મારે ઘેર વાઘ આવ્યો ....!! દિનેશ માંકડ ( ૯૪૨૭૯૬૦૯૭૯ )
હું જરાય ખોટું બોલતો નથી.ગઈકાલે સમી સાંજે.વાઘ આવ્યો.મેં દરવાજો ખોલી
આવકાર્યો-સત્કાર્યો.પૂરો આતિથ્ય સત્કાર કર્યો..હું જરાય ગભરાયો હતો જ નહીં.મેં આનંદથી
તેની સાથે સમય વિતાવ્યો.મસ્તી-મોજ થી છુટા પડયા.ઘણા વખતે વાઘને મળ્યા ને લીધે મન
પ્રફુલ્લિત હતું.
રાત્રે એક પત્રકાર મિત્ર નો ફોન આવ્યો.મેં વાત માં ને વાત કહ્યું,'મારે ઘેર વાઘ આવ્યો હતો.' મોબાઈલ કનેક્ટિવિટી કપાઈ, વાત અધૂરી
રહી.બીજા દિવસે તેના પેપર ની હેડલાઈન હતી -- "તેના મિત્રના ઘર માં વાઘ ઘૂસ્યો
!"
વાત સાવ ખોટી એ નહોતી ને સાવ સાચી એ નહોતી .ગઈકાલે સાંજે મારો મિત્ર સતીશ વાઘ મારે ઘેર આવ્યો હતો. પત્રકાર ની ડિસ્કનેકટીવીટી
એ કાગ ના વાઘ ની રીતે વાઘ નો વાઘ કર્યો. ( ખાસ નોંધ : જેમ સિંહ જેવા
ક્ષત્રિય સમાજે 'સિંહ ' અટક અપનાવી છે તેમ અમે પ્રાણી પ્રત્યેની સહાનુભૂતિ
ધરાવતા અમે નાગર સમાજે વાઘ,હાથી, ઘોડા,માંકડ જેવી અટક
અપનાવી ને અમારો પ્રકૃતિ પ્રેમ વધાર્યો
છે.)
'રજ નું ગજ' ,રાઈ નો
પર્વત ને 'કાગ નો વાઘ ' ગુજરાતી ભાષા ની ગમતી ને ખુબ વપરાતી કહેવતો છે.,કારણકે વ્યવહાર માં આજે ઘણા બધા -લગભગ બધા ક્ષેત્રમાં તેનો
અમલ-ઉપયોગ થાય છે.પછી તે ઘર હોય,વ્યાપાર-વ્યવસાય
ની વિજ્ઞાપન હોય કે રાજકારણ હોય,.નાની વાત કે વિગત
બધા પ્રકાર ના મરી મસાલા ઉમેરીને રજુ થાય. કેટલીય એ વાર તો તેમાં થી સાચું શું તે
શોધવા 'રેતી માંથી સોનુ શોધવા જેટલો પ્રયત્ન કરીયે તો સાચું શું તે તો ખબર જ ન પડે !!
આપણું રાષ્ટ્રીય સૂત્ર છે -"સત્યમેવ જયતે " આપણી સંસ્કૃતિ નો જીવન મંત્ર છે - :असतो माँ सद गमय
| અને છતાં
વાસ્તવિક કરુણતા એ છે કે ક્ષણે ક્ષણે
પ્રત્યક વ્યક્તિ એ સત્ય-અસત્ય તારવવા મથામણ કરવી પડે.
પહેલી વાત વર્તમાન પત્ર ની .વાચકને આકર્ષે તેવા મોટા મથાળા વાળા સમાચાર માં
કેટલું નક્કર સત્ય અને કેટલું ભેળસેળીયું અસત્ય હોય તે તો એકલો સંપાદક અને
સાંઠગાંઠીયો જ જાણે ,કારણકે શું,કેટલું અને કેમ છાપવું તે અગમ્ય પરિબળો જ કરે છે.'છાપવાનું ન છાપવું ને ન છાપવાનું
છાપવું ' એ પ્રક્રિયા પાછળ નું પીળું પત્રકારત્વ દિવસે દિવસે વધતું જ જાય છે.તટસ્થ ,નીડર અને પૂર્ણ
નિષ્ઠા વાળા પત્રકાર ગણ્યા ગાંઠ્યા જ હોવાના
એવું જ વિજ્ઞાપન નું છે . 'ખરતા વાળ ની દવા ને ગાલ ધોળા કરવાના ઉત્પાદનો કરનારા ન્યાલ
થઇ ગયા અને તોય ટાલ અને ગાલ તો ત્યાંના
ત્યાં જ રહયા .વિજ્ઞાપન ક્ષેત્ર જેટલું અસત્ય બીજે ક્યાંય નથી.ગ્રાહકની આંધળી દોટ,દેખાદેખી,,અભિભૂત
વૃત્તિ અને કાયદાની છટકબારી થી મોટાભાગ ના
( બધા નહીં ) ઉત્પાદનો મોટાપાયે
વેચાય છે .કેટલીયે વાર તો કંપની ના ઉત્પાદન ખર્ચ કરતા જાહેરાત ખર્ચ વધારે હોય ! સ્પર્ધા ના યુગ માં ટકી રહેવા વિજ્ઞાપન અનિવાર્ય છે એની ના નહીં પણ ઉપભોક્તા
ને છેતરીને કે અયોગ્ય રીતે લલચાવીને
ગેરમાર્ગે દોરવા ને જરાય ઉચિત નથી જ .એમાં ય સ્વાસ્થ્ય સંબંધિત અસત્ય કે
અર્ધ સત્ય તો ચલાવી જ ન લેવાય .
" वचन
षु किम दरिद्रम | " આજ ના સમય
માં રાજકારણ માં પ્રવેશ મેળવવા ની
પૂર્વશરત સેવાભાવના નહીં પણ -તમે કેટલું જૂઠું બોલી શકો છો - તે છે. જે પ્રજા ના
મતે ખુરશી માં બેઠા તે જ પ્રજા ને વાતો -ભાષણો થી હવા માં અધ્ધર ઉડાડ્યાં
કરવાની ને જમીન પર ના નક્કર કામો માં ગલ્લાતલા -એ સફળ નેતા ના લક્ષણ બની ગયા
છે. માણસ ની અંગત સ્વાર્થ વૃત્તિ અને ભ્રષ્ટાચાર ના ભોરિંગે અસત્યના અજગર ને અઢળક
પયપાન કરાવે છે.પ્રતિપક્ષ ના ( સાચા -ખોટા )દોષો -ખામી શોધી જૂઠાણાં ના સોનેરી વસ્ત્ર પહેરાવી પ્રજાની નિર્બળ માનસિકતા ને ગેરમાર્ગે દોરી-
પોતે જ શ્રેષ્ઠ છે -તેવું પુરવાર કરવા નો પ્રયત્ન કરવો એ જ મુખ્ય કામ .આવા
જુઠાણા થી દેશ ને કે દેશવાસીને કે કેટલું
નુકશાન થાય છે તે જોવા ની કોને પડી છે?
કેટલીયે
તો વાર એવું બને કે વારંવાર ઘાંટા
પાડીને બોલાયેલું અસત્ય લોકોના મન માં એવું તો ઠસી જાય કે લોકો
તેને જ સત્ય તરીકે સ્વીકારી લે ,પછી ભલે તે ખોટું
હોય.'સત્ય ક્યારેય છૂપાતું નથી
'આ કહેવત આજ ના સંદર્ભમાં કસોટીની એરણે ચડે છે
' મમ્મી ,આજે ભૂખ નથી
" - બહાર મિત્રો સાથે આચર-કુચર ખાઈ આવેલું
બાળક ,તેની મમ્મી ને ગમશે નહિ
એમ માની સહજ પણે ખોટું બોલી નાખે છે. '
મોડી કેમ આવી ?" એવા સવાલ નો દીકરી ફટ ખોટો ઉત્તર પાઠવી
દે-"રસ્તા માં ટ્રાફિક ખુબ હતો."
માતાની દવા લાવતાનું વારંવાર ભૂલી જાય તો પુત્ર તુરત કહી દે ,"મમ્મી રોજ પૂછું છું ,,દવા સ્ટોક માં નથી "
પરિવારમાં પરસ્પર આદર અને નિખાલસતા એટલી હદે ઓછા થતા જાય છે કે ક્યાં,કોણ ,કેટલું અસત્ય
બોલે છે તે પારખવું અશક્ય બની જાય છે.ક્રમશ; પરિવાર સભ્યો વચ્ચે નું અંતર વધતું જાય છે .કશુંક છુપાવવા ની વૃત્તિ વધતી જાય
છે.સમાજની તંદુરસ્તી ઘટતી જાય છે .
વાત રહી સોશિયલ મીડિયા ની.. 'કાલે જ
દવાખાને દાખલ કર્યા છે અને .૦ નેગેટિવ
લોહી ની જરૂર છે’ ; આવો એક જ સંદેશ
બે વર્ષ સુધી ફરે ! આરોગ્ય ની આડેધડ સલાહ
દેનારા ઊંટ વૈદો તો દેશ ની વસ્તી કરતા એ વધારે હોય તેમ લાગે છે ! રોજ બરોજ સવાર થી
સાંજ ફેંક ન્યુઝ અને જુના પુરાણા સંદેશા નો એટલો ધોધ વહે કે અતિ ઉપયોગી સંદેશા
શોધવા ફાંફાં મારવા પડે એક તબક્કે તો આવા નવરા લોકો ના ત્રાસ થી ખુબ ઘણા લોકો
આવી ઉત્તમ શોધ -સેવા થી દૂર ભાગે છે.આ ખુબ
જ મોટો સામાજિક ગુન્હો છે .ને દિવસે દિવસે તે વકરતો જાય છે.
મોટો સવાલ એ છે કે જે દેશના રાષ્ટ્રપિતા એમ કહી ગયા કે "સત્ય એ જ
પરમેશ્વર " એ જ દેશ ના નાગરિકો ના
જીવન માં પ્રત્યેક પગલે સત્ય-અસત્ય ની ચકાસણી કરવી પડે કેવું વિચિત્ર કહેવાય ?
ઘડીભર થોભી ને વિચારો.......ઈશ્વરે આપણી
સામે કેવા સત્ય મુખ્ય છે -તમે માણસ તરીકે જન્મ લીધો તે સત્ય,તમને જીવંત પરિવાર ને હરિયાળી પ્રકૃતિ આપી તે સત્ય ,તમને ઉત્તમ વિચાર શક્તિ આપી તે અનન્ય સત્ય.તો પછી એવા પ્રભુ
ના પુત્ર આપણે એટલું ન કરી શકીયે કે આપણા
મોઢે થી એકાદ પણ અસત્ય ઓછું ઉચ્ચારાય તેવો અભિગમ કેળવીએ ? કદાચ એને આપણું આ કૃત્ય ગમે અને એ સાથ આપે -શક્તિ આપે અને
આપણે પૂર્ણ સત્યમય જીવન જીવતા થઇ જઈએ -પિતા ને વહાલા પુત્ર બની જઈએ ને દુર્લભ મનુષ્ય જીવન સાર્થક કરીએ .
એની શરૂઆત આજ થી અત્યારથી જ કરીએ તો ??? શુભકામના - સત્ય
કામના .