Readers

Thursday, December 9, 2021

યાત્રા -30 મથુરાના માર્ગેથી ગોકુળની ગલીઓ માં --યાત્રા વર્ણન

 

          યાત્રા -30 મથુરાના માર્ગેથી ગોકુળની ગલીઓ માં --યાત્રા વર્ણન

           આખરે અમારો ગોકુળ ,મથુરા પ્રવાસ ગોઠવાયો.લાંબા સમયથી ઈચ્છા હોવા છતાં કોઈ કારણોસર નહોતો ગોઠવતો. દિવાળી વગેરે તહેવારો પૂર્ણ થયા. વિચાર આવ્યો. હવે તો થાય તેવું છે.ટિકિટ મળે તો....અને પાર્થ ની જાગૃતિ અને જહેમતથી તારીખ 29 મી નવેમ્બર 2021 ની  અમદાવાદ થી મથુરાની  ટ્રેન ટિકિટ મળી ગઈ. હોટેલ ગોવર્ધન પેલેસનું બુકીંગ સાથે કરાવી લીધું..રાત્રે  અતુલભાઈ સાથે રૂટિન વાત કરતાં તેમણે ટિકિટ મળી જાય તો સાથ આપવાની તૈયારી બતાવી.અને ટિકિટ મળી પણ ગઈ.સોનામાં સુગંધ ભળી.તૈયારી શરુ થઇ.ઠંડીની ઋતુ અને રેલવેના કશુંય ન આપવાના નિયમો.એટલે ગરમ કપડા સાથે જવાનું.

         અતુલભાઈ ,બકુલાબેન 28 મી રાત્રે જ આવી ગયાં .29 મી નવેમ્બર 2021 બપોરની 3.30 અમદાવાદ -મથુરા A -1 કોચમાં 17 અને 48 નંબર પર હું અને રંજના ગોઠવાયાં અતુલભાઈની 4.30 વાગ્યાની અલગ ટ્રેનમાં ભરતપુર ( મથુરાથી 40 કી.મી. દૂર ) ની ટિકિટ હતી.અમારી ટ્રેનમાં આજુબાજુ મળતાવળો સહયાત્રી વર્ગ હતો એટલે સમય સરળતાથી પસાર થતો હતો.

         30 મી નવેમ્બર સવારે 4 વાગ્યે મથુરા પહોંચ્યાં. હોટેલના સહકારથી ત્રણ દિવસ માટે કાર પણ અગાઉથી જ બુક કરાવી દીધી હતી. મોની ટ્રાવેલ્સના  ડ્રાઈવર ઘનશ્યામભાઈ હાજર જ હતા.હોટેલ પર પહોંચી રૂમ નંબર 301 પણ મેળવી લીધો.અતુલભાઈ-બકુલાબેન પણ  સાત વાગતાં સુધીમાં આવી ગયા.તેઓ એ ભરતપુર થી મથુરા ટેક્ષીને બદલે રીક્ષા કરી એટલે એવા તો ઠૂંઠવાયા કે આવીને બોલવાના હોશકોશ પણ નહોતા.હોટેલ રેસ્ટોરેન્ટ મોડેથી ખુલે એટલે ત્યાં સુધી તેઓ ' ચા....ચા....ની'બૂમો પાડતા ઠંડી ભગાડવાની કોશિશ કરતા રહ્યા.પોતે જ પોતાને વચન આપ્યું કે 'ભવિષ્યમાં આવી ભૂલ નહિ કરે." હોટેલમાં આલુ પરોઠાં ,પૌઆ પુરી સબ્જી ખુબ સરસ નાસ્તો કર્યો.ડ્રાઈવર ઘનશ્યામભાઈ હાજર થઇ ગયા હતા. યાત્રા શરુ.

          શરૂઆત બરસાના ( આશરે 57 કી.મી દૂર ) થી થઇ.બરસાના એટલે રાધાજીનું જન્મસ્થાન .રાધારાણી મંદિર એ અહીંનું મુખ્ય આસ્થાકેન્દ્ર છે. એવું મનાય છે કે શ્રી કૃષ્ણના પૌત્ર રાજા વૃજનાથે આ મંદિર.આશરે પાંચ હજાર વર્ષ પહેલા  બંધાવેલ.કાળક્રમે તે વિલીન થયું.પછી શ્રી ચૈતન્યમહાપ્રભુજીના અનુયાયી શ્રી નારાયણ ભટ્ટ એ તે શોધી કાઢ્યું અને આશરે ઈ.સ. 1675 માં રાજા વીરસીંગએ નારાયણ ભટ્ટ અને અકબરના એક રત્ન ટોડરમલને સાથે રાખી મંદિરનું પુનઃનિર્માણ કર્યું. 250 મીટરની ઊંચાઈએ આવેલું આ મંદિર સ્થાપત્યનો અનેરો નમૂનો છે.


         નજીકમાં આવેલું નંદગાવ એટલે નંદબાબાનો મહેલ અને ઘર. માન્યતા અનુસાર અહીં શ્રી કૃષ્ણ નવ વર્ષ ને 50 દિવસ રહ્યા હતા.ભગવાન શિવ તેમના દર્શને અહીં આવ્યા હતા.શિવજીએ ઈચ્છા કરી નગરને ઉંચી ટેકરી પર લઇ જાઉં તો ગોપીઃજીઓના પગથી આખું નંદગાંવ પવિત્ર બને.એટલે અહીં નાદેશ્વર ટેકરીથી જાણીતું છે.મંદિરમાં શિવજીની પ્રતિમા પણ મુકવામાં આવી છે.

        હવેની યાત્રા ગિરિરાજ ગોવર્ધન પર્વત તરફ હતી.મથુરા જિલ્લાના જતીપુરા શહેરમાં આ સ્થાન છે. જાણીતી વાત છે કે સહુ ઇન્દ્રની પૂજા કરતા.ક્રાંતિકારી શ્રીકૃષ્ણએ સહુને સમજાવ્યું કે ગોવર્ધન જ પોષક છે.તેની પૂજા કરો. .ઇન્દ્ર વિફર્યા.પ્રચંડ વાવાઝોડું અને ભયાનક વરસાદથી પોતાનું રૌદ્ર રૂપ પ્રગટ કર્યું.શ્રીકૃષ એ આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચકીને સમગ્ર પ્રજાજનો અને પ્રાણીમાત્રને રક્ષિત કરી દીધાં . નૂતન વર્ષના દિવસે ગોવર્ધન પૂજાનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્વ છે.આપણે  અન્નકૂટ ભરીએ છીએ એ ગોવર્ધન પૂજાનું પ્રતીક પૂજન છે.ગોવર્ધન પર્વત એટલે કોઈ શિખરની ઊંચાઈ નહિ પણ શ્રદ્ધાની ટોચ છે.શહેરના મધ્યભાગમાં વિશાળ પર્વત છે.તેની પરિકમ્માનું ખુબ વિશેષ મહત્વ છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ 21 કી.મી.ની આ પરિકમ્મા ઉઘાડા પગે જ કરે છે.કેટલાય તો સાષ્ટાંગ દંડવૃત કરતા કરતા કરે.સૌ પોતાની ઝડપે આ પરિકમ્મા. કરે.સામાન્ય રીતે સાતેક દિવસ લાગે છે.2018 માં ઉત્તરપ્રદેશની યોગીજી સરકારે પૂરો પરિકમ્મા માર્ગ ખુબ વ્યવસ્થિત અને પદયાત્રીઓને સરળ રહે તેવો લીસી રેતી સાથેનો બનાવ્યો છે.કેટલાય ભરચક્ક માર્ગ પર તો ચારચક્રી વાહનો પર પ્રતિબંધ પણ છે.અમે આ પરિકમ્મા ઈ- રીક્ષા માં બે કલાકમાં પૂર્ણ કરી.પરિકમ્મા માર્ગમાં અનેક મંદિરો આવે છે .માનસી ગંગા રાધાકુંડ વગેરે.મુખ્ય મંદિર 'ગિરિરાજ મુખારવિંદ' મંદિર છે.કહેવાય છે કે આ સ્થળે શ્રીકૃષ્ણે આંગળીથી પર્વત ઊંચક્યો હતો. ભવ્ય પરિકમ્મા અને ભવ્ય દર્શન.


         હવે વૃદાવન ભણી પ્રયાણ હતું.રસ્તામાં 'રમણ રેતી  તીર્થ ' સ્થાન આવ્યું.જ્યાં શ્રીકૃષ્ણ રાધા અને ગોપીઓ  રાસ રમતાં. અહીં બાલકૃષ્ણ આળોટ્યા હતા એટલે  તે રેતીમાં આળોટવાની પ્રથા છે.શ્રદ્ધાના ખોબે તે રેણુનો સ્પર્શ કરીને કદંબ વૃક્ષ નીચે બેસી કૃષ્ણ સ્મરણ કર્યું. રમણ  રેતી તીર્થની સામે 'હરણ પાર્ક ' છે. નિર્દોષ રીતે ટોળાંમાં વિહરતા હરણને જુવાર દાણા ખવરાવવાનો લહાવો છે.

         સાચા કૃષ્ણ ભક્ત રસખાન ( 1548-1628 ) નું સમાધિ સ્થળ અનેરું સ્થાન છે.મુસ્લિમ હોવા છતાં શ્રીકૃષ્ણભક્ત રસખાનના કૃષ્ણરંગ ના દોહા ખુબ પ્રચલિત છે. એક પ્રચલિત કથા છે.એક મિજલસમાં તેમને હાજર રહી દોહા સંભળાવવાનો આગ્રહ કરવામાં આવ્યો...ખિસ્સામાં શ્રીકૃષ્ણનો ફોટો હતો,જેમાં તેની એક લટ ' J ' જેવી હતી. અરબી લિપિમાં  એક અક્ષર  'J ' આકારનો છે જેનો ઉચ્ચાર ' લામ ' થાય છે.કવિતા સંભળાવતા રસખાનજી બોલ્યા ' હૈ વો કાફીર ( નાસ્તિક )  જો બંદે નહિ ઇસ્લામ કે '- બોલતી વખતે શ્રીકૃષ્ણનો ફોટો કાઢી તેની લટ ' J ' તરફ અંગુલી નિર્દેશ હતો. આ પંક્તિ દ્વિઅર્થી છે.રસખાનજીના  સમાધિસ્થાનને પુરી રીતે વિકસાવવામાં આવ્યું છે .'એમ્ફી થિયેટર 'પણ છે. અહીંથી વૃદાવન જતાં માર્ગમાં પ્રેમ સરોવર ' આવે છે.કલાત્મક રીતે બાંધેલું આ સરોવર જોવું ગમે તેવું છે.માન્યતા અનુસાર અહીંથી રાધાજી અને શ્રીકૃષ્ણ વિખુટા પડેલાં તેમના પ્રેમાશ્રુનું પ્રતીક તે આ પ્રેમ સરોવર છે.


                વૃંદાવન એટલે એવું વન છે જ્યાં શ્રીકૃષ્ણ રાધા ગોપી વિહરતાં 'બાંકે બિહારી ' અહીંનું મોટું મંદિર છે.ઝળાંહળાં રંગીન લાઈટોથી બનાવેલા 'પ્રેમ મંદિર'માં શ્રીકૃષ્ણના જીવન પ્રસંગોને મોરા કદના તૈલચિત્રોથી મુકાયા છે.નાગ દમન પ્રસંગને જીવંત રૂપે સજાવાયો છે.જોવા માટે ગમતું સ્થળ છે. સંગીતજ્ઞ બૈજુ બાવરાના ગુરુ સ્વામી હરિદાસજી ( 1480-1573 )  નો આશ્રમ કલાપ્રેમી માટે આદર સ્થાન છે.તેમની ગાદી અને તેમના વાદ્ય સાધનો આજે પણ સચવાયાં છે.પરંપરાગત શિષ્યો આવી બેસે અને અનુકૂળ કીર્તન વગેરે કરતા હોય.ગુરુ પરંપરા સચવાઈ છે પણ સંગીતની પ્રધાનતા અહીં કદાચ ખોવાઈ છે. 

          વૃંદાવન માં વાંદરા તો એટલા બધા છે વૃદાવનને ( રાધેકૃષ્ણની ક્ષમા  સાથે ) 'વાંદરા વન કહીએ તોય ચાલે! અને એ વાંદરાઓ પણ કૃષ્ણ સમયમાં આંખના ડોક્ટર હતા.બધા વૃદાવનવાસીઓ માખણ વધુ ખાતા એટલે કોઈની આંખ બગડતી નહિ ને એમના કોઈ દર્દી આવતા નહિ .એના ખારમાં એ બધા અત્યારે ચશ્મા ખેંચવાનું જ કારસ્તાન કરે છે.ડ્રાઈવર ઘનશ્યામભાઈ એ તો અગાઉથી જ ચશ્માં જીવની જેમ સાચવવાની સૂચના આપેલી. અમારો કારમાંથી ઉતરવાનો સમય આવ્યો.અમારી નજર સામે જ વાંદરો એક યુવાનના ચશ્મા લઇ ગયો.જીજ્ઞાશા વશ અતુલભાઈ કારનો દરવાજો ખોલી ને બોલ્યા ,' એ લઇ ગયો ' વાંદરો ચાલાક હતો.યુવાનના સસ્તા ચશ્મા  ફેંકીને અતુલભાઈના 2700/- રૂપિયા ના ચશ્મા લઇ ગયો.ખુબ ઉંચી હોટેલ પર જઈને આસપાસ ના દૃશ્યો માણવા  લાગ્યો હશે. અતુલભાઈએ બીજા બે દિવસ ચશ્મા ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી.   દિવસ આખો ખુબ જ વ્યસ્તતા અને વિસ્મયતામાં પસાર થયો. એક જ દિવસમાં  ખુબ ઘણું  જાણી માણી લેવાનો આનન્દ હતો.30 નવેમ્બરના સંભારણા લઇ હોટેલ પર પાછા ફર્યા.રાત્રી ભોજન અને શયન.


        1 લી ડિસેમ્બર 2021 સવારે કાર આવી ગઈ.ગોકુળ તરફ આગળ વધ્યા.અહીંની ગલીઓ શ્રીકૃષ્ણનું બાળપણ વીત્યું હતું.પ્રચલિત ગોકુલનાથ મંદિર અનેક સ્તંભ પર છે. બલરામજી  મંદિર પણ  નજીક જ છે.ગોકુળમાં ઘેર ઘેર મંદિર છે.આ તીર્થમાં ભગવાન કરતા પંડા વધારે છે.ફરજીયાત મંદિરમાં લઇ જાય .મોટી મોટી વાતો ને પછી મોટા મોટા ભોગ ધરાવવાની માંગણી.એનાથી જેટલા દૂર ભંગાય તેટલું સારું.લાગે છે કે કાનુડા સાથે ગાય ચરાવવા કે માખણ ખાવા નહિ ગયા હોય જે આળસુ અને એદી એવા નો આ પુનઃજન્મ હશે.અહીં તો એ યાદ રાખવું કે જે ભૂમિ પર શ્રી કૃષ્ણની પદ રેણુ છે તે ભૂમિ પર આપણે વિહાર કરી ધન્ય થયા

          હવે મથુરાનગરી. .પિતા ઉગ્રસેનને કેદ કરી ગાદી પર બેસનાર કંસની ભૂમિ તરીકે જોવાને બદલે શ્રીકૃષ્ણની જન્મભૂમિ તરીકે જોઈએ તો મસ્તક નમી જાય.પ્રજાપર અત્યાચાર કરનાર કંસને કાળવાણી સંભળાઈ કે બહેન દેવકીનું આઠમું સંતાન તેનો કાળ બનશે.દેવકી -વાસુદેવને કેદ કર્યાં જેલમાં જ  શ્રાવણ વદ આઠમના  રોજ રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણનો જન્મ થયો. યમુના નદી પર વસેલ યામિનીનગર સમયાંતરે મથુરા થયું. તેમાં ખુબ તડકા છાયા જોનાર આ ભૂમિ પર પ્રારંભમાં આરેલીક વાસુ નામક રાજાએ તોરણ બાંધેલ  (માન્યતા અનુસાર યુધિષ્ઠિર એ હસ્તિનાપુર અર્જુન પ્રપૌત્ર  પરીક્ષિત ને અને મથુરા શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વ્રજનામ ને સોંપેલ .) ઈસ્વીસન પૂર્વે 80 વર્ષ પહેલા યદુવંશી રાજા વ્રજનામ એ પ્રથમ મંદિર નિર્માણ કર્યું હુણ ,શક,કુષાણ અને .મોગલ શાસકો મહંમદ ગીઝની,ઔરંગ ઝેબ વગેરે એ તેને વારંવાર ધ્વંસ કર્યું.ઈસ્વીસન 400 ની સલમા સમ્રાટ ચંદ્રગુપ્ત એ તેનું નિર્માણ કર્યું.પંડિત મદનમોહન માલવિયાજી ની પ્રેરણાથી ભારતના શ્રેષ્ઠીઓ  દ્વારા હાલનું ભવ્ય મંદિર નિર્માણ થયું છે. નકોર અને જાડા લોખંડના ખીલા વાળા વીસેક ફૂટ ઊંચા  અને માત્ર બે અઢી ફૂટ પહોળા અને સોએક મીટર ના પ્રવેશદ્વાર અને માર્ગ માંથી પસાર થતાં ખરેખર જેલ વાતાવરણમાં પ્રવેશતા હોઈએ તેવો અનુભવ થાય.અંદર નાના દરવાજા વાળી કાળ કોટડી જેવા ખંડમાં અહીં લાલો જન્મ્યો હતો.ભૂમિની પવિત્રતાનો ચોક્કસ અનુભવ થાય


    . મથુરા નું બીજું ભવ્ય મંદિર તે શ્રી દ્વારિકાધીશનું મંદિર.ખુબ ભવ્ય અને વિશાળ મંદિર છે. ઈ.સ.1814 માં ગ્વાલિયર ( સિંધિયા ) ના મહારાજા શ્રીમંત દોલતરાવ સિંધિયાના ઉદાર દાનથી રાજ્યના મુખ્ય ખજાનચી શેઠ ગોકુલદાસ પરીખના માર્ગદર્શનમાં બંધાયું..મંદિરમાં રાધાકૃષ્ણની ભવ્ય મૂર્તિ સાથે નાના મંદિરમાં શાલિગ્રામ પણ છે. ખુબ સરળતાથી દર્શન થયા.અહીં જન્માષ્ટમી ,હિંડોળા રાધાષ્ટમી જેવા મુખ્ય ઉત્સવો ઉલ્લાસથી ઉજવાય છે.


      માતા ગાયત્રી  અને  ગાયત્રી હવન ને જેણે ઘેર ઘેર પહોંચાડ્યાં તે પરમપૂજ્ય શ્રી રામશર્માજીએ નિર્માણ કરાવેલું વિશ્વનું સહુ પ્રથમ ( 1953 ) ગાયત્રી મંદિર  મથુરામાં છે. દેદીપ્યમાન મૂર્તિ.આંખ ઠરે તેવાં દર્શન.જેણે  વર્ષો સુધી  એકલા જવ પર મહાઅનુસ્થાન  કર્યાં છે તે શ્રીરામશર્માજી ની આ ભૂમિ પર પગ મૂકતાં જ પવિત્રતાની અનુભૂતિ થાય.પ્રેસ અને પુસ્તક વિતરણ કેન્દ્ર પણ છે. દસ દિવસીય શિબિર પણ યોજાય છે.મંદિરનો જીર્ણોદ્ધાર થઇ રહ્યો છે. રાત્રે વિશ્રામઘાટ પર થતી યમુના આરતીનું વિશેષ મહત્વ છે.સારા પંડા મળી જતા વિધિસર પૂજા કરાવી.રાત્રે હોટેલ પર પાછા.

         2 જી.ડિસેમ્બર 2021. આજે સવારે હોટેલમાંથી ચેક આઉટ કરી ,આગ્રા તરફ પ્રયાણ .કોઈએ કહ્યું કે ફતેહપુર સિક્રી અને તાજમહેલની ઓનલાઇન ટિકિટ હોય તો લાઈનથી બચાય.પાર્થને લગાડ્યો ફોન.ત્વરિત અમલ.પાર્થ કોને કહ્યો છે ! દસ જ મિનિટમાં બંને  ટિકિટ આવી ગઈ.હળવાશ થઇ..પ્રથમ તો આશરે 70 કી.મી.દૂર ફતેહપુર સિક્રી ગયા.મોગલ રાજા અકબરએ બંધાવેલ મહેલ. સિક્રી શહેર પર અકબરે કબજો મેળવ્યો .અને 1573 માં ગુજરાત પર જીત મેળવવાને કારણે વિકસાવેલા શહેરને ફતેહપુર સિક્રી તરીકે ઓળખાવાયું. કહેવાય  છે કે અહીં વસતા શેખ સલીમ ચિસ્તીના આશીર્વાદથી અકબર ને પુત્ર પ્રાપ્ત થયો જે સલીમ ( જહાંગીર ) તરીકે ઓળખાયો.ખુબ વિશાળ પરિસરમાં દીવાને ખાસ,દીવાને આમ,  હિન્દૂ પત્ની જોધાબાઈનો મંદિર અને રસોડાં સાથેનો મહેલ,હવા મહેલ,પંચ મહેલ પોર્ટુગીઝ પત્ની મારિયાનો મહેલ,અન્ય પત્ની રૂકિયા નો મહેલ,અનુપ તળાવ .કલા અને સ્થાપત્યના જોવા લાયક નમૂના છે. એક ભોયરાને અનારકલી ટનલ કહે છે.પણ આધારભૂત નથી.અકબરે નવો ધર્મ 'દિને ઇલાહી ' સ્થાપ્યો હોવાથી તેના દરબારમાં વિવિધ ધર્મના સમન્વયના પ્રતીકો નજરે ચડે છે.




       આખું પરિસર બે ભાગમાં વહેંચાયેલું છે.મહેલ વિભાગ પછી હવે ધર્મસ્થાનની દિશામાં.55 મીટર ( 180 ફિટ ) ઊંચા બુલંદ દરવાજા દૂરથી અને નજીકથી પણ સુંદર લાગે.આમ તો અંદર તેમના આસ્થા ધર્મગુરુઓનું કબ્રસ્તાન જ  છે. સફેદ આરસપહાણમાંથી બનાવેલ શેખ સલીમ ચીસ્તીની દરગાહ વિશેષ છે..વાતાવરણ પવિત્ર લાગે.સ્થાપત્ય તો અહીં પણ સરસ છે. પાછળ આવેલ સાલિમનું જન્મસ્થાન રંગ મહેલ પ્રવાસીઓ માટે પ્રતિબંધિત છે.

         હવે વિશ્વની સાત અજાયબી પૈકીની એક એટલે તાજમહેલની મુલાકાત..સુવિદિત છે કે મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજની યાદમાં તાજ મહેલનું નિર્માણ કરાવ્યું છે.17 હેક્ટર ( 42 એકર ) ના વિસ્તારમાં પથરાયેલ છે.સફેદ આરસ માંથી બનાવાયેલ તાજમહેલનું નિર્માણ 1632 માં શરુ થયેલું જે 1643 માં પૂર્ણ થયું.અને આસપાસનું અન્ય વિસ્તરણ કરતા બીજા દસ વર્ષ ગયા. તેના સૂબા ઉસ્તાદ અહમદ લોરીના માર્ગદર્શનમાં 20000 કારીગરોએ આ સ્થાપત્ય કર્યું.જેમાં આશરે 3 કરોડ 20 લાખ  રૂપિયાનો ( 17 મી સદી માં ! ) ખર્ચ થયો. જે આજ ના  ભાવે 7000 કરોડ રૂપિયા થાય .તાજમહેલ યુનેસ્કોના વિશ્વ વારસામાં છે 2007 માં નવી સાત અજાયબીમાં તેનું સ્થાન છે. અરેબિક શૈલીનું ભવ્ય પ્રવેશદ્વાર..મુખ્ય બાંધકામમાં મિનારાની ઊંચાઈ 35 મીટર છે જયારે તેની આસપાસ ચાર ખૂણે 55  મીટર ઊંચા ચાર મિનારા બનાવાયા.છે. ખુબ ઝીણું બારીક કોતરણી કાર્ય ઉડીને આંખે વળગે છે. અંદર જવા પાતળાં કપડાંના 'શું કવર ' પાંચ રૂપિયાની જોડી મળે છે .જે પગરખાં પર ચડાવીને ,અંદર જઈને ચારે બાજુ ફરી શકાય છે. મધ્યમાં મુમતાજ અને શાહજહાંની ચાંદી મઢેલ કબરો છે.સાચી કબર નીચે ભોંયરામાં છે ત્યાં પ્રવાસીઓ જઈ શકતા નથી..


          એક પ્રાથમિક સંશોધન અનુસાર ઋષિ અંગિરાનું પવિત્ર સ્થળ તે અપભ્રંશ આગ્રા છે અને સાતસો જેટલા પુરાવાના આધારે મનાય છે કે તાજમહાલ  'તેજો મહાલય ' ભવ્ય શિવ મંદિર હતું.જે નાગેશ્વર તરીકે ઓળખાતા હતા.108  જેટલા કળશ અંદર કોતરાયા છે. આ સંદર્ભો ઇતિહાસકાર પુરુષોત્તમ નાગેશન પુસ્તકમાંથી લેવાયા છે.. તારણ ભારત દેશમાં આવેલાં એક બેનમૂન  પ્રાચીન સ્થાપત્યને સ્થાપત્ય તરીકે જરૂર જોવાય.

            મોડી સાંજ થવા આવી હતી.ઠંડી પણ પડતી હતી.યાત્રા પ્રવાસ સંપન્ન થયો. ડ્રાઈવર ને બોલાવીને આગરા કેન્ટ રેલવે સ્ટેશને પહોંચ્યા .કુલીને પ્લેટફોર્મ નંબર 5 ની ખબર હતી.સમયસર ટ્રેન પણ ગોઠવાઈ ગઈ .અમારો B-3 ને અતુલભાઈ નો B-4 ચારેય જણ ની લોઅર બર્થ રાત્રે 10.10.મિનિટે સમયસર ટ્રેન ઉપડી .3  જી ડિસેમ્બર સવારે 12.20. મિનિટે અમદાવાદ ઊતર્યાં.ઘેર પહોંચ્યા .પ્રવાસ ખુબ સરળ રહ્યો.સારા હોટેલ,ટેક્ષી અને સ્થળોની ઓછી ભીડ ને લીધે ક્યાંય અગવડ ન પડી અતુલભાઈ,બકુલાબેનના જોડાવાથી સોનામાં સુગંધ ભળી..પંડાઓથી ચેતવાની અનુભવીઓ પાસેથી સૂચના મળેલી. કેદારભાઈ ના મમ્મી પપ્પા તરફથી સ્થળો માટે સરસ માર્ગદર્શન મળેલું તે ખુબ ઉપયોગી થયું.ખુબ લાંબા સમયથી રહી ગયેલી ઈચ્છા પૂર્ણ થઇ.ભગવાન શ્રી બાળ કૃષ્ણનના જ્યાં પદ ચરણ પડયાં હતા.તે ભૂમિ પર પગલાં પાડી કૃતકૃત્ય થઇ ગયા. જય શ્રી કૃષ્ણ.

દિનેશ.લ.માંકડ - રંજના માંકડ

9427960979

No comments:

Post a Comment