Readers

Friday, September 9, 2022

યાત્રા -31 - જગન્નાથ પુરી ,ગંગાસાગર ,કલકત્તા યાત્રા

                                             

  યાત્રા -31  - જગન્નાથ પુરી ,ગંગાસાગર ,કલકત્તા યાત્રા               દિનેશ લ. માંકડ  9427960979

           જીવન યાત્રામાં  સાચી યાત્રા ઉમેરાય તેનો આનંદ વિશેષ હોય આ રહી તેની વિગત

            દરરોજ પૂર્વમાં જયારે સૂર્યનારાયણના દસર્શન કરીએ ત્યારે થાય કે આપણાં જ ભારતદેશના પૂર્વના રાજ્ય ને ક્યારે જોઈશું ? એમાંય અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન પછી થાય કે પુરીના જગન્નાથના દર્શન તો કરવાં જ જોઈએ.દસેક વર્ષ પહેલાં ચારધામ યાત્રા વખતે માં ગંગાના મુખ-ગંગોત્રીનું આચમન કરેલું.તો ગંગાજીના સાગર મિલનના અંતિમ ગંતવ્ય-ગંગાસાગરનું આચમન પણ કરીએ તો યાત્રા પૂર્ણ થાય.

          ગુજરાતના પ્રતિષ્ઠિત અને પ્રામાણિક શ્રી અજય મોદી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સએ આ યાત્રાનું પેકેજ જાહેર કર્યું ને તક ઝડપી લીધી. મીનાબહેન -અજયભાઇને ફોન કર્યો ને અમારૂં ( દિનેશ અને રંજનાનું  ) બુકીંગ થઇ ગયું.પરિવારના દ્વારકા પ્રવાસમાં વાત કરી તો મુકેશભાઈ શુક્લ ( સાળા ) અને માધવી બહેનએ સાથે આવવા ઈચ્છા વ્યક્ત કરી .ત્યાંથી જ બુકીં ગ માટે  ફોન કર્યો અને  તેમનું પણ પાકું થઇ ગયું. સોનામાં સુગંધ ભળી. જતાં 2 nd  2 tyre AC  ટ્રેન અને વળતાં પ્લેન નો વિકલ્પ સ્વીકાર્યો. વોટ્સએપ PURI GROUP -1  બની ગયું.જરૂરી માહિતી,સૂચના  અને ફોટા આવતા ગયા.નાની મોટી તૈયારી પણ શરુ થઇ ગઈ.શ્રાવણના સરવરિયાં ચાલુ હતાં એટલે છત્રી રેઇનકોટ પણ મૂક્યાં .

          આખરે પ્રતીક્ષા પૂર્ણ થઇ.24 મી ઓગસ્ટ 2022 ના રોજ  સાંજે 7 વાગ્યે ગાંધીધામ-પુરી ટ્રેનમાં બેસી રવાના થયાં.મુકેશભાઈ અને માધવીબેનની બર્થ પણ સાથે જ હતી એટલે સુવિધા ખુબ સરળ રહી.મુસાફરી લાંબી હતી એટલે ઘેરથી લીધેલાં સુખડી ( ગોળપાપડી ) થેપલાં ,દહીં વગેરેની જ્યાફત ઉડાવી .મુકેશભાઈ તો રેલવે પેન્ટ્રીની કટલેશના ચાહક હતા.અને ખાધી .જો કે કટલેશે બીજા બાર કલાક પરચો પણ બતાવ્યો.અમારી યાત્રામાં 100 આસપાસ યાંત્રિક ભાઈ બહેનો હતા એટલે ડબ્બામાં પરિચિત વાતાવરણ બની ગયું હતું. બે રાત્રી સાથેની 37 કલાકની ટ્રેન યાત્રા સરળતાથી પસાર થઇ.

          26 મી ઓગસ્ટ શુક્રવારના રોજ સવારે 8 વાગ્યે 1800 કી.મી.દૂર પુરી પહૉચ્યા.અજયભાઈ પોતે અને આખી મેનેજર



ટિમ અમારી સેવા માટે તત્પર હતી.અલગ અલગ વાહનોમાં સ|માન સાથે હોટેલ સ્વસ્તિક મંડપ પહોંચ્યાં.પુરી સુવિધાવાળા રૂમો..તાજામાજા થઇ બધા મોટા ભોજનખંડમાં પહોંચ્યાં મહેમાન ગતિમાં અજયભાઈની તોલે કોઈ ન આવે.અમદાવાદના જ રસોયા,.અમદાવાદથી જ લાવેલા કરિયાણા-મસાલા તેલ ઘી જ વપરાય.ગરમાગરમ  નાસ્તો કરી ,બપોરે ભગવાન જગન્નાથના દર્શન માટે જવા પહેલાં, સહુ ટ્રેનનો થાક ઉતારવા રૂમ પર પહોંચ્યાં બે વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથજીના દર્શને પહોંચ્યા

             नीलांचल निवासाय नित्याय परमात्मने।      बलभद्र सुभद्राभ्याम् जगन्नाथाय ते नमः।।



          દેશની સૌથી મોટી રથયાત્રા માટે પ્રચલિત હાલનું જગન્નાથ મંદિર,  ગંગાજીના પરમ ભક્ત રાજા અનંતવર્મા દ્વારા 12 મી સદીમાં પુનરોદ્ધાર કરવા આવ્યું છે.જેમાં તાંબાની પ્લેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.મહાભારતમાં જણાવ્યા અનુસાર ભરત અને સુનંદાના પુત્ર ઇન્દ્રયુમન દ્વારા સૌ પ્રથમ મંદિર બંધાવવામાં આવ્યું હતું. જગન્નાથજી મંદિર માટે અન્ય કેટલીક શ્રદ્ધા ઉત્પન્ન કરનારી  પૌરાણિક વાતો પણ પ્રચલિત છે. |માન મોબાઈલ,પગરખાં રાખવાની ઉત્તમ વ્યવસ્થામાંથી પસાર થઈને મંદિરે દ્વારે પહોંચ્યા .ખુબ ઓછી ભીડને કારણે સરસ દર્શન થયાં .'પંડા વગેરેથી જાગૃત રહેવું પડે નહીંતર પાકીટ સહીત પૈસા જાય '- એવી અજયભાઈની પૂર્વ સૂચના કામે લાગી. સાંજે ચાર વાગ્યે મંદિરની ધ્વજાનું આરોહણ જોવાનો એક વિશેષ આનંદ છે.સહુ સમયસર ગોઠવાઈ ગયા.220 ફિટ ઊંચા શિખર પહેલાં પર બે આરોહક, ભક્તોએ નોંધાવેલી ધ્વજાઓ લઈને જાય. મુખ્ય ધ્વજા મંદિર તરફથી ચડાવાય છે જયારે આજુબાજુની અનેક ધ્વજા ભક્તો નોંધાવે છે .ગ્રુપમાંથી અજયભાઈએ ,મુકેશભાઈએ તથા અન્ય થોડા મિત્રોએ પણ ધ્વજા નોંધાવી.પીતામ્બર પહેરેલા આરોહકો બધી ધ્વજા પોતાના શરીર પર ચારેબાજુ લપેટે. નાના શિખર પર થઈને  બાંધેલી સાંકળ પર ઊંધા -આપણા તરફ મોં રાખીને ખૂબ ઊંચા  શિખર  ચડતા જોઈને  અસલ હનુમાન યાદ આવી જાય! મુખ્ય ખુબ મોટી ઘ્વજા શરીર પર લપેટીને ત્રીજા આરોહક નીકળે ઉપર ચઢે, ઉપર હનુમાનજીના મંદિરમાં આરતી કરે આપણને બતાવે અને પછી 220 ફિટ ઉપર કદાવર સુદર્શન  ચક્રની ઉપર મુખ્ય ધ્વજારોહણ કરે. દર્શકો ભવ્ય નાદ સાથે  તેને વધાવી લે.આ અદભુત દૃશ્યનો લાભ અચૂક લેવાય.મંદિરનું વિશાળ  રસોડું  જોવાનું સામાન્ય લોકો માટે પ્રતિબંધિત છે પણ વિશેષ છૂટ લઈને જોયું. ડાંગરને સાંબેલાંથી છડીને જે ચોખા તૈયાર થાય તેને કાષ્ટ અગ્નિથી રંધાય.માટીના મોટા ઘડામાં મૂકી એક ઉપર એક એમ સાત ઘડાવાળી અનેક હાર ,અનેક ચૂલા પર મુકાય...કહેવાય છે કે ઉપરના ઘડાના ભાત પહેલા રંધાય છે. રોજ હજારો લોકોને તે પ્રસાદ તરીકે વિતરણ થાય.મંદિરમાંથી બહાર નીકળી ગોલ્ડન બીચ ( સ્વર્ગદ્વાર ) ગયા.સેંકડો લોકો એકઠા થાય છે.તોફાની દરિયો જોઈને ગુજરાતીઓને ગરબા જ યાદ આવે. રેતીમાં ગરબે ઘૂમ્યા .મજાક મસ્તી વચ્ચે મહાસાગરમાં પગ પખાળી હોટેલ પર પહોંચ્યાં.ભોજન તૈયાર હતું.

        તારીખ 27મી, બીજે દિવસે સવારે ભરપેટ નાસ્તો પૂર્ણ કર્યો. ત્રણ બસ A,B C આવી ગઈ.આજે શહેર બહારના સ્થળો હતાં .અજયભાઈને અગાઉથી યાત્રી નંબર અને સીટ નંબર આપ્યા હોવાથી ખુબ સરળ રહ્યું.પ્રાચીન રામ ચંડી મંદિરના દર્શન કરી ,કોણાર્કના સૂર્યમંદિર તરફ.. પુરીથી આશરે 35 કી.મી દૂર આવેલું 13 સદીમાં બંધાયેલું દેશનું સૌથી પ્રાચીન કોણાર્કનું સૂર્યમંદિર 1984 થી  યુનેસ્કો દ્વારા "વિશ્વ વારસા યાદી " મુકાયું છે.ઈસ્વીસન 1250 માં પૂર્વ ગંગા પ્રદેશના સૂર્યપૂજક રાજા નરસિંહદેવ દ્વારા  24 પૈડાંવાળા વિશાળ અલંકારિક રથ આકારનું દેશનું સૌથી પ્રાચીન અને સૌથી મોટું આ સૂર્યમંદિર બંધાવવામાં આવ્યું..સાત અશ્વો દ્વારા હંકારતા આ રથની આગળના ભાગમાં સૂર્ય સારથી અરુણ બે હાથમાં કમળ લઈને ઉભા છે ,એવું મૂળ મંદિરમાં હતું ઈ.સ.1837 ના સંદર્ભ અનુસાર મંદિર 229 ફિટ ( 70 મી.) અને મંડપ 128 ફિટ (39 મી) ઊંચાં હતા. .કાળક્રમે સંભાળ નથી લેવાઈ અને સંપૂર્ણ મંદિર સાવ જર્જરિત છે અંદર પ્રવેશ પ્રતિબંધિત છે.અશ્વો વગેરેના ખંડિત અવશેષો નજરે પડે છે  ભારતની અતિ પ્રાચીન સ્થાપત્ય કલાનું પ્રતિનિધિત્વ કરતુ કોણાર્ક મંદિર ચોક્કસ રીતે યોગ્ય જાળવણી માંગે છે.



         નજીક આવેલ ચંદ્રભાગા બીચ પર ફોટા પાડી ને આગળ વધ્યા. ભુવનેશ્વર નજીક ,ઊંચાઈ પર આવેલ સમ્રાટ અશોકે બંધાવેલ ધૌલગીરી શાંતિ સ્તૂપ, મરામત કાર્ય ચાલતું જોઈ ન શકાયો.ઝરમર વરસાદ વચ્ચે એ જ ઊંચાઈ પર ધૌલેશ્વર મહાદેવના દર્શન કરી સંતોષ માન્યો..આમ તો ઉદયગિરિ ખડગિરીની ગુફાઓ આજના આયોજનમાં હતી પણ સમયના અભાવે તેને અવગણી આગળ વધ્યા. અહીં અંધારું વહેલું થાય એટલે પુરાતત્વ અવશેષ જોવાનો આનંદ અજવાળામાં લેવાય.આગળ લિંગરાજ ભવ્ય શિવ મંદિરના દર્શનનો સંયોગ, શ્રાવણી અમાસના રો જ થયો તે અમારું વિશેષ સદ્ભાગ્ય ગણાય ભુવનેશ્વરના સૌથી વિશાળ શિવ મંદિર લિંગરાજના મુખ્ય શિખરની  ઊંચાઈ 180 ફિટ ( 56 મીટર ) છે.11 મી સદીના અંતમાં સોમવંશી રાજા યયાતિએ આ મંદિર બંધાવ્યું છે..સંસ્કૃત ગ્રંથો તો સૂચવે છે કે મૂળ મંદિરની સ્થાપના તો સાતમી સદીમાં લલાટ ઇન્દુ કેસરી ( ઈ.સ615 થી 657 ) એ કરેલી.25 લાખ ચોરસ ફૂટમાં વિસ્તરેલાં આ મંદિર માટે  એક વિદેશી મુલાકાતી  James Fergusson (1808–86),(  નોંધે છે )-" a noted critic and historian rated the temple as "one of the finest examples of purely Hindu temple in India".[1] It is enshrined within a spacious compound wall of laterite measuring 520 ft (160 m) by 465 ft (142 m). The wall is 7.5 ft (2.3 m) thick and surmounted by a plain slant coping."- ગર્ભગૃહમાં આઠ ફિટ ઊંચું અને આઠ ફિટ પહોળું શિવલિંગ વિરાજમાન છે...જગન્નાથજીના માસીનું ઘર એટલે સાક્ષીગોપાલ .દસ વાગી ગયા તો પણ અજયભાઈએ ફોન કરી મંદિર ખુલ્લું રખાવેલું.વિશાળ મંદિર જોયાનો લહાવો લીધો.રાત્રે હોટેલ પરત. અને સ્વાદિષ્ટ ભોજન  રસ્તા વચ્ચે પણ બપોરના ઉત્તમ ભોજન વ્યવસ્થા ભુલાય તેવી નથી.

          આજે તારીખ 28 ઓગસ્ટ. ગઈકાલે સમયના અભાવે ઉદયગિરિ ગુફાઓ પ્રવાસીઓ દ્વારા જોવાની રહી ગઈ એનો અફસોસ અજયભાઈના મનમાં હતો જ તેમણે આગલા દિવસે 27 મીએ જ રાત્રે જેમની ઉદયગિરિ ગુફાઓ જોવા જવામાં રુચિ હોય તેમની સંમતિ મંગાવી લીધી. 28 મી સવારે બે નાના ટેમ્પો ટ્રાવેલ વાહન આવી ગયા.લગભગ 60 કી.મી.દૂર ભુવનેશ્વર પાસે આવેલ ભારતની અતિ પ્રાચીન સ્થાપત્ય કલામાં એક એટલે ઉદયગિરિ ગુફાઓ.દરેક ગુફા પાસે પોતાનો ઇતિહાસ છે.આ ગુફાઓની કથા કલિંગની લડાઈ સાથે જોડાયેલી છે.સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન પણ આ ગુફાનું સાક્ષી બનેલું છે.સારો ગાઈડ મળી જતાં ગુફાઓ જોવાનો આનંદ બેવડાઈ ગયો.પાસે જ ખંડગિરિની ગુફાઓ છે. 



1 લી સદીમાં રાજા ખારવેલ દ્વારા જૈન મુનિઓના તપ માટે બનાવાયેલ ઉદયગિરિની 18 અને ખંડગિરિમી 15 ગુફાઓ, હાથી ગુફા,અનંત ગુફા,સર્પ ગુફા,જય વિજય ગુફા જેવા નામોથી ઓળખાય છે. પુરી તરફ પ્રયાણ કર્યું. વળતાં ડ્રાઈવર સાનુકૂળ હોઈ ચંદન સરોવર ( જ્યાં મહા પ્રભુજી સ્નાનાર્થે આવતા.) અને ભગવાન જગન્નાથજીનું મોસાળ 'ગુંડિચા મંદિર ( બપોરે બંધ હોતાં બહારથી )  જોયાં -આ બન્ને સ્થળ અહીં રોકાયેલા માટેના સાઈટ સીનના સ્થળ હતાં જે અનાયાસે અમારા જોવાઈ ગયા. બપોરે 2.30 વાગ્યે હોટેલ પાછા ફર્યાં તો દૂધપાક અને માલપુઆ અમારી રાહ જોતાં હતાં

            ઈ.સ..પૂર્વે 507 પહેલાં વૈદિક સંસ્કૃતિને સાચવી રાખવા જેણે ભારતવર્ષના કેરળ પ્રદેશમાં જન્મ લીધો તે આદિ જગદગુરુ શંકરાચાર્ય એ દેશની ચારેય દિશામાં મઠ-પીઠની સ્થાપના કરી.દક્ષિણમાં કર્ણાટકમાં શૃંગેરી શારદાપીઠ ,ઉત્તરમાં બદ્રીનાથમાં જ્યોતિર્મઠ ,પશ્ચિમમાં દ્વારકામાં દ્વારકાપીઠ અને પૂર્વમાં પુરીમાં ગોવર્ધન પીઠ. ગોવર્ધન મઠ -પુરી.અમારા સહીત થોડા પ્રવાસીઓ રીક્ષા કરીને તેના દર્શને ગયા.


પૂજ્ય શંકરાચાર્યની ગાદી ,વિમલા માતા નું મંદિર અને દામોદર કુંડ અહીં છે. ભૂમિની પવિત્રતાનો અહીં ચોક્કસ અનુભવ થાય. ગંગા સાગર તરફ જવા માટે પુરી-હાવરા ટ્રેન દ્વારા રાત્રે આઠ વાગ્યે જવાનું હોઈ ચેક આઉટની તૈયારી શરુ થઇ. સામાન માંથી ગંગા સાગર માટે એક જોડ કપડાં ટુવાલ સાથે રાખીને બધો જ સામાન ટુર મેનેજર્સને સોંપી દીધો.બરાબર રાત્રે આઠ વાગ્યે હાવરા તરફ જવા ટ્રેન ઉપડી. 2 nd  2 tyre AC  અને મોટા ભાગના આપણા જ પ્રવાસીઓ એટલે પ્રવાસ ખુબ  સુગમ.

        તારીખ 29  મી ઓગસ્ટ સવારે 4.45  વાગ્યે હાવરા સ્ટેશને પહોંચ્યા. હાવરા સ્ટેશને માધવી બહેનના પિતરાઈ ભાઈ મળવા આવ્યા.મેટ્રો શહેરમાં સવારે પાંચ વંઞે ઉઠી દોડીને મળવા આવવું, એમની સાચી આત્મીયતા  વ્યક્ત કરતુ હતું.ખુબ મળતાવળા નિકટના કલકત્તામાં મળે તે ખુબ  સારું લાગ્યું. અજયભાઈના ઉત્તમ આયોજનમાં બધો જ સામાન છોટા હાથી લોડિંગ ટેમ્પામાં સીધો કલકત્તાની હોટેલ પર પહોંચ્યો.અમારે માટે 2*2 AC  બસ તૈયાર જ હતી.મા ગંગાનું નામ લઇ બસમાં બેઠા.60 કી.મી. દરિયાઈ પટ્ટીના મધ્યમ રસ્તો કાપ્યા પછી યાંત્રિક હોડીમાં આશરે દસેક કી.મી. બંગાળના ઉપસાગરમાં પસાર કર્યા., ત્યારે ફરી બસ તૈયાર આશરે 36 કી.મી.દૂર ગંગા સાગર.કિનારા પર જવા. રીક્ષાનો સહારો લઇ આખરે જ્યાં ગંગાજી સાગરને મળે છે તે પવિત્ર સ્થાન પર પહોંચ્યા

                . सर्व तीर्थेषु यत पुण्यं सर्व दानेषु यत भवत लभते पुरुषः सर्वं स्नात्वा सागर सङ्गमे |



          ગંગા સ્નાન અને વિધિસર પૂજાથી મન પ્રફુલ્લિત થયું  પાસેના કપિલ મુનિ મંદિરના દર્શન.  પૌરાણિક કથાનુસાર શ્રી રામના વંશજ રાજા સગરએ 100 મોં અશ્વમેધ યજ્ઞ આરંભ્યો હતો.ઇન્દ્ર થી તે સહન ન થતાં તેમણે સગરના ઘોડાને કપિલમુનિના આશ્રમમાં સંતાડી દીધા.ઘોડાને શોધવા રાજા સગરના 60000 પુત્રો નીકળ્યા.ઘોડો મળતાં પુરી તપાસ  કર્યા વગર કપિલમુનિ પર ચોરીની આળ મૂકી .ક્રોધિત કપિલમુનિએ શાપ આપ્યો અને તમામ પુત્રો અહીં ભસ્મ થયા.આખરે રાજા સગર વંશજ રાજા ભગીરથએ ખુબ તપસ્યા કરી.માતા ગંગાને તેમની ઈચ્છા અનુસાર પૃથ્વી પર અવતરણ કર્યું અને તેનાથી સગર પુત્રોને મુક્તિ મ.ળી.મંદિરમાં કપિલમુનિની મૂર્તિ ઉપરાંત ગંગામૈયાની અને માં લક્ષ્મીજી મૂર્તિ પણ છે..અંગત રીતે તો વર્ષો પહેલાં ચારધામ યાત્રામાં ગંગાજીના મુખ ગંગોત્રીમાંથી આચમન કરેલું ને આજે ગંગાસાગર.જાણે આખી ગંગામૈયામાંથી પસાર થયાં! વળતાં ફરી એ જ ક્રમમાં પરત . કલકત્તા આટલે દૂર કલકત્તામાં પણ સુંદર સ્થાપત્ય પૂર્ણ BAPS સ્વામી નારાયણ મંદિરમાં બંગાળી ભાષામાં  રૂપાંતરિત શ્રી પ્રમુખ સ્વામીના પ્રવચનો ધ્યાન ખેંચતા હતા. દાનપેટી QR કોડ જોઈને રૂ.11/- નું દાન ઉદારતાથી કર્યું.તેમનું અલ્પાહાર ગૃહ પણ માણવા જેવું છે.  4* HOTEL IBIS  મોડી સાંજે  પહોંચ્યાં. અજયભાઇના ઉત્તમ આયોજનને ફરીને યાદ કરવું પડે કારણકે આટલી લાંબી અને તૂટક મુસાફરીમાં ક્યાંય કોઈ લાઈનમાં ઊભવાનું કે ક્યાંય રાહ નહિ જોવાનું એમના આયોજન થકી જ શક્ય બન્યું.હોટેલ પર ભોજન પછી આરામ 

         30 મી ઓગસ્ટ કલકત્તા દર્શન. નેતાજી સુભાષ ,રામકૃષ્ણ પરમહંસ ,સ્વામી વિવેકાનંદ કવિવર રવીન્દ્રનાથ   અને જગદીશચંદ્ર બોઝ અને બીજી અનેક મહાન હસ્તીઓની ભૂમિ પર જવાની અદમ્ય ઈચ્છા તો વર્ષોથી હતી.2000 કી.મી દૂર દેશનું સૌથી ગીચ વસતી ધરાવતું શહેર એટલે ક્લકત્તા.કાલીઘાટ મંદિરમાં મા કાલીના દર્શન છે. હાલની હુગલી નદી જે આદિ ગંગા તરીકે ઓળખાય છે તેના પર આવેલું કાલીઘાટ મંદિર એ દક્ષરાજાના યજ્ઞ પછી સ્થાયેલી 51 શક્તિપીઠમાંનું એક મંદિર છે.. માત્ર વિશાળ મુખ વાળી મહાકાળીની મૂર્તિના ભવ્ય દર્શન સાવ નિકટથી એટલે થયાં કે મંદિરનો જીર્ણોદ્ધાર થતો હતો એટલે મૂર્તિ ફરતે રેલિંગ કરીને લાઈન બનાવી હતી.

          અહીંથી વિક્ટોરિયા મેમોરિયલ મ્યુઝિયમ જવાનું થયું.


ઈ.સ. 1901 માં રાણી વિક્ટોરિયાના નિધન પછી તત્સમયના વાઇસરોય લોર્ડ કર્ઝનએ તેમની સ્મૃતિમાં એક મેમોરિયલ બનાવવાનું સૂચવ્યું.1906 માં તેનો પ્રારંભ થયો.અને 1921માં તે પ્રજા માટે ખુલ્લું મુકાયું. 56 મીટરની ઊંચાઈ ધરાવતા આ ભવ્ય મેમોરીયલમાં 25 ગેલેરી છે. ઉત્તમ પ્રકારના પથ્થરો દ્વારા કરાયેલું અદભત બાંધકામ છે ચારસો વર્ષ ગુલામ બનાવનાર રાણી વિક્ટોરિયાનું મેમોરિયલ ,આઝાદીના 75 વર્ષ પછી પણ ભારતમાં હોય તે કેવું વિચિત્ર ?  ભારતદેશના નાગરિકો માટે ખુશીની વાત એ છે એ જ ભવ્ય મકાનમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 23 મી માર્ચ 2022 નારોજ ;વિપ્લવી ભારત' ની ઝાંખી કરાવતું મ્યુઝિયમ રાષ્ટ્રને અર્પણ કર્યું.નેતાજી સુભાષબાબુની સંઘર્ષ ગાથા 'વિપ્લવી ભારત ' નામથી સચવાઈ છ અંગ્રેજો અને અન્ય નેતાઓ સાથેની ચર્ચાના અને લડતના ચિત્રો,દેશ,વિદેશ ના વર્તમાનપત્રોમાં પ્રકાશિત તેમની લડતની વિગતો,તેમના પત્રો વગેરે કહું સારી રીતે જતન કરાયું છે.દરેક સાથે પ્રાથમિક વિગતો પણ ટૂંકમાં મુકાઈ છે.નેતાજીની લિસ્ટ સાથે ઓડિયો ક્લિપ્સ પણ આપણી ઈચ્છા અનુસાર સાંભળી શકાય તેમ ગોઠવાઈ છે. માધવી બહેનના બીજા પિતરાઈ ભાઈ કાલી બાબુ પણ કલકત્તા રહે .એમણે  તો અગાઉથી મળવા આવવા માટે નક્કી રાખેલું.સમયમાં અમિયમિત ચાલતાં અમારા શેડ્યુઅલમાં તેઓ અમને મળવા વિક્ટોરિયા મેમોરિયલ ખાતે કલાકોથી રાહ જોતા હતા.આખરે મળ્યા.ખુબ લાગણીથી કલકત્તાની મીઠાઈ માધવી બહેન માટે અને અમારા માટે પણ લાવેલા.સાથે ફોટો પડાવીને સ્મૃતિ સાથે લઇ ગયા.

           શોપિંગ રસિયાઓને થોડો સમય અપાયો પણ એમણે લીધો ઘણો.અંધારું થવા આવ્યું હતું. ત્યાંથી બેલુર મઠ તરફ.



 ઈ.સ. 1857 ના પ્રારંભમાં સ્વામી વિવેકાનંદએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી મુખ્ય મથક તરીકે તેમને બેલુર ગમ્યું. 40 એકરમાં વિસ્તરેલ આ મઠમાંથી વિશ્વભરમાં માનવસેવા કાર્ય માટે રત રામકૃષ્ણ મિશન દ્વારા થાય છે. નોંધનીય વિશેષ બાબત એ છે આ મઠની બાંધણી હિન્દૂ,બૌદ્ધ ,ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના સ્થાપત્યના સમન્વય સાથે થઇ છે 14 જાન્યુઆરી 1938 ના રોજ ગુરુદેવ રામકૃષ્ણની મૂર્તિનું સ્થાપન થયું છે. રામકૃષ્ણ મિશન દ્વારા સ્થાયેલ આ મઠ દ્વારા તેમના વિચારો  અને માનવસેવાના દેશના અનેક શહેરોમાં થાય છે. મુખ્ય મંદિરમાં પૂજ્ય રામકૃષ્ણ દેવની ભવ્ય મૂર્તિ છે.આરતીનો સમય હોઈ ઝડપી દર્શન થયાં.

         હવે દક્ષિણેશ્વરમાં કાલી માતા,



ગુરુદેવ રામકૃષ્ણને જે પ્રત્યક્ષ દર્શન આપતાં તે મંદિરમા ભવ્ય પ્રતિમામાં એમના સતનો પ્રભાવ દર્શન વખતે ચોક્કસ અનુભવાય. 25 એકરમાં વિસ્તરેલાં આ મંદિરને અનોખો ઇતિહાસ છે. 1847 માં જમીનદાર રાની રાસમણિને સ્વપ્નમાં મા કાલીએ તેનું મંદિર બનાવવા આદેશ કર્યો.અને તેમણે શ્રદ્ધાથી બંધાવ્યું.1854 માં તેનું બાંધકામ પૂર્ણ થયું.ગદાધર ( પછીથી સ્વામી રામકૃષ્ણ ) તેના પૂજારી બન્યા રામકૃષ્ણ પણ પુરા શ્રદ્ધાવાન હતા.તેની સાધના વધતી ગઈ.મા તેમને સાક્ષાત હતા. મંદિરમાં ભવ્ય મૂર્તિ છે .રામકૃષ્ણજી જ્યાં સાધના કરતા હતા તે ખંડ પણ સાચવી રખાયો છે ( મોડી સાંજ થઇ હોઈ અમે તે જોઈ ન શક્યાં તેનો અફસોસ રહી ગયો.).સમયની મર્યાદામાં વિશાળ કલકત્તાના પ્રતીકાત્મક છતાં સૌથી વિશેષ મૂલ્ય ધરાવતાં સ્થળોની મુલાકાતથી સંતોષ માનવો જ પડે.હાવરા બ્રિજ બસની બારીમાંથી અને ઈડન ગાર્ડન પ્લેનની બારીમાંથી સાવ નજીકથી જોઈ લીધા. રાત્રે હોટેલ પરત. અને ભોજન.

         31 મી ઓગસ્ટ ,ઘેર પાછા ફરવાનો દિવસ .સવારે ભરપેટ નાસ્તો કરીને ચેક આઉટની તૈયારી.પરસ્પર સ્મરણો વાગોળતાં હોટેલ લોન્જ માં સહુ બેઠાં.11.30 વાગ્યે એરપોર્ટ લઇ જવા બસ આવી ગઈ. ડમડમ એરપોર્ટ પર સામાન ચેક ઈન થઇ ગયો. .IndiGo  ના નવા જડ નિયમને લીધે વજન ( 15*2) 30 કિલો જ હતું પણ એક વક્તિ એક બેગ નિયમમાં અમારે ત્રીજી બેગના વધારાના રૂ.1000/- ભરવા પડયા.પણ આખા પ્રવાસની ખુશીમાં એ ગૌણ ગણાય .બરોબર બપોરે 3.55 વાગ્યે પ્લેન ઊપડ્યું.વાદળાઓ ખુબ હતાં અને પ્લેન તેની ઉપરથી જતું હતું.બારી માંથી દૃશ્યો જોવામાં અઢી કલાક ક્યાં નીકળી ગયા તે ગયા તે ખબર જ ન પડી.મધ્યાન્તરમાં મસાલા પનીર ,પાઉં કોલ્ડ કોફી complimentry  આવ્યા.થોડાં ચાખ્યા .નિયત સમય 6.35 વાગ્યે પ્લેન અમદાવાદ લેન્ડિંગ થયું પાર્થે ટેક્સી prebook  કરાવી હતી.આઠ વાગ્યે પૃથ્વીના છેડા એવા ઘેર પહોંચ્યાં જીવન માણી ચૂકેલા જુવાનિયાઓમાં મોટા ભાગના 60+ હતા.પણ અનેરા ઉત્સાહથી આવેલા અન્ય નાનેરાં પણ એમના આનંદમાં હારોહાર જોડાઈ જતાં. અઘરી  છતાં.સરળતાથી થયેલી પુરી ,ગંગાસાગર યાત્રા રંગે ચંગે પુરી થઇ.એટલે જ સહુ કહે છે .'સબ તીરથ બાર બાર ગંગાસાગર એક બાર. જય જગન્નાથ ,હર હર ગેંગે .અસ્તુ.