Readers

Saturday, May 22, 2021

યાત્રા -17 ભયાનક ભૂતાવળ - ભૂકંપની


 

યાત્રા -17  ભયાનક  ભૂતાવળ - ભૂકંપની

        2001 નો ભૂકંપ આમ તો સહુના જીવનની ખુબ કરુણામય ઘટના છે .કેટલાય લોકોએ પોતાના સ્વજન તો અનેક લોકોએ પોતાની મિલકતો ગુમાવી.ઈશ્વરની મહેરબાનીથી વ્યક્તિગત કોઈ મોટું નુકસાન ન થયું.છતાં ભયાનક ભૂતાવળ, યાત્રા વર્ણનનું એક ચોક્કસ પાનું તો બને જ.

         26 મી જાન્યુઆરી 2001 .પ્રજાસત્તાક દિવસ ઉજવવા ઘેરથી શાળા જવા નીકળ્યો.મેદાનના અભાવે ત્રીજા માળના ધાબા પર બધી તૈયારી થઇ ચુકી હતી.સમારંભના મુખ્ય મહેમાન વયોવૃદ્ધ વડીલ શ્રી કોઠારીસાહેબ ( મોડર્ન મેગેઝીન ) એ બરોબર આઠ વાગ્યે ધ્વજવંદન કર્યું. ધ્વજને પલ્લવી પરિવારે સલામી ઝીલી.દેશભક્તિ ગીતો શરુ થયાં

       .ત્યાં જ વિશાળ ધાબુ ( આશરે 10 મીટર *900 મીટર- ) ઓચિંતું જાણે હિલોળા લેતું હોય તેમ નાચવા લાગ્યું. ઘડીભર તો શું થયું તે ખબર જ ન પડી.પછી અંદાજ આવ્યો કે આ ભૂકંપ છે કેટલાય વિદ્યાર્થીઓ ( અને કેટલાક શિક્ષકો પણ ) સીડી ઉતરી નીચે ભાગ્યા.હું શ્રી કોઠારી સાહેબનો હાથ પકડી ગાયત્રી મંત્ર બોલતો ,પરિસ્થિતિનો તાગ લેતો રહ્યો.લગભગ  એકથી વધારે મિનિટ પછી થોડું સ્થિર થયું લાગ્યું.ધીમે ધીમે બાળકો ને ઉતાર્યા..બાકીના સહુ ઉતાર્યા. સહુને ઘેર મોકલ્યાં.

          ઘર યાદ આવ્યું. વાહન ઘર ભણી દોડાવ્યું.જતાં જતાં હજુ સડક હાલક ડોલક થતી હોય તેવો ભાસ થતો હતો. માંડ નવ કિલોમીટર ખૂટયા . આખી ગલી ,આખું શાલીન રસ્તા ઉપર.આસપાસ બધે બહુમાળી મકાનો .ગમે ત્યારે પડવાનો ભય  પાર્થે વર્ણન કર્યું," ટેબલ પર લેશન કરતો હતો ત્યાં ટેબલ કૂદવા જેવું લાગ્યુ ને અમે બહાર દોડ્યાં  ". અગાઉ શાલીન માં રહેતા , હરેશભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની મોટા અવાજે રડતાં રડતાં આવ્યા.' અમારું ઉત્સવ એપાર્ટમેન્ટ તો આખું જ કડડભુસ થયું છે.”  સહુના જીવ તાળવે ચોંટેલા હતા.ટીવી,રેડીઓ,ટેલિફોન બધું ઠપ .કોઈ ક્યાંકથી સમાચાર લાવ્યું.કે એપી સેન્ટર કચ્છ છે..વધારે ફાળકો પડ્યો.સહુનો દિવસ આખો માંડ પસાર થયો. દરેકને થોડી થોડી વારે કૈંક હાલતું,ધ્રુજતુ લાગે.

       રાત કેમ કાઢવી ? સુતા હોઈએ ને કશું થાય તો ? અર્ધી રાતે ઉપરના માળેથી ઉતરી બહાર કેમ ભગાય ? આખરે નક્કી થયું.અમારા 'એ' બ્લોક નવ ફ્લેટ ના પરિવારના બહેનો અમારા ગ્રાઉન્ડ ફ્લોર ફ્લેટમાં સુવે ,વડીલ ભાઈઓ ,ગ્રાઉન્ડ ફ્લોરના 'એ-2' માં સુવે ને જુવાનિયા પહેલા માળના ફ્લેટમાં.જાગતાં -ઊંઘતાં સહુ એ માંડ રાત કાઢી. સવારે ત્રણેક વાગ્યે વર્તમાનપત્ર આવ્યું.અરેરાટી છૂટે તેવા સમાચારો.કચ્છ ભચાઉ તો આખું શહેર નષ્ટ કચ્છ .જીલા આખા  ને અને ગુજરાતના લગભગ બધા જ વિસ્તારમાં હોનારત.

        પછીનો દરેક દિવસ ભય અને કોઈક નવા આઘાતજનક સમાચાર સાથે .માંડ ટેલિફોન લાઈન શરુ થઇ.ભુજ ,ગાંધીનગર સંપર્ક થયો.ભુજમાં ઘરમાં,કોઈ જતું જ નહોતું.ખુલ્લા મેદાનમાં બાંધેલા તંબુઓમાં કડકડતી ઠંડીમાં સહુ રહેતા-સુતા હતા. થોડી અનુકૂળતા થઇ એટલે ભુજ ગયાં. ભાઈ-બહેનો ,પરિવારનો સંપર્ક કર્યો.મોટાભાઈ મુ.ચમનભાઈના મોટા પુત્ર જયદીપ ,તેના મામા ને ઘર બહાર કાઢવા રોકાયો તેમાં તેને પોતાનો પગ ગુમાવ્યો.તેના મામા તો ન બચી  શક્યા .સદ્ભાગ્યે અન્ય કોઈ નિકટ પરિવારને અન્ય કોઈ શારીરિક નુકસાન ન થયું,તે પ્રભુનો પાડ .

       ગાંધીનગર થોડા દિવસ જઈ આવ્યાં . શાલીનનો ફ્લેટ પાડોશીઓ વાપરી શકે એટલે તેઓને સોમી આવ્યાં.ગાંધીનગરમાં પણ કચ્છ થી આવેલા પરિવારો માટે સુવિધા સરકારે કરેલી.સમય વીત્યો.સદ્નસીબે શાલીન ના ફ્લેટ્સને ઓછું નુકસાન થયેલું.થોડું રીપેરીંગ કરાવવું પડ્યું.શાળામાં જઈ તેના મકાનની ચકાસણી કરાવી મોટું રીપેરીંગ જરૂરી બન્યું.કરાવ્યું. કેટલાય પરિવારના પોતાના સ્વજનો ભૂકંપે લઇ લીધાં. આશ્વાસન અને સધિયારો આપતાં આપતાં સમય પોતાની ગતિએ ચાલતો  રહ્યો.ધીમે ધીમે બધું થાળે પડતું ગયું.

દિનેશ માંકડ  મોબાઈલ : 9427960979

અન્ય લેખ વાંચવા માટે બ્લોગ પર ક્લિક કરો

mankaddinesh.blogspot.com

Saturday, May 15, 2021

ધોરણ દસ માં માસ પ્રમોશનનો અનુચિત નિર્ણય. દિનેશ લ. માંકડ

 

              ધોરણ દસ માં માસ પ્રમોશનનો અનુચિત નિર્ણય.  દિનેશ લ. માંકડ

         .વિશ્વવ્યાપી મહામારીમાં સરકાર અને તંત્ર ખુબ જહેમત લેતું હોય છે.આ તો આભ ફાટ્યું છે ત્યરે થીગડાં દેવાના સહુ યથાર્થ પ્રયત્ન કરે છે.સામાન્ય રીતે સરકારના નિર્ણયો માટે મારો કોઈ વ્યક્તિગત મત મુકતો નથી,પણ ધોરણ દસ માં માસ પ્રમોશન ના અનુચિત નિર્ણય વિષે ચોક્કસ કૈંક કહ્યા વિના રહી શકતો નથી.

      બે મુદ્દા પર વાત કરીશ. ( 1)  વર્તમાન શિક્ષણ  સ્થિતિમાં માસ પ્રમોશનનું ગંભીર નુકસાન  (2) ડિજિટલ ઇન્ડિયામાં  ઓનલાઇન પરીક્ષા લઇ શકવાની શક્યતા.

        (1)ગુજરાતમાં થોડાં મોટાં અને નાના શહેરોમાં ખાનગી શાળાઓમાં પૂર્ણ ગુણવત્તા વાળું પ્રાથમિક શિક્ષણ અપાય છે.મોટા ભાગે સરકારી પંચાયતી પ્રાથમિક શાળાઓ છે કે પછી નગરપાલિકા કે મહાનગર પાલિકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ અપાય છે.જેની પાયાના શિક્ષણની ગુણવતા ખુબ ખુબ નીચી જ હોય છે.કેટલીક શાળાઓ કે શિક્ષકો ખુબ સારું કાર્ય કરે છે પણ તેનું પ્રમાણ ખુબ નહિવત છે. એમાંય જ્યારથી ધોરણ આઠ પ્રાથમિક શાળામાં ગયું છે ત્યારથી  પરિસ્થિતિ વધારે કથળી છે..નવા પ્રયોગ કે સંકલ્પના યોજાય તેની ફળિભૂતતા લગભગ નહિવત જ હોય છે.અહીં કોઈ ટીકાનો  ઉદ્દેશ નથી.વાસ્તવિકતા દર્શાવી છે.કારણોમાં જવું નથી.

      આ વિદ્યાર્થીઓ  માધ્યમિક શાળામાં કાચા પાયાના જ્ઞાન સાથે આવે. * ઊંચી ગુણવતાવાળી માધ્યમિક શાળાઓ પ્રવેશ વખતે પૂર્વ કસોટી કે ઉચ્છ ગુણવતાવાળાને પ્રવેશ આપે. બાકીના સરેરાશ વિદ્યાર્થોઓ .શહેર અને ગ્રામ્ય વિસ્તારની સરેરાશ માધ્યમિક શાળાઓમાં જાય.આવી માધ્યમિક શાળાના શિક્ષકો ધોરણ નવમા આવેલા વિદ્યાર્થીઓના કાચા પાયાને પાક્કો કરવા મથે.અને માધ્યમિક શિક્ષણ નો પાઠયક્રમ શીખવે.ખાસ કરીને અંગ્રેજી,ગણિત અને વિજ્ઞાન વિષયની નવી સંકલ્પનાઓ આ વિદ્યાર્થીઓમાં થોડી કઠિનતાથી પ્રવેશતી હોય. આમ પણ માધ્યમિક કક્ષાએ ફક્ત બે જ વર્ષ રહ્યાં એટલે પાઠ્ય ક્રમ કવર કરવા માટે મર્યાદિત સમય જ મળે છે.એટલે ધોરણ દસની પરીક્ષા એ વિદ્યાર્થીની કારકિર્દી અને ગુણવતા માપદંડ માટેની યોગ્ય ભેદ રેખા છે. એ પરથી જ તેની આગળની દિશા નક્કી થાય છે

     . એમાંય ચાલુ વર્ષે જે ધોરણ નવમાંથી દસમા આવ્યા છે  તે ગયા વર્ષના માસ પ્રમોશન વાળા જ વિદ્યાર્થીઓ છે .તેમનું કોઈ ચાળણ-તારણ થયું જ નથી.તેથી કોઈપણ સંજોગોમાં તેમના હિતમાં ધોરણ દસની પરીક્ષા અનિવાર્ય હતી જ. સરકાર -તંત્ર પર ખુબ ઘણા ભારણ છે. ઘણા નિર્ણયો ત્વરિત લેવાના આવે તે સ્વાભાવિક છે .બેચાર ગણ્યા ગાંઠ્યા  વ્યક્તિઓના ,મોટા બમ બરાડાથી ,જેની ખુબ લાંબા ગાળા ની ગંભીર રહેવાની છે , તેવો આવો નિર્ણય બિલકુલ અનુચિત જ છે.

          (2) ડિજિટલ ઇન્ડિયામાં  ઓનલાઇન પરીક્ષા કેમ ન લેવાઈ શકે ?

              *સરકાર દ્વારા સેંકડો આવશ્યક ( અને બિન આવશ્યક ) સોફ્ટવેર્સ માટે અબજો રૂપિયા ખર્ચાય છે .ધોરણ દસની પરીક્ષા માટે કેમ કશું ન કરી શકાય? ( અબજો રૂપિયાની બિનજરૂરી પ્રચાર વિજ્ઞાપનનો ખર્ચ ઘટાડીને આ ખર્ચ કરી શકાય ) આ માટે  કોન્ટ્રેક્ટ પણ આપી શકાય.* દરેક શાળા પાસે સરકારે જ આપેલ ઇન્ટરનેટ કનેક્શન છે.*બાયસેગ ચેનલ વ્યવસ્થા પણ છે.* 99 % ઘેર સ્માર્ટ ફોન પણ છે જ. * દરેક વિષયના પૂરતી સંખ્યામાં MCQ  પેપર્સ તૈયાર કરાવી જ શકાય.* ઝોન કે જીલા અનુસાર અલગ અલગ સ્લોટ અનુસાર આયોજન કરી.વાલીના આપેલ મોબાઈલ પર OTP  આધારે પ્રશ્નપત્ર અપાય.—

           આ તો પ્રાથમિક સામાન્ય સૂઝના ઉકેલ છે .સરકાર પાસેના નિષ્ણાતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસે એના વધારે સારા વિકલ્પ હોય જ. પરીક્ષા ચોરી અને સાયબર ક્રાઇમના કેટલાક કિસ્સા બની પણ શકે ,પણ બહુ મોટા સમુદાય ના હિત ને ધ્યાનમાં લઈને તેને અવગણી શકાય.

         સો વાત ની એક વાત સરકાર ધારે તો પરીક્ષા લઇ જ શકે.બિલકુલ અનુચિત નિર્ણય છે.ફેર વિચારણા તો શક્ય નથી જ.સમજદાર ને ડાહ્યા વાલીઓ પોતાના સંતાન પાસે ઉપલબ્ધ પેપરો દ્વારા ઘેર પરીક્ષા લઈને તેની ગુણવતા ચકાસી લે ,એ માત્ર ઉપાય.

         સરકારને વિનંતી કે ભવિષ્યમાં આવા ગંભીર નિર્ણયો ઉપરની કક્ષાના લોકોને બદલે શિક્ષણના જમીન થી જોડાયેલા  લોકો  સાથે વિમર્શ કરીને લે.અસ્તુ.

દિનેશ માંકડ અમદાવાદ

 

Tuesday, May 11, 2021

યાત્રા -16 --શાલીનની શાલીનતા



 

    યાત્રા -16 --શાલીનની શાલીનતા                      

       " હવે આપણે આવા વિધર્મી વિસ્તારમાં રહેવા કરતાં પોતાનું મકાન લઈએ તો કેમ ? "-ત્રણેય જણ  વિચારતાં રહયાં.અમદાવાદમાં મકાન લેવું  કેટલું અઘરું ? પાર્થની દીવાન બલ્લુભાઈ શાળા મણિનગરમાં. એક તરફ ભુજમાં અગાઉ 1984 માં લીધેલા નાનકડાં મકાનના વેચાણના પ્રયત્નો તો બીજી તરફ બજેટ અને વિસ્તારને અનુલક્ષીને શોધખોળ .ખબર હતી કે સમય માંગે તેવું કાર્ય હતું. એટલી ખબર હતી કે ભૂમિ પોતે જ પોતાના રહેવાસીને બોલાવે છે..

       નવી સ્કીમ જોવાની ને વર્તમાનપત્રની વિજ્ઞાપનો જોવાની પ્રક્રિયા ચાલુ..એક વિજ્ઞાપનની વિગત ગમી." શાલીન એપાર્ટમન્ટ ,જવાહર ચોક ,મણિનગર." માલિકને ફોન કરતાં પહેલાં કચ્છી સમાજની જૂની ડિરેક્ટરીમાં જવાહર ચોકના સરનામાં શોધ્યાં.'બીના મેડિકલ સ્ટોર, જવાહર ચોક '.  લ્યુના ઉપાડ્યું. સ્થળે જઈ,સ્વપરિચય આપી,પૂછ્યું,' શાલીન ક્યાં આવ્યું ? "' મૂળ કચ્છના રાયણના હરખચંદભાઈ શાહના  જયેશભાઇ એ જવાબ આપ્યો. અમારી દુકાન પાછળ .અમે પણ એમાં જ રહીએ છીએ." રહેવાસીઓ વિષે પ્રાથમિક વાતો કરી.

         ઘેર આવી મલિક શ્રી ઉપેન્દ્રભાઈ દેસાઈને ફોન કર્યો.સાથે આવ્યા .જોયું ,ગમ્યું. બાના કરાર થયો.હવે ભુજનું નાનું મકાન વેચવાની તજવીજ ચાલુ.. મકાન લેવા કરતા ,વેચવું અઘરું.ધાર્યા ભાવ  ન સ્વીકારાય.નાણાં આપવાની અનુકૂળતા -પ્રતિકૂળતા વગેરે.પણ આખરે વેચાયું.અગાઉ આવકવેરામાંથી બચવા લીધેલી ફિક્સ ડિપોઝિટ્સ વગેરે મળી એ જોગવાઈ થઇ.

         પહેલી ઓગસ્ટ 1998 થી અમારું સરનામું એ/ 1 શાલીન એપાર્ટમેન્ટ થયું. .ગાયત્રી યજ્ઞમાં પૂજ્ય ભાઈ ( કુમુદભાઈ ), કુંતાબેન , મૃદુલભાઈ,મુકેશભાઈ પરિવાર વગેરે હાજર હતાં.સમાન હેરફેરની વિચારણા ચાલતી હતી .ત્યાં તો મૃદુલભાઈ અને પાનો ચડાવ્યો.બે ટેમ્પા આવ્યા.દોડંદોડી .,હેરફેર કરતાં સાંજે પાંચ વાગ્યા.આગલા દિવસે અગાઉના ઘેર લાડુ તો બની ગયા હતા.સવારનું જમવાનું, સાંજે પાંચ વાગ્યે સાથે જમ્યાં !

         અમદાવાદમાં પોતાનું ઘર ! નવો પાડોશ,નવો વિસ્તાર.એ બ્લોકનું ગ્રાઉન્ડ ફ્લોરનો અમારો ફ્લેટ,એટલે ચડતાં ઉતારતાં સહુ ને જય શ્રી .કૃષ્ણ કહેવાની પ્રથામાં દિવસમાં એકાદ માળા થઇ જાય. અનેક પ્રગતિનું સાક્ષી બનવાનું સ્થળ એટલે શાલીન. ઘર થી ખુબ નજીક સ્વાધ્યાયનું વિડીયો કેન્દ્ર 'હીરાભાઈ કન્યાવિદ્યાલય ' હતું.નવો પરિવાર મળતો થયો.ભાવફેરી ને થોડીક ભક્તિફેરી પણ શરુ થઇ .

         પાર્થનું દસમાંનું પરિણામ 90 ટકા ઉપર આવ્યું.દીવાન બલ્લુભાઈ માં વિજ્ઞાન પ્રવાહ .બારમા નું પણ એટલું જ.ઊંચું આવ્યું.પ્રવેશ પ્રક્રિયા માં સમય જવાનો હોઈ,સલામતીના ભાગ રૂપે વલ્લભ વિદ્યાનગર બી.એસસી (બાયોટેકમાં ) પ્રવેશ લીધો.મણિનગર રેલવે સ્ટેશનથી તેનું રોજ અપડાઉન શરુ.પછી તો હોમિયોપથીમાં અમદાવાદ કોલેજ,બોપલ માં પ્રવેશ મળ્યો. તેની નવી દિશાના દ્વાર ખૂલ્યાં .

         કાંકરિયા તળાવ એટલે અમદાવાદનું નજરાણું.અને ઘરથી ફક્ત દોઢ બે કિલોમીટર દૂર.અનુકૂળ હોય તે દિવસે સવારે કાંકરિયા તળાવનો આશરે પોણા ત્રણ કિલોમીટરનો રાઉન્ડ મારી લેવાની તક તો વર્ષો સુધી લીધી.પછી થી તો કાંકરિયા વિકસીને એક પર્યટક સ્થળ પણ બન્યું. ઘર પાસેનું રાધાવલ્લભ મંદિર,ઉપરાંત સ્વામિનારાયણ,,અંબાજી ,સૂર્યનગર મહાદેવ દર્શન સ્થળો રહેતાં મણિનગરની ઓળખ સમું મણીકરણેશ્વર મહાદેવનું મંદિરનો  પણ પાર્થનો નિત્ય ક્રમ હતો.

         ઉત્તરાયણ આમેય અમદાવાદની ઓળખ છે.તે દિવસે તો સવારથી રાત સુધી આખું શાલીન અગાસી -ધાબે જ હોય.સૌથી વડીલ છતાં જુવાનિયા શરમાવે તેવા પ્રોફેસર અશોકભાઈ શેઠ ની રાહબરીમાં ,અમે ,દિલીપભાઈ ,વર્ષા બહેન ,મુકુંદભાઈ પંકજભાઈ ગાંધીના પરિવારો પતંગ ચગાવીએ.રાત્રે ધાબે જ તાપણું થાય.સહુના ઘરના નાસ્તા આવે.તારીખ 15 મી એ વાસી ઉત્તરાયણ પણ એવી જ રંગે ચંગે જાય. તારીખ 16 મી એ મુકુંદભાઈનો જન્મદિવસ એટલે 15 મી એ રાત્રે 12 વાગ્યે તેમના તરફથી આઈસ્ક્રીમ ખવાય.આ ક્રમ પણ વર્ષો સુધી જ.

        ને પછી તો અનેક સુખ પ્રસંગે શાલીનની શાલીનતા સ્પર્શતી જ રહી.સ્પર્શતી જ રહી. 2001 ની એ ગુજરાત ,અમદાવાદ કચ્છને અલબલાવનાર એ ઘટના વખતેય શાલીન ને શાલીનતા જ બક્ષી એની વાત આગળ ઉપર

દિનેશ લ. માંકડ  ( 9427960979 )

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો

mankaddinesh .blogspot.com

Saturday, May 8, 2021

યાત્રા -15 -માતા પલ્લવીના પાલવડે



 

યાત્રા -15 -માતા પલ્લવીના પાલવડે

          ( એક વિશેષ નોંધ વચ્ચેથી.--યાત્રા વર્ણન તો યાત્રા પૂર્ણ થયા પછી અનુકૂળ રીતે લખી રહ્યો છું.પણ વર્ણન  લખતી વેળા ,યાત્રાનો કોઈ પૂર્વ પરિચિત વટેમાર્ગુ  ઓચિંતી વિદાય લે તે કાઠું છે.યોગાનુયોગ  અત્યારે જે તીર્થનું વર્ણન ચાલે છે તેના મુખ્ય પથદર્શક શ્રી પ્રેમજીભાઈ પટેલ તારીખ 30 મી એપ્રિલ 2021 ના રોજ વિદાય લઇ ગયા. યાત્રાની હવે પછીની સુખદ પળો ના એ  ‘નિમિત્ત’ ને શાશ્વત શાંતિની અભયર્થના ) 

         અગાઉ  ઓપચારિક રીતે કરેલી અરજીનો ઇન્ટરવ્યૂ ગોઠવાયો.શરુ થાય તે પહેલાં શ્રી પ્રેમજીભાઈની ચેમ્બરમાં  કેટલાક મિત્રો બેઠા હતા. એમાં હું પણ. ન્યુ ગણેશ વિદ્યાલયના આચાર્યશ્રી ઉમેશભાઈ એ પૂછ્યું,' પલ્લવી વિદ્યાલયમાં કોને માટે પસંદગીને અગ્રતા આપવા વિચારો છો ?' શ્રી પ્રેમજીભાઈ બોલ્યા,' દિનેશભાઇએ અહીં એમ.એચ.માં સરસ કાર્ય કર્યું છે એટલે પહેલી પસંદગી તો તેમની જ થાય,.છતાં ઇન્ટરવ્યૂ થાય ત્યારે જોઈશું.' હું ચોંક્યો.પછી  તેમણે જ વાત સમજાવી ' તેર વર્ગોની ગુજરાતી માધ્યમની શાળા તમારે માટે યોગ્ય થશે..આચાર્ય દોશી સાહેબ હમણાં જ નિવૃત્ત થયા  એટલે સક્ષમ વ્યક્તિને શાળા સોંપાય તે જરૂરી છે '

          ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પુરી થઇ.પસંદગી સમિતિના ગુણાંકમાં મારો જ ક્રમ પ્રથમ આવ્યો.બહાલી ,નિમણુંક પ્રક્રિયા થઇ..એમ.એચ માંથી રાજીનામુ આપવા ગયો..જીલા અધિકારીએ કારણ પૂછ્યું.મેં ઉત્તર આપ્યો,'પલ્લવી વિદ્યાલયમાં આચાર્યની નિમણુંક થઇ છે ' જીલા અધિકારી તરત બોલ્યા ," તમને ભગવાનનું કાર્ય મળ્યું છે.નિષ્ઠાથી બજાવજો."- પછી ખબર પડી કે પલ્લવી વિદ્યાલય ,અસારવા માં આવી જ્યાં વધારે દેવીપૂજકો અને વાલ્મિકી સમાજ ના બાળકો હતાં..

         તારીખ 19 મી મે 1998 સવારે અસારવા વિસ્તારમાં પહેલી વાર પગ મુક્યો.13 વર્ગો .600 થી વધારે બાળકો અને આશરે ચાલીસેક જેટલા શિક્ષકમિત્રો અને બિન શક્ષણિક પરિવાર ધરાવતી પલ્લવી વિદ્યાલયના પગથારે પગ મુક્યો  શ્રી. દીપકભાઈ પરિચય માટે સાથે..ઇન્ચાર્જ આચાર્ય શ્રી હરગોવનભાઈ દેસાઈ પાસેથી ચાર્જ લીધો.સંલગ્ન સોના પ્રાથમિક શાળાના વડીલ આચાર્ય મૂળશંકર ભાઈ વ્યાસ અને 24 કલાકના ચોકીદાર ઘનસ્યામ મહારાજ થી પરિચય કર્યો.

         સ્ટાફ લિસ્ટમાં બે મિત્રોની અટક 'દેસાઈ' અને વિદ્યાર્થી હાજરી પત્રકોમાં દેસાઈ,પટ્ટણી ,રાણા અટકો જોઈને " નાગર " જીવ અંદરથી ઉત્સાહમાં આવ્યો.ઊંડી તપાસના અંતે માલુમ પડ્યું કે અન્ય જ્ઞાતિઓ જ પ્રચલિત આ અટકો વાળા જ  સહુ હતા. છતાં શરૂમાં તો ક્યારેક ,કોઈને બોલાવતી વખતે વગર મૂછે ,મૂછમાં હસી ને આનંદ લઇ લેતો.

         પ્રાથમિક દિવસોમાં જ અંદાજ આવી ગયો કે અહીં ઘણું કરવાનું બાકી છે..ટ્રસ્ટીશ્રીનો પૂરો સાથ હતો એટલે કાર્ય સરળ રહેવાનું હતું.વર્ગવાર બોલાતી બેસૂર પ્રાર્થના ઈશ્વર સુધી સમૂહ લયબદ્ધ પહોંચાડવા માટે તમામ વર્ગોમાં સ્પીકર અને આવશ્યક એમ્પ્લીફાયર આવી ગયા.સોમ થી શનિની  નિશ્ચિત વૈવિધ્ય સભર પ્રાર્થનાઓની પસંદગી થઇ.સુવિચાર ,સમાચાર પ્રસંગકથા વગેરેનો શાળામાં પ્રથમ વખત શરુ થયા. વિદ્યાર્થી,શિક્ષકો નો ઉત્સાહ પણ વધ્યો. કાર્યાલય અને આચાર્ય ખંડ વચ્ચેના કબાટ કાઢી નવી ચેમ્બર બની ગઈ.મારી ખુરશી પાછળ  દીવાલ પર વચ્ચે ચાણક્ય ને આજુબાજુ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સ્વામી વિવેકાનંદની તસવીરો મુકાઈ શાળા પાસે નાનો બેન્ડ સેટ હતો તે રીપેર થયો.લેઝીમ,ડંબેલ્સ ના થોડા  નવા સેટ આવ્યા.        .ભાગ્યે જ ખુલતી પ્રયોગશાળા નિયમિત ખોલવાની શરૂઆત થઇ.જરૂરી સાધનો  આવી ગયાં .વિજ્ઞાનીઓના જીવન સાથેના ફોટા દીવાલો પર લટક્યા. નવા પુસ્તકો આવ્યાં ને વર્ગવાર પુસ્તકાલય શરુ થયાં .દર માસે થતી શિક્ષકસભા માં વિશેષ ચર્ચા થતી.

         મહાનગર પાલિકાની શાળાના બાળકો આવતાં. તેમાંના મોટાભાગના ના વાલીઓ અલ્પ શિક્ષિત અને શ્રમજીવી હતા. સાવ કાચા પાયા વાળા બાળકો  ધોરણ આઠમા પ્રવેશ મેળવે.અક્ષરજ્ઞાન અને સરવાળા જ ઓછાં બાળકોને આવડે.પરિણામે ધોરણ દસ નું પરિણામ ખુબ ઓછું આવે. મંથન ચાલ્યું.આઠને બદલે નવ તાસ .જેમાં પ્રથમ ઝીરો તાસમાં પાયાનું શિક્ષણ.' વિદ્યાર્થી દત્તક યોજના 'માં દરેક શિક્ષકને ધોરણ દસના પાંચેક બાળકો દત્તક આપ્યા.અવારનવાર ઘેર જાય,સ્થિતિ જાણે. માર્ગદર્શન  કરે..કેટલાક મિત્રોએ તો સ્વપ્રેરણાથી પુસ્તકો વગેરે પણ આપ્યા. આ પ્રક્રિયા તો દર વર્ષે ચાલુ જ રાખવાનું વિચારાયું. અગાઉ બંધ થયેલા વર્ગોના ફાજલ શિક્ષકો પાસે વર્ગકાર્ય નહોતું એટલે એમનો તો આ પ્રકલ્પ અને શાળાની અન્ય સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં તો વિશેષ રસ રહેતો.જેનામાં જે વિશેષ ક્ષમતા હોય તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લેવાનો કીમિયો અહીં સફળ થતો એનો આનંદ  આવતો.

          વિસ્તાર અને વાલી સંપર્ક વધે તે હેતુથી શૈક્ષણિક પ્રદર્શન ગોઠવાયું.પુસ્તકો ,બાળકો અને શિક્ષકોની કલાકૃતિ અને સંગ્રહ, ચિત્રો ,શાળા સંસાધનો વગેરે ગોઠવાયાં.શાળામાં પ્રથમ કમ્પ્યુટર નું વિમોચન ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યું.સ્વામિનારાયણ સંતોએ વિદ્યાર્થીઓ  અને  વાલીઓ પાસે  વ્યસનમુક્તિના વચનપત્રો લીધાં

.     અનેક નાનાં મોટાં તીર્થ ધરાવતાં આ મોટાં તીર્થની પરિક્કમાંનો તો પ્રારંભ હતો.અનેક વૈવિધ્ય વાળા વર્ણન માટે તો રાહ જોવી જ પડે ને ?

દિનેશ લ.માંકડ   ( 9427960979 )

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો

mankaddinesh.blogspot.com