Readers

Thursday, February 11, 2021

યાત્રા -9 --આંસુના અવતાર બે

 



           યાત્રા -9    --આંસુના અવતાર બે 

      ' હવે આપણે તરત સુપાત્ર શોધવું પડશે '- યથા સમયે પ્રત્યેક માતાપિતાના મુખમાંથી નીકળતા શબ્દો અમારા ઘરમાં પણ નીકળવાના શરુ થઇ ગયેલા પિતાશ્રીના નિકટનાં બહેન ભાગીરથીબહેન માંડવી આવ્યાં ને ભાઈને મળવા તો અવાય. ' ગાંધીનગરમાં કુમુદભાઈની  દીકરી છે હોશિયાર ને તેઓ કચ્છમાંથી જ જાણીતાં કુટુંબમાંથી છોકરો શોધવા માંગે છે '- પ્રક્રિયા શરુ.માહિતી અને મુલાકાત.પણ. 

         રંજનાની નોકરી એ.જી.ઓફિસ અમદાવાદની..સ્ટાફ સિલેક્શનની સ્પર્ધાત્મક પરીક્ષાથી મળેલી પ્રતિષ્ઠિત નોકરી.તેની તો કચ્છમાં શાખા જ નહિ. ને મારી ગ્રાંટેબલ શાળામાં.સીધી બદલી થાય નહિ. પણ બંનેના પિતા ખુબ શ્રદ્ધાળુ 'ચોક્કસ કૈંક રસ્તો નીકળશે જ.'-ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા રાખીને થયું પાક્કું. 14 જાન્યુઆરી 1983.'સ્મરણ પથે જો તું આવે તો એક ને એક એક થાય. સગપણ ,સામોરતાં, વગેરે વ્યવહાર શૃંખલાની  સાથે બંને ઘરના દ્વારે ટપાલીની અવરજવર વધી ગઈ. સોનેરી સપનાઓમાં અવનવી  આકંક્ષાઓના આકાર ઘડાતા રહ્યા. અભિવ્યક્તિઓના ઉછાળા તો સાત સમંદર પર જઈ પહોંચ્યા .

          અને તારીખ 28મી મે 1983 ના શુભદિવસે ભુજ ખાતે અમે અગ્નિ સાક્ષીએ સપ્તપદીના પગલે જોડાયાં નવજીવન પ્રારંભ.લગ્ન એટલે પરસ્પરની સાંકળ જોડીને વિકસવાનો માર્ગ.ગુણોનો સ્વીકાર અને અવગુણોની વિદાય..પરસ્પર પ્રાપ્તિ અને પૂરકના સમીકરણથી પૂર્ણ થવાની ગતિ એટલે જ જીવન..એ વખતે તો નાની દોટ આબુ સુધી જ રહી.  માસ્તર સાહેબ તો વેકેશનમાં જ મહાલે.’.10 મી મે એ તો શાળા ખુલે છે આજે સાતમી મે છે વળો પાછા.’

. આઠમી મે સવારે સાત વાગ્યે ઘરની ડેલી ખોલી .પિતાશ્રીનો અવાજ સાંભળ્યો ," આબુ આવ્યું." - આ એમના છેલ્લા શબ્દો હતા .જાણે અમારી જ રાહ જોતા હોય તેમ 'હરિ ૐ  તત્સત' બોલી  એમણે સદાને માટે આંખ મીંચી લીધી.

            ન કલ્પી શકાય તેવી અણધારેલી ઘટના .અસહ્ય આઘાત  કુદરતથી પણ કદાચ ક્યારેક આનંદનો અતિરેક નહિ જોઈ શકાતો હોય પરિવારના સહુ તો હજુ શુભપ્રસંગને વાગોળતાં જ હતાં ને કુદરતે કુટુંબ મોભીને છીનવીને પોતાની ક્ષમતા બતાવી દીધી જેણે હજુ ઘરના બધા ખૂણા પણ જોયા નહોતા તે રંજનાની સ્થિતિની કલ્પના જ કરી  શકતી નહોતી. .સ્વાભાવિક છે કે સૌથી વધુ આઘાત માતુશ્રીને હોય.શારદામાસી (એમના નાના બહેન ) ની હાજરી તેમને અને અમને શોકમાંથી બહાર લાવતી હતી.

          પણ માતુશ્રી મોટીબેન તો પિતાશ્રીની ગેરહાજરી માની જ નહોતાં શકાતી.પરિવાર સભ્યોને પૂછતાં કે 'તમારા બાપને ગરમ રોટલી આપી ?' અમે સહુ પરસ્પર સામે જોઈ બેસી રહેતાં. પણ હકીકતમાં તો સાચ્ચે જ તેઓ પિતાશ્રી ( ભાઈ ) ની હાજરી અનુભવતાં હતાં કે શું ?  કે પિતાશ્રી સાથે સંવાદ કરતાં હશે ? 15 મી જૂન એટલે કે પુરા સાતમાં જ દિવસે તેમણે સ્વર્ગપ્રયાણ કર્યું. સાત જ દિવસમાં અમે સહુ સાવ છત વગરના થઇ ગયાં.અમારા સહુ માટે માથું મુકવા શારદામાંસી હતાં ને બંને બહેનોનો નાતો તો જુઓ. પિતાશ્રીની વિદાય માટે આશ્વાસન આપવા આવેલ નાની બહેનની હાજરીમાં મોટીબેનએ-માતુશ્રીએ વિદાય લીધી! 

            એક સાથે બે આઘાત સહન કરવાની અમારી શક્તિની પ્રભુએ  ખરી કંસોર્ટી કરી લીધી. ખાલીપાનો અનુભવ અને પરિવારને જોડતી કડીનો જોડતા બે ય  મેરુદંડની  અચાનક એકસાથે વિદાયે અમને બધાંને ઓચિંતાં મોટાં કરી દીધાં .

        ઈશ્વરે આંખને પરસ્પર બે વિરોધી કામ સોંપ્યાં છે. ખુશીના હર્ષ ના આંસુથી અમી વર્ષા પણ  કરી શકે અને એ જ આંખ કરુણાના ધોધ પણ વહાવી શકે.અમારી સહુની આંખે થોડાક જ  દિવસોમાં આંસુના આ બે ય અવતાર ધારણ કરી લીધા.

          ' જન્મે તેનું મૃત્યુ ' -'જવાનું તો દરેકે છે'- 'દુઃખનું મારણ સમય '- સ્વજનોના સાંત્વનો વચ્ચે સમયદેવતા પોતાની ઘડિયાળ ચલાવતા રહ્યા રંજનાના માતુશ્રી કુંજલતાબેન  અને પિતાશ્રી  કુમુદભાઈ તો સાવ હતપ્રભ જ હતાં-નિશબ્દ હતાં દીકરી સહીત સહુને 'હિમ્મત રાખવા 'નું કહીને ગયાં. ક્ષણો ,મિનિટ,કલાક દિવસ અને મહિનાઓ ...સહુ પોતાનાં રોજિંદાં જીવનમાં ગોઠવાતાં ગયાં. છેવટે અનેક પ્રશ્નાર્થો વચ્ચે અમે રહ્યાં .


No comments:

Post a Comment