યાત્રા -7 કૂદકો નવા વહેણે
આમ તો વાણિજ્ય સ્નાતક અને
બી.એડ.ને તો શિક્ષણની જૂની તરાહમાં નોકરીનો અવકાશ
જ નહોતો પણ કોણ જાણે મારા જ નસીબે (!) 1976 થી શિક્ષણની નવી તરાહ ‘10+2 હાયર સેકન્ડરી’ આવી ને એમાંય વાણિજ્ય વિભાગ ! જીવનનો મોટો ચમત્કાર ! શિક્ષણ સંસ્થાઓને બી.કોમ
એમ.કોમ બી.એડ સાથે મળે જ નહિ. કોલેજના અધ્યાપકોને બોલાવવા પડે.માંડવીની જ શેઠ
ગોકુલદાસ તેજપાલ હાઈસ્કૂલે ઉચ્ચતર માધ્યમિકશાળા શરુ કરી.નિયમાનુસાર ઇન્ટરવ્યૂ પ્રક્રિયા
પણ થઇ.યોગ્ય ઉમેદવાર હું જ ઠર્યો.નવેમ્બર 1976 થી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બન્યો. જે શાળામાં ભણ્યો ત્યાં જ શિક્ષણ આપવાનું
સદ્નસીબ.જીવનનું ખુબ ઉત્તમ વર્ષ.
જે માંડવીમાં ભણ્યો ને તે જ સ્થળે ઉચ્ચતર માધ્યમિક શાળાનો શિક્ષક થયો.પહેરવેશ બદલાયો.શાળાએ લઇ
જવા નવી બેગ જીતેન્દ્ર પાસે બનાવરાવી.ઇનશર્ટ શરુ.મોં પર ઠાવકાઇ .મિત્ર વર્તુળમાં
સજાગતા.શાળામાં નવું વાતાવરણ .વિદ્યાર્થીઓ મારા કરતા માંડ ચાર-પાંચ જ વર્ષ નાના !.અહીં તો મોટા વર્ગ માટેનું
શિક્ષણ.રાત્રે પુરી તૈયારી કરવાની.વાંચન જીવ હતો એટલે જે વિષયવસ્તુ ઉપલબ્ધ ન હોય
તે કોલેજમાંથી લાવવાનું.આચાર્ય બિપીનભાઈ અંતાણી અને નિરીક્ષક ( સુપરવાઈઝર ) બચુભાઈ
ધોળકિયા વારંવાર વર્ગ નિરીક્ષણ માં આવે.ભૂલો બતાવે ને વિકસિત થવાની તક મળે.
આજ શાળામાં જેની પાસે જ ધોરણ આઠ ,નવ માં ભણ્યો હતો તેમાંના ઘણા સાથે શિક્ષકખંડમાં
બેસવાનો મોકો મળ્યો .ઘણુંયે શીખવા મળ્યું.ભાષા શિક્ષક બચુભાઈ ,જોડણીના સખત
આગ્રહી. લેખનમાં વધુ ખોટી જોડણીવાળા વિદ્યાર્થીને બોલાવીને કહે,' તારી ભૂલોથી મને જીવતી માખી ગળવા જેટલું દુઃખ થાય છે ? ' સર્વે સાહેબો મગનભાઈ,વ્રજલાલભાઇ,ત્રિભુવન ભાઈ,જગન્નાથભાઈ,ચમનભાઈ,પઠાણવાળા ભાઈ
ધોતિયું પહેરી ક્રિકેટ રમતા માનભાઈ ,મોથારાઇભાઇ પાસેથી ભણવાનો પાઠ મળેલો ને ભણાવવાનો પાઠ પણ મળતો રહ્યો. સહયાત્રીઓ
માં મારી સાથે નવા ઉદ્યોગ શિક્ષક શ્રી અયુબભાઇ મિસ્ત્રી પણ જોડાયા.
મોટા વિદ્યાર્થીને સાચવવાનો શરૂનો અનુભવ. એકવાર એક તોફાની વિદ્યાર્થીએ વર્ગમાં
અશિસ્ત ઉભું કર્યું ને મેં ચખાડ્યો મેથીપાક .વાલી સીધા પહોંચ્યા આચાર્ય
પાસે.આચાર્યેએ મને બોલાવ્યો.વાલીને અને મને સાંભળ્યા.મને સંબોધીને કહે,' કોઈ વિદ્યાર્થી વર્ગમાં
ગમે કરે-આપણા પર ચડી બેસે તો પણ આપણે કઈ જ ન કરવું.એને ગમે તેમ કૂદવા દેવું આખા વર્ગનું ભણવાનું જે થાય તે.'- વાલી ભોંઠા પડ્યા
,'ના ,સાહેબ મારો ફરિયાદ કરવાનો ઈરાદો એવો નહોતો' આચાર્યએ વાલીની હાજરીમાં મારી તરફેણ કરીને
તેને "કોઈ શિક્ષક વગર કારણે સજા કરતા નથી '- એમ સમજાવી,વિદાય કર્યો.પછી મને કહ્યું,'
શારીરિક શિક્ષા ન થાય ,તેનો કાયદો છે.તેમાં વાલી અહીંથી જ પાછો વળ્યો ,નહીંતર તકલીફ વધે.અઘરાં એકમ વારંવાર લખવાની સજા
કરવી એટલે પરિણામ સુધરે!
'આચાર્યશ્રી
શિસ્તના ખુબ આગ્રહી .પહેલી વખત એસ,એસ,સી.પરીક્ષા નિરીક્ષણનો અનુભવ મળ્યો.કોઈ એક વર્ગમાં
વિદ્યાર્થી નકલ કરતાં પકડાયો.પોતાની જ શાળાનો વિદ્યાર્થી હોવા છતાં આચાર્યએ
કાર્યવાહી કરી.એટલું જ નહિ શાળાના મુખ્યદ્વાર પર કાળા પાટિયા પર વિદ્યાર્થીના નામ
સાથે વિગત અને તેને થનાર સજાની માહિતી પણ મૂકી.મૂકી
ગાડું બરોબર ગબડે જતું હતું.ત્યાં અચાનક રસ્તા વચ્ચે પથ્થર આવવાના સંકેત થયા.
એ વખતે ઉચ્ચત્તર શાળામાં વાણિજ્ય,
વિનયન અને વિજ્ઞાન જેવા વિભાગો હતા.સરકારે
નક્કી કર્યું કે ઓછામાં ઓછા બે વિભાગ. ચલાવવા આ શાળામાં વાણિજ્યમાં તો પુરા
વિદ્યાર્થી હતા પણ વિનયનમાં નહિવત.સંચાલક મંડળે તો ઉચ્ચતર શાળા બંધ કરવાનો નિર્ણય
કરી લીધો! કાયમી નોકરી છોડીને આવેલા હું અને અયુબભાઇ પર તો છુટા થવાની તલવાર લટકી
ગઈ. અને 30 મી જૂન 1977 ના તો થયા ઘર ભેગા .નવી શાળાના નવા વર્ગ ખુલે ,વિજ્ઞાપન બહાર
પડે અને લાંબી પ્રક્રિયા થાય અને ત્યાં સુધી તો ?