Readers

Saturday, July 5, 2025

ટીપે ટીપે સરોવર ખાલી થાય

                                        

                                                          ટીપે ટીપે સરોવર ખાલી થાય                          દિનેશ લ. માંકફ

            તમને એમ કે મેં, મથાળું લખવામાં ભૂલ  કરી.છે .એમ ને ? ના ભાઈ ના .કહેવાતો એ સમાજનું પ્રતિબિંબ પણ છે અને સંદેશ પણ છે..પણ કરુણ  વાસ્તવિકતા એ છે વર્તમાન સમયમાં આ કહેવાતો તદ્દન ખોટી ઠરે છે.એવી તો અનેક કહેવાતો છે પણ આજે તો એકની વાત.

        શીર્ષકમાં સરોવર છે એટલે પહેલાં પાણીને તો યાદ કરવું જ પડે.જ્યાં સુધી કુવામાંથી સીંચવાનું હતું ત્યાં સુધી પાણી માટે તંગી શબ્દ હતો જ નહિ પણ નળ આવ્યા એટલે વપરાશ વધ્યો..સારું છે કે ચકલીમાં બંધ કરવાનો વિકલ્પ છે નહીંતર તો ખેતરના કોષની જેમ માણસ ચાલુ જ રાખત.તો પણ સવારે બ્રશ કે દાઢી કરતી વેળા ચાલુ નળ તો બધા ઘરમાં સહજ ગણાય છે. કહો ટીપે ટીપે સરોવર ખાલી થાય કે નહિ ?

         .આમ તો ભૂગર્ભ જળ સ્ત્રોત જાળવી રાખવા માટે પાણી શુદ્ધિના મશીનોનો પણ મોટો ફાળો છે.RO  જેવા મશીનોમાં 70 % ક્ષારયુક્ત પાણી બહાર જાય ને સીધું ગટર વાટે ભૂગર્ભમાં. તમે  નહિ માનો પણ, .આશ્ચર્ય થાય તેવી ખાનગી વાત પણ સાચી જ છે કે. અસંખ્ય બહેનો વાળની ચિંતા કરવા વારંવાર વાળ ધોવા RO મશીનના ક્ષાર વિહીન પાણી વાપરે છે .એટલે દર વખતે ક્ષારયુક્ત પાણીનું મહા યોગદાન તેઓ પણ ભૂગર્ભજળ માટે કરે છે. અધૂરામાં પૂરું ઓછા પાણી વાળા પ્રદેશ રાજસ્થાનથી આવેલા ઘરઘાટી એટલું છુટા હાથે પાણી વાપરે કે જાણે સ્ટીલના વાસણ ચાંદીના થઇ જવાના હોય.એક શેખચલ્લીની ગણતરી અનુસાર પચાસેક વર્ષ પછી પેટ્રોલ કરતાં પીવાનું પાણી મોંઘુ હશે

          મોટાભાગની સરકારી કચેરીમાં અનેક ટ્યુબલાઈટ અને પંખા વગર કર્મચારીએ ચાલુ દેખાય .જોનાર બિચારા નાગરિકના જીવ બળે પણ કચેરીને ક્યાં જીવ કે પેટ હોય કે બળે ? સામ્યવાદમાં બધી જાહેર મિલ્કત  સરકારી કે સહકરીકરણ  વિચાર છે  તેના વિરોધમાં એક સૂત્ર ચાલતું.' સહુનું તે કોઈનું નહિ.' આ વાત હવે સર્વ સામાન્ય બની ગઈ છે. ઉર્જા બચતના ભાષણ ઠોકવા કેટલાક નેતાઓ ઓછી એવરેજ વાળી મોંઘી પેટ્રોલ ગાડીમાં દેશભરમાં ફરે એ કેટલું હાસ્યાસ્પદ લાગે! નગરપાલિકાનો  કામચોર  કર્મચારી ડ્યુટીમાંથી વહેલો ભાગવા  આખા શહેરની ધોળે દિવસે શેરી  અને રસ્તા લાઈટ વહેલી ચાલુ કરી દે અને આળસુ, રાત્રી ડ્યુટી વાળો સવારે મોડે સુધી બંધ ન કરે.'કોના બાપની  દિવાળી ?' - કહેવત કઈ એમને એમ નથી આવી.

         વીજળી ખાતું હોશિયાર છે. મુખ્ય મીટરમાં પહેલા LED લાઈટ નહોતી આવતી.જે 24*7 ચાલુ રહે જેનું બિલ આપણે ભરવાનું. એવા અનેક અનેક ઘર છે જેમાં ઘરમાં ટીવી,ફ્રીઝ ,ઇન્ટરનેટ કમ્યુટર  જેમાં એવા અનેક અનેક સાધનો માં  પણ LED  24*7 ચાલુ જ રહે.  સાવ નાની લગતી વાતનો સરવાળો કરો તો ખબર પડે કે એક એક પૈસોની બચત કરીએ વર્ષે દહાડે કેટલા રૂપિયા થાય.?  

          દીવાનખાનામાં બે પરિવાર સભ્ય બેઠા હોય ને ચાર પંખાને ને બે એ.સી.ચાલુ હોય જાણે ,અમાસની રાત્રે, વિવુંવવૃત્ત પર બેઠા હોય .અન્ય બીજા બે ખંડમાં કોઈ હોય જ  નહિ ને લાઈટ પંખા ચાલુ હોય ,એવાં ઘર પણ ઓછા  નથી  હોતાં.

       એક વાર અન્ય શહેરમાં એક પ્રતિષ્ઠિતને ઘેર રાત્રી રોકાણ હતું. એમણે  સીડી બતાવીને કહ્યું ,તમારી સુવાની વ્યવસ્થા ઉપર છે.. ઘોર અંધારામાં ઉપર ચડ્યા .સીડીના ઉપરના છેલા પગથીએ પગ મુક્યો તો આપમેળે ઝળાંહળાં ! સેન્સર મૂકેલાં  એટલે કોઈ ઉપર જાય ત્યારે જ લાઈટ થાય.પછી તો યાદ આવ્યું કે પ્રવાસ વખતે અનેક હોટેલમાં પણ આવી વીજળી બચતની સુવિધા જોયેલી.  સાચું વિચારવા જાવ તો દરેક કચેરીમાં અને ઘરમાં પણ આવા સેન્સરની જરૂર છે..

       એક સત્યઘટના-- એક મોટી શાળામાં નવા આચાર્ય નિમાયા. રિષેશમાં રાઉન્ડ મારવાની ટેવ. સોળ વર્ગના બત્રીસ પંખા પુરી વીસ મિનિટ રિષેશમાં ચાલુ રહે  .સહુ બાળકો તો મેદાન અને નક્કી કરેલી  નાસ્તાની .જગ્યાએ હોય.. .બિચારા  થાક્યા પાક્યા બેન્ચ પંખાની હવા ખાતા હતા.આચાર્યશ્રી એ બીજા દિવસે જવીજળી કારીગર બોલાવ્યો.નજીવા વાયરિંગ ફેરફાર કરીને બધા પંખાનું સ્વીચબોર્ડ ,કાર્યાલયમાં લાવી દીધું. સેવક રિશેષનો ઘંટ વગાડીને બધા વર્ગ પંખા બંધ કરે અને રીશેષ પુરી થાય કે પંખા ચાલુ.પરિણામે દર મહિને વીજળી બિલ પાંચ હજાર રૂપિયા ઓછું આવવા લાગ્યું. ને પાણીની વ્યવસ્થામાં સ્પ્રિંગવાળા નળ નખાવ્યા .તેથી બેવડો ફાયદો થયો.પાણીનો યોગ્ય વપરાશ અને  અયોગ્ય વેડફાટ  ઘટ્યો એટલે પાણી ચડાવવાની મોટર ઓછું ચાલી.વીજળી બચત. એ આચાર્ય દરેક શિક્ષક પાસે, દરેક તાસની પુરી પાંત્રીસ મિનિટ વસુલતા અને સમયને જરાય સરકવા ન દેતા.

          વર્ષો પહેલાં ની લેખક ધનસુખલાલ મહેતાની વાર્તા 'મુકૂંરાય ' યાદ આવે છે .બસ સ્ટેશનથી ઘેર લાવનાર ગાડીવાળા પાસે, ચુકવેલ ભાડાના ઉપરના રૂપિયા મુકન્દરાય જતા કરી પરત નથી લેતો,ત્યારે તેના ગરીબ પિતાને આંચકો લાગે કારણકે મુકુન્દરાયનું આ વર્તન ગાડીવાળાને ઉપયોગી થવા માટે નહિ પણ સાથે આવેલા મિત્રો પાસે પોતે પૈસાદાર દેખવામાટે જ જતા કર્યા હતા.

          જૂની પેઢીની આવક મૉટે  ભાગે પરિશ્રમ થકી આવતી .અને એટલે જ  વ્યવહારમાં ' પરસેવાની  કમાણી ' શબ્દ પ્રયોગ વધારે થતો.વ્યવસ્યાય સ્થેળ પગે કે સાયકલથી જવું કે નાની આવકમાં મોટા ઘર ચલાવવા.વગેરે. એથી એમને નાનો સરખો પણ વેડફાટ ન ગમતો. નવી પેઢી ખુબ તેજસ્વી છે.તેમની ઘણી આવક માનસિક શ્રમથી આવે છે અને કુટુંબ નાના થયાં.એટલે ઘણી વાર હાથ છુટ્ટો વધારે દેખાય. દેખાદેખી અને થોડો વિજ્ઞાપન પ્રભાવ પણ તેમના બિનજરૂરી ખર્ચમાં વધારો કરે વળી લોન અને ક્રેડિટ કાર્ડ  તેઓને અલાઉડીનના ચિરાગ જેવા લાગે.પછી ભલેને બેંકોના તોતિંગ વ્યાજ ભર્યે જાય..ઘણી વાર એમ લાગે કે આજે પણ ઋષિ ચાર્વાક  આજે પણ હાજર જ છે.

            અન્નને દેવ સમજનારા આપણે ભોજન પૂરું  કરતી વેળા થાળીને પૂર્ણ ખાલી કરીએ છીએ ખરા? વડીલો તો થાળીમાં કશું ન છોડવાનો આગ્રહ રાખતા.એક મોટી ટ્રાવેલ કંપની ઉત્તમ ભોજન માટે  પ્રવાસમાં હંમેશ પોતાનું રસોડું સાથે  રાખે છે .અગાઉથી  અન્ન બગાડ ન કરવાની પુરી સૂચના આપે.’- પણ કોઈ પ્રવાસી થોડું છોડીને ભોજન પૂરું કરે તો , પરાણે ખવરાવીને ફરજીયાત થાળી પૂર્ણ ખાલી કરાવે અથવા પેનલ્ટી ભરવા કહે. વર્તમાન સમયમાં  ઘણા પરિવારમાં સપ્તાહ અંતે બહાર જમવાની સામાન્ય ફેશન થઇ ગઈ છે.ભોજન પૂરું કરતી વેળા ટેબલ પર, ઘરના રસોડાં કરતા  ત્રણગણા ભાવ વાળા આ ભોજનમાં કેટલુંય વધેલું છોડી ઉભા થાય. હોમ ડિલિવરી વાળા ભોજનની તો વાત ન્યારી છે.આવેલું ભાવે તો નસીબ નહીંતર બાકીનું ગટરના જીવજંતુ માટેનું અન્નદાન .

            ગઈકાલે એક ભાઈ રસ્તે  મળ્યા.પૂછ્યું,' આમ તો  તમે રોજ સવારથી છેક રાત સુધી ફેસબુક,વોટ્સએપ પર સતત હાજર હો છો.પણ ઘણા સમયથી કેમ  દેખાતા નથી?.એમનો ઉત્તર ,' શું કરું ,આંગળીમાં સોજો આવ્યો .ડ્રેસિંગ કરાવ્યું છે એટલે મોબાઈલ ઓછો વાપરું છું.'   દિવાળીમાં જાહેરમાં મોટો ફટાકડો ફોડનાર, ચિનગારી ચામી પોતે ફટાકડાથી દૂર ભાગી જાય.વોટ્સએપ ,ફેસબુકનું પણ એવું જ છે.. લાખો  લોકો સવારથી સાંજ ફોરવડેડ સંદેશાઓ મૂકીને જતા રહે .પરિણામ સ્વરૂપે બીજા કરોડો લોકોનો વાંચવા-જોવા ને ડીલીટ કરવાનો સમય વેડફાય. લાંબે ગાળે એમને લીધે મોબાઈલની મેમરી ઓછી પડે ને નવો મોંઘો મોબાઈલ લેવાની ફરજ પડે.  

       .નાનાથી માંડી ને મોટા ટેલિવિઝન અને સોશિયલ મીડિયામાં કલાકો વેડફે.એની અભ્યાસ ,ઘરકામની અને કચેરીની ફરજોમાં અનેક અનેક ઘણું નુકસાન થાય એનું જયારે નુકસાન --પછી તે બાળક કે યુવાનના અભ્યાસના પરિણામનું હોય , ધંધાનું હોય કે ઘરની ફરજ નું હોય દેખાય ત્યારે પસ્તાવા સિવાય કોઈ ઉપાય હોતો નથી કેમકે વીતેલો  કોઈ વખત કદી પાછો આવતો નથી.

         ' શતં જીવેમ શરદ ' ની ભાવનાવાળા આપણે એ પણ યાદ રાખવું પડે કે સવારે ઉઠીયે  ત્યારે આપણા આયુષ્ય માંથી ગઈકાલનો એક દિવસ ઓછો થયો છે.કવિ મણિલાલ દેસાઈએ તો 'સરકી જાય પળ ' ગીતમાં પળ { સેકન્ડ } વીતી જવાની ચિંતા અભિવ્યક્ત કરી છે.

            ચાલો ,આ લખતા અક્ષરે અક્ષરે લીટીઓ ભરાય એને ક્યાંક તો રોકવી પડશે ને ? નહીંતર તમે જ કહેશો શબ્દે શબ્દે કોરું પાનું ખાલી થાય.

No comments:

Post a Comment