Readers

Saturday, July 9, 2022

યાત્રા -સહયાત્રીઓ -2 સથવારો ,સહોદરોનો


 

યાત્રા -સહયાત્રીઓ -2   સથવારો ,સહોદરોનો

       મંજુલક્ષ્મી વટવૃક્ષ. સાત ડાળી.મોટાભાઈ  ચમનભાઈ શરૂમાં માતૃપક્ષે વધારે રહ્યા.પશુ દવાખાનામાં સેવા કરવાની તક મળી. મળતાવળો સ્વભાવ.સાહસિકતા તો ચમનભાઈની જ.ઉપાડવા જેવાં કામમાં વિલંબ જ ન કરે.મિત્ર ડો.કુમુદરાય છાયા મળ્યા. ને પૂછ્યું, 'આપણે સાયકલથી દિલ્હી જઈએ તો ?' - પડકાર ઉપાડી લીધો.આજથી પચાસેક વર્ષ પહેલાંની અસુવિધાઓની કલ્પના કરો તો જ તેમના સાહસનો ખ્યાલ આવે માતાજીના  ભક્ત તો ખરા જ.સાથે સાથે નલિયામાં સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયા.એમને ભાવગીતો ગાવાં ખુબ ગમતાં

         સરકારી ફરજની નિષ્ઠાને ધ્યાનમાં રાખી સરકારે ચાલુ નોકરીએ તેમને 'લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર 'ની એક વર્ષની તાલીમમાં વડોદરા મુક્યા. નલિયા ઉપરાંત વાયોર ગોધરા,કચ્છના સરહદી  લખપત અને છેલ્લે માંડવીમાં સેવા આપી.મૂળ કચ્છના પણ વર્ષોથી કલકતા રહેલાં નિરુપમાભાભી સાથે વિવાહિત થયા.સરળ અને ઘરરખ્ખુ પ્રકૃત્તિના ભાભીએ કચ્છ અને કુટુંબને ઘડીભરમાં પોતાના કરી લીધાં નિવૃત્ત થઇ ભુજ સ્થાયી થયા.જયદીપ ,નિપુણ અને ઝંખના ત્રણેયના અભ્યાસ અને લગ્ન પ્રસંગો ખુબ સરળ રીતે પૂર્ણ કર્યા.દૂર દૂરથી આવેલા સાળાઓને પણ કચ્છમાં સેટ થવા માર્ગદર્શક બન્યા.  તેમની શ્રદ્ધામાં એક ઓર વધારો થયો.ભુજની 24*7 ચાલતી રામધૂનમાં ચમનભાઈ -ભાભી દિવસમાં ભૂલ્યા વગર અચૂક એક વખત તો જાય જ. પુત્રવધૂઓ અને જમાઈ પણ પરિવાર પ્રેમી જ મળ્યાં .ઘર પરિપૂર્ણ થયું.

           2001 ના ભૂકંપે તેમની જબરી કસોટી કરી.તેઓ બંને રામધૂનમાં ગયેલાં અને ધરતી ધ્રુજી.ભાગતાં દોડતાં ઘર તરફ દોડયાં. રસ્તામાં તૂટતાં મકાનોના પથ્થરો ઉપરથી પડતા જાય.તેમનું ઘર સોનીવાડ એટલે ગઢની રાંગમાંથી જવું તો ખુબ ભયાનક.સદ્નસીબે બધાં સંતાનો બહાર આવી ગયેલાં. ઓચિંતું જયદીપને યાદ આવ્યું.ચંદ્રકાન્તમામા તો અંદર સુતા છે.તે અંદર દોડયા.મામાનો હાથ ખેંચ્યો પણ કમનસીબે ઉપરની છત નીચે પડી.મામા તો ન બચી  શક્યા .જયદીપનો એક પગ પૂરો ફસાયો.અફરાતફરીની સ્થિતિમાં ખુબ લાંબા સમયના પ્રયત્ન પછી પણ તેનો કુદરતી પગ બચાવી ન શકાયો.પણ આત્મવિશ્વાસ અને વડીલોના આશીર્વાદેને લીધે તે ખુબ સરળ અને સફળ જીવન રાહ પર સામાન્ય માણસ કરતાં પણ વિશેષ દોડે છે.બાળકોને પણ ઉચ્ચ ડિગ્રીઓ અપાવી છે.  દ્વિતીય પુત્ર નિપુણએ સમાજમાં ન્યાય અપાવના ક્ષેત્રમાં નિપુણતા લીધી.ઇષ્ટદેવ હાટકેશ સેવાનો ને સાથે સાથે રક્તદાન અને રાષ્ટ્રીય સેવક સંઘની દેશસેવાના પૈડાં પર દોડતા જ રહે છે.નાટ્યકલા એમને પ્રિય છે. એટલે એમાંય અપાય એટલું યોગદાન અને બંને બાળકોમાં પોતાના જ સંસ્કારની જવાબદારી ખુબ સંનિષ્ઠતાથી નિભાવે છે.દીકરી ઝંખના પણ સંતાનોના અભ્યાસ વિકાસ માટે પોતે પણ update રહીને સમય સાથે સરસ રીતે દોડે છે. ચમનભાઈ કાળક્રમે હૃદયરોગના હુમલામાં વિદાય લઇ ગયા.પણ નિરૂપમાંભાભી પરિવાર અને ખાસ તો ત્રીજી પેઢીને સથવારે ઈશ્વરભક્તિથી સુખરૂપ સમય વ્યતીત કરે છે.

            અનિલાબહેનને જન્મથી તાળવાં કાણું હતું .એટલે બોલવામાં થોડી તકલીફ રહેતી.પણ તેમના અજબના  આત્મવિશ્વાસે તેમને હંમેશ સાથ આપ્યો. મધ્યસસર અભ્યાસ પછી ઝવેરીલાલભાઈ છાયા સાથે જીવન સંગાથે જોડાયાં.પોતાની મર્યાદાઓની અસર, ક્યારેય પરિવાર-સંતાન માટે આવવા દીધી નથી. કાળક્રમે બંનેએ વારાફરતી વિદાય લીધી .બંને પુત્રો યથાયોગ્ય અભ્યાસ પછી સ્થિર નોકરીમાં જોડાયા. મોટા પુત્ર મુકેશની તો દીર્ઘ સરકારી સેવા પછી નિવૃત્તિ પણ થઇ.2020 નો કાળમુખો કોરોના તેમને ભરખી ગયો.બીજા પુત્ર સુરેશ તો ત્રણેય સંતાનોના અભ્યાસમાં અવ્વલ નંબર રહ્યા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના વિચારોથી નિસ્વાર્થ સામાજિક પ્રવૃત્તિ અને કોઈને માટે પણ કાયમી પરગજુ વિચારે તો આખાય પરિવારને ચાર ચાંદ લગાડ્યા છે.ત્રણેય પુત્રોંઓ પણ પોતાના પરિવાર સાથે સંપન્ન છે.જ્હાનવીકા તો નર્સની સરકારી સેવા બાદ કૃષિ પશુપાલનની પ્રવૃત્તિમાં ઓતપ્રોત છે.યોગેશ્વરી નબળાં સ્વાસ્થ્ય વચ્ચે પણ સંતાનોને ઉચ્ચ અભ્યાસ અને વિચારોમાં મગ્ન રહયાં છે.અંજના પણ પ્રાથમિક શિક્ષકની સરકારી સેવામાંથી નિવૃત્ત થઈને પરિવારમાં સેવા વ્યસ્ત રહે છે .આખાય પરિવાર પણ વડીલોના મૂંગા આશીર્વાદ વર્તતા હોય તેમ ચોક્કસ વર્તાય.

         ધનસુખભાઇ શિક્ષણના જીવ.સમયસર પી.ટી.સી.તાલીમ લઇ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા.કચ્છમાં મોટેભાગે ગ્રામ્ય વિસ્તારો મળે.ભુજપુર,વરસામેડી ,માનકુવા,ખેડોઇ ગોધરા,કોટડી મહાદેવપુરી અને બીજા અનેક નાના મોટાં ગામોના બાળકોના પ્રાથમિક શિક્ષણ થકી જીવન બદલાવ્યા હશે.પૂજ્ય ભાઈના નિવૃત્ત થયા પછી મુખ્ય ઘર શરૂઆતમાં ગોધરાને પછી માંડવી રહ્યું.એટલે ગોધરા હાઈસ્કૂલમાં મારો બાકીનો માધ્યમિકનો અભ્યાસકાળ વીત્યો.ગોધરા રહ્યાનું અને માર્ગદર્શનનું મારા પરનું એમનું ઋણ ચોક્કસ રહ્યું..ઘર માંડવી ગોઠવાયા પછી પણ ધનસુખભાઈનું મોટાં ઘર માટેનું યોગદાન ભૂલાય તેવું નથી. કચ્છના કોઈપણ ગામમાં હોય શનિ રવિ માંડવી વડીલો પસે હોય જ.

         સાવિત્રીભાભી સાથે મંગળ જીવનયાત્રા શરુ થઇ ભાભી પણ શિક્ષિકા એટલે તો ગ્રામ્ય બાળકોની બેવડી સેવા શરુ.ત્રણેય સંતાનોના અભ્યાસ પણ ગ્રામ્યમાં હોવા છતાં કાળજીથી અને અગવડ વેઠીને પણ ઉચ્ચશિક્ષણ સુધી પૂર્ણ કરાવ્યું.પોરસ માધ્યમિક શાળામાં વહીવટી સેવામાં જોડાયા ,શક્તિબેન પણ માધ્યમિક શાળામાં  વિજ્ઞાનશિક્ષિકા બની ગયાં. બંનેના સરસ સુપાત્રો મળતાં તેમના જીવનપથ પણ શરુ થયા.ઉર્વીબેનએ  ગુજરાત વિદ્યુત નિગમમાં પોતાની સેવા શરુ કરી.સાવિત્રીભભીઍ ઓચિંતી વિદાય લીધી. ધનસુખભાઇ હવે પિતૃ-માતૃત્વની સંયુક્ત ભૂમિકામાં આવ્યા.ઓચિંતા એમણે પણ વિદાય લીધી સમયના સથવાર ઉર્વીબેન પણ સહ જીવનમાં જોડાઈ ગયાં. બંને વડીલોના આશીર્વાદથી  ત્રણેય સંતાનો.પોતાના જીવન અને કાર્ય ક્ષેત્રમાં વિકસી રહયાં છે. 

          જ્યોત્સ્નાબેન તો પહેલેથી હંમેશ માતુશ્રી મોટીબેનના ઘરમાં ને વ્યવહારમાં સાથીદાર રહયાં. ઘડાયાં.1965 માં પ્રદ્યુમ્નભાઈ અંતાણી સાથે લગ્ન થયા. કચ્છ છોડી જૂનાગઢ..નવું વાતાવરણ.ખુબ ઘડાયાં.બનેવીની પણ ગુજરાત વિદ્યુત નિગમમાં બે ચાર શહેરોમાં બઢતી સાથે બદલી થતી રહી.કિન્નર ,હર્ષાયું અને વિવેકના અભ્યાસ પણ આગળ વધતા રહ્યા વેકેશનમાં કચ્છ અને મોસાળ વહાલું થાય..જ્યોત્સ્નાબેનને થોડી શરીર લેણાદેવી કસોટી રહી.શરૂમાં પેટની ગાંઠની શસ્ત્રક્રિયા થઇ.છતાં ઘર પરિવારની સખ્ત પરિશ્રમથી સેવા જ તેમનો છેક સુધી જીવન મંત્ર રહ્યો.પ્રદ્યુમનભાઈની પાંધ્રો કચ્છ બદલી થતાં ભુજ સ્થિર થવાયું. સંતાનો પણ ગોઠવાતાં ગયાં સમયાંતરે બનેવીએ અચાનક વિદાય લીધી.  કીન્નરએ ગુજરાત વિદ્યુત નિગમમાં જ સેવા સ્વીકારી.હર્ષાયું અને વિવેકને સ્વતંત્ર વ્યવસાયની રુચિ હોઈ કમ્યુટર અને શિક્ષણના વર્ગો શરુ કર્યા. સુકન્યા પ્રાપ્ત થતાં કીન્નરની પણ સહજીવન યાત્રા શરુ થઇ ગઈ.

           જ્યોત્સ્નાબેનને વધારે એક બે વખત શરીરે સંઘર્ષ વેઠવો પડ્યો પણ એમણે સહજતાથી કષ્ટ વેઠી લીધું...જ્યોત્સ્નાબેન મૂક બની હસ્તે મુખે સહુની સેવા કરતાં રહયાં નિકટના બધા જ પરિવારના નાના કે મોટા પ્રસંગ હોય તો જાતની શરીરની પરવા કર્યા વગર સતત ખડે પગે ઊભાં જ હોય.એટલું જ નહિ તેમના પરગજુ સ્વભાવે બધા જ પાડોશીની અગવડ  સગવડે પણ દિવસ રાત જોયા વગર પહોંચી જાય.પોતાની શરીરની વ્યથા કોઈને કહ્યા વગર સહન કર્યે જાય.બસ એમાં જ એક દિવસ અચાનક જ એક બે દિવસની સારવાર વચ્ચે સાવ અણધાર્યાં જ જતાં રહયાં. સંતાનો અને બે તરવૈયા પૌત્રો પર 'બા' ના આશીર્વાદ સદાય ઉતરે છે.નિકટ પરિવારોને પ્રસંગે પ્રસંગે તેઓ જરૂર યાદ આવશે.

             પૂરો સંઘર્ષ છતાં પુરેપુરો સાથ -એનું બીજું નામ અરુણભાઈ .એસ.એસ.સી પૂરું થયું ને પ્રાથમિક શિક્ષક, પણ ક્યાં?  ભુજથી દોઢસો કી.મી.થી પણ વધારે દૂર લાઈટ વગરના સાવ નાના ગામ બાંડીયામાં ભુજ આવવાની પણ ખુબ ઓછી સુવિધા.પી.ટી.સી. કર્યું પણ એવાં દૂરના સ્થળો રહયાં.કોલેજ શરુ તો કરી.અને અગવડો વચ્ચે હાજરી ,પરીક્ષાઓ આપી.સફળતાથી બી.કોમ અને પછી એમ.કોમ  બી.એડ. અને એલ.એલ.બી. પણ પૂરાં કર્યા,લાંબા સમય પછી માંડવી તાલુકો મળ્યો. સમયના સથવારે અરુણભાઈ થોડો સમય પ્રૌઢ શિક્ષણમાં  કો ઓર્ડીનેટરની સેવા આપીને સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં જોડાયા શરૂમાં નખત્રાણા અને પછી. ભુજ જ મળ્યું.આગલાં વર્ષોના સંઘર્ષ સામે કુદરતે જોયું

             માંડવીના મોટાં ઘરના વ્યવસ્થા અને .સંચાલનમાં હારોહાર રહયા...હર્ષાભાભી સંગે જોડાયા.તેઓ પણ શિક્ષિકા..સરળ અને શ્રમ ઉઠાવવાની ટેવવાળાં. .બંને વડીલોના ગયા પછી સહુને પૂર્ણ માર્ગદર્શન અને સહકાર અરુણભાઈનો સદાય હોય જ અને છે. વડીલોની કાયમી યાદગીરી રહે તે માટે  તેમના નામનું ટ્રસ્ટ બનાવીને તે દ્વારા થાય તે પ્રકારની બધી સેવા આપતા જ રહે છે. બંને પુત્રોના ઉચ્ચ અભ્યાસ સંપન્ન કરાવ્યા અને બંને ભુજ કે નજીક  સારા વ્યવસાયમાં ગોઠવાયા  ભાવેશ પ્રતિષ્ઠિત ફૂડ પ્રોડક્ટ પાર્લે કંપનીમાં ઈજનેર તરીકે અને મૌલેશ કેનેરા બેન્ક નિષ્ઠાથી સેવા આપે છે. પિતાશ્રીની જેમ અરુણભાઈની કલ્યાણેશ્વર પ્રત્યેની શ્રદ્ધાએ બંને વેવાઈઓ અને પુત્રવધૂઓ -સુકન્યાઓ પણ ખુબ શુશીલ મળી છે. નિવૃત્તિ પછી અરુણભાઈ અને હર્ષા ભાભી,બંને પૌત્ર અને પૌત્રી સાથેના મંગળમય પરિવારમાં મહાલે છે.

          વર્ષાબહેન અમારામાં સહુથી નાના એટલે પહેલેથી લાડ ચાંગ તો હોય જ. અભ્યાસમાં સરેરાશ પણ નાનપણમાં ગિલ્લી ડંડા રમવામાં કોઈની ગિલ્લી વાગી ને એક આંખ કાયમી અલ્પ ઈજાગ્રસ્ત થઇ.તો ય એસ.એસ.સી  પૂર્ણ કર્યું.પહેલેથી માનવસેવાની વૃત્તિવાળા એટલે નર્સિંગની બે વર્ષની તાલીમ લીધી.શરૂમાં તો રાજકોટ જીલાનું અંતરિયાળ ગામ મળ્યું. હિમ્મત ન હાર્યાં તકલીફ તો ઉપાડી જ. ગ્રામ્ય વિસ્તારના અલ્પશિક્ષિત લોકોમાટે  ગમે તે સમયે હંમેશ ખડે પગે ઉભા રહે.તેમની સેવા સામે ભગવાને જોયું.થોડાં વર્ષો પછી કચ્છના અબડાસાનો ગ્રામ્ય વિસ્તાર મળ્યો.

        વડીલોની સેવામાં સદા તત્પર અને વડીલોની અંતિમ સમય સુધી સેવા આદરી.અને સ્વભાવે લાગણીવાળાં એટલે સહુની સાથે ફાવે. અબડાસાના વિસ્તારમાં તેમની આસપાસ ટપાલ કચેરીમાં સેવા આપતા શ્રી હરેશભાઇ સાથે વિચારો મળ્યા.અને  સંગ જીવન સ્વીકાર્યું.બંનેની નિવૃત્તિ પછી ભુજ આવી સહુની સાથે હળીમળી સમય પસાર કરવાનો. ધર્મ અને થાય તેટલું વાંચન કરતાં કરતાં આનંદમય રીતે રહેવું એ બે ય નો ક્રમ.સાથે સાથે ચાર આઠ દિવસે બધાના ખબર અંતર પૂછી લેવાનું પણ ન જ ભૂલે.

          થોડીક વાત મારી.( દિનેશની ) અલગ મારી યાત્રા શ્રેણીમાં ત્રીસેક લેખ થયા છે .જેની બ્લોગ લિંક mankaddinesh.blogspot.co. હું દર વખતે મુકું છું.છતાં બે ચાર વાક્યમાં અલપઝલપ. .મુન્દ્રામાં બાળપણમાં બીકણ જાહેરાતના લાંબા માણસની બીકથી ઘેરથી ઝેરીયા સાહેબ  શાળા માટે લેવા આવે .બહેનો પાસે ન ભણાય એટલે અરુણભાઈના વર્ગમાં ગંગારામ સાહેબ પાસે ભણવાનું.પૂજ્ય ભાઈની બદલીઓ સાથે સાત આઠ પ્રાથમિક શાળા અને ત્રણ માધ્યમિક શાળા .બી.કોમ .એમ.કોમ અને બી.એડ.ચાલુ નોકરીએ.ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક -પહેલાં જી.ટી.અને પછી 20 વર્ષ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય. આ બધા સમયમાં વડીલોની સેવાની અણમોલ તક મળી..ગમતું લેખન કાર્ય પણ વધતું રહ્યું. આકાશવાણી, .વિવિધ સામયિકોમાં લેખો,પાંચેક પુસ્તકો ,બ્લોગ અને હજી ગમતું જે લખાય તે...

          અમદાવાદમાં કેન્દ્ર સરકારની કચેરી એ.જી.માં ઓડિટર એવાં રંજના હવે  મારી સાથે જીવન હિસાબ માંડવા જોડાયાં પણ મારો અમદાવાદ બદલી ખુબ કપરી.સાડા તેર વર્ષ લક્ષ્મણ અને ઉર્મિલાની જેમ વિતાવ્યાં.પણ શ્રદ્ધા ને ધીરજનું પરિણામ. અમદાવાદમાં 14 વર્ષ આચાર્યપદ ભોગવી નિવૃત્તિ.રંજનાની પણ એકાઉન્ટન્ટ ,સિનિયર એકાઉન્ટન્ટ અને પછી સુપરવાઇઝર ની બઢતી પામીને એ જ રીતે સમયાનુસાર નિવૃત્તિ.દીકરો પાર્થ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અમદાવાદ પછી સદ્નસીબે અહીંની જ હોમિયોપથી કોલેજમાં પ્રવેશ ડો.પાર્થનું ક્લિનિક શરુ.સાથે સાથે એમ.ડી. ( હોમિયોપથી ).  ઈશ્વર કૃપા અને વડીલો આશીર્વાદથી અંજારના પ્રતિષ્ઠિત પરિવારના અને હોમિયોપેથીના જ  ડિગ્રીધારી ડો.ગ્રીવા પુત્રવધુ મળ્યાં બંને ક્લિનિકમાં વ્યસ્ત.. પાર્થના ક્લિનિક સાથે કોલેજમાં પ્રોફેસરની સેવા સાથે અંગત શોખમા સાહિત્ય અંગીત અને કાઉન્સિલિંગ પણ ખરાં આ લખાય છે ત્યારે સાત વર્ષની શર્વાણી અને ત્રણ વર્ષની પરાર્ઘ્યા સાથે અમારા 24 કલાક ક્યાં જાય તે ખબર નથી પડતી.

          ઈશ કૃપા અને વડીલોના આશીર્વાદથી આ વટવૃક્ષ વિસ્તરતું જ રહે છે.ફૂલ્યુંફાલ્યું રહે છે.કાળક્રમે કોઈ પાંદડાં ખરે પણ સદા ખીલેલું રહેતું આ વટવૃક્ષ 'કુટુંબમેળા' ની ગલી ઓ માં રોજેરોજ મળતું રહે છે સદા સુવાસ પ્રસરાવતું રહે છે.

દિનેશ લ.માંકડ 

ચલિત દુરભાષ 9427960979

Monday, June 27, 2022

યાત્રા - સહયાત્રીઓ -1 - અડીખમ અશ્વો

 

                                                            સહયાત્રીઓ -1 - અડીખમ અશ્વો

           તમારી યાત્રાને સરળ ,સફળ અને આનંદદાયક બનાવવામાં જો કોઈનો મોટો ફાળો હોય તો તે સહયાત્રીઓ નો જ હોઈ શકે.યાત્રા શ્રેણીનો આ નવો વિભાગ સંહયાત્રીઓના સ્મરણનો છે. દાદા વૈજનાથભાઈ લાલજી માંકડ,કચ્છ રાજ્યના 'એકાઉન્ટન્ટ  જનરલ' હતા. દાદીનું નામ જયાલક્ષ્મી. એ ભનુડીબેન કહેવાતાં.મારા જન્મ પહેલાં જ એ બંને સ્વર્ગલોક પામેલાં એટલે એમના વારસાઈ ગુણો, તો શબ્દના સથવારે જ મળ્યા. પિતાશ્રી લક્ષ્મીલાલભાઈ સૌથી મોટા પુત્ર. તેમને અન્ય ત્રણ ભાઇ અને બે બહેન. જશભાઈ ( જયસુખલાલ ) કાકા અને ઈશ્વરલાલકાકા યુવાન વયે વિદાય લઈ ગયેલા. નાના મણીફઈ  પણ એમના જ માર્ગે ગયેલાં એટલે  પિતાશ્રીએ સ્વપરિવારને સાચવવાની સાથે સાથે અન્ય ભાઈઓ જશભાઈ કાકા ,નાના શુશીલકાકાના અને બહેન પુષ્પાફઈના પરિવારને માર્ગદર્શન આપવાનું થતું.

            ભાઈએ દાદાનો ભુજના ખુબ પ્રાચીન શિવમંદિર કલ્યાણેશ્વરની નિયમિત પૂજાનો વારસો અચૂક જાળવી રાખ્યો.ભુજ હોય ત્યારે એક પણ દિવસ ચુક્યા વગર સવારે પાંચેક વાગ્યે ઉઠી શિવનામી ,પૂજા કમંડળ લઈને પહોંચી જ જવાનું રુદ્રાક્ષ માળા અને શિવનામી સજ્જ .'કલ્યાણેશ્વર ભક્ત મંડળ ' જયારે પૂજા પછી જયારે આરતી કરતુ હોય ત્યારે નિજમંદિરમાં કોઈ ચમ્મર ઢાળતું  હોય તો શંખનાદ કરતુ હોય.આરતી પછી ઘેઘુર અવાજે સમૂહમાં શિવસ્તોત્ર ગાય .આ દૃશ્ય હજુ આંખ સામે છે ! શ્રાવણમાસમાં અમને ભાઈઓને પણ એમાં જોડવાનો અદભુત લહાવો મળતો.

            .માતા મંજુલબેન જેને અમે ‘મોટીબેન’ કહેતા,અંજારના વિખ્યાત ડોક્ટર હિમતરામ નારાણજી અંતાણી ( બાવાભાઈ ) ના મોટાં પુત્રી.તેમનો જન્મ આફ્રિકામાં થયેલો. ભાઈઓ ઝંડુભાઇમામા (ડોક્ટર ),રુદ્રપ્રસાદમામા ( સરકારી અધિકારી ),નવલભાઈમામા ( પશુ ચિકિત્સક ) અને બહેન શારદામાસી. માતુશ્રીએ સમૃદ્ધ પરિવારમાંથી ઉચ્ચ મધ્યમ પરિવારમાં લગ્ન છતાં સંસ્કાર અને શ્રદ્ધાના સથવારે પોતાના પરિવારને સમૃદ્ધ કર્યો.

          અમે ચાર ભાઈ અને ત્રણ બહેન.. મોટીબેનની પણ શ્રદ્ધા ટોચની જ. સામાન્ય અભ્યાસ છતાં તત્સમયના નાગર પરિવારના ઘર સંસ્કારને લીધે વિષ્ણુ સહસ્રનામ .શક્રાદય ,મહિમ્ન તો એમના હોઠે નિયમિત ચાલતું જ હોય.ભાઈની નોકરી પ્રવાસની હોઈ, બધાં બાળકોને તૈયાર કરી નિયમિત શાળાએ મોકલવાંથી માંડી ને શરૂના વર્ષોમાં ઘરની ગાયની પણ સંભાળ લેવાની.

           માતા વિષે લખવા કરતાં અંગત અનુભૂતિ જ વિશેષ હોય.એના વર્ણન ન હોય. માતા મોટીબેનના પરિશ્રમની તો વાત જ ન થાય.દર વેકેશનમાં ઘર, પરિવારથી ભરાય,પણ ક્યારેય ન થાકે.દેવદર્શન અને કથામાં ખુબ નિયમિત. વ્યવહાર સાચવવામાં ચોક્કસ અને ઉદાર પણ .ઘરમાં કોઈ આવવાનું બાકી હોય તો વાટ જોઈને જ જમે.હું જયારે જયારે બહારથી આવું ત્યારે અચૂક દરવાજામાં મારી રાહ જોતાં જ બેઠાનું દૃશ્ય આંખ સામે જ છે.બે ચાર મિનિટ મોડું થાય તો પ્રશ્નોની ઝડી વર્ષે પાછલાં વર્ષોમાં તબિયત બગડી પણ પોતાના કામ અને મહાલક્ષ્મી મંદિર જવાનો ક્રમ ન જ તૂટે.

          પિતાશ્રી, જેને અમે 'ભાઈ'  કહેતા,મહેસુલ ખાતાંના નિષ્ઠાવાન કર્મયોગી. શરૂમાં ધ્રૂ ,તલાટી ,સર્કલ ઇન્સ્પેક્ટર અને પછી સેલટેક્ષ રિકવરી ઓફિસર તરીકેની દીર્ઘ સરકારી સેવા આપી. મહિનામાં વીસ દિવસ પ્રવાસ રહેતો સવારે ઉઠીએ ત્યારે ધોતિયાંનો કછોટો મારી, ઉપર પાટલુન પહેરતાં જોઈ અમે સમજી જતા કે 'આજે ભાઈ 'ડીસ્ટ્રીકટ 'માં જાય છે. નોકરીની નિષ્ઠા તો એમની પાસે જ શીખાય.જમીનોની અટપટી સમસ્યાઓમાં દસ્તાવેજોની અતિશય ચોકસાઈ વખતે કેટલીયે વાર અદાલતી કિસ્સાઓમાં તરફેણ સરકારની તરફે -સત્યની જ રહે. તેમના પગ ,આખા કચ્છ જિલ્લાની જમીનને ખૂંદી વળેલા છતાં પોતાના નામે એક પણ જમીન કે મકાન નહિ, એનો અફસોસ નહિ પણ ગૌરવ છે.સેલટેક્ષ રિકવરી ઓફિસર તરીકેની ફરજ વખતે એકવાર ભુજના ખુબ  મોટી વગ વાળા રાજકારણીની મિલકતની જાહેર હરરાજી ,પોલીસ ફોર્સને સાથે રાખીને કરેલી,એ યાદ છે.

         તત્સમયના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઇ દેસાઈ ભુજની મુલાકાતે આવ્યા. કલેક્ટર શ્રી હરિભાઈ છાયા ( IAS ) હતા .યોગાનુયોગ બીજે દિવસે શ્રાવણ સુદ પૂનમ હતી. શ્રી હિતેન્દ્રભાઇએ જનોઈ બદલવાની ઈચ્છા વ્યક્ત કરી.શ્રી હરિભાઈએ, કલેકટર કચેરીના તમામ નાગરોને બોલાવ્યા.પૂજ્ય ભાઈને પણ આ લહાવો મળ્યો. મુંબઈ રાજ્ય મેટ્રિકના બોર્ડની પરીક્ષા શરૂમાં અઘરી અને કરાચી,પુના કે રાજકોટ જ અપાતી પછી માંડ ભુજ કેન્દ્ર થયું હશે.તેમણે 49 વર્ષે મેટ્રિકની પરીક્ષા પસાર કરેલી.જેના સમાચાર કચ્છમિત્ર દૈનિકમાં ફોટા સાથે આવેલા!

         1968 માં નિવૃત્ત થયા.પણ એમને ઘેર બેસવું ન ગમે .ત્યારે હું નવમા ધોરણમાં હતો.અમારા અભ્યાસ અને વિકાસ માટે પણ ને સમય પસાર થાય તે માટે પણ નાના ભાડિયા કચ્છમાં પ્રાથમિક શાળાના આચાર્યની સેવા સ્વીકારી. મારુ મુન્દ્રા બી.એડ.કરવાનું આવ્યું. હોસ્ટેલ કે ભાડે ઘર રાખીને પાલવે નહિ. તેમણે મુન્દ્રાથી પંદરેક કી.મી. દૂર પત્રી ગામમાં સામાજિક સંસ્થા 'પત્રી સર્વોદય સમાજ' ના  મેનેજરની સેવા સ્વીકારી. હું દરરોજ મુન્દ્રા અપડાઉન કરતો.એક વર્ષમાં મારુ બી.એડ. પૂરું થયું. થોડા સમય પછી માંડવીના પેટ્રોલ પમ્પ પર હિસાબનીશની સેવા પણ સ્વીકારી.પછી જથ્થાબંધ વેપારી પાસે હિસાબનીશ રહયા.

           ઓછામાં ઓછી જરૂરિયાત અને પૂરો સંઘર્ષ ,છતાં સહજતાથી ,આનન્દ થી શ્રદ્ધાથી પરિવાર સંગોપન કરવો એ એમનો જીવન મંત્ર.  સ્વભાવ ખુબ સરળ પણ ક્યાંય ખોટું થતું જુએ તો જરાય સહન ન કરે.મારુ બી.એડ. પૂરું થતા મને જી.ટી.હાઈસ્કૂલમાં નોકરી મળતાં મેં પ્રાથમિક શાળાની મારી શિક્ષકની સેવા માંથી રાજીનામુ આપ્યું.’

પંચાયત કચેરી માંથી મારા પ્રોવિડન્ટ ફંડની રકમનો ચેક લેવાનો થયો.હું ગયો.હેડક્લાર્કએ બહાના બતાવ્યાં ને કહ્યું, ',મહાદેવ પણ ફૂલ ચડાવો તો રીઝે.' મેં ઘેર આવી વાત કરી.બીજે દિવસે સીધા કચેરીએ.અને તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં .'તમારા હેડક્લાર્કને બોલાવો.' અધિકારીએ શાંત પાડી ,વાત સાંભળી ને ઉકેલ લાવવા ખાતરી આપી. ચેક મળી ગયો.

          ભુજમાં હતા ત્યારે તેમનો રોજ પાવડી ( હમીરસર ) નો ભુસ્કો તો હોય જ.એને કારણે અમે આઠ નવ વર્ષની વયે તરતાં શીખી ગયા જે આજે પણ ( 70 વર્ષ ) ભુલાયું નથી. સ્વામી શિવાનંદગિરી  અહનિક અને વેદાંત પાઠશાળા ના વ્યવસ્થાપક તરીકે સંસ્થા દ્વારા  વ્યાસપીઠ પર અન્ય આધ્યાત્મિક પ્રવચનો નિયમિત ગોઠવતા.ભુજ આવેલ સ્વામીજીઓ સાથે ફરવા જય તેમની સાથે ધાર્મિક ચર્ચા કરતા.  નાના બાળકોમાં  સંસ્કૃત અને સ્તોત્ર,શાસ્ત્ર પ્રત્યે આદર ભાવ પેદા થાય તે માટે  પાઠશાળા દ્વારા અનુભવીઓ દ્વારા નિયમિત વર્ગો અને સ્પર્ધાઓના ખાસ આયોજન કરતા.જ્ઞાતિ સંસ્થા માં પણ થોડી સેવા આપ્યાનું સ્મરણ છે.

        બંને ને પાછલાં વર્ષોમાં  શરીરે જયારે સાથ ઓછો આપ્યો ત્યારે પણ બીજાને તકલીફ ઓછી પડે એટલે શક્ય ત્યાં સુધી કોઈને કહયા વગર તકલીફ  વેઠી લેવાની બંનેની સહનશક્તિની ટોચ હતી.. બધાં જ સંતાનોના લગ્નથી માંડી ને બધા જ પ્રસંગ ખુબ જ ઉત્સાહ ઉમંગથી અને વ્યવહારસર પાર પડયા. બંનેના ચહેરા પર ક્યારેક સંઘર્ષ કે અગવડ દર્શાવતી રેખા નજરે નથી પડી કે નથી પડી અસર વાણી વ્યવહારમાં.દરેક વખતે 'હાજરા હજુર ' શબ્દ વાપરીને કલ્યાણેશ્વર પર પ્રસંગ છોડી દેવાનો.અને હકીકતમા પ્રસંગ સરસ અને સરળ રીતે પાર પડે જ.

          મારો લગ્ન પ્રસંગ પૂર્ણ થયો.હું આબુ ગયો.જાણે મારી રાહ જોતા હોય તેમ આઠમી જૂન 1983 ના સવારે મારુ ઘરની ડેલીમાં પ્રવેશવું ,પૂજ્ય ભાઈનું આવકાર વાક્ય ' આબુ આવ્યું.' -એ એમનું છેલ્લું વાક્ય હતું.'હરિ ૐ તત્સત ' શબ્દ સાથે  અચાનક જ વિદાય લીધી.અમારે માટે મોટી ખોટ હતી.અવરજવર વચ્ચે શારદામાંસી ,પોતાની મોટીબેન અને અમારાં ‘મોટીબેન’ ને આશ્વાસન આપવા રોકાયાં.મોટીબેનનું પૂજ્ય ભાઈ સાથેનું તેમનું ઋણાનુબંધ હજુ તૂટ્યું ન હોય તેમ ,'તમારા બાપને ગરમ રોટલી આપજો .' -એમ અનાયસે તેમનાથી બોલી જવાતું.અને બંધન એટલું મજબૂત કે 15 મી જૂન 1983 ના મોટીબેનએ પણ અચાનક અમારી વચ્ચેથી વિદાય લીધી.એક જ અઠવાડિયાં એક સાથે બે વડીલોને ગુમાવતાં અમારા સહુ પર આભ તૂટી પડ્યું. બે બહેનોની લેણાદેવી પણ જુઓ.મુ.શારદામાસીની હાજરીમાં વિદાય અને મુ.શારદામાસીની હાજરી અમારો એક સધિયારો બની ચુક્યો.

        એમના ગયા પછી અમારા સહુ પર એટલા બધા તો આશીર્વાદ ઉતર્યા કે કલ્પી પણ ન શકાય.તમામ ભાઈબહેનોની લીલીવાડી તો વિસ્તરી સાથે સાથે સહુના પોતાના સરસ મજાના પોતાના ઘર અને બધાને ચારચક્રી વાહનો પણ.. બંને વડીલોએ અમને આપલો સંસ્કાર,ભાવ ,શ્રદ્ધા અને પ્રામાણિકતાનો અમૂલ્ય વારસો અમારા જીવન માટે અન્ય કોઈ સમૃદ્ધિ કરતાં વિશેષ બની રહ્યો. આજે પણ જીવનમાં કશુંક સુંદર થાય ત્યારે ઈશ્વરકૃપા સાથે તેમના આશીર્વાદ હોય જ છે એવી અનુભૂતિ અવશ્ય કરીએ છીએ.લાગે છે આજે પણ તેઓ અમારી સાથે જ છે.

દિનેશ લ.માંકડ

ચલિત દુરભાસ 9427960979

અન્ય લેખ વાંચવા માટે mankaddinesh.blogspot.com


Sunday, June 19, 2022

ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના -- લેખાંક -14- લક્ષ્ય સિદ્ધિ -યોગવિધિ

 

                                            


   ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

                                                      લક્ષ્ય સિદ્ધિ -યોગવિધિ

            પ્રાચીન ભારતની શિક્ષણ પદ્ધતિ કેવળ પુસ્તક આધારિત હતી જ નહિ..તમામ પ્રકારની વિદ્યા અને જીવન ઘડતર પણ શિક્ષણનો જ ભાગ હતો.આ વાત આપણે વારંવાર જાણીએ -સાંભળીએ છીએ શિક્ષણમાં પૂર્વતૈયારી રૂપે સજ્જ થવું આવશ્યક છે.અમૃતનાદ ઉપનિષદ આ રીતે પ્રારંભ કરે છે शास्त्राण्यधीत्य मेधावी अभ्यस्य च पुनः पुनः । જ્ઞાનવાન મનુષ્યનું એ કર્તવ્ય છે કે શાસ્ત્રાદિ નું અધ્યન કરીને વારંવાર અભ્યાસ કરતા રહેવું .અને આગળ કહે છે કે  ओङ्कारं रथमारुह्य विष्णुं कृत्वाथ सारथिम् ।.ૐકાર રૂપી રથમાં આરૂઢ થઇ,ભગવાન વિષ્ણુને સારથી બનાવી પરમપદનું ચિંતન કરતાં કરતાં જ્ઞાની પુરુષ ઉપાસનામાં તલ્લીન રહે. લક્ષ્ય પ્રાપ્તિ માટે સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી એ ( પ્રણવરૂપી ) રથ દ્વારા ત્યાં સુધી ચાલવું જોઈએ જ્યાં સુધી રથને ચાલવા યોગ્ય માર્ગ પૂર્ણ ન થાય. स्थित्वा रथपथस्थानं रथमुत्सृज्य गच्छति|

           .યોગ અને પ્રાણાયામ વિષે ભારતનો સામાન્ય નાગરિક તો છેલ્લા થોડાં વર્ષોથી જ સુપરિચિત થયો છે.પરંતુ  યોગ અને પ્રાણાયામની આવશ્યકતા અને ઉપયોગીતાનું મૂલ્ય તો આપણા તમામ પ્રાચીન શાસ્ત્રોમાં છે જ.ઉપનિષદોમાં પણ તેનો વિશેષ ઉલ્લેખ છે.અને શ્રેષ્ઠ તન અને શ્રેષ્ઠ મન માટેની તેની પ્રાથમિક જરૂરિયાત બતાવીને તેનાથી પ્રાપ્ત અંતિમ લક્ષ્ય પણ જણાવ્યું છે. કૃષ્ણ યજુર્વેદ સંબંધિત અમૃતનાદ ઉપનિષદ યોગની વ્યાખ્યાથી માંડી પુરેપુરી સમજ પાડે છે. અહીં આ મંત્ર યોગની પૂર્ણ વ્યાખ્યા અહીં કરવામાં વૈ છે.प्रत्याहारस्तथा ध्यानं प्राणायामोऽथ धारणा ।sतर्कश्चैव समाधिश्च षडङ्गो योग उच्यते ॥ 'પ્રત્યાહાર ,ધ્યાન,પ્રાણાયામ ,ધારણા તર્ક અને સમાધિ આ છ અંગોથી ચુસ્ત સાધનાને યોગ કહેવા માં વાવે છે.'

            પ્રાણાયામ થતા શ્રેષ્ઠ લાભો ને એક નક્કર ઉદાહરણથી સમજાવીને સાધકની શ્રદ્ધા વધારે છે.' અગ્નિમાં તપાવવાથી સોનુ વગેરેનો મેલ ભસ્મ થાય તેમ સમસ્ત ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવેલ દોષ ,પ્રાણાયામની પ્રક્રિયા કરવાથી ભસ્મ થઇ જાય છે.'यथा पर्वतधातूनां दह्यन्ते धमनान्मलाः । तथेन्द्रियकृता दोषा दह्यन्ते प्राणनिग्रहात् ॥

       પ્રાણાયામની જેમ જ યોગ્ય રીતે કરેલ ધારણા.ધ્યાન, પ્રત્યાહારથી પણ થતા ઉત્તમ લાભ કહીને સાધકનું આત્મબળ અને સાથે યોગ વિશેની મહત્તા વધારે છે.प्राणायामैर्दहेद्दोषान्धारणाभिश्च किल्बिषम् । प्रत्याहारेण संसर्गाद्ध्यानेनानीश्वरान्गुणान् ॥ किल्बिषं हि क्षयं नीत्वा रुचिरं चैव चिन्तयेत् ॥ પ્રાણાયામથી જેમ દોષ વિકાર જાય તેમ ધારણાના માધ્યમથી પાપો ,પ્રત્યાહારથી ઇન્દ્રિય સંસર્ગથી ઉત્પન્ન દોષો,અને ધ્યાન દ્વારા અનીશ્વરીય ગુણોનો નાશ થાય છે .અને આ પ્રમાણે સંચિત પાપો અને કુસંસ્કારોનું શમન કરતાં કરતાં પોતાના ઇષ્ટનું ચિંતન કરવું.

           सव्याहृतिं सप्रणवां गायत्रीं शिरसा सह । त्रिः पठेदायतप्राणः प्राणायामः स उच्यते આ શુદ્ધ પ્રાણાયામની વ્યાખ્યા કરીને 'રેચક', 'પૂરક' અને કુંભક  વિષે પણ સ્પષ્ટ સમજણ અહીં અપાઈ છે . (નાક વાટે ) પ્રાણવાયુને બહાર કાઢીને મન સ્થિર કરવું તે 'રેચક' -शून्यभावेन युञ्जीयाद्रेचकस्येति लक्षणम् ॥ ધીમી ગતિથી પ્રાણવાયુને  પોતાનાં  અંતઃકરણમાં ધારણ કરે તે 'પૂરક' નું લક્ષણ છે.एवं वायुर्ग्रहीतव्यः पूरकस्येति लक्षणम् ॥ અને શ્વાસને ન તો અંદર ખેંચવામાં આવે અને ન તો બહાર કાઢવામાં આવે તથા શરીરમાં કોઈ જાતની હલચલ પણ ન કરવામાં આવે .આ રીતે પ્રાણવાયુને રોકવાની પ્રક્રિયાને ' કુંભક ' પ્રાણાયામનું લક્ષણ કહે છે.नोच्छ्वसेन्न च निश्वासेत् गात्राणि नैव चालयेत् । एवं भावं नियुञ्जीयात् कुम्भकस्येति लक्षणम् ॥

           પ્રાણાયામથી આગળ ધારણાની દ્રઢતા માટેનો અમૃતનાદ ઉપનિષદનો આગ્રહ પણ કેવો અદભુત છે.मनः सङ्कल्पकं ध्यात्वा संक्षिप्यात्मनि बुद्धिमान् । धारयित्वा तथाऽऽत्मानं धारणा परिकीर्तिता ॥ ‘બુદ્ધિમાન મનુષ્ય મનને સંકલ્પિત કરી આત્મામાં લય કરી દે પછી એ આત્મારૂપી સદબુદ્ધિને પણ પરમાત્મ સત્તાના ધ્યાનમાં સ્થિર કરી દે. આ રીતની 'ધારણા;ની સ્થિતિ કહે છે..’  'તર્ક' સંગત વિચાર કરી ,ભૌતિક  પદાર્થોને  તુચ્છ  માની ને મન સ્થિર કરે તેને 'સમાધિ' કહે છે.समं मन्येत यं लब्ध्वा स समाधिः प्रकीर्तितः ॥

           તમામ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ચોક્કસ નીતિ નિયમોનો હંમેશ આગ્રહ  ઉપનિષદ રાખે જ છે.તો અને તો જ ઉત્તમ પરિણામ મળે .યોગ ,પ્રાણાયામનો પ્રારંભ કરવા પહેલાની પૂર્વશરતો વિષે અમૃતનાદ ઉપનિષદ સ્પષ્ટ છે. શરૂઆત સ્થળથી થાય.ભૂમિને સ્વચ્છ ,સમતળ અને સર્વદોષથી વિમુક્ત કરીને પછી જ પ્રારંભ કરવો. भूमिभागे समे रम्ये सर्वदोषविवर्जिते । પદ્માસન,સ્વસ્તિકાસન કે ભદ્રાસનમાં ઉત્તરાભિમુખ બેસીને પ્રાણાયામ કરવાનું સૂચન છે.पद्मकं स्वस्तिकं वापि भद्रासनमथापि वा ।बद्ध्वा योगासनं सम्यगुत्तराभिमुखः स्थितः ॥

            અને શરૂઆત કરવાની સૂચનામાં પણ પદ્ધતિની ઝીણામાં ઝીણી બાબત મંત્રમાં કહેવામાં આવી છે    નાસિકાના જમણા છિદ્રને એક આંગળીથી બંધ કરી બીજાન ખુલ્લા છિદ્રથી વાયુ ખેંચી ,પછી બંનેય નાસિકા બંધ કરીને એ પ્રાણવાયુને ધારણ કરો.અને એ સમયે તેજ સ્વરૂપ શબ્દ ( ૐ કાર ) નું ચિંતન કરો..नासिकापुटमङ्गुल्या पिधायैकेन मारुतम् ।आकृष्य धारयेदग्निं शब्दमेवाभिचिन्तयेत् ॥ અને બહુવાર તેનું ઉચ્ચારણ કરતાં કરતાં રેચક ( વાયુ ધીરે ધીરે બહાર કાઢીને ) કરતી વખતે ચિત્તના મેલ ( વિકાર ) દૂર કરવા.  कुर्यादात्ममलच्युतिम् ॥ કરેલા નિયમિત પ્રાણાયામના તુરંત અને ઉત્તમ ફળ માટે કેટલીક આવશ્યક વાત કહી છે.स्थिरस्थायी विनिष्कम्पः સાધક સ્થિરતાપૂર્વક અને નિષ્કમ્પ ભાવથી બેસીને અભ્યાસ, પહેલેથી સુનિશ્ચિત્ત યોજના અનુસાર કરે  તો તાડના વૃક્ષની જેમ થોડા જ સમયમાં ફળ મળે છે. . तालमात्राविनिष्कम्पो धारणायोजनं तथा ।

         શ્રેષ્ઠત્તમ યોગાભ્યાસ પછીની ગતિ માટે અમૃતનાદ ઉપનિષદ આગળ કહે છે કે ‘ વાયુના પ્રવેશનો માર્ગ હૃદય છે,એ દ્વારા જે પ્રાણ સુષુમ્ણાના માર્ગમાં પ્રવેશે છે.એનાથી ઉપર ઉર્ધ્વગમન કરવાથી સહુથી ઉપર મોક્ષનું દ્વાર, બ્રહ્મરંધ્ર છે.યોગીઓ તેને સૂર્યમંડળ રૂપમાં ઓળખે છે.हृद्द्वारं वायुद्वारं च मूर्धद्वारमतः परम् । मोक्षद्वारं बिलं चैव सुषिरं मण्डलं विदुः ॥

         ' કઠોર તપસ્યા તો હોવી જ જોઈએ.ભય ક્રોધ,આળસ,વધારે ઊંઘવું,વધારે જાગવું,વધારે ભોજન કરવું,અથવા તો બિલકુલ નિરાહાર રહેવું  વગેરે દુર્ગુણો યોગી હંમેશ છોડી દે છે ' એમ પણ એક મંત્રમાં ભાર મૂકે છે અને જો આ રીતે નિયમપૂર્વક જે કોઈ સાધક ઉત્તરોત્તર પ્રગતિ કરતો, નિયમિત અભ્યાસ કરે  તો એને ત્રણ માસમાં જ જ્ઞાન પ્રાપ્તિ થઇ જાય તેમાં સંશય નથી એવું વચન અમૃતનાદ ઉપનિષદ આપે છે.अनेन विधिना सम्यङ्नित्यमभ्यसतः क्रमात् । स्वयमुत्पद्यते ज्ञानं त्रिभिर्मासैर्न संशयः ॥ અને ચાર માસમાં દેવદર્શન ,પાંચ માસમાં દેવગણ સમાન સામર્થ્યવાન ,છ માસમાં પોતાની ઇચ્છાનુસાર નિઃસંદેહ કૈવલ્ય ( મોક્ષ ) ને મેળવવા સમર્થ બની જાય છે.

चतुर्भिः पश्यते देवान्पञ्चभिस्तुल्यविक्रमः । इच्छयाप्नोति कैवल्यं षष्ठे मासि न संशयः ॥ આ તાકાત કેવળને કેવળ ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્ર સિવાય કોની પાસે હોઈ શકે ?

          એ જ રીતે આગળના મંત્રોમાં ધારણાની પ્રક્રિયા આપીને અમૃતનાદ ઉપનિષદ કહે છે,' આરીતે પ્રણવની ધારણા દ્વારા પંચભૂતો પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત કરે છે. વેદકાળના ગણિતની મજા તો જુઓ.પ્રાણવાયુના આશ્રયરૂપ શ્વાસ સાડી ત્રીસ આંગળ લાંબો છે  બાહ્ય પ્રાણમાં એક લાખ તેર હજાર છસો એંસી નિઃશ્વાસનું આવાગમન એક દિવસ અને રાત્રિમાં થાય છે. अशीतिश्च शतं चैव सहस्राणि त्रयोदश । लक्षश्चैकोननिःश्वास अहोरात्रप्रमाणतः ॥ અને તે શરીરના ક્યાં અંગમાં,ક્યાં રંગકે સ્થિતિમાં રહે તે પણ અહીં બતાવાયું છે.જેમકે લાલ રંગમાં મણિ સમાન रक्तवर्नो मणिप्रख्यः અને નાભિમાં તો ગાયના દૂધ જેવો શુભ્ર કાંતિયુક્ત છે. समानस्तु द्वयोर्मध्ये गोक्षीरधवलप्रभः ।

       સાચા યોગીની ઉચ્ચત્તમ સ્થિતિથી અમૃતનાદ ઉપનિષદ પોતાની વિચારધારાનું સમાપન કરે છે .यस्येदं मण्डलं भित्वा मारुतो याति मूर्धनि । यत्र तत्र म्रियेद्वापि न स भूयोऽबिजायते । न स भूयोऽभिजायत इत्युपनिषत् ॥ જે શ્રેષ્ઠ યોગી કે સાધક નો પ્રાણ આ મંડળનું વેધન કરીને મસ્તકમાં પ્રવેશી જાય છે ,તે પોતાના શરીરનો ગમે ત્યાઁ ત્યાગ કરી શકે છે અને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઇ જાય છે.આ ઉપનિષદનું રહસ્ય છે.