શુદ્ધ
-બુદ્ધ શિક્ષક દિનેશ માંકડ { 9427960979}
"બગલ માં તો બચકી ને તાલકા માં ટોપી
.પગમાં જુના જૂતા પહેરી પંડિત ચાલ્યા જાય
છે." "પંતુજી
" અને "સ્તર
વગર નો { મા એટલે નહિ -સંસ્કૃત
અર્થ } એટલે માસ્તર" આ કટાક્ષો ના ભોગ
કેમ બન્યા આપણે ? ખુબ ખુબ મંથન નો વિષય છે.આ માન્યતાઓ ભલે જૂની હોય ,આજે શું છે ? સંતાન ધોરણ બાર પાસ થાય અપેક્ષા
થી ઓછા ટકા આવ્યા .ઇજનેરી કે તબીબી ,ફાર્મસી માં
પ્રવેશ નહી મળે -C .A.-C.S નહિ થવાય .એટલે
નાખો એને વિનયન ,વાણિજ્ય કે વિજ્ઞાન ની
કોલેજ માં .એમાંય સરેરાશ ટકા આવ્યા .કરો બી.એડ .ને લાગો માસ્તર ની લાઈન માં ! જથ્થાબંધ વેપારીને અનેક પ્રકાર ના ને ગુણવત્તા
નો માલ આવે .ગુમાસ્તો રસ્તા પર થી બોલે ,
"શેઠ ,માલ આવ્યો
." શેઠ નો પ્રત્યુત્તર , "નાખો વખારે {ગોડાઉન માં } " - લગભગ આવી
સ્થિતિ શિક્ષણ ક્ષેત્ર ની છે. છેલ્લા
કેટલાક સમય થી નજીવો સુધારો થયો છે ,પણ તે નજીવો જ છે
કારણકે જે ગતિએ વિશ્વ અને વિજ્ઞાન આગળ વધે તેની સામે તેનું જ વિસ્તરણ જેના હાથ માં
તે શિક્ષક બે કદમ પાછળ ચાલતો જોવા મળે છે .આ અયોગ્ય જ છે-હાનિકારક અને જોખમી પણ
છે.
" નવી શિક્ષણ નીતિ
૨૦૧૯ માં શિક્ષણ સંદર્ભના અન્ય પાસાં ની સાથે શિક્ષણ પરીક્ષણ પર વિશેષ ભાર મુકાયો
છે તે ખુબ અગત્યની વાત છે. ઘણા ને વાંચીને નવાઈ
પણ લાગશે કે શરૂમાં તો ઘેર બેઠા વાંચીને છ મહિને લેવાતી શાલાંત પરીક્ષા પાસકરીને શિક્ષક થઇ જવાતું ! ક્રમિક
થોડો સુધારો તો થયો પણ તે વર્ષ માં પી.ટી.સી. કે બીએડ થઇ શિક્ષક થવાય. આશરે કલાક કલાકના પેપર માં બાળ મનોવિજ્ઞાન ને
શિક્ષણ ની વિશ્વ આખા ની ગહન ફિલોસોફી ની પરીક્ષા થઇ જાય .શિક્ષણ ની તમામ સમસ્યાઓ અને તેના ઉકેલ,નિવારણ પણ વર્ષ ના કુલ
વીસ-પચીસ કલાક માં સમજાવાઈ જાય.
એક બે વર્ષ થયા ,હજી હમણાં
માંડ શિક્ષક થવા માટેની ગુણવતા પ્રાપ્ત
કરવા બે વર્ષ નો અભાસક્રમ થયો. સ્વાભાવિક
છે કે તોય એક બાળક ને વિષય જ્ઞાનથી વિશેષ
એક ઉત્તમ નાગરિક બનાવવા માટે તો પૂરતો સમય આપવો જ જોઈએ.
નવી શિક્ષણ નીતિ
૨૦૧૯ માં આ વાત પર પૂરો ભાર મુકાયો અને ધોરણ ૧૨ પછી જ કારકિર્દીના નિર્ણયાત્મક
તબક્કામાં જ શિક્ષક થવાનો નિર્ણય થાય.અને
ચાર વર્ષ નો પૂર્ણકાલીન અભ્યાસ પછી
શિક્ષણ સ્નાતક થવાય.મતલબ કે પ્રારંભ થી જ શીખવવા ની ને શીખવાની કળા પ્રાપ્ત થાય .સાદીભાષામાં
કહેવું હોય તો ગણિત શીખવામાં ને શીખવવા માં પાડનારી મુશ્કેલી ને પ્રત્યક્ષ સમજીને
અમલ માં મુકવાની કળા તેના માં આવે. નવી શિક્ષણ નીતિ માં વિદ્યાર્થીની
તમામ ભૂમિકા સમજવા અને શાળા ક્ષેત્ર ના તમામ પાસા વિસ્તૃત રીતે સમજી શકાય
એટલે જ ચાર વર્ષ નો અભ્યાસ ગાળો પસંદ કરાયો છે
વિશેષ અગત્યની વાત એ છે કે અહીં
તેને જે વિષય ના શિક્ષક થવું છે તે જ વિષયની શિક્ષક થવાની તાલીમ મળે છે.ભાષા
શિક્ષકમાં મૌલિકતા વધારે જોઈએ તો ગણિત
શિક્ષક માં તર્ક શક્તિ. વિજ્ઞાનશિક્ષક પાસે સિદ્ધાંતોની સ્પષ્ટ સંકલ્પના તો સમાજ
વિજ્ઞાન ના શિક્ષક પાસે રાષ્ટ્રીયતા અને બંધારણ પ્રેમ અનિવાર્ય હોય.પોતાના જ
પસંદગી ના વિષય પરત્વે નું શિક્ષણ તેને નીરસ બનાવતો રોકે અને તેની ક્ષમતા માં
ઉમેરો કરે .આ વાત ને અત્યાર સુધી વિશેષ મહત્વ અપાયું જ નથી .જેની સીધી અસર હવે
દેખાશે જ.
અહીં જે અલગ વાત કરવી છે તે શિક્ષક થવા માટે પ્રાથમિક લાયકાત
ની વાત છે .નવી શિક્ષણ નીતિ ૨૦૧૯ ના મુસદ્દા માં સ્પષ્ટ જણાવ્યું છે કે " અધ્યાપન
એ નૈતિકતા અને બૌદ્ધિકતા માંગતો વ્યવસાય
છે." આમ તો સામાન્ય રીતે આ બંને
ગુણ સમાજના બધા વ્યવસાય માટે આવશ્યક ગણાય પણ નવી નીતિએ અધ્યાપન ના વ્યવસાય ની
પ્રથમ લાયકાત તરીકે વ્યાખ્યાયિત કરી છે .આવું કેમ કરવા માં આવ્યું છે ? આ બંને વાત ને આટલું પ્રાધાન્ય કેમ ?
પ્રત્યેક માતાપિતા ,કુટુંબ ,સમાજ કે રાષ્ટ્ર ઈચ્છે કે આવતીકાલ ની પેઢી
ચારિત્ર્યવાન અને બુદ્ધિમાન હોય.આઝાદીના ૭૫ વર્ષ પછી પણ પશ્ચિમી સંસ્કૃતિ ના પંજા
માં થી છૂટ્યા નથી ,બલકે વધુ જકડાતા જઈએ છીએ .આશ્રમના ગુરુ ને બદલે શાળાનો
શિક્ષક થયો.જીવન ઘડતર ને બદલે રોટી માટે નું શિક્ષણ શરુ થયું.શિક્ષણ નું મુખ્ય
ધ્યેય જ ખતમ થઇ ગયું.આશ્રમ માટે લાકડા વીણવા જતા કૃષ્ણ -સુદામાની વાત અભ્યાસ ક્રમ
માં નથી .અહીં તો શિક્ષક ઠપકો આપે તો તેને કઈ સજા થાય તેની કલમો જાહેર થાય છે.
જે વાલી આજે શિક્ષક વિરુદ્ધ ની નજીવી ફરિયાદ લઇ જાય છે ,એ જ વાલી જયારે ભણવા જતો ત્યારે તેના દાદા શિક્ષકને કહેતા
કે,"જરાકે અવગુણ દેખાય તો ઠપકારજો. " સોશિયલ મીડિયા ,મોબાઈલ નો દુરુપયોગ અને ટીવી-ફિલ્મ એ બાળ માનસ માં એટલું તો અયોગ્ય અને અનુચિત ભરવા
માં માંડ્યું છે કે પુરી નૈતિક તાકાત વાળા
શિક્ષક અતિ અનિવાર્ય છે.
પ્રાચીન થી માંડીને છેક આજ પણ ગમતો શિક્ષક એ વિદ્યાર્થી
નો જીવન આદર્શ બની રહેતો હોય છે.એટલું જ
નહિ કોઈપણ શિક્ષકનો વિશેષ સંપર્ક પણ શિક્ષક
ની સારી કે ખરાબ આદત નો વિદ્યાર્થી પર પ્રભાવ પડી જાય છે જ.અહીં શિક્ષક ની
યોગ્ય લાક્ષણિકતા ઓ અને નીતિમત્તા ખુબ જ અગત્ય ની બની જાય છે.અને એટલે જ નવી
શિક્ષણ નીતિ નૈતિકતા ને અધ્યાપન ની અગ્ર વાત દર્શાવે છે.
જૂનાગઢની દીકરી -રાધા એનું
નામ . ૧૨ વિજ્ઞાન નું પરિણામ આવ્યું. ૯૫+ ટકા વાળું ગુણપત્રક પિતા ના હાથ
માં સોંપ્યું .આજુ બાજુ ઉભેલા સૌએ ખુશી ની લહેર સાથે પૂછવા માંડ્યું -કઈ લાઈન લઈશ ?
રાધા એ મમ્મી
સામે જોઈને કહ્યું ," માં મારે માસ્તર
થવું છે ." -સૌના આશ્ચર્ય નો પાર ન રહ્યો..રાધાએ તો પહેલેથી નક્કી કરી
લીધેલું કે સંસ્કૃતભાષાની સેવા શિક્ષણ ના માધ્યમ થી કરવી છે.! અત્યારે નાની વયે આદિગુરુ શંકરાચાર્ય ના અદ્વૈતવાદ નો
ઊંડો અભ્યાસ કરે છે.
“ કુવા માં હોય
તો અવાડા માં આવે " બહુ પ્રચલિત કહેવત ને ૨૦૧૯ ની નવી શિક્ષણ નીતિએ પ્રતિપાદિત કરવા ની નેમ લીધી છે
એટલે જ શિક્ષકની
બૌદ્ધિકતાને પ્રાધાન્ય આપે છે.
વષો પહેલા જાપાન ના પ્રાથમિક શિક્ષકોની એક ટિમ અમદાવાદ આવેલી. તેઓ એ જણાવેલું કે
જાપાન માં પ્રાથમિક શિક્ષક થવા માટે આપણી
ભારતીય સનદી પરીક્ષા { IAS } સમકક્ષ પરીક્ષા પાસ કરવી પડે છે.વિશ્વના અનેક દેશોમાં
બદલાતા અભ્યાસક્રમ અને સંશોધન ને લીધે શિક્ષકોએ કેટલાક વર્ષે ,વચગાળા ની પરીક્ષા આપી ને શિક્ષકનું લાયસન્સ રીન્યુ કરાવવું
પડે છે.!
નવી શિક્ષણ નીતિ ૨૦૧૯ એ શિક્ષકની ગુણવતા-બૌદ્ધિકતા પર ખાસ
ભાર મુક્યો છે.સમય ખુબ ઝડપ થી દોડે છે.જ્ઞાનની સીમાઓની રેખા ઓ ને અંતિમ છે જ નહિ .કોઈના પણ હાથ માં
રહેલો મોબાઈલ તેના ટચુકડા સ્ક્રીન પર 'આર્કટિક થી એન્ટાર્ટિકા ' દર્શાવે છે .તેવે વખતે જ્ઞાન માહિતી કે જાગૃતિ વગરનો શિક્ષક એક ક્ષણ પણ વર્ગ
માં ઉભી નહિ શકે. નજરે જોયેલો કિસ્સો યાદ આવે છે .સમાજવિજ્ઞાન ના પુસ્તકિયા પોપટ
સાહેબ બોલ્યા ,ભારતના ૨૨ રાજ્યો
છે." ને મસ્તીખોર મગનિયો તાડુકી ઉઠ્યો ,સાહેબ ,ગુગલ તો ૩૦ રાજ્ય કહે છે
! "
બુદ્ધિમતા માં
મર્યાદા હોય તો અન્ય વ્યવસાય અને
શિક્ષકના વ્યવસાય માં એક મૂળભૂત તફાવત
નોંધી લેવા જેવો છે. અન્ય વ્યવસાય માં જ્ઞાન -માહિતી કે નિર્ણય માં કોઈ બૌદ્ધિક
ભૂલ હોય તો મૉટે ભાગે વ્યક્તિ ને જ નુકસાન થાય.પણ અહીં તો શિક્ષકની સામે એક એવો
મોટો સમૂહ છે જે શિક્ષકની વાત ને બ્રહ્મ સત્ય સમજીને સ્વીકારે છે. એટલે શિક્ષક
ક્યારેય અલ્પ બુદ્ધિમત્તા વાળો સ્વીકારી જ ન શકાય ૧૯૭૨ માં નજરે જોયેલી .સત્ય ઘટના
;.'હીરાલાલ માસ્તર ધોરણ સાત માં વિજ્ઞાન શીખવતા હતા મુદ્રા રાક્ષસે પ્રકાશ પરાવર્તન ના પાઠ નું
મથાળું "પ્રકાશ નું પરિવર્તન " છાપી મારેલું.હીરાલાલ માસ્તરે આખો પાઠ 'પરિવર્તન ' તરીકે જ
ભણાવ્યો.-.નવી શિક્ષણ નીતિ શિક્ષકની ગુણવતા માં જરાય બાંધછોડ કરવા માંગતી નથી.આ વાત
ખુબ જરૂરી છે. મુસદ્દો જણાવે છે કે " એ
સમિતિનું લક્ષ્ય રહેશે." શિક્ષણ ના તમામ સ્તરે જુસ્સાદાર ,ઉચ્ચ લાયકાત વાળા ,વ્યવસાયિક રીતે પૂર્ણ પ્રશિક્ષિત અને સજ્જ શિક્ષકોની
વચનબદ્ધતા “
મુસદ્દાની કડક ભાષા જ તેની ગંભીરતા ની સૂચક છે, "
શિક્ષક તૈયાર કરવા ના કાર્યક્રમો સખત હશે અને
ગતિશીલ ,બહુ શિસ્ત ઉચ્ચશિક્ષણ
વાળી સંસ્થાઓમાં યોજાશે.સબ સ્ટાન્ડર્ડ અને ડીસફંક્શનલ શિક્ષણ સંસ્થાઓ બંધ થઇ જશે.
"
રોજનું વર્તમાન પત્ર સામાજિક અધઃપતન ના અનેક સમાચારોથી
ખદબદે છે. અને એનો ક્રમ ઘટતો નથી. એનું પાયા નું મૂળભૂત કારણ તે મૂલ્ય
શિક્ષણ-ચારિત્ર્ય શિક્ષણ ની ઓછી ગંભીરતા છે.ઘણી બાબતોમાં કહેવાય છે કે 'ધનિક ભારત માં ગરીબો
વસે છે.' શિક્ષણ ક્ષેત્રનું પણ
તેવું જ છે. ઉત્તમ વ્યક્તિ અને ગ્રંથોનો વારસો હોવા છતાં સમાજ આવો કેમ ? આકાશે આંબતી ગગનચુંબી ઇમારતો વધતી જાય છે,તેના પાયા ના ચણતર નબળા હોય તો શું પરિણામ આવે ? એવું જ શિક્ષણ નું છે .નીતિમત્તા પૂર્ણ શિક્ષક આવતીકાલ નો
ઉત્તમ નાગરિક-માણસ તૈયાર કરી શકશે.એવી જ વાત બુદ્ધિમત્તા ની છે.મનોવિજ્ઞાનની
કસોટીઓ સાબિત કરે છે બદલાતી આવનારી પેઢી ઓ ક્રમશ વધુ બુદ્ધિશાળી જ આવે છે. એટલે તેને
શીખવનાર શિક્ષક પણ બુદ્ધિમાન જ પાલવે..
નવી શિક્ષણ નીતિ ૨૦૧૯
એક ચોક્કસ દિશા અને દૃષ્ટિ {વિઝન} લઈને આવે છે .આશા
રાખીએ કે આવનાર શિક્ષક 'શુદ્ધ' પણ અને 'બુદ્ધ' પણ હોય.