યાત્રા -4 તરુણવયનો તરખરાટ
પિતાશ્રી નિવૃત્ત
થતાં માતા-પિતા મોટાભાઈ ધનસુખભાઇ પાસે ગોધરા (કચ્છ) રહેતાં. અમારું બંને ભાઈઓનું ભણવાનું સૌથી
મોટાભાઈ ચમનભાઈને ઘેર રહીને માંડવી ચાલતું હતું ,પણ શનિ-રવિ ગોધરા ( આશરે 20 કી મી ) જવાનું મન થાય .એક રવિવારે
માંડવી પરત નીકળતી વેળા ઓચિંતું મન થયું.. ‘મારે હવે અહીં જ ભણવું છે' મોટી શાળા અને શહેર છોડીને અહીં આવ્યો .નાની શાળા ,શિક્ષકો સાથે સહજ આત્મીયતા .વર્ગશિક્ષક
ચૈતન્યભાઈ વૈદ્યં પાડોશમાં જ.એક વાર કહે 'કઈ ન સમજાય તો આવજે .' બંદાએ તો વાક્ય પકડી લીધું ને બીજે દિવસે સવારે જ ગણિત સાથે તેમને ઘેર .પહેલું
જ પ્રકરણ ધરી દીધું ! એમની નિષ્ઠા ને મારી ઈચ્છા -આગળનો કાચો રહી ગયેલો પાયો
પાક્કો થયો
ચૈતન્યભાઇનો વિશેષ ઉલ્લેખ એટલે કરવો પડે કે અર્થશાત્રમાં સ્નાતક થયેલા. ઘેર ગણિત શીખવે તો શાળામાં ગુજરાતી ભાષા .ને તે પણ ખુબ રસપ્રદ રીતે ‘ હાઈકુ’ શીખવે તો સહુ
વિદ્યાર્થીને હાઈકુ લખવા પ્રેરે. તે દિવસે મેં ‘લખવાનું’ શરુ કર્યું તે
વર્ષો પર્યન્ત ચાલુ જ રહ્યું છે. સાચી જોડણીના ખુબ જ આગ્રહી. ઉત્તરપત્ર જોવાની આગવી જ રીત .નિબંધ જેવા વધુ ગુણ ધરાવતા પ્રશ્નમાં ગુણ વિભાજન કરીને જુએ ને ગુણ આપે ! 'સમાચાર મંત્રી'ના નાતે મારે
સમાચાર બોર્ડ લખવાનું આવે રાત્રે બીબીસી
રેડિયો સાંભળવાનો ,સવારે વર્તમાનપત્ર ને પછી
ફરી નવ વાગ્યે રેડિયોના સમાચાર સાંભળીને તૈયાર કરવાના. આખું બોર્ડ લખાઈ જાય,ત્યાંતો ચૈતન્યભાઈની તમામ
ખોટી જોડણી પર કાતર ફરે ને રોજ બોર્ડ ફરી લખવાનું..મારી અંગત માન્યતા
મુજબ તો દર હજારે આવા એકાદ જ સાચા શિક્ષક હોય
વક્તૃત્ત્વ સ્પર્ધામાં દિનકરભાઇ ઓઝાસાહેબ ફરજીયાત નામ લખી ગયા.પહેલી વખત ભાગ
લીધો .પગ ને હાથ બે ય ધ્રૂજે .વિષય 'માનવીએ કુદરત પર વિજય મેળવ્યો છે ? '- લખાણ જાતે તૈયાર
કર્યું .' કૃત્રિમ હૃદય ને કૃત્રિમ વરસાદના દાખલા આપી પુરવાર કર્યું કે માણસે તો કુદરત પર વિજય મેળવી જ લીધો છે જોકે પ્રથમ નંબર ન આવ્યો કેમકે હરીફ સ્પર્ધકે
મૃત્યુની નિશ્ચિતતા ને બીજા દાખલાથી 'કુદરત પર વિજય નથી મેળવ્યો -એમ સચોટ પુરવાર
કર્યું !
શાળા માં ' સ્વયં શિક્ષણ દિન ' ઉજવાયો .તે દિવસે સારો લાગે તેવો શર્ટ ક્યાંથી
લાવવો ? શિક્ષક
રાજેન્દ્રભાઇ માંકડનો શર્ટ બરોબર માપમાં આવ્યો ને વટ
પડાવવા તેમનું ઘડિયાળ પણ પહેરવા લઇ લીધું .આઠમા ધોરણ માં અંગ્રેજીનો તાસ આવ્યો
.અતિ વિશ્વાસમાં તૈયારી ઓછી કરેલી. વાક્ય આવ્યું 'This is box .It is lits lid.'- lid નો અર્થ આવડે નહિ .સમયસૂચકતાથી વિદ્યાર્થીઓને જ સવાલ કર્યો, 'તમારા માંથી કોને
lid નો અર્થ આવડે છે ? ‘-સામેથી ઉત્તર મળી ગયો ને આબરૂ ઢંકાઈ ગઈ!
આચાર્યશ્રી ડોલરભાઈને
આકાશવાણી વાર્તાલાપ આવ્યો.તેમની તૈયારી કરવામાં, 'પોઝ',આરોહ-અવરોહ,સમયમર્યાદાને ઝીણવટથી જોવા માટે સહાયક બનવાનો આનંદ પણ લીધો .ધોરણ 11 ની ssc બોર્ડની વિષય
પસંદગીની વાત આવી.એ વખતે સાત કે આઠ વિષયનો વિકલ્પ હતો હોશિયાર હોય તે સાત જ રાખે ,પણ મારા માટે
દરેક શિક્ષકનો આગ્રહ 'મારો વિષય રાખ તો ટકા વધશે ' સૌનું મન રાખવા આઠ વિષય રાખ્યા અને બધાના
વિષયમાં 70 ઉપર ( ગણિત
સિવાય) ગુણ લાવ્યો.કુલ 62 % લાવ્યો પણ શાળામાં પ્રથમ !
મિત્ર મુલચંદને બોલવામાં થોડી તાલવ્ય તકલીફ અને તેથી તેનો આત્મવિશ્વાસ થોડો
ઓછો..તેની સાથે દરરોજ ફરવા જવાનું ને વિષયવાર ચર્ચા કરવાની..ssc માં એની જ મહેનતથી એનો બીજો વર્ગ આવ્યો
'ધર્મપ્રેમી 'તખલ્લુસથી ભાવપૂર્ણ ગીત-કવિતા લખે .અન્ય મિત્રો જ્ઞાનચંદ ,કાંતિલાલ , અર્જુન,અરુણ ગાવન્ડે ,ભવાનજી,શામજી ,હરજી ,લક્ષ્મીચંદ ,નરસંગર ,દિનેશ મહેતા ( કોઈના નામ પાછળ 'ભાઈ' લખ્યું નથી )
માંથી કેટલાય તો પચાસ વર્ષે આજે પણ સંપર્ક
સાચવી બેઠા છે !
No comments:
Post a Comment