Readers

Wednesday, August 25, 2021

हम क्यों त्योहारों मानते है ?

हम क्यों त्योहारों मानते है ?

-हमारी भारतीय संस्कृति,विश्वकी सबसे प्राचीन है.|  सालभर हम भिन्न भिन्न रूप से त्यौहार मनाते है | .क्या हमने सोचाकी हम क्यों त्यौहार मानते है ? हमारे ऋषि ओने हर त्यौहारके पीछे निश्चित रूपसे एक बड़ा सन्देश होता है | अगर इसको जाने तो त्यौहार मनाने का आनंद और बढ़ जायगा |यूँही तो नूतन वर्ष ,बलि प्रतिप्रदा ,भाईदूज ,मकर संक्रांति ,महा शिवरात्रि ,होली,रामनवमी श्राद्धपर्व ,नवरात्री ,धनतेरस ,काली चौदस  दीवाली और भी अनेक.| हर त्यौहार के पीछे स्पष्ट रूपसे कोई न कोई बड़ा सन्देश छिपा ही है |   अभी श्रावण महीना चल रहा है | शिव पूजा होती है | ' शोवो बटवा शिवम् यजेत |'- शिवजी  के विचार से  शिव बनने की कोशिश करना | शिव ज्ञान के देवता है ,तीसरी आँख वाले शिवजी भी भोलेनाथ कहलाते है | शिवजीका त्रिशूल रक्षा का प्रतिक है तो डमरू जगाने का ,नागदेवता सयम और चंद्र शीतलता का द्योतक है | अगर हम हमारे जीवनमे शिबजीका एक भी गुण  लाने की कोशिश करे तो यह ही हमारी सच्ची पूजा है |

श्रावणमे तो रक्षाबंधन है | 'बहुला चौथ ' सभी प्राणिमात्र के लिए आदर रखने की सोच है | नागपंचमी भी सभी सरीसृप के लिए सत्कार रखने का सन्देश है | शीलता सातम का  उद्देश्य अग्निदेव की पूजा है | जो देव ३६५ दिन हमारी सेवा करते है उसी प्रत्यक्ष अग्निदेव को एक दिन विराम दे और उसको याद करके नमन करे | जन्माष्टमी को कृष्ण जन्म तो मनाते है | साथसाथ श्री कृष्ण के वीरता ,विचक्षणता ,तटस्थ न्याय ,निर्व्याज प्रेम ,'परित्राणाय साधुनाम विनाशय दुष्कृताम ' जैसे गुणों को जीवन में लाने की कोशिश करें | यही सच्ची जन्माष्टमी है 

आओ हम हमारे त्योहारों को बारे में जाने और सच्चे दिलसे ,सच्ची तरह मनाये और अपने विकास के साथ हमारी भारतीय संस्कृति को भी उजागर करे |

दिनेश ल.मांकड़ -९४२७९६०९७९

अन्य लेख पढ़ने के लिये ब्लॉग पर क्लिक कर

mankaddinesh.blogspot.com


Tuesday, August 17, 2021

પ્રત્યક્ષ દર્શન -ધોળાવીરા ,વ્રજવાણી

                  પ્રત્યક્ષ દર્શન -ધોળાવીરા ,વ્રજવાણી

          વિશ્વ એ સ્વીકારે જ છૂટકો છે કે ભારત પ્રાચીન દેશ છે અને તેને સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે જ. કચ્છના ધોળાવીરા -હડ્ડપન સંસ્કૃતિનો તાજેતરમાં 'વિશ્વ વારસા' માં સમાવેશ થયો.દેશ માટે બહુ મોટી વાત એટલે છે કે યુનેસ્કોએ સ્વીકાર્યું કે અહીં વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ હતી.

         આવું ભવ્ય સ્થાન જયારે સાવ નિકટ હોય ને એમાંય માદરે વતનમાં હોય તો એ પાવન ભૂમિના દર્શન તો વહેલી તકે કરાય જ ને સાળા મુકેશભાઈ શુક્લનો પણ ઇતિહાસ રુચિનો શોખ.સાથ આપવા તૈયાર થયા. 4 થી ઓગસ્ટ 2021 વહેલી સવારે અમારા ચારનું (હું રંજના, મુકેશભાઈ,સૌ.માધવીબેન )  અમદાવાદથી પ્રયાણ.           પ્રારંભમાં જ એક ઉલ્લેખ આવશ્યક છે કે આખા પ્રવાસને સંપૂર્ણ સફળ અને સરળ બનાવવાનું શ્રેય ,પચાસ વર્ષથી અતૂટ મૈત્રી જાળવી રાખનાર મિત્ર શ્રી અરુણભાઈ ગાવન્ડે અને તેમના નિકટમાં મિત્રોને જ જાય છે .

        ઘરની ગાડી  Nexa SL -6 માં ડ્રાઈવર શાંતીભાઈને લઈને અમદાવાદથી 358 કી.મી ધોળાવીરાની દિશામાં સુરજબારી પુલ પસાર કરીને કટારીયા પાસેથી જમણે વળી.રસ્તા આગળ વધ્યામાર્ગદર્શન માટે શ્રી ગોવિંદભાઈના સતત ફોનથી ખુબ સરળતાથી રાપર પહોંચ્યા.અરુણભાઈ ,અમારા સ્વાગત માટે તેમના મિત્ર ઈશ્વરભાઈ સાથે ,ગામના પ્રવેશદ્વાર પાસે આવીને ઉભા હતા. તેમણે સરસ્વતી પૂજનની બોલપેનથી આવકાર્યા .ને આગળ જવા દિશાસૂચનો કર્યા.રાપરથી બાલાસર થઇને આગળ તો રણ શરુ થાય. અહીંથી ભચાઉ તાલુકાનો ખડીર બેટ શરુ થાય.30 કિમિ.ના વિસ્તારમાં કુલ બાર ગામો તેમાં છે..


ખડીરના આ બાર ગામો પૈકી 3000 ની વસ્તી ધરાવતું ગામ ધોળાવીરા છે.ગામના છેડે કોટડા તરીકે ઓળખાતો વિશાલ ટેકરો..ગામની કેટલીક લોકવાયકાઓ ને લીધે ત્યાં ખાસ કોઈ ગ્રામજનો જાય નહિ.કચ્છ ઇતિહાસના ઊંડા જિજ્ઞાસુ શંભુદાનભાઈ ગઢવીના હાથમાં આ પ્રદેશમાંથી અચાનક જ એક બે નમૂનાઓ હાથમાં આવ્યા .અભ્યાસુ જીવ અચંબામાં પડી ગયો.આ તો કૈક વિશેષ છે.તેમણે વડોદરાના પુરાતત્વ વિભાગને જાણ કરી.કચ્છના -આ પ્રદેશના સદ્નસીબે એ વિભાગના પુરાતત્વવિદ શ્રી જગતપતિ જોશીને આ કાર્ય સોંપાયું. પછી તો એમના જેટલા જ અદકેરા શ્રી આર.સી.બિસ્ત જોડાયા ઊંડા અભ્યાસ અને પ્રાથમિક ઉત્તખાનન પછી 1966 ના તેઓએ ગૌરવભરી જાહેરાત કરી કે  અહીં હડપ્પન સંસ્કૃતિનું સાડા પાંચ હજાર વર્ષ જૂનું વિરાટ નગર હતું. .પછી તો સરકારી તંત્ર કામે લાગ્યું.શ્રી બિસ્ત સાહેબ બઢતીથી દિલ્હી ગયા તો પણ તેમણે ધોળાવીરા પ્રત્યેનો તેમનો ઊંડો રસ જાળવી રાખી ને ત્યાં બેઠા પણ ઉત્ખનન પ્રક્રિયામાં પોતાનું  યોગદાન ચાલુ રાખેલું. કચ્છ માટે આ ખુબ મોટો ગૌરવપૂર્ણ દિવસ હતો.


 

           આખું નગર ત્રણ ભાગમાં વહેંચેલું છે. મહેલ વિભાગ, મધ્ય વિભાગ અને નિમ્ન વિભાગ.ઉત્તર ,પૂર્વ અને પશ્ચિમ ત્રણ દ્વાર ..નગરની જળસંચય યોજના વિશેષ છે. નહેર સંરચના પણ અદભુત .અનાજ સંગ્રહ કોઠાર ઉડીને આંખે વળગે.અંદર જતા કેટલાય માર્ગનું તો પૂરું ઉત્ખનન બાકી છે.મણકા બનાવવાનું કારખાનું પણ અલગ ઔદ્યોગિક છાપ ઉભી કરે છે.અલગ અલગ રંગના ,ભાત અને આકાર વાળા પથ્થરો,તો કેટલીયે જગ્યાએ પગલાં કે અન્ય કોઈ ઉપસેલી છાપ પાછળ પણ જરૂર ઊંડો ઇતિહાસ હશે જ. પાંચ હજારથી વધારે વર્ષ પૂર્વ આટલી ઉત્તમ અને ઝીણવટ ભરેલી નગરરચના દેશની તે સમયના જ્ઞાનની ઉચ્ચ કોટીનું મોટું પ્રમાણ છે જોવામાં તો જેટલી જિજ્ઞાસા એટલી સમય મર્યાદા રહે. નગરની શ્રી બિસ્ત સાહેબનું નિવાસસ્થાન અને નાનકડું સંગ્રહાલય પણ બનાવ્યું છે.મોટાભાગના અગત્યના અને પ્રમાણભૂત નમૂનાઓ ચકાસણી અને 'વિશ્વ વારસા 'ની પ્રસ્તુતિ માટે દિલ્હી લઇ જવાયા છે  સંગ્રહાલયમાં થોડો ઇતિહાસ , નકશા,નમૂના ,અશ્મિઓ વગેરે મૂકેલાં છે.જે આછી પાતળી ઝાંખી કરાવે છે.'વિશ્વ વારસા'માં સમાવેશ પછી અનેક રીતે સાહિત્ય અને વિડીયો ઉપલબ્ધ છે પણ પ્રત્યક્ષ નિરીક્ષણનો આનંદ કૈક અલગ જ હોય.દોઢ કલાક ખુબ ઓછો પડ્યો.સમય હોય તો પૂરો દિવસ જાય!થોડા કી.મી.દૂર 16 કરોડ વર્ષ જુના અશ્મિ હતાં પણ સમયની મર્યાદામાં તે જોવા જવા નું ટાળ્યું. ગોવિંદભાઇની જાણકારી અને સમજાવવાની પદ્ધતિએ અમારા યાદગાર પ્રવાસને ચાર ચાંદ લગાવ્યા.

         રતનપરમાં એમને ઘેર ચા પી, આભાર માનીને વ્રજવાણી તરફ પ્રયાણ કર્યું.ધોળાવીરાથી આશરે સિત્તેર  કી.મી.દૂર અંતરિયાળ ગામમાં રાધાકૃષ્ણ મંદિર.થી વિશેષ કલા ખાતર સમર્પણની કથા કહેતી આ વિરલ ભૂમિ છે. આશરે  પાંચસો છાસઠ વર્ષ પહેલાં વ્રજવાણી ગામમાં બહારથી એક ઢોલી આવ્યો.એવો તો તાલમય ઢોલ વગાડે કે ન પૂછો વાત.નાગદે નામની આહીરાણી મહિલાના તો પગ ન થંભે .એની સાથે એની એક પછી એક સહેલીઓ જોડાતી ગઈ.પછી તો રોજનો ક્રમ.ઢોલીના તાલે 140 બહેનો, ન દિવસ જુએ કે ન જુએ રાત.રાસની રંગત જામે.ઘરના કામ તો ઠીક પણ ખાવા પીવાનું ય ભૂલે! તેમના આહીર પતિઓએ થોડી ધીરજ ધરી .ઢોલીને પણ ઢોલ ન વગાડવા સમજાવ્યો ને પત્નીઓને રાસ ન રમવા સમજાવી.પણ આ તો કલાની સાધના સમાધિ હતી .ન છૂટે .આખરે એમની સહન શક્તિની મર્યાદા આવી ગઈ.ભરબજારમાં ઢોલીનું માથું ,ધડ થી જુદું કર્યું.લોકવાયકા અનુસાર એકલું ધડ ત્રણ દિવસ ઢોલ વગાડતું રહ્યું.બહેનોને તો રસ ભંગ અસહ્ય હતો.હવે તો તેઓ જીવી જ ન શકે.આખરે તમામ 140 કલા રસીકીઓ  સતી થઇગઈ !

આ તીર્થ સ્થળે કલા માટેના સમર્પણની એક સુગંધ ચોક્કસ પ્રસરતી અનુભવાય.સતી મંદિરમાં બધી બહેનોની  સતી પરિવેશમાં પ્રતિમાઓ તેમના પતિ,માતા પિતાના નામ અને ગામ પણ હકીકતનું પ્રમાણ દર્શાવે છે.સંસ્થાપકોની ઉચ્ચ ભાવનાથી ભોજન અને રાત્રી રોકાણ સુવિધા પણ ઉપલબ્ધ છે. ઢોલીની ખામ્ભીનેશાંત ચિત્તે કાન લગાડીયે તો નાદ બ્રહ્મ શ્રવણ ની અનુભૂતિ થાય એવું મનાય છે .તેને  નમન કરીને આગળ પ્રયાણ કર્યું.

     

          હવે કચ્છના ખુબ જુના એવા રવેચી માતાના દર્શન કરવાનાં થયાં કહેવાય છે કે માતાજીના ઉદરમાંથી સમયાંતરે શંખ નીકળે છે.ચાર શંખ મોજુદ છે.પાસે આવેલાં કમળ યુક્ત સરોવર પણ મોટી આસ્થા નું પ્રતીક છે.સૂવઈ ,રામવાવ થઈને ટૂંકા રસ્તે રાત્રે અગિયાર વાગ્યે ભુજ પહોંચ્યા. એક જ દિવસના 17 કલાક ની સળંગ, સાતસોથી વધારે કી.મી.ની મુસાફરી નું શ્રેય મિત્ર શ્રી અરુણભાઈ ગાવન્ડે ,તેમના મિત્રો શ્રી ગોવિંદભાઇ અને ઈશ્વરભાઈ ની સાથે ઘરની લાડકી ગાડી અને તેના ખુબ સરળ અને હોશિયાર ચાલક શ્રી શાંતિભાઈ ને જાય છે.મુકેશભાઈ-માધવી બહેન ના સંગાથે તો પુરા પ્રવાસ ને પૂરો જીવંત બનાવી દીધો. 

દિનેશ લ.માંકડ      મોબાઈલ ન.9427960979

અન્ય લેખ વાંચવા માટે બ્લોગ પર  mankaddinesh.blogspot.com

 

 

Monday, August 16, 2021

કોના હાથમાં કચ્છનો વિકાસ ? દિનેશ લ. માંકડ ,અમદાવાદ

           કોના હાથમાં કચ્છનો વિકાસ ?            દિનેશ લ. માંકડ ,અમદાવાદ

              વિશિષ્ટ વિસ્તાર અને વિશિષ્ટ પર્યાવરણ ધરાવતા કચ્છને અનેક સમસ્યાઓ પાર છે આઝાદીના 70 વર્ષ થયા પણ કચ્છની પાયાની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી .શું કારણ છે એના ? સામાન્યજન એક જ વાત કરશે પતિનિધિઓ સક્રિય નથી.તંત્ર નબળું છે. ભ્રષ્ટાચાર છે.વગેરે વગેરે.અહીં એવી એક પણ વાતની ચર્ચા કરવી નથી.

             અમે નાના હતા ત્યારે ભણવામાં 'લાવરીના બચ્ચા 'ની વાર્તા આવતી.-ખેડૂત પિતાએ દીકરાને કહ્યું .ચોમાસુ આવે છે ખેતર ખેડવાનું શરુ કરી દે.' દીકરાએ ઉત્તર આપ્યો .'હા, બાપુ.' ખેતરમાં માળો બાંધી ને રહેતી લાવરીને બચ્ચાઓએ માં ને કહ્યું ,'માં ,જલદી કરો.ને માળો બીજે લઇ જઈએ.નહીંતર ચગદાઈ જાશું.' લાવરીએ કહ્યું,' ચિંતા ન કરો .સારું સ્થળ શોધીએ.' બીજો દિવસ આવ્યો.ફરી ખેડૂતે ફરી પુત્રને યાદ અપાવ્યું ,' ખેતર ખેડ.'ને દીકરાએ 'હા,બાપુ' કહ્યું.ફરી બચ્ચા ગભરાયા.લાવરીનો જવાબ 'ચિંતા ન કરો.' પછી તો બીજા ચાર દિવસ .રોજ ખેડૂત કહે, દીકરો હા પડે પણ ખેડવાનું શરુ ન કરે. ત્યાં સુધી લાવરી પણ નિશ્ચિંન્ત હતી..આખરે એક દિવસ ખેડૂત જાતે  હળ લઈને આવ્યો ને પુત્રને કહ્યું,' ચાલ ,આપણે ખેતર ખેડવાનું શરુ કરીએ.' લાવરી સમજી ગઈ .'હવે ખેડ ચાલુ થશે.'તેને કોઈ સલામત  જગ્યાએ માળો ગોઠવી દીધો.

          આ વાત અહીં એટલે કરવી પડી કે જ્યાં સુધી કચ્છી માંડું પોતે ઉભો થઈને જાગશે નહિ ત્યાં સુધી કચ્છનો વિકાસ મંદ ગતિનો જ રહેશે.પહેલી વાત વતનપ્રેમની .કચ્છીનો વતનપ્રેમ તો જગ આખામાં જાણીતો છે.તો પછી કાયમી વિકાસ માટેના પગલામાં આ પ્રેમ ,દેખહાય છે તેટલો કેમ વ્યક્ત થતો નથી ? વર્ષો પહેલા  'કચ્છ યુવક સંઘે ' ' કોટી  વૃક્ષ અભિયાન ' ઉપાડેલું.જો દિલો દિમાગથી જો અભિયાન કચ્છમાં અને કચ્છ બહાર રહેતા પ્રત્યેક કચ્છીએ ઉપાડ્યું હોત અને દરેક કચ્છી વર્ષે પાંચ વૃક્ષ વાવે તેવો સંકલ્પ લેવાય. વિશાળ ની ધરતીનો એક એક ઇંચ લીલો બની રહે તો હજી આ વાત અશક્ય નથી જ.અને તે પણ માત્ર ચાર કે પાંચ જ વર્ષમાં તેના ખેતી,પીવાના પાણી વગેરેમાં સકારાત્મક પરિણામ જોવા મળે.       

          આપણે પ્રાંતવાદમાં ચોક્કસ માનતા નથી પણ કચ્છની મૂલ્યવાન જમીન અને અન્ય સંપત્તિ ના મલિક અન્ય પ્રદેશના લોકો બને તે કેવું? ભૂકંપ પહેલા અને ભૂકંપ પછી અનેક બિનકચ્છી કંપનીઓ એ સરકારી રાહત અને સબસિડીનો લાભ લઈને કચ્છમાં ધામા નાખ્યા છે.ક્યાં ગયો આપણો વતન પ્રેમ ? એશિયાનું સૌથી ઊંચું ઘાસ ધરાવતો બન્ની પ્રદેશ,વિશેષ  પ્રકારનું મબલખ પશુધન ,અને ખાસ પ્રકારની જમીન પણ કચ્છ પાસે જ છે.ત્રણ બાજુ વિસ્તરેલો દરિયો અને રેત  મહાસાગર પણ આપણી પાસે છે.  

          કચ્છની આગવી ઓળખ સમા ભરતકામ ,બાંધણી ને અન્ય દુર્લભ કલાના કોન્ટ્રાકટ અન્ય પ્રદેશના પાસે હોય ને આપણા કારીગરનું શોષણ કરી નફાની મલાઈ કચ્છ બહાર જાય.સફેદ રણ માં મોટાભાગના વેપારી કે કોન્ટ્રાકટર્સ પણ બહારના.અને ખારી  શીંગ ને ચણા  પણ યુ.પી. લોકો વેચે.ક્યાંક કોઈ કચ્છી દાબેલી વાળો કચ્છી હોય તો તેની ગુણવતા હલકી હોય.આવું કેમ બને છે ?

          અર્થશાસ્ત્રમાં હળવી ભાષામાં ક્યારેક કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે.આવું જ કચ્છ માટે પણ કહી શકાય.મુંબઈ  જેવા મોટા શહેરનો  વેપાર ઉદ્યોગનો ખુબ મોટો હિસ્સો  કચ્છીઓને હવાલે છે .અમદાવાદ,હૈદરાબાદ કલકતા જેવા અનેક નામી  શહેરોમાં પણ કચ્છી વેપારીઓની ખુબ મોટી શાખ છે એટલે સુધી કે આજે દેશના ખુબ ઓછા ધનાઢ્ય લોકોની યાદી તૈયાર થાય તો ચોક્કસ પાંચ પંદર તો કચ્છી જ હોય..વિદેશમાં પણ કચ્છીઓએ દુનિયાનો કોઈ ખૂણો ખાલી રાખ્યો નથી. જેમની જન્મભૂમિ કચ્છ છે એવા આ સપૂતો કચ્છ માટે જરૂર વિચારી શકે. ખુબ સાદું જ વિચારીએ  કે દરેક સમૃદ્ધ પોતાના ગામ કે તેની આસપાસના વિસ્તારમાં નાનો કે મોટો  ઉદ્યોગ સ્થાપે તો જે તે પ્રદેશના અનેક યુવાનોને રોજગાર મળે અને વિસ્તાર વિકસે તે વધારામાં. ક્યારેક અમદાવાદ જિલ્લાના જલાલપુરમાં ઘેર ઘેર હીરા ઘસવાની ઘંટી છે.રાત પડતા તો ઘરના સભ્યો બે ચાર હજાર રૂપિયા તો સહેજે કમાઈ લે.ગામમાં મોટા કારખાનામાં તો  પચીસ-પચાસ યુવાનો શ્રમ કરતા હોય.આવા તો અનેક અનેક ગામો છે.કચ્છમાં ચાલતા હોય તે અને નવા અનેક એકમોને ઉત્તેજન આપી શકાય

        કોરોના કાળની સરકારની અનેક યોજનાઓના લાભ વહેલી તકે લઇ લેવો જોઈએ. નવી યુવા પેઢી માટે અનેક અનેક નવા પ્રોજેક્ટ ,નવી દિશાઓ ખુલેલી જ છે.ફક્ત દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.વિઝન વિકસાવવાની જરૂર છે.આજના ઈલેક્ટોનિક અને રોકેટગતિએ દોડતા સાયબર યુગમાં --'કચ્છ દૂર છે.સુવિધાઓ નો અભાવ છે ..સરકાર સાથ નથી આપતી .નેતાઓ નબળા છે.વગેરે વગેરે તો કેવળ બહાના જ છે. .

. જાણીતી કાવ્ય પંક્તિ છે " પંડ ની પેટીમાં પડ્યો છે સ ,વાપરી જાણે તે નર બડભાગીયો

          આપણું આગવું નવું વર્ષ  ઉજવીએ છીએ. તો નવા વર્ષે પ્રત્યેક સાચો કચ્છપ્રેમી વિચારતો થાય. પોત પોતાના  ક્ષેત્ર જાણકારી વાળા કે ગમતા ક્ષેત્ર નિષ્ણાત મગજ દોડાવવા લાગે. લક્ષ્મીકૃપાવાળા સમૃદ્ધ શ્રેષ્ઠીઓ માતૃભૂમિ માટે ક્યાં રોકાણ થાય તે વિચારે .અનુભવી માંડું પોતાની બુદ્ધિમત્તાને કામે લગાડે .યુવા પેઢી પોતાના આધુનિક વિઝનથી જોવાનું શરુ કરે .આકાશમાં અસંખ્ય તારાઓમાં  'ધ્રુવ તારા' ને તેની અડગતા અને વિશ્વાસ માટે યાદ રખાય છે .તેમ વિશ્વ આકાશમાં ' પાંજો કચ્છ " પણ વતન પ્રેમ,સાહસિકતા ,સમૃદ્ધિ અને આગવી પૃષ્ઠભૂમિ ના બળે કેમ ન ઓળખાય?

        નૂતન વર્ષે એક જ સંકલ્પ " મુંજી માતૃભૂમિ લાય આંઉ કોરો કરી સકા  ? '  વિચારવાનો આરંભ થશે,અને સંકલ્પબળ હશે તો થશે જ.કારણકે આ તો જન્મભોમકાને ચૂકવવાનું ઋણ છે. અસ્તુ

દિનેશ.લ. માંકડ

મોબાઈલ.9427960979

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com