિયું કર્યું.અમે સહુએ હર્ષભેર વધાવી લીધા.દૃશ્યને મોબાઈલમાં ઝડપી લેવા ઝપાઝપી કરી લીધી.કવિ કાન્ત ના કાવ્ય નું શીર્ષક  'સાગર અને શશી 'યાદ આવ્યું. ને સુઝયું તેનું  પ્રતિ શીર્ષક 'રણ અને સૂર્ય,'.અદભુત દર્સગં કર્યાં. ઊંટ પર માંકડ ન  બેસે તો કેમ ચાલે ? મેં ,રંજના એ ઊંટ સવારીનો લાભ લીધો



        ફરી ટેન્ટ પર આવ્યા.રાજસ્થાનની ભૂમિને વિદાય આપવાનો સમય આવી ગયો.સમાન પેક થયો.ટેમ્પો ટ્રાવેલર હાજર જ હતો. હજુ એક વિશેષ સ્થળ જોઈને જવાનું હતું.ટેન્ટ સિટીથી  જેસલમેર રેલવે સ્ટેશન જવાના  રસ્તે આશરે 13 કી.મી. દૂર ભૂતિયા શહેર 'કુલધારા ' પહોંચ્યા. ઈ.સ. 1291 માં પાલીવાલ બ્રાહ્મણો દ્વારા સ્થપાયેલ આ શહેર ખુબ સમૃદ્ધ હતું.રણ ની વચ્ચે પણ ખંતીલી પ્રજાએ પુષ્કળ ધન્ય ઉગાડેલું.પરંતુ  ઈ.સ. 1825  ની એક રાત્રીએ  એકાએક આ ગામ અને આસપાસના બીજાં 83 ગામમાં લોકો અદૃશ્ય થઇ ગયા. એક વાયકા અનુસાર સલિમસિંઘ નામના ભ્રષ્ટ  પ્રધાને ગામની દીકરી પર કુદૃષ્ષ્ટી કરી અને પરિણામે કોઈ અગમશક્તિએ ભૂમિને વેરાન બનાવી દીધી.અહીં ખંડેર મકાનો જોવા મળે છે


         .આગળ જતા રેલવે સ્ટેશન આવી ગયું.  જૈસલમર રેલવે સ્ટેશન પહોંચ્યા.બપોરના 3.30 વાગ્યાની ટ્રેન 30 મી ઓક્ટોબર સવારે સાબરમતી અમદાવાદ સ્ટેશન પર પહોંચી.દિવસો,પ્રસંગોને અને સ્થળોને વાગોળતાં  સ્વગૃહે પહોંચ્યા.    રાજસ્થાન રાજ્યની એક વાત ખાસ છે. રાજ્ય એ પોતાની લોક સંસ્કૃતિ ખુબ સરસ રીતે જાળવી રાખી છે.પ્રવાસમાં અમારા બંનેના પરિવારોમાં સુંદર સંયોજન હતું એટલે આખો પ્રવાસ ખુબ આનંદદાયક રહ્યો..દિનેશ લ. માંકડ