Readers

Thursday, July 26, 2018


                     સર્વશ્રેઠ  ગુરુ –હાથવેંત-હાજરા હજુર                                 દિનેશ માંકડ
            ગુરુ પૂર્ણિમા ,ભારતીય સંસ્કૃતિનો ખુબ જ મોટો  દિવસ .ગુરુ પૂજન કરવાનો  દિવસ મોટાભાગની વ્યક્તિમાં કોઈક ખૂણે  ગુરુ તરીકે કોઈ સ્થાપિત હશે ,ખુબ સારી વાત છે. પણ આ કળિયુગ છે .માનવ સહજ લક્ષણોની વ્યાખ્યાઓ બદલાઈ છે..માણસ માત્રમાં પ્રસિદ્ધિ નો અભરખો વધ્યો છે .બે-પાંચ અનુયાયી મળી જાય એટલે ગુરુ બની જાય.આપણા દેશમાં મેક અપ મેનો નો તોટો  નથી .પરિણામે "ગુરુ"  શબ્દ ની ગરિમા  ઘટતી ચાલી છે.
     કોઈ વ્યક્તિ માર્ગદર્શન આપે ,ક્યાંક લઘુતામાંથી બહાર કાઢે  આત્મ વિશ્વાસ માટે પ્રેરે ,,કોઈ કશુંક નવું શીખવે , તેનો આદર હોય ,તેને વંદન કરાય પણ તે ગુરુ જ હોય ,તેવું હંમેશ ન જ હોઈ શકે. પરંપરા થી  ચાલતી ગુરુ ની પ્રથા છે .સમય  બદલાયો છે. જે તે સમયે આપણી આગળની પેઢીની  જે તે વ્યક્તિ કે સંસ્થા માટે ની ખુબ ઉદાર લાગણી હોય..તેમના જીવન પરિવર્તન માં  તે ગાદીપતિ નો મોટો રોલ હોઈ શકે .એનો અર્થ એવો નહીં કે આજે  એ ગાદી પર  જે આવે તેને  'ગુરુ' તરીકે સ્વીકારી લેવો! 
       ગુરુ આદર  વ્યક્તિ પૂજા માં ફેરવાય તે પરિબળ ખુબ જ જોખમી છે. ગ્રામ્ય પ્રજા તો તેની ખુબ ભોગ બને ,પણ શિક્ષિતવર્ગ પણ અવિચારી ને અંધશ્રધ્ધા નો ભોગ બને તે ભયાનક ઘટના  કહેવાય.  ગુરુ ના કહેવ થી તેજસ્વી સંતાનનું ડોબાં  સાથે ગોઠવી, જીવન બરબાદ કરે. પરિવારજન છેલ્લા શ્વાસ લેતું હોય ત્યારે ડોક્ટર ને બદલે ગુરુને ફોન કરે કે ગુરુ ચરણામૃત પીવરાવી સ્વજન ને ગુમાવી દે તેવા ભણેલા શિષ્ય પણ આજે જોવા મળે જ છે.
       અરે! ભાઈ. તો ગુરુ ગોતવા ક્યાં જવું?  જરાકે લગીર ચિંતા ન કરો .આ રહયા ગુરુ તો હાથ વેંત છે!    ભારતીય તત્ત્વચિંતક જે.કૃષ્ણમૂર્તિ કહે છે ,” You youself are the Teacher and Pupil ,you are the Master, you are the Guru.” આપણે  પોતેજ  આપણા ગુરુ થઈએ તો કેવું ? વાત મજાક ની નથી. હકીકત માં આપણે જેટલું બીજાનું હિત વિચારીએ છીએ ,તેટલું પોતાનું ભલું કરવાનું વિચારતા જ નથી.આંતર અવલોકન ની ટેવ ખુબ ઓછા લોકો ને હોય છે. હોય તો પણ ઉપરછલ્લી જ હોય છે. વિશ્વમાન્ય ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે ,
                                                         उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।
                                                        आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ।।
           {પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો પોતાનો નાશ પોતે ન કરવો.પોતે જ પોતાનો બંધુ છે  અને પોતેજ પોતાનો દુશ્મન પણ છે}     અધ્યાય ૬ શ્લોક ૫
      એક અન્ય પ્રચલિત શ્લોકમાં ગુરુને  બ્રહ્મા ,વિષ્ણુ અને મહેશ્વર સાથે સરખાવ્યા છે.  બ્રહ્મા સર્જક છે,વિષ્ણુ પોષક છે અને મહેશ્વર  દુષ્ટ વ્રત્તિ ના  વિનાશક છે  જીવન માં શિક્ષણ ,પરિવાર,વ્યવસાય , સંપત્તિ વગેરે નો  સર્જક મનુષ્ય પોતે જ છે. જીવનશૈલી ,આદતો અને પોતાના જીવન સિદ્ધાંતો પણ તે જાતે જ બનાવે છે ..આ  બધા નો  ઉપયોગ  સંચાલન ,પોષણ પણ તે જ કરે છે. અને  વ્યય પણ પોતે જ કરે છે .તેના  સર્જન ,પોષણ અને  વ્યય કેમ કરવા તે પોતે જ નક્કી કરે છે.
          જે આ બધું પ્રામાણિક પણે, પૂર્ણ  નિષ્ઠાથી  કરે છે ,તેને કશી ચિંતા નથી પણ જે ને કશુંક ખૂટે છે એને ગુરુ યાદ આવે છે. તમામ સ્થિતિ નો સર્જક ,પોશાક,નાશક પોતે જ હોય તો તેમાં  ખૂટતું .હોય તો  પૂર્તતા પોતે જ કરી શકે .ઈશ્વરે પશુ કરતા એક વિશેષ શક્તિ માણસ ને આપી છે અને તે એટલે  "વિચાર  શક્તિ"  શું સારું ને શું  ખરાબ, શું સાચું ને શું ખોટું , તે માણસ વિચારી શકે. જ  છે. થોડીક  જાગૃકતા અને થીડીક સંકલ્પ શક્તિ હોય તો બધી જ દુષ્ટ વૃત્તિ નો વિનાશ થાય જ .સ્વામી વિવેકાનંદ કહે છે ,"માણસ પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે" 
       દરરોજ ઈચ્છા થાય ત્યારે -છેવટે રાત્રે પોતે કરેલા નિર્ણય અને વર્તન નું ઊંડાણ થી વિચારપૂર્વક અવલોકન કરવાનું. મન ને થોડું ટપારવાનું ને થોડી શાબાશી પણ આપવાની .બીજા દિવસે થયેલી ભૂલો નું પુનરાવર્તન ન થાય તેવો પ્રયત્ન સતત કરતા રહેવો. અઘરું છે પણ અશક્ય તો નથી જ .
          ગુરુ -સદગુરુ આ જ કામ કરે છે.સાંભળે છે  વ્યક્તિ માં આત્મ વિશ્વાસ  જગાડે છે. શું આ કામ આપણે પોતે ન કરી શકીએ ? બીજાને હાર પહેરાવી ,માથું નમાવીએ એના કરતા પોતાને  શા માટે પગે ન લાગીએ? " તું કૌરવ  તું પાંડવ મનવા ,તું રાવણ તું રામ .હૈયા ના કુરુક્ષેત્રમાં પળ પળ નો  સંગ્રામ . "  આવો ગુરુપૂર્ણિમા ના પર્વે પોતાને જ પોતાનો ગુરુ બનાવી ઉન્નત જીવન ની દિશામાં પ્રયાણ કરીએ.માનવ -શ્રેઠ માનવ  બનવા તરફ એક ડગલું માંડીએ. સૌને  આત્મ અવલોકન ના આ પર્વે શુભકામના .

2 comments:

  1. પ્રેમ વંદન શ્રી દિનેશ જી, આપ નો બ્લોગ જે કહેવા માંગે છે, તે પ્રમુખ વિષય-તત્વ "સ્વ-ગુરુ" વિચાર સાથે પૂર્ણ સહમતી હોવા છતાં બ્લોગ માં ઘણું જ contradiction મહેસુસ કર્યું. વાસ્તવ માં ભાગ્યવિધાતા, વિચારશક્તિ, પોતેજ ચાહે તે હાંસલ કરે....આ તમામ "લઘુ તત્વ" ના દાયરા ની જ વાતો છે....આમાં "ગુરુ-તત્વ" જોજનો દૂર દેખાય છે....હા, ગુરુ ને શરીર રૂપે પૂજન ન કરીએ તો ચાલે...કરીયે તો પણ ચાલે...કોઈ હરકત નથી...પણ આ interdependent જગત માં જાગૃત ચેતના ના સંપર્ક વગર સ્વ-ગુરુ બની ગયા તેમ માની લેવું તે આંખે પાટા બાંધી ને heavy ટ્રાફિક roads પર 10 km ચાલી નીકળવા જેવું છે.....આંતરિક પ્રકાશ (સંજય દ્રષ્ટિ) કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તે વિષે કંઈક લખી શકાય તો લખવા વિનંતી કરું છું.

    ReplyDelete