બગોદરા ના બાબુભાઇ ઓ બચુડો બારમા ધોરણ માં નાપાસ થયો.આમ તો બચુડો જન્મ્યો
ત્યારથી બાબુએ તેને વિદેશ ભણવા મોકલવા ની મોટી મહત્વકાક્ષા બાંધી રાખેલી ,પણ બચુડો નાપાસ થયો. તોય હજુ એ બાબુ એ તો પોતાનો સંકલ્પ ગમે તેમ પાર પાડવા નું નક્કી
કરે જ રાખેલું.છે.ને બચુડાના બારમા
ના બાર
પ્રયત્ન થયા .બચુભાઈ રોજે રોજ ઊંઘે
ત્યારે અમેરિકાની યુનિવર્સીટી ના સપના જોયા જ કરે છે.
ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવું ,ખુબ સારી વાત
છે.પણ લાયકાત વગર ની ઘેલછા વાળા મહાનુભાવો થી પણ દેશ ઉભરાય છે.અને જૂની ને જાણીતી
કહેવત 'લોભિયા આગળ ધુતારા ભૂખે ન મરે' વારંવાર સાકારિત થાય છે .
એક સમયે એક ગામ થી બીજે ગામ જવા ગાડું વપરાતું ને શહેર માં જવાનો તો એક ખાસ
કાર્યક્રમ થતો .અને હવે જટુભાઈ નો જતીન ક્યારનોય જર્મની જવા કુદે છે.વૈશ્વિકરણ ના
ફૂંકાતા જોરદાર પવન માં ભારત પણ એટલું જોર પકડી ને ફૂંકાય છે.ઉચ્ચશિક્ષણ ની
ક્ષિતિજોને હવે સીમા નથી રહી.ખુબ સારી વાત છે. દરેક દેશ પોતાના શ્રેષ્ઠ કૌશલ્ય ને
વહેંચે છે અને સમગ્ર વિશ્વ વિકસતું જાય છે.આટલી ઉત્તમ વાત માં પણ ક્યારેક આંધળે
બહેરું કૂટાઈ જાય છે!
ભારતમાં આમ પણ વિશેષ ગુણવત્તા યુક્ત સરેરાશ ઉચ્ચ શિક્ષણ નું પ્રમાણ ખુબ નીચું
છે.ને બીજી તરફ દેખાદેખીમાં વિદેશ ભણવા જવાની દોટ પણ વિશેષ છે. સામાન્ય રીતે તો જે
શિક્ષણ ભારત માં પ્રાપ્ત ન હોય કે ભારત માં તેવાં શિક્ષણ ની ગુણવત્તા નીચી હોય તો
જ વિદેશ અભ્યાસ માટે જવું જોઈએ.પણ અહીં જે દેખાય છે તે કૈંક જુદું જ ચિત્ર છે.
વિદેશ ઘુસવા માટે શિક્ષણ નું માધ્યમ હથિયાર બનાવવા માં આવે છે.મિત્ર નો પુત્ર ઉત્કર્ષ અહીં
ભૌતિક વિજ્ઞાન માં અનુ સ્નાતક થયેલો.ઓસ્ટ્રેલિયા જઈને નામું શીખી ને હિસાબનીશ
બન્યો.ને અહીં તેના પિતાએ ભૌતિક વિજ્ઞાન ના સંદર્ભ ગ્રંથો ગાંધીપુલ નીચે ની પુસ્તક
બજાર આપી દીધા ! એ જ ઉત્કર્ષ ના મોટા ભાઈ
ડો.જીગર અમદાવાદ ના પશુ ચિકિત્સક .કુતરાના
પ્રતિષ્ઠિત તબીબ તરીકે શહેરમાં મોટું નામ.કેનેડાનું ઘેલું લાગ્યું.ત્યાંની લાયકાત
મેળવવા આઠેક વર્ષ થી પરીક્ષા આપે છે ને નાપાસ થાય છે. જીવન નિર્વાહ માટે
કોન્ટ્રાક્ટરના ગોદામ માં ઈંટો ને કપચી નો હિસાબ રાખે છે . વાસ્તવિકતા એ છે ૭૫ ટકા
થી વધારે ભારતીય ઉપરના ઉદાહરણો જેવા જ છે.
ડો..અબ્દુલ કલામ વિદેશ જતા લોકોને આ રીતે ક્રમ આપે છે. સૌથી ઉચ્ચત્તતમ એ લોકો
છે ,જે વિશેષ અભ્યાસ અને
સંશોધન માટે વિદેશ જાય ને તે પૂર્ણ કરી પાછા ફરી દેશ માટે તેનો ઉપયોગ કરે છે.બીજા
ક્રમાંકમાં એ આવે જેણે સંશોધન વિદેશ માં કર્યું અને રહે પણ ત્યાં જ છે છતાં તેના
સંશોધન નો સીધો લાભ તે દેશ ને પહોંચાડે છે.વળી વિદેશ ભણી ને વિદેશ માંજ સ્થાયી થાય
તેને ત્રીજો ક્રમ અપાય તો દેશ માં જ ને દેશના નાણાં થી ભણી ને વિદેશ કમાવા જાય તે
ચોથા અને છેલ્લા ક્રમ ને લાયક છે.આપણે ત્યાં ત્રીજા અને ચોથા ક્રમમાં આવતા વિદેશ
પ્રેમીઓ ની તો અગણિત સંખ્યા મળે પણ પહેલા કે બીજા ક્રમના તો આંગળી ના વેઢે ગણાય
તેટલા જ મળે
. ભારત વિકસતો દેશ છે.
અને દેશ માં વેતનદર નીચા છે.વળી રૂપિયા નું મૂલ્ય પણ અન્ય પ્રતિષ્ઠિત દેશો ના ચલણ
કરતાં નીચું છે એટલે વિદેશ ની ધરતી પર કલાક ના હિસાબે ભારત કરતાં વધારે કમાણી થાય
છે અને એટલે જ વિદેશ જવાની ઘેલછા દિવસે ને દિવસે વધતી ચાલે છે.પરંતુ દેશ માં જ
રહી ને ઉપલબ્ધ પદવી લેવા 'વિદેશી પદવી 'લેવા ના બહાને
વિદેશ જવુંને પછી ત્યાં જ રહી કમાવું , એ તો મારા અંગત મતે દેશ
સાથે છેતરામણી અને સ્વાર્થ વૃત્તિ જ કહેવાય. આ રીતે પદવી મેળવનારા ત્યાં જઈને
શું કરે છે તે કેટલાએ પૂછયું કે કેટલા ભારતીય વિદેશી ઓ ને સાચો જવાબ આપ્યો? અહીં થી નિશિત
એ ઓછા ગુણ થી બારમા ધોરણ પાસ કરી ને દક્ષિણ ભારત
કોઈ સ્વનિર્ભર હાટડી માં ફિઝિયોથેરપી ની સ્નાતક ની પદવી લીધી .તેમાં અનુસ્નાતક
કરવા અમેરિકા ભણી ....અત્યારે ત્યાં 'કુરિયર બોય ' ગૌરવ વંતુ
નું સેવા કાર્ય કરે છે !આવાં તો સેંકડો નહિ હજારો ઉદાહરણ મળી આવશે. ઘેલછા
તો એટલી હદે છે કે કમાવું જ અગત્ય નું છે ,શું કરીને કમાવો
છો તેનું કોઈ મહત્ત્વ છે જ નહિ! યાદ આવે
છે એક સંવાદ ---'યહ જીના,ક્યાં જીના હૈ યારો '
બિલાડી ના ટોપ
હવે જંગલ ને બદલે શિક્ષણ જગત માં ફૂટે છે. અને તેને કારણે પાન ના ગલ્લા ઓ કરતાં
પરદેશ ભણવા જવા ની સુવિધા કરી આપનારા ની દુકાનો જોવા મળે છે. વિદેશમાં કેટલા
વિશ્વવિદ્યાલયો અને કેટલી કોલેજો માન્યતા પ્રાપ્ત છે તે તો તેમને ય ખબર નથી .એ
લોકોને બકરા થી કામ છે ! હકીકત એ છે કે વિદેશ જવા ની ભરમાર માં કેટલાય યુવાનો
માતાપિતા ની પરસેવા ની કમાણી નો દુર્વ્યય કરી ને કે પછી મોટાં દેવાં નો બોજ ઉભો
કરીને પોતાની સ્થિર જિંદગીમાં જાતે જ અગવડ ઉભી કરે છે. પરિણામ શૂન્ય થી નીચે ઋણ
માં આવે છે.
તારીખ ૬ ઠ્ઠી મેં ના એક વર્તમાન પત્ર ચોંકાવનારો અહેવાલ જાણવા જેવો છે. 'અમેરિકાની ૧૦૦ થી
વધારે કોલેજ ના ૪૫ ટકા છાત્રો અડધા ભૂખ્યા સૂએ છે .મોટા ભાગનાને મોંઘું
શિક્ષણ પોસાતું ન હોવાથી બે પાર્ટ ટાઈમ જોબ પણ ભણવા સાથે કરે છે! 'ઘર બાળી ને તીરથ
કરવું' તે આનું નામ .
ભારતમાં અપ્રાપ્ય હોય તેવો ઉચ્ચ અભ્યાસ કરવા મર્યાદિત સમય માંટે કોઈ યુવાન જાય તે ખુબ આવકાર્ય છે .પણ મોટા ભાગે
બને છે તેમ કેવળ અને કેવળ માત્ર પૈસા
માંટે જ જે યુવાનો જાય છે તે બિલકુલ અનુચિત જ છે. અર્થશાસ્ત્રમાં વળતર ને બે દૃષ્ટિકોણ થી જોવાય છે .પરિમાણત્મક અને
ગુણાત્મક .સંખ્યા માં થતો જોઈ શકાય તેવો દેખીતો ફાયદો પરિમાણાત્મક છે .યુવાનો
વિદેશ જઈને દેશમાં મળનારા વળતર કરતા બે અઢી ગણું કમાઈ લે છે.પણ બદલામાં તે ખુબ
ઘણું ગુમાવે છે. તેનો હિસાબ માંડતો જ નથી
.સાઈઠ નો દાયકો પૂરો કરી ગયેલા પંકજ ભાઈ લિફ્ટ વગરના ફ્લેટમાં ત્રીજા માળે રહે
છે .એક ના એક દીકરા મેઘલ પોતાની કમાણી તો
અમેરિકા માં મકાન લેવામાં જ વાપરી છે. દસેક વર્ષ થી તે ભારત આવ્યો જ નથી ને
અમેરિકા માં બંને જણ નોકરી કરતાં હોઈ , નાના બાળક
ને સાચવવા માબાપને બે વાર બોલાવીને ,તેમને વિદેશ સફર કરાવી દીધા નો સંતોષ માની લીધો..શિક્ષક
રણછોડભાઈ ને ગળાનું કેન્સર થયું .સારવાર થી આંશિક ફાયદો થયો.કેન્સરે ફરી ઉથલો માર્યો. ઓછી રજા ના બહાને
એક નો એક પુત્ર સુનિલ બાર વર્ષ માં બે વાર ખબર
કાઢી ગયો અને પિતાના અંતિમ શ્વાસ વખતે હાજર નહોતો.અમદાવાદ ની કાલુપુર બજાર
ના દલાલ દીપકભાઈ નો વિશાલ બી.કોમ. થઈને વિદેશ ભણવા બહાને ગયો.ભાગીદારની ગદ્દારીમાં
દીપકભાઈ અસ્થિર મગજ ના થયા અને આખરે પુત્ર વિશાલ ની ગેરહાજરીમાં વિદાય થયા. ..આવા અનેક મેઘલ ,સુનિલ કે વિશાલ આપણી
આસપાસ છે જ.
પાંચ વર્ષે પાંચ લાખ વધારે કમાય .મૉટે ભાગે તો ભૂખ્યા રહીને કે અગવડ ભોગવીને
બચાવેલા હોય.અને પછી સારે માઠે પ્રસન્ગે પાંચ વર્ષમાં એક વાર પરિવાર સાથે દેશ માં
આવે ને ચાર લાખ વિમાન ટિકિટ ના થાય .સરવાળે બચે શું ? અહીં કેટલું વિશેષ ગુમાવે છે અને ગુણાત્મક નુકસાન ભોગવે
તેનો હિસાબ તો તે આંખ આડે આવી ઉભેલ પાઉન્ડ
કે ડોલર ને લીધે ન જ કરી શકે.
વિસ્તરતી ક્ષિતિજ
ને આંબવા યુવાન પાંખ પસારે તે આવશ્યક અને ઇચ્છનીય જરૂર છે જ. વિશેષ માં એક ખુબ
ખાનગી વાત કહેવાની .ભૂરિયાના ના ભૂરાં મગજ કરતાં ભારતીય યુવાનો ના દિમાગ ભારે
તેજસ્વી છે.વિશ્વ ની સિલિકોન સીટી પર પ્રભુત્વ તો ભારતીયનું ને એમાંય મૉટે ભાગે
ગુજ્જુ યુવાનો નું છે.પણ આ વાત અપને -યુવાનોએ યાદ રાખવા ની છે.આખરે તો જન્મભૂમિ ઋણ
અને ઘરતી છેડો ઘર -એ વાત સમજુ યુવાન ને
સમજાવવા ની ન હોય.આજ ના યુવાન અને તેના
વાલી એ બે વાત યાદ રાખવા જેવી છે .ભારતીય સંસ્કૃતિ માં પહેલી એ કે પૈસો જ સર્વસ્વ
નથી .પરિવાર ,સમાજ અને આનંદપૂર્ણ ,ભાવના અને લાગણી ભરપૂર જીવન એ જ સાચી સમૃદ્ધિ છે. ને બીજી
વાત ભારતમાતા ને આવતીકાલે જો વિશ્વ શિખરે બેસાડવા હશે તો તે મહા કાર્ય માત્ર અને
માત્ર તેજસ્વી યુવાનો જ કરી શકશે, એ વાત નિઃશંક છે.
ડો. હરગોવિંદ ખુરાના અને અર્થશાત્રી
અમર્ત્યસેન ને નોબેલ પારિતોષિક જરૂર મળ્યાં
ગૌરવ લઈએ,પણ તેમણે તે ભારત બહાર
રહીને જ યશ તો અન્ય દેશ ને આપ્યો. મિલાઇલ્સ મેન ડો.અબ્દુલ
કલામ પણ આખરે દેશ સમર્પિત જ થયા અને.ગુજરાતના પનોતા પુત્ર ડો. એચ.એલ. ત્રિવેદી દેશમાં જયારે ડાયાલીસીસ ના
ગણ્યા ગાંઠ્યા ઉપકરણો હતાં ત્યારે આ
મહામાનવે વિદેશમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ
ની સઘન તબીબી તાલીમ લીધી.પણ રાજ્યની પ્રથમ
અદ્યતન કિડની હોસ્પિટલ તો ગુજરાત -અમદાવાદ માં જ સ્થાપી! ક્ષિતિજ ની પેલે પાર
જઈને સૂરજનું અનેરું તેજ જરૂર પામીએ પણ તે અજવાળું આપણા જ ઘર ને ન પ્રકાશે તો શા
કામ નું ?
No comments:
Post a Comment