પાંચ જ્યોતિર્લિંગ યાત્રા
મુ.અરુણભાઈ લ. માંકડ ,હર્ષાબેન એ માંકડ ,દિનેશ લ.માંકડ અને રંજના ડી .માંકડ
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले
मल्लिकार्जुनम्। उज्जयिन्यां
महाकालम्ॐकारममलेश्वरम्॥१॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां
भीमाशंकरम्। सेतुबंधे तु रामेशं नागेशं दारुकावने॥२॥
वाराणस्यां तु विश्वेशं त्र्यंबकं
गौतमीतटे। हिमालये तु
केदारम् घुश्मेशं च शिवालये॥३॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः
पठेन्नरः। सप्तजन्मकृतं
पापं स्मरणेन विनश्यति॥४॥
ઈશ્વર કૃપાએ અત્યાર સુધી સાત જ્યોતિર્લિંગ ,સોમનાથ,કેદારનાથ,રામેશ્વર ,મહાકાલ ૐ કાર
મમલેશ્વર,શૈલ મલ્લિકાર્જુન કાશી વિશ્વનાથના તો અલગ અલગ
સમયે દર્શન થઇ ગયેલાં .દેશની મધ્યમાં આવેલાં મહારાષ્ટ્રના પાંચ જ્યોતિર્લિંગ બાકી
રહેતાં હતાં. સારો સંગાથ શોધવાનો હતો.મોટાભાઈ મુ. અરુણભાઈને વાત કરી.તેઓએ ખુબ ઝડપી
સંમતિ આપી.તેમના ચિરંજીવી ભાવેશભાઈને તો પ્રવાસ આયોજનનો પહેલેથી શોખ.તેમના જ મિત્ર
રમેશભાઈ ( ગાંધીધામ ) ના સહકારથી સુંદર આયોજન ગોઠવાઈ ગયું--.
તારીખ 24 માર્ચ રાત્રે દુરંતો
ટ્રેનમાં પુના ,ત્યાંથી એ.સી.ઇનોવામાં
પ્રવાસ ,વળતાં 30 મી એ નાસિકથી વિમાન દ્વારા અમદાવાદ પરત.--બધી ટિકિટો અને વિગત આવી ગયાં
.તૈયારી શરુ થઇ ગઈ. જોતજોતાંમાં 24 માર્ચ 2023 શુક્રવારનો દિવસ આવી જ ગયો.અમારી જ્યોતિર્લિંગ યાત્રા પ્રારંભ પણ થઇ ગઈ.અરુણભાઈ અને હર્ષાભાભી ભુજથી સવારથી અમદાવાદ આવી ગયેલાં
.
24મી શુક્રવાર રાત્રે 10.30 વાગ્યે દુરંતો એક્ષપ્રેસમાં અમદાવાદ થી પુના તરફ
પ્રયાણ.ચારેયને નીચેની સુવા બેઠક મળેલી એટલે ખુબ સુગમ રહ્યું.માત્ર ચાર જ સ્ટેશન
પર ઊભતી ટ્રેનએ 661 કી.મી.નું અંતર માત્ર નવેક કલાકમાં કાપ્યું. 25 મી માર્ચ શનિવાર સવારે સાત વાગ્યે પુના
પહોંચ્યા.અગાઉથી સૂચના અનુસાર સ્ટેશન પણ ઇનોવા લઈને ડ્રાઈવર ઉમેશ પાટીલ હાજર જ
હતા.
પુનાથી આશરે 114 કિમિ.દૂર પ્રથમ જ્યોતિર્લિંગ ભીમાશંકર તરફ જવાનું શરુ. 73 કી.મી. દૂર ઘોડેગાંવમાં હોટેલ અમિત પેલેસ પર આશરે બે કલાકે પહોંચ્યા.તરોતાજા થઇ ભોજન વગેરે ત્યાં જ પતાવીને આશરે 48 કી.મી દૂર આવેલ ભીમાશંકર તરફ જવા નીકળ્યા .આશરે 230 પગથિયાં ચડીને જવાનું હતું.મંદિરનો જીર્ણોદ્ધાર ચાલતો હોઈ માર્ગ અસ્તવ્યસ્ત હતો,છતાં પગથિયાં ખુબ સરળ હતા.બપોરે આરતી સમયે મંદિર બંધ હોય એટલે લાઈનમાં ખુબ વધારે ઉભવું પડ્યું પણ નિજ મંદિરમાં જઈને દર્શન ખુબ સરસ થયાં. સહ્યાદ્રીની પર્વતમાળામાં ભીમા નદીના ઉદગમ સ્થાન પર આ ભવ્ય ખુબ પ્રાચીન મંદિર છે.રાજા સુદક્ષિણે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે.કર્કટી અને કુમ્ભકર્ણ નો પુત્ર ભીમાસુર, ઋષિઓના ધર્મકાર્યમાં ખુબ ખલેલ કરતો અને આતંક મચાવતો રાજા સુદક્ષિણ એ તેને મહાત કર્યો.રાજાની વિનંતીથી ભગવાન શિવ ત્યાંજ વિરાજમાન થયા.ભીમાસુર બ્રહ્મદેવનો ઉપાસક હતો અને તેની ઉર્ધ્વગતિ ભગવાન શિવની શક્તિથી થઇ એટલે આ જ્યોતિર્લિંગને ભીમાશંકર તરીકે ઓળખાવાય છે. છત્રપતિ શિવાજીના આસ્થાસ્થાન રહી ચૂકેલા આ નાગર શૈલી આ મંદિરનો સભામંડપ અઢારમી સદીમાં નાના ફડનવીસે તૈયાર કરાવેલો. સાંજે હોટેલ પરત અને રાત્રી રોકાણ પણ ત્યાં જ .
તારીખ 26 મી માર્ચ રવિવાર ઘોડેગાંવથી પરલી વૈદ્યંનાથ તરફ નીકળવાનું હતું.346
કી.મીનું અંતર હોઈ સવારે છ વાગ્યે જ નીકળી ગયા. મધ્ય રોકાણ સહીત સાતેક કલાકે હોટેલ
અનસૂયા ,પરલી પહોંચ્યાં.હોટેલ સાથે સારું રેસ્ટોરેન્ટ હોઈ ભોજન અને આરામ બાદ વૈદ્યંનાથ
મહાદેવના દર્શન તરફ નીકળ્યા સવાર સિવાય નિજ મંદિરની અનુમતિ નહોતી એટલે બહારથી જ
બિલકુલ ભીડ વગર ખુબ સરસ અને સરળ
દર્શન થયાં મહારાષ્ટ્ર ના બીડ જિલ્લામાં પરણી ગામમાં વૈદ્યંનાથ
જ્યોતિર્લિગ આવેલું છે.ભગવાન શિવ અહીં માતા પાર્વતી સાથે વિરાજમાન છે એટલે આ
સ્થળને અનોખી કાશી કહેવામાં આવે છે.એક કથા અનુસાર અમૃત મંથન વખતે વિષ્ણુએ અમૃત અને
ધન્વંતરિ આ શિવલિંગમાં છુપાવેલાં. અહીં ઔષધિના અનેક
વૃક્ષો છે આ બધાને લીધે આ જ્યોતિર્લિંગ વૈદ્યનાથ કહેવાય છે. અનેક કિંવદંતી માની એક મુજબ ધમોત્થાનની આકાંક્ષાવાળા ઋષિ મૃતંડ અને
મનસ્વીને માંડ પ્રાપ્ત એવા માર્કંડ પણ અલ્પાયુષ હતો.માં એ કહ્યું,' જપ અને તપ કર' બાળકે માતા વચન
ઉપાડી લીધું.તપસ્યા દરમિયાન સપ્તઋષિ અને માતા અરૂંધતી માર્ગદર્શન કરતાં
રહયાં.ધર્મકાર્યની તેની તીવ્ર ઝંખના જોઈ ભગવાન શિવ એ કાળક્રમ ઓળંગીને દીર્ઘાયુ
આપ્યું.એ જ્યોતિર્લિંગ તે વૈદ્યંનાથ. ઈ.સ. 1108 માં બંધાયેલા આ પ્રાચીન અને વિશાલ
ભવ્ય મંદિરનો 1706 માં અહલ્યાભાઈ હોલકર અને પછી નાનારાવ દેશપાંડે એ જીર્ણોદ્ધાર
કરાવ્યો..
યોગાનુયોગ માર્કંડ ઋષિ પરથી અમારી અટક ' માંકડ' થયાની કલ્પના કરીને ,અમે એ ભૂમિ પર આવ્યા છીએ એમ સમજીને બે ઘડી છાતી
ફુલાવી લીધી..એક વિચાર આવ્યો કે પૂર્વજો
નું જ્ઞાન અને શ્રદ્ધા કેટલાં હશે કે અમારા દાદા વૈજનાથભાઈ ( વૈદ્યંનાથનું અપભ્રંશ
) નું એમના ફોઈએ આશરે એકસો પચાસ વર્ષ પહેલાં આવું દુર્લભ નામ પડ્યું હશે.ચોક્કસપણે
એ વખતે બાર જ્યોતિર્લિંગ માટેની શ્રદ્ધા પ્રબળ હશે અને યોગાનુંયોગની મજા પણ એ કે
આટલા લાંબા સમય પછી તેમના બે પૌત્રો અરુણભાઈ અને હું ( દિનેશ ) વૈદ્યંનાથના દર્શન
કરનારા આખી પેઢીમાં કદાચ પ્રથમ જ હશે. રાત્રી
રોકાણ હોટેલ ,પરલી માં.
27 માર્ચ સોમવાર.આજે એક જ દિવસમાં બે જ્યોતિર્લિંગના દર્શન કરવાના હોઈ, સવારે વહેલા સાત વાગ્યે જ યાત્રા પ્રારંભ કરી દીધો. 118 કી.મી દૂર આવેલા
દારૂકાવનમાં વિરાજમાન નાગેશ્વર જ્યોતિર્લિંગ લગભગ દસ વાગ્યે પહોંચ્યા.પ્રદેશની
રીતે ઔંઢા -નાગનાથ તરીકે પ્રચલિત છે. ખુબ નીચે ભોયરાંમાં જઈને નિજ મંદિરમાં જઈને
સરળ અને સરસ દર્શન થયાં ઔંઢા શહેરનો વિસ્તાર પ્રાચીન
સમયમાં દારુકાવન તરીકે ઓળખાતો કારણકે દારુકા નામની રાક્ષસીનું સામ્રાજ્ય હતું..,જેણે માતા
પાર્વતીની તપશ્ચર્યા કરીને અનેક શક્તિ મેળવી સમાજને કેવળ -ખાવું,પીવું અને મોજ
કરો.-ની વિચારધારાવાળો બનાવ્યો. દીન હીન .બ્રાહ્મણ નિરાશ હતો.ઑવ મુનિએ તેઓને વિચાર અને હિમ્મત
આપ્યા.રાજા સુપ્રિય અને રાજા વીરસેનને તેમને સાથ આપ્યો નાગેશંની ઉપાસના કરી.આને
આખરે દારુકાનું સામ્રાજ્ય ખતમ થયું.
આ સ્થળ વિષે એક પૌરાણિક સંવાદ પણ જાણવા
જેવો છે.દારુકાને માતા પાર્વતીએ શક્તિ આપેલી.અને બીજી તરફ પ્રજાને ભય મુક્ત કરવા
પ્રભુ શિવ સાથે હતા.બંને વચ્ચે વૈચારિક
સંઘર્ષ થયો.સત્ત્વ પ્રિય શિવને માતા પાર્વતી ઉત્તર આપે છે કે ,' સમાજમાં સાત્વિકતા
જરૂર હોય પણ આત્મપ્રત્યવાનનો ગુણ સમાજમાં હોવો જોઈએ. કિંકર્તવ્યમૂઢ અને દીનતાને મોટાઈનો ગુણ સમજી રહેશે તો માણસ આળસુ ,પરાવલંબી બનશે.' શિવજીએ ઉત્તર
વાળ્યો,' મારી કૃતિશીલતા અને શ્રદ્ધા અને તમારાં સ્વાભિમાન અને આત્મપ્રત્યવાનના ગુણ
સમાજે સંભાળવા જ જોઈએ.બંનેને સાથે રહેવા દઈશું તો રાક્ષસો ઉન્મત્ત નહિ થાય અને
ઈશ્વરભક્ત આળસુ નહિ બને.'
અન્ય એક કથાનક અનુસાર, કૌરવોએ પાંડવોને 12 વર્ષ વનવાસ અને એક વર્ષ
અજ્ઞાત વર્ષની સજા કરેલી ત્યારે પાંડવો પ્રરિભ્રમણ દરમિયાન અહીં આવ્યા.એમણે
એક આશ્ચર્ય જોયું.એક ગાય એક સરોવર પાસે
દરરોજ દૂધધારા કરતી.સહુએ સાથે મળી સરોવરનું પાણી ઊલેચ્યું.તો સ્વયંભૂ શિવલિંગના દર્શન થયાં પાંડવોએ અખંડિત પથ્થરમાંથી શિવ મંદિરનું
નિર્માણ કર્યું.એ જ આ નાગેશ્વર મહાદેવ શીખ સંપ્રદાય નું પણ આસ્થાકેન્દ્ર છે.ગુરુ
નાનક અહીં આવી ચુક્યા છે.સંત જ્ઞાનેશ્વરના ગુરુ મોટાભાઈ નામદેવને શીખ સંપ્રદાય ભગત
નામદેવ તરીકે પૂજે છે તેનું જન્મસ્થાન અહીં નજીક જ છે. .
બપોરે તરત આગળ રવાના.આશરે 294 કી.મી.દૂર ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગ પહોંયા. ઘુશ્મા નદીને કિનારે પ્રાચીન ભવ્ય
મંદિરમાં પણ ભીડ વગર નિજમંદિર પ્રવેશથી દર્શન થયાં એક વાર અંતર્ધ્યાન થયેલા શિવજીને શોધવા માતા પાર્વતીએ ભીલડીનો વેશ લીધો અને
પછી જ્યાં મળ્યાં તે સ્થળ આ ધુશ્મેશં એવું એક મંતવ્ય છે.એક કથાનુસાર સુશર્માની
પત્ની ઘુશ્મા પૂર્ણ શિવભક્ત.દરરોજ માટીના શિવલિંગ બનાવી ,અવિરત ચુક્યા વગર નિયમિત પૂજન કરે.અચાનક પુત્રનું
અકાળ નિધન થયું.લોકો કહે,સૂતક છે .પૂજા ન થાય .'- ઘુશ્મા એ શિવજીને હૃદયથી
પ્રાર્થના કરી અને ભોળાનાથે તેના પુત્રને પુનર્જીવિત કર્યો.ઘુશ્માના પુજેલા
શિવજીનું સ્થળ તે આ ઘુશ્મેશ્વર. સાવ જ પાસે આવેલ મહારાષ્ટ્ર મહાન સંત એકનાથના ગુરુ
જનાર્દન સ્વામી ની સમાધિના દર્શનનો લાભ તો ઓચિંતા જ મળી ગયો.ઈશ્વર સાથે સાક્ષાત
નાતો રાખનાર આ મહાન સંતનું ચરિત્ર વાંચીએ તો જ આ સ્થળનું માહાત્મ્ય
સમજાય.શ્રદ્ધાથી નમન કર્યા
13 મી અને 14 મી સદીમાં મોગલ રાજાઓએ તેને ધ્વસ્ત કર્યું તો 16 મી સદીમાં છત્રપતિ
શિવજીના દાદા માલોજી ભોશલેએ તેને ફરી બંધાવ્યું.અને 18 મી સદીમાં મહારાણી અહલ્યાભાઈ હોલ્કરે પણ
તેના વિકાસમાં યોગદાન કર્યું..ગામ નાનું હોઈ 30 કી.મી દૂર સંભાજીનગર ( ઔરંગાબાદ )
શહેર માં hotel Oppal Plaza માં રાત્રી રોકાણ .હોટેલ ખુબ સારી હતી.ચાર જ્યોતિર્લિંગ
દર્શન પૂર્ણ થયાનો વિશેષ આનંદ હતો.
28 મી માર્ચ મંગળવાર આશરે 81 કી.મી દૂર શનિદેવ-શિંગળાપુર તરફ પ્રયાણ.દસેક
વાગ્યે પહોંયા.ખુબ સરસ દર્શન થયા.અગાઉ અબોટિયું પહેરી શનિદેવને પ્રત્યક્ષ તેલ ચડાવાતું.હવે એ અભિષેક રૂ.500/-
વ્યક્તિદીઠ ભરીએ તો ચડાવાય છે .એટલે નક્કી કરેલ ટાંકીમાં તેલ ચડાવ્યું ,એવી શ્રદ્ધા સાથે
કે તે શનિદેવને પહોંચશે. ચમત્કારો માટે જેનું નામ ગિનેસ બુકમાં એવું કહેવાય છે એવા
શિંગળાપુરના આ મંદિરને પ્રત્યક્ષ દેવનું મંદિર મનાય છે.કથા અનુસાર ભરવાડને સીમના એક શિલામાં સ્વયંભૂ શનિદેવના દર્શન થયાં.
લોકોએ મંદિર બાંધવા આયોજન કર્યું તો સપનામાં દર્શન આપીને કહ્યું ,'આકાશ એ જ મારુ
છત્ર છે.મારી પૂજા કરો ,હું મનોકામના પૂર્ણ કરીશ.' કહેવાય છે કે આ ગામના કોઈ ઘરના દરવાજા હોતા જ
નથી.માત્ર ફ્રેમ જ હોય.સતાવાર રીતે અત્યાર સુધી કોઈ ચોરી ગુન્હો નોંધાયો નથી.
આગળ 80 કી.મી દૂર શિરડી બપોરે જ પહોંચી ગયા. ખુબ લાંબી લાઈન, ઊભીએ તો બે ત્રણ કલાક થાય.પણ જેની પાસે પ્રસાદ લીધો અને મોબાઈલ
રાખ્યા,તેણે સિનિયર સીટીઝનની ખાસ વ્યવસ્થાની વિગત સમજાવી અને રસ્તો
બતાવ્યો.પછી તો દરેક સિક્યુરિટી અને પોલીસ સરળતાથી આગળ કરે અને માત્ર દસ જ
મિનિટમાં ખુબ નજીકથી સાઈબાબાના ચમત્કારિક દર્શન થયા.હોટેલ Indore Palace પર પહોંચ્યા.પૂરતો આરામનો અવકાશ રહ્યો.
29 મી માર્ચ બુધવાર સવારે 90 કી.મી.નાસિક
તરફ.માતા ગોદાવરી નદીમાં દિવા તરતા મુક્યા પગ પખાળ્યા. ઓટો રીક્ષા કરીને નાસિકના
મુખ્ય મંદિરો .પંચવટી ,જ્યાં પ્રભુ રામચંદ્રજીએ વનવાસ ગાળ્યો.સીતા ગુફા,કાલારામ વગેરેના
દર્શન કર્યા.હવે 28 કી.મી. દૂર ત્રયંબેકશ્વર તરફ પ્રયાણ.શરુ. hotel RIO inn જવાનું હતું.પણ
પુનાના ટુર ઓપરેકરે અચાનક હોટેલ બદલી.sky resort -નામ બડે દર્શન ખોટે
-જેવું હતું. બિલકુલ અસુવિધાવાળા રૂમો ..ઓપરેટરને ફોન કરી ,ઉગ્ર રજૂઆત
કરી.આખરે અગાઉથી નક્કી કરેલ hotel
RIO inn પર પહોંચ્યા.હોટેલ સારી.રીનોવેશન ચાલુ હોઈ બધું
અમે જ પહેલી વાર વાપરતા હોઈએ તેવું લાગતું હતું.
બપોરે જ્યોતિર્લિંગ ત્રમ્બકેશ્વર તરફ. થોડી જ લાઈન
.ગર્ભગ્ર્હ ખુબ નીચું હોઈ અંદર પ્રવેશ નહોતો.બહારથી ખુબ સરસ અને સરળ દર્શન થયા. બ્રહ્મગિરી
,નીલાગીરી અને કાળગિરીની પર્વતમાળામાં આવેલા આ પ્રદેશમાં પ્રાચીનકાળમાં પડેલા
અતિ ભયંકર દુકાળ વખતે મહર્ષિ ગૌતમે માનવજીવ માટે યમરાજા પાસેથી મૃત્યુંજય વરદાન
લીધું.એટલે આ પ્રદેશ ગોતમીતટ કહેવાય છે.કેટલાક હિતશત્રુઓએ પ્રપંચ વડે ગૌતમ પર
ગોહરયાનું પાપ ચડાવ્યું. વિચલિત મહર્ષિ
પ્રાયશ્ચિત્ત માટે ઠેર ઠેર ઘૂમ્યા.ભગવાન શિવની તપશ્ચર્યા કરી.શિવ પ્રસન્ન થયા.ગંગા
નદીને ગૌતમ પાસે મોકલી..માં ગંગા ,શિવને વિનવે છે .' આપ પણ મારી સાથે આવી વસો તો જાઉં.' શિવજી સહમત થયા.આ
પવિત્ર સ્થળ તે ત્રમ્બકેશ્વર જ્યોતિર્લિંગ..તત્કાલીન ઇન્દોર રાજ્ય ના શ્રીમંત
સરદાર રાવસાહેબએ બંધાવેલ મંદિર મોગલ બાદશાહ ઔરંઝેજેબએ તોડી પાડ્યું. જેનું ફરી નિર્માણ પેશ્વા બાલાજી બાજીરાવએ
કરાવ્યું. રાત્રે હોટેલ રોકાણ .
30 મી માર્ચ ગુરુવાર. આજે અંતિમ
દિવસ.ત્રમ્બકેશ્વર વિસ્તારમાં જ સ્વામી સમર્થજીની વિશાલ જગ્યામાં ગૌરીપૂજા સાથે
આયુર્વેદ પ્રાકૃતિક અને ભારતીય સંસ્કારો માટે કાર્ય થાય છે.આ સંસ્થા ભારત સરકાર
ચલાવે છે. ગુરુ દત્તાત્રેયના અવતાર મનાતા સ્વામી સમર્થ ગુરૃપીઠ મંદિરમાં ઉત્તમ
દર્શન છે.જગ્યા ખુબ પવિત્ર છે.નાસિક હાઇવે પર જ અંજનેરી પહાડી પર હનુમાનજીનો જન્મ
થયો હતો એવું મનાય છે.ઉપર પહાડી પર સાત કી.મી જવું શક્ય નહોતું પણ નીચે હનુમાનજીની
વિશાલ પ્રતિમાના દર્શન કર્યા.
હવે સીધા નાસિક એરપોર્ટ તરફ હંકારી ગયા.4 વાગ્યે પ્લેન હતું.સમયસર check in કર્યું.પ્લેન ખુબ સમયસર ઊપડ્યું.સાંજે 5.15 મિનિટે અમદાવાદ અને ટેક્ષી કરી
ઘેર.યાત્રા પૂર્ણ.મુ.અરુણભાઈ -હર્ષા ભાભીનો સંગાથ, ભાવેશ ભાઈનું
આયોજન અને ડ્રાઈવર ઉમેશભાઈનું સરળ ડ્રાઇવિંગ અને ગુગલ મેપને લીધે યાત્રા ખુબ ખુબ
સુંદર રહી.વિશેષ આનંદ ની વાત એ કે આ પાંચ જ્યોતિર્લિંગના દર્શન સાથે અમારી ( દિનેશ
-રંજના ) ની બારેબાર જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ થઇ. ઈશ્વર કૃપા ,વડીલોના આશીર્વાદ અને સહુની શુભેચ્છાથી આ શક્ય બન્યું.અસ્તુ
No comments:
Post a Comment