Readers

Tuesday, August 15, 2023

મારુ પ્રિય પુસ્તક ---' માધવ ક્યાં નથી " - લેખક હરીન્દ્ર દવે

 

                                                                      મારુ પ્રિય પુસ્તક            

                                                           માધવ ક્યાં નથી  - લેખક હરીન્દ્ર દવે

               { શ્રી વડનગરા નાગર મંડળ મુંબઈ યોજિત સ્પર્ધામાં { 66 ઉપરના વિભાગમાં } પ્રથમ નંબર  

        ' ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં."- કવિ લેખક હરીન્દ્રભાઈ દવેએ આ ભક્તિગીત લખી તો નાખ્યું પણ એની અંદરની કૃષ્ણ ખોજ અધૂરી જ હતી.અને એનો યથા પ્રયત્ન કરવા તેમણે નવલકથા લખી .-' માધવ ક્યાંય  નથી.' પ્રસ્તુત નવલકથામાં નારદના પાત્રમાં પોતે ગોઠવાઈ ગયા ને પોતાની અવિરત યાત્રા શરુ કરી..મજાની વાત તો એ છે કે નારદજી તો આપણુ -જન સામાન્યનું પ્રતિનિધિત્ત્વ કરે છે.પુસ્તક દ્વારા હરીન્દ્રભાઈએ  આપણી આજ સુધીની કૃષ્ણ ખોજની અભિવ્યક્તિને વાચા આપી છે.

       બહુ ઓછાં પુસ્તકો હોય જેમાં વાચકનો આંતરિક ભાવ અભિવ્યક્ત થઇ જાય.અનુભવે, એવું અંગત રીતે હું  દાવા સાથે કહી  શકું કે સાચા ભાવુક કે ભક્ત દ્વારા જયારે માધવ ક્યાંય નથી ' પુસ્તકનું અંતિમ પૃષ્ઠ, વાંચી પૂરું કરે  ત્યારે તેની આંખનો ખૂણો ભીનો હોય જ.અને એટલે મને આ પુસ્તક સૌથી વધુ પ્રિય છે.

       કોઈ એક એવું પુસ્તક ,જેમાં ઉત્તમ ભાષા હોય ,ઉત્તમ સંવાદ ,ભાવ પ્રિયતાની ચરમ સીમા ,પ્રતીક્ષાની પરાકાષ્ટા ,અંતની આતુરતા ,ઇતિહાસની અટારી, અધ્યાત્મની ટોચ અને એથી ઉપર વિરહ-મિલનનું અતૂટ સાયુજ્ય  હોય એ એટલે માધવ ક્યાંય નથી'. અને એટલે એ મારુ પ્રિય પુસ્તક છે.

        કથાના નાયક તરીકે શ્રી નારદજીને પસંદ કર્યા છે. ત્રણેય લોકમાં આદરપાત્ર ,ભક્ત અને ભગવાન પરસ્પર આદર કરે તેવું પાત્ર એટલે નારદ કાયમી દેવલોકમાં રહેતા આ નારદની પૃથ્વીલોક પર કૃષ્ણને મળવાની તીવ્રત્તમ ઝંખના પ્રગટ થઇ છે.પરોક્ષ રીતે આ પસંદગી વખતે કદાચ લેખકે પોતાને કે પછી આપણને  કૃષ્ણ ઝંખના કરતા અભિવ્યક્ત કર્યાં હોય એમ લાગે.

.      કથાનો પ્રારંભ મથુરાથી થાય છે.દેવકીના સંતાનનો જન્મ થઇ ચુક્યો છે,તેવા સમાચાર મળતાની સાથે જ ઉત્કંઠિત નારદજી મુશળધાર વરસાદની વચ્ચે પણ કૃષ્ણ ઝંખનામાં દોડ્યા છે.' ક્યાં છે દેવકીનું આઠમું સંતાન?'- આવતાં વેંત કંસને સવાલ કર્યો. ભયભીત છતાં અટ્ટહાસ્ય વચ્ચે કંસે ઉત્તર વાળ્યો,' એ તો હવામાં ઢીંગલી થઈને ઉડી ગઈ '---‘ કૃષ્ણ કારાવાસમાં નથીતો ક્યાં છે ?’ -મનોમન સવાલ કરી નારદજીએ ખોજ આગળ વધારી. પછી તો જ્યાં જ્યાં નારદજી પહોંચે છે ત્યાંથી  કૃષ્ણ આગળ  નીકળી ગયા છે

      નારદજી ગોકુળ, વૃદાવન, વ્રજ, ફરી મથુરા ,ત્યાંથી પ્રવર્ષણ પર્વત, ને  ક્રુરક્ષેત્ર ,પછી દ્વારકાથી પ્રભાસ અવિરત દોડયા છે .કોઈને કોઈ યોગ સંયોગેથી કૃષ્ણ ત્યાંથી પ્રસ્થાન કરી ચુક્યા છે.  પ્રત્યેક  તબક્કે  લેખકે નારદજી ની તીવ્રત્તામાં  તો વધારી કર્યો જ છે સાથે સાથે વાચકની પણ ઇંતેજારી પણ વધારી છે.

       ભાષા એક એવું માધ્યમ છે જે વાચકને જકડી શકે. હરીન્દ્રભાઈ આમેય ભાવુક અને કૃષ્ણપ્રેમી કવિ એટલે એમના શબ્દોમાં ગદ્યમાં પણ પદ્ય જ નીતરે કથાના પ્રારંભથી માંડીને છેક અંત સુધી લેખક આમ જ મહેકે છે  જેમકે..'નારદે એ ( કરંડિયામાંનું ) મોરપિચ્છ ઊંચકી લીધું..આ કરંડિયામાં પોતાનો  જીવ કેમ પરોવાયા કરે છે તે નારદે ન સમજાયું'

       સંવાદો દ્વારા પાત્રોને અભિવ્યક્તિનું મોકળું મેદાન આપ્યું છે .એમાંય  નારદજીનું પાત્ર એવું પસંદ થયું છ  જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાનું મન ખોલી શકે છે.જેમ કે કંસએ તેમની પાસે, પોતે કરેલી બાળહત્યાનું વર્ણન વાચકને હલબલાવી જાય છે. ઉદ્ધવ અને નારદજીના અનેક સંવાદોમાં લેખકની પોતાની અભિવ્યક્તિ દેખાઈ આવે છે.

         કૃષ્ણ કથા હોય એટલે ભાવુકતા ભરપૂર તો હોય જ.  વ્રજ અને વૃંદાવનમાં તો વિરહ વેદનાને વ્યક્ત કરવા લેખકે કઈ બાકી રાખ્યું જ નથી.-' નાગચંપાના છોડ પાસે જઈને હોઠ ફફડાવીને પૂછ્યું,' આટલાંમાં ક્યાંય દેવકીના આઠમા પુત્રને ભાળ્યો ખરો?" ..... પણ .નાગચંપાનું ફૂલ હવાની દિશાનો પ્રતિકાર કરીને પણ મથુરાની દિશામાં લંબાયું.અને પછી જોયું તો વૃક્ષો,પુષ્પો અને ઘાસ પણ મથુરાની દિશામાં જતા રથના ચીલા તરફ લંબાઈને નીરખતાં હતાં.યમુના પ્રવાહ બધું જ ચેતન ગુમાવી સમથળ પડ્યો હતો. ગોધણના ઘૂઘરામાં વિષાદનું સંગીત હતું.એક ગાય અન્યમનસ્કપણે નારદજી સામે ઉભી .તેની આંખમાંથી બિંદુ ભૂમિ પર સરી પડ્યું અને નારદ જાણે વજ્ર પડ્યું હોય તેમ માથાથી પગ સુધી કંપી ગયા ગાયના આંખોમાંથી સરી પડેલા અશ્રુબિંદુ સાથે એક યુગ સરી ગયો એમ નારદને લાગ્યું..ઉદ્ધવ રાધાને સંદેશ આપવા જાય ત્યારે આંખોના ઉગ્ર તાપ સાથે રાધા કહે ,' તમને  મથુરાવાસીઓને દસ મન હશે અમારું તો એક જ મન અને તે માધવ લઇ ગયો.'

       રાધા કૃષ્ણના સંયોગની વાત લેખકે અજબ રીતે મૂકી ..એક થોડી ઓછી જાણીતી ઘટના- એક તરફ વાસુદેવ મથુરાથી શ્રીકૃષ્ણને યમુના માર્ગે ગોકુલ મૂકી આવ્યા છે, તો બીજી તરફ સુકર્ણ  દ્વારા દ્યૂતમાં હરાયેલી મુદ્રાએ  પણ યમુનામાં પડતું મૂક્યું. ને બેહોશ અવસ્થામાં ગોકુળમાં વૃષભાનુને મળે. વૃષભાનુ તેને ,કોઈ કાળક્રમે પોતાની ગુમાવેલી પુત્રી રાધા તરીકે સ્વીકારે !

          ભાવમય વાતો વચ્ચે પણ કથા તો કૃષ્ણ શોધની છે પણ વાચકને  તે સમય સાથે જોડવા દ્વાપર સમયના આર્યાવર્તની ઝાંખી પણ ક્યાંકને ક્યાંક મૂકી દીધી છે. આખાં મહાભારતમાં કૃષ્ણની ભુમિકાને હરીન્દ્રભાઈએ સહજ રીતે મૂકી છે.બલરામજી અને નારદના એક મિલન વખતે ક્રુરૂક્ષેત્રથી યુદ્ધ સંદેશ લાવેલા અશ્વસવારના મુખે કૃષ્ણએ અર્જુનને કહેલ ગીતાજીનો ભવ્ય સંદેશ, સાવ થોડા શબ્દોમાં અદભુત રીતે મુકાયો છે.એમાંય દસમા વિભૂતિ યોગ અધ્યાયમાં કૃષ્ણ એ કહ્યું કે -'દેવર્ષિમાં નારદ છું.'- આ સાંભળીને નારદજીની ખુશી  અકલ્પ્ય રીતે બતાવી છે.

         વિરહમાં પણ મિલનની સાયુજ્યતા આ કથાની ખુબ અલગ તારી આવતી વિશેષતા છે.વ્રજમાં કૃષ્ણ ન હોવા છતાં નારદજી અને આખું વૃદાવન કૃષ્ણથી વિખૂટું નથી.કૃષ્ણ વિરહમાં કૃષ્ણમયતાનો ઉત્કટ ભાવ દર્શાવાયો છે.એક તબક્કે નારદજી કૃષ્ણ જ્યાં છે ત્યાં નહિ પણ જ્યાં નથી ત્યાં શોધવા નીકળે છે!

          સરળ અને પદ્યમય ભાષામાં પણ ભરપૂર આધ્યાત્મ અહીં અનેક જગ્યાએ ઉમેરાયું છે .'હું કુબજા -કુરૂપ .દરરોજ કંસ માટે ફૂલો લઇ જતી, .શ્રી કૃષ્ણએ મને સ્વરૂપ આપ્યું મારુ ગૌરવ વધાર્યું..દેવર્ષિ, મારી વિરૂપતા અને મારાં સૌંદર્ય વચ્ચે આત્મશ્રદ્ધાનો સેતુ શ્રી કૃષ્ણએ આપ્યો.જન્મજન્માંતરથી મળે તેવી ભક્તિ મને શ્રી કૃષ્ણ એ આપી.' આખાંએ મથુરામાં કૃષ્ણ ક્યાય નથી તેઓ કદાચ અહીં આવીને તો છુપાઈ નથી ગયા ને ?- એવી વિમાસણ નારદે અનુભવી.

        જેમ જેમ  નારદજી કૃષ્ણથી દૂર જતા જાય છે તેમ તેની ઉત્કંઠા વધતી  જાય છે.અંતિમ ચરણમાં તેની પરાકાષ્ટાને ઉદ્ધવ સાથેના સંવાદમાં હરીન્દ્રભાઈએ પણ ચરમસીમાએ જ મૂકી છે .' મારી આંખો જેને જીવનભર તલસતી રહી છે એ રૂપથી મને વધારે અળગો ન રાખ.' ઉદ્ધવે ઉત્તર વાળ્યો,'આપણે એ રૂપ પાસે જ  જઈ રહયા છીએ! પણ કૃષ્ણ એ એક વાત કહી છે,એ રૂપમાં કૃષ્ણ નથી.વ્રજની ગાયોના નેત્રોમાં,યમુના વહેણમાં,તમારી વીણા ના કંપનમાં વસે છે.' બંને ગીચ વનમાંથી પસાર થઇ રહયા હતા.ઉદ્ધવે ,સમયના વહેણોમાં કૃષની ઉપસ્થિતિ ની વાતો ચાલુ રાખી.તેની વાણીમાં નારદજી કોઈકે સંકેત સાંભળી રહયા હતા.

           ,'ઉદ્ધવ ,મને કહે તો ખરો કે શું થયું છે?' નારદજીના પ્રશ્ન ઉત્તરમાં ઉદ્ધવ મીઠું હસ્યો, 'દેવર્ષિ,તમારે કૃષ્ણને મળવું છે ને?  જુઓ.સામે રહયા કૃષ્ણ.' નારદજીએ એ દિશામાં મીટ માંડી.અશ્વત્થની નીચે એક માટીનો ઓટલો હતો.તેના પર કૃષ્ણ બેઠા હતા.એમનો એક પગ ભૂમિને સ્પર્શતો હતો અને બીજો પગ વાળેલો હતો.દૂરથી જોતાં તેમના નેત્રો મીંચાયેલાં હોય તેમ લાગતું હતું.હોઠ પર મધુર સ્મિત હતું.નારદજી દોડ્યા.કૃષ્ણ પાસે  જઈ મસ્તક ચરણોમાં નમાવી દીધું. ક્યાંય સુધી એ ચરણોમાં તેમણે મૂકી રાખ્યું.એમના મસ્તક પર ઉષ્ણ બિંદુઓ પડી રહયાં હોય તેવો અનુભવ થતાં નારદે ઉપર દૃષ્ટિ કરી કૃષ્ણના પગની પાનીમાંથી હાથની હથેળી વીંધી ત્યાંથી હૃદય સુધી એક ચમકતું બાણ ભોંકાયેલું હતું.અને એમાંથી રુધિર ઝમતું હતું.

       ' કૃષ્ણ,કૃષ્ણ'  નારદ ચીસ પડી ઉઠ્યા ઉદ્ધવે ઉભા કર્યા.,'..નારદજી સ્વસ્થ થાવ’ નારદના મનમાં પ્રચંડ સાગર હિલોળે ચડ્યો હતો.એમની આંખો સામે ક્ષણમાં કૃષ્ણના બંધ નેત્રો,તો ક્ષણમાં રક્ત ઝરતું ર્હદય, તો ક્ષણમાં હોઠ પરનું સ્મિત અને વંદન પરની પ્રગાઢ શાંતિ તરવરી રહયાં હતાં.' ઉદ્ધવ શું થઇ ગયું મારા કૃષ્ણને ?' નારદના હોઠમાંથી રુદનથી ભીંજાયેલો પ્રશ્ન સરી પડ્યો. ઉદ્ધવનો આશ્વાસક ઉત્તર ,' દેવર્ષિ,હું કહેતો હતો ને કે કૃષ્ણ નારદના પરિભ્રમણમાં જેટલા જીવે છે એટલા આ સ્વરૂપમાં નથી જીવતા.'

        સહુથી મજાની  વાત તો એ છે કથામાં ઓતપ્રોત થઇ જતા વાચક પોતાને  નારદજીની જગ્યાએ મૂકી દે.અહીં કથાને આટોપતાં  હરીન્દ્રભાઈ,  વર્તમાનની -સમગ્ર માનવજાતની કૃષ્ણ શોધ સાથે સહજ રીતે જોડે છે.આગળ ઉદ્ધવ ઉમેરે છે ,,' યુગો યુગો પછી ભક્તો અને કવિઓ કૃષ્ણને રાધાના વિરહમાં ,યશોદાના વહાલમાં ને દેવકીના વાત્સલ્યમાં શોધશે.કૃષ્ણની મૂર્તિ પાસે જઈને ભક્ત કહેશે નંદ અને યશોદાને જે દુઃખ સહન કરવું પડ્યું એ દુઃખનું વરદાન અમને આપો! નારદે કૃષ્ણદર્શન માટે જે તલસાટ અનુભવ્યો એ તલસાટ અમને આપો!

         કથા પૂર્ણ કરતા હરીન્દ્રભાઈએ આપણી આંખ સામે આજનું સનાતન સત્ય લાવી દીધું છે. ઉદ્ધવના મોઢે અંતિમ સત્ય ,'નારદજી,યુગે યુગે કુરુક્ષેત્ર થતાં રહેશે.યાદવાસ્થળી રચાશે,પણ એ દરેક યુગે કૃષ્ણ હશે, કૃષ્ણ માટે તલસાટ હશે એના વિરહમાં ઝૂરનારાઓ હશે અને એમના તપે જ આ દુનિયા ટકી રહેશે.'

       લાગે છે કે આપણી સહુની કૃષ્ણ ખોજ અધૂરી જ રહેશે.હા,એને મળી જશે જે નરસૈયા કે મીરાંની જેમ કૃષ્ણમય બની જશે.'માધવ ક્યાંય નથી 'માત્ર નવલકથા જ નથી.પ્રત્યેક માણસની ઈશ્વર શ્રદ્ધાની માપપટ્ટી છે. એટલે જ ' માધવ ક્યાંય નથી ' મારુ પ્રિયત્તમ પુસ્તક છે .