"
બેટા ,અમે ખુબ ખુબ આનંદ માં છીએ “
NRI પુત્ર ને...... " એક ઇમેઇલ પત્ર દિનેશ માંકડ
પ્રિય પર્યંક ,
ચાર દિવસ થી ફોન અને સ્કાય પી પર વાત
નથી થઇ એટલે તને અમારી ચિંતા થઇ હશે .ઘરનું નેટ અને ફોન બગડેલા હતા .પાડોશી તેના
વતન માં ગયેલા છે.એટલે રીપેરીંગ ની વાર લાગશે એટલે આજે સાયબર કાફેમાં આવી તને મેઈલ
કર્યો છે..
*આપણી સોસાયટી માં નવરાત્રી ધામધૂમ થી ઉજવાઈ .એમાંય બાળકોની
હરીફાઈમાં સોહમ નામના છોકરાનો પહેલો નંબર આવ્યો એટલે આપણો સોહમ ખુબ યાદ આવ્યો .તારી
જેમ એ પણ સરસ ગરબા રમતો હશે.
*સારંગપુર વાળા શાંતિભાઈ નો દીકરો વૈભવ પણ ત્યાં તમારી આજુબાજુ જ જોબ કરે
છે.શાંતીભાઈને ધંધાના ભાગીદારે દગો દેતા તે અડધા ગાંડા જેવા થઇ ગયા છે.અહીં મનોચિકિત્સક
ની દવા થી લગભગ ૨૪ કલાક ઘેન માં રહે છે
.વૈભવ ને અહીં આવવા ની રાજા કે અનુકૂળતા
નથી અને તેઓની ત્યાં આવવા ની
કઢાવેલી ટિકિટ તેમની આવી સ્થિતિ ને લીધે
કેન્સલ કરાવવી પડી .તને વૈભવ મળે તો કહેતો
નહીં પણ ડોક્ટર ના મત અનુસાર ખાસ ઈલાજ નથી.જીવે તેટલું સાચું.
*તારા મામા ;પુષ્પકાન્ત અને શીલાબેન
દરરોજ સાંજે આવીને એક બે કલાક બેસે છે .તેના મોટા દીકરા શશીની કેનેડા ની મેડિકલ
પરીક્ષા ચારેક વર્ષ થી ક્લીઅર નથી થતી એટલે ખર્ચ
કાઢવા કોઈ બિલ્ડર ને ત્યાં સ્ટોર કીપર ની જોબ કરે છે .એમનો નાનો દીકરો
શાંતનુ ઓસ્ટ્રેલિયા પાછો ગયો .એને અહીં ભારતમાં ફાવ્યું નથી શીલાબેન ને જોકે ડિપ્રેશન ની ખુબ અસર રહે છે
.ફરક ન પડે એટલે વારંવાર ડોક્ટર બદલ્યા કરે છે પુષ્પકાન્ત ભાઈ ક્યારેક અકળાઈ ને
બોલી ઉઠે છે NRI એટલે Non Resident Indian નહીં પણ Non Resposible
Intelatual
*તને કદાચ ખબર હશે જ કે
તારા વર્ગ માં ભણતા ને ન્યુઝીલેન્ડ સેટ થયેલા કોકિલ ને ગયા અઠવાડિયે ત્યાં જ હાર્ટ એટેક આવ્યો ને ગુજરી ગયો.તેના મમ્મી -પપ્પા બે દિવસે
તેની પાસે પહોંચ્યા ને પછી પરદેશ ની ધરતી પર તેના અંતિમ સંસ્કાર કર્યા એ માં બાપ
પર શું વીતી હશે તે તો રામ ને પણ ખબર નહિ હોય .
*તમારા ફિઝિક્સના સાહેબ રાજુભાઈ ને બીજીવાર કેન્સર થયું હતું
તે તો તને ખબર છે .તેનો સુધીર તો દક્ષિણ
આફ્રિકા માં નોકરી કરે છે.ગયા રવિવારે રાજુભાઈને ઘર માં જ લોહી ની ઉલટી થઇ ને તેઓ
શ્રીજીના ચરણે સિધાવ્યા .સુધીર ત્રીજા દિવસે પહોંચી શક્યો.રાજુભાઈ ના દેહ ને ત્રણ
દિવસ હોસ્પિટલના શીતઘર માં રાખ્યો.સુધીર ને પપ્પા ને છેલ્લે ન મળી શકવા નો વસવસો
રહી ગયો.
*આપણો જૂનો નોકર બાબુ ગઈકાલે ડાયરી લઈને
સમજવા આવ્યો હતો. તેનો દીકરો ભણીને સીધો અમેરિકા ગયો છે ગયા વર્ષે દીકરા
એ ત્યાં પંદર લાખ પગાર મેળવ્યો.વર્ષમાં એક વાર પોતાના લગ્ન માટે ,એક વાર બીમાર સાસુ ની ખબર કાઢવા આવ્યો.એટલી પાંચેક લાખ ખર્ચાઈ ગયા .બાબુ
કહેતો હતો કે તેને ભારત માં કંપની માં દસ લાખનું
પેકેજ તો મળતું જ હતું તોય ગયો.બાબુની ઘરવાળી તો ગુજરી ગઈ છે.તે પોતે રોજ
હોટલ માં ખાય છે.
*ગલી ને નાકે રહેતા કનુભાઈ હમણાં
બીજીવાર ત્યાં આવ્યા છે. તેના પૌત્ર ને રાખવા દીકરાએ બોલાવ્યા છે. જોકે
તેમને ત્યાંનું હવામાન ને વાતાવરણ જરાય ફાવતું નથી પણ છતાં આવવું પડે છે.આપણા ઘરની
પાછળ રહેતા મોતીભાઈ ને મણીબેન તો બે વર્ષ થી વારાફરતી એક જણ ત્યાં ને એક અહીં
-એમ રહે છે .મણીબેન તો તારી મમ્મી ને મળે ત્યારે કહેતા હતા કે આ ઉંમરે એકલા રહેવા
નો વારો આવ્યો છે.
તારી તબિયત સારી હશે .બરફ તને સદતો નથી એટલે એ ઋતુ માં બહાર ન નીકળતો એવું
તારી મમ્મી એ ખાસ લખવા નું કહ્યું છે.અમારી બંને ની તબિયત ખુબ સારી છે .ઉમર થઇ એટલે
મારા પગ ના સોજા ક્યારેક વધે છે ડોક્ટરના રિપોર્ટ મુજબ કિડની ફંકશન ઓછું થયું
છે.તારી મમ્મી ને ચારેક દિવસ પહેલા અતિ શ્વાસ ચડ્યો .૧૦૮ બોલાવીને હોસ્પિટલ લઇ ગયા
.એકાદ દિવસ આઈ.સી.યુ. માં રાખી .હવે ઘેર આવી ગયી છે .હવે તબિયત સારી છે .તને ચિંતા
થાય એટલે જાણ કરી નહોતી. બાકી એકંદર સારું છે.
અમે બંને ખુબ ખુબ આનંદ
માં છીએ
ખાસ નોંધ ; ફોન સ્કાયપી રીપેર થતા વાર લાગશે ,એટલે સંપર્ક ન થાય તો ચિંતા ન કરતો
પપ્પા
લેખક : દિનેશ માંકડ ૯૪૨૭૯૬૦૯૭૯