Readers

Saturday, July 12, 2025

જા કુત્તા બિલ્લીકો માર

                                          

                                                   જા  કુત્તા બિલ્લીકો માર                                                   દિનેશ લ. માંકડ

           અકબર બીરબલના નામે ચાલતી એક વાત યાદ આવે છે .એક વાર અકબરે બીરબલને પૂછ્યું કે ,'આપણા રાજ્યમાં પ્રામાણિક લોકો કેટલા ? '' બીરબલે ઉત્તર આપ્યો,' કદાચ કોઈ નહિ .' અકબરને લાગી આવ્યું.' એવું કદી ન હોય.' બીરબલ ઉવાચઃ .' કરી લો ખાતરી .' બીજે દિવસે ફરમાન છૂટ્યું.- ' આજ રાત્રી દરમિયાન દરેક પ્રજાજને  મહેલની પાછળ આવેલ ખાલી  હોજમાં એક એક  લોટો દૂધ નાખી જવું.'  સવારે અકબરે આવીને જોયું તો આખો હોજ પાણીથી ભરેલો..દરેક પ્રજાજને વિચાર્યું કે ' બીજા દૂધ નાખશે તો મારા એક પાણી ના લોટાથી શું ફરક પડશે ?' 

           સમસ્યા હવે શરુ થાય છે. એ પ્રજાજનોએ જયારે પુનર્જન્મ લીધો ત્યારે એ બધા લોકો કોન્ટ્રાકટર બન્યા.અને અપ્રમાણિકતા તો એમના આગલા જનમના કરમમાં તો હતી. અને બધા ક્ષેત્રોમાં વહેંચાઈ ગયા.એટલે નાગરિકો દૂધ માંગે ત્યાં પાણી હાજર થાય. સવારે વર્તમાનપત્રમાં દેશ વિદેશ કે રાજ્ય શહેરના સમાચારોને પ્રાધાન્ય હતું  .પણ હવે ભ્રસ્ટાચારના અનેક અનેક સમાચારમાં જ પાના ભરાઈ જાય છે..

          અગાઉ મોટા રોડ કે ડેમ બંધાય તે એટલા  મજબૂત  હોય લોકો તેના પર દેખરેખ રાખનાર અધિકારીને વર્ષો સુધી યાદ રાખતા. સાવ નાના ગામ ચંદીયાના વિશ્રામ કર મણે 147 અગાઉ બાંધેલો પુલ કચ્છ માંડવીમાં આજે પણ ઉભો છે.પણ આજે તો  રસ્તા, પુલ  કે ડેમ બાંધવાના શરુ થાય બીજે દિવસે જ તૂટવાના શરુ થાય અકસ્માતમાં મરી ગયેલા સ્મશાને, ઘાયલ ઈલાજ  કરાવવા દવાખાને જાય..તપાસ શરુ થાય.મુખ્ય અધિકારી, કોન્ટ્રાકટરને પૂછે.,.કોન્ટ્રાકટર તેના પેટા અને પેટા એના પેટા કોન્ટ્રાક્ટરને પૂછે. ખાસ તપાસ સમિતિ SIT નીમાય. સિમેન્ટના નમૂના પ્રયોગશાળા માં મુકાય ડામર બનાવનાર કંપનીના રિપોર્ટ મંગાવાય.હેવાય તૈયાર થાય ત્યાં સુધી પ્રજા ભૂલી જાય .મુખ્ય અધિકારી બદલાઈ જાય ને એ જ કોન્ટ્રાક્ટરનું  એ જ ડેમ ,રસ્તા.બનાવવાનું ટેન્ડર મંજુર થાય.

            જે લોકો આ ઘટનાની ટીકા કરે એમણે વિચારવું જોઈએ કે વર્ષો સુધી  જુના બ્રિજ પર ચાલવું એના કરતાં એ જ જગ્યાએ દર વર્ષે નવા નવા બ્રિજ પર ચાલવું  એ શું ઓછી ખુશી છે ? આમે ય મોટા ભાગના લોકોના  અને વાહનોના અકસ્માતના વીમા તો હોય છે.અકસ્માત ન કરીએ તો વીમા કંપનીઓ પાસે પૈસા વધી પડે  કારણકે આપણે વર્ષો વર્ષ તગડા પ્રીમિયમ ભરીએ છીએ તો વીમો પકાવવાનો આપણો અબાધિત હક્ક છે એટલે કોન્ટ્રાકટર કે અધિકારીની ટીકા કરવાને બદલે તેમનો આભાર માનવો જોઈએ કે  એમણે ભરેલ પ્રીમિયમ વસૂલવાના સહાય કરી વળી વારંવાર બ્રિજ ,રસ્તા બને તો અનેક લોકોને રોજગારી મળે .સિમેન્ટ ,લોખંડ કંપનીના ઉત્પાદન વધે ત્યાં પણ રોજગારી વધે,એ બધું તો નફામાં  ને ? એનો વિચાર કેમ નથી કરતા ?

            અહીં એક જૂની બાળવાર્તા યાદ આવે છે.બાળકનો દાળિયો  લાકડાની પાટ વચ્ચે તિરાડમાં ફસાયો.બાળકને સુથારને કહ્યું.સુથારે પાડી ના.બાળક રાજા પાસે ગયું..રાજાએ પાડી ના ,બાળક રાણી પાસે ગયું.ને રિસાવા કહ્યું .રાણી પાડી ના .પછી બાળકે ઉંદરને રાણીનું ચીર કાપવા,બિલાડીને ઉંદરને મારવા,કૂતરાને બિલાડીને મારવા .વગેરે વગેરે કર્યું .છેવટે ભયના ભારે આખરે બાળકને સુથારે દાળિયો કાઢી આપ્યો .પણ અહીં ભય છે જ નહિ. નથી પ્રજાહીત ,પ્રામાણિકતા માનવતા.કે  કોઈ નક્કર પરિવર્તન આવે.'વર મરો,,કન્યા મરો ,ગોરનું તરભાણું ભરો '  કહેવત એમને એમ થોડી આવી હશે.!

              એવું જ મકાનનું પણ છે.બિલ્ડર સુવિધા અને મજબૂતાઈની મોટી મોટી આકર્ષક વિજ્ઞાપનો આપે જાણે  આપણને મહેલ બાંધી દેવાના હોય.. નકશો મંજુર કરાવે. પછી બનાવે ત્યારે નકશા માં હોય  ઘણું ઘણું  ન કશામાં હોય.સોંપે સત્તર કોન્ટ્રાક્ટરને. છતનો જુદો,ગટરનો જુદો, વીજળી ફિટીંગ ,પ્લાસ્ટર ,ફ્લોર બધા જ જુદા જુદા .ને વળી ઇન્ટિરિયરના કોન્ટ્રાક્ટર પણ જુદા જુદા.એમાંય આપણા કમનસીબે બધા કોન્ટ્રાકરોના પરસ્પર સંકલનના અભાવે કાળા વાળ વખતે  નોંધાવેલું મકાન  ,વાળ અડધા ધોળા થાય ત્યારે રહેવા મળે. અને રહ્યા પછી ઉભી થતી સમસ્યાઓ માટે કોની પાસે ફરિયાદ કરવી કારણકે જા કુત્તા બિલ્લી કો માર

           મોલમાંથી ખરીદેલ વસ્તુઓનું પણ એવું જ છે. એક જ મોલમાં દરેક પ્રકારની વસ્તુ વેચાય.ખાસ તો ઇલેક્ટ્રોનિક આઇટમમાં તો ખાસ.મોટા ડિસ્કાઉન્ટની લાલચે ત્યાંથી ખરીદ કરીએ .મોટી ,લાંબી અને લાલચુ ગેરંટી અને વોરંટી  આપે.પણ તેની સર્વીશ માટે તો કોઈ બીજી જ કંપનીને કોન્ટ્રાકટ હોય.વસ્તુ બગડે તો મોલના હાથે ઉચ્ચનો કંપનીના હાથે ઉચ્ચ .આપણે લમણાં લેવાના સર્વીશ  કોન્ટ્રાક્ટર  સાથે. અધૂરામાં પૂરું આપણે સાવ ઝીણા અક્ષરે લખેલ શરતો તો વાંચતા જ નથી.

             તમે નહિ જ માનો કે  એક  લેખક મહાશય પોતે હતા ખુબ તેજસ્વી પણ ઓછા સમયમાં જલદી પસિધ્ધિ લેવા અને વ્યસ્તતા વચ્ચે એમને કોલેજના ગુજરાતી વિષયના હોશિયાર વિદ્યાર્થીને પકડી લીધા --કહોને ભાડે રાખી લીધા.આજ્ઞાંકિત વિદ્યાર્થી  રાતો જાગીને , લખી દે  લેખક મહાશય  સીધા પોતાના {?} પુસ્તકના વોમોચન વખતે પહોંચી જાય. ચાલો વધુ લખીશ તો મારે લખવા માટે ને તમારે વાંચવા માટે કોઈને કોન્ટ્રાકટ આપવો પડશે એના કરતા અહીં જ વિરમું.

           અલબત્ત અન્ય લેખ વાંચવા મારા બ્લોગ પર જવાની છૂટ છે.એકાદ પુસ્તકનું તો નામ પણ આવું જ કૈંક હોય, ' કરાર આધારિત કાર્યના નુકસાન.'

 

 

 

No comments:

Post a Comment