પ્રત્યક્ષ દર્શન -ધોળાવીરા ,વ્રજવાણી
વિશ્વ એ સ્વીકારે જ છૂટકો છે કે ભારત પ્રાચીન દેશ છે અને તેને સૌથી પ્રાચીન
સંસ્કૃતિ છે જ. કચ્છના ધોળાવીરા -હડ્ડપન સંસ્કૃતિનો તાજેતરમાં 'વિશ્વ વારસા' માં સમાવેશ
થયો.દેશ માટે બહુ મોટી વાત એટલે છે કે યુનેસ્કોએ સ્વીકાર્યું કે અહીં વિશ્વની સૌથી
પ્રાચીન સંસ્કૃતિ હતી.
આવું ભવ્ય સ્થાન જયારે સાવ નિકટ હોય ને એમાંય માદરે વતનમાં હોય તો એ પાવન
ભૂમિના દર્શન તો વહેલી તકે કરાય જ ને ?
સાળા મુકેશભાઈ શુક્લનો પણ ઇતિહાસ રુચિનો શોખ.સાથ આપવા તૈયાર થયા. 4 થી ઓગસ્ટ 2021 વહેલી સવારે અમારા ચારનું
(હું રંજના, મુકેશભાઈ,સૌ.માધવીબેન ) અમદાવાદથી પ્રયાણ. પ્રારંભમાં જ એક ઉલ્લેખ આવશ્યક છે કે આખા પ્રવાસને સંપૂર્ણ
સફળ અને સરળ બનાવવાનું શ્રેય ,પચાસ વર્ષથી અતૂટ મૈત્રી જાળવી રાખનાર મિત્ર શ્રી અરુણભાઈ
ગાવન્ડે અને તેમના નિકટમાં મિત્રોને જ જાય છે .
ઘરની ગાડી Nexa SL -6 માં ડ્રાઈવર શાંતીભાઈને લઈને અમદાવાદથી 358 કી.મી ધોળાવીરાની દિશામાં સુરજબારી પુલ પસાર કરીને કટારીયા પાસેથી જમણે વળી.રસ્તા આગળ વધ્યા. માર્ગદર્શન માટે શ્રી ગોવિંદભાઈના સતત ફોનથી ખુબ સરળતાથી રાપર પહોંચ્યા.અરુણભાઈ ,અમારા સ્વાગત માટે તેમના મિત્ર ઈશ્વરભાઈ સાથે ,ગામના પ્રવેશદ્વાર પાસે આવીને ઉભા હતા. તેમણે સરસ્વતી પૂજનની બોલપેનથી આવકાર્યા .ને આગળ જવા દિશાસૂચનો કર્યા.રાપરથી બાલાસર થઇને આગળ તો રણ શરુ થાય. અહીંથી ભચાઉ તાલુકાનો ખડીર બેટ શરુ થાય.30 કિમિ.ના વિસ્તારમાં કુલ બાર ગામો તેમાં છે..
ખડીરના આ બાર ગામો પૈકી 3000 ની વસ્તી ધરાવતું ગામ ધોળાવીરા છે.ગામના છેડે કોટડા તરીકે ઓળખાતો વિશાલ ટેકરો..ગામની કેટલીક લોકવાયકાઓ ને લીધે ત્યાં ખાસ કોઈ ગ્રામજનો જાય નહિ.કચ્છ ઇતિહાસના ઊંડા જિજ્ઞાસુ શંભુદાનભાઈ ગઢવીના હાથમાં આ પ્રદેશમાંથી અચાનક જ એક બે નમૂનાઓ હાથમાં આવ્યા .અભ્યાસુ જીવ અચંબામાં પડી ગયો.આ તો કૈક વિશેષ છે.તેમણે વડોદરાના પુરાતત્વ વિભાગને જાણ કરી.કચ્છના -આ પ્રદેશના સદ્નસીબે એ વિભાગના પુરાતત્વવિદ શ્રી જગતપતિ જોશીને આ કાર્ય સોંપાયું. પછી તો એમના જેટલા જ અદકેરા શ્રી આર.સી.બિસ્ત જોડાયા ઊંડા અભ્યાસ અને પ્રાથમિક ઉત્તખાનન પછી 1966 ના તેઓએ ગૌરવભરી જાહેરાત કરી કે અહીં હડપ્પન સંસ્કૃતિનું સાડા પાંચ હજાર વર્ષ જૂનું વિરાટ નગર હતું. .પછી તો સરકારી તંત્ર કામે લાગ્યું.શ્રી બિસ્ત સાહેબ બઢતીથી દિલ્હી ગયા તો પણ તેમણે ધોળાવીરા પ્રત્યેનો તેમનો ઊંડો રસ જાળવી રાખી ને ત્યાં બેઠા પણ ઉત્ખનન પ્રક્રિયામાં પોતાનું યોગદાન ચાલુ રાખેલું. કચ્છ માટે આ ખુબ મોટો ગૌરવપૂર્ણ દિવસ હતો.
આખું નગર ત્રણ ભાગમાં વહેંચેલું છે. મહેલ વિભાગ, મધ્ય વિભાગ અને નિમ્ન વિભાગ.ઉત્તર ,પૂર્વ અને પશ્ચિમ ત્રણ દ્વાર ..નગરની જળસંચય યોજના વિશેષ છે. નહેર સંરચના પણ અદભુત .અનાજ સંગ્રહ કોઠાર ઉડીને આંખે વળગે.અંદર જતા કેટલાય માર્ગનું તો પૂરું ઉત્ખનન બાકી છે.મણકા બનાવવાનું કારખાનું પણ અલગ ઔદ્યોગિક છાપ ઉભી કરે છે.અલગ અલગ રંગના ,ભાત અને આકાર વાળા પથ્થરો,તો કેટલીયે જગ્યાએ પગલાં કે અન્ય કોઈ ઉપસેલી છાપ પાછળ પણ જરૂર ઊંડો ઇતિહાસ હશે જ. પાંચ હજારથી વધારે વર્ષ પૂર્વ આટલી ઉત્તમ અને ઝીણવટ ભરેલી નગરરચના દેશની તે સમયના જ્ઞાનની ઉચ્ચ કોટીનું મોટું પ્રમાણ છે જોવામાં તો જેટલી જિજ્ઞાસા એટલી સમય મર્યાદા રહે. નગરની શ્રી બિસ્ત સાહેબનું નિવાસસ્થાન અને નાનકડું સંગ્રહાલય પણ બનાવ્યું છે.મોટાભાગના અગત્યના અને પ્રમાણભૂત નમૂનાઓ ચકાસણી અને 'વિશ્વ વારસા 'ની પ્રસ્તુતિ માટે દિલ્હી લઇ જવાયા છે સંગ્રહાલયમાં થોડો ઇતિહાસ , નકશા,નમૂના ,અશ્મિઓ વગેરે મૂકેલાં છે.જે આછી પાતળી ઝાંખી કરાવે છે.'વિશ્વ વારસા'માં સમાવેશ પછી અનેક રીતે સાહિત્ય અને વિડીયો ઉપલબ્ધ છે પણ પ્રત્યક્ષ નિરીક્ષણનો આનંદ કૈક અલગ જ હોય.દોઢ કલાક ખુબ ઓછો પડ્યો.સમય હોય તો પૂરો દિવસ જાય!થોડા કી.મી.દૂર 16 કરોડ વર્ષ જુના અશ્મિ હતાં પણ સમયની મર્યાદામાં તે જોવા જવા નું ટાળ્યું. ગોવિંદભાઇની જાણકારી અને સમજાવવાની પદ્ધતિએ અમારા યાદગાર પ્રવાસને ચાર ચાંદ લગાવ્યા.
રતનપરમાં એમને ઘેર ચા પી, આભાર માનીને વ્રજવાણી તરફ પ્રયાણ કર્યું.ધોળાવીરાથી આશરે સિત્તેર કી.મી.દૂર અંતરિયાળ ગામમાં રાધાકૃષ્ણ મંદિર.થી વિશેષ કલા ખાતર સમર્પણની કથા કહેતી આ વિરલ ભૂમિ છે. આશરે પાંચસો છાસઠ વર્ષ પહેલાં વ્રજવાણી ગામમાં બહારથી એક ઢોલી આવ્યો.એવો તો તાલમય ઢોલ વગાડે કે ન પૂછો વાત.નાગદે નામની આહીરાણી મહિલાના તો પગ ન થંભે .એની સાથે એની એક પછી એક સહેલીઓ જોડાતી ગઈ.પછી તો રોજનો ક્રમ.ઢોલીના તાલે 140 બહેનો, ન દિવસ જુએ કે ન જુએ રાત.રાસની રંગત જામે.ઘરના કામ તો ઠીક પણ ખાવા પીવાનું ય ભૂલે! તેમના આહીર પતિઓએ થોડી ધીરજ ધરી .ઢોલીને પણ ઢોલ ન વગાડવા સમજાવ્યો ને પત્નીઓને રાસ ન રમવા સમજાવી.પણ આ તો કલાની સાધના સમાધિ હતી .ન છૂટે .આખરે એમની સહન શક્તિની મર્યાદા આવી ગઈ.ભરબજારમાં ઢોલીનું માથું ,ધડ થી જુદું કર્યું.લોકવાયકા અનુસાર એકલું ધડ ત્રણ દિવસ ઢોલ વગાડતું રહ્યું.બહેનોને તો રસ ભંગ અસહ્ય હતો.હવે તો તેઓ જીવી જ ન શકે.આખરે તમામ 140 કલા રસીકીઓ સતી થઇગઈ !
આ તીર્થ સ્થળે કલા માટેના સમર્પણની એક સુગંધ ચોક્કસ પ્રસરતી અનુભવાય.સતી મંદિરમાં બધી બહેનોની સતી પરિવેશમાં પ્રતિમાઓ તેમના પતિ,માતા પિતાના નામ અને ગામ પણ હકીકતનું પ્રમાણ દર્શાવે છે.સંસ્થાપકોની ઉચ્ચ ભાવનાથી ભોજન અને રાત્રી રોકાણ સુવિધા પણ ઉપલબ્ધ છે. ઢોલીની ખામ્ભીનેશાંત ચિત્તે કાન લગાડીયે તો નાદ બ્રહ્મ શ્રવણ ની અનુભૂતિ થાય એવું મનાય છે .તેને નમન કરીને આગળ પ્રયાણ કર્યું.
હવે કચ્છના ખુબ જુના એવા રવેચી માતાના દર્શન કરવાનાં થયાં કહેવાય છે કે
માતાજીના ઉદરમાંથી સમયાંતરે શંખ નીકળે છે.ચાર શંખ મોજુદ છે.પાસે આવેલાં કમળ યુક્ત
સરોવર પણ મોટી આસ્થા નું પ્રતીક છે.સૂવઈ ,રામવાવ થઈને ટૂંકા રસ્તે રાત્રે અગિયાર વાગ્યે
ભુજ પહોંચ્યા. એક જ દિવસના 17 કલાક ની સળંગ, સાતસોથી વધારે કી.મી.ની મુસાફરી નું શ્રેય
મિત્ર શ્રી અરુણભાઈ ગાવન્ડે ,તેમના મિત્રો શ્રી ગોવિંદભાઇ અને ઈશ્વરભાઈ ની સાથે ઘરની
લાડકી ગાડી અને તેના ખુબ સરળ અને હોશિયાર ચાલક શ્રી શાંતિભાઈ ને જાય છે.મુકેશભાઈ-માધવી
બહેન ના સંગાથે તો પુરા પ્રવાસ ને પૂરો જીવંત બનાવી દીધો.
દિનેશ લ.માંકડ મોબાઈલ ન.9427960979
અન્ય લેખ વાંચવા માટે
બ્લોગ પર mankaddinesh.blogspot.com
સરસ વર્ણન. યોગ્ય ચિત્રો ઓણ મૂક્યા છે તે જોવાં ગમ્યા
ReplyDelete