Readers

Thursday, December 9, 2021

યાત્રા -30 મથુરાના માર્ગેથી ગોકુળની ગલીઓ માં --યાત્રા વર્ણન

 

          યાત્રા - 30   મથુરાના માર્ગેથી ગોકુળની ગલીઓ માં --યાત્રા વર્ણન

           આખરે અમારો ગોકુળ ,મથુરા પ્રવાસ ગોઠવાયો.લાંબા સમયથી ઈચ્છા હોવા છતાં કોઈ કારણોસર નહોતો ગોઠવતો. દિવાળી વગેરે તહેવારો પૂર્ણ થયા. વિચાર આવ્યો. હવે તો થાય તેવું છે.ટિકિટ મળે તો....અને પાર્થ ની જાગૃતિ અને જહેમતથી તારીખ 29 મી નવેમ્બર 2021 ની  અમદાવાદ થી મથુરાની  ટ્રેન ટિકિટ મળી ગઈ. હોટેલ ગોવર્ધન પેલેસનું બુકીંગ સાથે કરાવી લીધું..રાત્રે  અતુલભાઈ સાથે રૂટિન વાત કરતાં તેમણે ‘ટિકિટ મળી જાય તો સાથ’ આપવાની તૈયારી બતાવી.અને ટિકિટ મળી પણ ગઈ.સોનામાં સુગંધ ભળી.તૈયારી શરુ થઇ.ઠંડીની ઋતુ અને રેલવેના કશુંય ન આપવાના નિયમો.એટલે ગરમ કપડા સાથે જવાનું.

         અતુલભાઈ ,બકુલાબેન 28 મી રાત્રે જ આવી ગયાં .29 મી નવેમ્બર 2021 બપોરની 3.30 અમદાવાદ -મથુરા A -1 કોચમાં 17 અને 48 નંબર પર હું અને રંજના ગોઠવાયાં અતુલભાઈની 4.30 વાગ્યાની અલગ ટ્રેનમાં ભરતપુર ( મથુરાથી 40 કી.મી. દૂર ) ની ટિકિટ હતી.અમારી ટ્રેનમાં આજુબાજુ મળતાવળો સહયાત્રી વર્ગ હતો એટલે સમય સરળતાથી પસાર થતો હતો.

         30 મી નવેમ્બર સવારે 4 વાગ્યે મથુરા પહોંચ્યાં. હોટેલના સહકારથી ત્રણ દિવસ માટે કાર પણ અગાઉથી જ બુક કરાવી દીધી હતી. મોની ટ્રાવેલ્સના  ડ્રાઈવર ઘનશ્યામભાઈ હાજર જ હતા.હોટેલ પર પહોંચી રૂમ નંબર 301 પણ મેળવી લીધો.અતુલભાઈ-બકુલાબેન પણ  સાત વાગતાં સુધીમાં આવી ગયા.તેઓ એ ભરતપુર થી મથુરા ટેક્ષીને બદલે રીક્ષા કરી એટલે એવા તો ઠૂંઠવાયા કે આવીને બોલવાના હોશકોશ પણ નહોતા.હોટેલ રેસ્ટોરેન્ટ મોડેથી ખુલે એટલે ત્યાં સુધી તેઓ ' ચા....ચા....ની'બૂમો પાડતા ઠંડી ભગાડવાની કોશિશ કરતા રહ્યા.પોતે જ પોતાને વચન આપ્યું કે 'ભવિષ્યમાં આવી ભૂલ નહિ કરે." હોટેલમાં આલુ પરોઠાં ,પૌઆ પુરી સબ્જી ખુબ સરસ નાસ્તો કર્યો.ડ્રાઈવર ઘનશ્યામભાઈ હાજર થઇ ગયા હતા. યાત્રા શરુ.

          શરૂઆત બરસાના ( આશરે 57 કી.મી દૂર ) થી થઇ.બરસાના એટલે રાધાજીનું જન્મસ્થાન .રાધારાણી મંદિર એ અહીંનું મુખ્ય આસ્થાકેન્દ્ર છે. એવું મનાય છે કે શ્રી કૃષ્ણના પૌત્ર રાજા વૃજનાથે આ મંદિર.આશરે પાંચ હજાર વર્ષ પહેલા  બંધાવેલ.કાળક્રમે તે વિલીન થયું.પછી શ્રી ચૈતન્યમહાપ્રભુજીના અનુયાયી શ્રી નારાયણ ભટ્ટ એ તે શોધી કાઢ્યું અને આશરે ઈ.સ. 1675 માં રાજા વીરસીંગએ નારાયણ ભટ્ટ અને અકબરના એક રત્ન ટોડરમલને સાથે રાખી મંદિરનું પુનઃનિર્માણ કર્યું. 250 મીટરની ઊંચાઈએ આવેલું આ મંદિર સ્થાપત્યનો અનેરો નમૂનો છે.


         નજીકમાં આવેલું નંદગાવ એટલે નંદબાબાનો મહેલ અને ઘર. માન્યતા અનુસાર અહીં શ્રી કૃષ્ણ નવ વર્ષ ને 50 દિવસ રહ્યા હતા.ભગવાન શિવ તેમના દર્શને અહીં આવ્યા હતા.શિવજીએ ઈચ્છા કરી નગરને ઉંચી ટેકરી પર લઇ જાઉં તો ગોપીઃજીઓના પગથી આખું નંદગાંવ પવિત્ર બને.એટલે અહીં નાદેશ્વર ટેકરીથી જાણીતું છે.મંદિરમાં શિવજીની પ્રતિમા પણ મુકવામાં આવી છે.

        હવેની યાત્રા ગિરિરાજ ગોવર્ધન પર્વત તરફ હતી.મથુરા જિલ્લાના જતીપુરા શહેરમાં આ સ્થાન છે. જાણીતી વાત છે કે સહુ ઇન્દ્રની પૂજા કરતા.ક્રાંતિકારી શ્રીકૃષ્ણએ સહુને સમજાવ્યું કે ગોવર્ધન જ પોષક છે.તેની પૂજા કરો. .ઇન્દ્ર વિફર્યા.પ્રચંડ વાવાઝોડું અને ભયાનક વરસાદથી પોતાનું રૌદ્ર રૂપ પ્રગટ કર્યું.શ્રીકૃષ એ આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચકીને સમગ્ર પ્રજાજનો અને પ્રાણીમાત્રને રક્ષિત કરી દીધાં . નૂતન વર્ષના દિવસે ગોવર્ધન પૂજાનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્વ છે.આપણે  અન્નકૂટ ભરીએ છીએ એ ગોવર્ધન પૂજાનું પ્રતીક પૂજન છે.ગોવર્ધન પર્વત એટલે કોઈ શિખરની ઊંચાઈ નહિ પણ શ્રદ્ધાની ટોચ છે.શહેરના મધ્યભાગમાં વિશાળ પર્વત છે.તેની પરિકમ્માનું ખુબ વિશેષ મહત્વ છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ 21 કી.મી.ની આ પરિકમ્મા ઉઘાડા પગે જ કરે છે.કેટલાય તો સાષ્ટાંગ દંડવૃત કરતા કરતા કરે.સૌ પોતાની ઝડપે આ પરિકમ્મા. કરે.સામાન્ય રીતે સાતેક દિવસ લાગે છે.2018 માં ઉત્તરપ્રદેશની યોગીજી સરકારે પૂરો પરિકમ્મા માર્ગ ખુબ વ્યવસ્થિત અને પદયાત્રીઓને સરળ રહે તેવો લીસી રેતી સાથેનો બનાવ્યો છે.કેટલાય ભરચક્ક માર્ગ પર તો ચારચક્રી વાહનો પર પ્રતિબંધ પણ છે.અમે આ પરિકમ્મા ઈ- રીક્ષા માં બે કલાકમાં પૂર્ણ કરી.પરિકમ્મા માર્ગમાં અનેક મંદિરો આવે છે .માનસી ગંગા રાધાકુંડ વગેરે.મુખ્ય મંદિર 'ગિરિરાજ મુખારવિંદ' મંદિર છે.કહેવાય છે કે આ સ્થળે શ્રીકૃષ્ણે આંગળીથી પર્વત ઊંચક્યો હતો. ભવ્ય પરિકમ્મા અને ભવ્ય દર્શન.


         હવે વૃદાવન ભણી પ્રયાણ હતું.રસ્તામાં 'રમણ રેતી  તીર્થ ' સ્થાન આવ્યું.જ્યાં શ્રીકૃષ્ણ રાધા અને ગોપીઓ  રાસ રમતાં. અહીં બાલકૃષ્ણ આળોટ્યા હતા એટલે  તે રેતીમાં આળોટવાની પ્રથા છે.શ્રદ્ધાના ખોબે તે રેણુનો સ્પર્શ કરીને કદંબ વૃક્ષ નીચે બેસી કૃષ્ણ સ્મરણ કર્યું. રમણ  રેતી તીર્થની સામે 'હરણ પાર્ક ' છે. નિર્દોષ રીતે ટોળાંમાં વિહરતા હરણને જુવાર દાણા ખવરાવવાનો લહાવો છે.

         સાચા કૃષ્ણ ભક્ત રસખાન ( 1548-1628 ) નું સમાધિ સ્થળ અનેરું સ્થાન છે.મુસ્લિમ હોવા છતાં શ્રીકૃષ્ણભક્ત રસખાનના કૃષ્ણરંગ ના દોહા ખુબ પ્રચલિત છે. એક પ્રચલિત કથા છે.એક મિજલસમાં તેમને હાજર રહી દોહા સંભળાવવાનો આગ્રહ કરવામાં આવ્યો...ખિસ્સામાં શ્રીકૃષ્ણનો ફોટો હતો,જેમાં તેની એક લટ ' J ' જેવી હતી. અરબી લિપિમાં  એક અક્ષર  'J ' આકારનો છે જેનો ઉચ્ચાર ' લામ ' થાય છે.કવિતા સંભળાવતા રસખાનજી બોલ્યા ' હૈ વો કાફીર ( નાસ્તિક )  જો બંદે નહિ ઇસ્લામ કે '- બોલતી વખતે શ્રીકૃષ્ણનો ફોટો કાઢી તેની લટ ' J ' તરફ અંગુલી નિર્દેશ હતો. આ પંક્તિ દ્વિઅર્થી છે.રસખાનજીના  સમાધિસ્થાનને પુરી રીતે વિકસાવવામાં આવ્યું છે .'એમ્ફી થિયેટર 'પણ છે. અહીંથી વૃદાવન જતાં માર્ગમાં ‘ પ્રેમ સરોવર ' આવે છે.કલાત્મક રીતે બાંધેલું આ સરોવર જોવું ગમે તેવું છે.માન્યતા અનુસાર અહીંથી રાધાજી અને શ્રીકૃષ્ણ વિખુટા પડેલાં તેમના પ્રેમાશ્રુનું પ્રતીક તે આ પ્રેમ સરોવર છે.


                વૃંદાવન એટલે એવું વન છે જ્યાં શ્રીકૃષ્ણ રાધા ગોપી વિહરતાં 'બાંકે બિહારી ' અહીંનું મોટું મંદિર છે.ઝળાંહળાં રંગીન લાઈટોથી બનાવેલા 'પ્રેમ મંદિર'માં શ્રીકૃષ્ણના જીવન પ્રસંગોને મોરા કદના તૈલચિત્રોથી મુકાયા છે.નાગ દમન પ્રસંગને જીવંત રૂપે સજાવાયો છે.જોવા માટે ગમતું સ્થળ છે. સંગીતજ્ઞ બૈજુ બાવરાના ગુરુ સ્વામી હરિદાસજી ( 1480-1573 )  નો આશ્રમ કલાપ્રેમી માટે આદર સ્થાન છે.તેમની ગાદી અને તેમના વાદ્ય સાધનો આજે પણ સચવાયાં છે.પરંપરાગત શિષ્યો આવી બેસે અને અનુકૂળ કીર્તન વગેરે કરતા હોય.ગુરુ પરંપરા સચવાઈ છે પણ સંગીતની પ્રધાનતા અહીં કદાચ ખોવાઈ છે. 

          વૃંદાવન માં વાંદરા તો એટલા બધા છે વૃદાવનને ( રાધેકૃષ્ણની ક્ષમા  સાથે ) 'વાંદરા વન ‘ કહીએ તોય ચાલે! અને એ વાંદરાઓ પણ કૃષ્ણ સમયમાં આંખના ડોક્ટર હતા.બધા વૃદાવનવાસીઓ માખણ વધુ ખાતા એટલે કોઈની આંખ બગડતી નહિ ને એમના કોઈ દર્દી આવતા નહિ .એના ખારમાં એ બધા અત્યારે ચશ્મા ખેંચવાનું જ કારસ્તાન કરે છે.ડ્રાઈવર ઘનશ્યામભાઈ એ તો અગાઉથી જ ચશ્માં જીવની જેમ સાચવવાની સૂચના આપેલી. અમારો કારમાંથી ઉતરવાનો સમય આવ્યો.અમારી નજર સામે જ વાંદરો એક યુવાનના ચશ્મા લઇ ગયો.જીજ્ઞાશા વશ અતુલભાઈ કારનો દરવાજો ખોલી ને બોલ્યા ,' એ લઇ ગયો ' વાંદરો ચાલાક હતો.યુવાનના સસ્તા ચશ્મા  ફેંકીને અતુલભાઈના 2700/- રૂપિયા ના ચશ્મા લઇ ગયો.ખુબ ઉંચી હોટેલ પર જઈને આસપાસ ના દૃશ્યો માણવા  લાગ્યો હશે. અતુલભાઈએ બીજા બે દિવસ ચશ્મા ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી.   દિવસ આખો ખુબ જ વ્યસ્તતા અને વિસ્મયતામાં પસાર થયો. એક જ દિવસમાં  ખુબ ઘણું  જાણી માણી લેવાનો આનન્દ હતો.30 નવેમ્બરના સંભારણા લઇ હોટેલ પર પાછા ફર્યા.રાત્રી ભોજન અને શયન.


        1 લી ડિસેમ્બર 2021 સવારે કાર આવી ગઈ.ગોકુળ તરફ આગળ વધ્યા.અહીંની ગલીઓ શ્રીકૃષ્ણનું બાળપણ વીત્યું હતું.પ્રચલિત ગોકુલનાથ મંદિર અનેક સ્તંભ પર છે. બલરામજી  મંદિર પણ  નજીક જ છે.ગોકુળમાં ઘેર ઘેર મંદિર છે.આ તીર્થમાં ભગવાન કરતા પંડા વધારે છે.ફરજીયાત મંદિરમાં લઇ જાય .મોટી મોટી વાતો ને પછી મોટા મોટા ભોગ ધરાવવાની માંગણી.એનાથી જેટલા દૂર ભંગાય તેટલું સારું.લાગે છે કે કાનુડા સાથે ગાય ચરાવવા કે માખણ ખાવા નહિ ગયા હોય જે આળસુ અને એદી એવા નો આ પુનઃજન્મ હશે.અહીં તો એ યાદ રાખવું કે જે ભૂમિ પર શ્રી કૃષ્ણની પદ રેણુ છે તે ભૂમિ પર આપણે વિહાર કરી ધન્ય થયા

          હવે મથુરાનગરી. .પિતા ઉગ્રસેનને કેદ કરી ગાદી પર બેસનાર કંસની ભૂમિ તરીકે જોવાને બદલે શ્રીકૃષ્ણની જન્મભૂમિ તરીકે જોઈએ તો મસ્તક નમી જાય.પ્રજાપર અત્યાચાર કરનાર કંસને કાળવાણી સંભળાઈ કે બહેન દેવકીનું આઠમું સંતાન તેનો કાળ બનશે.દેવકી -વાસુદેવને કેદ કર્યાં જેલમાં જ  શ્રાવણ વદ આઠમના  રોજ રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ થયો. યમુના નદી પર વસેલ યામિનીનગર સમયાંતરે મથુરા થયું. તેમાં ખુબ તડકા છાયા જોનાર આ ભૂમિ પર પ્રારંભમાં આરેલીક વાસુ નામક રાજાએ તોરણ બાંધેલ  (માન્યતા અનુસાર યુધિષ્ઠિર એ હસ્તિનાપુર અર્જુન પ્રપૌત્ર  પરીક્ષિત ને અને મથુરા શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વ્રજનામ ને સોંપેલ .) ઈસ્વીસન પૂર્વે 80 વર્ષ પહેલા યદુવંશી રાજા વ્રજનામ એ પ્રથમ મંદિર નિર્માણ કર્યું હુણ ,શક,કુષાણ અને .મોગલ શાસકો મહંમદ ગીઝની,ઔરંગ ઝેબ વગેરે એ તેને વારંવાર ધ્વંસ કર્યું.ઈસ્વીસન 400 ની સલમા સમ્રાટ ચંદ્રગુપ્ત એ તેનું નિર્માણ કર્યું.પંડિત મદનમોહન માલવિયાજી ની પ્રેરણાથી ભારતના શ્રેષ્ઠીઓ  દ્વારા હાલનું ભવ્ય મંદિર નિર્માણ થયું છે. નકોર અને જાડા લોખંડના ખીલા વાળા વીસેક ફૂટ ઊંચા  અને માત્ર બે અઢી ફૂટ પહોળા અને સોએક મીટર ના પ્રવેશદ્વાર અને માર્ગ માંથી પસાર થતાં ખરેખર જેલ વાતાવરણમાં પ્રવેશતા હોઈએ તેવો અનુભવ થાય.અંદર નાના દરવાજા વાળી કાળ કોટડી જેવા ખંડમાં અહીં લાલો જન્મ્યો હતો.ભૂમિની પવિત્રતાનો ચોક્કસ અનુભવ થાય


    . મથુરા નું બીજું ભવ્ય મંદિર તે શ્રી દ્વારિકાધીશનું મંદિર.ખુબ ભવ્ય અને વિશાળ મંદિર છે. ઈ.સ.1814 માં ગ્વાલિયર ( સિંધિયા ) ના મહારાજા શ્રીમંત દોલતરાવ સિંધિયાના ઉદાર દાનથી રાજ્યના મુખ્ય ખજાનચી શેઠ ગોકુલદાસ પરીખના માર્ગદર્શનમાં બંધાયું..મંદિરમાં રાધાકૃષ્ણની ભવ્ય મૂર્તિ સાથે નાના મંદિરમાં શાલિગ્રામ પણ છે. ખુબ સરળતાથી દર્શન થયા.અહીં જન્માષ્ટમી ,હિંડોળા રાધાષ્ટમી જેવા મુખ્ય ઉત્સવો ઉલ્લાસથી ઉજવાય છે.


      માતા ગાયત્રી  અને  ગાયત્રી હવન ને જેણે ઘેર ઘેર પહોંચાડ્યાં તે પરમપૂજ્ય શ્રી રામશર્માજીએ નિર્માણ કરાવેલું વિશ્વનું સહુ પ્રથમ ( 1953 ) ગાયત્રી મંદિર  મથુરામાં છે. દેદીપ્યમાન મૂર્તિ.આંખ ઠરે તેવાં દર્શન.જેણે  વર્ષો સુધી  એકલા જવ પર મહાઅનુસ્થાન  કર્યાં છે તે શ્રીરામશર્માજી ની આ ભૂમિ પર પગ મૂકતાં જ પવિત્રતાની અનુભૂતિ થાય.પ્રેસ અને પુસ્તક વિતરણ કેન્દ્ર પણ છે. દસ દિવસીય શિબિર પણ યોજાય છે.મંદિરનો જીર્ણોદ્ધાર થઇ રહ્યો છે. રાત્રે વિશ્રામઘાટ પર થતી યમુના આરતીનું વિશેષ મહત્વ છે.સારા પંડા મળી જતા વિધિસર પૂજા કરાવી.રાત્રે હોટેલ પર પાછા.

         2 જી.ડિસેમ્બર 2021. આજે સવારે હોટેલમાંથી ચેક આઉટ કરી ,આગ્રા તરફ પ્રયાણ .કોઈએ કહ્યું કે ફતેહપુર સિક્રી અને તાજમહેલની ઓનલાઇન ટિકિટ હોય તો લાઈનથી બચાય.પાર્થને લગાડ્યો ફોન.ત્વરિત અમલ.પાર્થ કોને કહ્યો છે ! દસ જ મિનિટમાં બંને  ટિકિટ આવી ગઈ.હળવાશ થઇ..પ્રથમ તો આશરે 70 કી.મી.દૂર ફતેહપુર સિક્રી ગયા.મોગલ રાજા અકબરએ બંધાવેલ મહેલ. સિક્રી શહેર પર અકબરે કબજો મેળવ્યો .અને 1573 માં ગુજરાત પર જીત મેળવવાને કારણે વિકસાવેલા શહેરને ફતેહપુર સિક્રી તરીકે ઓળખાવાયું. કહેવાય  છે કે અહીં વસતા શેખ સલીમ ચિસ્તીના આશીર્વાદથી અકબર ને પુત્ર પ્રાપ્ત થયો જે સલીમ ( જહાંગીર ) તરીકે ઓળખાયો.ખુબ વિશાળ પરિસરમાં દીવાને ખાસ,દીવાને આમ,  હિન્દૂ પત્ની જોધાબાઈનો મંદિર અને રસોડાં સાથેનો મહેલ,હવા મહેલ,પંચ મહેલ પોર્ટુગીઝ પત્ની મારિયાનો મહેલ,અન્ય પત્ની રૂકિયા નો મહેલ,અનુપ તળાવ .કલા અને સ્થાપત્યના જોવા લાયક નમૂના છે. એક ભોયરાને અનારકલી ટનલ કહે છે.પણ આધારભૂત નથી.અકબરે નવો ધર્મ 'દિને ઇલાહી ' સ્થાપ્યો હોવાથી તેના દરબારમાં વિવિધ ધર્મના સમન્વયના પ્રતીકો નજરે ચડે છે.




       આખું પરિસર બે ભાગમાં વહેંચાયેલું છે.મહેલ વિભાગ પછી હવે ધર્મસ્થાનની દિશામાં.55 મીટર ( 180 ફિટ ) ઊંચા બુલંદ દરવાજા દૂરથી અને નજીકથી પણ સુંદર લાગે.આમ તો અંદર તેમના આસ્થા ધર્મગુરુઓનું કબ્રસ્તાન જ  છે. સફેદ આરસપહાણમાંથી બનાવેલ શેખ સલીમ ચીસ્તીની દરગાહ વિશેષ છે..વાતાવરણ પવિત્ર લાગે.સ્થાપત્ય તો અહીં પણ સરસ છે. પાછળ આવેલ સાલિમનું જન્મસ્થાન રંગ મહેલ પ્રવાસીઓ માટે પ્રતિબંધિત છે.

         હવે વિશ્વની સાત અજાયબી પૈકીની એક એટલે તાજમહેલની મુલાકાત..સુવિદિત છે કે મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજની યાદમાં તાજ મહેલનું નિર્માણ કરાવ્યું છે.17 હેક્ટર ( 42 એકર ) ના વિસ્તારમાં પથરાયેલ છે.સફેદ આરસ માંથી બનાવાયેલ તાજમહેલનું નિર્માણ 1632 માં શરુ થયેલું જે 1643 માં પૂર્ણ થયું.અને આસપાસનું અન્ય વિસ્તરણ કરતા બીજા દસ વર્ષ ગયા. તેના સૂબા ઉસ્તાદ અહમદ લોરીના માર્ગદર્શનમાં 20000 કારીગરોએ આ સ્થાપત્ય કર્યું.જેમાં આશરે 3 કરોડ 20 લાખ  રૂપિયાનો ( 17 મી સદી માં ! ) ખર્ચ થયો. જે આજ ના  ભાવે 7000 કરોડ રૂપિયા થાય .તાજમહેલ યુનેસ્કોના વિશ્વ વારસામાં છે 2007 માં નવી સાત અજાયબીમાં તેનું સ્થાન છે. અરેબિક શૈલીનું ભવ્ય પ્રવેશદ્વાર..મુખ્ય બાંધકામમાં મિનારાની ઊંચાઈ 35 મીટર છે જયારે તેની આસપાસ ચાર ખૂણે 55  મીટર ઊંચા ચાર મિનારા બનાવાયા.છે. ખુબ ઝીણું બારીક કોતરણી કાર્ય ઉડીને આંખે વળગે છે. અંદર જવા પાતળાં કપડાંના 'શું કવર ' પાંચ રૂપિયાની જોડી મળે છે .જે પગરખાં પર ચડાવીને ,અંદર જઈને ચારે બાજુ ફરી શકાય છે. મધ્યમાં મુમતાજ અને શાહજહાંની ચાંદી મઢેલ કબરો છે.સાચી કબર નીચે ભોંયરામાં છે ત્યાં પ્રવાસીઓ જઈ શકતા નથી..


          એક પ્રાથમિક સંશોધન અનુસાર ઋષિ અંગિરાનું પવિત્ર સ્થળ તે અપભ્રંશ આગ્રા છે અને સાતસો જેટલા પુરાવાના આધારે મનાય છે કે તાજમહાલ  એ 'તેજો મહાલય ' ભવ્ય શિવ મંદિર હતું.જે નાગેશ્વર તરીકે ઓળખાતા હતા.108  જેટલા કળશ અંદર કોતરાયા છે. આ સંદર્ભો ઇતિહાસકાર પુરુષોત્તમ નાગેશન પુસ્તકમાંથી લેવાયા છે.. તારણ ભારત દેશમાં આવેલાં એક બેનમૂન  પ્રાચીન સ્થાપત્યને સ્થાપત્ય તરીકે જરૂર જોવાય.

            મોડી સાંજ થવા આવી હતી.ઠંડી પણ પડતી હતી.યાત્રા પ્રવાસ સંપન્ન થયો. ડ્રાઈવર ને બોલાવીને આગરા કેન્ટ રેલવે સ્ટેશને પહોંચ્યા .કુલીને પ્લેટફોર્મ નંબર 5 ની ખબર હતી.સમયસર ટ્રેન પણ ગોઠવાઈ ગઈ .અમારો B-3 ને અતુલભાઈ નો B-4 ચારેય જણ ની લોઅર બર્થ રાત્રે 10.10.મિનિટે સમયસર ટ્રેન ઉપડી .3  જી ડિસેમ્બર સવારે 12.20. મિનિટે અમદાવાદ ઊતર્યાં.ઘેર પહોંચ્યા .પ્રવાસ ખુબ સરળ રહ્યો.સારા હોટેલ,ટેક્ષી અને સ્થળોની ઓછી ભીડ ને લીધે ક્યાંય અગવડ ન પડી અતુલભાઈ,બકુલાબેનના જોડાવાથી સોનામાં સુગંધ ભળી..પંડાઓથી ચેતવાની અનુભવીઓ પાસેથી સૂચના મળેલી. કેદારભાઈ ના મમ્મી પપ્પા તરફથી સ્થળો માટે સરસ માર્ગદર્શન મળેલું તે ખુબ ઉપયોગી થયું.ખુબ લાંબા સમયથી રહી ગયેલી ઈચ્છા પૂર્ણ થઇ.ભગવાન શ્રી બાળ કૃષ્ણનના જ્યાં પદ ચરણ પડયાં હતા.તે ભૂમિ પર પગલાં પાડી કૃતકૃત્ય થઇ ગયા. જય શ્રી કૃષ્ણ.

દિનેશ.લ.માંકડ - રંજના માંકડ

9427960979

Wednesday, November 10, 2021

યાત્રા -27 -પૂર્વથી પશ્ચિમ નો સૂર્યોદય


 

યાત્રા -27   -પૂર્વથી પશ્ચિમ નો સૂર્યોદય

       અવિરત ચાલતી યાત્રામાં એક પછી એક નવાં તીર્થ ઉમેરાય ને સાથે સાથે આનંદપણ .ક્લિનિકથી રોજ રાત્રે પાર્થ આવે એટલે થાય ટ્રાફિકની ચર્ચા..એક દિવસ, એનો સવાલ--" પપ્પા, આપણે હવે પશ્ચિમમાં જવા વિચારીએ તો કેમ ?   ક્લિનિક પણ પશ્ચિમમાં અને હવે સમય સાથે શહેરના મધ્ય તરફ પણ જઈએ તો કેવું?"  વિચાર ગમ્યો.વિસ્તાર ,બજેટ અને અનુકુળતાઓને કેન્દ્રમાં રાખીને તપાસ શરુ.પાર્થ બે-ચાર નવી સ્કીમ જુએ.જુના પણ જુએ.એમાંથી પસંદગી ઉતારીને એકાદમાં અમે બધાં જોઈએ .મણિનગરનું શાલીન,જૂનું એટલે વેચવાની કસોટી.જાત જાતના લોકો જોવા-લેવા વિચારે. મકાન પસંદગી એક મોટો પડકાર છે.બધાં પાસા જોતા ,સો વિચાર કરવા પડે.મોટું શહેર એટલે સાહસ પણ વધારે .આમ પણ ભૂમિ પોતે જ તમારું સ્વાગત કરવા નું નક્કી કરે છે.ખુબ ખુબ જોઈ ચકાસણી કરીને છેવટે ઇસ્કોન પ્લેટિનમ ,બોપલ પર પસંદગી ઉતરી. પૂર્વ થી પશ્ચિમના સૂર્યોદય નો પ્રારંભ.

               શાલીન એપાર્ટમેન્ટ વેચાયું.સદ્નસીબે લેનાર રવિભાઈ ખુજ સહકાર વાળા અને સરળ પ્રકૃત્તિના મળ્યા.નવા મકાન માટે લોન મંજુર કરાવાઈ.F / 402,ઇસ્કોન પ્લેટિનમ નો કબ્જો મળ્યો.ફર્નિચર બનવાનો સમય શાલીનમાં ' ભાડે' રહયા!

           શાલીનની  યાદગાર સ્મૃતિઓ ખરેખર અવિસ્મણીય હતી.શાહઆલમથી અહીં આવ્યા પછી ત્રણેયના પ્રગતિના પારાબિંદુઓ તો ખુબ ઝડપે ઊંચાં જ ઊંચાં જ ગયાં ભિન્ન ભિન્ન ક્ષેત્રની નાની-મોટી સિદ્ધિઓની યાદી ખુબ મોટી થાય.પાડોશ ખુબ સારો.ધમધમતો જવાહર ચોક ,રાધાવલ્લભ મંદિરની આત્મીયતા સદાય યાદ રહેશે.

         વાત મણિનગરની સરળ અને મળતાવડી  વસતી ,મોટું બજાર ,મણીકારણેશ્વર મહાદેવ ,સ્વામિનારાયણ મંદિર ,રામકૃષ્ણ મંદિર સાથેનો લગાવ ભુલાય તેવો નથી.કાંકરિયા તળાવ એટલે મણિનગરનો શ્વાસ .સવારે ચાર વાગ્યાથી મોર્નીગ વોકરસ હોય.અમે પણ જયારે જયારે અનયકુળતા થાય ત્યારે જવાનું નથી ચુક્યા.આશરે ત્રણ કિલોમીટરનો રાઉન્ડ મારીને વળતાં સરગવાનું જ્યુસ પીને ઉર્જા ઘેર લાવવાની મજા કૈક ઓર જ હતી.હીરાભાઈ કન્યાશાળા-નટકમલ  અમારા સ્વાધ્યાય વિડીયો કેન્દ્ર.અનેક પરિવાર સાથેનો નિસ્વાર્થ સંબ્ધ ,ભાવફેરી ,ભક્તિ ફેરીનો અનુકૂળતા અનુસારનો લહાવો પણ અનેરો .એમાંય બી.આર.ટી.એસ. નું સ્ટેન્ડ ઘર પાસે આવ્યું એટલે તો ભાવ નિર્ઝર ની નિયમિતતા નો વિશેષ આનંદ ઉમેરાયો.  

       મણિનગર છોડવું ન ગમે તેની યાદોને સાથે રાખીને 17 મી જૂન 2017 ના ઇસ્કોન પ્લેટિનમ ,બોપલમાં નૂતન ગૃહે પ્રવેશ ગાયત્રી યજ્ઞથી વાતાવરણ પવિત્ર થયું. ." Live Life ,Club Style " નું સૂત્ર ધરાવતું ઇસ્કોન પ્લેટિનમ પોતે એક નાનું શહેર -ટાઉનશીપ છે.અનેક સુવિધાઓ ઘર આંગણે. કદાચ આટલી સુવિધા ધરાવતું ગુજરાતનું પ્રથમ ટાઉનશીપ હશે.વિશાળ પ્રાંગણમાં જ જિમ,યોગરૂમ ,પુસ્તકાલય ,સ્વિમિંગ પુલ ,મોટું બાળ ક્રીડાંગણ ,ટેનિસ,ગોલ્ફ ,સ્કવોશ ,ગેઇમ ઝોન ,બોક્ષ ક્રિકેટ ,મીની  થીએટર વગેરેની સાથે મોટું મધ્યસ્થ મેદાન અને ખુલ્લામાં  બેસીને વાતો થાય તેવી અનેક બેઠકોની સુવિધા તો ખરી જ. ક્લબહાઉસની 24 કલાક ‘પૂછપરછ સુવિધા’ સાથે દરેક ઘરનું ઇન્ટરકોમ જોડાણ ખુબ આશીર્વાદ રૂપ. પ્રાંગણમાં જ  શાકભાજી ,કરિયાણું અને દૂધની દુકાન તો ખરી જ.બ્લોકની અને મેઈન ગેઇટ ની સિક્યુરિટી સુવિધા હવે અમદાવાદમાં આવશ્યક છે જે અહીં છે. ગણેશ ચતુર્થી ,નવરાત્રી,ઉત્તરાયણ ,હોળી અનેક અનેક તમામ ઉત્સવ અહીં રંગે ચંગે મનાવાય. છે

          અહીં આવીને બોપલમાં અન્ય વધારાની અનાયાસે મળેલી અસ્ક્યામતો ,પાર્થની કોલેજ માત્ર દોઢ કી.મી.( જે મણિનગરથી 22 કી.મી. હતી ! ) નાગરોના અનેક ઘર, બોપલ નાગર મંડળ અને નંદેશ્વર મહાદેવ તો વળી , દસ નાના મંદિરો સાથે..સ્વાધ્યાય વિડીયો કેન્દ્ર પણ નજીક ને ભાવ નિર્ઝર પણ .BRTS અને UBER ની સુવિધાએ અમારા સંગીત ,નાટક કે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અનુકૂળતા અનુસાર ચાલુ જ રહ્યા.પ્રત્યેક દિવસ રંગમય બનતો ચાલ્યો.બોપલ નાગર મંડળની પ્રવૃત્તિમાં થોડી સક્રિયતા અને ગીત -સંગીત ગ્રુપને લીધે જીવંતતા વધી

         એક નાનકડાં શુભકાર્યમાં નિમિત્ત થવાનો અવસર અનાયાસ પ્રાપ્ત થયો.ભત્રીજી -ઉર્વી માટે સુપાત્રની ખોજ ચાલતી હતી.સુરેન્દ્રનગરથી ગાંધીનગર સ્થિર થયેલા એક સુંદર પરિવાર સાથે કોઈ માધ્યમથી પરિચય થયો.પુત્ર ભાવિકભાઈ નાણાવટી ભચાઉની સિરેમિક ઉત્પાદની કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ.ઉર્વી અને જ્યોત્સ્ના બહેન ઘેર આવ્યાં .પરસ્પર પરિચય સંપર્ક ને સંમતિ .ડિસેમ્બર 2019 માં લગ્ન .મંગળકાર્યમાં નિમિત્ત થવા સાથે પિતાશ્રીની નિવૃત્તિ પછી જેણે ટેકો,બળ આપ્યા તે મોટાભાઈ મુરબ્બી ધનસુખભાઇનું થોડું ઋણ ઉતાર્યાનો આત્મિક સંતોષ પણ થયો.

.        શર્વાણીના નર્સરી ,લિટલ વિંગ્સમાં અને જુનિયર સિનિયર દિલ્હી પબ્લિક સ્કૂલમાં શરુ થયા.શર્વાણીના મુખેથી એક સંભવિત સવાલ ,' બીજાના ભાઈ-બહેન હોય તો મારાં ક્યારે?'- એની  શ્રદ્ધા હવે ફળવાની હતી.ગ્રીવા અંજાર.20 મી ડિસેમ્બર 2019 ના બપોરે સંકેત પાર્થ રંજનાનું અંજાર તરફ પ્રયાણ .ને સાંજે લક્ષ્મી માતાની પધરામણી . ફરી દાદા થવાની બેવડી ખુશી. રાશિ કન્યા પ.ઠ ણ . સહુ ચડયાં વિચારે.'નામ તો એવું પાડવું જે અનન્ય હોય.ખંખોળવાનું શરુ.ખોળતા ખોળતા અચાનક જ પાર્થને એક શબ્દ હાથ લાગ્યો.'પરાર્ધ્ય ' અંક સંખ્યામાં સૌથી મોટો અંક.સ્તોત્ર જોવાતાં હતાં તો યોગાનુયોગ ' લલિતા સહસ્ર નામ સ્તોત્રમાં માં પાર્વતીનું એક નામ 'પરાર્ઘ્યા ' વિશેષ યોગ જોવા જેવો છે કે 'શર્વાણી ' પણ શક્તિપીઠ માંથી માતા પાર્વતીની એક શક્તિપીઠ જ છે! શુભ પ્રંસંગ આવ્યો.અગિયારમો ,બારમો વાસો -નામકરણ અંજાર ,ભુજ પરિવારો સાથે થયા. શર્વાણીબેન ને બહેન આવ્યાની હોંશ સમાતી નહોતી. ફેબ્રુઆરી 2020 માં પરાર્ઘ્યા સાથે શર્વાણી ,ગ્રીવા સ્વગૃહે પધાર્યાં .હવે ઘર ભર્યું ભર્યું થયું.

લખ્યા તારીખ 10/111/2021

દિનેશ લ.માંકડ

મોબાઈલ -9427960979

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો. mankaddinesh.blogspot.com

Monday, September 6, 2021

યાત્રા -28 - શીતળ ચાંદનીની શાશ્વત અમાસ

 



યાત્રા -28  - શીતળ ચાંદનીની શાશ્વત અમાસ

       મારી યાત્રાની લેખનયાત્રા લગભગ એવા મુકામ પર છે જ્યાં તેના પડાવ લગભગ પાછલાં નજીકના વર્ષો જ નું વર્ણન બાકી છે..એટલે નજીકના ભૂતકાળ અને વર્તમાન વચ્ચે અંતર ઓછું છે.એટલે કૈક એવું ઓચિંતું બને કે કલમ અને મન યાત્રા વર્ણનનો ક્રમ ભૂલીને વર્તમાનને કહેવા મજબુર કરે.અને બન્યું પણ એવું જ છે.મોટાં બહેન જ્યોત્સ્નાબહેનની અચાનક તારીખ 31 મી ઓગસ્ટ 2021 ની વિદાય..જયારે મન જે સ્થિતિ માટે તૈયાર ન હોય એ અચાનક જ આવી પડે ત્યારે મન તે સ્વીકારવા તૈયાર જ ન હોય .

          સાંજે છ વાગ્યે મોટાભાઈ અરુણભાઈનો ફોન આવ્યો ,' જ્યોત્સ્નાબહેનને લેઉઆ હોસ્પિટલ,ભુજ માં દાખલ કર્યાં છે.ખુબ જ નાજુક છે તમે તાત્કાલિક આવી જાવ ' બીજી પાંચ જ મિનિટમાં ફોન આવ્યો.' બહેન ગયાં - હજુ પાંચમી ઓગસ્ટના સૌથી મોટાભાઈની પૌત્રીના સામોરતાના પ્રસંગમાં તો સ્વસ્થ રીતે મળ્યાં .'સમય મળે થી બે ચાર દિવસ રોકાવા આવીશ 'ની વાત પણ થઇ.ને આમ અચાનક ? 

         પહેલેથી જ પોતાની આંતરિક શારીરિક તકલીફો સહન કરીને બીજાને ચિંતાગ્રસ્ત ન બનાવવાની ટેવ.એટલે સાવ અચાનક જ. રાત્રે જ અમે બે નીકળી ગયાં.સવારે એમનાં અંતિમ દર્શન કર્યાં.ન કલ્પી શકાય તેવી વાત મન સ્વીકારવા જ તૈયાર નહોતું.પણ વાસ્તવિકતાનો સ્વીકાર ,એ જ વિકલ્પ માણસ પાસે હોય છે.જયારે ભુજ જઈએ ત્યારે થોડીકે મિનિટો કાઢી એમને મંળવા જઈએ.અગવડ વચ્ચે પણ અચૂક કાઇંક આગતા સ્વાગતા સદાય હસતે ચહેરે હોય જ.  એટલે આજે આમ આવવું તો સાવ કઠિન જ હતું. જેની કદીયે એક નવી એકમ નહિ ઉગે એવી  આ શીતળ ચાંદની ( જ્યોત્સ્ના ) ની  ,શાશ્વત અમાસ અમારા સહુ માટે અને અનેક માટે પણ અસહ્ય છે.

           જ્યોત્સ્નાબેન એટલે સંબંધોના સાથિયા પૂરતું સંઘર્ષોનાં આજીવન સાથીદાર બનાવીને અને જવાબદારીઓના હિમાલયના ભારને ઉંચીને ,સદાય હસમુખ ચહેરે ચાલતું -દોડતું વ્યક્તિત્વ. સાથિયાને તો ચાર દિશા હોય પણ જ્યોત્સ્નાબહેનના સંબંધોના સાથિયાની તો અનેક દિશા .કુટુંબમાં ભાઈ બહેનોના પ્રસંગો હોય કે સાસરાં પક્ષના, તેઓ તો સહુને સાચવે.વ્યવહાર જ્ઞાન અને પરસ્પર બધાયને મળે ને મેળવે-સાચવે. .કોઈ બાકી જ ન રહે.

          પડોસમાં કોઈ ઘર એવું નહોતું જ્યાં જ્યોત્સ્નાબહેન સારે માઠે પ્રસંગે પહોંચ્યાં  ન હોય. તેમની હાજરી માત્ર ન હોય પણ ગમે તે પ્રકારની મદદ માટે સદા તત્પર.સૌરાષ્ટ્રમાંથી કચ્છ આવે આશરે વીસ -પચીસથી .પણ વધારે વર્ષ થયાં ,હજુ ત્યાંના પરિચિતોને ફોનથી મળ્યા વગર ન જ ચાલે.સવારે છાપું નાખવા આવે તેને રોજ ચા પીવરાવે -' મારા ભાઈનું નામ દિનેશ છે અને તમારું નામ પણ દિનેશ છે એટલે તમને ચા પીવરાવું છું.' આ ઉંમરે પણ ભુજમાં રહેતાં  ભાઈ બહેન ,ભત્રીજા ભત્રીજીને મહિને માસે મળ્યા વગર એમને ન જ ચાલે. જેઠાણી કે નણંદ ને પણ ન ભૂલે.  સિત્તેર વર્ષ પૂરાં થયાં પછી પણ મંદિરો ,મંગળા આરતી,નાકા બહાર ,હમીરસર, અને પ્રસંગે કે વગર પ્રસંગે પારિવારિક ઘરોએ  તેમની અચૂક હાજરી હોય. 

           એમના જીવનમાં સંઘર્ષો કાયમ સાથે જ રહ્યા છે.છતાં ક્યારેય તેમના ચહેરા પર તેની વ્યથા ક્યારેય કોઈને બતાવી નથી.પિતાશ્રીની મહિનામાં વીસ દિવસ પ્રવાસની નોકરી એટલે અભ્યાસ સાથે માતુશ્રીને તો સતત મદદ કરવાની તો હોય જ.1965માં મૂળ ભુજના પણ જી.ઈ.બી.જૂનાગઢમાં સેવા આપતા પ્રદ્યુમન ભાઈ સાથે લગ્ન..અમારા પરિવારમાંથી કોઈએ કચ્છ સરહદ કાયમ રહેવા છોડી નહોતી ત્યારે તેની હિંમતભેર શરૂઆત કરી.

 .            આજ થી પંચાવન વર્ષ પહેલાં જયારે ટેલિફોન કે બસ વ્યવહાર પણ નહિવત હતો ત્યારે અઢીસો કી.મી. દૂર સાસરે જનાર કન્યાની મનોસ્થિતિ આજની પેઢી કલ્પી પણ નહિ શકે.નવો મુલક. ઘરમાં વડીલ સાસુજી તો હોય જ.તેમનો નિત્યક્રમ જાળવીને ઘર માંડવા નો પ્રારંભ.પણ 'સંઘર્ષ નામનો સાથીદાર રાહ જોઈને જ ઉભો હતો.પહેલા જ દિવસ થી એક વિશેષ જવાબદારી તેમના પર આવી.દિયર પુરા મનોરોગી.તેમને સાચવવા.તેમની ટેવો  સામે  ટકવાનું ,રસ્તા કાઢવાના.કેટલાક સમયે પ્રદ્યુમનભાઈની બદલી વેરાવળ થઇ. ગીચ વેરાવળમાં ઘર સાવ નાનું મળ્યું.સમયાંતરે ત્રણેય બાળકોના અભ્યાસ આગળ ચાલતાગયા. પરિવાર મોટો થયો પણ એમના ચહેરાપણ કદીયે ભાર કે થાક કોઈએ જોયો નથી.

           અહીંથી હવે શારીરિક સંઘર્ષની શરૂઆત થાયછે. પેટમાં મોટી ગાંઠ .અમારા આખા પરિવારમાં કોઈએ મોટું ઓપરેશન જોયું જ નહોતું.માંડવીના ડો.મધુભાઈ રાણા ના સહકારથી ચાર કલાકના ઓપરેશન પછી તેઓ સ્વસ્થ થયાં .પ્રદ્યુમનભાઈની બદલી કેશોદ થઇ.વેરાવળનો નાતો છૂટે તેમ નહોતો એટલે એમનું ટિફિન અને એમની ટ્રેનનો સમય તો સાચવવાનો હોય. જી.ઈ.બી.ના થર્મલ વિભાગમાં હોઈ કચ્છ આવવું હોય તો પાનધ્રો જ આવવું પડે.અને આવ્યા. સરહદે આવેલાં પાનધ્રો રહે તો બાળકોનો ઉચ્ચ અભ્યાસ બગડે.ભુજ રહેવાં નું શરુ.

         કાળચક્રની કપરી ગતિ તો ચાલતી રહી.1992 માં પ્રદ્યુમનભાઈ ઓચિંતા જ હૃદય રોગના હુમલાથી વિદાય લઇ ગયા.તેમનો સંઘર્ષ હદ વટાવી ગયો હતો.મોટા પુત્ર કિન્નરને તો જી.ઈ.બી.( પાનધ્રો) એ સમાવી લીધો. કિન્નર ,કેતકી બહેન ને બે બાળકોએ તો પાનધ્રો જ રહેવું પડે તે સ્વાભાવિક છે .રજાઓમાં  ભુજ આવે.નાના બંને હર્ષાયું અને વિવેક ને નોકરીને બદલે વ્યવસાયમાં રસ હતો.એટલે તેઓ એ ભુજમાં જ કમ્પ્યુટર અને અન્ય વિષયમાં કોચિંગ ક્લાસીસ શરુ કર્યા.

          ફરી કોઈ મહારોગના એંધાણ થયા. ફરી ઓપરેશન. અધૂરા માં પૂરું મધુપ્રમેહ તો આજીવન શરીરમાં ઘર કરી જ ગયો. પોતાની ઉંમર પણ વધતી ચાલી  .દિયર પણ ખુબ લાંબી સેવા લીધા પછી વિદાય થયા. સંતાનોના સમય એકલે હાથે સાચવવાના અને તેની વચ્ચે પોતાને થતી શારીરિક તકલીફ જો ઓછી હોય તો કહેવાની જ નહિ.ફક્ત સહેવાની.બંને પૌત્રો-ધર્મ અને મન ને 'બા' નું ખુબ વધારે.અને જ્યોત્સ્નાબહેન પણ એમને -નાણા ના વ્યાજને એટલા જ ઉમંગે સાચવે.

          મોટા પૌત્ર ધર્મનું બારમું ધોરણ પૂરું થયું.'હવે તારે અહીં રહીને કોલેજ કરવાની છે.'-બા નો હુકમ છૂટ્યો.અને ધર્મની કોલેજ ભુજમાં જ શરુ.હવે એમણે ત્રણ જણનો સમય સાચવવાનો હતો.અગવડો વચ્ચે પણ પોતાના મંદિરો અને સંબધોની સાંકળ તો અગાઉ જેટલી જ મજબૂત રીતે બાંધી રાખી હતી.તેમની સામે બે મોટાભાઈ ગયા.દિયર ગયા.જેઠ પણ ગયા.નણંદ ગયાં દરેક પરિવારની હૂંફ તેઓ બનતાં જ રહયાં.

          સમયના સથવારે દોડતાં રહયાં.પાંચમી ઓગસ્ટે (2021) ના રોજ મોટાભાઈની પૌત્રીના સમોરતામાં સહુ ભેગા થયાં. જ્યોત્સ્ના બહેન પોતાના સ્વભાવ પ્રમાણે ,નવા વેવાઈના કુટુંબની સાથે એક એકને પકડીને ઓળખાણ કરાવે .અમને કહે ," તમને સારા સમાચાર આપું.ધર્મને બી.એડ.માં એડમિશન મળ્યું.આજે મુદ્રા જશે." આગળ ઉમેરતાં કહે,' હવે અમદાવાદ, ધર્મને લઈને ચાર પાંચ દિવસ રોકાવાની રીતે આવીશ..' કોને ખબર ,જ્યોત્સ્ના બહેનની અમારી સાથે આ અંતિમ મુલાકાત હતી.

         તેમની દિનચર્યામાં એક નવું કાર્ય ઉમેરાયું." જો ધર્મ,જો તું મુન્દ્રા ન રોકાય તો તારું રોજ ટિફિન બંનાવવાની જવાબદારી મારી.'-બસ બીજા દિવસથી સવારે સાડા પાંચ વાગ્યે ઉઠી ને માનીતા પૌત્રને ભાવતી માનીતી વાનગી હોશેં હોંશે બનાવવાનીને ટિફિન ભરી તેને આપવાની. .ટેવ મુજબ સાતસો સલાહનો શણગાર અને પછી રૂટિન ઘરની ફરજોને શ્રાવણ માસ નો વિશેષ ક્રમ પણ નફામાં.

         બાહ્ય રીતે સાથ આપતાં શરીર મંદિરનું ગર્ભગૃહ હવે જર્જરિત થઇ ગયું હતું.-થાક્યું હતું.માત્ર દોઢેક જ દિવસ પરિવારની સારવાર લઈને અચાનક જ વિદાય લીધી.

         વ્યક્તિનું જવું નિશ્ચિત જ છે.વર્તમાન સમયમાં આયુ મર્યાદા પણ વધી છે.એટલે 73 વર્ષ ની આવરદામાં જરૂર થોડાં વર્ષ ઈશ્વર ઉમેરી શકત. તેમના ગયાનું દુઃખ સહુને દુઃખ એટલે  થાય કે તેમણે હંમેશ બધાને આપ્યુ છે.-આપ્યા જ કર્યું છે.કોઈ જાતની અપેક્ષા વગર .યાતના, ગમે તે પ્રકારની આવે ,કહ્યા વગર સહન કરીને તેની સામે પડકાર જ ઝીલ્યા છે.અને એવી પરિવારની સદા હસમુખ વ્યક્તિનો  હસતો ચહેરો આવતીકાલથી પ્રત્યક્ષ જોવા જ નહિ મળે - એમના મુખેથી વાતોના મલાવા સાંભળવા નહિ મળે એ વાત અસહ્ય છે.

         આવા આત્માને શાશ્વત શાંતિ હોય જ.મળેલા જીવનના સમયને નિસ્વાર્થપણે જીવીને પૃથ્વી પર જે સ્વર્ગ બનાવે તેને દેવલોકનું મળે જ .

        તેમના ,મળતાવડા સ્વભાવના સ્મરણો ,પરોપકારીતાના પરિણામો અને સદાય પ્રફ્ફુલિત ચહેરાના આભાસથી તેઓ હંમેશ સહુના મનમાં અમર રહેશે જ.

         યાત્રાના ચાલુ પડાવે એક નિકટ સ્વજનનું  અચાનકે જવું ,યાત્રાને વિષાદમય બનાવી ગયું. આખરે દુઃખનું મારણ સમય જ છે., એ વાત સ્વીકારવી જ પડે.

દિનેશ.લ.માંકડ  ( 9427960979 )  

અન્ય લેખ વાંચવા માટે બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com 

 

Wednesday, August 25, 2021

हम क्यों त्योहारों मानते है ?

हम क्यों त्योहारों मानते है ?

-हमारी भारतीय संस्कृति,विश्वकी सबसे प्राचीन है.|  सालभर हम भिन्न भिन्न रूप से त्यौहार मनाते है | .क्या हमने सोचाकी हम क्यों त्यौहार मानते है ? हमारे ऋषि ओने हर त्यौहारके पीछे निश्चित रूपसे एक बड़ा सन्देश होता है | अगर इसको जाने तो त्यौहार मनाने का आनंद और बढ़ जायगा |यूँही तो नूतन वर्ष ,बलि प्रतिप्रदा ,भाईदूज ,मकर संक्रांति ,महा शिवरात्रि ,होली,रामनवमी श्राद्धपर्व ,नवरात्री ,धनतेरस ,काली चौदस  दीवाली और भी अनेक.| हर त्यौहार के पीछे स्पष्ट रूपसे कोई न कोई बड़ा सन्देश छिपा ही है |   अभी श्रावण महीना चल रहा है | शिव पूजा होती है | ' शोवो बटवा शिवम् यजेत |'- शिवजी  के विचार से  शिव बनने की कोशिश करना | शिव ज्ञान के देवता है ,तीसरी आँख वाले शिवजी भी भोलेनाथ कहलाते है | शिवजीका त्रिशूल रक्षा का प्रतिक है तो डमरू जगाने का ,नागदेवता सयम और चंद्र शीतलता का द्योतक है | अगर हम हमारे जीवनमे शिबजीका एक भी गुण  लाने की कोशिश करे तो यह ही हमारी सच्ची पूजा है |

श्रावणमे तो रक्षाबंधन है | 'बहुला चौथ ' सभी प्राणिमात्र के लिए आदर रखने की सोच है | नागपंचमी भी सभी सरीसृप के लिए सत्कार रखने का सन्देश है | शीलता सातम का  उद्देश्य अग्निदेव की पूजा है | जो देव ३६५ दिन हमारी सेवा करते है उसी प्रत्यक्ष अग्निदेव को एक दिन विराम दे और उसको याद करके नमन करे | जन्माष्टमी को कृष्ण जन्म तो मनाते है | साथसाथ श्री कृष्ण के वीरता ,विचक्षणता ,तटस्थ न्याय ,निर्व्याज प्रेम ,'परित्राणाय साधुनाम विनाशय दुष्कृताम ' जैसे गुणों को जीवन में लाने की कोशिश करें | यही सच्ची जन्माष्टमी है 

आओ हम हमारे त्योहारों को बारे में जाने और सच्चे दिलसे ,सच्ची तरह मनाये और अपने विकास के साथ हमारी भारतीय संस्कृति को भी उजागर करे |

दिनेश ल.मांकड़ -९४२७९६०९७९

अन्य लेख पढ़ने के लिये ब्लॉग पर क्लिक कर

mankaddinesh.blogspot.com