Readers

Saturday, December 12, 2020

યાત્રા -6 માસ્તર થવાના મારગડે




 

યાત્રા -6    માસ્તર થવાના મારગડે

       બી.એડ માં પ્રવેશ તો લીધો પણ રહેવાનું ક્યાં ?  પિતાશ્રીએ માર્ગ કાઢ્યો .વીસેક કી.મી.દુર પત્રી ગામમાં સર્વોદય સમાજ નામની સામાજિક સંસ્થાને મેનેજરની જરૂર હતી .પિતાશ્રીએ તક ઝડપી લીધી.મારે દરરોજ સવારે  ટિફિન લઈને બસમાં , મુન્દ્રા જવાનું .હાટકેશ્વર મંદિરમાં મિત્ર અનિરુદ્ધભાઈ છાયાએ ભાડે રૂમ રાખેલો.ત્યાં જવાનું .એ જાતે રસોઈ બનાવે .બંને સાથે જમીએ ને પછી કોલેજ જઈએ .

          સ્નાતક થવાની કોલેજ અને બી.એડ કોલેજ વચ્ચે એ વખતે એક વિશેષ ભેદ રહેતો.અહી બાવીસ વર્ષના યુવાનથી માંડી બેતાલીસ વર્ષ વાળા ને શાળાએ મોકલેલા પણ હોય. વયનું વૈવિધ્ય હતું એટલે એક વિશેષ યોગ થયેલો.જેની પાસે બીજા ધોરણમાં ભણેલો તે શ્રી વસંતબેન તન્ના  પણ મારા સહાધ્યાયી..પ્રાથમિક ને માધ્યમિકમાં જેની સાથે ભણ્યો તે અનિરુદ્ધભાઈ છાયા ,કિશોરભાઈદવે ,ચંદ્રકાન્તભાઈ પરમાર જેવા પણ સહાધ્યાયી. . એક દંપતી તો બંને બી.એડ.કરે ને એક વર્ષના બાળકને ક્યારેક સાથે લાવે પ્રિન્સિપાલ રમુજ કરી  લેતા 'તમારું બાળક અત્યારે બી.એડ કરશે ને પછી ઉતારતા ક્રમમાં બાકીનો અભ્યાસ પૂરો કરશે.'  જેણે મને નવમાં ધોરણમાં ગણિત શીખવ્યું તે ઇન્દ્રવદભાઈ અંતાણી પણ અહીં ગણિતના અધ્યાપક ! ,.

          સવાલ આવ્યો વિષય-મેથડ પસંદ કરવાનો.વાણિજ્યના વિષય તો મેથડમાં હતા નહિ .ભાષા ,સમાજશાસ્ત્રની માંગ ઓછી. કર્યા ગણિત-વિજ્ઞાન પસંદ.આચાર્ય શ્રી ઠક્કરસાહેબે તો અસંમત થયા .પણ ઇન્દ્રવદનભાઈ અને પરશુરામભાઇ વહારે આવ્યા .'અમે કરાવશું એટલે રાખવા દો’-.નવું ગણિત અભ્યાસક્રમમાં..શાળામાં તો જૂનું ગણિત ભણેલો .છેડો પકડ્યો ઇન્દ્રવદનભાઈનો .રોજ એમને ઘેર ધામા

         બી.એડ. શિક્ષણ  વિશેષ પ્રાયોગિક હોઈ બિનઅનુભવી માટે ઘણીવાર કઠિન બની જાય.પણ.મારો પ્રાથમિક શાળાનો અનુભવ એટલે નવા નિશાળિયા પાસે અનુભવનો વટ પડાવવાનો.. કોઈ તો પાંત્રીસ મિનિટ ની તૈયારી સાથે વર્ગમાં ગયા હોય ને પંદર મિનિટમાં દુકાન બંધ થઇ જાય

          તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન ને શિક્ષણના યક્ષ પ્રશ્નોના વિષય એ વખતે નીરસ લગતા .અમારી 'ચંચળ ચોક્ડી ( નામ નહિ બતાવું !)  ને વર્ગમાં કશુંક કૌતુક સુઝ્યા કરે .એક ને મોઢું ખોલ્યા વગર ,વિચિત્ર અવાજ કાઢવાની ટેવ..ખુબ જ વયસ્ક અતિ સરળ અને પ્રતિભાશાળી અધ્યાપકશ્રીથી આ સહન થયું.અમને અંગત બોલાવ્યા ને કહ્યું, " તમે બેધ્યાન થાવ છો તે મારી કચાશ છે .મારા પચાસ વર્ષના શિક્ષણકાર્યમાં મારી શીખવવામાં અધુરાશ રહી લાગે છે. "- અમારાં મોં સિવાયા .બીજા દિવસથી બધું  બંધ !

          'બ્લોક ટીચિંગ 'અને ;ઓફ કેમ્પસ' માં કોલેજ બહાર અન્ય શહેરની શાળામાં .જૂથમાં સાથે રહેવાનું ને શિક્ષણ આપવાનું. .અમાર 'ઓફ કેમ્પસ ' ભચાઉ ની એક શાળામાં.ઉત્સાહી પ્રાધ્યાપક ( કવિ ) સબૂર અબ્બાસીસાહેબ સાથે હતા.શાળામાં યાદ રહી જાય, તેવી સહાભ્યાસિક પ્રવૃત્તિનો વિચાર થયો.'મોક કોર્ટ ' કરીએ ‘-.-સીતાનો રામ પર આક્ષેપ ,ધોબીની વાતથી થયેલો અન્યાય.- આખી રાત સાથે મળીને સ્ક્રિપ્ટ લખવાનો આનંદ. સાચી કોર્ટના અનુભવી ,જે  બી.એડ કરવા આવેલા તે ચમનભાઈ કંસારા બન્યા ન્યાયમૂર્તિ ,અબ્બાસીસાહેબ ,સીતાના વકીલ ને મારી ભૂમિકા ધોબીના વકીલની ! ખુબ જીવંત રહેલો યાદગાર પ્રસંગ.

         કોલેજની આંતરિક પરીક્ષાની તારીખ સંદર્ભે કોલેજ અને વિદ્યાર્થીઓ વચ્ચે રક્ઝક થઇ.વિદ્યાર્થીઓ હડતાળ પર,.પણ એક સિદ્ધાંતવાદી વિદ્યાર્થી આગ્રહી .કોલેજમાં જઈ કહે,'મને પ્રશ્નપત્ર આપો જ." -કોલેજનું ધર્મસંકટ .સીલ ખોલે તો બધાં પ્રશ્નપત્ર બગડે. પણ હવે બાજી પ્રિન્સિપાલ શ્રી ના હાથમાં હતી .એકલ વિદ્યાર્થીને બપોર સુધી ધીરજ ધરવા કહ્યું ને બાકીના ને ' બપોરથી પરીક્ષા લેવાની '  ધમકી.આપી. આખરે બપોરથી પરીક્ષા ગોઠવાઈ.   

        એટલું ચોક્કસ છે કે બી.એડ કોલેજે ખુબ ઘણું આપ્યું. જેને સાચા અર્થમાં શિક્ષક થવું હોય તે ઘણું મેળવી શકે જ .શિક્ષણ આપવાની વિશિષ્ટ પદ્ધતિઓ, વિદ્યાર્થીને ઓળખવાની સૂઝ, સાથે સાથે અનેક સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ વિકસાવવાની કુનેહ .બધું જ એક જ વર્ષમાં ને એક જ કોલેજમાં .સંશોધન દૃષ્ટિ પણ કેળવાય તે વધારામાં  .જે પોતે અહીં વિકસે તે ભવિષ્યમાં બીજાને વિકસાવી શકે.

1 comment:

  1. વાહ ખુબજ રોચક અને રોમાંચક સંભારણા અને બીએડ ની યાત્રા

    ReplyDelete