રાજ ભૂમિ -- રણભૂમિ
દિવાળીના તહેવારોનો આનંદ આ વખતે થોડો વિશેષ રહ્યો કારણકે દિવાળીના સપરમા દિવસે ભુજ હાટકેશ્વરની સવારની 5.30
ની મંગળા આરતી માણી.
.તહેવારો પૂર્ણ થયા પણ સંવત 2082
નો પ્રારંભ થોડો વિશેષ માણવાનું આયોજન થયું.અમારું અને પાર્થના નિકટ મિત્ર કેદાર પરિવારનું રાજસ્થાન -જેસલમેર ,જોધપુર પ્રવાસનું આયોજન થયું.અમારું આ ગ્રુપ અગાઉ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી ' વખતે પણ સાથે જ હતું એટલે ફરી સાથે મળવા -માણવાની વિશેષ ઉત્કંઠા હતી. પાર્થ ,કેદારનું સુંદર પૂર્વ આયોજન હતું એટલે સાવ નિશ્ચિંન્ત હતાં .અમે { દિનેશ ,રંજના ,પાર્થ ,ગ્રીવા શર્વાણી અને પરાર્ઘ્યા } અને જનકભાઈ પરિવાર { જનકભાઈ ,મીનાબહેન ,કેદાર ,ફોરમબહેન,અન્વેષા ,કૃષ્ણવી ,સિદ્ધાર્થ ,હિનાબહેન, અને આશ્વી -10 મોટાં અને 5 બાળકો } સાથે જોડાયાં . ભાઈભીજના બીજા દિવસે 24 મી ઓક્ટોબર 2025 ના સવારે સાબરમતી -જોધપુર ના 3 A .C માં સવારે 7 વાગ્યે બેસી અમારો પ્રવાસ શરુ થયો. સાંજે રાજસ્થાનના જોધપુર શહેરમાં પગ મુક્યો.
ટેમ્પો ટ્રાવેલ હોટેલ ઉમેદ તરફ હંકારી ગયા.અનેક સુવિધવાળો રિઝોર્ટ ખુબ સરસ હતો અમદાવાદથી 444 કી.મી દૂર આવેલું
જોધપુર શહેર રાજસ્થાનના મુખ્ય શહેરોમાંનું એક છે..16 લાખની વસ્તી ધરાવતું જોદ્ધપુર ઉત્તર પશ્ચિમ નું બીજા નંબરનું શહેર છે.તે 'બ્લ્યુ સીટી ' તરીકે ઓળખાય છે. સમયની અનુકૂળતા હતી એટલે વિશાળ ' મેન્ડોર ગાર્ડન ' તરફ ગયા..મોડી સાંજ હોઈ આખો ગાર્ડન જોવો શક્ય નહોતો પણ જોધપુરની ગાથા દર્શાવતો 'લાઈટ એન્ડ સાઉન્ડ શો '' જોયો.
ઈ.સ. 6 થી સદીમાં રાઠોડ પ્રતિહાર રાજવંશનું પ્રભુત્ત્વ ધરાવતું મંડોર જાહોજલાલી વાળું હતું. .તેની સ્મૃતિમાં આ ગાર્ડન વિકસાવાયું છે.રાજસ્થાનના અન્ય રાજ્યોના આંતરિક કલહ નો અને શૂરવીરતાનો વિસ્તૃત ઇતિહાસ લાઈટ સાઉન્ડ દર્શાવાયો છે. આખરે .ઈ.સ. 1459 માં મારવાડ રાજ્ય ના રાજપૂત રાજા રાવ જોધાએ તેની સ્થાપના કરી.અને 11 ની ઓગસ્ટ 1947 ના રોજ તત્કાલીન રાજા હાણવન્ત સિંહ દ્વારા ભારત ગણમાં તે ભળી ગયું
બીજા દિવસે 25 મી ઓક્ટોબરના જોધપુરના અતિ વિશાળ રાજમહેલ '
ઉમેદ ભવન પેલેસ' ની મુલાકાતે .વિશ્વના સૌથી મોટા ખાનગી રહેઠાણ તરીકે સ્થાપિત
મહેલનો કેટલોક ભાગ 'હોટેલ તાજ ' તરીકે
ઉપયોગમાં છે.347 ખંડ ધરાવતો મહેલ સંગ્રહાલય અને વર્તમાન રાજાના રહેઠાણ તરીકે
ઉપયોગમાં લેવાય છે.મહેલના બાંધકામ માટે પણ એક ઇતિહાસ છે.કોઈ સંતની અગમ વાણી હતી કે
રાઠોડ રાજા પ્રતાપસિંગ ના શાસન પછી મોટો
દુકાળ પડશે.અને બન્યું પણ તેવું જ.તેમના ગયા પછી રાજ્યમાં ખુબ લાંબા સમય સુધી ભીષણ
દુકાળ પડ્યો.તત્કાલીન રાજા ઉમેદસિંહ એ લોકોને આર્થિક સહાય મળી રહે તે માટે વિશાળ
મહેલ બાંધવાનો નિર્ણય કર્યો. સેંકડો પ્રજાજનોને રોજી પ્રાપ્ત થઇ.અને પોતાનો વૈભવી મહેલ
પણ બંધાઈ ગયો.રાજા ઉમેદસિંહ ને સંગ્રહનો ભરી શોખ હોય એવું દેખાતું હતું. વિવિધ
દેશી અને વિદેશી વસ્તુઓનો મોટો સંગ્રહ અને વિવિધ મોડેલની વિવિધ કારો અહીં છે.
જોધપુરનો બીજો મોટો કિલ્લો તે મેહરાનગહંધ કિલોઓ . રાવ
જોધાએ 1459માં બંધાવેલો મેહરાનગઢ કિલ્લો એ દેશના સહુથી મોટા કિલ્લાઓમાં સ્થાન
ધરાવે છે.1200 એકરના પરિસરમાં 122 મીટર નો ઘેરાવો ધરાવતો આ કોલલો સાત પ્રવેશદ્વાર
ધરાવે છે. જેમાનું મુખ્ય પ્રવેશદ્વાર 'જય પોળ ' એ 1806માં તત્કાલીન રાજા માનસિંહે પોતાના જોધપુર બિકાનેર પર
વિજયની સ્મૃતિ પ્રતીક તરીકે બનાવેલ છે. સંગ્રહાલય ઉપરાંત વિવિધ નામધારી
મહેલો જેવાકે મોતી મહેલ,ફૂલ મહેલ,શીશ મહેલ ,સિલેહ ખાના,દૌલત ખાના .મહેલના ઝરૂખાઓ પણ વિશેષતા ધરાવતા છે. અહીં ચામુંડા
માતાનું મોટું મંદિર પણ છે. આ કિલ્લા સાથે કોઈ પક્ષીઓના દેવતાની કથા પણ જોડાયેલી છે .{
અંગત નોંધ -મેં આ
કિલ્લો પ્રત્યક્ષ અંદર જઈને જોયો નથી .માહિતીના આધારે લખ્યું છે એટલે અધુરાશ હો શકે.}
26 મી ઓક્ટોબર સવારે જેસલમેર તરફ પ્રયાણ .માર્ગમાં પોખરણ ગામ
આવ્યું.આ એ પોખરણ જ્યાં ભારતે પ્રથમ
અણુ વિસ્ફોટનો પ્રયોગ કરેલો.
'હસતા બુદ્ધ 'ના કોડ -સંદેશ સાથે
પરમાણુના વિશ્વ શાંતિ અને ઉપયોગીતાના વિચાર સાથે 18
મી 1974 ના રોજ પોખરણ ની
ટેસ્ટ રેન્જમાં આ પ્રયોગ કરાયેલો. વિશ્વમાં પરમાણુ પ્રયોગમાં ભારતનું સાતમું સ્થાન
હતું.તે સમયે ભારતનું સુકાન વડાપ્રધાન શ્રીમતી
ઇન્દિરા ગાંધી નું હતું.આ રેન્જ BSF
ના પ્રતિબંધિત વિસ્તારમાં હોઈ દૂરથી જોઈને સંતોષ માની લીધો.
માર્ગમાં આગળ રણુજા
ગામમાં રામદેવપીર રામદેવરાનું સમાધિ સ્થાન આવ્યું.
રામદેવપીર[નો જન્મ
આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની
ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને
પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં
રામદેવરા તરીકે પણ ઓળખાય છે.
રામદેવ પીરને ભગવાન
દ્વારકાધીશ (કૃષ્ણ)ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં
તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ
છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે. દર્શન માટે થોડી
ભીડ હતી પણ સરસ અને સરળ દર્શન થયાં. જેસલમેર મોડી સાંજે
પહોંચ્યા એટલે હોટેલ SKK The Fern An Ecotel Hotel, Jaisalmer ખાતે જ વિરામ
27 ઓક્ટોબર સવારે
જેસલમેર ની સાંકડી ગલી ઓમાથી પસાર થઈને પરંપરાગત શહેરની મજા માણી. જયપુર ગુલાબી
નગર ,જોધપુર બ્લ્યુ શહેર અને આ જેસલમેર ગોલ્ડાન સીટી -સોનેરી
શહેર તરીકે ઓળખાય છે.અંદરના બધા જ મકાન સોનેરી -પીળા રંગથી રંગેલા.એક વિશેષ પરંપરા તો ઉડીને આંખે વળગી.કોઈ
ઘેર શુભ પ્રસંગ જેવા કે લગ્ન કે કોઈનો જન્મદિવસ હોય તો બહારની દીવાલ પર ખુબ સરસ
રીતે દોરેલા રંગીન ગણપતિ ,અન્ય દેવ દેવી અને ખાસ તો પરિવારના
સભ્યોની જન્મ તારીખ આવા અનેક ઘર જોવાનો
લહાવો મળ્યો.અંદરના શહેરના કેટલાક પ્રાચીન
મકાનો -હવેલીઓ જોવા લાયક છે.
નથમલની હવેલી એ રાજસ્થાનની સ્થાપત્ય કલાનો અદભુત નમૂનો છે આખી હવેલી સોનેરી રેતીમાંથી બનાવેલી છે.19 સદીના શરૂના ગાળામાં તત્કાલીન રાજા ગુમાનસિન્હ માટે એક હવેલી બનાવવાનું કામ જેસલમેરના ખ્યાતનામ સ્થાપત્યકાર ભાઈઓ હાથીસિંહ અને લુલુને સોંપાયું.શરત એ હતી કે હવેલીનો એક ભાગ એક ભાઈ બનાવે અને બીજો ભાગ બીજો ભાઈ બનાવે ,પણ બનાવતી વખતે કોઈએ કોઈનો બનાવેલો ભાગ જોવાનો નહિ..જોતી વખતે સ્પષ્ટ ખ્યાલ આવે કે હવેલીના બને ભાગ જુદા દેખાય પણ બંનેમાં અદભુત કલા દેખાય.
આગળ એક વધુ હવેલી '
પટવા હવેલી ' તરફ ગયા.ઈ.સ. 1805 અને 1860 માં જેસલમેરના અતિ સમૃદ્ધ જૈન
ગુમાનચંદ પટવા દ્વારા તેમના પુત્રો માટે આ હવેલી બનાવેલી છે. રેતીના પથ્થરોમાંથી વિશાળ પાંચ મોટા મકાનોનો આ સમૂહ છે.જેસલમેરના
વિશેષ સ્થાપત્યોમાં આની ગણના થાય છે.
જેસલમેર કિલ્લાની મુલાકાતે દુનિયામાં ખુબ ઓછા એવા કિલ્લા છે જેમાં લોકો પણ રહે છે .અત્યારે પણ ચારેક હજાર લોકો તેમાં રહે છે જેમાં મોટા ભાગના બ્રાહ્મણ અને રાજપૂત છે.ઈ.સ.1156 માં ત્યાંબા રાવલ રાજા જેસલે બંધાવેલો આ કિલ્લો રાજસ્થાનનો બીજા નંબરનો મોટો કિલ્લો છે.' સુવર્ણ દુર્ગ ' તરીકે ઓળખાતા આ કિલ્લાને ઈ.સ. 2013 માં કંબોડીયા ખાતે ભરાયેલ વિશ્વ વારસા બેઠકમાં યુનેસ્કો દ્વારા ' વિશ્વ વિરાસત 'માં સમાવેશ કરવા માં આવ્યો છે.{ હું અને જનકભાઈ કોર્ટમાં ન ગયા.એટલે કદાચ થોડી માહિતી ઓછી પણ હોઈ શકે.} આગળ જેસલમેર તળાવ તરફ.'ગોડીસર ' તરીકે ઓળખાતું વિશાળ સરોવર હાલ પણ જેસલમેર શહેરને પાણી પૂરું પાડે છે.1156 માં રાવલ જેસલે બંધાવેલ જેને 1367 માં રાવલ ગોડી એ ફરી બંધાવ્યું .
હવે જૈસલમેરના ' વોર મ્યુઝિયમ 'ની મુલાકાત તરફ. ઈ.સ. 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધની વિજયગાથાની સ્મૃતિમાં બનાવાયેલું છે.અગાઉ પાકિસ્તાનના બે ભાગ હતા.પશ્ચિમ પાકિસ્તાન અને આપણા બંગાળ પાસે નું પૂર્વ પાકીસ્તન.1971માં પૂર્વ પાકિસ્તાનને થતા અન્યાય સામે પ્રજા એ બળવો કરીને પોતાનો અલગ દેશ બાંગ્લાદેશ જાહેર કર્યો.શેખ મુજીબુર તેના પ્રથમ વડાપ્રધાન બન્યા.ભારતે આ દેશને સ્વતંત્ર થવામાં ટેકો અને સહકાર આપ્યા .
તેના રોષ સ્વરૂપે
પાકિસ્તાનના પ્રમુખ યાયાખાનએ ભારતના રાજસ્થાનના જેસલમેર ક્ષેત્ર પર હુમલો કર્યો. લોન્ગેવાળા
બોર્ડર પર થયેલા આ યુદ્ધને દુનિયાના એક વિરલ
યુદ્ધ તરીકે નોંધવામાં આવ્યું છે.4 ડિસેમ્બર 1971ની મોડી રાત્રે અચાનક જ પાકિસ્તાનની 2000 થી 3000 સૈનિકો અને
40 ટેન્કો સાથે આપણી આ બોર્ડર પર અણધાર્યો
હુમલો કર્યો.એ વખતે આ પોસ્ટ પર સામનો કરવા
માટે મેજર કુલદીપસિંહ ચૌધરીની રાહબરીમા ફક્ત 120
શૂરવીર જવાનો ખુબ નજીવા શાસ્ત્રો સાથે હતા.આવી કટોકટીની સ્થિતિમાં એ વખતે
ઉપરથી સૂચના મળી કે 'સામનો ન થાય તો પાછા ફરો.' પણ ભારતીય જાનબાઝ કુલદિપસિંહે સામનો કરવાનું
સ્વીકાર્યું.વિશેષ લશ્કરી સહાય આવતાં પણ કલાકો
લાગ્યા છતાં. હિમ્મત પૂર્વક સામનો કરીને પાકિસ્તાનના સૈન્યને ચાર જ દિવસમાં
તેના ઘર ભેગું કરી દીધું.
અમારી મુલાકાત વખતે રાત
પડી હોઈ મ્યુઝિયમ બંધ થઇ ગયેલું પણ લાઈટ એન્ડ સાઉન્ડ શો માં આ ગૌરવ ગાથા જોવા
-સાંભળવાનો લ્હાવો લીધો.આપણા સનિનીકોએ જપ્ત કરેલી પાકિસ્તાની ટેન્ક સાથે ફોટા
પડાવવાનો આનંદ લીધો. રાત્રે હોટેલ
પરત.
તારીખ 28
મી ઓકકટોબર. લોન્ગેવાલા બોર્ડર પાસેના તનોટ
માતા દર્શને ગયા.મામદિયા ચારણ ના પુત્રી અવાડ ,તનોટ માતા તરીકે પૂજાય છે.મામદિયાને કોઈ સંતાન ન હોઈ તેણે
સાત વખત હિંગલાજ માતા ની પદયાત્રા કરી તેના પ્રતાપે તેમને સંતાનો થયાં.પુત્રી અવાડ
ખુબ ધર્મિષ્ઠ હોઈ તેને સહુ હિંગલાજમાતા ના અવતાર તરીકે જ જોતાં.તેમની સ્મૃતિમાં
ઈ.સ. 828 માં ભાટી રાજા તનુ એ આ મંદિર
બંધાવ્યું.આ મંદિર વિશેષ શ્રદ્ધાનું સ્થાન છે
એનું એક વિશેષ નોંધનીય કારણ પણ જાણવા જેવું છે.ઈ.સ. 1965 જયારે ભારત -પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાને આ મંદિર પર 3000 બૉમ્બથી હુમલો કરેલો.માતાજીના સંત થી કેટલા ય બૉમ્બ ટાર્ગેટ ચુક્યા ને બાકીના ફૂટ્યા નહિ. મંદિર સુરક્ષિત જ રહ્યું.ઈ.સ. 1971 માં પણ પાકિસ્તાને આ મંદિર પર હુમલો કરેલ જેને ભારતીય વાયુદળે પડકાર્યો અને મંદિર સુરક્ષિત જ રહ્યું.હાલમાં મંદિર પરિસરમાં વિજય સ્મૃતિ સ્તંભ બનાવાયો છે અને ભારતીય સેના મંદિરના સંચાલનમાં સહયોગ કરે છે.
હવે લોન્ગેવાલા -ભારત પાકિસ્તાન બોર્ડર પાસે જવાનું અહીં બોર્ડર જોવા ઊંચું 'વોચ ટાવર ' બનાવ્યું છે.આપણા ફરકતા વિશાળ રાષ્ટ્રધ્વજ ની પાછળ પાકિસ્તાનની બોર્ડર પણ દેખાતી હતી. હતું.પ્રદર્શનમાં ઈ.સ. 1971 ના યુદ્ધમાં સૈનિકોની શૂરવીરતા ,વિજયગાથા અને શહીદીના ચિત્રો અને વિગતો છે.વપરાયેલા શાસ્ત્રોનું પણ પ્રદર્શન છે.એક દસ્તાવેજી ચલચિત્ર { ડોક્યુમેન્ટરી } માં સાચા સૈનિકોની સ્વમુખે મુલાકાત ,સાહસ કથા અને ચલચિત્ર 'બોર્ડર ' ના સંકલિત અંશો વડે તૈયાર આ ડોક્યુમેન્ટરી યુદ્ધની વાસ્તવિકતા અને સૈન્યની આત્મબળ અને દેશપ્રેમની ન્યોનછાવર થવાની ભાવનાનું અદભુત દર્શન કરાવે છે.
મોડી સાંજે જેસલમેરના થાર
રણ ના ટેન્ટ સિટીમાં પહોંચ્યા.ડબલબેડ ,એ.સી.ફ્રીઝ, ચા કીટલી , અને પૂર્ણ સુવિધા વાળો બાથરૂમ ધરાવતા ટેન્ટમાં રાત ગાળવાનો
લહાવો છે.રાત્રીસભામાં રાજસ્થાની લોકગીતો અને લોકનૃત્યની ભરપૂર મજા માણીવૈવિધ્ય
પૂર્ણ ગીતો ગાતા ગાયક,વાદ્ય અને લોક નૃત્ય કરતી કન્યાઓના મન મૂકી થતા ભાવ પ્રગટ માં રાજસ્થાની સાચી હલક દેખાઈ આવતી હતી.
તારીખ 29 ઓક્ટોબર વહેલી સવારે રણમાં ડેઝર્ટ સફારી કરીને સૂર્યોદય જોવાનો હતો. છ વાગ્યે બે ખુલી જીપ આવી ગઈ. સહુ ગોઠવાયાં. થાર રણની સફેદ રેતીમાં ઢુંવા ની ઉપર નીચે ,ઉબડ ખાબડ દોડતી જીપમાં ડર અને મનોરંજન નો મિશ્ર આનંદ લીધો. ની પહેલાં પૂર્વના આકાશમાં ઉષારાણીએ સૂર્યનારાયણના આગમનની છડી પોકારી દીધી હતી.આછાં આછાં વાદળ હતાં.તેમ છતાં જોજન દૂર અફાટ રણની કાંધી એ સૂર્યદેવ એ ડોકિયું કર્યું.અમે સહુએ હર્ષભેર વધાવી લીધા.દૃશ્યને મોબાઈલમાં ઝડપી લેવા ઝપાઝપી કરી લીધી.કવિ કાન્ત ના કાવ્ય નું શીર્ષક 'સાગર અને શશી 'યાદ આવ્યું. ને સુઝયું તેનું પ્રતિ શીર્ષક 'રણ અને સૂર્ય,'.અદભુત દર્સગં કર્યાં. ઊંટ પર માંકડ ન બેસે તો કેમ ચાલે ? મેં ,રંજના એ ઊંટ સવારીનો લાભ લીધો
ફરી ટેન્ટ પર આવ્યા.રાજસ્થાનની ભૂમિને વિદાય આપવાનો સમય આવી ગયો.સમાન પેક થયો.ટેમ્પો ટ્રાવેલર હાજર જ હતો. હજુ એક વિશેષ સ્થળ જોઈને જવાનું હતું.ટેન્ટ સિટીથી જેસલમેર રેલવે સ્ટેશન જવાના રસ્તે આશરે 13 કી.મી. દૂર ભૂતિયા શહેર 'કુલધારા ' પહોંચ્યા. ઈ.સ. 1291 માં પાલીવાલ બ્રાહ્મણો દ્વારા સ્થપાયેલ આ શહેર ખુબ સમૃદ્ધ હતું.રણ ની વચ્ચે પણ ખંતીલી પ્રજાએ પુષ્કળ ધન્ય ઉગાડેલું.પરંતુ ઈ.સ. 1825 ની એક રાત્રીએ એકાએક આ ગામ અને આસપાસના બીજાં 83 ગામમાં લોકો અદૃશ્ય થઇ ગયા. એક વાયકા અનુસાર સલિમસિંઘ નામના ભ્રષ્ટ પ્રધાને ગામની દીકરી પર કુદૃષ્ષ્ટી કરી અને પરિણામે કોઈ અગમશક્તિએ ભૂમિને વેરાન બનાવી દીધી.અહીં ખંડેર મકાનો જોવા મળે છે
.આગળ જતા રેલવે સ્ટેશન
આવી ગયું. જૈસલમર રેલવે સ્ટેશન
પહોંચ્યા.બપોરના 3.30 વાગ્યાની ટ્રેન 30 મી ઓક્ટોબર સવારે સાબરમતી અમદાવાદ સ્ટેશન
પર પહોંચી.દિવસો,પ્રસંગોને અને સ્થળોને વાગોળતાં
સ્વગૃહે પહોંચ્યા. રાજસ્થાન
રાજ્યની એક વાત ખાસ છે. રાજ્ય એ પોતાની લોક સંસ્કૃતિ ખુબ સરસ રીતે જાળવી રાખી
છે.પ્રવાસમાં અમારા બંનેના પરિવારોમાં સુંદર સંયોજન હતું એટલે આખો પ્રવાસ ખુબ
આનંદદાયક રહ્યો..દિનેશ લ. માંકડ

No comments:
Post a Comment