વંદન સરદારના ચરણોમાં --પ્રવાસ વર્ણન
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા STATUE OF UNITY નો પ્રવાસ એ સાચાઅર્થમાં યાત્રા અને
પ્રવાસ છે. તારીખ 9 મી અને 10 મી માર્ચ 2021. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રવાસ કર્યો.અમે બે પરિવાર
- અમારા પરિવારમાં હું ( દિનેશ ) ,રંજના ,પાર્થ ગ્રીવા ,શર્વાણી અને પરાર્ઘ્યા અને પાર્થના મિત્ર કેદારભાઈ
ઉપાધ્યાય પરિવાર- તેમના પિતાશ્રી જનકભાઈ, મીનાબેન ,કેદારભાઈ ,ફોરમબેન ,અન્વેષા,કૃષ્ણવી,સિદ્ધાર્થ ભાઈ,હીનાબેન ,આશ્વી ,અને
ખાસ તો વિશ્વની આઠમી અજાયબી જોવા 93 વર્ષના કેદારભાઈના નાની કંચન બેન
જોડાયા .નવમી સવારે પોતાની કારમાં પ્રયાણ કર્યું.અમદાવાદથી કેવડિયા કોલોની 195
કી.મી.નું અંતર માધ્ય વિરામ સાથે લગભગ પાંચેક કલાકમાં પૂર્ણ થયું.
આશરે 20000
ચોરસ મીટર વિસ્તારમાં વિકસેલું આ તીર્થધામ 20
જેટલા પર્યટક સ્થાન ધરાવે છે. જેવાં કે વિશ્વની
સૌથી ઊંચી સરદારશ્રી ની પ્રતિમા ,સરદાર સરોવર ડેમ,ફ્લેવર ઓફ વેલી,એકતા મોલ,એકતા નર્સરી,ડાયનોસોર પાર્ક,ડિજિટલ,ફોરેસ્ટ વર્લ્ડ,રિવર રાફ્ટિંગ,કેટટસ ગાર્ડન,જંગલ સફારી,બટરફ્લારાય પાર્ક,ચીલ્ડરન નેશનલ
પાર્ક,ટ્રાયબલ મ્યુઝિયમ,વિશ્વાવન,આરોગ્ય વેન,યુનિટી ગ્લો ગાર્ડન,સરદાર સરોવર, બોટિંગ,રિવરફ્રન્ટ
સાયિકલિંગ,ઇકો ટુરિઝમ બસ ટુર એકતા ક્રુઝ.એમાંથી સમયની અનુકૂળતા,અંગત પસંદગી અને
પ્રાથમિકતાના આધારે સ્થળોની મુલાકાત લઇ શકાય.
નવમી માર્ચ 2021
ના રોજ સવારે નવેક વાગ્યે પોતાની જ કારમાં
પ્રયાણ કર્યું.કેદારભાઈ પરિવાર તેમના નિવાસ સ્થાન ગાંધીનગર થી નીકળ્યા.વડોદરા સાથે
થયા .થોડો વિરામ.બાદ ફરી આગળ.બપોરે બે વાગ્યા આસપાસ નર્મદા જિલાના કેવડિયા કોલોનીમાં આવેલ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી 'પર્યટન ધામ પહોંચ્યા.એક બે કિલોમીટર બાકી હોય ત્યારથી જ સરદાર સાહેબ જાણે
આવકારતા હોય તેમ દૃશ્યમાન થાય,તેનો રોમાંચ
કાંઈક વિશેષ જ હોય.ટેન્ટ સીટી -2 તરફ પ્રયાણ.
પાર્થ,કેદારે ઓનલાઇન બુકીંગ કરાવેલ એટલે ચેક-ઈન
પ્રક્રિયા પૂર્ણ થઇ.ચેક-ઈન પોઈન્ટથી ટેન્ટ સુધી જવા બેટરી કારની સુવિધા.સામાનનું
પણ એરપોર્ટની ટેગિંગ કરીને ટેન્ટ સુધી પહોંચાડવાની સુવિધા આવકારદાયક.
ટેન્ટ નંબર 615 અને 616માં અમે અને પાસેના ટેન્ટ્સમાં કેદારભાઈ પરિવાર.ટેન્ટ એટલે
આધુનિક હોટેલની તમામ સુવિધા ઉપલબ્ધ.ડબલ બેડ,મોર્નિંગ ટી સેટ,એસી.પંખો ,પૂરતું પીવાનું પાણી ,ઇન્ટરકોમ વગેરે .બાથરૂમ પણ ગીઝર ,બાથ કીટ સાથે.
ઇન્ટરકોમથી નવ નંબર પર સંદેશ મોકલી બેટરી કાર મંગાવીને ડાઇનિંગ હોલ ભણી.. આશરે 400 વ્યક્તિની ક્ષમતાના વિશાળ ડાઇનિંગ હોલ ગુજરાતી ભોજન પણ છાશ સહીત ઉત્તમ.ભોજન બાદ આરામ અને આયોજન.
પાંચ વાગ્યે સમૂહમાંથી પાંચેક સભ્યો જંગલ સફારી ની સફરે. અહીં પણ આખા
વિસ્તારની બેટરી કાર સફર હતી. 375 એકરમાં વિસ્તરેલાં 'જંગલ સફારી' ની વિશેષતા એ છે
કે અહીં ગુજરાતમાં દુર્લભ એવા પ્રાણી-પક્ષીઓ મુકવામાં આવ્યા છે.વાઘ તો ખરો જ ,ગેંડો,વિવિધ જાતિના હરણ,સાબર ,ઝીબ્રા,જિરાફ ભિન્ન
પ્રકારના કાચિંડા ,વાંદરા અને નામ ન આવડે એવા અનેક પક્ષી પ્રાણી અહીં લાવી
મુકાયા છે.
મોડી સાંજે અમે સહુ 'ગ્લો ગાર્ડન ' ની મુલાકાતે પહોંચ્યાં. દરેક વૃક્ષ ,ફૂલઝાડ,ઇલેક્ટ્રોનિક
વીજળીથી બનેલાં છે.વિવિધ પ્રાણી પક્ષી ઇલેક્ટ્રોનિક વીજળીથી ઝળહળતા જોઈને મન
ચોક્કસ અચરજ થાય.ચંદ્રના આકારમાં બેસીને ફોટો પડાવવાની ઈચ્છા સૌને થઇ જાય.કદાચ
ગુજરાતમાં આ એક માત્ર ગ્લો ગાર્ડન હશે..
પરત આવી રાત્રી ભોજન .ડાઇનિંગ હોલના મ્યુઝિક કોર્નરમાં ઇલેક્ટ્રિક ગિટાર સાથે
.'લાઈવ ગીતો ' ગાતા યુવાન દ્વારા--બેઠેલા સહુના મન
પણ ડોલી ઉઠતાં હતાં. એક સરખા ટીશર્ટમાં એક અન્ય જૂથ દ્વારા તો તેને પાનો ચડાવી
પસંદગીના ગીતોએ તો જૂથ આખાં ને હિલોળે ચડાવ્યું.રાત્રે નજીકના રંગમંચ પર આદિવાસી
નૃત્ય કાર્યક્રમના અવાજ આવતા હતા .થાકને લીધે જવાનું ટાળ્યું.
બીજે દિવસે દસમી તારીખે ડાઇનિંગ હોલમાં જ સવારનો નાસ્તો કરીને સરદારશ્રીની
ભવ્ય પ્રતિમા તરફ પ્રયાણ .ખુબ જ શ્રેષ્ઠ આયોજન અને ડિઝાઇન્ડ કરેલા આ સ્થાન માટે
જેણે વિચારબીજ મૂક્યું તે શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેને મૂર્તિમંત કરનાર તમામ
અધિકારીગણ ,ઇજનેરો અને શ્રમિકો
પુરેપુરા અભિનંદનને પાત્ર છે.પૂરાં પ્રાકૃતિક સૌંદર્ય અને મા નર્મદાના ખોળે
વિકસેલું આ તીર્થ પર્યટકો માટે સરળ સુવિધાજનક છે
Q R કોડથી ટિકિટ ચેક કરીને પ્રવેશ.પ્રતિમા સુધી જવા માટે રસ્તો લાંબો હોઈ પૂરતાં પ્રમાણમાં સપાટ અને ચડવાના એસ્કેલેટરસને
લીધે થાક ન વર્તાય.
પિસ્તાલીસમાં માળે આવેલી viewing galary પર લિફ્ટમાં જવાય છે. આ સ્થળ મૂળ
પ્રતિમાની સરદારશ્રીના હૃદયનો ભાગ છે.અહીં સરદારશ્રીના દેશી રાજ્યોના વિલીનીકરણ નો
વિસ્તૃત ઇતિહાસ ફોટાઓ અને વિગતોમાં સમાવી લેવાયો છે. મોટાભાગના રાજાઓના સામૂહિકે
ફોટા,રાજ્ય સુપરત કરવાની વિધિના ફોટા અને દસ્તાવેજ અહીં મુકાયા છે ઇલેક્ટ્રોનિક
મશીન દ્વારા જે રાજાઓ એ પ્રારંભિક અનિચ્છા દર્શાવી તેની વિગત સાથેની કવીઝ ,ઇતિહાસ રસિકોનું
ધ્યાન ખેંચે છે.સરદારશ્રી ના ઝભ્ભા નું બટન અંદરથી જોવા મળે છે.અહીં નિઃશુલ્ક ગાઈડ
દ્વારા પ્રતિમા વિષે વિગતવાર માહિતી અપાય છે. ચારે બાજુ મા નર્મદા ના દર્શન તેની
પરીકામાઁ જેવો આનન્દ આપે અને એ પણ સરદારશ્રીના હૃદયમાં રહીને.
ફરી લિફ્ટદ્વારા જ ઉતરીને તેમના ચરણોમાં જવા.તરફ..અહીં પણ પૂરતી
એસ્કેલેટર સુવિધા છે.તેમના ચરણ પાસે ફોટો પડાવવા ઉભા હોઈએ
ત્યારે એમના એક અંગુઠામાં આખું કુટુંબ આવી જાય! વિશાળ કાય પ્રતિમાને પાસેથી જોઈને
સ્પર્શ કરીએ ત્યારે તેના શિલ્પકાર અને ઇજનેરોને નમન કરવાનું મન થઇ જાય.તેમના દેહના
નખ શીખ બારીકાઇથી કરેલા ઘડતરથી,તેમને સજીવ જોવાનો અહેસાસ કરાવે .ખાસ તો લોખંડી પુરુષનો લોંખડી ચહેરો તો તેમની
અડગતા પ્રદર્શિત કરે જ છે.અમે મન કહી ઉઠે કે સાચા અર્થમાં દેશની એકતા-અખંડતા નું
શ્રેય તો માત્ર અને માત્ર સરદારને જ અપાય
.અને એમનું સ્મારક તો વિશ્વનું શ્રેષ્ઠ સ્મારક જ હોવું ઘટે અને છે. શિલ્પકાર
રામભાઈ વી.સુથાર દ્વારા ડિઝાઇન્ડ કરાયેલી પૂર્ણ લોંખડની 182 મીટર ( 597 ફિટ ) આ
પ્રતિમામાં દેશભરના ખેડૂતોના ઓજારોના અને નાગરિકોના સમર્પિત કરેલા લોંખડ પણ સમાવેશ
છે .અમેરિકાની 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ' કરતા લગભગ બમણી આ ગૌરવપૂર્ણ પ્રતિમા છે. આખો પ્રોજેક્ટ ભારતની પ્રસિદ્ધ કંપની L & T દ્વારા તૈયાર કરાયો . 31 મી ઓકટોબર 2018 ના રો પ્રધાનમંત્રી માનનીય શ્રી
નરેન્દ્રભાઈ મોદી એ આ પ્રતિમાનું અનાવરણ કર્યું.
સરદારશ્રીના ચરણોમાં એક વિશેષ વાત
મૂકી છે. એમના ચરણોમાં એક પ્રતિજ્ઞા લેવાનું ઇલેક્ટ્રોનિક મશીન મુકાયું છે.નામ ,ઉંમર,સ્થળ લખી
નિર્દેશિત નવ પ્રતિજ્ઞામાંથી એક પસંદ કરી ક્લિક કરવાથી સામેના પડદા પર નામ સાથે તે
વંચાય.તેનો ફોટો પાડી શકાય.કુતુહલ પ્રેરક આ ઘટના પરોક્ષ રીતે રાષ્ટ્રીય ચારિત્ર્ય
ઘડતરનું કાર્ય સૂચવે છે. પ્રત્યેક રાષ્ટ્રભકત ને એક પવિત્ર સ્થળ ની મુલાકાતની
અવશ્ય અનુભૂતિ થાય છે. હવે 'એકતા ક્રુઝ '
માં નર્મદા નદીમાં જ સરદારશ્રીની પ્રતિમાને
પરિકમ્મા કરવાની હતી.આવતા-જતા લગભગ કલાક થાય.આનન્દ આવ્યો.સાંજ પછી અમદાવાદ ભણી.
સમગ્ર પ્રવાસ સુખદાયક રહ્યો.બે વસ્તુ ધ્યાન ખેંચે તેવી છે.મોટેભાગે દરેક
પરિવાર વર્ષે બે વર્ષે ધાર્મિક કે
મનોરંજનીય પ્રવાસ કરે જ છે.આ સ્થળ રાષ્ટ્રભક્તિનું સ્થળ છે ગુજરાતમાં ક્રાંતિતીર્થ
અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અચૂક પણે
અગ્રતામાં હોવા જોઈએ.પ્રત્યેક ભારતીયની નૈતિક ફરજ અને ઋણ ચુકવવાની અહીં
ભાવના છુપાયેલી છે.બીજી વાત કેવળ ચોપડીમાં વાંચીને દેશી રજવાડાંના વિલીનીકરણની વાત
સમજી ને સંતોષ ન માનતા સાચા અર્થમાં અખંડ ભારતના શિલ્પીની સાક્ષીએ ઇતિહાસ જોવાનો આ
અવસર છે.અને એ મેળવી જ લેવાય.
ચરણ વંદન એ મહા પુરુષને.
દિનેશ માંકડ 9427960979
અન્ય રસપ્રદ લેખો વાંચવા
બ્લોગ લિંક પર ક્લિક કરો.
mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment