Readers

Saturday, January 28, 2023

યાત્રા 32 -યાત્રામાં યાત્રા - યાત્રા- વૈષ્ણવીદેવી ,અમૃતસર દિનેશ લ.માંકડ

 

                            યાત્રા 32 -યાત્રામાં યાત્રા --      યાત્રા- વૈષ્ણવીદેવી ,અમૃતસર        દિનેશ લ.માંકડ

            જય માતાજી, અમારી જગન્નાથપુરી યાત્રા વખતે જ શ્રી અજયભાઈએ માતા વૈષ્ણવીદેવીના જાન્યુઆરી 2023 ના સંઘની વાત કરેલી.અને અમે પણ એ જ વખતે સહર્ષ એ વાત વધાવીને નક્કી જ કરી લીધું કે આ વખતે સંઘ સાથે જવું જ છે.ઘરમાં વાત થઇ.સહુને સૂઝ્યું કે ભરતભાઈ અને કલ્પનાબહેન ( ગ્રીવાના મમ્મી પપ્પા -વેવાઈ ) નું પણ વૈષ્ણવીદેવી જવાનું બાકી જ છે.તેમને ફોનથી વાત કરી.જાન્યુઆરીમાં જવાનું હોય એટલે શરીર સ્વાસ્થ્ય વગેરેનો પણ વિચાર કરવો પડે.પણ માતાજીનો હુકમ હોય તો પ્રેરણા થાય જ.અને ભરતભાઇની મજબૂત આત્મશ્રદ્ધાએ નિર્ણય લેવાઈ ગયો.અમારાં ચારેય જણ ( હું -દિનેશ,રંજના ,ભરતભાઈ અને કલ્પના બહેન ) ના નામ નોંધાવાઇ ગયાં.

            શ્રી અજયભાઇ મોદીની  ટ્રાવેલ કંપની વર્ષ દરમિયાન દેશ વિદેશના અનેક પ્રવાસ આયોજન કરે છે પણ એમની માતા વૈષ્ણવીદેવીમાં અતૂટ શ્રદ્ધા છે એટલે 34 વર્ષથી દર જાન્યુઆરી માસમાં વૈષ્ણવીદેવી સંઘ લઇ જાય.જે બિલકુલ નહિ નફો નહિ નુકસાન આધારિત હોય.ગુણવતા,ઉત્તમ વ્યવસ્થા અને પ્રામાણિકતા માટે ચોક્કસ એમના આયોજનવાળા પ્રવાસનો આનંદ લેવાય જ.

           અમારી પણ 3 જી જાન્યુઆરી 2023 ના રોજ ના પ્રસ્થાન થનાર સંઘમાં જોડાવા રેલવેની 2 nd AC ની અમદાવાદ -કટરા ની ટિકિટો બુક થઇ ગઈ.મીનાબહેને , રંજનાનું ધ્યાન દોર્યું , '.તમારું અમૃતસર ,સુવર્ણ મંદિર અને વાઘા બોર્ડર બાકી છે તો વળતાં તેને જોડી દો '-અને પછી તો એ ટિકિટો અને હોટેલ પણ બુક થઇ ગયાં. દર વર્ષ કરતાં આ વર્ષે ઠંડી વધુ હોતાં ગરમ કપડાં સહિતની ખરીદી અને પેકીંગ શરૂ થઈ ગયાં. દિવસો નજીક આવતા ગયા.અજયભાઈની એક કસોટી આવી.મીનાબહેનમાં માતુશ્રી નું સંઘના ઉપાડવાના પાંચ જ દિવસ પહેલાં નિધન થયું.આઘાત સહુને લાગ્યો પણ વ્યવહારુ અજયભાઇ કહે ,'અમારું દુઃખ છે પણ સંઘ યાત્રીઓ શો વાંક?'  મન કઠણ કરી પોતે જોડાઈ ગયા.કાર્યરત થઇ ગયા.એક અઠવાડિયાં પહેલાથી જ પુત્ર આલાપભાઈ અને કાચા માલનો સમાન અને થોડા સહાયકો વ્યવસ્થાના ભાગ રૂપે પહોંચી ગયા હતા..

          આખરે 3 જી જાન્યુઆરી 2023 નો દિવસ આવી પહોંચ્યો.બપોરે 2.30 વાગ્યે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 206 સંઘયત્રીઓ અને અનેક સ્વયંસેવકો સાથે 'જય માતાદી' ના જયઘોષ સાથે સંઘનું પ્રસ્થાન થયું. ટ્રેનમાં મોટાં સ્પીકર સાથે રાત્રે અને સવારે જય આદ્યશક્તિ અને માતા વૈષ્ણવીદેવી આરતીએ પ્રવાસમાં આનંદ જગાવ્યો.અજયભાઈની સાથે સ્વયંસેવક ટીમના મુખ્ય સુત્રધારો ભરતભાઈ શુક્લ ,કમલભાઈ શાહ ,નીરવભાઈ શાહ ,પરેશભાઈ ગાંધી બધા યાત્રીઓની સતત ખબરઅંતર પૂછતાં રહેતા.તારીખ 4 થી જાન્યુઆરી મોડી સાંજે  કટરા આગમન થયું. જમ્મુ કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના ત્રિકુટ પર્વતમાળાની તળેટીમાં આવેલું આ નાનું નગર માતા વૈષ્ણવીદેવીના તીર્થ ધામને લીધે પ્રચલિત થયું છે.

           સંઘના યાત્રીઓને અલગ અલગ સારી હોટેલ્સમાં ગોઠવેલા.ઉત્તમ આયોજનના ભાગરૂપે અમદાવદમાં જયારે સંઘના ઓળખપત્ર આપ્યા. ત્યારે જ તેમાં હોટેલ નામ અને રૂમ નંબર આપેલા હતાં .ભરપૂર અને વૈવિધ્ય સભર નાસ્તા પેકેટ્સ  પણ ખરાં. રેલવે સ્ટેશનથી અમે અમે ચાર જણા હોટેલ કાંતા ઇન્ટરનેશનલમાં રૂમ 207 અને 208 માં પહોંકયાં.ફ્રેશ થયાં.રાત્રે હોટેલના બેઝમેન્ટમાં સંઘ માટેના રસોડાંમાં મગ્ ના શીરા સાથેની ગરમાગરમ ફૂલ ડીશ તૈયાર હતી. રાત્રે ભવ્ય આરતી અને માતા વૈષ્ણવીદેવી -ભવનમાં જવાની કેટલીક આવશ્યક સૂચનાઓ અપાઈ

            . યાત્રા દિવસ 1 - તારીખ -5 મી જાન્યુઆરી મંગળ પ્રભાત ખીલ્યું. 4.30 વાગ્યે જ ઉઠી ગયાં.પૃથ્વીના અમૃત સૌ પીણું એટલે ચા. ઘેરથી ખાસ ખરીદીને લાવેલી વીજાણુ કીટલીમાં વાઘબકરી ઇન્સ્ટન્ટ સુઠવાળી ચા તૈયાર .ભરતભાઈ કલ્પના બહેન ને બોલાવો ,જમાવટ કરી.પછી તો આ ક્રમ રોજનો રહ્યો. રસોડાંમાંથી સવારના છ વાગ્યાથી નાસ્તાની મઘમઘતી સુગંધ શરુ થઇ ગઈ હતી.સહુએ તેને  ભરપૂર ન્યાય આપી, ધજા પૂજન અને આરતી કરીને યાત્રા પ્રયાણ કરવાનું હતું. .સહુએ પોતપોતાની રીતે 14 કી.મી. ઉપર આવેલ ભવનમાં જવાનું હતું. અગાઉ ગુલશન કુમારની શ્રદ્ધાથી સારું વિસ્તરણ થયેલું પછી ત્યાંનું 'સાઈન બોર્ડ ' ખુબ વ્યવસ્થિત,આયોજન સેવા આપે છે.ચડવા માટે ખુબ સારા અને સરળ રસ્તા,માર્ગમાં વાજબી દરના ભોજનાલય, ધર્મશાળાઓ ,શૌચાલયની પૂરતી સુવિધા છે.પગપાળા પણ જવાય .ઘોડા અને પાલખીનો, હેલીકૉપટર ( હવામાન યોગ્ય હોય તો જ )પણ વિકલ્પ છે.પાલખીના જવાના રૂ 3150 ( હાલના દરે) છે.નિશ્ચિત ભાવ,ઉઠાવનાર ચાર ભાઈનો નામ ,બેજ નંબર સાથે જ પહોંચ મળે.'યાત્રા પર્ચી' આવશ્યક છે. જે અગાઉથી ઓનલાઇન પણ કઢાવી શકાય અને નહિ તો તેને માટે ત્યાં લાઈન હોય છે.શરૂઆત બાણ ગંગા થી થાય છે. પૌરાણિક કથા અનુસાર માતા વૈષ્ણવીદેવીને અહીં શ્રી હનુમાનજી નો ભેંટો થયો અને માતા એ તેમને અહીં રહેવા આદેશ કર્યો.પણ આ વિસ્તારમાં પાણી ઉપલબ્ધ ન હોઈ  માતાએ પોતાની ભેંટમાંથી એક બાણ કાઢી ધરતી પર છોડ્યું ને ગંગા પ્રગટ થઇ .તેથી આ વિસ્તાર બાણગંગા નામે પ્રચલિત છે.



            ઓનલાઇન કઢાવેલી પર્ચી બતાવીને  ટેગ  લઇ ગળાંમાં પહેરી લીધાં .અમે ચારેય જણ અલગ અલગ પાલખીમાં વિરાજમાન થયાં અને અમારી યાત્રાનો આશરે નવ વાગ્યે પ્રારંભ થયો.સાઈનબોર્ડ દ્વારા માગંમાં ગોઠવેલાં સ્પીકર્સમાં ચંડીપાઠ, માતાજીના સ્તોત્ર અને ભજનો સતત વાગતાં હોય એટલે વાતાવરણની સુગંધ જામતી જાય.સામે મળતા પદયાત્રીઓ ના જયઘોષ વાતાવરણને વધુ મંગલમય બનાવે .પાલખીવાળા થોડી થોડી વાર વિસામો પણ લે. આશરે ચાર કલાક પછી અમે ભવનના દ્વાર નજીક પહોંચ્યાં.



            નિઃશુલ્ક  લોકર અને જૂતાઘરની ખુબ સારી સુવિધા છે.મંદિરમાં કશુંજ લઇ જવા દેવામાં આવતું નથી.પગરખાં ઉતારી અહીંથી આશરે 300 મીટર ચાલવાનું છે.અજયભાઇ જેનું નામ.અગાઉથી રબરના શોલ આપી રાખેલાં અને સૂચના આપી રાખેલી કે,’ પગરખાં ઉતારો ત્યારે વપરાશી સાદા મોજાની અંદર જ આ શોલ પગના તળિયાને ઢાંકે તેમ ગોઠવી દેવાં.ખુબ ઠંડી જમીન અને ક્યાંક પાણી વચ્ચે આ અદભુત પ્રયોગ અદભુત રીતે સફળ હતો .( મારુ ચાલે તો અજયભાઈને નોબેલ કપદ્મશ્રીપુરસ્કાર અપાવું )

          આખરે ભવનમાં પ્રવેશ કર્યો.ભવ્ય દર્શન થયાં મુખ્ય ગુફામાં બહારથી પ્રવેશ નથી પણ પાછળથી ટનલ બનાવી છે,તેમાંથી  જવાય છે.ત્યાં મહાકાળી ,મહા સરસ્વતી અને મહાલક્ષ્મી સ્વરૂપ  પિંડ સ્વરૂપ માતાજીના દર્શન થયાં  પૌરાણિક માહિતી અનુસાર ત્રેતાયુગથી અહીં 108 શક્તિપીઠમાંની એક આ શક્તિપીઠ છે.માં દુર્ગાનું સ્વરૂપ છે.5200 ફીટની ઊંચાઈ પર આવેલુ  આ મંદિર ઉત્તરભારતનું મોટું આસ્થા કેન્દ્ર છે.ભૈરવને તેની ભૂલ અટકાવવા માટે માતાજીએ પૂરો પાઠ ભણાવ્યો.ભૈરવે પ્રાયશ્ચિત્ત કરી ક્ષમા માંગી એટલે માતાએ વરદાન આપ્યું કે ' કોઈપણ ભક્તના,  ભૈરવ દર્શન પછી જ, મારા દર્શન પૂર્ણ થશે.' પહાડોમાં ત્રણ કિલોમીટર ઉપર ભૈરવ જવા માટે ઘોડા ,પાલખી અને રોપવેનો પણ વિકલ્પ છે અમે રોપવેમાં ગયા.45 લોકો એક સાથે ઉભી શકે એવી કેબીનને ભૈરવ પહોંચતા માત્ર સાતેક મિનિટ જ થાય છે.ભૈરવના દર્શન કર્યાં .ઉપરથી કટરા શહેરનો નજારો જોવો પણ એક લ્હાવો છે. ફરી રોપવેમાં નીચે અને એ જ  પાલખીમાં પરત નીચે.હોટેલ પહોંચતા લગભગ આઠેક વાગ્યા.સ્વાદિષ્ટ અવનવી વાનગીઓ અને સોડમ ભર્યું ભોજન અમારી રાહ જોતું હતું.

      યાત્રા દિવસ 2  તારીખ 06 જાન્યુઆરી. આજે 85 કી.મી. દૂર પટની ટોપ ( મીની કાશ્મીર) જવાનું હતું.વહેલી સવારે મસ્તમજાનો નાસ્તો પતાવી બસમાં બેઠાં.આશરે બે કલાકના પ્રાકૃત્તિક પ્રવાસ પછી ત્યાં પહોંચ્યા.છોલે પુરી અને ગુલાબજાંબુ તો અમારા પહેલાજ ત્યાં પહોંચી જ ગયા હતા.રામબાણ શહેર અને ઉધમપુરની વચ્ચે આવેલાં આ રમણીય સ્થળમાં વિશાલ બગીચો,નાગ મંદિર શ્યામાપ્રસાદ મુખર્જી ટનલ મુખ્ય આકર્ષક સ્થળો છે.દેશનો સહુથી ઊંચો અને લાંબો 'ગંડોલા 'રોપવે પણ 2020 તૈયાર થયો છે.પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીં તો આજે બરફ છે જ નહિ ! અજયભાઈએ બે વિકલ્પ આપ્યા .અહીં રોકાય તે ઉપરોક્ત શક્ય સ્થળોએ જાય બાકીના બીજા 14 કી.મી.આગળ જ્યાં બરફ છે જ ત્યાં ' નાથા ટોપ ' આવે.અમે નાથા ટોપ જવાનો નિર્ણય કર્યો.દરિયાની સપાટીથી 2024 મીટર ઉપર આવેલ નાથા ટોપમાં પૂરતો બરફ હતો.


મોટાં સ્પીકર્સ સાથે હતાં ગરબા અને રાષ્ટ્રઘ્વજ સાથે દેશભક્તિ ગીતો ની રમઝટ ખુબ જામી.જેમને અનુકૂળ હતું તેમણે સ્લેજ રાઇડિંગ વગેરે પણ કર્યાં .ત્યાંના CEO ( ઉચ્ચ અધિકારી ) પસાર થયા.તેમણે ગુજરાતી ગરબા માણ્યા.અજયભાઈએ ,તેમને ,અહીં પ્રવસીઓને પડતી મુશ્ક્લીઓની રજૂઆત કરી.કેટલાક અસરકારક સૂચનો પણ કર્યાં. સાંજ પડવા આવી હતી.ફરી પટની ટોપ આવ્યાં શક્તિવર્ધક ખજૂરવાળું ગરમ દૂધ પી ને પરત પ્રવાસ માટે બસમાં બેઠા..હોટેલ પર તૈયાર અવનવી વાનગીની સુગંધ તો દૂર દૂરથી આવતી હતી.પહોંચ્યા ને સહુ તૂટી પડયા તેના પર

         દિવસ -3  તારીખ 07 જાન્યુઆરીના સૂર્યોદયના  પ્રથમ કિરણનું દર્શન થયું ત્યાંતો સવારના નાસ્તાની હાકલ આવી.આજે શિવખોડી ગુફા માટે જવાનું હતું.  કટરાથી 85 કી.મી.દર પૌની શહેર નજીક આવેલી આ ગુફા પાસે પહોંચવા સહુ બસમાં ગોઠવાયા .ત્રણેક કલાકનો પહાડી રસ્તો કાપવાનો હતો.તળેટીમાંથી ગુફામાં જવા માટે ત્રણ કિલોમીટર પગપાળા પણ જવાય .અમે ઘોડો પસંદ કર્યો.કલ્પનાબહેન પાલખીમાં આવ્યા. અગાઉ તો આ ગુફામાં પ્રવેશવા માટે માત્ર એક દોઢ ફિટના બાકોરાં માંથી પસાર થવું પડતું.એ પણ એક લહાવો છે. હવે અન્ય જગ્યાથી સરળતાથી અંદર પ્રવેશ શક્ય છે.200 મીટર લાંબી અને બે થી ત્રણ મીટર પહોળી અને ઊંચી ગફામાં ભગવાન શિવ વિરાજમાન છે  જેના પર છતમાંથી વર્ષોથી સતત દૂધ મિશ્રિત જલાભિષેક થતો રહે છે.


ગુફા વિષે કોઈ પ્રમાણભૂત ઇતિહાસ નથી પણ હજારો વર્ષ પહેલાં રાજા સાલવાહનને અહીં ભગવાન શિવના દર્શન થયાં હતાં.ગુફાની વિશેષ વાતએ છે કે ગુફાની અંદરની દીવાલો પર ગણેશજી ,માતા પાર્વતીથી માડીને અનેક દેવી દેવતાઓની કુદરતે કંડારેલી પ્રતિમાઓ જોવા મળે છે.જોતી વખતે સંશયને બદલે શ્રદ્ધાને આંખમાં રાખીએ તો ચોક્કસ કુદરતને નમન કરવાનું મન થાય.દર્શન કરી પરત ફર્યા ત્યારે બસ વિરામસ્થાન પર શુદ્ધ કાઠિયાવાડી ભોજનનો પાટલો ગોઠવાઈ ગયેલો. બજાર લટાર અને ડ્રાયફ્રુટ ખરીદી કરી સામાનના વજનમાં વધારો કર્યો. મોડી  સાંજે હોટેલ પર પહોંચ્યાં .

        રાત્રિભોજન પછી સહુ વિખુટા પડવાના વિષાદમાં પડી ગયાં હતાં .આજે અહીં સંઘની યાત્રા પૂર્ણ થતી હતી.અજયભાઇએ પોતાની આખી સ્વયંસેવક ટિમને બોલાવી ને  સાચા ર્હદયથી અને ભાવપુર્ણ શબ્દોથી બિરદાવી. ઓળખપત્ર જમા કરાવતી વખતે વળતી મુસાફરીમાં ઉપયોગી થાય તેવો  ભરપૂર નાસ્તો પણ સહુને વિતરણ થયો.થાક શબ્દને અજયભાઇ ઘેર કબાટમાં મૂકીને આવે છે.છેક રાત્રી સુધી સહુને વ્યક્તિગત મળતા રહ્યા.બીજા દિવસે સવારે ચેકઆઉટ હતું.સંઘ યાત્રીઓ અમદાવાદ પ્રયાણ કરવાના હતા અને અમે અમૃતસરની દિશામાં. 

           દિવસ 4 -તારીખ 9 મી જાન્યુઆરી.અમારી સીધા અમૃતસર જવાની  ટ્રેન સવારના સમયે ન હોવાથી સમય બચાવવા માટે અમારી સવારની એક ટ્રેનમાં ટિકિટ પઠાનકોટ સુધીની કઢાવી હતી.આઠેક વાગ્યે ઉપડીને એકાદ વાગ્યે પઠાનકોટ પહોંચ્યાં.અગાઉથી બુક કરેલી અર્ટિગા હાજર હતી.ગોઠવાઈ ગયા.સાથે શ્રી કમલભાઈ શાહના વેવાઈ જગદીશભાઈ વ્યાસ અને તેમના ધર્મપત્ની પણ હતાં.

           અમારું પ્રયાણ સીધું વાઘા બોર્ડર તરફ હતું. લગભગ ત્રણ કલાકની મુસાફરી પછી ભારત -પાકિસ્તાન સરહદ -વાઘા બોર્ડર પહોંચ્યા. ભારતના અમૃતસરથી 32 કી.મી દૂર અને પાકિસ્તાનના લાહોરથી 24 કી.મી દૂર વાઘા બોર્ડર આવેલી છે..1947 માં ભાગલા વખતે મોટાભાગના શરણાર્થીઓ અહીંથી આવેલા.અહીં અમૃતસર -લાહોર વચ્ચેનો ઐતિહાસિક ગ્રાન્ડ ટ્રન્ક રોડ આવેલો છે. દેશના નાગરિકોમાં દેશભક્તિનો જુવાળ કાયમ વધતો રહે તે હેતુથી  અહીં 1986 થી ભારત પાકિસ્તાન શાંતિ કરાર અનુસાર દરરોજ સાંજે વાઘા બોર્ડર સેરેમની ઉજવાય છે.


બંને બાજુથી સૈનિકો માર્ચ પાસ્ટ કરતા આવે.બોર્ડર પર પરસ્પર  સામે સામે કેટલીક અંગ કસરત દાવ કરે. ચારેબાજુ પદ્ધતિસર બાંધેલી વિશાલ ગેલેરીમાં નાગરિકો -પ્રેક્ષકો ગોઠવાયેલા હોય.' ભારતમાતા કી જય' ',વંદે  માતરમ 'ના ખુબ બુલંદ અવાજે જય ઘોષ સતત થતા રહે. પૂર્વ વડાપ્રધાન અટલજીએ આ રસ્તે બસ સેવા પણ શરુ કરેલી પણ પાકિસ્તાનની આડોડાઈને લીધે તે બંધ થઇ.2017 ભારત સરકારે 400 મીટર ઉંચો સ્થંભ બનાવી તેના પર આપણો પ્યારો તિરંગો ફરકાવેલો છે જે જોજન દૂરથી દેખાય છે.અહીં મ્યુઝિયમ પણ છે ( ખુબ મોડું થયેલું એટલે અમે  તે જોવાનું ટાળ્યું.) સૈનિકોને નમન કરી અને પાર્કિંગમાં વાટ જોતી અમારી અર્ટિગામાં બેસી ગયા. અમૃતસરની હોટેલ The Tree House માં પહોંચી ગયા.

           અમૃતસરનું સુવર્ણ મંદિર વિશ્વની એક અજાયબી સમાન છે .અને તે રાત્રે જોવું એક વિશેષ લહાવો છે.એટલે અમે થાક અને ટાઢ ભૂલી તે તરફ પ્રયાણ કરી દીધું. સુવર્ણ મંદિર હરમીનદર સાહિબ કે દરબાર સાહિબ તરીકે પણ ઓળખાય છે.શીખ સંપ્રદાયના ચોથા ગુરુ રામદાસે 1577 થી 1604 માં તે બનાવરાવ્યું.ગુરુ અર્જુન સિંહ દ્વારા તેમાં આદિ ગ્રંથની નકલ મુકવા આવી.મોગલ અને અફઘાન હુમલાઓ પછી ફરી રાજા રણજીત સિંહ અને હૈદરાબાદના શીખ રાજા એ 1809 માં જીર્ણોદ્ધાર કરાવ્યો.અને 1830માં તેને સોનાના પતરાથી મઢીને સુવર્ણ મંદિરનો અપાયો. ખુબ મોટા હોજની વચ્ચે સોને મઢેલું આ ભવ્ય મંદિર ખરેખર અદભુત છે.


ચારે બાજુ ગોઠવાયેલ સ્પીકર્સમાં live શબદ કીર્તન સાંભળતાં રહે.ખુબ પવિત્ર વાતાવરણ ઉભું થાય.પગરખાં,સામાન વગેરે સાચવવાની ઉત્તમ વ્યવસ્થા.મોબાઈલ સાથે લઇ જવાની છૂટ.દરેક જગ્યાએ સ્વયંસેવકો -નિષ્ઠાપૂર્વક કારસેવા કરવાની હોંશ.મંદિર ( ગુરુદ્વારા ) માં જવા પહેલાનું પગ ધોવાનું પાણી પણ ગરમ ! મુખ્ય મંદિરમાં ગુરુ ગ્રંથસાહેબ વિરાજમાન .તેમની સામે વાદ્યો સાથે શબદ કીર્તન ચાલુ. ભીડ હોય પણ શિસ્તબદ્ધ લઈને કારણે ઝડપી અને સરસ દર્શનનો લાભ મળ્યો. રાત્રે હોટેલ પરત.

          દિવસ 5- તારીખ 10 મી જાન્યુઆરી. અમૃતસરની અમૃતમય સવાર ધુમ્મસ સભર હતી.ટ્રેન સાંજની હોઈ હળવાશ હતી.તાજામાજા થઇ  જલીયાંવાલા બાગ સ્મૃતિસ્થળ તરફ ગયા.13 મી એપ્રિલ 1919 ના રોજ અંગ્રેજોએ લાદેલા કાળા કાયદા -રોલેટ  એક્ટનો વિરોધ કરવા જાલીયાવાલા બાગ ખાતે હજારો લોકો એકઠા હતા.એ વખતે ક્રૂર બ્રિગેડિયર જનરલ ડાયર લશ્કરની ટુકડી લાવ્યો.બાગનું મુખ્ય પ્રવેશદ્વાર સૈનિકો વડે બંધ કરી દીધું અંદર ચારે બાજુ ગોઠવાયેલા સૈનિકોને અને ગોળી છોડવાનો હુકમ કરી દીધો..જીવ બચાવવા માટે નાસભાગ કરતા નિર્દોષ લોકોમાંથી કેટલાય તો વચ્ચેના કુવામાં પણ કુદ્યા.આશરે 1500 લોકોની હત્યા થઇ અને સેંકડો લોકો ઘાયલ થયા. શ્રી રવીન્દ્રનાથ ટાગોરે પોતાને મળેલ 'નાઇટહૂડ ' ખિતાબ તરત પરત કર્યો.બ્રિટિશ સરકારની સંસદે ડાયરના આ જઘન્ય કૃત્ય માટે ખેદ વ્યક્ત કરતો ઠરાવ 247 વિરુદ્ધ 37 મતથી પસાર કર્યો.


          સ્થળના પ્રવેશદ્વારમાં જ જીવ બચાવવા નિર્દોષ લોકો ,બાળકો,મહિલાઓની પ્રતિકૃતિઓ મૂકી છે.2021માં થોડા પુનરોદ્ધાર પછી સ્થળ પર ચાર ગેલેરીઓમાં ક્રૂરતાના અનેક પુરાવા સ્વરૂપ ફોટોગ્રાફ્સ ,વર્તમાનપત્રો અને અનેક મહાનુભાવોના અભિપ્રાય મુકાયા છે.કેટલાક  મૂર્ખ,બુદ્ધિવિહીન અને પાશવી લોકોએ ડાયરના કૃત્યને યોગ્ય ઠેરવ્યું છે ,એ પણ વિગતો ત્યાં છે. દરેક ગેલેરીમાં અલગ અલગ નાની ડોક્યુમેન્ટરી દ્વારા  પ્રસંગનો આબેહૂબ ચિતાર પણ વ્યક્ત થયો છે. સ્મૃતિ સ્થળમાં જીવ બચાવવા લોકોએ ઝંપલાવ્યું હતું તે કૂવો ,


અનેક દીવાલો પર ગોળીના નિશાન સચવાયાં છે.શ્રદ્ધાંજલિ રૂપ અખંડ જ્યોત અને સ્મૃતિસ્થભ તૈયાર કરાયા છે.ભારતમાં એક માત્ર આ સ્થળ છે જે ગમગીનીથી જોવું પડે. બાજુમાં આવેલું પાર્ટીશન મ્યુઝિયમ તે દિવસે બંધ હતું.જોઈને જીવ બાળવાનો બચ્યો.

        અમૃતસરની મુલાકાત ગરમ કપડાંની ખરીદી વગર અધૂરી ગણાય. સારો રિક્ષાવાળો મળ્યો એટલે  Osval ના ફેક્ટરી આઉટલેટમાં લઇ ગયો.થોડી ખરીદી કરીને ફરી સુવર્ણમંદિરનો દિવસ નજારો જોવા પહોંચ્યાં.રાઉન્ડ મારી લંગરનો લાભ લીધો.આયોજનની અદભુત વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી છે. 500 થી વધુ લોકો પંગતમાં બેસીને દસ મિનિટમાં સંતોષથી જમી લે.પૈડાંવાળા મોટા જગ પાણી પણ પીરસે .સહુ જમી લે એટલે બીજો જગ પોતું કરી જાય.સ્વયંસેવકોની કતાર વીજળી ગતિએ સેવા આપે.દાળભાત રોટલી અને ગોળની શીરા જેવી વાનગી પીરસાઈ. બહાર નીકળી ને હોટેલ તરફ પ્રયાણ.શહેરમાં ટ્રાફિક ખુબ હતો.સમયસર રીક્ષા પકડી રેલવે સ્ટેશન પહોંચવું પડે. અમૃતસરથી વળતાં સાંજે સાત વાગ્યાની ટ્રેન વડોદરા સુધીની હતી.ધીમી ગતિએ શરુ થયેલી ટ્રેન વધુને વધુ મોડી થતી ગઈ.11 મી એ સાંજે છ વાગ્યે વડોદરા પહોંચવાની ટ્રેન, રાત્રે બે વાગ્યે વડોદરા પહોંચી.સમયસરની જાગૃતિથી દાહોદ આવ્યું ત્યારે જ ટ્રેનમાં બેઠા બેઠા અમદાવાદ માટે ટેક્ષી બુક કરાવી લીધી.સવારે ચાર વાગ્યે અમદાવાદ ઘેર પહોંચ્યાં પ્રવાસ વગર વિઘ્ને અને સુખરૂપ પૂર્ણ થયો.,તેનો આનંદ અને સંતોષ હતાં.

         સમગ્ર પ્રવાસમાં અજયભાઇ અને ટીમના આયોજન અને સહકાર ખુબ ઉત્તમ.શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન એ મન અને શરીરને પ્રફુલ્લિત રાખ્યાં.શ્રી ભરતભાઈ અને કલ્પનાબેન સાથે જોડાયાં એટલે તેમના સંગાથથી સોનામાં સુગંધ ભળી.હવામાન ખાતાંની અવનવી આગાહીઓ વચ્ચે કુદરતમાતા અને ઈશ્વરે ભર ઠંડી વચ્ચે અમારી યાત્રાને ખુબ સુગમ બનાવી એટલે એમનો પાડ માનીએ એટલો ઓછો. જય માતાજી.