Readers

Thursday, November 21, 2024

યાત્રા 38 નેપાળ યાત્રા

 


                                                                  નેપાળ યાત્રા

           ભારતદેશના બાર જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ થયા પછી વિશ્વના મહાન પવિત્ર  મહાદેવ  પશુપતિનાથ, નેપાળના દર્શનની મહેચ્છા ઘણા સમયથી હતી પણ અનુકૂળ યોગ્ય પ્રવાસ આયોજક  મળે તેની રાહ જોતાં હતાં.તેવાંમાં IRCTC ની વિજ્ઞાપન આવી પણ થોડું અવઢવ હતું. ત્યાં ખબર મળ્યા કે હિના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ મુંબઈ, ખુબ સારા પ્રવાસ આયોજક છે અને તેમના નેપાળ પ્રવાસ નિયમિત હોય જ છે. ગુગલ ગુરુના શરણ લીધું.લોકોના અભિપ્રાય જોયા .તેમનું આયોજન જોયું. સદ્નસીબે તેની અમદાવાદમાં તેમની શાખા પણ મળી આવી.તેમની કેટલીક વિશેષતા ખાસ નજરે ચડી. ગુજરાતી રસોયાઓ સાથે પોતાનું જ  રસોડું સાથે,બધા જ સાઈટ સીનની ટિકિટ તેમના પેકેજમાં, વિદેશ હોવાને ચલણ હેરફેર અને  સાઈટ ટિકિટો કઢાવવાની કડાકૂટ નહિ. અને ખાસ તો અમર્યાદિત મિનરલ પાણી.સારી હોટેલ્સ અને અંદરની હેરફેર પણ ખુબ સારી.ટૂંકમાં કાઠમંડુ વિમાની મથકના આવકારથી માંડી ને વિદાય સુધીની સંપૂર્ણ તમામ  વ્યવસ્થા એમની જ. કાઠમંડુ પહોંચવાની વિમાનની ટિકિટ આપણી !

        તારીખ નક્કી કરી. દિવાળીના તહેવારો પૂર્ણ થતા જ ભાઈબીજ  3  જી નવેમ્બર નક્કી કરી. હીના ટુર્સની ઓફિસે જઈ વિગતો સમજીને એડવાન્સ ભર્યા.દરમિયાન પાર્થની સહાય લઈને આવવા જવાની અમદાવાદ -દિલ્હી- કાઠમંડુ ટિકિટ કઢાવી લીધી.સમયાંતરે બાકીના રૂપિયા પણ ભરી દીધા.તૈયારી શરુ થઇ.હિમાલયની ગોદમાં જવાનું હતું  અને નેપાળનું અનિશ્ચિત્ત હવામાન હોય છે એવું જાણીને  થોડાં ગરમ કપડાં પણ લીધાં.દિવાળીના મંગળ તહેવારો પૂર્ણ થયા. પ્રવાસના ત્રણ દિવસ  અગાઉ જ  હોટેલની પુરી વિગત અને સેક્ટર હેડનો નંબર પણ આવી ગયા.તરત જ મેનેજરનો કાઠમંડુથી ફોન પણ આવી ગયો.અમારા વિમાન પહોંચવાની વિગતો પણ જાણી લીધી.અમારા ગ્રુપમાં કુલ 15 સભ્યો હતા.કંપનીના નિયમ મુજબ અગાઉથી વિગતો આપતા નથી.મળ્યો તે ભાઈ !

       જોતજોતાંમાં 2 જી નવેમ્બર 2024 પણ આવી ગઈ.વિમાન દિલ્હીથી બદલવાનું હતું અને અમે બે જ હતાં એટલે દિલ્હી થોડો સમય વધારે જોઈએ એટલે 2 જી રાત્રે જ 8 વાગ્યે સરદાર પટેલ વિમાની મથક અમદાવાદથી AIR INDIA  ની ફ્લાઇટથી પ્રવાસ શરુ થયો.દસ વાગ્યે દિલ્હી પહોંચ્યા.કનેક્ટિંગ ફ્લાઇટ હોઈ સમાન હેરફેરની ચિંતા નહોતી.સીધો કાઠમંડુ જ મળવાનો હતો.3 જીની અમારી ફ્લાઇટ સવારના 7 વાગ્યાની હતી પણ કોઈ કારણસર તે 11.35 વાગ્યે ઉપાડશે  તેવો સંદેશ મળ્યો.સામાન્ય રીતે ચેક ઈન ત્રણ કલાક  પહેલા થાય એટલે શરૂના કલાકો થોડા અગવડમાં ગયા.પણ પછી એર ઇન્ડિયામી લોન્જ સુવિધા વિગત પાર્થે સમજાવી હતી..ક્રેડિટ કાર્ડ માંથી એક રૂપિયામાં જે ખાવું પીવું હોય તે થાય. પાર્થએ કાર્ડ આપ્યા હતા એટલે પૂરો લાભ લીધો.11.35 વાગ્યે સમયસર વિમાન ઊપડ્યું બરોબર 2.30 વાગ્યે  કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર ઉતર્યા.વિશ્વના એક માત્ર હિન્દૂરાષ્ટ્રની ભૂમિ પર મૂકતાં અલગ જ  રોમાંચ અનુભવ્યો. હિના ટુર્સના પ્રતિનિધિ હાજર હતા જ.એમની જ ટેક્ષી   Hotel Le Himalaya  સુધી લઇ ગઈ.

        ટુર મેનેજર રમેશભાઈએ સ્વાગત કર્યું.રૂમ ફાળવાયો.અમારા માટે બપોરનું ગરમાગરમ ભોજન { 3 વાગ્યે } તૈયાર હતું. ગ્રુપના અન્ય બે સભ્યો શ્રી ધનજીભાઈ અને મોંધીબહેન અંજાર કચ્છથી આવેલાં એટલે તો આત્મીયતા અને ઓળખાણથી પરિચય વધ્યો.આજની સાંજ કેવળ વિરામની હતી.આગળના દિવસની દોડધામ અને મુસાફરી પછીની રાહત હતી.બપોરની ચા અને રાત્રી ભોજન વેળા મેનેજર રમેશભાઈએ બીજા દિવસ એટલે 4 થી તારીખનું સાઈટ સીનનું આયોજન  સમજાવ્યું.રાત્રી રોકાણ કાઠમંડુ..

     આવો,  પ્રવાસ શરુ કરતા પહેલા નેપાળનો પ્રાથમિક પરિચય લઇ લઈએ. નેપાળ -ભારતના   ઉત્તર પૂર્વ ભાગમાં હિમાલયની તળેટીના આવેલું વિશ્વનું એક માત્ર હિન્દૂ રાષ્ટ.વેદિક શાસ્ત્રોમાં ભારતીય ઉપખંડ તરીકે નેપાળનો ઉલ્લેખ છે .ભગવાન બુદ્ધનું જન્મસ્થાન લુમ્બિની દક્ષિણ નેપાળમાં છે.18 મી સદીથી ગોખા અને પછી શાહ પરિવારની રાજાશાહીથી દેશ ચાલ્યો છેક 2015 માં દેશ એ પોતાનું બંધારણ બનાવ્યું.' નેપાળ માહાત્મ્ય ' અનુસાર ભારતીય સંત ' ને મુનિ ' કે ' નેમી' ના નામ પરથી દેશનું નામ પ્રસ્થાપિત થયું છે.બ્રિટિશ શાસનનો પ્રભાવ ખરો પણ પ્રભુત્વ નહિ..માત્ર 800 કી.મી લંબાઈ અને 200 કી.મીની પહોળાઈ ધરાવતા આ દેશની વસતી  માત્ર 3 કરોડ આસપાસ છે. રાજધાની કાઠમંડુ વસતી ત્રીસ લાખ છે. જ  7 રાજ્ય અને 77 જીલા માં વહેંચાયેલો છે..મુખ્ય નેપાળી ભાષા ,હિન્દી ને મળતી આવે પણ 123 જેટલી પ્રાદેશિક ભાષાઓ છે. વેપારીઓ ,નાગરિકો હિન્દી સારી રીતે બોલી લે છે .અંગ્રેજીનો પ્રભાવ ઘણો જ ઓછો છે. 81 % હિન્દૂ ધર્મી ,9 % બુદ્ધ,4  % અને 1 % ખ્રિસ્તી ધર્મી છે.2012 પહેલા તો પૂર્ણ હિન્દૂરાષ્ટનો દરજ્જો હતો પણ બંધારણ બન્યું એટલે રાજકારણ આવ્યું ને તેમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઘુસી ગયો.છતાં સ્થાનિક લોકો તો દેશને હિન્દૂ રાષ્ટ્ર જ ગણે છે .તમામ દુકાન,ઘર હોટેલ કે અન્ય જાહેર સ્થળોએ સનાતન ધર્મના પ્રતીકો અચૂક જોવા જ મળે.મોટાભાગે કોઈપણ વય ની બહેનોના લલાટે ચાંદલો જોવા જ મળે. મોટી હોટેલના રિસેપશન પર સાડી પહેરેલ બહેન સ્વાગત કરે મોટાભાગનો દેશ પર્યટન અને  પરિશ્રમ પર નિર્ભર છે.આર્થિક નબળો અને પરાવલંબી છે એટલે વિકાસ ધીમો દેખાય. નેપાળી રૂપિયો આપણા રૂપિયા કરતાં ઓછું મૂલ્ય ધરાવે છે.એટલે ખરીદીમાં મજા આવે.કોઈ વસ્તુની કિંમત પૂછીએ એટલે નેપાળી 100 રૂપિયાની કિંમત વાળી વસ્તુના 63 ભારતીય રૂપિયા થાય ! શહેરના મુખ્ય રસ્તા પર વીજળી તારના ગૂંચળાં જોઈને ખુબ નવાઈ લાગે.દેશના રીક્ષા નથી.ફક્ત ટેક્ષી જ છે.

      4 થી નવેમ્બર 2024  યોગાનુંયોગ સોમવાર હતો.નવ વાગ્યે પશુપતિનાથ મહાદેવના પ્રાંગણમાં પહોંચ્યા એક પૌરાણિક કથા અનુસાર શિવજી અને માતા પાર્વતી બાગમતી નદી કિનારે જંગલમાં શીંગડાંવાળા હરણનું રૂપ લઇ વિહાર કરતાં હતાં .કોઈ કારણથી એક શિંગડું તૂટ્યું .એ શિવલિંગ સ્વરૂપે પૂજાય છે તે એટલે પશુપતિનાથ.બીજી એક  માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પ્રાયશ્ચિત્ત માટે હિમાલય જઈ રહેલા ત્યારે શિવજીને પરીક્ષા કરવાનું મન થયું માર્ગમાં .પાડા સ્વરૂપે આવેલા શિવજી સાથે ભીમે બાથ ભીડી.અંતે અંતે પાડાનો એક ભાગ કેદારનાથ પડ્યો અને બીજો જ્યાં પડ્યો તે એટલે પશુપતિનાથ..સરકાર માન્ય દુકાન તિરૂપતિ માંથી એક થી છ મુખી રુદ્રાક્ષ સેટ ખરીદ્યો.જાગૃત મેનેજર રમેશભાઈ એ રુદ્રીપાઠ માટે વિશ્વાસુ બ્રાહ્મણ શોધી. આપ્યા  

   

  પશુપતિનાથનું શિવલિંગ પાંચ મુખવાળું છે.ખુબ મોટી લાઈન હતી પણ એક મુખ જોવું હોય તો ટૂંકી લાઈન.ગોઠવાયા .મુખ્ય મુખના દર્શન કર્યા .હવે મહારાજ પાસે રુદ્રીપાઠ કરાવવાનો હતો.તેમણે સંકલ્પ લેવરાવીને ખુબ સરસ રીતે શુદ્ધ ઉચ્ચારથી પૂરો રુદ્રીપાઠ કર્યો.લીધેલ રુદ્રાક્ષ સેટની પૂજા પણ કરાવી. મેનેજર  રમેશ ભાઈની સૂઝ અને જાણ અનુસાર 11.30. વાગ્યે નિજમંદિરનું પશ્ચિમ દ્વાર ખુલે. ખુબ નાની ભીડમાં દ્વાર પાસે ગોઠવાયા દ્વાર ખુલ્યું.અને ભગવાન પશુપતિનાથના બીજા,ત્રીજા અને ચોથા મુખના દર્શન થયા.મંદિરની પરિકમ્મા પણ થઇ.સાથે સાથે લીધેલ રુદ્રાક્ષ સેટની પણ પદક્ષિણા થઇ ગઈ.

        પ્રાંગણમાં ભૈરવની ભવ્ય મૂર્તિ છે.તેના પણ દર્શન થયા. બાગમતી નદીના કિનારે આવેલું પશુપતિનાથનું મંદિર યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાની યાદીમાં સમાવાયું છે.મૂળ શિવલિંગ ચાંદીથી મઢેલું છે.અન્ય ચાર મુખ છે જે વરુણ, વામદેવ, ,અગોરા અને ઈશાન નામથી ઓળખાય છે.દરેક મુખની જમણી બાજુના હાથમાં રુદ્રાક્ષ અને ડાબા હાથમાં કમંડળ છે. મોટા નંદિની આસપાસ ગણેશજી અને હનુમાનજી ની વિશાળ મૂર્તિઓ છે.પરિસરમાં ભૈરવ ,રામમંદિર અને વિષ્ણુમંદિર પણ છે. મંદિર પરિસરમાં વિશાળ સ્વસ્તિક આકારમાં સ્થાપિત થયેલાં 525 શિવલિંગના દર્શન સ્વસ્તિકમાં જ ફરતાં ફરતાં કરાય છે. દર્શન કરતી વખતે મેઘરાજાએ પણ જોરદાર પધરામણી કરી.થોડાં ભીંજાયાનો આનંદ લીધો.

        હોટેલ પરત આવી બપોરનું ભોજન લીધું.અને તરત અન્ય સાઈટ સીન તરફ હંકારી ગયા.'સ્વયંભુનાથ સ્તૂપ ' નામ પરથી શિવ મંદિર લાગે પણ હકીકતમાં તો ભગવાન બુદ્ધને બૌધિગયામાં જ્ઞાન લાધ્યું પછી પરિભ્રમણ કરતા પ્રથમ અહીં આવેલા તે સ્થળ છે.વિશાળ સ્તૂપની પરિકમ્મા કરતાં કરતાં દીવાલમાં જોડેલા તાંબાના ઘંટ આકારના અનેક પ્રતીકને ફેરવતા જવાના 

.અહીં ચીન અને જાપાનના પર્યટકો વધારે જોવા મળે.હાથમાં માળા લઇ સહુ પ્રદક્ષિણા કરે.મુખ્ય સ્થાનમાં મોટો ફરતો ડોમ હતો.ત્યાં રંજનાએ દોવો કરતાં રૂ 150/- ચૂકવવા પડયા! ને મેં વિડિઓ કરીને વઢ ખાધી  ત્યાંથી 'પાટણ દરબાર તરફ .મહારાજાનો સૌથી પ્રાચીન મહેલનો દરબાર વિભાગ છે.વિશાળ મેદાનમાં અને વિશેષ શૈલીની કોતરણી ધામ ખેંચે છે.નાના નાના દ્વારો અંદર જવાય.અહીં 'તુળજા ભવાની'નું મંદિર છે જે વર્ષમાં એક જ વખત દશેરાના જ ખુલે છે.ભૂતકાળ માં અહીં બલી ચડાવતો.આ વિશાલ મેદાનમાં ખુબ મોટું શ્રી કૃષ્ણમંદિર છે

 .

મંદિરની વિશેષતા એ કે ત્રણ માળનું આ મંદિર એક જ પથ્થરમાંથી બનાવાયું છે.આ એક માત્ર મંદિર છે જેમાં શ્રી કૃષ્ણની સાથે સત્યભામા રૂક્ષ્મણી વગેરે પટરાણીઓની મૂર્તિ વિરાજમાન છે.કહે છે ઉપરમા માળે રામાયણના પ્રસંગોના ચિત્રો હજારો વર્ષ પહેલાં આલેખાયેલાં .જર્જરિત ઉપર જઈ શકાતું નથી.અહીં સાંજ વહેલી પડે છે.હોટેલ પરત પહોંચ્યા. 

         ગ્રુપના જોડાનાર અન્ય અગીયર સભ્યો, તેમની મુંબઈ ફ્લાઇટ રદ થઇ હોવાથી થોડાં મોડા પહોંચ્યા.સાગરભાઈ પરિવાર { 5} અને કરણભાઇ પરિવાર { 6} પણ હોટેલ પર આવી ગયા.મેનેજરે તેમનું  પશુપતિનાથ દર્શનનું આયોજન ગોઠવ્યું.અમને સાથે આવવાની ઓફર મૂકી ને અમે સ્વીકારી. બપોરના વરસાદને લીધે બિલકુલ લાઈન પણ નહિ ને નિજ મંદિરમાં લાઈટો ને લીધે ખુબ ભવ્ય દર્શન થયા.આરતીનો સમય થયો એટલે આરતી માણી.  રાત્રી રોકાણ કાઠમંડુ

       તારીખ 5 મી નવેમ્બર .160 કી.મી.દૂર ચિત્તવન જવાનું હતું.2*2 AC બસમાં ગોઠવાયા.પહાડી અને ઊંચાઈ પરનો માર્ગ હોઈ વધારે સમય લાગવાની ખબર હતી  કાઠમંડુથી ચિત્તવન જતાં 100 કી.મી.દૂર માર્ગમાં મનોકામનાનું ભવ્ય મંદિર આવે છે.મંદિર  4300 ફિટ ઊંચું છે.શરૂઆતમાં પહાડી ચઢાણ દ્વારા લગભગ ત્રણ કલાકે મંદિર પહોંચી શકાતું.પરંતુ હવે 3 કી.મી.નો લાંબો રોપ વે બનાવાયો છે જે નેપાળનો સૌથી લાંબો રોપ વે છે.

 રોપ વે દ્વારા વચ્ચે બે ઊંચી ટેકરીને ઓળંગીને ત્રીજી ટેકરી પરના મંદિરે જવાય .કેબલકારમાં હળવા ભય સાથે રોમાંચ થાય. મનોકામના દેવી માતા ભગવતીનું આ મંદિર અરમાન રાયામથી ને  ઇસ.1678 માં નજરે ચડ્યું હતું.શ્રદ્ધાળુ ઓ માતાજીની માનતા માને ને મનોકામના પુરી થાય.અહીં કુકડા અને બકરાનો બલી હજુ પ્રસંગોપાત ચડાવાય છે.પણ તે મંદિરમાં નહિ પણ પરિસરમાં કોઈ અલગ જગ્યા પર. દર્શન  માટે લગભગ ત્રણેક કલાક લાગે તેવી લાંબી લાઈન હતી.એટલે બહારથી દર્શનનો સંતોષ માની પાછા વળતાં હતા.ત્યાં જ ખુબ આગળ ઉભેલા સૌરાષ્ટ્રના પરિવારે અમારું ગુજરાતી સાંભળ્યું.ને કહે  ચિંતા વગર અમારી સાથે આવી જાવ. આશ્ચર્ય વગર કોઈએ વિરોધ ન કર્યો.ને માત્ર પંદર મિનિટમાં ખુબ સરસ દર્શન. પુજારીજી એ નિજ મંદિરમાં મૂર્તિને સ્પર્શ કરાવી દર્શન કરાવ્યાં.. મોડી સાંજે Jungle Crown  રિસોર્ટ પર પહોંચ્યા .Jungle Crown રિસોર્ટ માં સ્વિમિંગ પુલ,ફૂવારોને લાઇટિંગ વગેરે હોતાં ગમતું વાતાવરણ મળ્યું. રૂમ ફાળવાયા .રાત્રી વિરામ.

.         6 ઠ્ઠી નવેમ્બરવહેલી સવારે સાત વાગ્યે જ ,પહાડીમાં ચાલનારી ગાડી અને ગાઈડ હોટેલ પર આવી ગયા .અને સફર શરુ. રાપ્તી  નદીમાં ખુબ લાંબો નૌકા વિહાર કરવાનો હતો.એક જ થડમાંથી બનેલા લાંબા અને સાંકડા તરાપામાં એકની પાછળ એક ,એમ પંદર જણ  ગાંઠવાયા  આ નદી મગરમચ્છ માટે જાણીતી છે.અહીં મોટા ભયાનક મગર નહિ પણ નાના કાળા રંગના ઘડિયાળ પ્રકારના મગર છે.તરાપામાં બેઠા બેઠા દૂર તરતા કે મોં કાઢી બેઠેલા મગર જોયા..લાંબો  નદી વિહાર કરીને હાથી ઉછેર કેન્દ્ર પર પહોંચ્યા. હિન્દીભાષી ગાઈડ સંદીપ બધી વિગત ખુબ વિસ્તૃત રીતે સમજાવતા ગયા.ભારતથી પાંચ હાથી લાવેલા નેપાળના આ કેન્દ્રમાં 84 હાથી છે. કદાવર હાથીથી માંડીને નાના મદનિયાં સહુની ગેલ કરતાં હતાં 55 વર્ષનો રોનાલ્ડ ,સૌથી મોટો છે જોકે તે જોવા ન મળ્યોઅહીં હાથીની ખોપરી  જોવા માટે મૂકી છે..નેપાળ સરકાર આ ઉછેર કેન્દ્ર ચલાવે છે.તૈયાર થયેલ હાથીઓ નેશનલની સુરક્ષામાં જોડાય છે.અમારા વતી  ગજરાજોને શેરડી ખવરાવી.હોટેલ પર આવી બપોરનું ભોજન


         હવે નેશનલ પાર્કમાં જ આવેલ જંગલ સફારીમાં જવાનું હતું.ખુલી જીપમાં ગોઠવાયા.952 ચોરસ કી.મી. ફેલાયેલા ચિત્તવન  નેશનલ પાર્કને  50 વર્ષથી વિકસાવાયો છે.તેને 1984 માં વિશ્વ વારસા પણ સ્થાન અપાયું છે.200 પ્રકારના પક્ષીઓ 17 પ્રકારના પ્રાણીઓ વસવાટ કરે છે.Bengal Tiger અને એક શીંગડાં વાળો ગેંડો વિશેષ ગણાય છે.જંગલ સફારીના ચુસ્ત નિયમોને લીધે સવારે 5 વાગ્યે અને બપોરે 1 વાગ્યે ફક્ત 30 ગાડી જ આવવા દે છે .અમારો સ્લોટ બપોરનો આવ્યો એટલે પ્રમાણમાં ઓછા પક્ષી પ્રાણી જોવા મળ્યાં કદાચ વેકેશનને કારણે ઘણા મામાને ઘેર ગયા હશે.એક શીંગડાં વાળો ગેંડો અહીંનું વિશેષ પ્રાણી છે.દૂર દૂર દેખાયા.હરણ, સુવ્વર વગેરે પણ દોડતાં કૂદતાં જોવા મળ્યા. હોટેલ પર પરત રાત્રી ભોજન . નેપાળના લોકનૃત્યોમાં અનેક નૃત્ય પ્રચલિત છે.એમાંનું ' થારુ સ્ટિક ડાન્સ 'અમારે જોવાનો હતો. .આમ તો જોવા અલગ સ્થળે જવાનું હતું પણ ઘણા પ્રવાસીઓ હોઈ આખી ટિમ હોટેલ પર જ આવી ગઈ.'પરંપરાગત પહેરવેશમાં બાર તેર સભ્યોમી ટિમ ઢોલ અને ખંજરી જેવાં વાદ્યો સાથે આવી ગઈ.  લોકગીતના તાલે ચાર ફિટ લાંબા વાંસ એક બીજાને ભટકાવતા જાય અને ફરતા જાય.અલગ અલગ અઘરા દાવ ,અને અલગ અલગ તહેવારોને અનુલક્ષીને નૃત્ય કરતા જાય.છેલ્લા નૃત્યમાં તો અમારા ગ્રુપના અન્ય બહેનો પણ જોડાયાં.

તે પછી ગુજરાતીઓના પ્રવાસમાં હોય જ એવા ગરબા પણ થયા.સહુ ઉમંગે રમ્યા.રાત્રી રોકાણ ચિત્તવન
. 7 મી નવેમ્બર .160 કી.મી.નું અંતર કાપીને પોખરા જવાનું હતું.સમયસર નીકળ્યા .મોડી સાંજે હોટેલ quience Park પહોંચ્યા.રાત્રી વિરામ .

      8 મી નવેમ્બર વહેલી સવારે  પ્રાતઃ ચા પતાવી અન્નપૂર્ણા પર્વતમાળા { હિમાલય } માંથી  સૂર્યોદય જોવા 5.15 મિનિટે  નીકળ્યા.ગાડીમાં 4100 ફિટ સુધી ચઢાણ કરીને પૂર્વદિશામાં નજર ટેકવીને બેસી ગયા. વાતાવરણ ખુબ વાદળછાયું હતું. { નેપાળના ઘણા વિસ્તારમાં અવારનવાર આવું રહે જ.} .દેખાશે કે નહિ એવી અવઢવ ચાલતી હતી.આજુબાજુ દેશ વિદેશના અનેક સહેલાણીઓ ગોઠવાયેલા હતા.બરાબર 6.25 થઈને ગિરિવર હિમાલયની ટોચમાંથી ભગવાન સૂર્યનારાયણના દર્શન થયાં.અલૌકિક  દૃશ્ય આંખમાં ને મોબાઈલમાં મઢી લીધાં.ગાઢ વાદળ ને લીધે આખી અન્નપૂર્ણા પર્વતમાળા ન જોઈ શકાય પણ છુટા છુટા બરફ મઢેલા શિખરો જોવાની મજા પડી

.હોટેલ પર આવીને સવારનો નાસ્તો પતાવીને સાઇટસીન તરફ.
પોખરામાં પ્રવેશતાં જ ઊંચી ટેકરી પર માતા વિદ્યા વાસિનીનું પ્રાચીન મંદિર છે .ઇસ.1760 માં તે સમયના મહારાજા એ તે બંધાવ્યું અને પછી અન્ય રાજાઓએ પણ તેનો વિકાસ કર્યો. પુરાણ  અનુસાર આ મંદિર શ્રી કૃષ્ણ સાથે  સંકળાયેલું છે.કંસ દ્વારા જે આઠમા સંતાનનો વધ કર્યો તે { યોગમાયા } તે એટલે આ વિદ્યા વાસીની દેવી. .

          હવે પછી દૂધ ગંગા { Seti Gandkari River } નેપાળની ખુબ પવિત્ર નદી મનાય છે.પાતાળ ઊંડી આ નદીના પાણીને ઇજનેરી કળા દ્વારા ઉપર લાવી તેના પર લોખન્ડની રેલિંગ વાળો  પરિકમ્મા માર્ગ બનાવ્યો છે.જેમાં પગ પ્રક્ષાલન અને પરિકમ્મા કર્યાં.ગુપ્તેશ્વર મહાદેવ ગુફા તરફ પ્રયાણ.16 મી સદીમાં તે મળી આવી છે.2000 મીટર નીચે ભગવાન શિવ પાર્વતી વિરાજમાન છે.અંદર જવા ખુબ સરળ પગથિયાં અને દીવાલો પર અમૃતમંથનની ભવ્ય કોતરણી અને અનેક મૂર્તિ પ્રસ્થાપિત છે.ભાવપૂર્ણ દર્શન થયા.  



તેનાથી નીચે 170  મીટર ઊંડે જ્યાં પાણી ધોધ હતો ત્યાં અન્ય લોકો જતા. હતાં પણ માર્ગ વધુ ખડકાળ અને લપસણો હોઈ અમને ત્યાં ન જવાની સલાહ ઘણા એ આપી અમે સ્વીકારી.
ઉપર આવી ને પાછલે દરવાજેથી નીકળયા .શ્રી વિષ્ણુની સુતેલી ભવ્ય ખુબ લાંબી  { લગભગ દસેક મીટર } પ્રતિમા અને બાજુમાં રુદ્રાક્ષનું વૃક્ષ જોયાં  પાસે એશિયા નો સૌથી મોટો શાલિગ્રામ ખાસ રીતે પ્રસ્થાપિત કરેલો છે.ગુપ્તેશ્વર ગુફાની સામે જ રસ્તો પર કરીને Devis Fall ધોધ છે.500 ફિટ લાંબો અને 150 ફિટ ઊંડો આ ધોધ અહીંથી ગુપ્તેsશ્વર મહાદેવની ગુફાના તળિયે પહોંચે છે.  ધોધ નું મૂળ નેપાળી નામ 'પાતાળ છાંગો ' 31 મી જુલ 1961 ના એક સ્વિસ દંપતી તેમાં તરવા પડ્યું.પત્ની ખોવાયાં .ત્રણ દિવસે તેમનો મૃતદેહ મળ્યો.પતિદેવે નેપાળ નરેશને તેની  સ્મૃતિ  માટે વિનંતી કરી.જે સ્વીકારાઈ એટલે એ Devis Fall બન્યો.અહીં નાનું સ્થાનિક બજાર હોઈ ખરીદી કરવાનું ગમે.

     વિશાળ તળાવ ' ફેવા લેક { Phewa Lake } માં બોટિંગ કરવાનું હતું.5.7 કી.મી ના વિસ્તારમાં ફેલાયેલાં તળાવમાં બોટિંગ એક લ્હાવો છે.પેડલથી ચાલતી બોટ  હોય છે.પ્રદુષણ ટાળવા અહીં મશીન વાળી બોટ  નથી.પેડલ ચલાવતો યુવાન દિવસે કોલેજ અને સાંજે બોટ ચલાવતો હતો તળાવના સામે કિનારે ગામથી ખરીદી વગેરે બધા બોટમાં જ અવરજવર કરે .બોટમાં આઠ સભ્યો બેસી શકે.મેં { દિનેશ } એ થોડીવાર મનોરંજન ખાતર પેડલ પણ માર્યાં . તળાવની વચ્ચે ટાપુ પર વારાહી માતાનું મંદિર પણ છે.દર્શન કર્યાં

        pumdikot પોખરાનું હિલસ્ટેશન છે.અહીંની ભગવાન શિવની ભવ્ય ઊંચી એક મુખ્ય આકર્ષણ છે.મેનેજરના કહેવા મુજબ તે અમારા સાઈટ સિંનમાં સમાવેશ નહોતું એટલે સ્વખર્ચે જવું પડે તેમ હતું પણ મને  હિના ટુર માંથી મળેલ વિગતમાં તે સમાવેશ બતાવતું હતું.મેનેજરને વ્યક્તિગત જણાવ્યું.હિના ટુર્સ ની અમદાવાદ ઓફિસે સ્વાભાવિક ફોન કર્યો.તુરત  મેનેજરને  સેક્ટર હેડ નો ફોન આવી ગયો .હકીકતમાં તે સમાવેશ નથી પણ આ ગ્રુપને તો ખુશીથી લઇ જાવ.ચાર વાગ્યે સહુ ભોળાનાથના દર્શનાર્થે ગાડીમાં ગોઠવાયા. માઉન્ટ આબુની જેમ બાર પંદર કી.મી.સુધી ગાડી છેક ઉપર સુધી ગઈ.સપાટીથી દોઢ કી.મી.ઉંચી પહાડી આ પ્રતિમા છે.મૂળ શિવજીની મૂર્તિ 51 ફિટ ની છે અને જેના પર ગોઠવાયેલી છે તે માળખું 57 ફિટ છે એટલે કે 108 ફીટની આ ભવ્ય મહાકાય મૂર્તિ જોતા.કૈલાસ યાદ આવી જાય.મૂર્તિ આસપાસ અને માળખાં આસપાસ પણ 108 શિવલિંગ સ્થાપિત કરેલાં છે.ખુબ બારીકારીથી કંડારાયેલી મૂર્તિ સાક્ષાત શિવ દર્શનની અનુભૂતિ કરાવે.વિશાળ કદ ને લીધે નીલકંઠ ,નાગદેવતા ,ત્રિશૂળ ,ડમરુ અને વાઘ ચર્મ આસન પણ આબેહૂબ લાગે. 

મૂર્તિ પાસે ગણેશજી પણ બેસાડ્યા છે.પરિસરમાં મહાકાય ડમરુ અને કળશ પણ વિશેષ ધ્યાન ખેંચે છે.
હોટેલ પાર્ટ.રાત્રી રોકાણ .

         પ્રવાસ પૂર્ણ થવાની દિશામાં.9મી નવેમ્બર વહેલી સવારે 200 કી.મી.કાઠમંડુ પરત જવાનું હતું કારણકે પ્લેન ત્યાંથી પકડવાનું હતું.દસ કલાકની મુસાફરી.પહાડી રસ્તા અને ટ્રાફિક જામ .છતાં સરસ સમય પસાર થયો.રાત્રે Hotel Le Himalaya  પહોંચ્યા.રાત્રી રોકાણ.આમ તો 10 મી સવારે વિમાન માર્ગે એવરેસ્ટ પ્રદક્ષિણા { સ્વખર્ચે } નો વિકલ્પ હવામાન આધારિત ખુલ્લો હતો. તપાસ કરતાં ખબર પડી કે પ્રતિકૂળ હવામાનને લીધે અગાઉના બે દિવસ પર શક્ય બન્યું નહોતું.અમારી ફ્લાઇટ સાંજે 4.45 ની હતી એટલે હોટેલ પર જ ભોજન અને વિરામ .

           હિના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ,મુંબઈની અદભુત સેવા વિષે ચોક્કસ લખવું જ જોઈએ.પેકેજમાં  સવારની રૂમ પરની પ્રથમ ચા,પછી ભરપૂર અને વૈવિધ્ય પૂર્ણ ફરતો નાસ્તો,,દરરોજ  વિવિધ  પ્રકારની બે મીઠાઈ સાથે બપોરનું પૂર્ણ ભોજન { મોં માં પાણી આવે તો રોકવાં } બપોરની ચા અને રાત્રિનું પણ ફરતું ઉત્તમ વાળું રાત્રે સૂતી વખતે રૂમ પર ડ્રાયફ્રુટ વાળું દૂધ પણ ખરું..પાંચ હોશિયાર અને મહેનતુ રસોયા સાથે કિચન કાર  હંમેશ અમારી સેવામમાં હાજર રહે.ટૂંકા કે લાંબા બસ પ્રવાસમાં હોઈએ તો સમયે હળવું આવ્યા કરે.ચીક્કી,ડ્રાયફ્રુટ ,ફ્રૂટી કે નમકીન પાઉચ..કાઠમાંડુ પહોંચ્યા ત્યારથી પરત આવ્યા ત્યાં સુધી પૂરો સમય મિનરલ વોટર પણ એમનું જ.તમામ સાઈટ સીન ,તેમના પેકેજમાં સમાવેશ હતાં એટલે ટિકિટ લેવાની કે નેપાળી રૂપિયાની જરાય પળોજણ થી મુક્તિ.યુવાન અને અનુભવી મેનેજર રમેશભાઈને લીધે સાઈટ સીન અને તમામ પ્રવાસ આયોજન,ખુબ આનંદદાયક અને અગવડ વિહીન રહ્યો.મેનજર રમેશભાઈ ,તેના સાથીદારોને ખુબ ખુબભિન્દન અને શુભકામના હિના ટુર્સની તમામ ટીમને અભિનંદન .

       અમારા 15 ના નાના ગ્રુપમાં પણ બાળકો,યુવાનો અને અમે હતાં એટલે બધા પ્રકારનો ઉત્સાહ જળવાઈ રહ્યો.સહુ બધા સમયે  મજામાં જ રહયા. હવે વાત વિદાયની .11 સભ્યોની ફ્લાઇટ વહેલી હતી એટલે બધા સવારે જ છુટા પડ્યા અમે {2}  અને  ધનજીભાઈ {2} ભોજન પછી એરપોર્ટ પર ગાડી આવી ગઈ અને જવા નીકળ્યા ત્યાં પોતપોતાના વિભાગમાં ગયા.અમારી IndiGo  બારી પર સમાન સાથે ચેક ઈન કરાવ્યું.બરોબર 4.45 વાગ્યે વિમાન ઊપડ્યું.સાંજે 6.30 દિલ્હી ટર્મિનલ 3 પર ઉતર્યા.

         આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં આવો એટલે કનેક્ટિંગ હોય તો પણ બધો સામાન લેવો જ પડે અને કસ્ટમ ક્લિયર કરાવવું  જ પડે.. બેલ્ટ પર તમામ પેસેન્જરના સામાન આવી ગયા ,અમારો જ નહિ! ઇન્ડીગોના સ્ટાફને હાથે લીધા.બીજી ફ્લાઇટના સમાન સાથે ભેળસેળ થયેલ .ચાલીસેક મિનિટ પછી ત્રણ બેગ સલામત મળી.હજી એક બીજી કસોટી પણ આવવાની બાકી હતી. અમે ટર્મિનલ 3  પર ઊતર્યાં હતા. જે  ફક્ત આંતર રાષ્ટ્રીય આવન -જાવન માટે છે. દિલ્હીથી કાઠમંડુ જતી વખતે ટર્મિનલ બદલવું ન પડ્યું કારણકે  અમારી ટિકિટ Air India ની હતી અને માત્ર Air India ને એકાધિકાર છે જે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય  Domestic  -બંને ટર્મિનલ 3 પરથી આવન જાવન કરી શકે છે.વળતાં અમારી ટિકિટ IndiGo ની હતી એટલે  અમારે ટર્મિનલ 1 પર જવાનું હતું.આ તો દિલ્હીનું હવાઈમથક .ટર્મિનલ  8 કી.મી. દૂર ! સામાન સાથે શટલ બસમાં જવાની સુવિધા.જો કે સહકારની ભાવના માણસમાં હજી જીવે છે.ટર્મિનલ 1 પર પહોંચ્યા.ઓછી તકલીફ પડી. જો કે આ બધું અનુભવના ભાગ રૂપ જ ગણાય.

       અમારી ફ્લાઇટ સવારે છ વાગ્યાની હતી.રાત કાઢવાની હતી.ચેક ઈન સમયથી ત્રણ કલાક પહેલા જ થાય.અને ચેક ઈન વગર અંદર દાખલ ન થવાય.પણ ફરી માનવતાની જીત થઇ. સિક્યુરિટીએ અંદર પ્રવેશ  આપ્યો અને સિનિયર મહિલા ઓફિસરે અમારું  સામાન સહિતનું ચેક ઈન રાત્રે 9.30 વાગ્યે જ કરાવી દીધું.અંદર પણ સિક્યુરિટી સ્ટાફે સોફા પર આરામની ભલામણ કરી.ઝોકાં ખાતાં ,કોફી પીતાં ને ઘડિયાળના કાંટા જોતા  ફ્લાઇટ ના Gate નંબર સ્ક્રીન પર ચેક કરતા આખી રાત સરસ પસાર થઇ ગઈ. 11 નવેમ્બર સવારે 5.15 Gate 32 પર વિમાન  ગોઠવાઈ ગયું.અમે પણ ગોઠવાયા.સમયસર જ ઊપડ્યું.ને 7.45 વાગ્યે અમદાવાદ ઉતર્યું .ટેક્ષી કરી ઘેર પહોંચ્યા.પ્રવેશતાં પૌત્રી શર્વાણીએ કરેલી રંગોળી Welcone Dada  Dadu થી અમારું સ્વાગત થયું.ઈશ્વર કૃપાથી અને શુભેચ્છકોની શુભેચ્છાઓથી આખો પ્રવાસ ખુબ મંગળમય આનંદમય અને નિર્વિઘ્ન રહ્યો.જય પશુપતિનાથ

દિનેશલ લ. માંકડ   ચલિત દુરભાષ - 9427960979

અન્ય બ્લોગ લેખ વાંચવા ક્લિક કરો mankaddinesh.blogspot.com

·         હોમ

·         તેને અજમાવી