Readers

Thursday, March 7, 2019

    
                                   કેમ સાચવીશું સોળ સંસ્કાર ?                  દિનેશ માંકડ , અમદાવાદ
           નજીક ના વિસ્તાર માં એક વયોવૃદ્ધ  અંતિમ શ્વાસ લઇ રહયા હતા .એક મિત્રનો ફોન આવ્યો.,"દવાખાને લઇ ગયા છે ને દવા ,પ્રયત્નો તો શરુ થયા છે ,પણ  મોટી ચિંતા એ છે કે જરૂર પડે ત્યારે , તેમની અંતિમ ક્રિયા  કરાવવા કોઈ યોગ્ય બ્રાહ્મણ ઉપલબ્ધ નથી." પ્રથમ દૃષ્ટિએ આ  સત્ય હકીકત હળવી મજાક લાગે પણ ખુબ ગંભીર અને કડવી વાસ્તવિકતા છે. ઈશ્વર ની અનમોલ ભેટ એવો દુર્લભ મનુષ્ય જન્મ છે .તેમાં જન્મ થી માંડી ને અંત સુધી ના સોળ સંસ્કાર શાસ્ત્રોમાં આપ્યા છે.આ સોળે સોળે સંસ્કાર નું શાસ્ત્રીય તો ખરું પણ વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ મહત્ત્વ છે. પરંતુ આજના ભૌતિક અને દેખાદેખી આધારિત જીવન માં તેનું મૂલ્ય લગભગ નહિવત થયું છે.ચાલીસ વર્ષ થી નીચે ના મોટાભાગ ના યુવાનો ને તો આ સોળ સંસ્કાર ના નામ પણ ખબર નહિ હોય ,પછી તેના અમલ ની વાત જ ક્યાં આવે ?  જો સમયસર જાગૃત ન થયા તો આવશ્યક અને અમૂલ્ય ,ભવ્ય વારસો ગુમાવવા નો વખત આવશે.  કેવી  રીતે સાચવીશું ,આ સોળ સંસ્કાર ?
                લ્યો ,શરૂઆત જ સોળ સંસ્કાર ના નામ જાણવા થી કરીએ . ૧. ગર્ભાધાન. ૨. પુંસવન. ૩. સીમંત. ૪. જાતકર્મ. ૫. નામકરણ. ૬. નિષ્ક્રમણ. ૭. અન્નપ્રાશન. ૮.ચૂડાકર્મ. ૯. કર્ણવેધ. ૧0.વિદ્યારંભ. ૧૧.ઉપનયન. ૧૨.વેદારંભ. ૧૩.કેશાંત. ૧૪.સમાવર્તન. ૧૫.વિવાહ. ૧૬.અંત્યેષ્ટ. એમાંના કેટલાક તો સાવ વિસરાયા જ છે .રહયા -સહયા છે પણ તેનું સ્વરૂપ એટલું તો બદલાયેલું છે કે મૂળ સંસ્કાર અને તેના હેતુ અને શાસ્ત્રીય પદ્ધતિ રહી જ નથી.સમય ની સાથે સ્વાભાવિક બદલાવ આવે ,થોડા  આધુનિકરણ કે  આનંદ ઉમેરાય એનો વિરોધ જરાય ન હોય પણ સંસ્કાર ની પાયા ની બાબતો જ ભુલાય તે કેવું ?  હકીકત એ છે કે  આ સંસ્કાર ના જાણકાર જ  લગભગ રહયા નથી. જે થોડા ઘણા રહયા છે તે સૌ ની સગવડ સાચવવા પોતે સગવડિયા બની ગયા છે.  અહીં કોનો વાંક કે કોની ભૂલ તેની  ચર્ચા કરવી જ નથી. સોળ સંસ્કાર  સાચા અર્થ માં સચવાય તેની  વાત કરવી છે.જેથી  મૂળ સંસ્કાર જળવાઈ રહે ,તેની શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક સકારાત્મક અસર પણ સૌને  થાય તે વિચારવું છે .
       પહેલી વાત સંસ્કારોમાં અટલ શ્રદ્ધાની.પ્રત્યેક હિન્દુમાં આ શ્રધ્ધા હોવી જ જોઈએ. શ્રદ્ધા  કોઈ પર  ઠોકી બેસાડી શકાતી નથી..શ્રદ્ધા તો અંદર થી આવવી જોઈએ. 'આગે સે ચાલી આતી હૈ' એવું માની ને ચાલવા કરતાં  ' સંસ્કાર જ જીવન નો પાયો છે.સંસ્કાર જ જીવનોપયોગી છે તેવી દ્રઢ ખાતરી ,વિશ્વાસ સાથે ઉભી કરવી .આ પ્રથમ આવશ્યકતા છે.
         બીજી સૌથી અગત્ય ની વાત  સંસ્કાર ની સમજ આપનાર અને સાચી રીતે શાસ્ત્રીય પદ્ધતિ થી સંસ્કાર પ્રદાન કરનાર વ્યક્તિઓ -વર્ગ ની અછત છે. સમાજ માં બ્રાહ્મણ નું સ્થાન ખુબ અગત્ય નું  છે. 'બ્રાહ્મણ ' એ કોઈ જાતિવાચક શબ્દ  નથી.'બ્રહ્મ'  (ઈશ્વર )  નું કાર્ય માણસ ને માણસ  બનાવવા નું -સંસ્કાર પ્રદાન કરવાનું કાર્ય કરે તે એટલે બ્રાહ્મણ  'ગોર ' શબ્દ  ;ગુરુ'  શબ્દ નો અપભ્રંશ છે ,એ વાત જાણી  લેવા જેવી છે..દેશ-રાજ્યમાં  ઘણી સંસ્થાઓ આવા બ્રાહ્મણો  તૈયાર કરવાનું ખુબ જ ઉત્તમ સમાજ કલ્યાણ નું કાર્ય કરે છે.કેટલાક ને વારસા માંથી પણ આ સેવા કાર્ય મળે છે. આ બધી સંખ્યા ગણો તો પણ સમાજ ની જરૂરિયાત ના પ્રમાણ માં કેટલા બધા ઓછા પ્રાપ્ત થાય .છેવટે લાલચુ અને અલ્પજ્ઞાની ની બોલબાલા વધે અને છવટે સમાજ ના  બ્રાહ્મણ પર ના આદર અને  શ્રદ્ધા ઘટે અને સંસ્કાર ને સંસ્કૃતિનું હનન થતું રહે …..-થતું રહેશે .....
         પરિવાર ના બધા જ પ્રસંગો માં ભારતીય સંસ્કૃતિ ને અનુસરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરીએ. ઘર માં સોળ માંથી શક્ય તેટલા તમામ સંસ્કાર શાસ્ત્રીય રીતે જ  થાય  તેવો પ્રામાણિક પ્રયત્ન કરીએ જ. અને તે સંસ્કાર કરાવનાર બ્રાહ્મણ પણ સુયોગ્ય જ શોધીએ. ( સંતાન ને યજ્ઞોપવિત સંસ્કાર  અપાવતી વખતે પાર્ટીમાં પંદર હજાર ખર્ચનાર શાસ્ત્રીય  વિધિ કરાવનારને પાંચસો આપતા ખચકાય તે કેવું? ગાયત્રી પરિવાર જેવી સંસ્થાઓ તો  આવા  સંસ્કાર ઉત્તમ રીતે ઉજવવા  ઉત્તમ ઈશ્વરીય કાર્ય સેવા ભાવના થી કરે છે જ એટલે સંસ્કાર અપાય જ અને યોગ્ય રીતે જ અપાય તેવી અદમ્ય ઈચ્છા દરેક ભારતીય પરિવાર માં હોવી જ જોઈએ .
       ખુશીની વાત એ છે કે સંસ્કૃતિ જાળવવા માં 'આનંદ આશ્રમ ,બીલખા ', 'ભાગવત વિદ્યાપીઠ સોલા ,અમદાવાદ ' જેવી સંસ્થા ઓ a ઉત્તમ અને પદ્ધતિસર કર્મકાંડ કરાવનાર યુવાનો તૈયાર પણ કરે છે.' સંસ્કૃત યુનિવર્સીટી ,સોમનાથ' માં તો  કર્મકાંડ ના વિષયમાં પદવી,અનુસ્નાતક અને પીએચ .ડી  સુધીના અભ્યાસક્રમ ઉપલબ્ધ છે ,એ વાત ની ખબર ખુબ ઓછા લોકોને હશે.
          શું આ સંસ્થાઓ માંથી તૈયાર થતા યુવાનો  દરેક ઘર ઘર પહોંચી શકશે ?ફરી એજ સવાલ આવ્યો.દરેક ભારતીય પરિવાર ઘરના તમામ પ્રસંગો સારી રીતે પાર પાડવા સદા તત્પર છે ,પણ સુયોગ્ય કર્મકાંડી પ્રાપ્ત ન હોય. એક હકીકત છે  કે આજે તો  રડયાખયા  કર્મકાંડીઓ  મળી રહે છે ,નોંધી લેવા જેવી વાત એ છે કે  આ સંખ્યા જરૂરિયાત ના પ્રમાણ માં ,દિવસે દિવસે ઓછી જ  થતી જવાની છે. ( પેન ડ્રાઈવ પર લગ્ન થાય તો નવાઈ નહીં ! ) શું  ઉપાય છે ?  ચિંતાજનક વાસ્તવિકતા માટે સૌ એ સાથે મળીને ગંભીરતા થી મંથન કરવાનો સમય આવી ચુક્યો છે. સમાજના તમામ સમજદાર અને સંસ્કૃતિમાં શ્રધ્ધા રાખનાર એ આગળ આવવું પડશે -વિચારવું પડશે. સૌ પ્રથમ વાત કે આ ઉત્તમ કાર્ય  માટે કોઈ એક જ્ઞાતિ કે વર્ગ પર ભાર ન નાખીએ,કારણકે સામાજિક અને આર્થિક  દૃષ્ટિકોણ ,સમય સાથે બદલાયા  છે એટલે અહીં તો જે વ્યક્તિ શ્રધ્ધા અને નિષ્ઠા  થી  સપ્રેમ કર્મકાંડ ઉપાડે તેનું જ કામ છે.
        સદનસીબે સંસ્કાર સાચવવા માટે સાહિત્ય અને સાધન-સંસાધન પૂરતા પ્રમાણ માં  ને સરળતા થી  ઉપલબ્ધ છે .વિદ્વાન કર્મકાંડીઓ અને પૂરતું સાહિત્ય પણ ઉપલબ્ધ છે. ફરી યાદ કરી લઈએ કે આ ધર્મકાર્ય  કરવા માટે કોઈ ચોક્કસ જ્ઞાતિ-,વ્યક્તિ ના જ  અધિકાર કે ફરજ નથી . શાસ્ત્ર અને સંસ્કૃતિને આદર કરતો પ્રત્યેક મનુષ્ય તે ઉપાડી લે. માત્ર ઈચ્છા શક્તિ ધરાવનાર અને ઉપાડનાર  ની જ જરૂર છે. આ મહાઆવશ્યક અભિયાન કદાચ એકલ દોકલ કરે તો ઓછું ફળીભૂત થાય પણ કોઈ સામાજિક સંસ્થા ઓ અને મંડળો જો  આ ભગીરથ કાર્ય નું બીડું ઝડપે તો ચોક્કસ પરિણામ મળે. દરેક જ્ઞાતિના મંડળો તો હોય જ છે,અને  તેઓ જ્ઞાતિ ઉત્કર્ષ ના અનેક કાર્ય કરે જ છે. તો આવા  સૌથી મહત્ત્વ ના અને હિતકારક કાર્ય ને હાથ માં લે તો ખુબ જ સરળ અને સફળ બની શકે .
          હવે જરાય વિલંબ કરવો પાલવે તેમ નથી.સંસ્કૃતિ  માટે આદર ધરાવનાર પ્રત્યેક  સામાજિક,ધાર્મિક કે જ્ઞાતિ સંસ્થાઓએ  આ મહત્ત્વ નું કાર્ય ઉપાડી લેવા જેવું છે. જો  હવે  સંસ્કાર સાચવવા નું જતું કરવા ચાલુ રાખ્યું તો પસ્તાવા નો વારો આવશે. એટલે જ  આવા શુભ અને સમાજ  હિત ના કાર્ય ને એક વખત શરુ કરીશું તો સૌનો સાથ અને ખાસ તો ઈશ્વર નો સાથ પણ અવશ્ય મળશે જ. હવે તો  વિચારીએ  નંહિ  આરંભ જ કરીએ.પછી જુઓ પરિમાણ માનવજીવન ના આપણા જ પ્રસઁગો -સંસ્કારો ઓર વધારે દીપી ઉઠશે.

No comments:

Post a Comment