યાત્રા -27 - શીતળ ચાંદનીની શાશ્વત અમાસ
મારી યાત્રાની લેખનયાત્રા લગભગ એવા મુકામ પર છે જ્યાં તેના પડાવ લગભગ પાછલાં નજીકના
વર્ષો જ નું વર્ણન બાકી છે..એટલે નજીકના
ભૂતકાળ અને વર્તમાન વચ્ચે અંતર ઓછું છે.એટલે કૈક એવું ઓચિંતું બને કે કલમ અને મન
યાત્રા વર્ણનનો ક્રમ ભૂલીને વર્તમાનને કહેવા મજબુર કરે.અને બન્યું પણ એવું જ
છે.મોટાં બહેન જ્યોત્સ્નાબહેનની અચાનક તારીખ 31 મી ઓગસ્ટ 2021 ની વિદાય..જયારે મન જે સ્થિતિ માટે તૈયાર ન હોય એ અચાનક જ આવી પડે
ત્યારે મન તે સ્વીકારવા તૈયાર જ ન હોય .
સાંજે છ વાગ્યે મોટાભાઈ અરુણભાઈનો ફોન આવ્યો ,' જ્યોત્સ્નાબહેનને લેઉઆ હોસ્પિટલ,ભુજ માં દાખલ કર્યાં છે.ખુબ જ નાજુક છે તમે તાત્કાલિક આવી
જાવ ' બીજી પાંચ જ મિનિટમાં ફોન
આવ્યો.' બહેન ગયાં - હજુ પાંચમી
ઓગસ્ટના સૌથી મોટાભાઈની પૌત્રીના સામોરતાના પ્રસંગમાં તો સ્વસ્થ રીતે મળ્યાં .'સમય મળે થી બે ચાર દિવસ રોકાવા આવીશ 'ની વાત પણ થઇ.ને આમ અચાનક ?
પહેલેથી જ પોતાની આંતરિક શારીરિક તકલીફો સહન કરીને બીજાને
ચિંતાગ્રસ્ત ન બનાવવાની ટેવ.એટલે સાવ અચાનક જ. રાત્રે જ અમે બે નીકળી ગયાં.સવારે એમનાં
અંતિમ દર્શન કર્યાં.ન કલ્પી શકાય તેવી વાત મન સ્વીકારવા જ તૈયાર નહોતું.પણ
વાસ્તવિકતાનો સ્વીકાર ,એ જ વિકલ્પ માણસ પાસે હોય છે.જયારે ભુજ જઈએ ત્યારે થોડીકે
મિનિટો કાઢી એમને મંળવા જઈએ.અગવડ વચ્ચે પણ અચૂક કાઇંક આગતા સ્વાગતા સદાય હસતે
ચહેરે હોય જ. એટલે આજે આમ આવવું તો સાવ કઠિન
જ હતું. જેની કદીયે એક નવી
એકમ નહિ ઉગે એવી આ શીતળ ચાંદની (
જ્યોત્સ્ના ) ની ,શાશ્વત અમાસ અમારા સહુ માટે અને અનેક માટે પણ અસહ્ય છે.
જ્યોત્સ્નાબેન એટલે સંબંધોના સાથિયા પૂરતું સંઘર્ષોનાં
આજીવન સાથીદાર બનાવીને અને જવાબદારીઓના હિમાલયના ભારને ઉંચીને ,સદાય હસમુખ ચહેરે ચાલતું -દોડતું વ્યક્તિત્વ. સાથિયાને તો ચાર દિશા હોય પણ જ્યોત્સ્નાબહેનના સંબંધોના
સાથિયાની તો અનેક દિશા
.કુટુંબમાં ભાઈ બહેનોના પ્રસંગો હોય કે સાસરાં પક્ષના, તેઓ તો સહુને સાચવે.વ્યવહાર જ્ઞાન અને પરસ્પર બધાયને મળે
ને મેળવે-સાચવે. .કોઈ બાકી જ ન રહે.
પડોસમાં કોઈ ઘર એવું નહોતું જ્યાં જ્યોત્સ્નાબહેન સારે માઠે
પ્રસંગે પહોંચ્યાં ન હોય. તેમની હાજરી
માત્ર ન હોય પણ ગમે તે પ્રકારની મદદ માટે સદા તત્પર.સૌરાષ્ટ્રમાંથી કચ્છ આવે આશરે વીસ -પચીસથી .પણ વધારે વર્ષ
થયાં ,હજુ ત્યાંના પરિચિતોને ફોનથી મળ્યા વગર ન જ ચાલે.સવારે
છાપું નાખવા આવે તેને રોજ ચા પીવરાવે -' મારા ભાઈનું નામ દિનેશ છે
અને તમારું નામ પણ દિનેશ છે એટલે તમને ચા પીવરાવું છું.' આ ઉંમરે પણ
ભુજમાં રહેતાં ભાઈ બહેન ,ભત્રીજા ભત્રીજીને મહિને માસે મળ્યા વગર એમને ન જ ચાલે. જેઠાણી કે નણંદ ને પણ
ન ભૂલે. સિત્તેર વર્ષ
પૂરાં થયાં પછી પણ મંદિરો ,મંગળા આરતી,નાકા બહાર ,હમીરસર, અને પ્રસંગે કે વગર પ્રસંગે પારિવારિક ઘરોએ તેમની અચૂક હાજરી હોય.
એમના જીવનમાં સંઘર્ષો કાયમ સાથે જ રહ્યા છે.છતાં ક્યારેય
તેમના ચહેરા પર તેની વ્યથા ક્યારેય કોઈને બતાવી નથી.પિતાશ્રીની મહિનામાં વીસ દિવસ
પ્રવાસની નોકરી એટલે અભ્યાસ સાથે માતુશ્રીને તો સતત મદદ કરવાની તો હોય જ.1965માં
મૂળ ભુજના પણ જી.ઈ.બી.જૂનાગઢમાં સેવા આપતા પ્રદ્યુમન ભાઈ સાથે લગ્ન..અમારા પરિવારમાંથી કોઈએ કચ્છ સરહદ કાયમ રહેવા છોડી નહોતી ત્યારે તેની હિંમતભેર શરૂઆત કરી.
. આજ થી પંચાવન વર્ષ પહેલાં જયારે ટેલિફોન કે બસ વ્યવહાર પણ
નહિવત હતો ત્યારે અઢીસો કી.મી. દૂર સાસરે જનાર કન્યાની મનોસ્થિતિ આજની પેઢી કલ્પી
પણ નહિ શકે.નવો મુલક. ઘરમાં વડીલ સાસુજી તો હોય જ.તેમનો નિત્યક્રમ જાળવીને ઘર
માંડવા નો પ્રારંભ.પણ 'સંઘર્ષ નામનો સાથીદાર રાહ જોઈને જ ઉભો હતો.પહેલા જ દિવસ થી
એક વિશેષ જવાબદારી તેમના પર આવી.દિયર પુરા મનોરોગી.તેમને સાચવવા.તેમની ટેવો સામે
ટકવાનું ,રસ્તા કાઢવાના.કેટલાક સમયે પ્રદ્યુમનભાઈની બદલી વેરાવળ થઇ.
ગીચ વેરાવળમાં ઘર સાવ નાનું મળ્યું.સમયાંતરે ત્રણેય બાળકોના અભ્યાસ આગળ ચાલતાગયા.
પરિવાર મોટો થયો પણ એમના ચહેરાપણ કદીયે ભાર કે થાક કોઈએ જોયો નથી.
અહીંથી હવે શારીરિક સંઘર્ષની શરૂઆત થાયછે. પેટમાં મોટી ગાંઠ
.અમારા આખા પરિવારમાં કોઈએ મોટું ઓપરેશન જોયું જ નહોતું.માંડવીના ડો.મધુભાઈ રાણા
ના સહકારથી ચાર કલાકના ઓપરેશન પછી તેઓ સ્વસ્થ થયાં .પ્રદ્યુમનભાઈની બદલી કેશોદ
થઇ.વેરાવળનો નાતો છૂટે તેમ નહોતો એટલે એમનું ટિફિન અને એમની ટ્રેનનો સમય તો
સાચવવાનો હોય. જી.ઈ.બી.ના થર્મલ વિભાગમાં હોઈ કચ્છ આવવું હોય તો પાનધ્રો જ આવવું
પડે.અને આવ્યા. સરહદે આવેલાં પાનધ્રો રહે તો બાળકોનો ઉચ્ચ અભ્યાસ બગડે.ભુજ રહેવાં નું શરુ.
કાળચક્રની કપરી ગતિ તો ચાલતી રહી.1992 માં પ્રદ્યુમનભાઈ ઓચિંતા જ હૃદય રોગના
હુમલાથી વિદાય લઇ ગયા.તેમનો સંઘર્ષ હદ વટાવી ગયો હતો.મોટા પુત્ર કિન્નરને તો
જી.ઈ.બી.( પાનધ્રો) એ સમાવી લીધો. કિન્નર ,કેતકી બહેન ને બે બાળકોએ
તો પાનધ્રો જ રહેવું પડે તે સ્વાભાવિક છે .રજાઓમાં ભુજ આવે.નાના બંને હર્ષાયું અને વિવેક ને
નોકરીને બદલે વ્યવસાયમાં રસ હતો.એટલે તેઓ એ ભુજમાં જ કમ્પ્યુટર અને અન્ય વિષયમાં
કોચિંગ ક્લાસીસ શરુ કર્યા.
ફરી કોઈ મહારોગના એંધાણ થયા. ફરી ઓપરેશન. અધૂરા માં પૂરું
મધુપ્રમેહ તો આજીવન શરીરમાં ઘર કરી જ ગયો. પોતાની ઉંમર પણ વધતી ચાલી .દિયર પણ ખુબ લાંબી સેવા લીધા પછી વિદાય થયા. સંતાનોના સમય
એકલે હાથે સાચવવાના અને તેની વચ્ચે પોતાને થતી શારીરિક તકલીફ જો ઓછી હોય તો
કહેવાની જ નહિ.ફક્ત સહેવાની.બંને પૌત્રો-ધર્મ અને મન ને 'બા' નું ખુબ વધારે.અને જ્યોત્સ્નાબહેન પણ એમને -નાણા ના વ્યાજને
એટલા જ ઉમંગે સાચવે.
મોટા પૌત્ર ધર્મનું બારમું ધોરણ પૂરું થયું.'હવે તારે અહીં રહીને કોલેજ કરવાની છે.'-બા નો હુકમ છૂટ્યો.અને
ધર્મની કોલેજ ભુજમાં જ શરુ.હવે એમણે ત્રણ જણનો સમય સાચવવાનો હતો.અગવડો વચ્ચે પણ
પોતાના મંદિરો અને સંબધોની સાંકળ તો અગાઉ જેટલી જ મજબૂત રીતે બાંધી રાખી હતી.તેમની
સામે બે મોટાભાઈ ગયા.દિયર ગયા.જેઠ પણ ગયા.નણંદ ગયાં દરેક પરિવારની હૂંફ તેઓ બનતાં
જ રહયાં.
સમયના સથવારે દોડતાં રહયાં.પાંચમી ઓગસ્ટે (2021) ના રોજ
મોટાભાઈની પૌત્રીના સમોરતામાં સહુ ભેગા થયાં. જ્યોત્સ્ના બહેન પોતાના સ્વભાવ
પ્રમાણે ,નવા વેવાઈના કુટુંબની સાથે એક એકને પકડીને ઓળખાણ કરાવે .અમને
કહે ," તમને સારા સમાચાર આપું.ધર્મને બી.એડ.માં એડમિશન મળ્યું.આજે
મુદ્રા જશે." આગળ ઉમેરતાં કહે,' હવે અમદાવાદ, ધર્મને લઈને ચાર પાંચ દિવસ રોકાવાની રીતે આવીશ..' કોને ખબર ,જ્યોત્સ્ના બહેનની અમારી સાથે આ અંતિમ મુલાકાત હતી.
તેમની દિનચર્યામાં એક નવું કાર્ય ઉમેરાયું." જો ધર્મ,જો તું મુન્દ્રા ન રોકાય તો તારું રોજ ટિફિન બંનાવવાની જવાબદારી મારી.'-બસ બીજા દિવસથી સવારે સાડા પાંચ વાગ્યે ઉઠી ને માનીતા પૌત્રને ભાવતી માનીતી
વાનગી હોશેં હોંશે બનાવવાનીને ટિફિન ભરી તેને આપવાની. .ટેવ મુજબ સાતસો સલાહનો શણગાર અને પછી રૂટિન ઘરની ફરજોને
શ્રાવણ માસ નો વિશેષ ક્રમ પણ નફામાં.
બાહ્ય રીતે સાથ આપતાં શરીર મંદિરનું ગર્ભગૃહ હવે જર્જરિત થઇ ગયું
હતું.-થાક્યું હતું.માત્ર દોઢેક જ દિવસ પરિવારની સારવાર લઈને અચાનક જ વિદાય લીધી.
વ્યક્તિનું જવું નિશ્ચિત જ છે.વર્તમાન સમયમાં આયુ મર્યાદા પણ વધી છે.એટલે 73
વર્ષ ની આવરદામાં જરૂર થોડાં વર્ષ ઈશ્વર ઉમેરી શકત. તેમના ગયાનું દુઃખ સહુને દુઃખ
એટલે થાય કે તેમણે હંમેશ બધાને આપ્યુ
છે.-આપ્યા જ કર્યું છે.કોઈ જાતની અપેક્ષા વગર .યાતના, ગમે તે પ્રકારની આવે ,કહ્યા વગર સહન કરીને તેની સામે પડકાર જ ઝીલ્યા છે.અને એવી પરિવારની સદા હસમુખ વ્યક્તિનો હસતો
ચહેરો આવતીકાલથી પ્રત્યક્ષ જોવા જ નહિ મળે - એમના મુખેથી વાતોના મલાવા સાંભળવા નહિ
મળે એ વાત અસહ્ય છે.
આવા આત્માને શાશ્વત શાંતિ હોય જ.મળેલા જીવનના સમયને નિસ્વાર્થપણે જીવીને
પૃથ્વી પર જે સ્વર્ગ બનાવે તેને દેવલોકનું મળે જ .
તેમના ,મળતાવડા સ્વભાવના સ્મરણો ,પરોપકારીતાના પરિણામો અને સદાય પ્રફ્ફુલિત ચહેરાના આભાસથી
તેઓ હંમેશ સહુના મનમાં અમર રહેશે જ.
યાત્રાના ચાલુ પડાવે એક નિકટ સ્વજનનું અચાનકે જવું ,યાત્રાને વિષાદમય બનાવી ગયું. આખરે દુઃખનું મારણ સમય જ છે., એ વાત સ્વીકારવી જ પડે.
દિનેશ.લ.માંકડ ( 9427960979 )
અન્ય લેખ વાંચવા માટે
બ્લોગ પર ક્લિક કરો.
mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment