Readers

Tuesday, August 17, 2021

યાત્રા 27 પ્રત્યક્ષ દર્શન -ધોળાવીરા ,વ્રજવાણી

                                     

              યાત્રા 27    પ્રત્યક્ષ દર્શન -ધોળાવીરા ,વ્રજવાણી

          વિશ્વ એ સ્વીકારે જ છૂટકો છે કે ભારત પ્રાચીન દેશ છે અને તેને સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે જ. કચ્છના ધોળાવીરા -હડ્ડપન સંસ્કૃતિનો તાજેતરમાં 'વિશ્વ વારસા' માં સમાવેશ થયો.દેશ માટે બહુ મોટી વાત એટલે છે કે યુનેસ્કોએ સ્વીકાર્યું કે અહીં વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ હતી.

         આવું ભવ્ય સ્થાન જયારે સાવ નિકટ હોય ને એમાંય માદરે વતનમાં હોય તો એ પાવન ભૂમિના દર્શન તો વહેલી તકે કરાય જ ને ?  સાળા મુકેશભાઈ શુક્લનો પણ ઇતિહાસ રુચિનો શોખ.સાથ આપવા તૈયાર થયા. 4 થી ઓગસ્ટ 2021 વહેલી સવારે અમારા ચારનું (હું રંજના, મુકેશભાઈ,સૌ.માધવીબેન )  અમદાવાદથી પ્રયાણ.           પ્રારંભમાં જ એક ઉલ્લેખ આવશ્યક છે કે આખા પ્રવાસને સંપૂર્ણ સફળ અને સરળ બનાવવાનું શ્રેય ,પચાસ વર્ષથી અતૂટ મૈત્રી જાળવી રાખનાર મિત્ર શ્રી અરુણભાઈ ગાવન્ડે અને તેમના નિકટમાં મિત્રોને જ જાય છે .

        ઘરની ગાડી  Nexa SL -6 માં ડ્રાઈવર શાંતીભાઈને લઈને અમદાવાદથી 358 કી.મી ધોળાવીરાની દિશામાં સુરજબારી પુલ પસાર કરીને કટારીયા પાસેથી જમણે વળી.રસ્તા આગળ વધ્યા.  માર્ગદર્શન માટે શ્રી ગોવિંદભાઈના સતત ફોનથી ખુબ સરળતાથી રાપર પહોંચ્યા.અરુણભાઈ ,અમારા સ્વાગત માટે તેમના મિત્ર ઈશ્વરભાઈ સાથે ,ગામના પ્રવેશદ્વાર પાસે આવીને ઉભા હતા. તેમણે સરસ્વતી પૂજનની બોલપેનથી આવકાર્યા .ને આગળ જવા દિશાસૂચનો કર્યા.રાપરથી બાલાસર થઇને આગળ તો રણ શરુ થાય. અહીંથી ભચાઉ તાલુકાનો ખડીર બેટ શરુ થાય.30 કિમિ.ના વિસ્તારમાં કુલ બાર ગામો તેમાં છે..


ખડીરના આ બાર ગામો પૈકી 3000 ની વસ્તી ધરાવતું ગામ ધોળાવીરા છે.ગામના છેડે કોટડા તરીકે ઓળખાતો વિશાલ ટેકરો..ગામની કેટલીક લોકવાયકાઓ ને લીધે ત્યાં ખાસ કોઈ ગ્રામજનો જાય નહિ.કચ્છ ઇતિહાસના ઊંડા જિજ્ઞાસુ શંભુદાનભાઈ ગઢવીના હાથમાં આ પ્રદેશમાંથી અચાનક જ એક બે નમૂનાઓ હાથમાં આવ્યા .અભ્યાસુ જીવ અચંબામાં પડી ગયો.આ તો કૈક વિશેષ છે.તેમણે વડોદરાના પુરાતત્વ વિભાગને જાણ કરી.કચ્છના -આ પ્રદેશના સદ્નસીબે એ વિભાગના પુરાતત્વવિદ શ્રી જગતપતિ જોશીને આ કાર્ય સોંપાયું. પછી તો એમના જેટલા જ અદકેરા શ્રી આર.સી.બિસ્ત જોડાયા ઊંડા અભ્યાસ અને પ્રાથમિક ઉત્તખાનન પછી 1966 ના તેઓએ ગૌરવભરી જાહેરાત કરી કે  અહીં હડપ્પન સંસ્કૃતિનું સાડા પાંચ હજાર વર્ષ જૂનું વિરાટ નગર હતું. .પછી તો સરકારી તંત્ર કામે લાગ્યું.શ્રી બિસ્ત સાહેબ બઢતીથી દિલ્હી ગયા તો પણ તેમણે ધોળાવીરા પ્રત્યેનો તેમનો ઊંડો રસ જાળવી રાખી ને ત્યાં બેઠા પણ ઉત્ખનન પ્રક્રિયામાં પોતાનું  યોગદાન ચાલુ રાખેલું. કચ્છ માટે આ ખુબ મોટો ગૌરવપૂર્ણ દિવસ હતો.


 

           આખું નગર ત્રણ ભાગમાં વહેંચેલું છે. મહેલ વિભાગ, મધ્ય વિભાગ અને નિમ્ન વિભાગ.ઉત્તર ,પૂર્વ અને પશ્ચિમ ત્રણ દ્વાર ..નગરની જળસંચય યોજના વિશેષ છે. નહેર સંરચના પણ અદભુત .અનાજ સંગ્રહ કોઠાર ઉડીને આંખે વળગે.અંદર જતા કેટલાય માર્ગનું તો પૂરું ઉત્ખનન બાકી છે.મણકા બનાવવાનું કારખાનું પણ અલગ ઔદ્યોગિક છાપ ઉભી કરે છે.અલગ અલગ રંગના ,ભાત અને આકાર વાળા પથ્થરો,તો કેટલીયે જગ્યાએ પગલાં કે અન્ય કોઈ ઉપસેલી છાપ પાછળ પણ જરૂર ઊંડો ઇતિહાસ હશે જ. પાંચ હજારથી વધારે વર્ષ પૂર્વ આટલી ઉત્તમ અને ઝીણવટ ભરેલી નગરરચના દેશની તે સમયના જ્ઞાનની ઉચ્ચ કોટીનું મોટું પ્રમાણ છે જોવામાં તો જેટલી જિજ્ઞાસા એટલી સમય મર્યાદા રહે. નગરની શ્રી બિસ્ત સાહેબનું નિવાસસ્થાન અને નાનકડું સંગ્રહાલય પણ બનાવ્યું છે.મોટાભાગના અગત્યના અને પ્રમાણભૂત નમૂનાઓ ચકાસણી અને 'વિશ્વ વારસા 'ની પ્રસ્તુતિ માટે દિલ્હી લઇ જવાયા છે  સંગ્રહાલયમાં થોડો ઇતિહાસ , નકશા,નમૂના ,અશ્મિઓ વગેરે મૂકેલાં છે.જે આછી પાતળી ઝાંખી કરાવે છે.'વિશ્વ વારસા'માં સમાવેશ પછી અનેક રીતે સાહિત્ય અને વિડીયો ઉપલબ્ધ છે પણ પ્રત્યક્ષ નિરીક્ષણનો આનંદ કૈક અલગ જ હોય.દોઢ કલાક ખુબ ઓછો પડ્યો.સમય હોય તો પૂરો દિવસ જાય!થોડા કી.મી.દૂર 16 કરોડ વર્ષ જુના અશ્મિ હતાં પણ સમયની મર્યાદામાં તે જોવા જવા નું ટાળ્યું. ગોવિંદભાઇની જાણકારી અને સમજાવવાની પદ્ધતિએ અમારા યાદગાર પ્રવાસને ચાર ચાંદ લગાવ્યા.

         રતનપરમાં એમને ઘેર ચા પી, આભાર માનીને વ્રજવાણી તરફ પ્રયાણ કર્યું.ધોળાવીરાથી આશરે સિત્તેર  કી.મી.દૂર અંતરિયાળ ગામમાં રાધાકૃષ્ણ મંદિર.થી વિશેષ કલા ખાતર સમર્પણની કથા કહેતી આ વિરલ ભૂમિ છે. આશરે  પાંચસો છાસઠ વર્ષ પહેલાં વ્રજવાણી ગામમાં બહારથી એક ઢોલી આવ્યો.એવો તો તાલમય ઢોલ વગાડે કે ન પૂછો વાત.નાગદે નામની આહીરાણી મહિલાના તો પગ ન થંભે .એની સાથે એની એક પછી એક સહેલીઓ જોડાતી ગઈ.પછી તો રોજનો ક્રમ.ઢોલીના તાલે 140 બહેનો, ન દિવસ જુએ કે ન જુએ રાત.રાસની રંગત જામે.ઘરના કામ તો ઠીક પણ ખાવા પીવાનું ય ભૂલે! તેમના આહીર પતિઓએ થોડી ધીરજ ધરી .ઢોલીને પણ ઢોલ ન વગાડવા સમજાવ્યો ને પત્નીઓને રાસ ન રમવા સમજાવી.પણ આ તો કલાની સાધના સમાધિ હતી .ન છૂટે .આખરે એમની સહન શક્તિની મર્યાદા આવી ગઈ.ભરબજારમાં ઢોલીનું માથું ,ધડ થી જુદું કર્યું.લોકવાયકા અનુસાર એકલું ધડ ત્રણ દિવસ ઢોલ વગાડતું રહ્યું.બહેનોને તો રસ ભંગ અસહ્ય હતો.હવે તો તેઓ જીવી જ ન શકે.આખરે તમામ 140 કલા રસીકીઓ  સતી થઇગઈ !

આ તીર્થ સ્થળે કલા માટેના સમર્પણની એક સુગંધ ચોક્કસ પ્રસરતી અનુભવાય.સતી મંદિરમાં બધી બહેનોની  સતી પરિવેશમાં પ્રતિમાઓ તેમના પતિ,માતા પિતાના નામ અને ગામ પણ હકીકતનું પ્રમાણ દર્શાવે છે.સંસ્થાપકોની ઉચ્ચ ભાવનાથી ભોજન અને રાત્રી રોકાણ સુવિધા પણ ઉપલબ્ધ છે. ઢોલીની ખામ્ભીનેશાંત ચિત્તે કાન લગાડીયે તો નાદ બ્રહ્મ શ્રવણ ની અનુભૂતિ થાય એવું મનાય છે .તેને  નમન કરીને આગળ પ્રયાણ કર્યું.

     

          હવે કચ્છના ખુબ જુના એવા રવેચી માતાના દર્શન કરવાનાં થયાં કહેવાય છે કે માતાજીના ઉદરમાંથી સમયાંતરે શંખ નીકળે છે.ચાર શંખ મોજુદ છે.પાસે આવેલાં કમળ યુક્ત સરોવર પણ મોટી આસ્થા નું પ્રતીક છે.સૂવઈ ,રામવાવ થઈને ટૂંકા રસ્તે રાત્રે અગિયાર વાગ્યે ભુજ પહોંચ્યા. એક જ દિવસના 17 કલાક ની સળંગ, સાતસોથી વધારે કી.મી.ની મુસાફરી નું શ્રેય મિત્ર શ્રી અરુણભાઈ ગાવન્ડે ,તેમના મિત્રો શ્રી ગોવિંદભાઇ અને ઈશ્વરભાઈ ની સાથે ઘરની લાડકી ગાડી અને તેના ખુબ સરળ અને હોશિયાર ચાલક શ્રી શાંતિભાઈ ને જાય છે.મુકેશભાઈ-માધવી બહેન ના સંગાથે તો પુરા પ્રવાસ ને પૂરો જીવંત બનાવી દીધો. 

દિનેશ લ.માંકડ      મોબાઈલ ન.9427960979

અન્ય લેખ વાંચવા માટે બ્લોગ પર  mankaddinesh.blogspot.com

 

 

Monday, August 16, 2021

કોના હાથમાં કચ્છનો વિકાસ ? દિનેશ લ. માંકડ ,અમદાવાદ

           કોના હાથમાં કચ્છનો વિકાસ ?            દિનેશ લ. માંકડ ,અમદાવાદ

              વિશિષ્ટ વિસ્તાર અને વિશિષ્ટ પર્યાવરણ ધરાવતા કચ્છને અનેક સમસ્યાઓ પાર છે આઝાદીના 70 વર્ષ થયા પણ કચ્છની પાયાની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી .શું કારણ છે એના ? સામાન્યજન એક જ વાત કરશે પતિનિધિઓ સક્રિય નથી.તંત્ર નબળું છે. ભ્રષ્ટાચાર છે.વગેરે વગેરે.અહીં એવી એક પણ વાતની ચર્ચા કરવી નથી.

             અમે નાના હતા ત્યારે ભણવામાં 'લાવરીના બચ્ચા 'ની વાર્તા આવતી.-ખેડૂત પિતાએ દીકરાને કહ્યું ‘.ચોમાસુ આવે છે ખેતર ખેડવાનું શરુ કરી દે.' દીકરાએ ઉત્તર આપ્યો .'હા, બાપુ.' ખેતરમાં માળો બાંધી ને રહેતી લાવરીને બચ્ચાઓએ માં ને કહ્યું ,'માં ,જલદી કરો.ને માળો બીજે લઇ જઈએ.નહીંતર ચગદાઈ જાશું.' લાવરીએ કહ્યું,' ચિંતા ન કરો .સારું સ્થળ શોધીએ.' બીજો દિવસ આવ્યો.ફરી ખેડૂતે ફરી પુત્રને યાદ અપાવ્યું ,' ખેતર ખેડ.'ને દીકરાએ 'હા,બાપુ' કહ્યું.ફરી બચ્ચા ગભરાયા.લાવરીનો જવાબ 'ચિંતા ન કરો.' પછી તો બીજા ચાર દિવસ .રોજ ખેડૂત કહે, દીકરો હા પડે પણ ખેડવાનું શરુ ન કરે. ત્યાં સુધી લાવરી પણ નિશ્ચિંન્ત હતી..આખરે એક દિવસ ખેડૂત જાતે  હળ લઈને આવ્યો ને પુત્રને કહ્યું,' ચાલ ,આપણે ખેતર ખેડવાનું શરુ કરીએ.' લાવરી સમજી ગઈ .'હવે ખેડ ચાલુ થશે.'તેને કોઈ સલામત  જગ્યાએ માળો ગોઠવી દીધો.

          આ વાત અહીં એટલે કરવી પડી કે જ્યાં સુધી કચ્છી માંડું પોતે ઉભો થઈને જાગશે નહિ ત્યાં સુધી કચ્છનો વિકાસ મંદ ગતિનો જ રહેશે.પહેલી વાત વતનપ્રેમની .કચ્છીનો વતનપ્રેમ તો જગ આખામાં જાણીતો છે.તો પછી કાયમી વિકાસ માટેના પગલામાં આ પ્રેમ ,દેખહાય છે તેટલો કેમ વ્યક્ત થતો નથી ? વર્ષો પહેલા  'કચ્છ યુવક સંઘે ' ' કોટી  વૃક્ષ અભિયાન ' ઉપાડેલું.જો દિલો દિમાગથી જો અભિયાન કચ્છમાં અને કચ્છ બહાર રહેતા પ્રત્યેક કચ્છીએ ઉપાડ્યું હોત અને દરેક કચ્છી વર્ષે પાંચ વૃક્ષ વાવે તેવો સંકલ્પ લેવાય. વિશાળ ની ધરતીનો એક એક ઇંચ લીલો બની રહે તો ?  હજી આ વાત અશક્ય નથી જ.અને તે પણ માત્ર ચાર કે પાંચ જ વર્ષમાં તેના ખેતી,પીવાના પાણી વગેરેમાં સકારાત્મક પરિણામ જોવા મળે.       

          આપણે પ્રાંતવાદમાં ચોક્કસ માનતા નથી પણ કચ્છની મૂલ્યવાન જમીન અને અન્ય સંપત્તિ ના મલિક અન્ય પ્રદેશના લોકો બને તે કેવું? ભૂકંપ પહેલા અને ભૂકંપ પછી અનેક બિનકચ્છી કંપનીઓ એ સરકારી રાહત અને સબસિડીનો લાભ લઈને કચ્છમાં ધામા નાખ્યા છે.ક્યાં ગયો આપણો વતન પ્રેમ ? એશિયાનું સૌથી ઊંચું ઘાસ ધરાવતો બન્ની પ્રદેશ,વિશેષ  પ્રકારનું મબલખ પશુધન ,અને ખાસ પ્રકારની જમીન પણ કચ્છ પાસે જ છે.ત્રણ બાજુ વિસ્તરેલો દરિયો અને રેત  મહાસાગર પણ આપણી પાસે છે.  

          કચ્છની આગવી ઓળખ સમા ભરતકામ ,બાંધણી ને અન્ય દુર્લભ કલાના કોન્ટ્રાકટ અન્ય પ્રદેશના પાસે હોય ને આપણા કારીગરનું શોષણ કરી નફાની મલાઈ કચ્છ બહાર જાય.સફેદ રણ માં મોટાભાગના વેપારી કે કોન્ટ્રાકટર્સ પણ બહારના.અને ખારી  શીંગ ને ચણા  પણ યુ.પી. લોકો વેચે.ક્યાંક કોઈ કચ્છી દાબેલી વાળો કચ્છી હોય તો તેની ગુણવતા હલકી હોય.આવું કેમ બને છે ?

          અર્થશાસ્ત્રમાં હળવી ભાષામાં ક્યારેક કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે.આવું જ કચ્છ માટે પણ કહી શકાય.મુંબઈ  જેવા મોટા શહેરનો  વેપાર ઉદ્યોગનો ખુબ મોટો હિસ્સો  કચ્છીઓને હવાલે છે .અમદાવાદ,હૈદરાબાદ કલકતા જેવા અનેક નામી  શહેરોમાં પણ કચ્છી વેપારીઓની ખુબ મોટી શાખ છે એટલે સુધી કે આજે દેશના ખુબ ઓછા ધનાઢ્ય લોકોની યાદી તૈયાર થાય તો ચોક્કસ પાંચ પંદર તો કચ્છી જ હોય..વિદેશમાં પણ કચ્છીઓએ દુનિયાનો કોઈ ખૂણો ખાલી રાખ્યો નથી. જેમની જન્મભૂમિ કચ્છ છે એવા આ સપૂતો કચ્છ માટે જરૂર વિચારી શકે. ખુબ સાદું જ વિચારીએ  કે દરેક સમૃદ્ધ પોતાના ગામ કે તેની આસપાસના વિસ્તારમાં નાનો કે મોટો  ઉદ્યોગ સ્થાપે તો જે તે પ્રદેશના અનેક યુવાનોને રોજગાર મળે અને વિસ્તાર વિકસે તે વધારામાં. ક્યારેક અમદાવાદ જિલ્લાના જલાલપુરમાં ઘેર ઘેર હીરા ઘસવાની ઘંટી છે.રાત પડતા તો ઘરના સભ્યો બે ચાર હજાર રૂપિયા તો સહેજે કમાઈ લે.ગામમાં મોટા કારખાનામાં તો  પચીસ-પચાસ યુવાનો શ્રમ કરતા હોય.આવા તો અનેક અનેક ગામો છે.કચ્છમાં ચાલતા હોય તે અને નવા અનેક એકમોને ઉત્તેજન આપી શકાય

        કોરોના કાળની સરકારની અનેક યોજનાઓના લાભ વહેલી તકે લઇ લેવો જોઈએ. નવી યુવા પેઢી માટે અનેક અનેક નવા પ્રોજેક્ટ ,નવી દિશાઓ ખુલેલી જ છે.ફક્ત દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.વિઝન વિકસાવવાની જરૂર છે.આજના ઈલેક્ટોનિક અને રોકેટગતિએ દોડતા સાયબર યુગમાં --'કચ્છ દૂર છે.સુવિધાઓ નો અભાવ છે ..સરકાર સાથ નથી આપતી .નેતાઓ નબળા છે.વગેરે વગેરે તો કેવળ બહાના જ છે. .

. જાણીતી કાવ્ય પંક્તિ છે " પંડ ની પેટીમાં પડ્યો છે સ ,વાપરી જાણે તે નર બડભાગીયો

          આપણું આગવું નવું વર્ષ  ઉજવીએ છીએ. તો નવા વર્ષે પ્રત્યેક સાચો કચ્છપ્રેમી વિચારતો થાય. પોત પોતાના  ક્ષેત્ર જાણકારી વાળા કે ગમતા ક્ષેત્ર નિષ્ણાત મગજ દોડાવવા લાગે. લક્ષ્મીકૃપાવાળા સમૃદ્ધ શ્રેષ્ઠીઓ માતૃભૂમિ માટે ક્યાં રોકાણ થાય તે વિચારે .અનુભવી માંડું પોતાની બુદ્ધિમત્તાને કામે લગાડે .યુવા પેઢી પોતાના આધુનિક વિઝનથી જોવાનું શરુ કરે .આકાશમાં અસંખ્ય તારાઓમાં  'ધ્રુવ તારા' ને તેની અડગતા અને વિશ્વાસ માટે યાદ રખાય છે .તેમ વિશ્વ આકાશમાં ' પાંજો કચ્છ " પણ વતન પ્રેમ,સાહસિકતા ,સમૃદ્ધિ અને આગવી પૃષ્ઠભૂમિ ના બળે કેમ ન ઓળખાય?

        નૂતન વર્ષે એક જ સંકલ્પ " મુંજી માતૃભૂમિ લાય આંઉ કોરો કરી સકા  ? '  વિચારવાનો આરંભ થશે,અને સંકલ્પબળ હશે તો થશે જ.કારણકે આ તો જન્મભોમકાને ચૂકવવાનું ઋણ છે. અસ્તુ

દિનેશ.લ. માંકડ

મોબાઈલ.9427960979

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com

Wednesday, July 28, 2021

યાત્રા -26 ચતુર્દીશથી ચિદાનંદ

 

યાત્રા -26  ચતુર્દીશથી ચિદાનંદ

            આનંદ અને ખુશી સતત વરસે એ તો જીવનનું સૌથી સુખ ગણાય .પરમાત્માની કૃપા કહેવાય..2015 થી 2017 માં અમારા પર ચારે દિશાએથી આવી જ કૃપા થઇ વર્ષ 2015 .આસો માસના નવરાત્રીના નવેનવ દિવસ .મા  જગદંબાના નામ અને સ્મરણથી ઘર, ચોક અને સમગ્ર વાતાવરણમાં સુગંધ પ્રવર્તતી હતી.અગાઉથી અંજાર પહોંચી ગયેલા પાર્થ અને રંજનાનો ફોન આવ્યો." પપ્પા ,તમે અને મમ્મી દાદા -દાદી બન્યા.આપણે ઘેર લક્ષ્મી માતાની પધરામણી થઇ.તારીખ હતી. 23 મી ઓક્ટોબર,2015  તે દિવસે  આસો નવરાત્રીમાં નોમ દશમ ભેગા હતા.દોડ્યો અંજાર! નામ. સંશોધન ચાલ્યું . નવરાત્રીમાં આવે તે તો જગદંબાની જ પધરામણી. કહેવાય ." શર્વાણી "- પાર્વતી માતાનું એક નામ .દક્ષિણ ભારતની એક શક્તિપીઠ .ઉર્વીફઈએ નામ પડ્યું.ભુજથી પરિવાર આવ્યો.અગિયારમો વાસો અંજાર ને બારમો વાસો ભુજ ઉજવાયો.

       ઘરમાં બાળક -પૌત્રી કે પૌત્ર આવે એટલે દરરોજ ત્રણ બાળપણ જીવાય. આગંતુકના પ્રત્યેક વર્તનમાં પોતાનું ને પોતાની પેઢીનું સ્મરણ સાથે લાવે. " હું આવો હતો તું પણ આવો હતો ને તારી આ દીકરી પણ આવી જ છે.”- શર્વાણી બેન પધાર્યાં એટલે તો તેના રોજબરોજના હાવભાવ ,અને અનેરી લાક્ષણિકતાઓ અનુભવવામાં -માણવા માં સુરજ ક્યારે આથમે તેની ખબર પણ ન પડે. ધીમે ધીમે ડગ માંડવાનું થયું.રોજ સવારે કબૂતર ને ખિસકોલી જોવા નીકળીએ ને સાંજે દાદુ ( રંજના )  ઓફિસથી રિક્ષામાં આવે તેને શેરીના નાકેથી લેવા જવાનું.

       મારો  શિક્ષણ લેખોનો ક્રમ ખુબ નિયમિત હતો.( હજી પણ 2021 માં છે.) આદિત્યકિરણ,ઘરશાળા અને શિક્ષણ પરીક્ષણને લીધે સાતત્ય રહેતું.મોકલવામાં મોડું થાય તો શ્રી હર્ષદભાઈ ફોન આવે. ઘડીભર વિચાર આવ્યો.કે લેખોમાં પ્રવર્તમાન પ્રશ્નો અને પ્રયોગો હોય છે તો પુસ્તક રૂપે પ્રગટ થાય તો ? પાર્થનો ટેકો ને રંજના નો 11000/- ચેક ! અને " # કલાસરૂમ " પ્રકાશિત થયું.અગાઉના ચારેક નાના પુસ્તક પછી આ પાંચમું પુસ્તક હતું 

 .    

        વોમોચનનો ઈરાદો ખાસ નહોતો. પણ તેવામાં જ શ્રી દીપકભાઈ પટેલે પોતાની શાળામાં એક વક્તવ્ય માટે બોલાવ્યો. પ્રથમ પુસ્તક તેમના હાથમાં મૂક્યું.એમણે કાર્યક્રમમાં આ વાતની ખુશી વ્યક્ત કરી અને પોતાના શાળા પરિવાર માટે  પચાસ પુસ્તકો  ખરીદી પણ લીધાં   અમદાવાદ આચાર્યસંઘના પ્રમુખનો ઓચિંતો ફોન આવ્યો. અમારા અધ્યક્ષ નીરવભાઈ ઠક્કર તમારી સાથે વાત કરવા માંગે છે  નીરવભાઈ : "  મારા પિતાશ્રી આચાર્ય અને લેખક પણ હતા.તેમની સ્મૃતિ માં ' આચાર્ય સાહિત્ય રત્ન એવોર્ડ ' ,અમદાવાદ આચાર્ય સંઘ ના ઉપક્રમમાં આપવાનું નક્કી કર્યું છે.તે પ્રથમ એવોર્ડ આપને આપવાનું નક્કી કર્યું છે.અમને ખબર છે કે તમે ચારેક વર્ષ પહેલા શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિન્હ ચુડાસમાના હાથે  'આચાર્ય સાહિત્ય રત્ન એવોર્ડ સ્વરૂપે  મોટો મેડલ ,પ્રમાણપત્ર ,મા જગદંબાનો  નિવૃત્ત થયા છો પણ એવોર્ડની શરૂઆત તો તમારાથી જ થાય." કાર્યક્રમ ગોઠવાયો. અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાંમોટો ફોટો અને  ચેક,એનાયત થયા.

             તે દિવસે 2016 ની 28 મી તારીખ હતી.   " આવતીકાલે તમારે બધાં એ મારી ઓફિસે આવવાનું છે "-રંજનાનો હુકમ છૂટ્યો. 29 અને 30 શનિ રવિ આવતા હોઈ.( રંજના નો એ.જી.ઓફિસ નિવૃત્તિ દિવસ 31/10/2016.  હતો) વિદાય  સમારંભ  આજે હતો. રંજનાની કર્મયાત્રાને બીજું નામ સંઘર્ષયાત્રા જ આપી શકાય.છતાં દરેક સ્થળે હિંમતપૂર્વક સમસ્યાઓનો સામનો કરીને આખરે યાત્રા પુરી તો કરી જ.કેન્દ્ર સરકારની સ્પર્ધાત્મક આપીને ભારતની ગણમાન્ય કચેરી Office of Accountant General ની કચેરીમાં Auditor ની જગ્યા પર પસંદગી થઇ. એ પછી તો  Accountant ,Senior Accountant  અને નSupervisior ( class -2) નો હોદ્દો પણ પ્રાપ્ત કર્યો. 

           અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલા બહુમાળી ભવનમાં તારીખ 16 મી જાન્યુઆરી 1979 ના રોજ સેવા સ્વીકારી.દરરોજ સવારે ગાંધીનગરથી નવ વાગ્યે ટિફિન લઈને કે જમીને બસમાં અમદાવાદ ને સાંજે છ પછી નીકળી સાત વાગ્યે ઘેર. એ.જી ઓફિસ એટલે ભારત સરકાર અને રાજ્ય સરકારના અને તેના દ્વારા થતા તમામ આર્થિક વ્યહવારો પર સતત નજર રાખતી કચેરી.ખુબ ઘણા વિભાગો. અનેક વિભાગોમાં જોડાવું ને નવું જાણવા શીખવાનું. સાથે સાથે કચેરીની 'વેલ્ફેર ક્લ્બ દ્વારા થતી ગરબા અને અનેક સ્પર્ધાત્મક સાંસ્કૃતિક પ્રવૃત્તિ પણ ખરી.

           1983 થી મારો સંગાથ.હું કચ્છમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં નોન ટ્રાન્સફરેબલમાં ને એની કચેરી તો ગુજરાત આખામાં બે.અમદાવાદ અને રાજકોટ.આટલી ઉત્તમ નોકરી છોડાય તો નહિ.મારા અમદાવાદના પ્રયત્નો , શિક્ષક ભરતીમાં ભ્રષ્ટાચારને લીધે ખુબ મુશ્કેલ.તેમની કચેરીના ચુસ્ત નિયમો અને કાર્ય વહેંચણી ને લીધે વગરપગારી રજાઓમાં મેમો અને તેના ઉત્તરનો સિલસિલો ચાલુ રહેતો.બંને વેકેશન અમદાવાદ ગેસ્ટહાઉસમાં રહેવાનું! પાર્થને ઉછેરવાનો ને ભણાવવાનો ! વ્યવહારુ સમસ્યાઓની, પરપ્રાંતીય ઉચ્ચ અધિકારીઓની નહિ સમજવાની ટેવ.વચ્ચે અંજાર નર્મદાનિગમમાં ખાદ્યાખાધેલ રાજ્ય સરકારના કર્મચારી સાથે પનારો.

        પણ ' રાત જીતની ભી સંગીન હોગી ,સુબહ ઉતની હી રંગીન હોગી " એ ન્યાયે 1 લી ઓગસ્ટ 1997 ના રોજ હું પલ્લવી હાઈસ્કૂલ અમદાવાદમાં આચાર્ય તરીકે જોડાયો.અને અમે સાડાતેર વર્ષે એક સાથે રહેવાના થયાં હવે એને માટે કચેરી ફરજ સરળ થઇ.અમે લાંબા સંઘર્ષ પછી ચમત્કારિક રીતે તારીખ 31 મી ઓક્ટોબર 2016 ના શુભ દિવસે  સફર પૂર્ણ થઇ.

          વિદાય સમારંભમાં તેમની સાત સહેલીઓના અદભુત સહકાર ,કચેરીના અધિકારીગણના પૂર્ણ સાથનો વિશેષ ઉલ્લેખ રંજના કરતા કહ્યું  કે ,'બેબી તરીકે આવી હતી અને બા બનીને જાઉં છું.' 1 લી નવેમ્બરથી અમારા ડાઇનિંગ ટેબલ ની પાંચેય ખુરશી એક સાથે ભરાવા લાગી.

દિનેશ.લ.માંકડ

મોબાઈલ -9427960979

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો

mankaddinesh.blogspot.com

 


Wednesday, July 7, 2021

યાત્રા -25--- પવનની પાંખે પરદેશ ( યુરોપ પ્રવાસ )

 

યાત્રા -25--- પવનની પાંખે પરદેશ (  યુરોપ પ્રવાસ  )

             બાળપણથી ભણતાં આવ્યાં -દુનિયા ના સાત ખંડ  એ જોઈ લીધા.પણ નકશામાં. પણ પછી ?  સુખ નામના પ્રદેશમાં વિહરતા વિહરતા ઉત્તર દક્ષિણ ભારત જોવાયું.ભેગા થઈને વિચાર્યું કે એકાદ પરદેશ પ્રવાસ થાય તો ?    અમારા ચારેય જણ ( હું -દિનેશ,રંજના ,પાર્થ અને ગ્રીવા ના )  પાસપોર્ટ  તૈયાર થઇ ગયા.  યુરોપ પાસે ઇતિહાસ છે એટલે પહેલી પસંદગી એને આપી.ફરી તપાસ દોર ચાલુ. Cocks and Kings  ટ્રાવેલ કંપનીનું યુરોપના નવ દેશનું પેકેજ અનુકૂળ લાગ્યું. તારીખો નક્કી થઇ .ટુરિસ્ટ વિઝાની કાર્યવાહી ,રૂબરૂ ઇન્ટરવ્યૂ.પછી રૂપિયામાંથી યુરો ચલણમાં ફેરવવાનો અનુભવ લીધો.આંતરરાષ્ટ્રીય સિમકાર્ડ લીધું.

            અને આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો.અમારી ( હું-દિનેશ,રંજના ,પાર્થ ,ગ્રીવા )  વિદેશ સફર શરુ-વીસમી મેં 2013 અમદાવાદથી દુબઇ 'એમેરત' ફ્લાઈટમાં દુબઈથી લંડન .દુબઇ પ્રવાસનો ભાગ નહોતો .કનેક્ટિંગ ફ્લાઇટ હતી એટલે એરપોર્ટ બહાર જવાની અનુમતિ નહોતી

             લંડનમાં 200 વર્ષ જુના 'મેડમ તુષાદ' મ્યુઝિયમમાં 400 થી વધારે મીણના પૂતળાં છે.વિશ્વની ગણમાન્ય વ્યક્તિઓ તો હોય જ ,એમાં અમિતાભ ,સચિનનો પણ સમાવેશ છે આબેહૂબ જીવંત લગતી પ્રતિમાઓ સાથે ફોટા પડાવવાનો આનન્દ લીધો.4 D ફિલ્મમાં ચતુર પરિમાણ સાથે પાણી,,પવનનો પ્રત્યક્ષ જેવો અનુભવ થાય.ભૂતગૃહમાં હાજા ગગડે.થેમ્સ નદીને કિનારે 'લંડન આઈ '136 મિત્ર ઊંચું મેરી ગો રાઉન્ડ 42  ખાના ધરાવે છે અને એક રાઉન્ડ 30 મિનિટમાં પૂરો કરે છે.આખા લંડનનું આકાશીદર્શન અદભુત રીતે થાય.બર્મિંગહામ પેલેસ,રાણી  વિક્ટોરિયાનો આવાસ ,વેસ્ટ મિનિસ્ટર્સ હાઉસ,જોયા.ટ્રફાલ્ગર સ્કેવર માં પ્રાચીન સ્મારકો સાચવ્યા છે.શરૂથી ફ્લાઇટ મોડી હોઈ લંડન નો સમય થોડો કપાયો.          


 લંડનથી બસ દ્વારા હાર્વિસ બંદરે જઈ ક્રુઝ પ્રવાસ શરૂ થયો..11 માળમાં 1300થી વધારે રૂમ વાળા ' સ્ટેના લાઈન 'ક્રુઝમાં 300 જેટલી બસનું પાર્કિંગ પણ હતું! રાત્રી દરિયાઈ સફરથી ઈંગ્લીશું ચેનલ પસાર કરી 'હુક ઓફ હોલેન્ડ 'પહોંચ્યા. ટચુકડા દેશ નેધરલેન્ડની 'વિન્ડ મિલ્સ 'નો દેશ તરીકે ઓળખ છે.પાણીને અંકુશિત કરી ને સંપૂર્ણ જળ વ્યવહારથી સંચાલિત 'એમ્સ્ટર્ડન ',12 મી સદી ના નાનકડા 'ડચ' માંથી વિશાળ શહેર બન્યું છે. તેની પ્રાચીન કેનાલને યુનેસ્કોએ વિશ્વ વારસામાં સમાવી

          ચોકલેટ માટે જાણીતા દેશ બેલ્ઝિયમ પહોંચ્યા.આખા વિશ્વમાં કાચા હીરા પાટનગર બ્રસેલ્સથી જાય છે.વિશ્વનો સૌથી જૂનો 'મોલ' અહીં છે.સાડીના લેશ માટે આ દેશ જાણીતો છે.


           ફ્રાન્સના બે દિવસના પ્રવાસમાં એફિલ ટાવર તો હોય જ.ઈ.સ.1889માં તૈયાર થયેલું 324 મીટર ( 1063 ફિટ ) ઊંચા ટાવરમાં ત્રીજા લેવલ-અંતિમ ટોચ સુધી લિફ્ટમાં જ જવાય છે.ઉપર તો ગયા જ સાથે સાથે સાંજે ચોક્કસ સમયે આખા ટાવરને લાઇટ્સ થી ઝળાંહળાં કરે તે જોવાનો લ્હાવો પણ લીધો.તદ્દન વૈવિધ્યવાળી  17  જેટલી રાઇડ્સ વાળા 'પાર્ક એસ્ટ્રીસ 'માં વિશ્વનું સૌથી 13 મીટરની ઊંચાઈ ધરાવતું જૂનું લાકડાનું રોલર કોસ્ટર છે વારંવાર ઊંધા-ચત્તાં થતા આ કોસ્ટરમાં બેસીને ધોળે દિવસે તારા જોવાની મજા છે.  લીડો  શો માં 100 થી વધુ કલાકારો 600 થી વધારે વેશભૂષા પહેરી-બદલીને કલા વારસાનો પરિચય કરાવે છે.એમાંય Revolving Stage   અને બરફ નૃત્ય  વિશેષ આકર્ષિત કરે છે.. ગ્રેવીન વેક્સ મ્યુઝિયમ અને  Fregonard  પર્ફ્યુમ્સ  જોઈને ,City of Light તરીકે ઓળખાતા પેરિસની ક્રુઝમાં નગરચર્યા કરી. 

           હવે ના ત્રણ દિવસ આલ્પ્સ પર્વતમાળામાં સ્વિટ્ઝર્લેન્ડમાં શૂન્યથી પણ નીચે તાપમાનમાં મહાલવાનું હતું.3000 થી 4000 મીટર ( 10 થી 12 હજાર ફિટ ) પર ટ્રેન અને રોપવે માં ,આસપાસનું પ્રકૃત્તિદર્શન કરતા કરતા જવાનો લહાવો તો અવિસ્મરણીય જ છે.માઉન્ટ બ્લેન્ક ,કોક્સ એન્ડ કિંગ્સ ,ગ્લેશિયર 3000 વગેરે પાંચ શિખર પર રોપવેથી કૂદાકૂદ !એક રોપવે ( કેબલકાર ) એક સાથે 100 થી વધારેને લઇ જાય! 1912 માં 4000 મીટરની ઊંચાઈએ તૈયાર થયેલી ટ્રેન Jungfraubahn ( યુન્ગફ્રો ) એ 2012 માં તેની શતાબ્દી ઉજવી.વિશ્વની સૌથી ઊંચી ટપાલપેટીમાં ડોકિયું કરી ,સ્નો બસમાં સ્કીઈંગ કરી ,બરફના શિલ્પોનું મ્યુઝિયમ જોઈને 12000 ફિટ ઉપર માઇનસ ડિગ્રીમાં આઈસ્ક્રીમ ખાધો! અનેક પર્વતમાળા વચ્ચે પ્રતિ સેકન્ડ 20000 લીટર પાણી ફેંકતા ;' ટ્રેમ્બલ  બેચ ' ની વિશ્વ વારસામાં નોંધ લેવાઈ છે.

           160 કી.મી.લાંબા ઘનઘોર જંગલ બ્લેક ફોરેસ્ટમાંથી મુસાફરી, રોકાયા વગર કરવાની હતી ચેકોસ્લોવાકિયા નો ડ્રાઈવર અંગ્રેજી પણ માંડ સમજતો હતો છતાં એટલી ખબર પડતી હતી કે રાત પહેલા જંગલની બહાર નીકળી જવું પડે.

          જર્મની પહોંચ્યા. ઈ.સ 1740 માં માત્ર લાકડામાંથી બનેલી જગ વિખ્યાત 'કક્કુ ક્લોક 'માં કૂકડો ડાયલમાંથી બહાર આવી દર અડધા કલાકે પોકારી જાય.પ્રાચીન શહેર 'હેંડલ બર્ગ  સ્ટ્રીટ ' પર ચાલવા માટે પ્રવાસીઓનો કાયમી ધસારો હોય.

         ઓસ્ટ્રિયા દેશમાં વિશ્વ વિખ્યાત ક્રિસ્ટલ હબ 'સ્વોરોસ્કી 'ની 13 ચેમ્બર્સમાં ક્રિસ્ટલના અદભુત નમૂના જોઈને દંગ રહી જવાય.

            ઇટલીમાં 11 મી સદીનો  પિત્ઝાનો મિનારો હવે ઢળતો નથી.અનેક પુલ બનાવી 117 ટાપુઓને જોડતાં વેનિસ શહેરમાં ફક્ત હોડીમાં જ સફર થાય અને ગોન્ડોલા રાઇડ્સ પણ મણાય.વિશ્વના આ મોટાં બંદરે નેપોલિયને ક્રાંતિના મંડાણ કરેલાં.ઇટલીની રાજધાની રોમ ખુબ મોટું પ્રાચીન નગર છે.'ગ્લેડિએટર' અને અનેક બીજા સ્થાપત્ય છે.માણસ અને સાંઢ વચ્ચે થતા યુદ્ધ નું એમ્ફીથિએટર પણ સચવાયું છે.રોમમાં જ 'વેટિકન સીટી'વિશ્વનો સૌથી નાનો દેશ છે.16 મકાન ,ચર્ચ અને 900 લોકોની વસતીવાળા આ દેશમાં કેવળ પોપની જ સત્તા છે.ખ્રિસ્તી ધર્મનું ઉદગમ સ્થાન.

           250 વર્ષ જૂની કોક્સ એન્ડ કિંગ્સ ટ્રાવેલ કંપનીની અમારી યાત્રા 'ગુજરાત ગૌરવ યાત્રા 'હતી એટલે લંડન માં લાપસી અને પેરિસમાં ( ગુજરાતી ભોજનગૃહમાં ) પાત્રા ખાધાં .ઉત્તમ હોટેલ્સ,સમયની મર્યાદામાં પણ સંતોષકારક સાઇટ્સ સીન્સ ,ખુબ અનુભવી ગુજરાતી મેનેજર લલિતભાઈ અને 48 સુસંસ્કૃત ગ્રુપને લીધે જીવનનો ખુબ યાદગાર પ્રવાસ રહ્યો.જીવ્યા કરતા જોયું ભલું નહિ પણ જીવવુંને, જોવું ભલું સાર્થક થયું.

દિનેશ  લ. માંકડ 

મોબાઈલ..ન 9427960979

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com