Readers

Sunday, May 12, 2019

માં ,મારે માસ્તર થાવું છે -- દિનેશ માંકડ
      "કથરોટ મુકાયો.તેમાં ગુરુવર્ય મુ. સુમનભાઈ ના ચરણો મુકાયા "--- નજરે જોયેલું દુર્લભ દૃશ્ય વારંવાર વાગોળવાનું મન થાય છે . " કચ્છ માંડવીના વિવેકાનંદ તાલીમ કેન્દ્રના અધ્યાપક જોશી સાહેબ ને ખબર પડી કે તેમના પરમ આદરણીય ગુરુ મુ. સુમનભાઈ વૈદ્ય આજે અહીંની એક શૈક્ષણિક સંસ્થા આવ્યા છે .બધું છોડીને એ તો દોડ્યા ને  ગુરુ ચારણ માં માથું ઢાળ્યું .પણ તેમના મન માં હજુ આદર અભિવ્યક્તિ ની  અધૂરપ  વર્તાતી હતી. .ટાંગો {ઘોડાગાડી } કરી ને  ઘેર લઇ ગયા.મુ. સુમનભાઈ ને સોફા પર બેસાડ્યા   તાંબા ના કુંભ માં તૈયાર દૂધ અને જળ આવ્યાં ને કથરોટ માં મૂકેલાં ગુરુ કમલ ચરણ નું પ્રક્ષાલન થયું!  કળિયુગ માં ક્યારેય જોવા ન મળતાં આ દૃશ્ય ના સૌ પ્રેક્ષકો  ના નયન હર્ષાશ્રુ થી છલકાયાં ."
         કે ટલાય ગ્રામ્ય વિસ્તાર માં શિક્ષક  ને 'માસ્તર '  તરીકે  સંબોધવા માં આવે છે. અને  હળવી શૈલીમાં માં માસ્તર શબ્દ ના અવનવા અર્થ કાઢવા માં આવે છે. ' માં જેવું જેનું સ્તર છે તે માસ્તર ' તો  મા { સંસ્કૃતમાં '' કાર}  સ્તર એટલે સ્તર વગર નો. તો કોઈ વળી માસ {સમૂહ } ને તારનાર પણ કહે .હકીકત માં તો માસ્તર એ  Master  { માલિક કે દોરનાર } નો અપભ્રંશ છે. પણ એક વાત તો સૌ એ સ્વીકારવી જ પડે કે સમાજ ની કોઈ પણ વ્યક્તિને શિક્ષક વિના ચાલે તેમ જ નથી.
         સમયે સમયે શિક્ષકના મૂલ્ય સાપેક્ષ રીતે અલગ અલગ ખુબ બદલાય છે.વશિષ્ઠ ,વાલ્મિક ,સંદીપની પછી ચાણક્ય ને આદર્શ મનાયા પછી તો ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડો.અબ્દુલ કલામ ના આદર પાત્રો પણ જોડાયાં આખરે શિક્ષક એટલે શિક્ષક .માણસ ના જીવન માં કશુંક નવું ઉમેરે -નવી દિશા ખોલી આપે તે એટલે શિક્ષક
         દરેક વ્યક્તિ શાળામાં ગઈ હોય.,ને તેવે વખતે બધા ને 'હું શું બનીશ ?' નો નિબંધ કે વક્તૃત્ત્વ માં લખવાનું કે બોલવાનું આવ્યું જ  હોય.કોઈ કહે દાક્તર બનીશ તો કોઈ પાયલટ તો ઈજનેર બનવા ના સપના જુએ. પણ બહુ ઘણા જ વિદ્યાર્થી ના મન માં 'શિક્ષક 'બનવા ની ભાવના ખુબ  ખુબ પ્રબળ હોય.મૉટે ભાગે એનું કારણ પણ એક વિશિષ્ટ હોય.-તેમના મન માં એક આદર્શ ચિત્ર હોય -'તેમણે પ્રત્યક્ષ અનુભવેલા શિક્ષક જ હોય. જીવન ના વર્ષો વીતે પણ ગમે તે ઉંમરે દરેક ના મન માં કોઈ એક ઉત્તમ {  તો ક્યારેક  પજવેલો પણ } શિક્ષક  હોય જ .કારણ માનવ માત્ર ના જીવન માં શિક્ષક નું ખુબ ખુબ મોટું યોગદાન હોય છે. કદાચ એ પ્રત્યક્ષ હોય કે અદૃશ્ય પણ આજીવન  ખુબ મોટો પ્રભાવ વ્યક્તિ માત્ર પર પડેલો હોય હોય ને હોય જ અને આ જ તો શિક્ષક ના વ્યવસાય નું મૂલ્ય છે.
       મિત્રો, બોર્ડ-યુનિવર્સીટીના  પરિણામો આવે ત્યારે માતા-પિતા અને  વિદ્યાર્થી  ની મુંઝવણ વધી જાય .ઘણીયે વાર  ધાર્યા પરિણામો મળ્યા હોય અને ન પણ મળ્યા હોય.બહુ જ ઓછા વિદ્યાર્થીઓ એવા હોય છે જે પરિણામ થી પહેલા જ  સ્પષ્ટ હોય છે કે 'મારે કઈ શાખામાં કે વ્યવસાય માં જવું છે.' - પરિણામ થી પહેલા  આશા આકાંક્ષા જરૂર હોય પણ નક્કી તો પરિણામ પછી જ થાય.મોટેભાગે દાક્તર ,ઈજનેર સી.એ. જેવી મોટી અપેક્ષા રાખતા બધે ફરે છે .પણ પહેલેથી જ 'મારે શિક્ષક જ થવું છે ' એવો વિચાર નહિવત લોકોને જ આવે છે -એવું. કેમ ?
       જૂનાગઢ ની એ દીકરી .રાધા એનું નામ .તેજસ્વી હોવાના નાતે દસમા ધોરણ માં ૯૦ થી પણ વધારે ટકા આવ્યા .સૌ  શિક્ષકો ને શુભેચ્છકો નો પૂરો આગ્રહ કે વિજ્ઞાન પ્રવાહ માં જઈ ને ઉત્તમ કારકિર્દી બનાવે .પણ દીકરી પોતે એ ઉંમરે પણ સ્પષ્ટ .મારે સારા સંસ્કૃતના શિક્ષક -અધ્યાપક બની  મારા દેશ ની સંસ્કૃતિને વિસ્તારવા માં મારુ યોગદાન કરવું છે.અત્યારે અમદાવાદ ની ખુબ સારી કોલેજ માં અભ્યાસની સાથે એક ઉત્તમ વકતા તરીકે નામ કાઢ્યું છે.
શિક્ષક થવું શ્રેષ્ઠ કેમ ?
** કોઈને કશુંક વિશેષ એવું આપવા નો આ વ્યવસાય છે જે તેના જીવન પરિવર્તન નો  ભાગ બને છે.અજવાળું કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે.અન્ય કોઈ વ્યવસાય માં આ અન્યનતા નહિવત જ મળતી હોય છે.
** વ્યક્તિ માત્ર માં જિજ્ઞાસા હોવાની જ. શિક્ષક નો વ્યવસાય વ્યક્તિને પોતાને આજીવન વિદ્યાર્થી બનાવે  .'વ્યયે કૃતે વર્ધત એવું'-વાપરવા થી વધે તેવું ધન એટલે વિદ્યા સતત ને સતત નવા પ્રવાહ અને વિષયો સાથે વિસ્તરતા જવા ની ખુબ આદત શિક્ષક ના વ્યવસાય માં તો પડે જ.
**ખુબ પ્રામાણિક વ્યવસાય છે.અને ધારો તેટલું આપી ને તેની શુદ્ધતા વધારી ને આત્મ સંતોષ ચોક્કસ લઇ શકાય .**જીવંત વ્યક્તિઓ સાથેનું આદાન પ્રદાન અદભુત ઘટના છે જે  શિક્ષક ના વ્યવસાય માં વિશેષ મળે જ છે.
**સૌ થી કામ ની વાત -કોઈના જીવન ના આદર્શ બનવા ની અનાયાસ મળતી તક .અને જયારે આવી તક મળે ત્યારે આપોઆપ આંતર મંથન ની દૃષ્ટિ ખુલતી હોય છે . કોઈને વિકસાવવા ની દિશા માં પોતાનો થતો વિકાસ એ ખુબ મોટી વાત છે.
**વસ્તુતઃ કોઈના જીવનમાં કશુંક ઉમેરવાના  નિમિત્ત બનવું તે ખુબ મોટી વાત છે.કલ્પના કરો ,આપણા જ પૂર્વજો -વડ દાદા ના વડ દાદા એક સમયે જંગલમાં પશુ ની જેમ જ રહેતા .ઋષિ ત્યાં પહોંચ્યા અને તેઓને સમજાવ્યા કે તમે પશુ નહિ પણ માણસ છો. પછી તો કૃષિ ,કુટુંબ અને કેળવણી ઉમેરાયાં અને માણસ માણસ બન્યો.માનવ ઘડતર માં સૌથી વિશેષ ફાળો હોય તો તે ઋષિ નો છે.શિક્ષક નું કાર્ય પણ ઋષિ કાર્ય જ છે ,કારણકે તે જાણે અજાણે કોઈના જીવન માં કશુંક ઉમેરવા માટે નિમિત્ત બને છે.
        એક સમયે તો એવો હતો કે , વિદ્યાર્થીના વાત વ્યવહારમાં માત્ર શિક્ષક જ હોય ' અમારા સાહેબ કહેતા હતા કે ......' એવું બોલતા અમે સહુ થાકતા નહોતા !  આજે પણ સમય અને સંજોગ થોડા બદલાયા પણ શિક્ષક આખરે તો શિક્ષક જ છે .
    અલબત્ત થોડો સમય , પોતાના સ્વભાવ અને આદત ના નામે પંતુજી  તરીકે પંકાયા પણ હવે તો જ્ઞાન અને આર્થિક સ્તરે પણ શિક્ષક હવે 'સાહેબ-સર'  તરીકે પૂરો આદર પામતા રહ્યા છે.
        હા એટલું ખરું કે કેવળ ને કેવળ કમાવા ના દૃષ્ટિ એ શિક્ષણ કે સંસ્કાર ને ન્યાય આપવા ને બદલેકેવળ ને કેવળ ધંધાદારી બને તો તે શિક્ષક છે જ નહિ .અને કોઈ માત્ર ને માત્ર એ જ હેતુ થી શિક્ષક બનવા નીકળી પડે તો કદાચ આદર પામે તોય સાવ ટૂંકાગાળાનો જ.
       એટલું ચોક્કસ કહેવાય જ કે સમાજ માટે જેમ દાક્તર ,ઈજનેર વેપારી કે અન્ય વ્યવસાયીઓ સમાજ ની જરુરુયાત ના સંદર્ભ માં ઉપયોગી છે તેમ જ શિક્ષક પણ ઉપરના તમામ હિતકારી કરતાં એક પદ ઊંચા સમાજ ને ઉત્તમ દિશા માં લઇ જનાર અને પૂર્ણ આદરને પાત્ર હિતકારી છે.
       ને તો પછી કોઈ કહે કે સૂચવે તે પહેલાં જ 'શિક્ષક 'થવાનું મન માં આવે- સંકલ્પ જન્મે તે એ ખુબ સારી વાત છે.આવતીકાલ ની તાતી જરૂરિયાત છે સારા શિક્ષકોની -સમાજના સાચા ઘડવૈયા ની. આવા ઉત્તમ કાર્યના હિસ્સા બનવા ની અનેરી તક ઝડપી જ લેવાય જ.આપણા  સૌના સદ્ ભાગ્ય  છે કે  આપણી આસપાસ શિક્ષક બનવા  માટેની સુયોગ્ય તાલીમી સંસ્થાઓ- વિદ્યાલયો પણ બધાજ સ્તર માટે ઉપલબ્ધ છે જ જેવા કે .IITE { ભારતીય  શિક્ષણ પ્રશિક્ષણ વિશ્વ વિદ્યાલય -ગાંધીનગર } દ્વારા તો ધોરણ ૧૨ પછી શિક્ષણ સહ સ્નાતક [ઇન્ટિગ્રેટ } અભ્યાસક્રમો પણ ગુજરાતમાં જ ઉપલબ્ધ છે.
        જેનામાં માંહ્યલામાં ચૈતન્ય ભર્યું હોય તેણે વિલંબ વગર  જ ચૈતન્ય {ઈશ્વર }  ના સત્કાર્ય માં જોડાઈને પોતાનો માનવ અવતાર સુગંદિત કરી લેવો જેની સૌરભ વિસ્તરતી જ રહે -વિસ્તરતી જ રહે. અસ્તુ
દિનેશ માંકડ    {૯૪૨૭૯૬૦૯૭૯ }