Readers

Sunday, November 29, 2020

યાત્રા -૧




 

            * પ્રસ્તાવના ;-  પ્રત્યેક માણસ સ્વીકારે કે ન સ્વીકારે તેની ક્ષણે ક્ષણ ઈશ્વર જ નક્કી કરે છે. અલબત્ત અન્ય જીવસૃષ્ટિ કરતા વિશેષ બુદ્ધિ અને વિચારશક્તિ આપીને  મોટો ઉપકાર અને પ્રેમ જરૂર માણસ પર કર્યા છે જ.અને તેનો ઉપયોગ કેમ કરવો તે ચોક્કસ માણસના હાથમાં પણ આપ્યું છે.છતાં લગામ તો પોતાના હાથમાં જ રાખી છે.પૂર્વ જન્મના અને આ જન્મનું ગર્ભિત સત્ય માણસ સામે મૂકીને નસીબ નામનું પત્તુ મૂકી ને ઈશ્વરે હોશિયારી બતાવી છે તો શ્રધ્ધાના અડગ શસ્ત્રથી ગમે તેવો જીવન સંઘર્ષ પાર કરી જાય .બીજી તરફ હાથ,પગ ને અક્કલ આપી ને તારો રસ્તો તું નક્કી કર’- તેવો પડકાર એણે આપણી સામે મુક્યો છે.

       પ્રસ્તુત કથાનું નામ એટલે જ યાત્રા  રાખ્યું છે કારણકે તેના સહારે જ અને પોતાના પગે ચાલીને જીવન પસાર કરીને ગંતવ્ય,તો આખરે એ જ છે.  આ કથા આત્મકથા નથી,છતાં છે. લગભગ પ્રત્યેકના જીવનમાં અવનવા પ્રસંગો આવતા જ હોય છે .કેટલાક ચમત્કારિક હોય તો કેટલાક પડકાર રૂપ હોય. ક્યાંક ખુબ પ્રયત્ન પછી નિષ્ફળતા જ મળે તો કોઈ સમસ્યા ક્યારેય ન ઉકેલાય..કેટલીક મહેચ્છાઓ પૂર્ણ કર્યા વગરની રહી જાય તો ક્યારેક તો  સાવ  ન ધારેલું અનાયસે ખુબ જ ગમતું હોય તેવું ઓચિંતું બની જાય.અહીં જે લખ્યું છે તેવું ઘણાના જીવનમાં બન્યું જ હશે મેં લખ્યું છે એટલું.

             અહીં  મોટા ભાગના પાત્રો અને પ્રસંગો સાચા છે.ક્યાંક લખાણની પ્રવાહિતા કે રસ રુચિ  જાળવવા કશુક ઉમેરેલું હશે.તો ક્યાંક પ્રસંગનું મૂલ્ય અભિવ્યક્ત કરવા કાલ્પનિક તત્ત્વ થોડું  વિસ્તાર્યું પણ હશે .એટલે જ તેને આત્મકથા કહેતો નથી.સદ્નસીબે માતાપિતા,સહ ધર્મચારીણી ,અને સમગ્ર પરિવારના સભ્યો અને  મિત્રો,સહૃહદયીઓ  સહીત એટલા તો ઉમદા પાત્રો જીવનમાં મળ્યાં છે કે મારાં જીવનના તમામ ચમત્કારોના એ જાદુગરો છે.અને એ બધું આપનાર ઉપરના જાદુગરને પણ ભૂલવા જેવો નથી.

        વ્યક્તિગત રીતે, અનુભવે એટલું સંપૂર્ણ માનતો થયો છું કે જેટલી શ્રદ્ધા વધુ જીવનમાં તેટલા ચમત્કાર વધારે..અહીં અંધશ્રદ્ધા ,બાધા આંખડી કે એકટાણા,ઉપવાસની વાત નથી.ભગવાન પાસે અપેક્ષા કે માંગણીથી જવાની વાત નથી .એ જ કે એ આપણો હિતેચ્છુ છે  અને સારું જ કરશે. જેટલી પ્રબળ શ્રદ્ધા તેટલું સબળ ફળ .પૂરો અને પ્રામાણિક ,શુદ્ધ બુદ્ધિ સાથેનો પુરુષાર્થ આપણો અને પૂરું પરિણામ એનું.. એ જ સાચો અને સરળ જીવનનો રસ્તો .

         શા માટે હું આ કથા લખવા  જઈ રહ્યો છું ?  પહેલી વાત સ્વાંત સુખની ,બીજી વાત સુખના સ્મરણ વાગોળવાની અને ઈશ્વર અનુભૂતિ વધારવાની અને ત્રીજી એક કામની વાત..દરેક ઘરમાં, નવી પેઢી પાસે બેસીને સાંભળવાનો સમય જ નથી..કારણોમાં નથી જવું .સૌ દોડતા દોડતા જીવે છે. એટલે નવી પેઢી આનંદ ,ગૌરવ અને કદાચ અનુભવ લઇ શકે  એ આ લખવાનો ખાસ હેતુ છે. હું તો માનું કે દરેકે લખવું જોઈએ. અનુકૂળતા અનુસાર અને કોઈપણ સ્વરૂપે ,પણ થોડું આપતા જઈએ.-કહેતા જઈએ.અને આત્મ સંતોષ લેતા જઈએ.

         આઈસ્ટાઈનના નામે ચડેલું ગાંધીજી માટેનું ,એક વાક્ય  જાણીતું છે કે ," નવી પેઢી એવું માનવા તૈયાર નહિ થાય કે આવો મહામાનવ પેદા થયેલો " આપણી બાબતમાં કોઈ એવું કહેશે તો નહિ જ પણ એ બહાને આપણા 'સત્ય ના પ્રયોગો 'કહેવાનો આનંદ તો લેતા જઈએ.!

એક ખાસ વાત ,અહીં માત્ર પ્રસંગો જ હશે .બધા પ્રસંગ તેના સમયક્રમમાં ન પણ હોય..લખવી ગમશે તેવી ઘટના ઉમેરતો જઈશ.

 

No comments:

Post a Comment