પપ્પા -એક અને અજોડ દિનેશ લક્ષ્મીલાલ
માંકડ અમદાવાદ
વેદ વિધાન " માતૃ દેવો ભવ " અને " પિતૃ દેવો ભવ "યથાર્થ જ
છે .પાલનપોષણ અને સંસ્કારમાં માતા ની મક્કમતા હોય ને ઘડતરના પાઠ પિતા પઢાવે.સમયની બલિહારી અને પશ્ચિમી સંસ્કૃતિના વાયરે માતા-પિતા
પ્રત્યેનો અતિ આદર કદાચ ક્યાંક ઘટ્યો પણ છે ,છતાં ગૌરવશાળી
ભારતમાં માતા- પિતા તો હંમેશ આદરપાત્ર જ રહેવાના.
દાદા વેજનાથભાઈ કચ્છ રાજ્યના એકાઉન્ટન્ટ
જનરલ એટલે પિતા લક્ષ્મીલાલભાઇમાં વહીવટી કુશળતા તો વારસામાં જ હતી. સ્વતંત્ર
ભારતના મહેસુલ વિભાગમાં જોડાયા.અમે નાના હતા ત્યારે, સવારે ઉઠીયે
ત્યારે લગભગ રોજ 'હું ડીસ્ટ્રીકટમાં જાઉં છું '- શબ્દ કાને પડતા (.' ડીસ્ટ્રીકટ ; શબ્દ જિલાના
સરકારી ગ્રામ્ય પ્રવાસ માટે વપરાતો.) આટલા દિવસો ઘરની
બહાર રહેવા અને માત્ર એસ,ટી. દ્વારા પ્રવાસ છતાં થાક વગર ઘરની-બાળકોની સતત કાળજી
લેતા મારા પિતાજીએ મોટા જીલા કચ્છના નવે નવ તાલુકા ખૂંદી નાખ્યા..એમની સહન શક્તિ અને નોકરી નિષ્ઠા
અદભુત હતી. મહેસુલ ખાતામાં સર્કલ ઇન્સ્પેક્ટર તરીકે જીલાના ખેડૂતોની હજારો એકર
જમીનની સમસ્યાઓ હલ કરવા જતા .છતાં પોતાના નામે એક ઇંચ પણ જમીન ( કે મકાન ) નિવૃત્તિકાળ સુધી પણ નહોતું ,એનો અમને અફસોસ નહિ પણ ગર્વ છે ! બઢતી મળે ને હોદા રૂએ ,થોડા વધારે પાવર્સ મળ્યા ત્યારે ભુજ શહેરની જાહેર બજારમાં એક વગદાર વ્યક્તિની
મિલકતની જાહેર હરરાજી કરવાના સાહસ હિમ્મતે
તો સહુને આશ્ચર્યમાં નાખી
દીધેલા.અમને તેમની નીડરતાના ગુણ અમને જીવનમાં અવશ્ય પ્રેરણા રૂપ બન્યા છે.
ઈશ્વર પ્રત્યેની તેમની શ્રદ્ધા અજોડ હતી.ભુજમાં હોય ત્યારે એક દિવસ ચુક્યા વગર
સવારે પાંચ વાગ્યે કલ્યાણેશ્વર મહાદેવની પૂજા કરવા 'કલ્યાણેશ્વર ભક્ત મંડળ 'ના પ્રતિનિધિ બની
અચૂક કરતા .કોઈ પણ ઋતુ હોય એમનો આ ક્રમ તૂટ્યો નથી જાણ્યો.એમનું એક વાક્ય
-બ્રહ્મ વાક્ય હતું," ઈશ્વર તો હાજરા
હજુર છે" અને જીવનની પ્રત્યેક ક્ષણે આ વાક્ય પ્રત્યેની તેમની શ્રદ્ધા રાખીને
કાર્ય કરતા અને ખરેખર પ્રસંગો પાર નિર્વિઘ્ને પાર પડતા.આજે અમે પણ કેટલીયે વાર આ
વાક્યને સામે રાખીએ ત્યારે ચમત્કારિક રીતે મુશ્કેલ માર્ગ સાવ સરળ બની જાય છે .
પરિવાર પ્રત્યેના લાગણી અને જવાબદારીના તેમના અનન્ય વલણને
તો ક્યારેય ભુલાય તેવું નથી. અમારા સહુ માટે તો સતત સચેત રહેતા જ .નિવૃત્તિ પછી પણ આશરે દસેક વર્ષ મુખ્યશિક્ષકથી માંડીને મેનેજરની
સેવા આપી,પરિવારને મજબૂત બનાવ્યો. ફોઈના મુખેથી સાંભળ્યું છે કે
.".નોકરીના પ્રારંભકાળમાં પગાર કચ્છી ચલણ 'કોરી'માં આવતો ત્યારે.વીરપસલી પ્રસન્ગે નાની બહેનને
થેલામાં હાથ નાખી ને મુઠ્ઠીમાં આવે તેટલી 'કોરી' લેવાનું કહે ! " તેમના બે લઘુબંધુઓ યુવાવયમાં
અવસાન પામ્યા તો તેમના પરિવારને-બાળકોને પગભર થવા -ટેકો
આપવા યથા પ્રયત્ન પણ કર્યા .એક પિત્રાઇ ભાઇના સ્વમુખે સાંભળેલું છે કે ." ભાઈ
( પિતા ) એ અમારા માટે એટલું કર્યું છે કે અમારી ચામડીના જોડા એમના માટે સીવડાવીએ
તો પણ ઓછું કર્યું કહેવાય "
જ્ઞાતિ અને જ્ઞાતિ સંતાનોના હિત ને એમણે હંમેશ જોયું..ભુજની મોટી જ્ઞાતિ સંસ્થામાં તો સેવા આપી જ,સાથે સાથે 'સ્વામી શિવાનંદ આહ્નિક અને વેદાંત પાઠશાળા’ ના સક્રિય ટ્રસ્ટી રહી જ્ઞાતિહિતની સેવાઓ આપી.
આધ્યાત્મિક સંત મહાત્માઓના નિયમિત વ્યાખ્યાન અને જ્ઞાતિના સંતાનો માટે તમામ
સ્તોત્ર ,ગીતાજી. શાસ્ત્રોક્ત ત્રિકાળ સંધ્યાં વગેરેના વર્ગો પણ તેમના સમયમાં થતા
રહેતા.
વયવૃદ્ધિ સાથે શારીરિક તકલીફો વધે તે સ્વાભાવિક છે પણ પિતાશ્રીએ પોતાની ઓછામાં
ઓછી તકલીફો બીજાને કહી છે. તેઓ કહેતા ,'જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી બીજાને તકલીફ ન
આપવી.' 1983 નું વર્ષ .લગ્ન
પછી હું થોડા જ દિવસ માટે બહાર ગયો.વેકેશન તો 10 મી મે ના રોજ પૂરું થતું હતું..7 મી મે જ મને
થયું ,’હવે ઘર ભણી વાટ પકડીએ.’.આઠમી મે સવારે સાત
વાગ્યે મેં ઘરની ડેલી ખોલી ને પ્રવેશ કર્યો.દાતણ કરતાં કરતાં તેઓ બોલ્યા,"આબુ આવ્યું."- એ એમના અંતિમ શબ્દો હતા.જાણે કે મારી રાહ જ ન જોતા હોય ?
પ્રત્યેક સમજદાર પિતા પોતાના પુત્રને પોતાથી સવાયો પુરવાર કરવા કર્મનિષ્ઠ રહે
છે -સંકલ્પનિષ્ઠ રહે છે .તેને ઝીલવાની તાકાત પુત્રમાં હોય એ જ આજના સમયની માંગ
છે.અસ્તુ.
અન્ય લેખ વાંચવા માટે
બ્લોગ પર ક્લિક કરો
Mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment