Readers

Monday, March 29, 2021

થોભી ગઈ, BREAKLESS BIKE !!!



 

થોભી ગઈ, BREAKLESS  BIKE !!!

પ્રિય સુશાંત ,

         કેમ છો ?  આજે તને ખુબ યાદ કર્યો.હું  બાઈક રેસ જોવા ગયો હતો.તને બાઈક રાઇડિંગનો શોખ છે એટલે તને યાદ કર્યો.પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તારી તૈયારી ખુબ ગંભીરતાથી પુરજોશમાં ચાલે છે એટલે તું ન આવે તે જ યોગ્ય કહેવાય..આ બધી રેસમાં આજે એક જગ્યાએ કૈક સાવ અવનવું બન્યું.રેસ હતી  Breakless bike ની એમાં ઓચિંતી બાઈક થોભી ! કેવી નવાઈ નહિ ! 

         આ બ્રેકલેસ બાઈક થોભી ગઈ એના પરથી મારા મનમાં એક વિચાર આવ્યો.પોતાની કારકિર્દી ઘડતા લક્ષ્યનીષ્ટ યુવાનો તો સમયસર જ નિર્દિષ્ટ સ્થળે પહોંચી જાય છે પણ છતાં sકેટલાય યુવાનોની  પોતાની દિશામાટે ની બાઈક શરૂમાં તો 'બ્રેકલેસ' 'જ હોય છે .ખુબ મોટી મહત્વકાંક્ષાઓ, આયોજનો ,ઈરાદાઓ,અનેક દિવા સ્વપ્નો ઘડાય પપ્પા મમ્મીના ખીસા ખાલી થતાં ને બેન્ક બેસેન્સ ઘટતાં જાય.'આરંભે તો શૂરા ' હોય જ. કોણ જાણે  કેમ પણ ખુબ ખુબ ઘણા યુવાનોના બાઇકમાંથી કાં તો હવા ઘટે છે કે પછી કાં તો એક્સિલેટર ધીમું પડતું જાય છે.ગમે તેમ પણ બાઈક થોભી જાય છે.

           કનુભાઈનો કપિલ બી.કોમ પછી સી.એ. થવા નીકળ્યો.સાત-આઠ ટ્રાયલ આપી .સફળ ન થયો.ઉંમર વધી.એટલે સરકારી નોકરી કે બેન્કના દરવાજા બંધ.લાયકાત અનુસાર ભાઈને પાંચ હજાર નોકરીમાં કામ કરતા શરમ આવે છે.. બાબુભાઈના બકુલને ડોકટર થવાની મહેચ્છા હતી.મેરીટમાં ન આવ્યો.એટલે ડ્રોપ લઈને બીજા બે વર્ષથી પ્રયત્ન કરે છે .ઠેકાણું પડતું નથી.તેના મિત્રો તો અડધું ભણી લેવા આવ્યા છે. ભાનુભાઈનો ભૌમિક ઇજનેરીમાં  પાસ તો થયો,પણ ટકા આવ્યા ઓછા..પ્લેસમેન્ટમાં તક ન મળી .હવે કહેવાતી સારી કોલેજમાં એમ.બી.એ. માં પ્રવેશ લેવા એક વર્ષ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરશે.પછી જો પ્રવેશ મળશે તો ઠીક નહીંતર વળી કોઈ તિર હવામાં મારવાનું. શાંતીભાઈનો શુશીલ તારી જેમ  સ્પર્ધાત્મક પરીક્ષા આપવા વિચારે છે પણ કલાક બે કલાકની આયોજન વગરની મહેનત કરીને પછી ,'આ વખતે પેપર અઘરું નીકળ્યું ' -કહીને બેસી જાય છે .

              કરુણતા એ વાતની કે આ બધા જ BPL ( Bapa naa Paise Laher ) હોય એટલે વાલી ક્યાંક મનથી તો ક્યાંક કમને ખર્ચ કર્યે જાય. મારો જાગૃત ભત્રીજો સુશાંત એટલે કે તું તો પહેલેથી જ પૂરો સાચા અર્થ માં જાગૃત હતો.બારમા ધોરણની તારી ક્ષમતા અનુસાર તારો નિશ્ચય સ્પષ્ટ હતો.અને તેં તે જ સમયથી તારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરુ કરી દીધી છે અને તારું બધું લક્ષ્ય તેં તેમાં જ રાખ્યું છે.અને તું સફળ થશે જ.બાકી ખુબ ઘણા યુવાનો ઘણી બધી બાજુ ભેગા ફાંફાં મારે.,તેને લીધે  કોઈ બાજુ ઊંડાણ પૂર્વક અભ્યાસ ન કરે ,યોગ્ય સમયપત્રક ન બનાવે.પોતાની જૂની યથાવત ટેવો ન છોડે.સોશિયલ મીડિયા,મિત્રસંગ,સામાજિક સબંધો વગેરે સમય ખાઈ જતા પરિબળો પર અંકુશ ન મૂકે. જોને 2021માં લેવાયેલ વર્ગ 1-2 ની પરીક્ષામાં માત્ર 45 % ઉમેદવારોએ પરીક્ષા આપી .શું એવા 55% હતા જેને આ પરીક્ષા કરતા બીજી અગ્રતા હતી? " નિશાન ચૂક માફ,ન માફ નીચું નિશાન "- એ પંક્તિ એમના માટે છે જે નિશાન રાખ્યા પછી એ દિશામાઁ જ તિર તાકી ને પ્રયત્ન કરતા હોય. આજના મેરિક અને સ્પર્ધાના યુગમાં  Luck is the another name of Hard Work એ વાત ખુબ ઓછા ગંભીર રીતે લે છે.

            દોસ્ત, અમારા સમયમાં અમને બે ય વસ્તુની ખુબ જ કિંમત હતી.પહેલી એ કે વહેલી તકે અભ્યાસ પૂર્ણ કરી ને સમયસર આર્થિક સધ્ધર થઇ જવું.અને પગભર થવામાં વિલંબ ન કરવો.ને બીજી વાત આ બધું અમે આત્મનિર્ભર રીતે જ કરતા .કોઈ પર ભારરૂપ થઈ ને નહિ..મારા જેવા અનેક મને યાદ છે જે કોલેજ કરતાં કરતાં નોકરી કે અન્યના ટ્યુશન કરીને પોતાનો ખર્ચ પોતે ઉઠાવે.આજે આમાંની બંને વાત માટે ખુબ ઓછા યુવાન ગંભીર છે.અરે ,લીધેલી 'એજ્યુકેશન લોન'પણ ભરપાઈ ન કરનારા નું મોટું પ્રમાણ બેન્ક NPA માં બતાવે છે.

          જો દોસ્ત અત્યારે તો અનેક નવી દિશાઓ ,નવા માર્ગદર્શન,નવી યોજનાઓ  અનેક અનેક આવે છે.જેને સાચા અર્થમાં કશુંક કરવું જ છે ,એની દિશા આપોઆપ ખુલે છે જ.પણ  Fortune favours those who are Brave  કહેવતમાં Brave શબ્દ એ શરત છે જેનું પાલન કરવા માં યુવાનો પાછળ રહી જાય છે.

        યુવાનની આજ પર તેની બધી આવતીકાલની ઘટનાઓનું ભવિષ્ય અવલંબે છે .સમજી ગયો ને ?

          ઘણું લખાઈ ગયું..આટલું વાંચવા માટે પણ તારો મૂલ્યવાન સમય ન બગાડવો જોઈએ.પણ આ માધ્યમથી કદાચ થોડામાં ઘણું સમજીને પ્રત્યેક યુવાન બને તેટલું જલદી આજથી જ પોતાને અનુકૂળ લક્ષ્ય નક્કી કરશે જ અને માત્ર ને માત્ર એ જ દિશામાં ચોક્કસ રીતે જ ચાલશે -દોડશે.તેનો આદર્શ અર્જુન જ હશે તે ચકલીની આંખ વીંધીને જ રહેશે .

            એની બ્રેકલેસ બાઈક વચ્ચે ક્યાંય થોભશે નહિ.. નિર્દિષ્ટ સ્થળે જ જઈ અટકશે.એની ગેરંટી. જાગ્યા  ત્યાંથી સવાર , 

             તને અને સર્વે યુવાનોને નિશ્ચિત લક્ષ્ય પ્રતિ જ કેન્દ્રિત થવાની શુભકામના .

                                                                                                                                      તારા દિનેશકાકા

-- દિનેશ.લ. માંકડ  9427960979

અન્ય લેખો વાંચવા  બ્લોગ પર ક્લિક કરો--.mankaddinesh.blogspot.com

Tuesday, March 23, 2021

યાત્રા 10 - સફર,સમયચક્રના ચગડોળે



 

યાત્રા  10  - સફર,સમયચક્રના ચગડોળે

            ગતિએ ચાલતો ચગડોળ ક્યારેક ઊંચે આસમાન દર્શન કરાવે તો ક્યારેક આસપાસની ખરબચડી જમીન.. સમયચક્રના ચગડોળે બેઠેલાં અમે ઉપર નીચે ને આસપાસના અનેક દૃશ્ય જોતાં રહ્યાં .

.         પ્રશ્નાર્થોમાં અટવાયેલા અમે.એક ગાંધીનગર અને બીજું માંડવી.બંને નોન-ટ્રાન્સફરેબલ .કાં તો ખાટે ટપાલ ખાતું ને કાં તો એસ.ટી.બસ. થોડો કસોટીકાળ શરુ થવાનો હતો, બંનેના ઈશ વિશ્વાસ અને આત્મવિશ્વાસે સમયચક્ર દોડતું રહ્યું. દરેક દિવસ પ્રશ્નાર્થ સાથે ઉગે ,પુરુષાર્થ પગલું માંડે.પણ પછી બીજા દિવસના ઉગવાની પ્રતીક્ષા.એની સેવાપોથીમાં રજા નોંધ વધતી ચાલે અને કચેરીમાંથી આવતા પત્રોના વળતા ઉત્તરોની વણજાર .ને મારી નજર અમદાવાદમાં 'શિક્ષક જોઈએ છે' ની વિજ્ઞાપન તરફ દોડતી રહે.કસોટીના એક વધુ ભાગ રૂપે બધા અખબારોએ કચ્છ આવૃત્તિ શરુ  કરતાં, અમદાવાદની આવૃતિઓ કચ્છ આવતી બંધ .એટલે વિજ્ઞાપનથી પણ વંચિત.પણ કરોળિયો થાક્યો નહોતો તો મારે થાકવાનું હોય જ નહિ .હું તો માણસ અમદાવાદના પરિચિત શોધવાના.. શિક્ષક સંઘના અમદાવાદના એક મિત્રને લખ્યું તો પ્રત્યુત્તર -" અંહીના સંચાલક તો સગાને પણ છોડતા નથી.લેવડ દેવડ કરવી હોય તો પ્રયત્ન કરું." તો બીજી તરફ કચ્છમાં આવેલી કેન્દ્ર સરકારની તમામ કચેરીમાં ડેપ્યુટેશન માટેની અરજીઓ.'ચલના જિનેકી નિશાની.'

          મારા અવનવું લખવાના ક્ષેત્રમાં 'નવશિક્ષિતો 'માટેની પુસ્તિકા "ભૂલ્યા ત્યાંથી ગણીએ " ને રાષ્ટ્રીય પારિતોષિક ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય તરફથી મળ્યું.એક છોગુ ઉમેરાયું.

         સંઘર્ષની ઘડીઓમાં અમારા વિષાદને રોકવા ઈશ્વરે વિચાર્યુંને અમારા ચહેરાઓને ખીલવવા માટેનો અવસર આપ્યો.નવમી જૂન 1984 ના રોજ " પાર્થ " આવ્યો ! જેઠ સુદ ભીમ અંગિયારસ, ગાંધીનગર. રંજનાના મામી જયકુમારીબેનના હાથમાં આવેલાં નવજાત શિશુ નું નામ તેમણે તરત 'પાર્થ ' જ રાખી દીધું. યોગાનુયોગ થોડા દિવસ પછી આવેલા જ્યોત્સ્નાબેન { ફોઈ ) પણ એ જ નામ લઈને આવ્યાં પરિવારમાં મંગલમય વાતાવરણમાં આનંદ છવાયો. દિવસે ન વધે એટલો રાતે વધે. તેના કાલાઘેલા હાવભાવ અને હાસ્ય-રૂદનના અવનવા રંગઢંગ જોવામાં દિવસો દોડતા હતા.ઘરમાં અમારા બે ના સંવાદોમાં હવે એક નવો સ્વર પણ ઉમેરાતો. ટેપ રેકોર્ડરનો સમય હતો એટલે તેના અવાજ અને ભાવોનું ક્યાંક રેકોર્ડિંગ થતું.'મમ્મી મમલાના લાડુ લઇ જા'-'હું ખાઈ જાઉં ?' જેવા કેટલાય વાક્યો તો આજે પણ સ્મરણ પથે ચાલે છે. હનુમાન ચાલીસા સાથે હિંચકા પર સૂવું એ તો જાણે તેનો મનગમતો ક્રમ.પાર્થના ઉછેરમાં તેના નાના,નાની અને માસીનો રોલ ભુલાય તેવો નથી.

            અચાનક વિચાર આવ્યો કે મારાં વેકેશનનો લાભ કેવી રીતે લઇ શકાય ?  હિંમતે મર્દા તો મદદે ખુદા. રિલીફ રોડની પોળમાં સ્વામિનારાયણ ભુજનું એક ગેસ્ટહાઉસ મળી આવ્યું.રોજનું એક રૂપિયો ભાડું. એ જાય લાલ દરવાજા ઓફિસે ને હું તથા પાર્થ વાંચનાલયમાં વિજ્ઞાપનો શોધવા ને કોઈ ટ્રસ્ટીને મળવા. ક્યારેક લોજનાં કુપન,આઝાદના પુરી શાક તો કોઈવાર ટિફિન આરોગવાનો આનંદ  લેતાં લેતાં ,બે ત્રણ વર્ષ આવાં દિવાળી અને મે વેકેશનો આવાં ગાળ્યાં.આ તો તપશ્ચર્યાનો ભાગ હતો.વચ્ચે કોઈ ઈન્ટર્વ્યુ આવે તો આપવાના.એકના એક કચેરી અને બોર્ડ પ્રતિનિધિઓ તો મોટેભાગે ફાઈલ જોવાની તસ્દી પણ ઓછી લેતા..લગભગ ઘણા જ કિસ્સામાં તો ઉમેદવારની પસંદગી અગાઉથી થઇ જ ગઈ હોય ! 

            યાત્રાના પડાવોમાં ક્યાંક કપરી યાત્રા પણ હોય.  મારાં સ્વાસ્થ્યને એક ગ્રહણ લાગ્યું..લાબું ચાલ્યું..સારવાર લંબાતી ચાલી.ગાંધીનગર અલગ ઘર રાખી આરામ અને ઈલાજ ચાલ્યા.તબીબોનો અદભુત સહકારે મને સાજો નરવો કર્યો.અહીં પણ પરિવાર અને ખાસ કરીને  મુ..કુમુદભાઈ મુ.કુંતાબેન અને તેમના પરિવારની સેવા ભુલાય તેવી નથી.

           એ સમયે ધોરણ 12 બોર્ડના પેપર ઘેર જોવા આવતાં. એક બે કિસ્સા નોંધવાનું મન થાય છે.ઉત્તર ગુજરાતના એક શહેરની GEB ની ગાડી મારા માંડવીના ઘર પાસે આવી ઉભી.અધિકારી ઉતર્યા.-" અમારા મોટા સાહેબના દીકરાની એકાઉન્ટન્સીની ઉત્તરવહી તમારી પાસે છે. તેઓ હૃદયની બીમારીના દર્દી  છે.કૈંક કરો."- મેં પૂછ્યું કે હું તો જે ગુણ આવતા હશે તે જ  મુકીશ,પણ બાકીના પરિણામ ?" તેઓનો ઉત્તર 'લાઈન ક્લિયર કરીને છેવટે 400 કી.મી.દૂર તમારી પાસે આવ્યા છીએ.'.વડોદરાથી એક પોલીસ અધિકારી તો ગણવેશમાં આવ્યા હતા.એક તો સચિવાલયના ઉચ્ચ અધિકારીની ભારપૂર્વક ભલામણ લઈને આવેલા.આ સહુને નિરાશ કરીને જ મોકલ્યા.એક આદર્શ નિવાસી શાળાના વ્યાયામ શિક્ષક આવ્યા ,' બેનને કાપડું આપવું છે '-સ્પષ્ટ ના પાડીને મેં પૂછ્યું,' કેમ આવ્યા છો ?' કહે કે ," ભાણીયાને કોપી કરાવતો હતો.પટાવાળો જોઈ ગયો છે .ને ફરિયાદ કરવાનો છે, નિયમ મુજબ તો મારી નોકરી જશે , એટલે તમારી પાસે આવેલ ભાણીયાના પેપરમાંથી  મારા અક્ષર કાઢવા છે." એને પણ ધોયેલા મૂળાની જેમ જ પાછો કાઢ્યો.

        સંઘર્ષયાત્રાના લગભગ  છએક વર્ષ પસાર થયાં હશે,ત્યાં અચાનક એક આશા કિરણ પ્રગટ્યું..જેની વાત યાત્રાના પછીના પડાવમાં

. દિનેશ  લ. માંકડ  ( 9427960979 )

અન્ય લેખ વાંચવા માટે બ્લોગ લિંક પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.coms

Thursday, March 18, 2021

વંદન સરદારના ચરણોમાં --પ્રવાસ વર્ણન



 

                                  વંદન સરદારના ચરણોમાં --પ્રવાસ વર્ણન

           વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા STATUE OF UNITY નો  પ્રવાસ એ સાચાઅર્થમાં યાત્રા અને પ્રવાસ છે. તારીખ 9 મી અને 10 મી માર્ચ 2021. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રવાસ કર્યો.અમે બે પરિવાર - અમારા પરિવારમાં હું ( દિનેશ ) ,રંજના ,પાર્થ ગ્રીવા ,શર્વાણી અને પરાર્ઘ્યા અને પાર્થના મિત્ર કેદારભાઈ ઉપાધ્યાય પરિવાર- તેમના પિતાશ્રી જનકભાઈ, મીનાબેન ,કેદારભાઈ ,ફોરમબેન ,અન્વેષા,કૃષ્ણવી,સિદ્ધાર્થ ભાઈ,હીનાબેન ,આશ્વી ,અને  ખાસ તો વિશ્વની આઠમી અજાયબી જોવા 93 વર્ષના કેદારભાઈના નાની કંચન બેન જોડાયા .નવમી સવારે પોતાની કારમાં પ્રયાણ કર્યું.અમદાવાદથી કેવડિયા કોલોની 195 કી.મી.નું અંતર માધ્ય વિરામ સાથે લગભગ પાંચેક કલાકમાં પૂર્ણ થયું.

        આશરે 20000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસેલું આ તીર્થધામ 20 જેટલા પર્યટક સ્થાન ધરાવે છે. જેવાં કે વિશ્વની સૌથી ઊંચી સરદારશ્રી ની પ્રતિમા ,સરદાર સરોવર ડેમ,ફ્લેવર ઓફ વેલી,એકતા મોલ,એકતા નર્સરી,ડાયનોસોર પાર્ક,ડિજિટલ,ફોરેસ્ટ વર્લ્ડ,રિવર રાફ્ટિંગ,કેટટસ ગાર્ડન,જંગલ સફારી,બટરફ્લારાય પાર્ક,ચીલ્ડરન નેશનલ પાર્ક,ટ્રાયબલ મ્યુઝિયમ,વિશ્વાવન,આરોગ્ય વેન,યુનિટી ગ્લો ગાર્ડન,સરદાર સરોવર, બોટિંગ,રિવરફ્રન્ટ સાયિકલિંગ,ઇકો ટુરિઝમ બસ ટુર એકતા ક્રુઝ.એમાંથી સમયની અનુકૂળતા,અંગત પસંદગી અને પ્રાથમિકતાના આધારે સ્થળોની મુલાકાત લઇ શકાય.

           નવમી માર્ચ 2021 ના રોજ સવારે નવેક વાગ્યે પોતાની જ કારમાં પ્રયાણ કર્યું.કેદારભાઈ પરિવાર તેમના નિવાસ સ્થાન ગાંધીનગર થી નીકળ્યા.વડોદરા સાથે થયા .થોડો વિરામ.બાદ ફરી આગળ.બપોરે બે વાગ્યા આસપાસ નર્મદા  જિલાના કેવડિયા કોલોનીમાં આવેલ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી 'પર્યટન ધામ પહોંચ્યા.એક બે કિલોમીટર બાકી હોય ત્યારથી જ સરદાર સાહેબ જાણે આવકારતા હોય તેમ દૃશ્યમાન થાય,તેનો રોમાંચ કાંઈક વિશેષ જ હોય.ટેન્ટ સીટી -2 તરફ પ્રયાણ. પાર્થ,કેદારે ઓનલાઇન બુકીંગ કરાવેલ એટલે ચેક-ઈન પ્રક્રિયા પૂર્ણ થઇ.ચેક-ઈન પોઈન્ટથી ટેન્ટ સુધી જવા બેટરી કારની સુવિધા.સામાનનું પણ એરપોર્ટની ટેગિંગ કરીને ટેન્ટ સુધી પહોંચાડવાની સુવિધા આવકારદાયક.

          ટેન્ટ નંબર 615 અને 616માં અમે અને પાસેના ટેન્ટ્સમાં કેદારભાઈ પરિવાર.ટેન્ટ એટલે આધુનિક હોટેલની તમામ સુવિધા ઉપલબ્ધ.ડબલ બેડ,મોર્નિંગ ટી સેટ,એસી.પંખો ,પૂરતું પીવાનું પાણી ,ઇન્ટરકોમ વગેરે .બાથરૂમ પણ ગીઝર ,બાથ કીટ સાથે. ઇન્ટરકોમથી નવ નંબર પર સંદેશ મોકલી બેટરી કાર મંગાવીને ડાઇનિંગ હોલ ભણી.. આશરે 400 વ્યક્તિની ક્ષમતાના વિશાળ ડાઇનિંગ હોલ ગુજરાતી ભોજન પણ છાશ સહીત ઉત્તમ.ભોજન બાદ આરામ અને આયોજન.

          પાંચ વાગ્યે સમૂહમાંથી પાંચેક સભ્યો જંગલ સફારી ની સફરે. અહીં પણ આખા વિસ્તારની બેટરી કાર સફર હતી. 375 એકરમાં વિસ્તરેલાં  'જંગલ સફારી' ની વિશેષતા એ છે કે અહીં ગુજરાતમાં દુર્લભ એવા પ્રાણી-પક્ષીઓ મુકવામાં આવ્યા છે.વાઘ તો ખરો જ ,ગેંડો,વિવિધ જાતિના હરણ,સાબર ,ઝીબ્રા,જિરાફ ભિન્ન પ્રકારના કાચિંડા ,વાંદરા અને નામ ન આવડે એવા અનેક પક્ષી પ્રાણી અહીં લાવી મુકાયા છે.

         મોડી સાંજે અમે સહુ 'ગ્લો ગાર્ડન ' ની મુલાકાતે પહોંચ્યાં. દરેક વૃક્ષ ,ફૂલઝાડ,ઇલેક્ટ્રોનિક વીજળીથી બનેલાં છે.વિવિધ પ્રાણી પક્ષી ઇલેક્ટ્રોનિક વીજળીથી ઝળહળતા જોઈને મન ચોક્કસ અચરજ થાય.ચંદ્રના આકારમાં બેસીને ફોટો પડાવવાની ઈચ્છા સૌને થઇ જાય.કદાચ ગુજરાતમાં આ એક માત્ર ગ્લો ગાર્ડન હશે..

          પરત આવી રાત્રી ભોજન .ડાઇનિંગ હોલના મ્યુઝિક કોર્નરમાં ઇલેક્ટ્રિક ગિટાર સાથે .'લાઈવ ગીતો ' ગાતા યુવાન દ્વારા--બેઠેલા સહુના મન પણ ડોલી ઉઠતાં હતાં. એક સરખા ટીશર્ટમાં એક અન્ય જૂથ દ્વારા તો તેને પાનો ચડાવી પસંદગીના ગીતોએ તો જૂથ આખાં ને હિલોળે ચડાવ્યું.રાત્રે નજીકના રંગમંચ પર આદિવાસી નૃત્ય કાર્યક્રમના અવાજ આવતા હતા .થાકને લીધે જવાનું ટાળ્યું.

           બીજે દિવસે દસમી તારીખે ડાઇનિંગ હોલમાં જ સવારનો નાસ્તો કરીને સરદારશ્રીની ભવ્ય પ્રતિમા તરફ પ્રયાણ .ખુબ જ શ્રેષ્ઠ આયોજન અને ડિઝાઇન્ડ કરેલા આ સ્થાન માટે જેણે વિચારબીજ મૂક્યું તે શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેને મૂર્તિમંત કરનાર તમામ અધિકારીગણ ,ઇજનેરો અને શ્રમિકો પુરેપુરા અભિનંદનને પાત્ર છે.પૂરાં પ્રાકૃતિક સૌંદર્ય અને મા નર્મદાના ખોળે વિકસેલું આ તીર્થ પર્યટકો માટે સરળ સુવિધાજનક છે  Q R  કોડથી ટિકિટ ચેક કરીને પ્રવેશ.પ્રતિમા સુધી જવા માટે રસ્તો લાંબો હોઈ  પૂરતાં પ્રમાણમાં સપાટ અને ચડવાના એસ્કેલેટરસને લીધે થાક ન વર્તાય.

            પિસ્તાલીસમાં માળે આવેલી viewing galary પર  લિફ્ટમાં જવાય છે. આ સ્થળ મૂળ પ્રતિમાની સરદારશ્રીના હૃદયનો ભાગ છે.અહીં સરદારશ્રીના દેશી રાજ્યોના વિલીનીકરણ નો વિસ્તૃત ઇતિહાસ ફોટાઓ અને વિગતોમાં સમાવી લેવાયો છે. મોટાભાગના રાજાઓના સામૂહિકે ફોટા,રાજ્ય સુપરત કરવાની વિધિના ફોટા અને દસ્તાવેજ અહીં મુકાયા છે  ઇલેક્ટ્રોનિક મશીન દ્વારા જે રાજાઓ એ પ્રારંભિક અનિચ્છા દર્શાવી તેની વિગત સાથેની કવીઝ ,ઇતિહાસ રસિકોનું ધ્યાન ખેંચે છે.સરદારશ્રી ના ઝભ્ભા નું બટન અંદરથી જોવા મળે છે.અહીં નિઃશુલ્ક ગાઈડ દ્વારા પ્રતિમા વિષે વિગતવાર માહિતી અપાય છે. ચારે બાજુ મા નર્મદા ના દર્શન તેની પરીકામાઁ જેવો આનન્દ આપે અને એ પણ સરદારશ્રીના હૃદયમાં રહીને.

            ફરી લિફ્ટદ્વારા જ ઉતરીને તેમના ચરણોમાં જવા.તરફ..અહીં પણ પૂરતી એસ્કેલેટર સુવિધા છે.તેમના ચરણ પાસે ફોટો પડાવવા ઉભા હોઈએ ત્યારે એમના એક અંગુઠામાં આખું કુટુંબ આવી જાય! વિશાળ કાય પ્રતિમાને પાસેથી જોઈને સ્પર્શ કરીએ ત્યારે તેના શિલ્પકાર અને ઇજનેરોને નમન કરવાનું મન થઇ જાય.તેમના દેહના નખ શીખ બારીકાઇથી કરેલા ઘડતરથી,તેમને સજીવ જોવાનો અહેસાસ કરાવે .ખાસ તો લોખંડી પુરુષનો લોંખડી ચહેરો તો તેમની અડગતા પ્રદર્શિત કરે જ છે.અમે મન કહી ઉઠે કે સાચા અર્થમાં દેશની એકતા-અખંડતા નું શ્રેય તો  માત્ર અને માત્ર સરદારને જ અપાય .અને એમનું સ્મારક તો વિશ્વનું શ્રેષ્ઠ સ્મારક જ હોવું ઘટે અને છે. શિલ્પકાર રામભાઈ વી.સુથાર દ્વારા ડિઝાઇન્ડ કરાયેલી પૂર્ણ લોંખડની 182 મીટર ( 597 ફિટ ) આ પ્રતિમામાં દેશભરના ખેડૂતોના ઓજારોના અને નાગરિકોના સમર્પિત કરેલા લોંખડ પણ સમાવેશ છે .અમેરિકાની 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ' કરતા લગભગ બમણી આ ગૌરવપૂર્ણ પ્રતિમા છે. આખો પ્રોજેક્ટ ભારતની પ્રસિદ્ધ કંપની L & T દ્વારા તૈયાર કરાયો . 31 મી ઓકટોબર 2018 ના રો પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આ પ્રતિમાનું અનાવરણ કર્યું.

          સરદારશ્રીના ચરણોમાં એક વિશેષ વાત મૂકી છે. એમના ચરણોમાં એક પ્રતિજ્ઞા લેવાનું ઇલેક્ટ્રોનિક મશીન મુકાયું છે.નામ ,ઉંમર,સ્થળ લખી નિર્દેશિત નવ પ્રતિજ્ઞામાંથી એક પસંદ કરી ક્લિક કરવાથી સામેના પડદા પર નામ સાથે તે વંચાય.તેનો ફોટો પાડી શકાય.કુતુહલ પ્રેરક આ ઘટના પરોક્ષ રીતે રાષ્ટ્રીય ચારિત્ર્ય ઘડતરનું કાર્ય સૂચવે છે. પ્રત્યેક રાષ્ટ્રભકત ને એક પવિત્ર સ્થળ ની મુલાકાતની અવશ્ય અનુભૂતિ થાય છે. હવે 'એકતા ક્રુઝ ' માં નર્મદા નદીમાં જ સરદારશ્રીની પ્રતિમાને પરિકમ્મા કરવાની હતી.આવતા-જતા લગભગ કલાક થાય.આનન્દ આવ્યો.સાંજ પછી અમદાવાદ ભણી.

       સમગ્ર પ્રવાસ સુખદાયક રહ્યો.બે વસ્તુ ધ્યાન ખેંચે તેવી છે.મોટેભાગે દરેક પરિવાર  વર્ષે બે વર્ષે ધાર્મિક કે મનોરંજનીય પ્રવાસ કરે જ છે.આ સ્થળ રાષ્ટ્રભક્તિનું સ્થળ છે ગુજરાતમાં ક્રાંતિતીર્થ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અચૂક પણે  અગ્રતામાં હોવા જોઈએ.પ્રત્યેક ભારતીયની નૈતિક ફરજ અને ઋણ ચુકવવાની અહીં ભાવના છુપાયેલી છે.બીજી વાત કેવળ ચોપડીમાં વાંચીને દેશી રજવાડાંના વિલીનીકરણની વાત સમજી ને સંતોષ ન માનતા સાચા અર્થમાં અખંડ ભારતના શિલ્પીની સાક્ષીએ ઇતિહાસ જોવાનો આ અવસર છે.અને એ મેળવી જ લેવાય.

ચરણ વંદન એ મહા પુરુષને.

દિનેશ માંકડ 9427960979

અન્ય રસપ્રદ લેખો વાંચવા બ્લોગ લિંક પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com