યાત્રા-૨ બાળપણ ની વાતો બે .
વિશ્વમાન્ય ગ્રંથ શ્રીમદ ભગવદગીતાનો
જન્મદિવસ 'ગીતા જયંતિ'. ચમકારાની ઠંડીના નવેમ્બરની સત્તાવીસમી તારીખ .કચ્છના નાનકડા શહેર મુન્દ્રામાં માતા મંજુલબેનની કુખે મારો જન્મ.સંતાનોમાં છઠ્ઠું
સંતાન. મહિનાના વીસથી વધારે દિવસની પ્રવાસની
વ્યસ્તતા પણ , આજે પિતા લક્ષ્મીલાલભાઈ આજે ઘેર હતા.એટલે સૌની
ખુશી બેવડાઈ ગઈ. દિવસ ને રાત ઘરના સૌ ને પાડોશી કોકિલા,કે નીના જેવા ના , કોઈની કાખમાં તો
કોઈની આંગળીએ મોટો થતો ચાલ્યો..પિતાની બદલીપાત્ર સરકારી
નોકરીને લીધે, ઘણા ગામના પાણી
પીવરાવવાનું નક્કી હતું.
એટલે ભુજપુર નામના નાનકડા ગામમાં આજે સવારે બાજુવાળા નાગશ્રીબેનને ઘેરથી કેળાનો
સુંડલો આવ્યો.આજે મને શાળાએ મોકલવાનો હતો.આચાર્ય રસિકભાઈ
ઓઝા એ પૂછયું ,"નામ " કાલાઘેલા ઉચ્ચારમાં ઉત્તર.. આંકોડી ને બાળપોથી તો ભુંજપુર થયાં પણ ત્રીજું ધોરણ પાછું મુન્દ્રા .અરે ,અહીં તો વર્ગ
શિક્ષિકાબહેન ઈન્દિરાબહેન ! ‘ઓહ ,મહિલા પાસે તે ભણાય ?’- થઇ આનાકાની
.છેવટે ઉકેલ આવ્યો કે હાજરી, ત્રીજા ધોરણ માં ને
બેસવું મોટાભાઈ અરુણભાઈ સાથે ચોથા ધોરણ માં,કારણકે ત્યાં
ગંગારામભાઈ સાહેબ હતા! પણ અહીં વર્ગમાં
ચાલે ચોથા ધોરણનું ને એટલે ઘેર મહમદ હુસેન ઝેરીયા સાહેબ આવે.સરળ સ્વભાવ ને કલા ઉપાસક ઝેરીયા સાહેબ સમય મળે એટલે જૈન મંદિરોમાં સ્તવન ગાવા
-હાર્મોનિયમ લઈને જાય ! અભ્યાસ આગળ ચાલ્યો ઘરમાં અત્યારથી હોશિયારની છાપ બેઠી.
નાનકડું બીકણપણું યાદ છે -તે વખતે કોઈ કંપનીની વિજ્ઞાપન માટે ગામમાં બજાણીયા આવેલા .ઊંચી લાકડી પર ચડીને રસ્તા પર ફરતા .આપણું શાળાએ જવાનું બંધ. જવાબદારી ઝેરીયા સાહેબે લીધી. રોજ ઘેર તેડવા આવવાનું ને પાછા મુકવા પણ!
પિતાશ્રીનો બદલી દોર. જન્મસ્થાનને અલવિદા ને
ભુજ આગમન..શાળા,શિક્ષકોને મિત્રો
,બધું જ નવું .વાણીયાવાડ શાળાના ચોથા ધોરણના
વર્ગશિક્ષક અબ્દુલ ગની સાહેબને અઠવાડિક પરીક્ષા લેવાની ટેવ શનિવારની પરીક્ષાનું સોમવારે પરિણામ જાહેર. ક્રમવાર ગુણ બોલતા જાય ,પણ મારો નંબર જ ન આવ્યો ! બધાના ગુણ અપાઈ ગયા પછી મને ટેબલ
પાસે બોલાવ્યો ને ખખડાવવાનું ચાલુ ," આટલી ગંભીર ભૂલ ન ચાલે .બેદરકારી કદી ન ચલાવી લેવાય .ભવિષ્યમાં આવું ન થવું જોઈએ "- ખુબ જ
સંભળાવ્યા પછી ઉત્તરવહી હાથમાં આપતાં કહ્યું કે ‘આ બધું તને એટલે
કહ્યું કે તારા પચાસ ગુણ માંથી એક ગુણ કપાયો છે !"
વર્ગના સુલેખન સ્પર્ધા થઇ. બરોબર યાદ
છે કે જીવનમાં પહેલી વખત પેન્સિલ ( ત્યાં સુધી માટીની પેન ! ) હાથમાં
લીધી .પ્રથમ નંબર આવ્યો ને જીવનનું પ્રથમ ઇનામ " બાપુના સંભારણા ,લેખક રંભાબેન ગાંધી " પુસ્તક ભેટ મળ્યું
.વચ્ચેથી એકાદ વર્ષનો એક કૂદકો નાનકડાં ગામ માનકૂવામાં મારીને પાછી
વાણીયાવાડ .મિત્રો,શિક્ષકો થોડા બદલાયા. આચાર્ય શ્રી ભૂજંગીલાલભાઈ પછી આવેલા શ્રી હસનભાઈ જમાદારના નવા પ્રયોગ.'અભ્યાસ વર્તુળ'થી વ્યક્તિગત
ગુણવતાની મિત્રોમાં પરસ્પર વહેંચણી નો સુખદ અનુભવ આજે પણ યાદ છે.એકવાર રજા સમયે એક
શિક્ષકે ,વિદ્યાર્થીને શાળાનું મુખ્ય ઘડિયાળ જોવા
મોકલ્યો .દરવાજા પાસે મારી બેઠક આવતી હોઈ ,પાછા આવેલા
વિદ્યાર્થીને મેં પૂછ્યું ,'કેટલા વાગ્યા?'-
શિક્ષકમાં દુર્વાસા પ્રવેશ્યા ને કહે ,'ઘડિયાળ મેં પુછાવ્યું હતું કે તે ?' પ્રાથમિક શાળા છૂટીને કિશોરાવસ્થા નો કલશોર આંગણે આવી શરુ થયો .