Readers

Wednesday, July 28, 2021

યાત્રા -26 ચતુર્દીશથી ચિદાનંદ

 

યાત્રા -26  ચતુર્દીશથી ચિદાનંદ

            આનંદ અને ખુશી સતત વરસે એ તો જીવનનું સૌથી સુખ ગણાય .પરમાત્માની કૃપા કહેવાય..2015 થી 2017 માં અમારા પર ચારે દિશાએથી આવી જ કૃપા થઇ વર્ષ 2015 .આસો માસના નવરાત્રીના નવેનવ દિવસ .મા  જગદંબાના નામ અને સ્મરણથી ઘર, ચોક અને સમગ્ર વાતાવરણમાં સુગંધ પ્રવર્તતી હતી.અગાઉથી અંજાર પહોંચી ગયેલા પાર્થ અને રંજનાનો ફોન આવ્યો." પપ્પા ,તમે અને મમ્મી દાદા -દાદી બન્યા.આપણે ઘેર લક્ષ્મી માતાની પધરામણી થઇ.તારીખ હતી. 23 મી ઓક્ટોબર,2015  તે દિવસે  આસો નવરાત્રીમાં નોમ દશમ ભેગા હતા.દોડ્યો અંજાર! નામ. સંશોધન ચાલ્યું . નવરાત્રીમાં આવે તે તો જગદંબાની જ પધરામણી. કહેવાય ." શર્વાણી "- પાર્વતી માતાનું એક નામ .દક્ષિણ ભારતની એક શક્તિપીઠ .ઉર્વીફઈએ નામ પડ્યું.ભુજથી પરિવાર આવ્યો.અગિયારમો વાસો અંજાર ને બારમો વાસો ભુજ ઉજવાયો.

       ઘરમાં બાળક -પૌત્રી કે પૌત્ર આવે એટલે દરરોજ ત્રણ બાળપણ જીવાય. આગંતુકના પ્રત્યેક વર્તનમાં પોતાનું ને પોતાની પેઢીનું સ્મરણ સાથે લાવે. " હું આવો હતો તું પણ આવો હતો ને તારી આ દીકરી પણ આવી જ છે.”- શર્વાણી બેન પધાર્યાં એટલે તો તેના રોજબરોજના હાવભાવ ,અને અનેરી લાક્ષણિકતાઓ અનુભવવામાં -માણવા માં સુરજ ક્યારે આથમે તેની ખબર પણ ન પડે. ધીમે ધીમે ડગ માંડવાનું થયું.રોજ સવારે કબૂતર ને ખિસકોલી જોવા નીકળીએ ને સાંજે દાદુ ( રંજના )  ઓફિસથી રિક્ષામાં આવે તેને શેરીના નાકેથી લેવા જવાનું.

       મારો  શિક્ષણ લેખોનો ક્રમ ખુબ નિયમિત હતો.( હજી પણ 2021 માં છે.) આદિત્યકિરણ,ઘરશાળા અને શિક્ષણ પરીક્ષણને લીધે સાતત્ય રહેતું.મોકલવામાં મોડું થાય તો શ્રી હર્ષદભાઈ ફોન આવે. ઘડીભર વિચાર આવ્યો.કે લેખોમાં પ્રવર્તમાન પ્રશ્નો અને પ્રયોગો હોય છે તો પુસ્તક રૂપે પ્રગટ થાય તો ? પાર્થનો ટેકો ને રંજના નો 11000/- ચેક ! અને " # કલાસરૂમ " પ્રકાશિત થયું.અગાઉના ચારેક નાના પુસ્તક પછી આ પાંચમું પુસ્તક હતું 

 .    

        વોમોચનનો ઈરાદો ખાસ નહોતો. પણ તેવામાં જ શ્રી દીપકભાઈ પટેલે પોતાની શાળામાં એક વક્તવ્ય માટે બોલાવ્યો. પ્રથમ પુસ્તક તેમના હાથમાં મૂક્યું.એમણે કાર્યક્રમમાં આ વાતની ખુશી વ્યક્ત કરી અને પોતાના શાળા પરિવાર માટે  પચાસ પુસ્તકો  ખરીદી પણ લીધાં   અમદાવાદ આચાર્યસંઘના પ્રમુખનો ઓચિંતો ફોન આવ્યો. અમારા અધ્યક્ષ નીરવભાઈ ઠક્કર તમારી સાથે વાત કરવા માંગે છે  નીરવભાઈ : "  મારા પિતાશ્રી આચાર્ય અને લેખક પણ હતા.તેમની સ્મૃતિ માં આચાર્ય સાહિત્ય રત્ન એવોર્ડ ' ,અમદાવાદ આચાર્ય સંઘ ના ઉપક્રમમાં આપવાનું નક્કી કર્યું છે.તે પ્રથમ એવોર્ડ આપને આપવાનું નક્કી કર્યું છે.અમને ખબર છે કે તમે ચારેક વર્ષ પહેલા શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિન્હ ચુડાસમાના હાથે  'આચાર્ય સાહિત્ય રત્ન એવોર્ડ સ્વરૂપે  મોટો મેડલ ,પ્રમાણપત્ર ,મા જગદંબાનો  નિવૃત્ત થયા છો પણ એવોર્ડની શરૂઆત તો તમારાથી જ થાય." કાર્યક્રમ ગોઠવાયો. અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાંમોટો ફોટો અને  ચેક,એનાયત થયા.

             તે દિવસે 2016 ની 28 મી તારીખ હતી.   " આવતીકાલે તમારે બધાં એ મારી ઓફિસે આવવાનું છે "-રંજનાનો હુકમ છૂટ્યો. 29 અને 30 શનિ રવિ આવતા હોઈ.( રંજના નો એ.જી.ઓફિસ નિવૃત્તિ દિવસ 31/10/2016.  હતો) વિદાય  સમારંભ  આજે હતો. રંજનાની કર્મયાત્રાને બીજું નામ સંઘર્ષયાત્રા જ આપી શકાય.છતાં દરેક સ્થળે હિંમતપૂર્વક સમસ્યાઓનો સામનો કરીને આખરે યાત્રા પુરી તો કરી જ.કેન્દ્ર સરકારની સ્પર્ધાત્મક આપીને ભારતની ગણમાન્ય કચેરી Office of Accountant General ની કચેરીમાં Auditor ની જગ્યા પર પસંદગી થઇ. એ પછી તો  Accountant ,Senior Accountant  અને નSupervisior ( class -2) નો હોદ્દો પણ પ્રાપ્ત કર્યો. 

           અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલા બહુમાળી ભવનમાં તારીખ 16 મી જાન્યુઆરી 1979 ના રોજ સેવા સ્વીકારી.દરરોજ સવારે ગાંધીનગરથી નવ વાગ્યે ટિફિન લઈને કે જમીને બસમાં અમદાવાદ ને સાંજે છ પછી નીકળી સાત વાગ્યે ઘેર. એ.જી ઓફિસ એટલે ભારત સરકાર અને રાજ્ય સરકારના અને તેના દ્વારા થતા તમામ આર્થિક વ્યહવારો પર સતત નજર રાખતી કચેરી.ખુબ ઘણા વિભાગો. અનેક વિભાગોમાં જોડાવું ને નવું જાણવા શીખવાનું. સાથે સાથે કચેરીની 'વેલ્ફેર ક્લ્બ દ્વારા થતી ગરબા અને અનેક સ્પર્ધાત્મક સાંસ્કૃતિક પ્રવૃત્તિ પણ ખરી.

           1983 થી મારો સંગાથ.હું કચ્છમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં નોન ટ્રાન્સફરેબલમાં ને એની કચેરી તો ગુજરાત આખામાં બે.અમદાવાદ અને રાજકોટ.આટલી ઉત્તમ નોકરી છોડાય તો નહિ.મારા અમદાવાદના પ્રયત્નો , શિક્ષક ભરતીમાં ભ્રષ્ટાચારને લીધે ખુબ મુશ્કેલ.તેમની કચેરીના ચુસ્ત નિયમો અને કાર્ય વહેંચણી ને લીધે વગરપગારી રજાઓમાં મેમો અને તેના ઉત્તરનો સિલસિલો ચાલુ રહેતો.બંને વેકેશન અમદાવાદ ગેસ્ટહાઉસમાં રહેવાનું! પાર્થને ઉછેરવાનો ને ભણાવવાનો ! વ્યવહારુ સમસ્યાઓની, પરપ્રાંતીય ઉચ્ચ અધિકારીઓની નહિ સમજવાની ટેવ.વચ્ચે અંજાર નર્મદાનિગમમાં ખાદ્યાખાધેલ રાજ્ય સરકારના કર્મચારી સાથે પનારો.

        પણ ' રાત જીતની ભી સંગીન હોગી ,સુબહ ઉતની હી રંગીન હોગી " એ ન્યાયે 1 લી ઓગસ્ટ 1997 ના રોજ હું પલ્લવી હાઈસ્કૂલ અમદાવાદમાં આચાર્ય તરીકે જોડાયો.અને અમે સાડાતેર વર્ષે એક સાથે રહેવાના થયાં હવે એને માટે કચેરી ફરજ સરળ થઇ.અમે લાંબા સંઘર્ષ પછી ચમત્કારિક રીતે તારીખ 31 મી ઓક્ટોબર 2016 ના શુભ દિવસે  સફર પૂર્ણ થઇ.

          વિદાય સમારંભમાં તેમની સાત સહેલીઓના અદભુત સહકાર ,કચેરીના અધિકારીગણના પૂર્ણ સાથનો વિશેષ ઉલ્લેખ રંજના કરતા કહ્યું  કે ,'બેબી તરીકે આવી હતી અને બા બનીને જાઉં છું.' 1 લી નવેમ્બરથી અમારા ડાઇનિંગ ટેબલ ની પાંચેય ખુરશી એક સાથે ભરાવા લાગી.

દિનેશ.લ.માંકડ

મોબાઈલ -9427960979

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો

mankaddinesh.blogspot.com

 


Wednesday, July 7, 2021

યાત્રા -25--- પવનની પાંખે પરદેશ ( યુરોપ પ્રવાસ )

 

યાત્રા -25--- પવનની પાંખે પરદેશ (  યુરોપ પ્રવાસ  )

             બાળપણથી ભણતાં આવ્યાં -દુનિયા ના સાત ખંડ  એ જોઈ લીધા.પણ નકશામાં. પણ પછી ?  સુખ નામના પ્રદેશમાં વિહરતા વિહરતા ઉત્તર દક્ષિણ ભારત જોવાયું.ભેગા થઈને વિચાર્યું કે એકાદ પરદેશ પ્રવાસ થાય તો ?    અમારા ચારેય જણ ( હું -દિનેશ,રંજના ,પાર્થ અને ગ્રીવા ના )  પાસપોર્ટ  તૈયાર થઇ ગયા.  યુરોપ પાસે ઇતિહાસ છે એટલે પહેલી પસંદગી એને આપી.ફરી તપાસ દોર ચાલુ. Cocks and Kings  ટ્રાવેલ કંપનીનું યુરોપના નવ દેશનું પેકેજ અનુકૂળ લાગ્યું. તારીખો નક્કી થઇ .ટુરિસ્ટ વિઝાની કાર્યવાહી ,રૂબરૂ ઇન્ટરવ્યૂ.પછી રૂપિયામાંથી યુરો ચલણમાં ફેરવવાનો અનુભવ લીધો.આંતરરાષ્ટ્રીય સિમકાર્ડ લીધું.

            અને આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો.અમારી ( હું-દિનેશ,રંજના ,પાર્થ ,ગ્રીવા )  વિદેશ સફર શરુ-વીસમી મેં 2013 અમદાવાદથી દુબઇ 'એમેરત' ફ્લાઈટમાં દુબઈથી લંડન .દુબઇ પ્રવાસનો ભાગ નહોતો .કનેક્ટિંગ ફ્લાઇટ હતી એટલે એરપોર્ટ બહાર જવાની અનુમતિ નહોતી

             લંડનમાં 200 વર્ષ જુના 'મેડમ તુષાદ' મ્યુઝિયમમાં 400 થી વધારે મીણના પૂતળાં છે.વિશ્વની ગણમાન્ય વ્યક્તિઓ તો હોય જ ,એમાં અમિતાભ ,સચિનનો પણ સમાવેશ છે આબેહૂબ જીવંત લગતી પ્રતિમાઓ સાથે ફોટા પડાવવાનો આનન્દ લીધો.4 D ફિલ્મમાં ચતુર પરિમાણ સાથે પાણી,,પવનનો પ્રત્યક્ષ જેવો અનુભવ થાય.ભૂતગૃહમાં હાજા ગગડે.થેમ્સ નદીને કિનારે 'લંડન આઈ '136 મિત્ર ઊંચું મેરી ગો રાઉન્ડ 42  ખાના ધરાવે છે અને એક રાઉન્ડ 30 મિનિટમાં પૂરો કરે છે.આખા લંડનનું આકાશીદર્શન અદભુત રીતે થાય.બર્મિંગહામ પેલેસ,રાણી  વિક્ટોરિયાનો આવાસ ,વેસ્ટ મિનિસ્ટર્સ હાઉસ,જોયા.ટ્રફાલ્ગર સ્કેવર માં પ્રાચીન સ્મારકો સાચવ્યા છે.શરૂથી ફ્લાઇટ મોડી હોઈ લંડન નો સમય થોડો કપાયો.          


 લંડનથી બસ દ્વારા હાર્વિસ બંદરે જઈ ક્રુઝ પ્રવાસ શરૂ થયો..11 માળમાં 1300થી વધારે રૂમ વાળા સ્ટેના લાઈન 'ક્રુઝમાં 300 જેટલી બસનું પાર્કિંગ પણ હતું! રાત્રી દરિયાઈ સફરથી ઈંગ્લીશું ચેનલ પસાર કરી 'હુક ઓફ હોલેન્ડ 'પહોંચ્યા. ટચુકડા દેશ નેધરલેન્ડની 'વિન્ડ મિલ્સ 'નો દેશ તરીકે ઓળખ છે.પાણીને અંકુશિત કરી ને સંપૂર્ણ જળ વ્યવહારથી સંચાલિત 'એમ્સ્ટર્ડન ',12 મી સદી ના નાનકડા 'ડચમાંથી વિશાળ શહેર બન્યું છે. તેની પ્રાચીન કેનાલને યુનેસ્કોએ વિશ્વ વારસામાં સમાવી

          ચોકલેટ માટે જાણીતા દેશ બેલ્ઝિયમ પહોંચ્યા.આખા વિશ્વમાં કાચા હીરા પાટનગર બ્રસેલ્સથી જાય છે.વિશ્વનો સૌથી જૂનો 'મોલ' અહીં છે.સાડીના લેશ માટે આ દેશ જાણીતો છે.


           ફ્રાન્સના બે દિવસના પ્રવાસમાં એફિલ ટાવર તો હોય જ.ઈ.સ.1889માં તૈયાર થયેલું 324 મીટર ( 1063 ફિટ ) ઊંચા ટાવરમાં ત્રીજા લેવલ-અંતિમ ટોચ સુધી લિફ્ટમાં જ જવાય છે.ઉપર તો ગયા જ સાથે સાથે સાંજે ચોક્કસ સમયે આખા ટાવરને લાઇટ્સ થી ઝળાંહળાં કરે તે જોવાનો લ્હાવો પણ લીધો.તદ્દન વૈવિધ્યવાળી  17  જેટલી રાઇડ્સ વાળા 'પાર્ક એસ્ટ્રીસ 'માં વિશ્વનું સૌથી 13 મીટરની ઊંચાઈ ધરાવતું જૂનું લાકડાનું રોલર કોસ્ટર છે વારંવાર ઊંધા-ચત્તાં થતા આ કોસ્ટરમાં બેસીને ધોળે દિવસે તારા જોવાની મજા છે.  લીડો  શો માં 100 થી વધુ કલાકારો 600 થી વધારે વેશભૂષા પહેરી-બદલીને કલા વારસાનો પરિચય કરાવે છે.એમાંય Revolving Stage   અને બરફ નૃત્ય  વિશેષ આકર્ષિત કરે છે.. ગ્રેવીન વેક્સ મ્યુઝિયમ અને  Fregonard  પર્ફ્યુમ્સ  જોઈને ,City of Light તરીકે ઓળખાતા પેરિસની ક્રુઝમાં નગરચર્યા કરી. 

           હવે ના ત્રણ દિવસ આલ્પ્સ પર્વતમાળામાં સ્વિટ્ઝર્લેન્ડમાં શૂન્યથી પણ નીચે તાપમાનમાં મહાલવાનું હતું.3000 થી 4000 મીટર ( 10 થી 12 હજાર ફિટ ) પર ટ્રેન અને રોપવે માં ,આસપાસનું પ્રકૃત્તિદર્શન કરતા કરતા જવાનો લહાવો તો અવિસ્મરણીય જ છે.માઉન્ટ બ્લેન્ક ,કોક્સ એન્ડ કિંગ્સ ,ગ્લેશિયર 3000 વગેરે પાંચ શિખર પર રોપવેથી કૂદાકૂદ !એક રોપવે ( કેબલકાર ) એક સાથે 100 થી વધારેને લઇ જાય! 1912 માં 4000 મીટરની ઊંચાઈએ તૈયાર થયેલી ટ્રેન Jungfraubahn ( યુન્ગફ્રો ) એ 2012 માં તેની શતાબ્દી ઉજવી.વિશ્વની સૌથી ઊંચી ટપાલપેટીમાં ડોકિયું કરી ,સ્નો બસમાં સ્કીઈંગ કરી ,બરફના શિલ્પોનું મ્યુઝિયમ જોઈને 12000 ફિટ ઉપર માઇનસ ડિગ્રીમાં આઈસ્ક્રીમ ખાધો! અનેક પર્વતમાળા વચ્ચે પ્રતિ સેકન્ડ 20000 લીટર પાણી ફેંકતા ;' ટ્રેમ્બલ  બેચ ' ની વિશ્વ વારસામાં નોંધ લેવાઈ છે.

           160 કી.મી.લાંબા ઘનઘોર જંગલ બ્લેક ફોરેસ્ટમાંથી મુસાફરી, રોકાયા વગર કરવાની હતી ચેકોસ્લોવાકિયા નો ડ્રાઈવર અંગ્રેજી પણ માંડ સમજતો હતો છતાં એટલી ખબર પડતી હતી કે રાત પહેલા જંગલની બહાર નીકળી જવું પડે.

          જર્મની પહોંચ્યા. .સ 1740 માં માત્ર લાકડામાંથી બનેલી જગ વિખ્યાત 'કક્કુ ક્લોક 'માં કૂકડો ડાયલમાંથી બહાર આવી દર અડધા કલાકે પોકારી જાય.પ્રાચીન શહેર 'હેંડલ બર્ગ  સ્ટ્રીટ ' પર ચાલવા માટે પ્રવાસીઓનો કાયમી ધસારો હોય.

         ઓસ્ટ્રિયા દેશમાં વિશ્વ વિખ્યાત ક્રિસ્ટલ હબ 'સ્વોરોસ્કી 'ની 13 ચેમ્બર્સમાં ક્રિસ્ટલના અદભુત નમૂના જોઈને દંગ રહી જવાય.

            ઇટલીમાં 11 મી સદીનો  પિત્ઝાનો મિનારો હવે ઢળતો નથી.અનેક પુલ બનાવી 117 ટાપુઓને જોડતાં વેનિસ શહેરમાં ફક્ત હોડીમાં જ સફર થાય અને ગોન્ડોલા રાઇડ્સ પણ મણાય.વિશ્વના આ મોટાં બંદરે નેપોલિયને ક્રાંતિના મંડાણ કરેલાં.ઇટલીની રાજધાની રોમ ખુબ મોટું પ્રાચીન નગર છે.'ગ્લેડિએટર' અને અનેક બીજા સ્થાપત્ય છે.માણસ અને સાંઢ વચ્ચે થતા યુદ્ધ નું એમ્ફીથિએટર પણ સચવાયું છે.રોમમાં જ 'વેટિકન સીટી'વિશ્વનો સૌથી નાનો દેશ છે.16 મકાન ,ચર્ચ અને 900 લોકોની વસતીવાળા આ દેશમાં કેવળ પોપની જ સત્તા છે.ખ્રિસ્તી ધર્મનું ઉદગમ સ્થાન.

           250 વર્ષ જૂની કોક્સ એન્ડ કિંગ્સ ટ્રાવેલ કંપનીની અમારી યાત્રા 'ગુજરાત ગૌરવ યાત્રા 'હતી એટલે લંડન માં લાપસી અને પેરિસમાં ( ગુજરાતી ભોજનગૃહમાં ) પાત્રા ખાધાં .ઉત્તમ હોટેલ્સ,સમયની મર્યાદામાં પણ સંતોષકારક સાઇટ્સ સીન્સ ,ખુબ અનુભવી ગુજરાતી મેનેજર લલિતભાઈ અને 48 સુસંસ્કૃત ગ્રુપને લીધે જીવનનો ખુબ યાદગાર પ્રવાસ રહ્યો.જીવ્યા કરતા જોયું ભલું નહિ પણ જીવવુંને, જોવું ભલું સાર્થક થયું.

દિનેશ  લ. માંકડ 

મોબાઈલ..ન 9427960979

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com