Readers

Tuesday, January 19, 2021


 

                         અનોખી યાત્રાનું અનોખું સ્મરણ -# ક્લાસ રૂમ

  શિક્ષણએ જીવંત વ્યક્તિઓ સાથે આદાનપ્રદાનની કલા અને પ્રક્રિયા છે.એટલે તેમાં પ્રયોગો અને અનુભવોને વિશેષ સ્થાન છે.ચાલીસ વર્ષ ની શિક્ષણયાત્રામાં લેખક પોતે પ્રાથમિક શિક્ષક માંડીને અમદાવાદની માધ્યમિક શાળાના આચાર્ય તરીકે અનેકવિધ તીર્થ પ્રવાસ કર્યાં છે.અને પોતાની આ યાત્રાના સંસ્મરણો તેમણે સહુ ની વચ્ચે વહેંચવાનો પ્રયત્ન આ પુસ્તક  ‘ # ક્લાસ રૂમ " માં મુક્યો છે. એ યાત્રાના પ્રવાસી એટલે દિનેશ માંકડ

         અનેક વર્ષોથી શિક્ષણ સામયિકોમાં લખતા દિનેશભાઇએ ચુનંદા પચીસ લેખો અહીં મુક્યા છે.'વર્ગ મંદિર ના વિઘ્નહર્તા 'લેખમાં મોનિટર ની પ્રત્યક્ષ ભૂમિકાની વાત કરી છે તો 'સરકતા સમયની સમસ્યામાં શાળાના મૂલ્યવાન સમયને કેવી રીતે ન વેડફાય તે કહ્યું છે.'જીવંત વર્ગને જીવંત સ્વર્ગ ' ની અનુભૂતિ લેખક કરાવે છે.'સુપરવિઝન એ સુપર  વિઝન -મહા દૃષ્ટિ બને અને પ્રોક્સી તાસ એ પ્રિય તાસ કેમ બને તે વાત રસમય રીતે મૂકી છે.. માતૃભાષાનું મૂલ્ય વિશેષ આંકવા માટે  'મારી માતા ,મારી સાથે 'માં  દિનેશભાઇએ વિશેષ રીતે માતૃભાષાની આવશ્યકતા પર ભાર મુક્યો છે.લેખકના પ્રિય વિષય ચારિત્ર્ય શિક્ષણ પર આમ તો દરેક લેખમાં ભાર મુક્યો છે પણ 'તાતી જરૂર છે -ચારિત્ર્ય શિક્ષણ ની ' લેખમાં ગંભીરતાથી રજૂઆત કરી છે.'પર્વ મિનિટ પાંત્રીસ નું 'માં લેખકે પ્રત્યેક તાસને ઉત્સવમાં ફેરવવાની લાક્ષણિક વાત કરી છે.  

      વર્તમાન સમયની વાલીની મૂંઝવણને 'વાજબી વહાલ ,વાલી નું' માં જાગૃતિની ટકોર પણ કરી છે.લેખક પોતે સ્વભાવે પ્રયોગશીલ હોઈ જાતે કયારેક અનેક પ્રયોગો માંથી 'ભૂગોળ શિક્ષણમાં નકશા પૂર્તિ' ,સ્વાધ્યાય પદ્ધતિ -પ્રયોગ  અને પરિણામ ,જોડણી સુધાર -એક પ્રકલ્પ  જેવા પ્રયોગો પણ પુસ્તકમાં મુક્યા છે.

      જાણીતા શિક્ષણ વિદ્દ ડો. ભદ્રાયુભાઈ વચ્છરાજાની એ તેમની આ પુસ્તકની પ્રસ્તાવના માં લખ્યું છે કે "આ પુસ્તકમાં કેન્દ્રમાં શિક્ષણ છે.,ત્રિજ્યા સ્વરૂપે સ્વાનુભવ છે પણ આ વર્તુળનો વ્યાસ સમાજના માતાપિતા ,બાળકો ,અને શિક્ષકો સુધી લંબાય છે ."તો ગુજરાતના એક માત્ર થીમ આધારિત શિક્ષણ આદિત્ય કિરણ ના સંપાદક અને IITE ના કુલપતિ માનનીય ડો.હર્ષદભાઈ પટેલ જણાવે છે કે "આ પુસ્તકના માધ્યમથી શિક્ષણક્ષેત્રની વર્તમાન સ્થિતિનો ચિતાર મળે છે અને તેને ઉત્કૃષ્ટ બનાવવા ના ઉપાય પણ છે." ગુજરાત મા.શિક્ષણ બોર્ડ ના પૂર્વ સદસ્ય શ્રી પ્રેમજીભાઈ પટેલ લખે છે કે " વફાદારી,પ્રામાણિકતા અને શિસ્ત ના આગ્રહી દિનેશભાઇ ના લેખોમાં ચારિત્ર્ય શિક્ષણ પર હંમેશ ભાર મુકાયો છે .આ પુસ્તકના તમામ લેખો શિક્ષણ જગત અને સમાજજીવન ને માર્ગદર્શક બની રહેશે."

       વિશેષ ગૌરવની વાત એ છે કે  '# ક્લાસ રૂમ ' પુસ્તક ને અમદાવાદ આચાર્ય સંઘ " આચાર્ય સાહિત્ય રત્ન“ એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરાયું.અને એ એવોર્ડ માનનીય શિક્ષણમંત્રીશ્રીના વરદહસ્તે એનાયત થયો.

        " શિક્ષણ કાર્ય એ ઋષિકાર્ય જ છે.માનવ ઘડતર નું કાર્ય છે.પૂર્વજન્મમાં જે ઋષિ હોય તેને જ આ જન્મ માં શિક્ષક નો વ્યવસાય પ્રાપ્ત થાય " એવું દિનેશભાઇ અંગત રીતે માને છે.પુસ્તક લખતી વખતે પણ તેમણે આ દૃષ્ટિ કોણ રાખ્યો છે.શિક્ષણક્ષેત્ર ના તમામ સહભાગીદારો-શિક્ષક,આચાર્ય,વાલી કે શાળા સંચાલક -સૌને એક દિશાદર્શક બને તેવું અનુભવસિદ્ધ આ પુસ્તક શાળા પુસ્તકાલય કે અંગત પુસ્તકાલય માં હોય તે અનિવાર્ય છે.   

લેખક સંપર્ક : દિનેશ. લ.માંકડ    9427960979

No comments:

Post a Comment