Readers

Thursday, April 13, 2023

યાત્રા – 35 પાંચ જ્યોતિર્લિંગ યાત્રા



                                                યાત્રા – 35          પાંચ જ્યોતિર્લિંગ યાત્રા

                       મુ.અરુણભાઈ  લ. માંકડ ,હર્ષાબેન  એ માંકડ ,દિનેશ લ.માંકડ અને  રંજના ડી .માંકડ

          सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।  उज्जयिन्यां महाकालम्ॐकारममलेश्वरम्॥१॥

         परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमाशंकरम्। सेतुबंधे तु रामेशं नागेशं दारुकावने॥२॥

          वाराणस्यां तु विश्वेशं त्र्यंबकं गौतमीतटे।  हिमालये तु केदारम् घुश्मेशं च शिवालये॥३॥

         एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः।  सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥४॥

        ઈશ્વર કૃપાએ અત્યાર સુધી સાત જ્યોતિર્લિંગ ,સોમનાથ,કેદારનાથ,રામેશ્વર ,મહાકાલ ૐ કાર મમલેશ્વર,શૈલ મલ્લિકાર્જુન કાશી વિશ્વનાથના તો અલગ અલગ સમયે દર્શન થઇ ગયેલાં .દેશની મધ્યમાં આવેલાં મહારાષ્ટ્રના પાંચ જ્યોતિર્લિંગ બાકી રહેતાં હતાં. સારો સંગાથ શોધવાનો હતો.મોટાભાઈ મુ. અરુણભાઈને વાત કરી.તેઓએ ખુબ ઝડપી સંમતિ આપી.તેમના ચિરંજીવી ભાવેશભાઈને તો પ્રવાસ આયોજનનો પહેલેથી શોખ.તેમના જ મિત્ર રમેશભાઈ ( ગાંધીધામ ) ના સહકારથી સુંદર આયોજન ગોઠવાઈ ગયું--.

         તારીખ 24 માર્ચ રાત્રે દુરંતો ટ્રેનમાં પુના ,ત્યાંથી એ.સી.ઇનોવામાં પ્રવાસ ,વળતાં 30 મી એ નાસિકથી વિમાન દ્વારા અમદાવાદ પરત.--બધી ટિકિટો અને વિગત આવી ગયાં .તૈયારી શરુ થઇ ગઈ. જોતજોતાંમાં 24 માર્ચ 2023 શુક્રવારનો દિવસ આવી જ ગયો.અમારી જ્યોતિર્લિંગ યાત્રા પ્રારંભ પણ થઇ ગઈ.અરુણભાઈ અને હર્ષાભાભી ભુજથી સવારથી અમદાવાદ આવી ગયેલાં .

           24મી શુક્રવાર રાત્રે 10.30 વાગ્યે દુરંતો એક્ષપ્રેસમાં અમદાવાદ થી પુના તરફ પ્રયાણ.ચારેયને નીચેની સુવા બેઠક મળેલી એટલે ખુબ સુગમ રહ્યું.માત્ર ચાર જ સ્ટેશન પર ઊભતી ટ્રેનએ 661 કી.મી.નું અંતર માત્ર નવેક કલાકમાં કાપ્યું. 25 મી માર્ચ શનિવાર સવારે સાત વાગ્યે પુના પહોંચ્યા.અગાઉથી સૂચના અનુસાર સ્ટેશન પણ ઇનોવા લઈને ડ્રાઈવર ઉમેશ પાટીલ હાજર જ હતા.

          પુનાથી આશરે 114 કિમિ.દૂર પ્રથમ જ્યોતિર્લિંગ ભીમાશંકર તરફ જવાનું શરુ. 73 કી.મી. દૂર ઘોડેગાંવમાં હોટેલ અમિત પેલેસ પર આશરે બે કલાકે પહોંચ્યા.તરોતાજા થઇ ભોજન વગેરે ત્યાં જ પતાવીને આશરે 48 કી.મી દૂર આવેલ ભીમાશંકર તરફ જવા નીકળ્યા .આશરે 230 પગથિયાં ચડીને જવાનું હતું.મંદિરનો જીર્ણોદ્ધાર ચાલતો હોઈ માર્ગ અસ્તવ્યસ્ત હતો,છતાં પગથિયાં ખુબ સરળ હતા.બપોરે આરતી સમયે મંદિર બંધ હોય એટલે લાઈનમાં ખુબ વધારે ઉભવું પડ્યું પણ નિજ મંદિરમાં જઈને દર્શન ખુબ સરસ થયાં. સહ્યાદ્રીની પર્વતમાળામાં ભીમા નદીના ઉદગમ સ્થાન પર આ ભવ્ય ખુબ પ્રાચીન મંદિર છે.રાજા સુદક્ષિણે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે.કર્કટી અને કુમ્ભકર્ણ નો પુત્ર ભીમાસુર, ઋષિઓના ધર્મકાર્યમાં ખુબ ખલેલ કરતો અને આતંક મચાવતો રાજા સુદક્ષિણ એ તેને મહાત કર્યો.રાજાની વિનંતીથી ભગવાન શિવ ત્યાંજ વિરાજમાન થયા.ભીમાસુર બ્રહ્મદેવનો ઉપાસક હતો અને તેની ઉર્ધ્વગતિ ભગવાન શિવની શક્તિથી થઇ એટલે આ જ્યોતિર્લિંગને ભીમાશંકર તરીકે  ઓળખાવાય છે. છત્રપતિ શિવાજીના આસ્થાસ્થાન રહી ચૂકેલા આ નાગર શૈલી આ મંદિરનો સભામંડપ અઢારમી સદીમાં નાના ફડનવીસે તૈયાર કરાવેલો.  સાંજે હોટેલ પરત અને રાત્રી રોકાણ પણ ત્યાં જ .

        તારીખ 26 મી માર્ચ રવિવાર ઘોડેગાંવથી પરલી વૈદ્યંનાથ તરફ નીકળવાનું હતું.346 કી.મીનું અંતર હોઈ સવારે છ વાગ્યે જ નીકળી ગયા. મધ્ય રોકાણ સહીત સાતેક કલાકે હોટેલ અનસૂયા ,પરલી પહોંચ્યાં.હોટેલ સાથે સારું રેસ્ટોરેન્ટ હોઈ ભોજન અને આરામ બાદ વૈદ્યંનાથ મહાદેવના દર્શન તરફ નીકળ્યા સવાર સિવાય નિજ મંદિરની અનુમતિ નહોતી એટલે બહારથી જ બિલકુલ ભીડ વગર ખુબ  સરસ અને સરળ દર્શન  થયાં  મહારાષ્ટ્ર ના બીડ જિલ્લામાં પરણી ગામમાં વૈદ્યંનાથ જ્યોતિર્લિગ આવેલું છે.ભગવાન શિવ અહીં માતા પાર્વતી સાથે વિરાજમાન છે એટલે આ સ્થળને અનોખી કાશી કહેવામાં આવે છે.એક કથા અનુસાર અમૃત મંથન વખતે વિષ્ણુએ અમૃત અને ધન્વંતરિ આ શિવલિંગમાં છુપાવેલાં. અહીં ઔષધિના અનેક વૃક્ષો છે આ બધાને લીધે આ જ્યોતિર્લિંગ વૈદ્યનાથ કહેવાય છે. અનેક કિંવદંતી માની એક મુજબ ધમોત્થાનની આકાંક્ષાવાળા ઋષિ મૃતંડ અને મનસ્વીને માંડ પ્રાપ્ત એવા માર્કંડ પણ અલ્પાયુષ હતો.માં એ કહ્યું,' જપ અને તપ કર' બાળકે માતા વચન ઉપાડી લીધું.તપસ્યા દરમિયાન સપ્તઋષિ અને માતા અરૂંધતી માર્ગદર્શન કરતાં રહયાં.ધર્મકાર્યની તેની તીવ્ર ઝંખના જોઈ ભગવાન શિવ એ કાળક્રમ ઓળંગીને દીર્ઘાયુ આપ્યું.એ જ્યોતિર્લિંગ તે વૈદ્યંનાથ. ઈ.સ. 1108 માં બંધાયેલા આ પ્રાચીન અને વિશાલ ભવ્ય મંદિરનો 1706 માં અહલ્યાભાઈ હોલકર અને પછી નાનારાવ દેશપાંડે એ જીર્ણોદ્ધાર કરાવ્યો..          

          યોગાનુયોગ માર્કંડ ઋષિ પરથી અમારી અટક ' માંકડ' થયાની કલ્પના કરીને ,અમે  એ ભૂમિ પર આવ્યા છીએ એમ સમજીને બે ઘડી છાતી ફુલાવી લીધી..એક વિચાર આવ્યો કે  પૂર્વજો નું જ્ઞાન અને શ્રદ્ધા કેટલાં હશે કે અમારા દાદા વૈજનાથભાઈ ( વૈદ્યંનાથનું અપભ્રંશ ) નું એમના ફોઈએ આશરે એકસો પચાસ વર્ષ પહેલાં આવું દુર્લભ નામ પડ્યું હશે.ચોક્કસપણે એ વખતે બાર જ્યોતિર્લિંગ માટેની શ્રદ્ધા પ્રબળ હશે અને યોગાનુંયોગની મજા પણ એ કે આટલા લાંબા સમય પછી તેમના બે પૌત્રો અરુણભાઈ અને હું ( દિનેશ ) વૈદ્યંનાથના દર્શન કરનારા આખી પેઢીમાં કદાચ  પ્રથમ જ હશે. રાત્રી રોકાણ હોટેલ ,પરલી માં.

            27 માર્ચ સોમવાર.આજે એક જ દિવસમાં બે જ્યોતિર્લિંગના દર્શન કરવાના હોઈ, સવારે વહેલા સાત વાગ્યે જ યાત્રા પ્રારંભ કરી દીધો. 118 કી.મી દૂર આવેલા દારૂકાવનમાં વિરાજમાન નાગેશ્વર જ્યોતિર્લિંગ લગભગ દસ વાગ્યે પહોંચ્યા.પ્રદેશની રીતે ઔંઢા -નાગનાથ તરીકે પ્રચલિત છે. ખુબ નીચે ભોયરાંમાં જઈને નિજ મંદિરમાં જઈને સરળ અને સરસ દર્શન થયાં ઔંઢા શહેરનો વિસ્તાર પ્રાચીન સમયમાં દારુકાવન તરીકે ઓળખાતો કારણકે દારુકા નામની રાક્ષસીનું સામ્રાજ્ય હતું..,જેણે માતા પાર્વતીની તપશ્ચર્યા કરીને અનેક શક્તિ મેળવી સમાજને કેવળ -ખાવું,પીવું અને મોજ કરો.-ની વિચારધારાવાળો બનાવ્યો. દીન હીન .બ્રાહ્મણ નિરાશ હતો.ઑવ મુનિએ તેઓને વિચાર અને હિમ્મત આપ્યા.રાજા સુપ્રિય અને રાજા વીરસેનને તેમને સાથ આપ્યો નાગેશંની ઉપાસના કરી.આને આખરે દારુકાનું સામ્રાજ્ય ખતમ થયું.

            આ સ્થળ વિષે એક  પૌરાણિક સંવાદ પણ જાણવા જેવો છે.દારુકાને માતા પાર્વતીએ શક્તિ આપેલી.અને બીજી તરફ પ્રજાને ભય મુક્ત કરવા પ્રભુ શિવ સાથે હતા.બંને વચ્ચે  વૈચારિક સંઘર્ષ થયો.સત્ત્વ પ્રિય શિવને માતા પાર્વતી ઉત્તર આપે છે કે ,' સમાજમાં સાત્વિકતા જરૂર હોય પણ આત્મપ્રત્યવાનનો ગુણ સમાજમાં હોવો જોઈએ. કિંકર્તવ્યમૂઢ અને દીનતાને મોટાઈનો ગુણ સમજી રહેશે તો માણસ આળસુ ,પરાવલંબી બનશે.' શિવજીએ ઉત્તર વાળ્યો,' મારી કૃતિશીલતા અને શ્રદ્ધા અને તમારાં સ્વાભિમાન અને આત્મપ્રત્યવાનના ગુણ સમાજે સંભાળવા જ જોઈએ.બંનેને સાથે રહેવા દઈશું તો રાક્ષસો ઉન્મત્ત નહિ થાય અને ઈશ્વરભક્ત આળસુ નહિ બને.' 

           અન્ય એક કથાનક અનુસાર, કૌરવોએ પાંડવોને 12 વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાત વર્ષની સજા કરેલી ત્યારે પાંડવો પ્રરિભ્રમણ દરમિયાન અહીં આવ્યા.એમણે એક  આશ્ચર્ય જોયું.એક ગાય એક સરોવર પાસે દરરોજ દૂધધારા કરતી.સહુએ સાથે મળી સરોવરનું પાણી ઊલેચ્યું.તો સ્વયંભૂ શિવલિંગના દર્શન  થયાં પાંડવોએ અખંડિત પથ્થરમાંથી શિવ મંદિરનું નિર્માણ કર્યું.એ જ આ નાગેશ્વર મહાદેવ શીખ સંપ્રદાય નું પણ આસ્થાકેન્દ્ર છે.ગુરુ નાનક અહીં આવી ચુક્યા છે.સંત જ્ઞાનેશ્વરના ગુરુ મોટાભાઈ નામદેવને શીખ સંપ્રદાય ભગત નામદેવ તરીકે પૂજે છે તેનું જન્મસ્થાન અહીં નજીક જ છે.  .

              બપોરે તરત આગળ રવાના.આશરે 294 કી.મી.દૂર ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગ પહોંયા. ઘુશ્મા નદીને કિનારે પ્રાચીન  ભવ્ય  મંદિરમાં પણ ભીડ વગર નિજમંદિર પ્રવેશથી દર્શન થયાં એક વાર અંતર્ધ્યાન થયેલા શિવજીને શોધવા માતા પાર્વતીએ ભીલડીનો વેશ લીધો અને પછી જ્યાં મળ્યાં તે સ્થળ આ ધુશ્મેશં એવું એક મંતવ્ય છે.એક કથાનુસાર સુશર્માની પત્ની ઘુશ્મા પૂર્ણ શિવભક્ત.દરરોજ માટીના શિવલિંગ બનાવી ,અવિરત  ચુક્યા વગર નિયમિત પૂજન કરે.અચાનક પુત્રનું અકાળ નિધન થયું.લોકો કહે,સૂતક છે .પૂજા ન થાય .'- ઘુશ્મા એ શિવજીને હૃદયથી પ્રાર્થના કરી અને ભોળાનાથે તેના પુત્રને પુનર્જીવિત કર્યો.ઘુશ્માના પુજેલા શિવજીનું સ્થળ તે આ ઘુશ્મેશ્વર. સાવ જ પાસે આવેલ મહારાષ્ટ્ર મહાન સંત એકનાથના ગુરુ જનાર્દન સ્વામી ની સમાધિના દર્શનનો લાભ તો ઓચિંતા જ મળી ગયો.ઈશ્વર સાથે સાક્ષાત નાતો રાખનાર આ મહાન સંતનું ચરિત્ર વાંચીએ તો જ આ સ્થળનું માહાત્મ્ય સમજાય.શ્રદ્ધાથી નમન કર્યા

            13 મી અને 14 મી સદીમાં મોગલ રાજાઓએ તેને ધ્વસ્ત કર્યું તો 16 મી સદીમાં છત્રપતિ શિવજીના દાદા  માલોજી  ભોશલેએ તેને ફરી બંધાવ્યું.અને  18 મી સદીમાં મહારાણી અહલ્યાભાઈ હોલ્કરે પણ તેના વિકાસમાં યોગદાન કર્યું..ગામ નાનું હોઈ 30 કી.મી દૂર સંભાજીનગર ( ઔરંગાબાદ ) શહેર માં hotel Oppal Plaza માં રાત્રી રોકાણ .હોટેલ ખુબ સારી હતી.ચાર જ્યોતિર્લિંગ દર્શન પૂર્ણ થયાનો વિશેષ આનંદ હતો.

               28 મી માર્ચ મંગળવાર આશરે 81 કી.મી દૂર શનિદેવ-શિંગળાપુર તરફ પ્રયાણ.દસેક વાગ્યે પહોંયા.ખુબ સરસ દર્શન થયા.અગાઉ અબોટિયું પહેરી શનિદેવને  પ્રત્યક્ષ તેલ ચડાવાતું.હવે એ અભિષેક રૂ.500/- વ્યક્તિદીઠ ભરીએ તો ચડાવાય છે .એટલે નક્કી કરેલ ટાંકીમાં તેલ ચડાવ્યું ,એવી શ્રદ્ધા સાથે કે તે શનિદેવને પહોંચશે. ચમત્કારો માટે જેનું નામ ગિનેસ બુકમાં એવું કહેવાય છે એવા શિંગળાપુરના આ મંદિરને પ્રત્યક્ષ દેવનું મંદિર મનાય છે.કથા અનુસાર ભરવાડને  સીમના એક શિલામાં સ્વયંભૂ શનિદેવના દર્શન થયાં. લોકોએ મંદિર બાંધવા આયોજન કર્યું તો સપનામાં દર્શન આપીને કહ્યું ,'આકાશ એ જ મારુ છત્ર છે.મારી પૂજા કરો ,હું મનોકામના પૂર્ણ કરીશ.' કહેવાય છે કે આ ગામના કોઈ ઘરના દરવાજા હોતા જ નથી.માત્ર ફ્રેમ જ હોય.સતાવાર રીતે અત્યાર સુધી કોઈ ચોરી ગુન્હો નોંધાયો નથી.

         આગળ 80 કી.મી દૂર શિરડી બપોરે જ પહોંચી ગયા. ખુબ લાંબી લાઈન, ઊભીએ તો બે ત્રણ કલાક થાય.પણ જેની પાસે પ્રસાદ લીધો અને મોબાઈલ રાખ્યા,તેણે સિનિયર સીટીઝનની ખાસ વ્યવસ્થાની વિગત સમજાવી અને રસ્તો બતાવ્યો.પછી તો દરેક સિક્યુરિટી અને પોલીસ સરળતાથી આગળ કરે અને માત્ર દસ જ મિનિટમાં ખુબ નજીકથી સાઈબાબાના ચમત્કારિક દર્શન થયા.હોટેલ Indore Palace પર પહોંચ્યા.પૂરતો આરામનો અવકાશ રહ્યો.

           29 મી માર્ચ બુધવાર સવારે  90 કી.મી.નાસિક તરફ.માતા ગોદાવરી નદીમાં દિવા તરતા મુક્યા પગ પખાળ્યા. ઓટો રીક્ષા કરીને નાસિકના મુખ્ય મંદિરો .પંચવટી ,જ્યાં પ્રભુ રામચંદ્રજીએ વનવાસ ગાળ્યો.સીતા ગુફા,કાલારામ વગેરેના દર્શન કર્યા.હવે 28 કી.મી. દૂર ત્રયંબેકશ્વર તરફ પ્રયાણ.શરુ. hotel RIO inn  જવાનું હતું.પણ પુનાના ટુર ઓપરેકરે અચાનક હોટેલ બદલી.sky resort -નામ બડે દર્શન ખોટે -જેવું  હતું. બિલકુલ અસુવિધાવાળા રૂમો ..ઓપરેટરને ફોન કરી ,ઉગ્ર રજૂઆત કરી.આખરે અગાઉથી નક્કી કરેલ hotel RIO inn પર પહોંચ્યા.હોટેલ સારી.રીનોવેશન ચાલુ હોઈ બધું અમે જ પહેલી વાર વાપરતા હોઈએ તેવું લાગતું હતું.

            બપોરે જ્યોતિર્લિંગ ત્રમ્બકેશ્વર તરફ. થોડી જ લાઈન .ગર્ભગ્ર્હ ખુબ નીચું હોઈ અંદર પ્રવેશ નહોતો.બહારથી ખુબ સરસ અને સરળ દર્શન થયા. બ્રહ્મગિરી ,નીલાગીરી અને કાળગિરીની પર્વતમાળામાં આવેલા આ પ્રદેશમાં પ્રાચીનકાળમાં પડેલા અતિ ભયંકર દુકાળ વખતે મહર્ષિ ગૌતમે માનવજીવ માટે યમરાજા પાસેથી મૃત્યુંજય વરદાન લીધું.એટલે આ પ્રદેશ ગોતમીતટ કહેવાય છે.કેટલાક હિતશત્રુઓએ પ્રપંચ વડે ગૌતમ પર ગોહરયાનું પાપ ચડાવ્યું. વિચલિત મહર્ષિ પ્રાયશ્ચિત્ત માટે ઠેર ઠેર ઘૂમ્યા.ભગવાન શિવની તપશ્ચર્યા કરી.શિવ પ્રસન્ન થયા.ગંગા નદીને ગૌતમ પાસે મોકલી..માં ગંગા ,શિવને વિનવે છે .' આપ પણ મારી સાથે આવી વસો તો જાઉં.' શિવજી સહમત થયા.આ પવિત્ર સ્થળ તે ત્રમ્બકેશ્વર જ્યોતિર્લિંગ..તત્કાલીન ઇન્દોર રાજ્ય ના શ્રીમંત સરદાર રાવસાહેબએ બંધાવેલ મંદિર મોગલ બાદશાહ ઔરંઝેજેબએ તોડી પાડ્યું. જેનું ફરી નિર્માણ પેશ્વા બાલાજી બાજીરાવએ કરાવ્યું. રાત્રે હોટેલ રોકાણ .

          30 મી માર્ચ ગુરુવાર. આજે અંતિમ દિવસ.ત્રમ્બકેશ્વર વિસ્તારમાં જ સ્વામી સમર્થજીની વિશાલ જગ્યામાં ગૌરીપૂજા સાથે આયુર્વેદ પ્રાકૃતિક અને ભારતીય સંસ્કારો માટે કાર્ય થાય છે.આ સંસ્થા ભારત સરકાર ચલાવે છે. ગુરુ દત્તાત્રેયના અવતાર મનાતા સ્વામી સમર્થ ગુરૃપીઠ મંદિરમાં ઉત્તમ દર્શન છે.જગ્યા ખુબ પવિત્ર છે.નાસિક હાઇવે પર જ અંજનેરી પહાડી પર હનુમાનજીનો જન્મ થયો હતો એવું મનાય છે.ઉપર પહાડી પર સાત કી.મી જવું શક્ય નહોતું પણ નીચે હનુમાનજીની વિશાલ પ્રતિમાના દર્શન કર્યા.

          હવે સીધા નાસિક એરપોર્ટ તરફ હંકારી ગયા.4 વાગ્યે પ્લેન હતું.સમયસર check in કર્યું.પ્લેન ખુબ સમયસર ઊપડ્યું.સાંજે 5.15 મિનિટે અમદાવાદ અને ટેક્ષી કરી ઘેર.યાત્રા પૂર્ણ.મુ.અરુણભાઈ -હર્ષા ભાભીનો સંગાથ, ભાવેશ ભાઈનું આયોજન અને ડ્રાઈવર ઉમેશભાઈનું સરળ ડ્રાઇવિંગ અને ગુગલ મેપને લીધે યાત્રા ખુબ ખુબ સુંદર રહી.વિશેષ આનંદ ની વાત એ કે આ પાંચ જ્યોતિર્લિંગના દર્શન સાથે અમારી ( દિનેશ -રંજના ) ની બારેબાર જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ થઇ. ઈશ્વર કૃપા ,વડીલોના આશીર્વાદ અને સહુની શુભેચ્છાથી આ શક્ય બન્યું.અસ્તુ

દિનેશ લ.માંકડ.    ચલિત દુરભાષ 9427960979                                       

Thursday, February 16, 2023

મડઇ મુંજી મીઠી મીઠી

 

 

                                            મડઇ  મુંજી મીઠી મીઠી --દિનેશ લ. માંકડ



        આજે તમારો 443 મોં જન્મદિવસ છે.( સામાન્ય રીતે લોકો માં, માસી ને એક નામે બોલાવે પણ મને તે ક્યારેય ગમ્યુ નથી એટલે તમને બહુવચનમાં  સંબોધીશું ) .મારાં મૂલ્યવાન 27 વર્ષ  આપના ખોળે વીત્યાં .ફૂલ્યો ,ફાલ્યો ને પાંગર્યો.મારા જેવી અનુભૂતિ ખુબ ઘણા ની હશે કારણકે તમારી ભૂમિમાં જ એવું તત્ત્વ છે એ અનન્ય છે.

           આજે વાત કરવી છે ,આપની ભવ્ય જાહોજલાલીની.બીજા અનેક પણ કહેશે પણ થોડું મારી કલમે.આપને આંગણે 84 બંદરના વાવટા ફરકતા એવું ખુબ ઘણી જગ્યાએ વાંચ્યું પણ છે ને વડીલોના મોંએ પ્રત્યક્ષ જોવાનું સાંભળ્યું પણ છે. આજે પણ બંદર પરના કેટલાક અવશેષ તેની સાક્ષી પણ પુરે છે.

            આપની ભાતીગળ ભોમકા એ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા આપ્યા 


.વિશ્વ વિખ્યાત વનસ્પતિ શાસ્ત્રી જયકૃષ્ણ ઇનદરજી અને ભારતીય સંસદ ને ગજાવનાર પ્રખર અર્થશાત્રી પ્રો.કે.ટી.શાહ ( ખુશાલ તલકસી શાહ ) આપ્યા. ભારતીય રિઝર્વ બેન્કને ઉત્તમ ડેપ્યુટી ગવર્નર પ્રો.જે.જે. અંજારિયા પણ આપ્યા.પોર્ટુગીઝ ને કાયદો બદલવા મજબુર કરનાર જેઠીબાઈ જેવી  બહાદુર દીકરી આપી.સિદ્ધ શિક્ષણશાસ્ત્રી આચાર્ય નાનાલાલ વોરા,કવિ સુકાની ને ધરતીથી જોડાયેલા   સિદ્ધહસ્ત લેખક ડો.જયંત ખત્રી આપ્યા. ખીમજી રામદાસ ,ગોકુલદાસ તેજપાલ જેવા તો અગણિત શ્રેષ્ઠીઓ પણ તમે જ આપ્યા છે ને ?

               કોઈપણ ક્ષેત્ર હોય આપના સંતાનો હંમેશ આગળ હોય .અહીં લખેલા નામો તો હોઠે ચડ્યાં તેટલાં પણ એથી એ અનેક અનેક નામો છે એ પણ એટલાં પ્રભાવશાળી છે જ.માંડવીમાં જન્મેલ કે રહેલ પ્રત્યેક ને આપના અદકેરાં સંતાન હોવાનું ગૌરવ છે જ.એક સમયે સમગ્ર કચ્છ પ્રદેશમાં શિક્ષણ ક્ષેત્રમાં તમારું જ નામ હંમેશ પ્રથમ રહેતું.એ વાત કેમ વિસરાય ? જગતનો નિયમ છે કાળ ક્રમે બધું બદલાય તેમ હવે બધું બદલાયું.પણ આજના દિવસે એક જ પ્રાર્થના ફરીને તમને એ જ જાહોજલાલી પ્રાપ્ત થાય .જય માંડવી ,જય જય માંડવી

તારીખ 16/02/2023

દિનેશ લ. માંકડ

ચલિત દુરભાષ 9427960979

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

Saturday, January 28, 2023

યાત્રા 34 -યાત્રામાં યાત્રા - યાત્રા- વૈષ્ણવીદેવી ,અમૃતસર દિનેશ લ.માંકડ

 

                            યાત્રા 34  -યાત્રામાં યાત્રા --      યાત્રા- વૈષ્ણવીદેવી ,અમૃતસર        દિનેશ લ.માંકડ

            જય માતાજી, અમારી જગન્નાથપુરી યાત્રા વખતે જ શ્રી અજયભાઈએ માતા વૈષ્ણવીદેવીના જાન્યુઆરી 2023 ના સંઘની વાત કરેલી.અને અમે પણ એ જ વખતે સહર્ષ એ વાત વધાવીને નક્કી જ કરી લીધું કે આ વખતે સંઘ સાથે જવું જ છે.ઘરમાં વાત થઇ.સહુને સૂઝ્યું કે ભરતભાઈ અને કલ્પનાબહેન ( ગ્રીવાના મમ્મી પપ્પા -વેવાઈ ) નું પણ વૈષ્ણવીદેવી જવાનું બાકી જ છે.તેમને ફોનથી વાત કરી.જાન્યુઆરીમાં જવાનું હોય એટલે શરીર સ્વાસ્થ્ય વગેરેનો પણ વિચાર કરવો પડે.પણ માતાજીનો હુકમ હોય તો પ્રેરણા થાય જ.અને ભરતભાઇની મજબૂત આત્મશ્રદ્ધાએ નિર્ણય લેવાઈ ગયો.અમારાં ચારેય જણ ( હું -દિનેશ,રંજના ,ભરતભાઈ અને કલ્પના બહેન ) ના નામ નોંધાવાઇ ગયાં.

            શ્રી અજયભાઇ મોદીની  ટ્રાવેલ કંપની વર્ષ દરમિયાન દેશ વિદેશના અનેક પ્રવાસ આયોજન કરે છે પણ એમની માતા વૈષ્ણવીદેવીમાં અતૂટ શ્રદ્ધા છે એટલે 34 વર્ષથી દર જાન્યુઆરી માસમાં વૈષ્ણવીદેવી સંઘ લઇ જાય.જે બિલકુલ નહિ નફો નહિ નુકસાન આધારિત હોય.ગુણવતા,ઉત્તમ વ્યવસ્થા અને પ્રામાણિકતા માટે ચોક્કસ એમના આયોજનવાળા પ્રવાસનો આનંદ લેવાય જ.

           અમારી પણ 3 જી જાન્યુઆરી 2023 ના રોજ ના પ્રસ્થાન થનાર સંઘમાં જોડાવા રેલવેની 2 nd AC ની અમદાવાદ -કટરા ની ટિકિટો બુક થઇ ગઈ.મીનાબહેને , રંજનાનું ધ્યાન દોર્યું , '.તમારું અમૃતસર ,સુવર્ણ મંદિર અને વાઘા બોર્ડર બાકી છે તો વળતાં તેને જોડી દો '-અને પછી તો એ ટિકિટો અને હોટેલ પણ બુક થઇ ગયાં. દર વર્ષ કરતાં આ વર્ષે ઠંડી વધુ હોતાં ગરમ કપડાં સહિતની ખરીદી અને પેકીંગ શરૂ થઈ ગયાં. દિવસો નજીક આવતા ગયા.અજયભાઈની એક કસોટી આવી.મીનાબહેનમાં માતુશ્રી નું સંઘના ઉપાડવાના પાંચ જ દિવસ પહેલાં નિધન થયું.આઘાત સહુને લાગ્યો પણ વ્યવહારુ અજયભાઇ કહે ,'અમારું દુઃખ છે પણ સંઘ યાત્રીઓ શો વાંક?'  મન કઠણ કરી પોતે જોડાઈ ગયા.કાર્યરત થઇ ગયા.એક અઠવાડિયાં પહેલાથી જ પુત્ર આલાપભાઈ અને કાચા માલનો સમાન અને થોડા સહાયકો વ્યવસ્થાના ભાગ રૂપે પહોંચી ગયા હતા..

          આખરે 3 જી જાન્યુઆરી 2023 નો દિવસ આવી પહોંચ્યો.બપોરે 2.30 વાગ્યે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 206 સંઘયત્રીઓ અને અનેક સ્વયંસેવકો સાથે 'જય માતાદી' ના જયઘોષ સાથે સંઘનું પ્રસ્થાન થયું. ટ્રેનમાં મોટાં સ્પીકર સાથે રાત્રે અને સવારે જય આદ્યશક્તિ અને માતા વૈષ્ણવીદેવી આરતીએ પ્રવાસમાં આનંદ જગાવ્યો.અજયભાઈની સાથે સ્વયંસેવક ટીમના મુખ્ય સુત્રધારો ભરતભાઈ શુક્લ ,કમલભાઈ શાહ ,નીરવભાઈ શાહ ,પરેશભાઈ ગાંધી બધા યાત્રીઓની સતત ખબરઅંતર પૂછતાં રહેતા.તારીખ 4 થી જાન્યુઆરી મોડી સાંજે  કટરા આગમન થયું. જમ્મુ કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના ત્રિકુટ પર્વતમાળાની તળેટીમાં આવેલું આ નાનું નગર માતા વૈષ્ણવીદેવીના તીર્થ ધામને લીધે પ્રચલિત થયું છે.

           સંઘના યાત્રીઓને અલગ અલગ સારી હોટેલ્સમાં ગોઠવેલા.ઉત્તમ આયોજનના ભાગરૂપે અમદાવદમાં જયારે સંઘના ઓળખપત્ર આપ્યા. ત્યારે જ તેમાં હોટેલ નામ અને રૂમ નંબર આપેલા હતાં .ભરપૂર અને વૈવિધ્ય સભર નાસ્તા પેકેટ્સ  પણ ખરાં. રેલવે સ્ટેશનથી અમે અમે ચાર જણા હોટેલ કાંતા ઇન્ટરનેશનલમાં રૂમ 207 અને 208 માં પહોંકયાં.ફ્રેશ થયાં.રાત્રે હોટેલના બેઝમેન્ટમાં સંઘ માટેના રસોડાંમાં મગ્ ના શીરા સાથેની ગરમાગરમ ફૂલ ડીશ તૈયાર હતી. રાત્રે ભવ્ય આરતી અને માતા વૈષ્ણવીદેવી -ભવનમાં જવાની કેટલીક આવશ્યક સૂચનાઓ અપાઈ

            . યાત્રા દિવસ 1 - તારીખ -5 મી જાન્યુઆરી મંગળ પ્રભાત ખીલ્યું. 4.30 વાગ્યે જ ઉઠી ગયાં.પૃથ્વીના અમૃત સૌ પીણું એટલે ચા. ઘેરથી ખાસ ખરીદીને લાવેલી વીજાણુ કીટલીમાં વાઘબકરી ઇન્સ્ટન્ટ સુઠવાળી ચા તૈયાર .ભરતભાઈ કલ્પના બહેન ને બોલાવો ,જમાવટ કરી.પછી તો આ ક્રમ રોજનો રહ્યો. રસોડાંમાંથી સવારના છ વાગ્યાથી નાસ્તાની મઘમઘતી સુગંધ શરુ થઇ ગઈ હતી.સહુએ તેને  ભરપૂર ન્યાય આપી, ધજા પૂજન અને આરતી કરીને યાત્રા પ્રયાણ કરવાનું હતું. .સહુએ પોતપોતાની રીતે 14 કી.મી. ઉપર આવેલ ભવનમાં જવાનું હતું. અગાઉ ગુલશન કુમારની શ્રદ્ધાથી સારું વિસ્તરણ થયેલું પછી ત્યાંનું 'સાઈન બોર્ડ ' ખુબ વ્યવસ્થિત,આયોજન સેવા આપે છે.ચડવા માટે ખુબ સારા અને સરળ રસ્તા,માર્ગમાં વાજબી દરના ભોજનાલય, ધર્મશાળાઓ ,શૌચાલયની પૂરતી સુવિધા છે.પગપાળા પણ જવાય .ઘોડા અને પાલખીનો, હેલીકૉપટર ( હવામાન યોગ્ય હોય તો જ )પણ વિકલ્પ છે.પાલખીના જવાના રૂ 3150 ( હાલના દરે) છે.નિશ્ચિત ભાવ,ઉઠાવનાર ચાર ભાઈનો નામ ,બેજ નંબર સાથે જ પહોંચ મળે.'યાત્રા પર્ચી' આવશ્યક છે. જે અગાઉથી ઓનલાઇન પણ કઢાવી શકાય અને નહિ તો તેને માટે ત્યાં લાઈન હોય છે.શરૂઆત બાણ ગંગા થી થાય છે. પૌરાણિક કથા અનુસાર માતા વૈષ્ણવીદેવીને અહીં શ્રી હનુમાનજી નો ભેંટો થયો અને માતા એ તેમને અહીં રહેવા આદેશ કર્યો.પણ આ વિસ્તારમાં પાણી ઉપલબ્ધ ન હોઈ  માતાએ પોતાની ભેંટમાંથી એક બાણ કાઢી ધરતી પર છોડ્યું ને ગંગા પ્રગટ થઇ .તેથી આ વિસ્તાર બાણગંગા નામે પ્રચલિત છે.



            ઓનલાઇન કઢાવેલી પર્ચી બતાવીને  ટેગ  લઇ ગળાંમાં પહેરી લીધાં .અમે ચારેય જણ અલગ અલગ પાલખીમાં વિરાજમાન થયાં અને અમારી યાત્રાનો આશરે નવ વાગ્યે પ્રારંભ થયો.સાઈનબોર્ડ દ્વારા માગંમાં ગોઠવેલાં સ્પીકર્સમાં ચંડીપાઠ, માતાજીના સ્તોત્ર અને ભજનો સતત વાગતાં હોય એટલે વાતાવરણની સુગંધ જામતી જાય.સામે મળતા પદયાત્રીઓ ના જયઘોષ વાતાવરણને વધુ મંગલમય બનાવે .પાલખીવાળા થોડી થોડી વાર વિસામો પણ લે. આશરે ચાર કલાક પછી અમે ભવનના દ્વાર નજીક પહોંચ્યાં.



            નિઃશુલ્ક  લોકર અને જૂતાઘરની ખુબ સારી સુવિધા છે.મંદિરમાં કશુંજ લઇ જવા દેવામાં આવતું નથી.પગરખાં ઉતારી અહીંથી આશરે 300 મીટર ચાલવાનું છે.અજયભાઇ જેનું નામ.અગાઉથી રબરના શોલ આપી રાખેલાં અને સૂચના આપી રાખેલી કે,’ પગરખાં ઉતારો ત્યારે વપરાશી સાદા મોજાની અંદર જ આ શોલ પગના તળિયાને ઢાંકે તેમ ગોઠવી દેવાં’ .ખુબ ઠંડી જમીન અને ક્યાંક પાણી વચ્ચે આ અદભુત પ્રયોગ અદભુત રીતે સફળ હતો .( મારુ ચાલે તો અજયભાઈને નોબેલ કપદ્મશ્રીપુરસ્કાર અપાવું )

          આખરે ભવનમાં પ્રવેશ કર્યો.ભવ્ય દર્શન થયાં મુખ્ય ગુફામાં બહારથી પ્રવેશ નથી પણ પાછળથી ટનલ બનાવી છે,તેમાંથી  જવાય છે.ત્યાં મહાકાળી ,મહા સરસ્વતી અને મહાલક્ષ્મી સ્વરૂપ  પિંડ સ્વરૂપ માતાજીના દર્શન થયાં  પૌરાણિક માહિતી અનુસાર ત્રેતાયુગથી અહીં 108 શક્તિપીઠમાંની એક આ શક્તિપીઠ છે.માં દુર્ગાનું સ્વરૂપ છે.5200 ફીટની ઊંચાઈ પર આવેલુ  આ મંદિર ઉત્તરભારતનું મોટું આસ્થા કેન્દ્ર છે.ભૈરવને તેની ભૂલ અટકાવવા માટે માતાજીએ પૂરો પાઠ ભણાવ્યો.ભૈરવે પ્રાયશ્ચિત્ત કરી ક્ષમા માંગી એટલે માતાએ વરદાન આપ્યું કે ' કોઈપણ ભક્તના,  ભૈરવ દર્શન પછી જ, મારા દર્શન પૂર્ણ થશે.' પહાડોમાં ત્રણ કિલોમીટર ઉપર ભૈરવ જવા માટે ઘોડા ,પાલખી અને રોપવેનો પણ વિકલ્પ છે અમે રોપવેમાં ગયા.45 લોકો એક સાથે ઉભી શકે એવી કેબીનને ભૈરવ પહોંચતા માત્ર સાતેક મિનિટ જ થાય છે.ભૈરવના દર્શન કર્યાં .ઉપરથી કટરા શહેરનો નજારો જોવો પણ એક લ્હાવો છે. ફરી રોપવેમાં નીચે અને એ જ  પાલખીમાં પરત નીચે.હોટેલ પહોંચતા લગભગ આઠેક વાગ્યા.સ્વાદિષ્ટ અવનવી વાનગીઓ અને સોડમ ભર્યું ભોજન અમારી રાહ જોતું હતું.

      યાત્રા દિવસ 2  તારીખ 06 જાન્યુઆરી. આજે 85 કી.મી. દૂર પટની ટોપ ( મીની કાશ્મીર) જવાનું હતું.વહેલી સવારે મસ્તમજાનો નાસ્તો પતાવી બસમાં બેઠાં.આશરે બે કલાકના પ્રાકૃત્તિક પ્રવાસ પછી ત્યાં પહોંચ્યા.છોલે પુરી અને ગુલાબજાંબુ તો અમારા પહેલાજ ત્યાં પહોંચી જ ગયા હતા.રામબાણ શહેર અને ઉધમપુરની વચ્ચે આવેલાં આ રમણીય સ્થળમાં વિશાલ બગીચો,નાગ મંદિર શ્યામાપ્રસાદ મુખર્જી ટનલ મુખ્ય આકર્ષક સ્થળો છે.દેશનો સહુથી ઊંચો અને લાંબો 'ગંડોલા 'રોપવે પણ 2020 તૈયાર થયો છે.પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીં તો આજે બરફ છે જ નહિ ! અજયભાઈએ બે વિકલ્પ આપ્યા .અહીં રોકાય તે ઉપરોક્ત શક્ય સ્થળોએ જાય બાકીના બીજા 14 કી.મી.આગળ જ્યાં બરફ છે જ ત્યાં ' નાથા ટોપ ' આવે.અમે નાથા ટોપ જવાનો નિર્ણય કર્યો.દરિયાની સપાટીથી 2024 મીટર ઉપર આવેલ નાથા ટોપમાં પૂરતો બરફ હતો.


મોટાં સ્પીકર્સ સાથે હતાં ગરબા અને રાષ્ટ્રઘ્વજ સાથે દેશભક્તિ ગીતો ની રમઝટ ખુબ જામી.જેમને અનુકૂળ હતું તેમણે સ્લેજ રાઇડિંગ વગેરે પણ કર્યાં .ત્યાંના CEO ( ઉચ્ચ અધિકારી ) પસાર થયા.તેમણે ગુજરાતી ગરબા માણ્યા.અજયભાઈએ ,તેમને ,અહીં પ્રવસીઓને પડતી મુશ્ક્લીઓની રજૂઆત કરી.કેટલાક અસરકારક સૂચનો પણ કર્યાં. સાંજ પડવા આવી હતી.ફરી પટની ટોપ આવ્યાં શક્તિવર્ધક ખજૂરવાળું ગરમ દૂધ પી ને પરત પ્રવાસ માટે બસમાં બેઠા..હોટેલ પર તૈયાર અવનવી વાનગીની સુગંધ તો દૂર દૂરથી આવતી હતી.પહોંચ્યા ને સહુ તૂટી પડયા તેના પર

         દિવસ -3  તારીખ 07 જાન્યુઆરીના સૂર્યોદયના  પ્રથમ કિરણનું દર્શન થયું ત્યાંતો સવારના નાસ્તાની હાકલ આવી.આજે શિવખોડી ગુફા માટે જવાનું હતું.  કટરાથી 85 કી.મી.દર પૌની શહેર નજીક આવેલી આ ગુફા પાસે પહોંચવા સહુ બસમાં ગોઠવાયા .ત્રણેક કલાકનો પહાડી રસ્તો કાપવાનો હતો.તળેટીમાંથી ગુફામાં જવા માટે ત્રણ કિલોમીટર પગપાળા પણ જવાય .અમે ઘોડો પસંદ કર્યો.કલ્પનાબહેન પાલખીમાં આવ્યા. અગાઉ તો આ ગુફામાં પ્રવેશવા માટે માત્ર એક દોઢ ફિટના બાકોરાં માંથી પસાર થવું પડતું.એ પણ એક લહાવો છે. હવે અન્ય જગ્યાથી સરળતાથી અંદર પ્રવેશ શક્ય છે.200 મીટર લાંબી અને બે થી ત્રણ મીટર પહોળી અને ઊંચી ગફામાં ભગવાન શિવ વિરાજમાન છે  જેના પર છતમાંથી વર્ષોથી સતત દૂધ મિશ્રિત જલાભિષેક થતો રહે છે.


ગુફા વિષે કોઈ પ્રમાણભૂત ઇતિહાસ નથી પણ હજારો વર્ષ પહેલાં રાજા સાલવાહનને અહીં ભગવાન શિવના દર્શન થયાં હતાં.ગુફાની વિશેષ વાતએ છે કે ગુફાની અંદરની દીવાલો પર ગણેશજી ,માતા પાર્વતીથી માડીને અનેક દેવી દેવતાઓની કુદરતે કંડારેલી પ્રતિમાઓ જોવા મળે છે.જોતી વખતે સંશયને બદલે શ્રદ્ધાને આંખમાં રાખીએ તો ચોક્કસ કુદરતને નમન કરવાનું મન થાય.દર્શન કરી પરત ફર્યા ત્યારે બસ વિરામસ્થાન પર શુદ્ધ કાઠિયાવાડી ભોજનનો પાટલો ગોઠવાઈ ગયેલો. બજાર લટાર અને ડ્રાયફ્રુટ ખરીદી કરી સામાનના વજનમાં વધારો કર્યો. મોડી  સાંજે હોટેલ પર પહોંચ્યાં .

        રાત્રિભોજન પછી સહુ વિખુટા પડવાના વિષાદમાં પડી ગયાં હતાં .આજે અહીં સંઘની યાત્રા પૂર્ણ થતી હતી.અજયભાઇએ પોતાની આખી સ્વયંસેવક ટિમને બોલાવી ને  સાચા ર્હદયથી અને ભાવપુર્ણ શબ્દોથી બિરદાવી. ઓળખપત્ર જમા કરાવતી વખતે વળતી મુસાફરીમાં ઉપયોગી થાય તેવો  ભરપૂર નાસ્તો પણ સહુને વિતરણ થયો.થાક શબ્દને અજયભાઇ ઘેર કબાટમાં મૂકીને આવે છે.છેક રાત્રી સુધી સહુને વ્યક્તિગત મળતા રહ્યા.બીજા દિવસે સવારે ચેકઆઉટ હતું.સંઘ યાત્રીઓ અમદાવાદ પ્રયાણ કરવાના હતા અને અમે અમૃતસરની દિશામાં. 

           દિવસ 4 -તારીખ 9 મી જાન્યુઆરી.અમારી સીધા અમૃતસર જવાની  ટ્રેન સવારના સમયે ન હોવાથી સમય બચાવવા માટે અમારી સવારની એક ટ્રેનમાં ટિકિટ પઠાનકોટ સુધીની કઢાવી હતી.આઠેક વાગ્યે ઉપડીને એકાદ વાગ્યે પઠાનકોટ પહોંચ્યાં.અગાઉથી બુક કરેલી અર્ટિગા હાજર હતી.ગોઠવાઈ ગયા.સાથે શ્રી કમલભાઈ શાહના વેવાઈ જગદીશભાઈ વ્યાસ અને તેમના ધર્મપત્ની પણ હતાં.

           અમારું પ્રયાણ સીધું વાઘા બોર્ડર તરફ હતું. લગભગ ત્રણ કલાકની મુસાફરી પછી ભારત -પાકિસ્તાન સરહદ -વાઘા બોર્ડર પહોંચ્યા. ભારતના અમૃતસરથી 32 કી.મી દૂર અને પાકિસ્તાનના લાહોરથી 24 કી.મી દૂર વાઘા બોર્ડર આવેલી છે..1947 માં ભાગલા વખતે મોટાભાગના શરણાર્થીઓ અહીંથી આવેલા.અહીં અમૃતસર -લાહોર વચ્ચેનો ઐતિહાસિક ગ્રાન્ડ ટ્રન્ક રોડ આવેલો છે. દેશના નાગરિકોમાં દેશભક્તિનો જુવાળ કાયમ વધતો રહે તે હેતુથી  અહીં 1986 થી ભારત પાકિસ્તાન શાંતિ કરાર અનુસાર દરરોજ સાંજે વાઘા બોર્ડર સેરેમની ઉજવાય છે.


બંને બાજુથી સૈનિકો માર્ચ પાસ્ટ કરતા આવે.બોર્ડર પર પરસ્પર  સામે સામે કેટલીક અંગ કસરત દાવ કરે. ચારેબાજુ પદ્ધતિસર બાંધેલી વિશાલ ગેલેરીમાં નાગરિકો -પ્રેક્ષકો ગોઠવાયેલા હોય.' ભારતમાતા કી જય' ',વંદે  માતરમ 'ના ખુબ બુલંદ અવાજે જય ઘોષ સતત થતા રહે. પૂર્વ વડાપ્રધાન અટલજીએ આ રસ્તે બસ સેવા પણ શરુ કરેલી પણ પાકિસ્તાનની આડોડાઈને લીધે તે બંધ થઇ.2017 ભારત સરકારે 400 મીટર ઉંચો સ્થંભ બનાવી તેના પર આપણો પ્યારો તિરંગો ફરકાવેલો છે જે જોજન દૂરથી દેખાય છે.અહીં મ્યુઝિયમ પણ છે ( ખુબ મોડું થયેલું એટલે અમે  તે જોવાનું ટાળ્યું.) સૈનિકોને નમન કરી અને પાર્કિંગમાં વાટ જોતી અમારી અર્ટિગામાં બેસી ગયા. અમૃતસરની હોટેલ The Tree House માં પહોંચી ગયા.

           અમૃતસરનું સુવર્ણ મંદિર વિશ્વની એક અજાયબી સમાન છે .અને તે રાત્રે જોવું એક વિશેષ લહાવો છે.એટલે અમે થાક અને ટાઢ ભૂલી તે તરફ પ્રયાણ કરી દીધું. સુવર્ણ મંદિર હરમીનદર સાહિબ કે દરબાર સાહિબ તરીકે પણ ઓળખાય છે.શીખ સંપ્રદાયના ચોથા ગુરુ રામદાસે 1577 થી 1604 માં તે બનાવરાવ્યું.ગુરુ અર્જુન સિંહ દ્વારા તેમાં આદિ ગ્રંથની નકલ મુકવા આવી.મોગલ અને અફઘાન હુમલાઓ પછી ફરી રાજા રણજીત સિંહ અને હૈદરાબાદના શીખ રાજા એ 1809 માં જીર્ણોદ્ધાર કરાવ્યો.અને 1830માં તેને સોનાના પતરાથી મઢીને સુવર્ણ મંદિરનો અપાયો. ખુબ મોટા હોજની વચ્ચે સોને મઢેલું આ ભવ્ય મંદિર ખરેખર અદભુત છે.


ચારે બાજુ ગોઠવાયેલ સ્પીકર્સમાં live શબદ કીર્તન સાંભળતાં રહે.ખુબ પવિત્ર વાતાવરણ ઉભું થાય.પગરખાં,સામાન વગેરે સાચવવાની ઉત્તમ વ્યવસ્થા.મોબાઈલ સાથે લઇ જવાની છૂટ.દરેક જગ્યાએ સ્વયંસેવકો -નિષ્ઠાપૂર્વક કારસેવા કરવાની હોંશ.મંદિર ( ગુરુદ્વારા ) માં જવા પહેલાનું પગ ધોવાનું પાણી પણ ગરમ ! મુખ્ય મંદિરમાં ગુરુ ગ્રંથસાહેબ વિરાજમાન .તેમની સામે વાદ્યો સાથે શબદ કીર્તન ચાલુ. ભીડ હોય પણ શિસ્તબદ્ધ લઈને કારણે ઝડપી અને સરસ દર્શનનો લાભ મળ્યો. રાત્રે હોટેલ પરત.

          દિવસ 5- તારીખ 10 મી જાન્યુઆરી. અમૃતસરની અમૃતમય સવાર ધુમ્મસ સભર હતી.ટ્રેન સાંજની હોઈ હળવાશ હતી.તાજામાજા થઇ  જલીયાંવાલા બાગ સ્મૃતિસ્થળ તરફ ગયા.13 મી એપ્રિલ 1919 ના રોજ અંગ્રેજોએ લાદેલા કાળા કાયદા -રોલેટ  એક્ટનો વિરોધ કરવા જાલીયાવાલા બાગ ખાતે હજારો લોકો એકઠા હતા.એ વખતે ક્રૂર બ્રિગેડિયર જનરલ ડાયર લશ્કરની ટુકડી લાવ્યો.બાગનું મુખ્ય પ્રવેશદ્વાર સૈનિકો વડે બંધ કરી દીધું અંદર ચારે બાજુ ગોઠવાયેલા સૈનિકોને અને ગોળી છોડવાનો હુકમ કરી દીધો..જીવ બચાવવા માટે નાસભાગ કરતા નિર્દોષ લોકોમાંથી કેટલાય તો વચ્ચેના કુવામાં પણ કુદ્યા.આશરે 1500 લોકોની હત્યા થઇ અને સેંકડો લોકો ઘાયલ થયા. શ્રી રવીન્દ્રનાથ ટાગોરે પોતાને મળેલ 'નાઇટહૂડ ' ખિતાબ તરત પરત કર્યો.બ્રિટિશ સરકારની સંસદે ડાયરના આ જઘન્ય કૃત્ય માટે ખેદ વ્યક્ત કરતો ઠરાવ 247 વિરુદ્ધ 37 મતથી પસાર કર્યો.


          સ્થળના પ્રવેશદ્વારમાં જ જીવ બચાવવા નિર્દોષ લોકો ,બાળકો,મહિલાઓની પ્રતિકૃતિઓ મૂકી છે.2021માં થોડા પુનરોદ્ધાર પછી સ્થળ પર ચાર ગેલેરીઓમાં ક્રૂરતાના અનેક પુરાવા સ્વરૂપ ફોટોગ્રાફ્સ ,વર્તમાનપત્રો અને અનેક મહાનુભાવોના અભિપ્રાય મુકાયા છે.કેટલાક  મૂર્ખ,બુદ્ધિવિહીન અને પાશવી લોકોએ ડાયરના કૃત્યને યોગ્ય ઠેરવ્યું છે ,એ પણ વિગતો ત્યાં છે. દરેક ગેલેરીમાં અલગ અલગ નાની ડોક્યુમેન્ટરી દ્વારા  પ્રસંગનો આબેહૂબ ચિતાર પણ વ્યક્ત થયો છે. સ્મૃતિ સ્થળમાં જીવ બચાવવા લોકોએ ઝંપલાવ્યું હતું તે કૂવો ,


અનેક દીવાલો પર ગોળીના નિશાન સચવાયાં છે.શ્રદ્ધાંજલિ રૂપ અખંડ જ્યોત અને સ્મૃતિસ્થભ તૈયાર કરાયા છે.ભારતમાં એક માત્ર આ સ્થળ છે જે ગમગીનીથી જોવું પડે. બાજુમાં આવેલું પાર્ટીશન મ્યુઝિયમ તે દિવસે બંધ હતું.જોઈને જીવ બાળવાનો બચ્યો.

        અમૃતસરની મુલાકાત ગરમ કપડાંની ખરીદી વગર અધૂરી ગણાય. સારો રિક્ષાવાળો મળ્યો એટલે  Osval ના ફેક્ટરી આઉટલેટમાં લઇ ગયો.થોડી ખરીદી કરીને ફરી સુવર્ણમંદિરનો દિવસ નજારો જોવા પહોંચ્યાં.રાઉન્ડ મારી લંગરનો લાભ લીધો.આયોજનની અદભુત વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી છે. 500 થી વધુ લોકો પંગતમાં બેસીને દસ મિનિટમાં સંતોષથી જમી લે.પૈડાંવાળા મોટા જગ પાણી પણ પીરસે .સહુ જમી લે એટલે બીજો જગ પોતું કરી જાય.સ્વયંસેવકોની કતાર વીજળી ગતિએ સેવા આપે.દાળભાત રોટલી અને ગોળની શીરા જેવી વાનગી પીરસાઈ. બહાર નીકળી ને હોટેલ તરફ પ્રયાણ.શહેરમાં ટ્રાફિક ખુબ હતો.સમયસર રીક્ષા પકડી રેલવે સ્ટેશન પહોંચવું પડે. અમૃતસરથી વળતાં સાંજે સાત વાગ્યાની ટ્રેન વડોદરા સુધીની હતી.ધીમી ગતિએ શરુ થયેલી ટ્રેન વધુને વધુ મોડી થતી ગઈ.11 મી એ સાંજે છ વાગ્યે વડોદરા પહોંચવાની ટ્રેન, રાત્રે બે વાગ્યે વડોદરા પહોંચી.સમયસરની જાગૃતિથી દાહોદ આવ્યું ત્યારે જ ટ્રેનમાં બેઠા બેઠા અમદાવાદ માટે ટેક્ષી બુક કરાવી લીધી.સવારે ચાર વાગ્યે અમદાવાદ ઘેર પહોંચ્યાં પ્રવાસ વગર વિઘ્ને અને સુખરૂપ પૂર્ણ થયો.,તેનો આનંદ અને સંતોષ હતાં.

         સમગ્ર પ્રવાસમાં અજયભાઇ અને ટીમના આયોજન અને સહકાર ખુબ ઉત્તમ.શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન એ મન અને શરીરને પ્રફુલ્લિત રાખ્યાં.શ્રી ભરતભાઈ અને કલ્પનાબેન સાથે જોડાયાં એટલે તેમના સંગાથથી સોનામાં સુગંધ ભળી.હવામાન ખાતાંની અવનવી આગાહીઓ વચ્ચે કુદરતમાતા અને ઈશ્વરે ભર ઠંડી વચ્ચે અમારી યાત્રાને ખુબ સુગમ બનાવી એટલે એમનો પાડ માનીએ એટલો ઓછો. જય માતાજી.