Readers

Saturday, September 12, 2026

પતંજલિ યોગસૂત્ર - એક આચમન - લેખાંક 4 સમાધિની દિશામાં

                                                 

 

                                પતંજલિ યોગસૂત્ર - એક આચમન   

                                   લેખાંક 4    સમાધિની દિશામાં

            યોગ એટલે  માત્ર આસનો  અને પ્રાણાયામ  એવું નથી પણ ચૈતન્ય સાથે  જોડાવાની દિશામાં આગળ  વધવાની  પ્રક્રિયા છે. . મહર્ષિ પતંજલિ .યોગસૂત્રના સમાધિપાદ અધ્યાયમાં ચિત્તવૃત્તિને અવરોધવામાં આવતા અનેક વિધ્નોનું વર્ણન અને નિવારવાના ઉકેલ પણ પ્રારંભના સૂત્રોમાં બતાવ્યાં.

          અલબત્ત જેટલું વાંચવામાં કે લખવામાં કે સાંભળવામાં સરળ છે તેટલું વ્યવહારમાં અમલીકરણ સરળ તો નથી જ, પણ સંકલ્પબળ અને ધૈર્ય જ શક્ય બનાવી શકે.,ગાઢ અંધકાર વાળા ખંડમાં પ્રકાશ ફેલાવવો હોય અને બહાર

સુસવાટભર્યો પવન હોય ત્યારે બારી બારણાં જડબેસલાક બંધ કરવા પડે.નાની સરખી તિરાડ પણ ન રહે .અને પછી કોડિયાંમાં  દિવેટ મૂકી,,ઘી પૂરીને દીવાસળના ચમકારાથી ખંડમાં તેજોમય પ્રકાશ ફેલાય.તેવી રીતે  ચંચળ ચિત્તવૃત્તિને અવરોધવા, માર્ગમાં આવતા અનેક વિઘ્નો હટાવીને  પ્રાણવાયુના શુદ્ધ વહનથી ચિત્ત નિર્મળ થાય ને ચેતના ભળી જવાય.   प्रच्छर्दन विधारणाभ्यां वा प्राणस्य ॥ 34 પ્રાણવાયુ બહાર કાઢવાથી અને રોકવાથી નાડીઓ શુદ્ધ થાય અને ચિત્ત નિર્મળ થાય.

            હવે સાધકનું મન એ દિશામાં જ વિચારે એટલે એની હવે થનારી અનુભૂતિઓ પણ તેને સહાયક બની ને આવે. विषयवती वा प्रवृत्तिरुत्पन्ना मनसः स्थिति निबन्धिनी ॥ 35   જે વિષયવૃત્તિ ઉત્પન્ન થાય તે મનને સ્થિત કરવામાં કે બાંધવામાં સાથ આપે છે .{ અહીં વિષય શબ્દનો નકારાત્મક નથી પણ નિર્મળ છીતના વિષયનો ઉલ્લેખ છે.}  એમાં પ્રમાણ પણ મહર્ષિ આપે છે. विशोका वा ज्योतिष्मती ॥ 36  આ સ્થિતિમાં શોકરહિત જ્યોતિર્મય -પ્રકાશમય અનુભવ થાય તો મનને સ્થિર કરવા વધુ બળ મળે છે.

           અગાઉના સૂત્રોમાં વિઘ્નો દૂર કરવાના ઉપાયો તો સૂચવ્યા છે જ .છતાં પતંજલિ ક્યાંક યાદ અપાવી ને જાગૃત તો કરે છે .वीतराग विषयं वा चित्तम् ॥ 37   વીતરાગ રહિતનું મન પણ સ્થિર થાય તેમજ  स्वप्न निद्रा ज्ञानालम्बनं वा ॥ 38  સ્વપ્ન કે નિંદ્રાના જ્ઞાન નું અવલંબન કરનાર  મન પણ સ્થિર થાય છે.

            પતંજલિજી ને  અહીં સુધી પહોંચેલા સાધક હવે  થોડો વિશ્વાસ છે એટલે આગળના સૂત્રમાં  થોડી મોકળાશ આપે છે.यथाभिमतध्यानाद्वा ॥ 39 પોતાની કોઈ માન્યતા કે રુચિ અનુસાર ધ્યાન કરવાથી પણ મન સ્થિર થાય છે. હવે આ કપરો માર્ગ સરળ થવાની દિશામાં છે એટલે परमाणु परम महत्त्वान्तोऽस्य वशीकारः ॥ 40   જયારે ચિત્ત સ્થિર થઇ જાય એટલે પરમાણુથી માંડીને પરમ  મહત્ત્વ સુધીના પદાર્થો તેને વશ થઇ જાય છે.

           સામાન્ય રીતે માણસમાત્રની ધીરજ ઓછી હોય અને ફળની આશા વિશેષ હોય. યોગસાધનાના  માર્ગમાં પણ એવું જ  થાય .પણ સાધક આટલે સુધી પહોંચે અને ચિત્તશુદ્ધિ  કરે એટલે હવે મહર્ષિ તેનામાં પાક્કો વિશ્વાસ બેસાડે. क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहण ग्राह्येषु तत्स्थ तदञ्जनता समापत्तिः ॥ 41    જયારે ચિત્તની બહારની  બધી વૃત્તિઓ ક્ષીણ થઇ ગઈ હોય ,ને મન તદ્દન સ્ફટિકમય બની ગયું હોય ત્યારે ગ્રાહિતા { સાધક } ,ગ્રહણ {  મન અને ઇન્દ્રિયો } અને  ગ્રાહ્ય { પંચમહાભૂત ના વિષયો ]માં સ્થિર થાય  તેવી સ્થિતિને સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય.

             પણ જયારે ચિત્ત, શબ્દ, અર્થ અને જ્ઞાન , આ ત્રણેય વિકલ્પોથી મિશ્રિત અનુભૂતિ કરે ત્યારે  આગળના  સૂત્રમાં કહે છે ,એ સમાધિને  સવિતર્કઃ સમાધિ કહેવાય. तत्र शब्दार्थ ज्ञान विकल्पैः सङ्कीर्णा सवितर्का समापत्तिः ॥ 42  સમાધિ સવિતર્ક છે.હજી  લક્ષ્ય દૂર છે કેમકે વિકલ્પ મિશ્રિત સ્થિતિ છે એટલે આગળનું સૂત્ર સૂચવે છે ,

 स्मृति परिशुद्धौ स्वरूप शून्येवार्थ मात्रनिर्भासा निर्वितर्का ॥ 43    જયારે સાધકના ચિત્તમાંથી ધ્યેય -વસ્તુના નામની સ્મૃતિ પણ ચાલી જાય બધા વિકલ્પો પણ નીકળી જાય  તેવી દશાને  નિર્વીતર્ક  સમાધિ કહે છે .વિકલ્પ વિહીન હોઈ તેને  નિર્વિકલ્પ સમાધિ  પણ કહે છે.

             અહીં સાધક લગભગ વિચાર રહિત છે એટલે  एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता ॥ 44  આ વર્ણનમાં નિર્વિચાર સ્થિતિ કે સમાધિ ગણાય. અહીં મહર્ષિ એક સ્પષ્ટતા કરવાનું ચુકતા નથી.  सूक्ष्म विषयत्वं चालिङ्गपर्यवसानम् ॥ 45  આ વિચાર કે પદાર્થ સૂક્ષ્મ વિષયની સીમા પ્રકૃત્તિ સુધી છે..બધી સ્પષ્ટતા અને વિશ્લેષણ થયું છે એટલે ता एव सबीजः समाधिः ॥ 46   આ બધી જ સબીજ સમાધિ કહેવાય..

          સાધક   હવે ચૈતન્યની નજીક પહોંચવામાં છે.એટલે એને સાથ અને સંકેત મળવાના શરુ થાય. निर्विचार वैशाराद्येऽध्यात्मप्रसादः ॥ 47  નિર્વિચાર સમાધિના અભ્યાસથી  ચિત્ત નિર્મળ થતાં યોગીને અધ્યાત્મપ્રસાદ પ્રાપ્ત થાય છે .અને

ऋतम्भरा तत्र प्रज्ञा ॥ 48 એ વખતે યોગી -સાધકની બુદ્ધિ, પ્રજ્ઞા સ્વરૂપ ધારણ કરે એટલે કે સત્ય પરાયણ -સાચી વસ્તુના સાચા સ્વરૂપને  ગ્રહણ કરે.         

         સામાન્ય બુદ્ધિ  કરતાં પ્રજ્ઞા કેટલી ઉત્તમ ચડિયાતી છે તેની સ્પષ્ટતા મહર્ષિ આગળના સૂત્રમાં કરે છે.. श्रुतानुमान प्रज्ञाभ्यामन्यविषया विशेषार्थत्वात् ॥ 49  શ્રુતિબુદ્ધિ એટલે કે વેદ ,શાસ્ત્ર કે કોઈ સંત શ્રવણથી પ્રાપ્ત બુદ્ધિ અને અને અનુમાન બુદ્ધિ એટલે કોઈ વસ્તુ પરના અનુમાન કે ધારણાથી પ્રાપ્ત બુદ્ધિ .આ બંને કરતા પ્રજ્ઞા વિલક્ષણ અને શ્રેષ્ઠ છે કેમકે તેનાથી વસ્તુનું સાંગોપાંગ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સકારાત્મક ભાવો ઉતપન્ન થાય માર્ગ સરળ થવા લાગે અને  तज्जः संस्कारोऽन्यसंस्कार प्रतिबन्धी ॥ 50  એને કારણે ઉત્પ્પન થનાર બીજા સંસ્કારોને પણ દૂર કરે છે.અને છેવટે तस्यापि निरोधे सर्वनिरोधान्निर्बीजस्समाधिः ॥ 51  એનો પણ  નિરોધ થવાથી તમામ અવરોધો દૂર થવાથી નિર્બીજ સમાધિ થાય છે.

          કોઈ ઉત્તુંગ શિખર પર પહોંચતા પહેલા વચ્ચે  બે ચાર  કઠિન ટૂંક  પણ આવે .સંકલ્પબદ્ધ લક્ષ્ય હાંસલ કરવા માટે સમાધિપાદ એ ઉત્તુંગ  શિખર પર પહોંચવાની પ્રથમ ટૂંક  છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રના પ્રથમ અધ્યાય સમાધીપાદના 51 સૂત્રમાં સમાધિ સુધી પહોંચવાની  માર્ગદર્શિકા આપી છે. આગળના અધ્યાયો સાધનપદ ,વિભૂતિપાદ અને કૈવલ્યપાદ  એ આગળની એવી ટૂંક છે જે લક્ષ્ય પ્રાપ્તિની દિશામાં લઇ જાય છે.

 


No comments:

Post a Comment