Readers

Sunday, June 30, 2019


                                વારાણસી -પ્રયાગરાજ-ચિત્રકૂટ યાત્રા પ્રવાસ
           અમે સહુ -ભરતભાઈ -મંદાબેન શુક્લ ,દિનેશભાઇ - રંજનાબેન માંકડ ,નરેન્દ્રભાઈ -કલ્પનાબેન ઠક્કર,કમલભાઈ -હર્ષાબેન શાહ ,માલવિકાબેન ભાવસાર ,કમલાબેન રાજન એ -તારીખ ૨૦ જૂન ૨૦૧૯ ના રોજ રાત્રે ૯ વાગ્યે ૨ nd  AC  ટ્રેન દ્વારા શ્રદ્ધા અને ઉત્સાહ  સાથે યાત્રા પ્રવાસ શરુ કર્યો . વારાણસી જયારે ચાલીસેક કિલોમીટર દુએ હતું ત્યારે ટ્રેન નું એન્જીન ફેઈલ થતા ૨૨ મી  સવારે અગિયાર વાગ્યે ઝરમર વરસાદ વચ્ચે બનારસ ની પવિત્ર ભૂમિ પર પગ મુક્યો .બેટરી સંચાલિત  રીક્ષા માં અગૌ બુક કરાવાયેલ માહેશ્વરી ધર્મશાળા માં પહોંચ્યા .એસી રુમ અને ભોજન સુવિધા વાળી ધર્મશાળા છે. બપોરે કાશી વિશ્વનાથ મહાદેવ ના દર્શન.. સાંજે હોડી દ્વારા ગંગા નદી ના ૪૦ મુખ્ય ઘાટ નું પરિભમણ .ખાસ તો હરિશ્ચંદ્ર ઘાટ ,મણિકર્ણિકા ઘાટ વગેરે.સામે કિનારે જઈ,ગંગા ના નિર્મળ નીર માં ખુબ ઉલ્લાસ અને આનંદ સાથે સ્નાન કર્યું.પરત મુખ્ય ઘાટ પર આવી ભવ્ય ગંગા આરતી નો લાભ લીધો."ગંગા સેવા નિધિ " સંસ્થા દ્વારા વર્ષો થી  અહીં આરતી થાય છે .સાત થાંભલા પર બાંધેલી ઘંટો ની જોડ ,શંખ નાદ સાથે સાત પૂજારી દ્વારા અતિ ભવ્ય આરતી માં ખુરશી માં બેસીને લાભ લેવાનો અનન્ય લહાવો છે.મા ગંગા નું સંપૂર્ણ શાસ્ત્રોક્ત પૂજન અને પછી ધૂપ,દીપ ,પુષ્પ,ચમ્મર વગેરેથી ભાવ પૂર્ણ સંગીત મય આરતી અવિસ્મણીય બની ગઈ.રાત્રે પરત ધર્મશાળા .
          ૨૩ જૂન.દિવસ બીજો.સવારે ફરી વિશ્વનાથ મહાદેવ ના દર્શન .વારાણસી સાઈટ માટે બેટરી સંચાલિત રિક્ષામાં .આદ્યંશક્તિ માં દુર્ગાનું ભવ્ય ભવ્ય મંદિર, પ્રાચીન છે .સુંદર મૂર્તિ છે.સત્યનારાયણ માનસ મંદિર મા  આખું  રામાયણ  દીવાલો પર આરસ મા કોતરેલ છે. પ્રદર્શન મા શ્રી રામ અને શ્રી કૃષ્ણ ના જીવન પ્રસંગો ઇલેક્ટ્રોનિક સાધનો વડે જીવંત બતાવાયા છે.ત્રિદેવ મંદિર મા પણ નયન રમ્ય મૂર્તિઓ છે.,મહા પ્રભુજીની ૨૪ મી બેઠક પણ અહીં વારાણસીમાં છે. મહામૃત્યુંજય ના મંદિર મા મોટો કૂવો જોવા લાયક છે.કાળ ભૈરવ મંદિર ના દર્શન વગર યાત્રા અધૂરી ગણાય એવું કેટલાક કહે છે .એના પણ દર્શન કર્યા.રાત્રે ધર્મશાળા પરત.
             ૨૪ મી જૂન.વહેલી સવારે ટેમ્પો ટ્રાવેલર  એસી ગાડી  દ્વારા ચિત્રકૂટ તરફ પ્રયાણ .રસ્તા ના નવીનીકરણ ને  લીધે અનેક ડાયવર્ઝનો પસાર કરીને બપોરે બે વાગ્યે 'જયપુરિયા ભવન "પહોંચ્યા .અહીં પણ એસી રૂમ  સુવિધા ઉપલબ્ધ હતી.અગાઉ જાણ કરેલી હોઈ ભોજન તૈયાર હતું.આસનિયે બેસી ને અન્નદેવતા ની થાળી પાટલા પર રાખીને ભોજન માણ્યું.સમય બગાડ્યા વગર સાઈટ શરુ. ગાઈડ સારો મળી ગયો.જ્યાં પ્રભુ રામચંદ્ર એ સાડા અગિયાર વર્ષ વનવાસ ભોગવ્યો હતો તે રામ ગુફા ,લક્ષ્મણ ગુફા .ખુબ ઊંડી છે.પ્રભુને આપેલ વચન પાલન માટે મા ગોદાવરી ગુપ્ત રીતે અહીં વહે છે.સો મીટર થી વધારે લાંબી ઘૂંટણભેર પાણી મા ગુપ્ત ગોદાવરીના વહેણ માં જેટલું આગળ જવાય તેટલો લહાવો વધારે મળે !
            સતી અનસૂયા નું  મંદિર પરમહંસ સ્વામી દ્વારા ખુબ ભવ્ય બનાવાયું છે. મા અનસૂયા ની ભવ્ય મૂર્તિ અને બ્રહ્મા વિષ્ણુ મહેશના બાલ સ્વરૂપનું  પારણું  છે. સતી અનસૂયા એ અહીં સીતા માતાને પતિવૃતા નારીના ગુણ સમજાવ્યા હતા .રામાયણ મા પણ આ પ્રસંગ છે. મંદાકીની નદી ના કિનારે સીતા માતા ના જ્યાં પ્રભુ રામ શણગાર કરતા હતા તે સ્ફટિક શીલા પર બેસી રામચંદ્રજી ને યાદ કરાય. ભગવાન રામ એ જ્યાં રોજ ,ભગવાન વિષ્ણુ ની પૂજા કરી હતી તે 'કામદગિરી 'નું મંદિર સુંદર છે ચિત્રકૂટ પર્વત દર્શન.હોડી દ્વારા મંદાકિની નદી કિનારે રામઘાટ ,ભરત મિલાપ મંદિર,તુલસી હનુમાન મિલન ,વગેરે મંદિરો જોયા .ચિત્રકૂટ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ વચ્ચે વહેંચાયેલું છે.રાત્રે ધર્મશાળા પરત
             તારીખ ૨૫ મી જૂન વહેલી સવારે અલાહાબાદ -પ્રયાગરાજ તરફ પ્રયાણ .ત્રણેક કલાક ની મુસાફરી કરીને ગંગા માતા ના કિનારે પહોંચ્યા .હોડી દ્વારા ત્રિવેણી સંગમ ની દિશામાં..એક તરફ ગંગાજી  બીજી તરફ યમુનાજી .ત્રીજી તરફથી સરસ્વતીજી  નો ગુપ્ત પ્રવાહ.પાણી ના અલગ અલગ રંગ પરથી ત્રણ નદીનો સંગમ સ્પષ્ટ વર્તાય .વહેતા પાણી ની વચ્ચે હોડી બાંધીને બનાવેલા પ્લેટફોર્મ પર થી સંગમ માં ઉતરીને સરળતા થી મન મૂકીને પવિત્ર સ્નાન કરી શકાય .અનહદ ,અવર્ણનીય અનુભૂતિ .નાવિકો ,વેપારીઓ અગાઉ થઇ ગયેલા શ્રેષ્ઠત્તમ કુંભમેળા ના વખાણ કરતા રહે છે.થોડે દૂર બડા હનુમાન મંદિર  અને શક્તિપીઠ પણ ભાવિકો ની શ્રદ્ધા થી ઉભરાય છે.પ્રયાગરાજ તીર્થ ને પોતાનું એક અલગ વિશિષ્ઠ સ્થાન છે.ટેમ્પો ટ્રાવેલર દ્વારા રાત્રે વારાણસી પરત.
             તારીખ ૨૬ મી જૂન.વારાણસી .સવારે વિશ્વનાથ મહાદેવ ના  ફરી દર્શન .બજારમાં નાનો ચકકર .ભોજન બાદ  અમદાવાદ પરત આવવા માટે પંડિત દીનદયાળ ( મોગલસરાઈ } રેલવે સ્ટેશન તરફ પ્રયાણ . બપોરે ત્રણ વાગ્યે ઉપાડનારી ટ્રેન પાંચ વાગ્યા પછી પટના થી આવી .અને  રોજિંદી  ટ્રેન ને બદલે  હોલીડે સ્પેશિયલ હોવા ને લીધે માર્ગ માં પણ આગળ ના સ્ટેશન પર ખાલી ટ્રેકની રાહ જોતી જાય -જોતી જાય .મોડી મોડી થતી જાય.રસ્તા માં અંતાક્ષરી અને અન્ય રમતોમાં પસાર થતા સમય થી વિલંબ સહન થઇ જતો હતો. નિર્ધારિત સમય તારીખ ૨૭ મી જૂન ના સાંજે સાત ને બદલે રાત્રે બે વાગ્યે અમદાવાદ પહોંચ્યા .
           પરમાત્મા નો હુકમ થાય અને સહયાત્રીઓ સારા મળે  તો જ યાત્રા -પ્રવાસ સુગમ બને .અમારા બંને સંયોગ શુદ્ધ અને સારા હતા એટલે આખી યાત્રા સુખરૂપ અને પવિત્ર મન અને અટલ શ્રદ્ધા સાથે પૂર્ણ થઇ.વિશેષ નોંધ શ્રી ભરતભાઈ અને મંદાબેન ની લેવી જ પડે.જાતે મહેનત કરી અનુકૂળ ટ્રેન ટિકિટ બુકીંગ ,સારી,વ્યવસ્થિત ધર્મશાળા બુકિંગ ,પૂર્વ ભોજન પ્રબંધ કર્યા ,તો જ યાત્રા વધુ સુગમ અને શક્ય બની. જય કાશી વિશ્વનાથ મહાદેવ .જય શ્રી રામ -હનુમાન ,જય પ્રયાગરાજ તીર્થ .     વર્ણન લેખન : દિનેશ માંકડ 9427960979
.

1 comment:

  1. ખૂબ સરસ વર્ણન કર્યું છે દિનેશભાઇ.આખી યાત્રા જાણે મેં તમારી સાથે જ કરી એવું મને લાગ્યું.હવે ફરી કોઈ વાર આવી યાત્રા નું આયોજન થાય તો ફરી બધા સાથે મળી ને લાભ લઇ શકીયે .ખૂબ ખૂબ આભાર dineshbhai.

    ReplyDelete