Readers

Monday, August 16, 2021

કોના હાથમાં કચ્છનો વિકાસ ? દિનેશ લ. માંકડ ,અમદાવાદ

           કોના હાથમાં કચ્છનો વિકાસ ?            દિનેશ લ. માંકડ ,અમદાવાદ

              વિશિષ્ટ વિસ્તાર અને વિશિષ્ટ પર્યાવરણ ધરાવતા કચ્છને અનેક સમસ્યાઓ પાર છે આઝાદીના 70 વર્ષ થયા પણ કચ્છની પાયાની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી .શું કારણ છે એના ? સામાન્યજન એક જ વાત કરશે પતિનિધિઓ સક્રિય નથી.તંત્ર નબળું છે. ભ્રષ્ટાચાર છે.વગેરે વગેરે.અહીં એવી એક પણ વાતની ચર્ચા કરવી નથી.

             અમે નાના હતા ત્યારે ભણવામાં 'લાવરીના બચ્ચા 'ની વાર્તા આવતી.-ખેડૂત પિતાએ દીકરાને કહ્યું .ચોમાસુ આવે છે ખેતર ખેડવાનું શરુ કરી દે.' દીકરાએ ઉત્તર આપ્યો .'હા, બાપુ.' ખેતરમાં માળો બાંધી ને રહેતી લાવરીને બચ્ચાઓએ માં ને કહ્યું ,'માં ,જલદી કરો.ને માળો બીજે લઇ જઈએ.નહીંતર ચગદાઈ જાશું.' લાવરીએ કહ્યું,' ચિંતા ન કરો .સારું સ્થળ શોધીએ.' બીજો દિવસ આવ્યો.ફરી ખેડૂતે ફરી પુત્રને યાદ અપાવ્યું ,' ખેતર ખેડ.'ને દીકરાએ 'હા,બાપુ' કહ્યું.ફરી બચ્ચા ગભરાયા.લાવરીનો જવાબ 'ચિંતા ન કરો.' પછી તો બીજા ચાર દિવસ .રોજ ખેડૂત કહે, દીકરો હા પડે પણ ખેડવાનું શરુ ન કરે. ત્યાં સુધી લાવરી પણ નિશ્ચિંન્ત હતી..આખરે એક દિવસ ખેડૂત જાતે  હળ લઈને આવ્યો ને પુત્રને કહ્યું,' ચાલ ,આપણે ખેતર ખેડવાનું શરુ કરીએ.' લાવરી સમજી ગઈ .'હવે ખેડ ચાલુ થશે.'તેને કોઈ સલામત  જગ્યાએ માળો ગોઠવી દીધો.

          આ વાત અહીં એટલે કરવી પડી કે જ્યાં સુધી કચ્છી માંડું પોતે ઉભો થઈને જાગશે નહિ ત્યાં સુધી કચ્છનો વિકાસ મંદ ગતિનો જ રહેશે.પહેલી વાત વતનપ્રેમની .કચ્છીનો વતનપ્રેમ તો જગ આખામાં જાણીતો છે.તો પછી કાયમી વિકાસ માટેના પગલામાં આ પ્રેમ ,દેખહાય છે તેટલો કેમ વ્યક્ત થતો નથી ? વર્ષો પહેલા  'કચ્છ યુવક સંઘે ' ' કોટી  વૃક્ષ અભિયાન ' ઉપાડેલું.જો દિલો દિમાગથી જો અભિયાન કચ્છમાં અને કચ્છ બહાર રહેતા પ્રત્યેક કચ્છીએ ઉપાડ્યું હોત અને દરેક કચ્છી વર્ષે પાંચ વૃક્ષ વાવે તેવો સંકલ્પ લેવાય. વિશાળ ની ધરતીનો એક એક ઇંચ લીલો બની રહે તો હજી આ વાત અશક્ય નથી જ.અને તે પણ માત્ર ચાર કે પાંચ જ વર્ષમાં તેના ખેતી,પીવાના પાણી વગેરેમાં સકારાત્મક પરિણામ જોવા મળે.       

          આપણે પ્રાંતવાદમાં ચોક્કસ માનતા નથી પણ કચ્છની મૂલ્યવાન જમીન અને અન્ય સંપત્તિ ના મલિક અન્ય પ્રદેશના લોકો બને તે કેવું? ભૂકંપ પહેલા અને ભૂકંપ પછી અનેક બિનકચ્છી કંપનીઓ એ સરકારી રાહત અને સબસિડીનો લાભ લઈને કચ્છમાં ધામા નાખ્યા છે.ક્યાં ગયો આપણો વતન પ્રેમ ? એશિયાનું સૌથી ઊંચું ઘાસ ધરાવતો બન્ની પ્રદેશ,વિશેષ  પ્રકારનું મબલખ પશુધન ,અને ખાસ પ્રકારની જમીન પણ કચ્છ પાસે જ છે.ત્રણ બાજુ વિસ્તરેલો દરિયો અને રેત  મહાસાગર પણ આપણી પાસે છે.  

          કચ્છની આગવી ઓળખ સમા ભરતકામ ,બાંધણી ને અન્ય દુર્લભ કલાના કોન્ટ્રાકટ અન્ય પ્રદેશના પાસે હોય ને આપણા કારીગરનું શોષણ કરી નફાની મલાઈ કચ્છ બહાર જાય.સફેદ રણ માં મોટાભાગના વેપારી કે કોન્ટ્રાકટર્સ પણ બહારના.અને ખારી  શીંગ ને ચણા  પણ યુ.પી. લોકો વેચે.ક્યાંક કોઈ કચ્છી દાબેલી વાળો કચ્છી હોય તો તેની ગુણવતા હલકી હોય.આવું કેમ બને છે ?

          અર્થશાસ્ત્રમાં હળવી ભાષામાં ક્યારેક કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે.આવું જ કચ્છ માટે પણ કહી શકાય.મુંબઈ  જેવા મોટા શહેરનો  વેપાર ઉદ્યોગનો ખુબ મોટો હિસ્સો  કચ્છીઓને હવાલે છે .અમદાવાદ,હૈદરાબાદ કલકતા જેવા અનેક નામી  શહેરોમાં પણ કચ્છી વેપારીઓની ખુબ મોટી શાખ છે એટલે સુધી કે આજે દેશના ખુબ ઓછા ધનાઢ્ય લોકોની યાદી તૈયાર થાય તો ચોક્કસ પાંચ પંદર તો કચ્છી જ હોય..વિદેશમાં પણ કચ્છીઓએ દુનિયાનો કોઈ ખૂણો ખાલી રાખ્યો નથી. જેમની જન્મભૂમિ કચ્છ છે એવા આ સપૂતો કચ્છ માટે જરૂર વિચારી શકે. ખુબ સાદું જ વિચારીએ  કે દરેક સમૃદ્ધ પોતાના ગામ કે તેની આસપાસના વિસ્તારમાં નાનો કે મોટો  ઉદ્યોગ સ્થાપે તો જે તે પ્રદેશના અનેક યુવાનોને રોજગાર મળે અને વિસ્તાર વિકસે તે વધારામાં. ક્યારેક અમદાવાદ જિલ્લાના જલાલપુરમાં ઘેર ઘેર હીરા ઘસવાની ઘંટી છે.રાત પડતા તો ઘરના સભ્યો બે ચાર હજાર રૂપિયા તો સહેજે કમાઈ લે.ગામમાં મોટા કારખાનામાં તો  પચીસ-પચાસ યુવાનો શ્રમ કરતા હોય.આવા તો અનેક અનેક ગામો છે.કચ્છમાં ચાલતા હોય તે અને નવા અનેક એકમોને ઉત્તેજન આપી શકાય

        કોરોના કાળની સરકારની અનેક યોજનાઓના લાભ વહેલી તકે લઇ લેવો જોઈએ. નવી યુવા પેઢી માટે અનેક અનેક નવા પ્રોજેક્ટ ,નવી દિશાઓ ખુલેલી જ છે.ફક્ત દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.વિઝન વિકસાવવાની જરૂર છે.આજના ઈલેક્ટોનિક અને રોકેટગતિએ દોડતા સાયબર યુગમાં --'કચ્છ દૂર છે.સુવિધાઓ નો અભાવ છે ..સરકાર સાથ નથી આપતી .નેતાઓ નબળા છે.વગેરે વગેરે તો કેવળ બહાના જ છે. .

. જાણીતી કાવ્ય પંક્તિ છે " પંડ ની પેટીમાં પડ્યો છે સ ,વાપરી જાણે તે નર બડભાગીયો

          આપણું આગવું નવું વર્ષ  ઉજવીએ છીએ. તો નવા વર્ષે પ્રત્યેક સાચો કચ્છપ્રેમી વિચારતો થાય. પોત પોતાના  ક્ષેત્ર જાણકારી વાળા કે ગમતા ક્ષેત્ર નિષ્ણાત મગજ દોડાવવા લાગે. લક્ષ્મીકૃપાવાળા સમૃદ્ધ શ્રેષ્ઠીઓ માતૃભૂમિ માટે ક્યાં રોકાણ થાય તે વિચારે .અનુભવી માંડું પોતાની બુદ્ધિમત્તાને કામે લગાડે .યુવા પેઢી પોતાના આધુનિક વિઝનથી જોવાનું શરુ કરે .આકાશમાં અસંખ્ય તારાઓમાં  'ધ્રુવ તારા' ને તેની અડગતા અને વિશ્વાસ માટે યાદ રખાય છે .તેમ વિશ્વ આકાશમાં ' પાંજો કચ્છ " પણ વતન પ્રેમ,સાહસિકતા ,સમૃદ્ધિ અને આગવી પૃષ્ઠભૂમિ ના બળે કેમ ન ઓળખાય?

        નૂતન વર્ષે એક જ સંકલ્પ " મુંજી માતૃભૂમિ લાય આંઉ કોરો કરી સકા  ? '  વિચારવાનો આરંભ થશે,અને સંકલ્પબળ હશે તો થશે જ.કારણકે આ તો જન્મભોમકાને ચૂકવવાનું ઋણ છે. અસ્તુ

દિનેશ.લ. માંકડ

મોબાઈલ.9427960979

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com

No comments:

Post a Comment