Readers

Thursday, November 2, 2023

ઉપનિષદો મા શિક્ષણ વિભાવના -લેખાંક -19- શબ્દનો સુઘોષ -સામગાન



 ઉપનિષદો મા શિક્ષણ વિભાવના -લેખાંક -19

 

19.  શબ્દનો સુઘોષ -સામગાન

            જીવન સંગીત છે.એમાં જેટલા  સૂર હૃદયંગમ નીકળે એટલું જીવન આનંદમય..એમાંય જો આ સંગીત યોગ્ય સૂરમય હોય -પદ્ધતિસર હોય અને તેની સાધના પણ અંતઃકરણથી હોય તો તો સાક્ષાત પરબ્રહ્મ સુધી પહોંચી જવાય. પ્રાચીન ભારત પાસે આ હતું અને  આજે પણ છે.વેદકાલીન 'સામગાન ' તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. ઋગ્વેદમાં સંયોજાયેલું સંયોજન એટલે સામગાન.સામગાનનો મૂળ હેતુ સામવેદના ગાનનો છે.પણ એની રચનામાં એટલું તો આધ્યાત્મિક પ્રભુત્વ છે જે વિશ્વ સંગીતને પ્રભાવિત કરે છે.

            મહર્ષિ પતંજલિના મતેતો ‘સામ’ની હજારો શાખાઓ છે  सहस्रवर्त्म समवेदः જે પાઠકને આધ્યાત્મિકતાને ચરમસીમાએ પહોંચાડે છે.પણ વિદ્વાનોના મતે કાલાન્તરે  હવે માત્ર ત્રણ શાખાઓ પ્રચલિત છે. 1. Rān#aneeya राणानीय 2. Kouthumeeya कौथ्हुमीय 3. Jaimineeya जैमिनीय. આપણે સહુ જાણીએ જ છીએ  કે સંગીતનો  મૂળ સ્ત્રોત જ સામગાન છે.કેટલાક કહેવાતા લોકોની ભ્રાંત માન્યતા છે કે ભારતીય સંગીતને સ્વરલિપિ હતી જ નહિ.અને તે પશ્ચિમના સંગીત પરથી આવી છે .હકીકતમાં હજારો વર્ષ પૂર્વ વૈદિક સામગાનની પોતાની વિશિષ્ટ સ્વરલિપિ હતી જ.જે વિશ્વની સૌથી પ્રાચીન સ્વરલિપિ છે. સામવેદના સસ્વર પાઠ માટે ઉદાત્ત,અનુદાત્ત અને સ્વરિત માટે વિશેષ ચિન્હોનો પ્રયોગ છે પરંતુ ઋષિગણ દ્વારા તો એટલે સામગાન માટે પુરી સ્વરલિપિ જ તૈયાર કરી છે.

           સામ ઉપાસના એ શ્રષ્ઠ છે એમ છાંદોગ્ય ઉપનિષદ આ મંત્રમાં કહે છે..समस्तस्य खलु साम्न उपासनꣳसाधुयत्खलुसाधुतत्सामेत्याचक्षते यदसाधु तदसामेति ॥ ' સંસારમાં જે કઈ શ્રેષ્ઠ છે એ સામ છે.' અહીં  શ્ર્રેષ્ઠ એટલે સાધુ  ભાવ એવો અર્થ ઉપનિષદે તારવ્યો છે. છાંદોગ્ય ઉપનિષદ  સામનું ઉચ્ચ મૂલ્ય દર્શાવવા માટે બીજા અધ્યાયના પ્રારંભમાં દર્શાવેલા મંત્રો જ કહી જાય છે.  तदुताप्याहुः साम्नैनमुपागादिति साधुनैनमुपागादित्येव

तदाहुरसाम्नैनमुपागादित्यसाधुनैनमुपगादित्येवतदाहुः ॥ ' જે કોઈ એમ કહે કે -હું ' સામ ' દ્વારા રાજા પાસે ગયો હતો - તો એનું તાત્પર્ય એ કે તે રાજા પાસે સાધુ  ભાવથી ગયો હતો.' अथोताप्याहुः साम नो बतेति यत्साधु भवति साधु बतेत्येवतदाहुरसाम नो बतेति यदसाधु भवत्यसाधु बतेत्येवतदाहुः ॥ ' અમોને સામ પ્રાપ્ત થાવ '- એવું કોઈ કહે તો એનું તાત્પર્ય અત્યંત શુભ ફળની પ્રાપ્તિ માટે કહેવામાં આવે છે.' પછીના મંત્રમાં ઉપનિષદ સ્પષ્ટ કહે છે,‘.આ રીતે જે ' શ્રષ્ઠ ' જાણીને સામની ઉપાસના કરે છે એને શ્રેષ્ઠ ધર્મની પ્રાપ્તિ જલદી થાય છે.અને ધાર્મિક સિદ્ધાંત એના પ્રત્યે અવનત ( તુરત ધારણ કરવા યોગ્ય )  થાય છે.’

           સામગાનનો સરળ ભાવાર્થ અને તેની પ્રાથમિક સમજ શ્રી સૌભાગ્યવર્ધન બૃહસ્પતિએ  તેમના પુસ્તક 'ઉત્તર ભારતીય સંગીતકે આર્ષઋષિ બૃહસ્પતિ-એક અધ્યયન’ માં જણાવ્યું છે કે ‘ઋચાઓના ગેય સ્વરૂપને સામ કહે છે .'સા' નો અર્થ છે ઋચા અને અમ એટલે સ્વર સમૂહ. ' સામ ' ત્રણ ઋચાઓનું ગેય સંયોજન હોય  કારણકે વૈદિક સામના ઉચ્ચારણ માટે તેના અંગો પ્રસ્તાવ,,ઉદગીથ, પ્રતિહાર,ઉપદ્રવ અને નિધન હોવાં આવશ્યક છે.પ્રસ્તાવ એટલે પ્રારંભ .હિન્કાર ધ્વનિ છે .દરેક પ્રસ્તાવના અક્ષરોની સંખ્યા ભિન્ન હોય છે.ઉદગીથ  એ સામગાનને ઉપાડવાનો ભાગ છે.પ્રતિહાર  એ મંત્રના બે ભાગને જોડવાનું કાર્ય કરે છે.પ્રતિહારના અવશિષ્ટ અંગને પ્રસ્તોતા ઉદઘાતા અને પ્રતિહર્તા સાથે મળીને સમાપન કરે છે .નિધનનો અર્થ સમાપ્ત એવો થાય

       છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણવ્યા અનુસાર ઉર્ધ્વ લોકોમાં પાંચ પ્રકારે સામની ઉપાસના કરવામાં આવે છે. लोकेषु पञ्चविधꣳसामोपासीतपृथिवीहिंकारः।अग्निः प्रस्तावोऽन्तरिक्षमुद्गीथ आदित्यः प्रतिहारो

द्यौर्निधनमित्यूर्ध्वेषु ॥ પૃથ્વી હિકાર છે,અગ્નિ પ્રસ્તાવ છે અંતરિક્ષ ઉદગીથ છે.આદિત્ય પ્રતિહાર છે અને દ્યુલોક નિધન છે.વળી અધોમુખ લોકોમાં પણ અન્ય રીતે પાંચ પ્રકારના સામની ઉપાસના કરવામાં આવે છે. अथावृत्तेषु द्यौर्हिंकार आदित्यःप्रस्तावोऽन्तरिक्षमुद्गीथोऽग्निः प्रतिहारः पृथिवनिधनम् ॥ 'પૃથ્વી હિકાર છે.અગ્નિ પ્રસ્તાવ છે અંતરિક્ષ ઉદગીથ છે.આદિત્ય પ્રતિહાર છે.અને દ્યુલોક નિધન છે.' પ્રથમ  પદ્ધતિમાં પૃથ્વીથી પ્રારંભ કરીને દ્યુલોકનું લક્ષ્ય છે તો દ્વિતીય પદ્ધતિમાં સ્વર્ગથી પૃથ્વીનું લક્ષ્ય છે.પછીના મંત્રમાં બંને પદ્ધતિની ફલશ્રુતિ બતાવી છે. कल्पन्ते हास्मै लोका ऊर्ध्वाश्चावृत्ताश्च य एतदेवंविद्वाꣳल्लोकेषुपञ्चविधंसामोपास्ते॥. 'આ રીતે જાણનારો જે પુરુષ પંચવિધ સામની ઉપાસના કરે છે એના માટે ઉર્ધ્વ,અધોલોકોનો ભોગ સહજ ઉપલબ્ધ થઇ જાય છે.’

          સામગાન તો પરબ્રહ્મ સુધી પહોંચવાની પગદંડી છે એટલે પ્રકૃત્તિથી અળગુ ન જ હોઈ શકે.પ્રકૃત્તિના તમામ તત્ત્વો સાથે સામગાન છે.મંત્રદૃષ્ટા હવે વૃષ્ટિમાં પાંચ પ્રકારના સામની ઉપાસના વર્ણવે છે. वृष्टौ पञ्चविधꣳसामोपासीतपुरोवातोहिंकारोमेघो जायते स प्रस्तावो वर्षति स उद्गीथो विद्योततेस्तनयति स प्रतिहार उद्गृह्णाति तन्निधनम् ॥ ‘પૂર્વીય વાયુ હિકાર છે.ઉત્પન્ન થનાર મેઘ પ્રસ્તાવ છે વરસનાર જળ ઉદગીથ છે.જે ચમકે છે તે પ્રતિહાર છે અને જે જળને ગ્રહણ કરે છે નિધન છે. આ પ્રમાણે પંચવિધ સામની ઉપાસના કરે છે એની ઈચ્છારૂપ વર્ષા થાય છે.એને જ વર્ષા કરાવવાનું શ્રેય મળે છે.’  वर्षति हास्मै वर्षयति ह य एतदेवं विद्वान्वृष्टौपञ्चविधꣳसा  એમાંય વૃષ્ટિના આગળના ગતિશીલ પ્રવાહ માટે પણ મંત્ર કહે છે ,'ગાઢ રીતે છવાયેલો  મેઘ હિકાર ,વરસતો પ્રસ્તાવ,પૂર્વ દિશાનો ઉદગીથ,પશ્ચિમનો પ્રતિહાર અને સમુદ્ર નિધન છે.'

      ઋતુની પંચવિધસામની ઉપાસના આ રીતે વર્ણવી છે.ऋतुषु पञ्चविधꣳसामोपासीतवसन्तोहिंकारः ग्रीष्मः  प्रस्तावो वर्षा उद्गीथः शरत्प्रतिहारोहेमन्तो निधनम् ॥ વસંત હિકાર,ગ્રીષ્મ પ્રસ્તાવ,વર્ષા ,શરદ પ્રતિહાર અને હેમંત નિધન છે. સૃષ્ટિના બધાં તત્ત્વોમાં સામ છે એટલે  પ્રાણી સૃષ્ટિ કેમ ભુલાય ? पशुषु पञ्चविधꣳसामोपासीताजा हिंकारोऽवयःप्रस्तावो गाव उद्गीथोऽश्वाः प्रतिहारःपुरुषो निधनम् ॥ ‘બકરી હિકાર ,ઘેટાં પ્રસ્તાવ,ગાયો ઉદગીથ,અશ્વ પ્રતિહાર અને પુરુષ નિધન છે.’ પ્રાણો ( ઇન્દ્રિય ) ના શ્રેષ્ઠતાના ક્રમથી સામની પંચવિધ ઉપાસના સૂચવી છે.प्राणेषु पञ्चविधं परोवरीयः सामोपासीत प्राणोहिंकारो वाक्प्रस्तावश्चक्षुरुद्गीथः श्रोत्रं प्रतिहारोमनो निधनं परोवरीयाꣳसिवाएतानि॥ ‘આ પ્રાણ હિકાર ,વાણી પ્રસ્તાવ,ચક્ષુ ઉદગીથ ,શ્રોત્ર પ્રતિહાર અને મન નિધન છે.’

       શાળામાં જેમ યોગ્યતા અનુસાર આગળના ધોરણમાં મોકલાય તેમ વિદ્યા પ્રાપ્તિમાં સાધકની ઉચ્ચતા વધે એટલે એના અભ્યાસની ટોચ પણ બદલાય.અત્યાર સુધી પંચ વિધ સામ ઉપાસના થઇ પણ જે સાધકની ગુણવતા -ક્ષમતા ઊંચી થઇ એમને થોડું વિશેષ કે કઠિન.હવે સપ્ત વિધ સામગાન ઉપાસના .अथ सप्तविधस्य वाचि सप्तविध्ꣳसामोपासीतयत्किंच वाचो हुमिति स हिंकारो यत्प्रेति स प्रस्तावोयदेति स आदिः॥ ‘વાણીમાં સપ્તવિધ સામની ઉપાસના કરે છે એ વાણીના સારતત્ત્વને જાણી લે છે -પ્રાપ્ત કરી લે છે.તથા પુષ્કળ પ્રમાણમાં અન્ન અને અન્ન પચાવવાનું સામર્થ્ય પણ મેળવી લે છે. ’दुग्धेऽस्मै वाग्दोहं यो वाचो दोहोऽन्नवानन्नादो भवतिय एतदेवं विद्वान्वाचि सप्तविधꣳसामोपास्ते॥

 

      આદિત્યની પણ ઉદયકાળથી અસ્ત સુધીના સ્વરૂપની સપ્તવિધ સામ ઉપાસના અહીં વર્ણવી છે.આદિત્યની ઉપાસનાનો પ્રભાવ વર્ણવા માટે તો પ્રત્યેક અક્ષરની ગણતરી સાથે સાંકેતિક  વાત કરી છે. आदिरिति द्व्यक्षरं प्रतिहार इति चतुरक्षरंतत इहैकं तत्समम्  ॥ બે અક્ષરના ' આદ' શબ્દમાં ચાર અક્ષરના 'પ્રતિહાર 'એક અક્ષર કાઢીને 'આદિ'માં જોડવાથી તે સરખા થઇ જાય છે.હિકાર,પ્રસ્તાવ,ઉદગીથ,ઉપદ્રવ ,પ્રતિહાર અને નિધન આમ વીસ અક્ષર અને એકવીસમો આદિત્ય  एकविꣳशत्यादित्यमाप्नोत्येकविꣳशोवाइतोऽसावादित्योद्वाविꣳशेनपरमादित्याज्जयतितन्नाकंतद्विशोकम्॥ એ રીતે આદિત્યની સામ ઉપાસનાથી સાધક આદિત્યલોકને પામે છે.य एतदेवं विद्वान्वाचि सप्तविधꣳसामोपास्ते॥

     ગુજરાત વિશ્વકોશમાં જણાવ્યા અનુસાર,’ભારતીય સંગીતશાસ્ત્રમાં ષડ્જ,ઋષભ,ગાંધાર,મધ્યમ,પંચમ,ધૈવત અને નિષાદ – એ સાત સ્વરો છે. એ જ રીતે સામગાનના સ્વરો કૃષ્ટ,પ્રથમ,દ્વિતીય,તૃતીય,ચતુર્થ,મંદ્ર અને અતિસ્વાર્ય – એ સાત સામવિધાન બ્રાહ્મણગ્રંથ મુજબ છે. સામવેદના શિક્ષાગ્રંથ નારદીય શિક્ષામાં તે સામ સ્વરોનો ક્રમ ઉપર જણાવેલા સામવિધાન બ્રાહ્મણગ્રંથના ક્રમથી જુદો છે. તેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, મંદ્ર, કૃષ્ટ અને અતિસ્વાર્ય એવો ક્રમ છે. વળી નારદીય શિક્ષા મુજબ સામગાનનો પ્રથમ સ્વર એ વેણુનો મધ્યમ સ્વર છે. સામસ્વરમાંનો દ્વિતીય સ્વર વેણુનો ગાન્ધાર સ્વર છે. સામસ્વરમાંનો તૃતીય સ્વર વેણુનો ઋષભ સ્વર છે. સામસ્વરનો ચતુર્થ સ્વર એ વેણુનો ષડ્જ સ્વર છે. સામસ્વરનો મંદ્ર એટલે પંચમ સ્વર એ વેણુનો ધૈવત સ્વર છે. સામસ્વરનો કૃષ્ટ એટલે છઠ્ઠો સ્વર એ વેણુનો નિષાદ સ્વર છે. સામસ્વરનો અતિસ્વાર્ય એટલે સાતમો સ્વર વેણુનો પંચમ સ્વર છે. પરિણામે જેમ ભારતીય સંગીતનું મૂળ સામસંગીતમાં રહેલું છે તેમ સંગીતના ગાંધર્વસ્વરોનું મૂળ પણ સામસ્વરોમાં રહેલું છે. સંગીતના સાત સ્વરો (સૂર) જુદાં જુદાં વાદ્યો પર વગાડવામાં આવે છે. જ્યારે સામસ્વરો ગાનાર પોતાના હાથની આંગળી પર સ્વરો બતાવે છે તેને ગાત્રવીણા એ નામે ઓળખવામાં આવે છે. વળી જુદા જુદા સામોનાં નામો ઋષિ, દેવતા, છંદ, યજ્ઞ, નિધન, કર્મફલ અથવા ઋચામાં આવતા શબ્દના આધારે આપવામાં આવ્યાં છે.’

     અને એક મત મુજબ સામવેદ આધારિત ગ્રંથ નારદીય શિક્ષા દ્વારા સામગાનના વૈદિક સ્વરૂપને લોકભોગ્ય અને જન સામાન્ય સુધી સ્પર્શે તે રીતે પૂનર્વ્યાખ્યાયિત કરીને ‘સારેગમપધની’ ના વર્તમાન સુપરિચિત સ્વરોમાં મુકાયાં  ઉપનિષદએ જીવન સંગીતને પણ લયબદ્ધ કરીને પરબ્રહ્મ સુધી લઇ જવાનું માધ્યમ પણ છે એવો  સામગાનનો સંદેશ છે.

 

 

 

 

 

 


ઉપનિષદો મા શિક્ષણ વિભાવના -લેખાંક -13- હું પંચમહાભૂત-પરમેશ્વર

 

 


ઉપનિષદો મા શિક્ષણ વિભાવના -લેખાંક -13

13.       હું પંચમહાભૂત-પરમેશ્વર 

          આપણે સહુ-વિશ્વ અને ભારત દેશ, આજે હવે પ્રકૃત્તિ અને પર્યાવરણની સલામતી અને સાચવણી માટે ચિંતા કરતા રહ્યા છીએ.  શાળામાં પર્યાવરણ શિક્ષણ આપવું પડે છે.'જળ એ જ જીવન'ના સૂત્ર યાદ કરાવવાં પડે છે.પણ હજારો વર્ષ પહેલાં ઉપનિષદોના માધ્યમથી ઋષિઓએ આજ વાત આપણી સમક્ષ મુકેલી છે.ભૌતિકવાદ ,જીવનશૈલી અને ક્યાંક આવશ્યકતાના નામે આપણે એટલા તો નઠારા થઇ ગયા છીએ કે વગર  વિચારે, દોડે જ જઈએ છીએ.અને પછી જાતે જ ઉભી કરેલી અને આવનારી સમસ્યાઓની ચિંતા કરીએ છીએ અને ઉકેલોની દિશામાં ફાંફાં મારીએ છીએ.,જેના ઉકેલ  હજારો વર્ષ પહેલાંથી  ઉપનિષદો અને અન્ય ભારતીય શાસ્ત્રોમાં મોજુદ છે

.          આપણે પોતે પાંચ મહાભૂત પૃથ્વી,જળ,વાયુ,આકાશ અને ધરતી તત્ત્વના જ બનેલા છીએ અને વિલીન પણ એમાં જ થવાના છીએ..તો આ પ્રકૃત્તિ તત્ત્વોને સાચવવાં અને શુદ્ધ રાખવાં એ આપણું-માનવજાતનું પ્રથમ કર્તવ્ય છે. એ જ રીતે આપણી આસપાસની તમામ જૈવિક સૃષ્ટિ પણ આપણી પૂરક છે.પક્ષી-પ્રાણી ,વનસ્પતિ પણ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલાં છે.એટલે સમગ્ર પર્યાવરણનું જતન એ પહેલી માનવીય ફરજ બને.અને એટલે જ આપણાં વેદ ઉપનિષદોએ તેને બ્રહ્મ સાથે જોડી દીધાં છે-પરમતત્ત્વ સાથે જોડી દીધાં છે. પ્રકૃત્તિદેવીનું પૂજન કરવાનું ને ધરતીમાતાને ઉઠીને નત મસ્તક કરી પગે લાગવાનું સૂચવ્યું છે.

           વેદ ઉપનિષદમાં સૂર્ય,વરુણ,વાયુ,અગ્નિને દેવ માન્યા છે.જીવ-પ્રાણ કોને વહાલો ન હોય ?  પ્રશ્નોપનિષદ કહે છે, एषोऽग्निस्तपत्येष सूर्यएष पर्जन्यो मघवानेष वायुःएष पृथिवी रयिर्देवःसदसच्चामृतं च यत् ॥ ‘આ પ્રાણ  અગ્નિ સ્વરૂપે તપે છે.એ જ સૂર્ય છે.એ જ મેઘ ,ઇન્દ્ર,વાયુ,પૃથ્વી પણ એ જ છે.’ માણસમાત્ર આસ્થા સાથે જોડાયેલો છે.એને પોતાના આસ્થાસ્થાનમાં શ્રદ્ધા છે.એટલે જ મુણ્ડકોપનિષદ પ્રકૃત્તિત્ત્તવોને પરમેશ્વર સાથે જોડે છે.अग्नीर्मूर्धा चक्षुषी चन्द्रसूर्यौदिशः श्रोत्रे वाग् विवृताश्च वेदाः ।वायुः प्राणो हृदयं विश्वमस्य पद्भ्यांपृथिवी ह्येष सर्वभूतान्तरात्मा|‘ આ પરમેશ્વરનું  અગ્નિ મસ્તક છે,ચંદ્ર સૂર્ય બંને નેત્રો છે.સઘળી દિશાઓ બંને કાન છે .ને પ્રગટ વેદ વાણી છે.તથા વાયુ પ્રાણ છે.જગત હૃદય છે. બંને  પગોમાંથી પૃથ્વી ઉત્પન્ન છે .એ જ પ્રાણીમાત્રના અંતરાત્મા છે.’ અને એ હકીકત છે કે જયારે આસ્થાસ્થાન જોડાય એટલે વ્યક્તિનો પૂજનીય ભાવ જોડાય અને તેના પ્રત્યે આદરભાવ જોડાય.

          ઉપનિષદ એ પણ સમજાવે છે કે માણસના અસ્તિત્વ અને તેને ટકાવી રાખવા માટે પણ પ્રકૃત્તિ જ છે .तस्मादग्निः समिधो यस्य सूर्यःसोमात् पर्जन्य ओषधयः पृथिव्याम् ।पुमान् रेतः सिञ्चति योषितायांबह्वीः प्रजाः पुरुषात् सम्प्रसूताः ॥अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात्स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः ‘ એનાથી અગ્નિ પ્રગટયા જેમની સમિધા સૂર્ય છે. એ અગ્નિથી સોમ થયા.સોમથી મેઘ ,મેઘથી વરસાદ દ્વારા પૃથ્વીમાં અનેક જાતની ઔષધિઓ થઇ.તેના પોષણથી અનેક પ્રકારના જીવો નિયમ મુજબ જન્મ્યા. એનાથી સમસ્ત સમુદ્રો અને પર્વતો થાય છે.એમનાથી પ્રગટ થઈને અનેક રૂપોવાળી નદીઓ વહે છે.’.

         આજે જયારે આપણે ઓઝોન પડ તૂટવાને કારણે થનારા પર્યાવરણ અસંતુલનની ચિંતા વેઠીએ છીએ ત્યારે મુણ્ડકોપનિષદ યાદ દેવરાવે છે કે ‘પરમેશ્વર દિવ્ય આકાશરૂપ બ્રહ્મલીકમાં સ્વરૂપથી સ્થિત છે..’दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्न्यात्मा प्रतिष्ठितः ॥

 

       આપણે પંચમહાભૂત છીએ એના પ્રમાણ માટે ઐતરેય ઉપનિષદ તેના મૂળની વાત આ મંત્રમાં કહે છે, अग्निर्वाग्भूत्वा मुखं प्राविशद्वायुः प्राणो भूत्वा नासिकेप्राविशदादित्यश्चक्षुर्भूत्वाऽक्षिणी प्राविशाद्दिशःश्रोत्रं भूत्वा कर्णौ प्राविशन्नोषधिवनस्पतयो लोमानि भूत्वात्वचंप्राविशंश्चन्द्रमा मनो भूत्वा हृदयं प्राविशन्मृत्युरपानोभूत्वा नाभिं प्राविशदापो रेतो भूत्वा शिश्नं प्राविशन् ॥  ‘ જયારે બધા દેવતાઓ સંસાર સાગરમાં આવી ગયા ત્યારે તેમને ઈશ્વરને પૂછ્યું કે અમે ક્યાં વસીએ?  અને પછી એ બધા મનુષ્યના શરીરમાં આ રીતે વસ્યા.અગ્નિ વાંક ઇન્દ્રિય બની. મુખમાં ,વાયુ પ્રાણ થઇ નાસિકમાં ,સૂર્ય નેત્રમાં દિશાઓ કાનમાં ઔષધિ અને વનસ્પતિના દેવતા રૂંવાડાં અને ત્વચામાં ,ચંદ્ર મનમાં વાયુ નાભિમાં, જળ વીર્યમાં પ્રવેશ્યા.’

           પર્યાવરણ સાચવણી માટે જો માણસ જાગૃત રહે તો તે શું પામે છે, તે પ્રતિપાદન શ્વેતાશ્વતરોપનિષદ આપે છે .पृथिव्यप्तेजोऽनिलखे समुत्थिते पञ्चात्मके योगगुणे प्रवृत्ते ।न तस्य रोगो न जरा न मृत्युःप्राप्तस्य योगाग्निमयं शरीरम् ॥“ પૃથ્વી ,જળ ,તેજ,વાયુ તથા આકાશ આ પાંચ મહાભુતોનું સમ્યક રીતે ઉત્થાન થતાં તેમની સાથે સંબંધ રાખનારાં અને પાંચ પ્રકારના યોગની સિદ્ધિ થતાં યોગ અગ્નિમય શરીરને પ્રાપ્ત કરનારા સાધકને નથી રહેતો રોગ,નથી આવતું વાર્ધક્ય કે નથી થતું તેનું મૃત્યુ.’એનાથી વધારે શી ખાતરી જોઈએ ?

        સૂર્ય છે તો જ આપણું અસ્તિત્વ છે એ વાત સર્વ સ્વીકૃત છે જ, પણ સૂર્ય એ અગનગોળો જ છે એમ નહિ પણ આપણા પ્રત્યક્ષ જોઈ શકાય તેવા દેવ જ છે..કઠોપનિષદકહે છે, यतश्चोदेति सूर्योऽस्तं यत्र च गच्छति ।तं देवाः सर्वेऽर्पितास्तदु नात्येति कश्चन । एतद्वै तत् ॥‘  જ્યાં સૂર્ય ઉગે છે અને અસ્ત પામે છે ,બધા દેવો એમાં સમર્પિત થાય છે.’  તો પ્રશ્નોપનિષદનો ઉદ્ઘોષ છે अथादित्य उदयन्यत्प्राचीं दिशं प्रविशति तेन प्राच्यान् प्राणान्रश्मिषु सन्निधत्ते । यद्दक्षिणां यत् प्रतीचीं यदुदीचीं यदधोयदूर्ध्वं यदन्तरा दिशो यत् सर्वं प्रकाशयति तेन सर्वान् प्राणान्रश्मिषु सन्निधत्ते ॥‘રાત્રી પછી ઉદય પામતો સૂર્ય પ્રત્યેક દિશામાં જઈને સર્વને પ્રકાશિત કરે છે અને જગતના પ્રાણોને પોતાના કિરણોમાં ધારણ કરે છે.’

        ચોવીસે કલાક આપણે જેના આધારે રહીએ છીએ અને જે આપણો જઠરાગ્નિ તૃપ્ત કરે છે એ ધરતી પ્રત્યે આપણી કૃતજ્ઞતા છે, તે આપણે ક્યારેય વિચારીએ છીએ ખરા ?  એ જ રીતે જળ ,અને પ્રાણીમાત્ર માટેની આપણી નૈતિક જવાબદારી પણ કેટલી? ઉપનિષદ સ્પષ્ટ છે. गोकामा एव वयꣳस्मइति।तꣳहततएवप्रष्टुंदध्रेहोताऽश्वलः| ગાય તણી કામના અમારે મન બ્રહ્મનિષ્ઠ. કેરળના ડો.પી.એસ શ્રીવિદ્યા 'અનંતા ' નામના સંશોધનપત્રમાં તો કૌશિતકી ઉપનિષદનો સંદર્ભ ટાંકીને જણાવે છે કે અગ્નિહોત્ર દ્વારા ગાયના દૂધ પર યોગ્યપ્રક્રિયા ( શુદ્ધિકરણ ) કર્યા બાદ જ તે વપરાતું.એટલું જ નહિ તે વખતે  અગ્નિહોત્ર દ્વારા પંચગવ્યથી  હવા-પર્યાવરણ શુદ્ધિ માટેના પ્રયોગો પણ થતા.       

           બિલ્વ ઉપનિષદ અનુસાર બિલ્વ ઝાડએ માત્ર ઝાડ નહિ પણ સાક્ષાત શિવ છે. मधु वाता ऋतायते मधुक्षरन्ति सिन्धवः । माध्वीर्नः सन्त्वोषधीः । બૃહદારણ્યક  ઉપનિષદના આ મંત્ર માટે તત્ત્વચિંતક ડો.ગુણવંત શાહ તો કહે છે,’આપણને ખરી જરૂર સ્વચ્છ પાણી,સ્વચ્છ વાતાવરણ અને પૂરતા આહારની છે  ઉપનિષદનો આ મંત્ર મધુર પવન ( मधु वाता ऋतायते ), મધુર સરિતા જળ (मधुक्षरन्ति सिन्धवः ।)  અને મધુર વનસ્પતિ ( माध्वीर्नः सन्त्वोषधीः)  નો સંદેશ,  એ દવામુક્ત ઇલાજના હિમાયતી ડો.હેગડેના વિચાર સાથે આબાદ વણાઈ જાય છે.’

 

 

        છાંદોગ્ય ઉપનિષદમાં નારદે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન સ્વયં કહે છે કે ,'અન્નની અપેક્ષાએ જળ વધુ શ્રેષ્ઠ છે કારણકે જયારે વરસાદ ઓછો પડે ત્યારે પ્રાણ વ્યથિત થાય છે પણ પુષ્કળ વરસાદ થયેથી અન્ન વધુ પાકે પ્રાણ પ્રસન્ન થાય.आपो वावान्नाद्भूयस्तस्माद्यदा सुवृष्टिर्न भवतिव्याधीयन्ते प्राणा अन्नं कनीयो भविष्यतीत्यथयदासुवृष्टिर्भवत्यानन्दिनः प्राणा भवन्त्यन्नं बहुभविष्यतीत्याप एवेमा मूर्ता એટલું જ નહિ પૃથ્વી,અંતરિક્ષ અને બધું જ મૂર્તિમાન જળ સ્વરૂપ જ છે એટલે જળની જ ઉપાસના કરો. एवेमा मूर्ता अप उपास्स्वेति ॥ તૈત્તરિય ઉપનિષદ અનુસાર પાણીમાં શૌચ ન કરવું ,કોગળા ન કરવા વગર કપડે સ્નાન ન કરવું તેવો આદેશ છે.

         સૂર્યની જેમ અગ્નિ પણ સાક્ષાત દેવ છે. ઋષિઓએ આપેલાં વ્રત,તહેવારોનું વિજ્ઞાનદર્શન આપણને શોધવાની ઓછી ટેવ છે.પરંપરાગત ઉજવાતી શીતળા સાતમ અને અગ્નિ પૂજા તેનાં પ્રતીક છે. त्रिणाचिकेतस्त्रिभिरेत्य सन्धिं त्रिकर्मकृत्तरति जन्ममृत्यू ।ब्रह्मजज्ञं देवमीड्यं विदित्वा निचाय्येमाँ शान्तिमत्यन्तमेति ॥ શાસ્ત્રોક્ત રીતે અગ્નિનું ત્રણવાર અનુષ્ઠાન કરનાર મનુષ્ય જન્મ મૃત્યુને ઓળંગી જાય છે. એમ  કઠોપનિષદ  વિશ્વાસ અપાવે છે

           પ્રકૃત્તિ અને પર્યાવરણ માટેની ઉત્તમ મંગળ મનોકામના પણ કેવી અદભુત છે.મૂળ ઋગ્વેદ મંત્ર અને પ્રશ્નોપનિષદ,મુણ્ડકોપનિષદ જેવાં ઉપનિષદનો શાંતિમંત્ર भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः ।

स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ॥ જેવી ભાવના લઈને આવે છે. ' અમે અમારા કાનો વડે  કલ્યાણ વચન સાંભળીએ આંખો વડે કલ્યાણ દૃશ્યો જોઈએ નિરોગી ઇન્દ્રિયો અને સ્વસ્થ દેહના માધ્યમથી આપની સ્તુતિ કરીએ.અને આપે અમારા માટે નિર્ધારિત કરેલ દીર્ઘાયુ પ્રાપ્ત કરીએ.' પ્રત્યેક ઉપનિષદના શાંતિપાઠમાં અચૂક આવતો મંત્ર  ॐ शान्ति: शान्ति: शान्ति: ॥ માં પણ 'શાંતિ' શબ્દનો પ્રયોગ  ચોક્કસ હેતુસર જ ત્રણ વખત કરવામાં આવ્યો છે કારણકે આપણી બધા જ પ્રકારની એટલે કે આધિભૌતિક ,આધિદૈવિક અને આધ્યાત્મિક શાંતિ માટેની પ્રાર્થના છે

         ગર્વ અને ગૌરવ સાથે કહી શકીએ કે સમગ્ર વિશ્વમાં પ્રકૃત્તિ અને પર્યાવરણ માટેની આટલી ઉચ્ચતમ ભાવના ક્યાંય જોવા નહીં જ મળે.એટલે તો પ્રકૃત્તિને પરમ ગુરુ -પરબ્રહ્મ માનીને તેનું રક્ષણ, તેનો આદર કરીએ.એ જ આપણું સાચું કર્તવ્ય અને એ જ આપણી સાચી પૂજા.

__________________________________________________________________________________