Readers

Saturday, November 28, 2020

કરુણાંતિકા -- જે રૂંવાડાં ઊભાં કરે

 


કરુણાંતિકા   --  જે રૂંવાડાં ઊભાં કરે

ઘટના જે સત્ય છે. સરકારી નિગમમાં એક કારકુન ,તેના નિવૃત્તિકાળથી એકાદ વર્ષ પહેલાં  કોઈ હિતશત્રુ કે વચેટિયાના પાપે બે -પાંચ રૂપિયાની લેવડ દેવળમાં સરકારી ચોપડે ચડી ગયો..નિવૃત્તિ હક્કો અટવાયા દાવો તો નિયમમુજબ લાંબો જ ચાલે .જિલ્લા અદાલતે તેને  નિર્દોષ જાહેર કર્યો .અંહી થી જ કરુણાંતિકા શરુ થાય છે . જિલ્લા અદાલતે તો નિર્દોષ જાહેર કર્યો પણ સરકારી નિયમ અનુસાર વડી અદાલતમાં અપીલ અનિવાર્ય એટલે  મામલો આગળ .બે વર્ષ ,પાંચ વર્ષ ,સાત વર્ષ  .... સહુ જાણે કે  ભારણમાં અદાલતના કેલેન્ડરના પાના પથ્થર બની જતા હોય છે  કાળદેવતાની ક્રૂરતા તો  જુઓ કે જેના પિતાએ અદાલતના ઉચ્ચ કારકુન તરીકે જિંદગી આખી વિતાવીને, હજારો લોકોની તારીખ સાચવી ,એનો જ પુત્ર ,નિવૃત્તિ પછી પણ નિર્દોષ પુરવાર થવા માટે તારીખના વલખાં  મારે!  અતિ નિષ્ઠાના મહોરાધારી એક ન્યાયમૂર્તિએ જ્ઞાતિબંધુના નામે " નોટ બી ફોર મી " કરી ઠેલ્યો ને  કારકુનની કઠણાઈ ,તે તેમના વકીલને કોરોના ભરખી ગયો .

           થાકેલો ,લડતો કારકુન પોતે હાઈ બીપી અને ડાયાબિટીસનો દર્દી બની ગયો એન્જીયોગ્રાફી કરાવી ( જાણવા મુજબ સરકારી નિગમમાં પેંશનર માટે કોઈ તબીબી સુવિધા જ નથી )  કસોટીની હદ આવી જયારે પત્નીને મોટી પથરીનું નિદાન થયું  અને બે થી ત્રણ વખત કઢાવ્યા પછી ફરી ને ફરી ,એટલે સુધી કે કિડની જોખમમાં મુકાઈ  .ચારેક વખત મોટા શહેરોની મોટી હોસ્પિટલના ઉંબરા ચડવા પડ્યા  એક જ દીકરી ,જે  પરણી  બે ઘર ( શ્વસુર ને પિતા ) નો ચિંતા ભાર વેંઢારે . અને કારકુન પણ સંઘર્ષોનાં ડુંગરાઓ ચડતો રહે ,હાંફતો રહ્યો-થાકતો રહ્યો સોશિયલ મીડિયાના સધિયારે સમય પસાર કરતો રહ્યો .દરેક સ્વજન ની ટપાલને હોંકારો દઈને હાજરી પુરાવે  .

         વિશ્વ આખાને .હલબલાવી નાખનાર કોરોના તો ગીધ દૃષ્ટિથી શિકાર શોધે જ જાય છે. થયા શરદી-તાવ રિપોર્ટ પોઝિટિવ . દવાખાને દાખલ થઈને સ્વજનોને ફોન કર્યા," ઓક્સિજન ચડાવ્યો છે ને ચાર દિવસે  રજા આપશે .ચિંતા ન કરશો  સહુ વિચારતાં હતાં કે હોસ્પિટલમાંથી રજા મળશે એટલે ખબર પૂછશું  .આજે સવારે  ' વોટ્સ એપ ' તેની ગેરહાજરીને લીધે પડેલો ધ્રાસ્કો સાચો પડ્યો  .નિકટ સ્વજનનો ફોન આવ્યો ,"એ વિદાય લઇ ગયો "

        જીવન સંઘર્ષ છે -મૃત્યુ નિશ્ચિત્ત છે  પણ આ બંનેની પરાકાષ્ટા અસહ્ય હોય છે . એમાંય માનવ નિર્મિત સંઘર્ષો  વધારે પીડાદાયક બને .માનવ નિર્મિત કાયદાઓ -જડતાઓ પાસે કોઈનું જીવન સુધારવાની તાકાત છ કે નહિ તેની ખબર નથી પણ આવા કાયદા-નિયમો મૃત્યુ તો નથી જ સુધારી શકતા .જેમના હાથમાં સતા ,અધિકાર ,ઈલાજ હતા તેઓ તો કશુંય ન કરી  શક્યા  પણ  આપણા શબ્દોની  શ્રદ્ધાંજલિથી એ નિર્દોષ ,પુણ્યાત્માને  કૈક શાંતિ પરમાત્મા આપશે જ અસ્તુ

 ( નોંધ ;- નામ ઉલ્લેખ એટલે કર્યો નથી કે કોઈ તંત્રને સીધો ડંખ વાગે } ૐ શાંતિ !

દિનેશ માંકડ ,અમદાવાદ


No comments:

Post a Comment