Readers

Saturday, July 9, 2022

યાત્રા -સહયાત્રીઓ -2 સથવારો ,સહોદરોનો


 

યાત્રા -સહયાત્રીઓ -2   સથવારો ,સહોદરોનો

       મંજુલક્ષ્મી વટવૃક્ષ. સાત ડાળી.મોટાભાઈ  ચમનભાઈ શરૂમાં માતૃપક્ષે વધારે રહ્યા.પશુ દવાખાનામાં સેવા કરવાની તક મળી. મળતાવળો સ્વભાવ.સાહસિકતા તો ચમનભાઈની જ.ઉપાડવા જેવાં કામમાં વિલંબ જ ન કરે.મિત્ર ડો.કુમુદરાય છાયા મળ્યા. ને પૂછ્યું, 'આપણે સાયકલથી દિલ્હી જઈએ તો ?' - પડકાર ઉપાડી લીધો.આજથી પચાસેક વર્ષ પહેલાંની અસુવિધાઓની કલ્પના કરો તો જ તેમના સાહસનો ખ્યાલ આવે માતાજીના  ભક્ત તો ખરા જ.સાથે સાથે નલિયામાં સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયા.એમને ભાવગીતો ગાવાં ખુબ ગમતાં

         સરકારી ફરજની નિષ્ઠાને ધ્યાનમાં રાખી સરકારે ચાલુ નોકરીએ તેમને 'લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર 'ની એક વર્ષની તાલીમમાં વડોદરા મુક્યા. નલિયા ઉપરાંત વાયોર ગોધરા,કચ્છના સરહદી  લખપત અને છેલ્લે માંડવીમાં સેવા આપી.મૂળ કચ્છના પણ વર્ષોથી કલકતા રહેલાં નિરુપમાભાભી સાથે વિવાહિત થયા.સરળ અને ઘરરખ્ખુ પ્રકૃત્તિના ભાભીએ કચ્છ અને કુટુંબને ઘડીભરમાં પોતાના કરી લીધાં નિવૃત્ત થઇ ભુજ સ્થાયી થયા.જયદીપ ,નિપુણ અને ઝંખના ત્રણેયના અભ્યાસ અને લગ્ન પ્રસંગો ખુબ સરળ રીતે પૂર્ણ કર્યા.દૂર દૂરથી આવેલા સાળાઓને પણ કચ્છમાં સેટ થવા માર્ગદર્શક બન્યા.  તેમની શ્રદ્ધામાં એક ઓર વધારો થયો.ભુજની 24*7 ચાલતી રામધૂનમાં ચમનભાઈ -ભાભી દિવસમાં ભૂલ્યા વગર અચૂક એક વખત તો જાય જ. પુત્રવધૂઓ અને જમાઈ પણ પરિવાર પ્રેમી જ મળ્યાં .ઘર પરિપૂર્ણ થયું.

           2001 ના ભૂકંપે તેમની જબરી કસોટી કરી.તેઓ બંને રામધૂનમાં ગયેલાં અને ધરતી ધ્રુજી.ભાગતાં દોડતાં ઘર તરફ દોડયાં. રસ્તામાં તૂટતાં મકાનોના પથ્થરો ઉપરથી પડતા જાય.તેમનું ઘર સોનીવાડ એટલે ગઢની રાંગમાંથી જવું તો ખુબ ભયાનક.સદ્નસીબે બધાં સંતાનો બહાર આવી ગયેલાં. ઓચિંતું જયદીપને યાદ આવ્યું.ચંદ્રકાન્તમામા તો અંદર સુતા છે.તે અંદર દોડયા.મામાનો હાથ ખેંચ્યો પણ કમનસીબે ઉપરની છત નીચે પડી.મામા તો ન બચી  શક્યા .જયદીપનો એક પગ પૂરો ફસાયો.અફરાતફરીની સ્થિતિમાં ખુબ લાંબા સમયના પ્રયત્ન પછી પણ તેનો કુદરતી પગ બચાવી ન શકાયો.પણ આત્મવિશ્વાસ અને વડીલોના આશીર્વાદેને લીધે તે ખુબ સરળ અને સફળ જીવન રાહ પર સામાન્ય માણસ કરતાં પણ વિશેષ દોડે છે.બાળકોને પણ ઉચ્ચ ડિગ્રીઓ અપાવી છે.  દ્વિતીય પુત્ર નિપુણએ સમાજમાં ન્યાય અપાવના ક્ષેત્રમાં નિપુણતા લીધી.ઇષ્ટદેવ હાટકેશ સેવાનો ને સાથે સાથે રક્તદાન અને રાષ્ટ્રીય સેવક સંઘની દેશસેવાના પૈડાં પર દોડતા જ રહે છે.નાટ્યકલા એમને પ્રિય છે. એટલે એમાંય અપાય એટલું યોગદાન અને બંને બાળકોમાં પોતાના જ સંસ્કારની જવાબદારી ખુબ સંનિષ્ઠતાથી નિભાવે છે.દીકરી ઝંખના પણ સંતાનોના અભ્યાસ વિકાસ માટે પોતે પણ update રહીને સમય સાથે સરસ રીતે દોડે છે. ચમનભાઈ કાળક્રમે હૃદયરોગના હુમલામાં વિદાય લઇ ગયા.પણ નિરૂપમાંભાભી પરિવાર અને ખાસ તો ત્રીજી પેઢીને સથવારે ઈશ્વરભક્તિથી સુખરૂપ સમય વ્યતીત કરે છે.

            અનિલાબહેનને જન્મથી તાળવાં કાણું હતું .એટલે બોલવામાં થોડી તકલીફ રહેતી.પણ તેમના અજબના  આત્મવિશ્વાસે તેમને હંમેશ સાથ આપ્યો. મધ્યસસર અભ્યાસ પછી ઝવેરીલાલભાઈ છાયા સાથે જીવન સંગાથે જોડાયાં.પોતાની મર્યાદાઓની અસર, ક્યારેય પરિવાર-સંતાન માટે આવવા દીધી નથી. કાળક્રમે બંનેએ વારાફરતી વિદાય લીધી .બંને પુત્રો યથાયોગ્ય અભ્યાસ પછી સ્થિર નોકરીમાં જોડાયા. મોટા પુત્ર મુકેશની તો દીર્ઘ સરકારી સેવા પછી નિવૃત્તિ પણ થઇ.2020 નો કાળમુખો કોરોના તેમને ભરખી ગયો.બીજા પુત્ર સુરેશ તો ત્રણેય સંતાનોના અભ્યાસમાં અવ્વલ નંબર રહ્યા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના વિચારોથી નિસ્વાર્થ સામાજિક પ્રવૃત્તિ અને કોઈને માટે પણ કાયમી પરગજુ વિચારે તો આખાય પરિવારને ચાર ચાંદ લગાડ્યા છે.ત્રણેય પુત્રોંઓ પણ પોતાના પરિવાર સાથે સંપન્ન છે.જ્હાનવીકા તો નર્સની સરકારી સેવા બાદ કૃષિ પશુપાલનની પ્રવૃત્તિમાં ઓતપ્રોત છે.યોગેશ્વરી નબળાં સ્વાસ્થ્ય વચ્ચે પણ સંતાનોને ઉચ્ચ અભ્યાસ અને વિચારોમાં મગ્ન રહયાં છે.અંજના પણ પ્રાથમિક શિક્ષકની સરકારી સેવામાંથી નિવૃત્ત થઈને પરિવારમાં સેવા વ્યસ્ત રહે છે .આખાય પરિવાર પણ વડીલોના મૂંગા આશીર્વાદ વર્તતા હોય તેમ ચોક્કસ વર્તાય.

         ધનસુખભાઇ શિક્ષણના જીવ.સમયસર પી.ટી.સી.તાલીમ લઇ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા.કચ્છમાં મોટેભાગે ગ્રામ્ય વિસ્તારો મળે.ભુજપુર,વરસામેડી ,માનકુવા,ખેડોઇ ગોધરા,કોટડી મહાદેવપુરી અને બીજા અનેક નાના મોટાં ગામોના બાળકોના પ્રાથમિક શિક્ષણ થકી જીવન બદલાવ્યા હશે.પૂજ્ય ભાઈના નિવૃત્ત થયા પછી મુખ્ય ઘર શરૂઆતમાં ગોધરાને પછી માંડવી રહ્યું.એટલે ગોધરા હાઈસ્કૂલમાં મારો બાકીનો માધ્યમિકનો અભ્યાસકાળ વીત્યો.ગોધરા રહ્યાનું અને માર્ગદર્શનનું મારા પરનું એમનું ઋણ ચોક્કસ રહ્યું..ઘર માંડવી ગોઠવાયા પછી પણ ધનસુખભાઈનું મોટાં ઘર માટેનું યોગદાન ભૂલાય તેવું નથી. કચ્છના કોઈપણ ગામમાં હોય શનિ રવિ માંડવી વડીલો પસે હોય જ.

         સાવિત્રીભાભી સાથે મંગળ જીવનયાત્રા શરુ થઇ ભાભી પણ શિક્ષિકા એટલે તો ગ્રામ્ય બાળકોની બેવડી સેવા શરુ.ત્રણેય સંતાનોના અભ્યાસ પણ ગ્રામ્યમાં હોવા છતાં કાળજીથી અને અગવડ વેઠીને પણ ઉચ્ચશિક્ષણ સુધી પૂર્ણ કરાવ્યું.પોરસ માધ્યમિક શાળામાં વહીવટી સેવામાં જોડાયા ,શક્તિબેન પણ માધ્યમિક શાળામાં  વિજ્ઞાનશિક્ષિકા બની ગયાં. બંનેના સરસ સુપાત્રો મળતાં તેમના જીવનપથ પણ શરુ થયા.ઉર્વીબેનએ  ગુજરાત વિદ્યુત નિગમમાં પોતાની સેવા શરુ કરી.સાવિત્રીભભીઍ ઓચિંતી વિદાય લીધી. ધનસુખભાઇ હવે પિતૃ-માતૃત્વની સંયુક્ત ભૂમિકામાં આવ્યા.ઓચિંતા એમણે પણ વિદાય લીધી સમયના સથવાર ઉર્વીબેન પણ સહ જીવનમાં જોડાઈ ગયાં. બંને વડીલોના આશીર્વાદથી  ત્રણેય સંતાનો.પોતાના જીવન અને કાર્ય ક્ષેત્રમાં વિકસી રહયાં છે. 

          જ્યોત્સ્નાબેન તો પહેલેથી હંમેશ માતુશ્રી મોટીબેનના ઘરમાં ને વ્યવહારમાં સાથીદાર રહયાં. ઘડાયાં.1965 માં પ્રદ્યુમ્નભાઈ અંતાણી સાથે લગ્ન થયા. કચ્છ છોડી જૂનાગઢ..નવું વાતાવરણ.ખુબ ઘડાયાં.બનેવીની પણ ગુજરાત વિદ્યુત નિગમમાં બે ચાર શહેરોમાં બઢતી સાથે બદલી થતી રહી.કિન્નર ,હર્ષાયું અને વિવેકના અભ્યાસ પણ આગળ વધતા રહ્યા વેકેશનમાં કચ્છ અને મોસાળ વહાલું થાય..જ્યોત્સ્નાબેનને થોડી શરીર લેણાદેવી કસોટી રહી.શરૂમાં પેટની ગાંઠની શસ્ત્રક્રિયા થઇ.છતાં ઘર પરિવારની સખ્ત પરિશ્રમથી સેવા જ તેમનો છેક સુધી જીવન મંત્ર રહ્યો.પ્રદ્યુમનભાઈની પાંધ્રો કચ્છ બદલી થતાં ભુજ સ્થિર થવાયું. સંતાનો પણ ગોઠવાતાં ગયાં સમયાંતરે બનેવીએ અચાનક વિદાય લીધી.  કીન્નરએ ગુજરાત વિદ્યુત નિગમમાં જ સેવા સ્વીકારી.હર્ષાયું અને વિવેકને સ્વતંત્ર વ્યવસાયની રુચિ હોઈ કમ્યુટર અને શિક્ષણના વર્ગો શરુ કર્યા. સુકન્યા પ્રાપ્ત થતાં કીન્નરની પણ સહજીવન યાત્રા શરુ થઇ ગઈ.

           જ્યોત્સ્નાબેનને વધારે એક બે વખત શરીરે સંઘર્ષ વેઠવો પડ્યો પણ એમણે સહજતાથી કષ્ટ વેઠી લીધું...જ્યોત્સ્નાબેન મૂક બની હસ્તે મુખે સહુની સેવા કરતાં રહયાં નિકટના બધા જ પરિવારના નાના કે મોટા પ્રસંગ હોય તો જાતની શરીરની પરવા કર્યા વગર સતત ખડે પગે ઊભાં જ હોય.એટલું જ નહિ તેમના પરગજુ સ્વભાવે બધા જ પાડોશીની અગવડ  સગવડે પણ દિવસ રાત જોયા વગર પહોંચી જાય.પોતાની શરીરની વ્યથા કોઈને કહ્યા વગર સહન કર્યે જાય.બસ એમાં જ એક દિવસ અચાનક જ એક બે દિવસની સારવાર વચ્ચે સાવ અણધાર્યાં જ જતાં રહયાં. સંતાનો અને બે તરવૈયા પૌત્રો પર 'બા' ના આશીર્વાદ સદાય ઉતરે છે.નિકટ પરિવારોને પ્રસંગે પ્રસંગે તેઓ જરૂર યાદ આવશે.

             પૂરો સંઘર્ષ છતાં પુરેપુરો સાથ -એનું બીજું નામ અરુણભાઈ .એસ.એસ.સી પૂરું થયું ને પ્રાથમિક શિક્ષક, પણ ક્યાં?  ભુજથી દોઢસો કી.મી.થી પણ વધારે દૂર લાઈટ વગરના સાવ નાના ગામ બાંડીયામાં ભુજ આવવાની પણ ખુબ ઓછી સુવિધા.પી.ટી.સી. કર્યું પણ એવાં દૂરના સ્થળો રહયાં.કોલેજ શરુ તો કરી.અને અગવડો વચ્ચે હાજરી ,પરીક્ષાઓ આપી.સફળતાથી બી.કોમ અને પછી એમ.કોમ  બી.એડ. અને એલ.એલ.બી. પણ પૂરાં કર્યા,લાંબા સમય પછી માંડવી તાલુકો મળ્યો. સમયના સથવારે અરુણભાઈ થોડો સમય પ્રૌઢ શિક્ષણમાં  કો ઓર્ડીનેટરની સેવા આપીને સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં જોડાયા શરૂમાં નખત્રાણા અને પછી. ભુજ જ મળ્યું.આગલાં વર્ષોના સંઘર્ષ સામે કુદરતે જોયું

             માંડવીના મોટાં ઘરના વ્યવસ્થા અને .સંચાલનમાં હારોહાર રહયા...હર્ષાભાભી સંગે જોડાયા.તેઓ પણ શિક્ષિકા..સરળ અને શ્રમ ઉઠાવવાની ટેવવાળાં. .બંને વડીલોના ગયા પછી સહુને પૂર્ણ માર્ગદર્શન અને સહકાર અરુણભાઈનો સદાય હોય જ અને છે. વડીલોની કાયમી યાદગીરી રહે તે માટે  તેમના નામનું ટ્રસ્ટ બનાવીને તે દ્વારા થાય તે પ્રકારની બધી સેવા આપતા જ રહે છે. બંને પુત્રોના ઉચ્ચ અભ્યાસ સંપન્ન કરાવ્યા અને બંને ભુજ કે નજીક  સારા વ્યવસાયમાં ગોઠવાયા  ભાવેશ પ્રતિષ્ઠિત ફૂડ પ્રોડક્ટ પાર્લે કંપનીમાં ઈજનેર તરીકે અને મૌલેશ કેનેરા બેન્ક નિષ્ઠાથી સેવા આપે છે. પિતાશ્રીની જેમ અરુણભાઈની કલ્યાણેશ્વર પ્રત્યેની શ્રદ્ધાએ બંને વેવાઈઓ અને પુત્રવધૂઓ -સુકન્યાઓ પણ ખુબ શુશીલ મળી છે. નિવૃત્તિ પછી અરુણભાઈ અને હર્ષા ભાભી,બંને પૌત્ર અને પૌત્રી સાથેના મંગળમય પરિવારમાં મહાલે છે.

          વર્ષાબહેન અમારામાં સહુથી નાના એટલે પહેલેથી લાડ ચાંગ તો હોય જ. અભ્યાસમાં સરેરાશ પણ નાનપણમાં ગિલ્લી ડંડા રમવામાં કોઈની ગિલ્લી વાગી ને એક આંખ કાયમી અલ્પ ઈજાગ્રસ્ત થઇ.તો ય એસ.એસ.સી  પૂર્ણ કર્યું.પહેલેથી માનવસેવાની વૃત્તિવાળા એટલે નર્સિંગની બે વર્ષની તાલીમ લીધી.શરૂમાં તો રાજકોટ જીલાનું અંતરિયાળ ગામ મળ્યું. હિમ્મત ન હાર્યાં તકલીફ તો ઉપાડી જ. ગ્રામ્ય વિસ્તારના અલ્પશિક્ષિત લોકોમાટે  ગમે તે સમયે હંમેશ ખડે પગે ઉભા રહે.તેમની સેવા સામે ભગવાને જોયું.થોડાં વર્ષો પછી કચ્છના અબડાસાનો ગ્રામ્ય વિસ્તાર મળ્યો.

        વડીલોની સેવામાં સદા તત્પર અને વડીલોની અંતિમ સમય સુધી સેવા આદરી.અને સ્વભાવે લાગણીવાળાં એટલે સહુની સાથે ફાવે. અબડાસાના વિસ્તારમાં તેમની આસપાસ ટપાલ કચેરીમાં સેવા આપતા શ્રી હરેશભાઇ સાથે વિચારો મળ્યા.અને  સંગ જીવન સ્વીકાર્યું.બંનેની નિવૃત્તિ પછી ભુજ આવી સહુની સાથે હળીમળી સમય પસાર કરવાનો. ધર્મ અને થાય તેટલું વાંચન કરતાં કરતાં આનંદમય રીતે રહેવું એ બે ય નો ક્રમ.સાથે સાથે ચાર આઠ દિવસે બધાના ખબર અંતર પૂછી લેવાનું પણ ન જ ભૂલે.

          થોડીક વાત મારી.( દિનેશની ) અલગ મારી યાત્રા શ્રેણીમાં ત્રીસેક લેખ થયા છે .જેની બ્લોગ લિંક mankaddinesh.blogspot.co. હું દર વખતે મુકું છું.છતાં બે ચાર વાક્યમાં અલપઝલપ. .મુન્દ્રામાં બાળપણમાં બીકણ જાહેરાતના લાંબા માણસની બીકથી ઘેરથી ઝેરીયા સાહેબ  શાળા માટે લેવા આવે .બહેનો પાસે ન ભણાય એટલે અરુણભાઈના વર્ગમાં ગંગારામ સાહેબ પાસે ભણવાનું.પૂજ્ય ભાઈની બદલીઓ સાથે સાત આઠ પ્રાથમિક શાળા અને ત્રણ માધ્યમિક શાળા .બી.કોમ .એમ.કોમ અને બી.એડ.ચાલુ નોકરીએ.ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક -પહેલાં જી.ટી.અને પછી 20 વર્ષ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય. આ બધા સમયમાં વડીલોની સેવાની અણમોલ તક મળી..ગમતું લેખન કાર્ય પણ વધતું રહ્યું. આકાશવાણી, .વિવિધ સામયિકોમાં લેખો,પાંચેક પુસ્તકો ,બ્લોગ અને હજી ગમતું જે લખાય તે...

          અમદાવાદમાં કેન્દ્ર સરકારની કચેરી એ.જી.માં ઓડિટર એવાં રંજના હવે  મારી સાથે જીવન હિસાબ માંડવા જોડાયાં પણ મારો અમદાવાદ બદલી ખુબ કપરી.સાડા તેર વર્ષ લક્ષ્મણ અને ઉર્મિલાની જેમ વિતાવ્યાં.પણ શ્રદ્ધા ને ધીરજનું પરિણામ. અમદાવાદમાં 14 વર્ષ આચાર્યપદ ભોગવી નિવૃત્તિ.રંજનાની પણ એકાઉન્ટન્ટ ,સિનિયર એકાઉન્ટન્ટ અને પછી સુપરવાઇઝર ની બઢતી પામીને એ જ રીતે સમયાનુસાર નિવૃત્તિ.દીકરો પાર્થ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અમદાવાદ પછી સદ્નસીબે અહીંની જ હોમિયોપથી કોલેજમાં પ્રવેશ ડો.પાર્થનું ક્લિનિક શરુ.સાથે સાથે એમ.ડી. ( હોમિયોપથી ).  ઈશ્વર કૃપા અને વડીલો આશીર્વાદથી અંજારના પ્રતિષ્ઠિત પરિવારના અને હોમિયોપેથીના જ  ડિગ્રીધારી ડો.ગ્રીવા પુત્રવધુ મળ્યાં બંને ક્લિનિકમાં વ્યસ્ત.. પાર્થના ક્લિનિક સાથે કોલેજમાં પ્રોફેસરની સેવા સાથે અંગત શોખમા સાહિત્ય અંગીત અને કાઉન્સિલિંગ પણ ખરાં આ લખાય છે ત્યારે સાત વર્ષની શર્વાણી અને ત્રણ વર્ષની પરાર્ઘ્યા સાથે અમારા 24 કલાક ક્યાં જાય તે ખબર નથી પડતી.

          ઈશ કૃપા અને વડીલોના આશીર્વાદથી આ વટવૃક્ષ વિસ્તરતું જ રહે છે.ફૂલ્યુંફાલ્યું રહે છે.કાળક્રમે કોઈ પાંદડાં ખરે પણ સદા ખીલેલું રહેતું આ વટવૃક્ષ 'કુટુંબમેળા' ની ગલી ઓ માં રોજેરોજ મળતું રહે છે સદા સુવાસ પ્રસરાવતું રહે છે.

દિનેશ લ.માંકડ 

ચલિત દુરભાષ 9427960979