યાત્રા -8 મધદરીયે --
મઝધારે
વર્તમાનપત્ર જ આશરો.વિજ્ઞાપન જોવાનીને
અરજી કરવાની .પણ એક સોનેરી દિવસ ઉગ્યો.માંડવીની
પ્રતિષ્ઠિત સંસ્થા શેઠ ખીમજી રામદાસ કન્યા
વિદ્યાલયની વિજ્ઞાપન ! અરજી કરી .ઇન્ટરવ્યૂ . 90 વર્ષના અનુભવી ટ્રસ્ટ્રીશ્રી રણછોડદાસભાઈએ અનેક અઘરા સવાલ પૂછીને ચકાસી લીધો. '
અમારી દીકરીઓ તમને ભણાવવા સોંપવી છે.'- થોડા દિવસે ટપાલમાં નિમણુંક આદેશ ! ઈશ્વર શબ્દનો પ્રયાય ચમત્કાર રૂપે આવે.13-07-1977. ફરી ઉ.મા .શાળામાં શિક્ષક
1951 માં સ્થાયેલી સંસ્થાનું સ્થાન રાજ્યની ઉત્તમ શાળાઓમાં હતું આ વર્ષથી અહીં કુમારો પણ જોડાયા. મકાન અને
સંસાધનથી વિકસિત સંસ્થાનું સમગ્ર પર્યાવરણ જ પ્રેરક બનતું. લાંબી દૃષ્ટિ અને
વ્યક્તિ ઓળખની સૂઝવાળા આચાર્ય શ્રી પ્રભાબહેનએ ખુબ નવા વિષય આપ્યા .વિશાળ
પુસ્તકાલય અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ માટે મોકળા મેદાનને લીધે સ્વયં પણ શિક્ષણ અને
અભ્યાસિક રીતે સહજ વિકસિત થતો ગયો.
હજુ છએક મહિના ગયા ને રોજગાર કચેરીના માધ્યમથી સરકારી માધ્યમિક શાળાનો હુકમ
ભુજ માટે મળ્યો.ખુબ દ્વિધા ઉભી થઇ .ઘર માંડવી.અપ
ડાઉન થાય નહિ.છતાં સરકારીની લાલચમાં રાજીનામુ આપીને ગયો હાજર થવા.પણ કુદરતનો હેતુ
મને માંડવી જ રાખવાનો હતો.નિયમપાલનની ક્ષતિની રજૂઆત માંડવીની સંસ્થાએ કરી.ફરી
સ્વઘરે -સ્વંશાળાએ .પછી તો સમજાયું અને અનુભવ્યું પણ કે મારા વિકાસ માટે વાતાવરણ
પણ આજ અનુકૂળ હતું.
આકાશવાણી માટે લખવાની ટેવ તો કોલેજકાળથી હતી
.નવા વિષયો પર સામાજિક નાટકો લખાતાં રહ્યાં .બાળકોના ચારિત્ર્ય ઘડતર પર લખવાનું
વિશેષ ગમે એટલે બાળનાટકો ને બાળવાર્તાઓની સાથે માહિતીપ્રદ વાર્તાલાપો પણ લખાતા ગયા.
જ્ઞાતિ સામાયિક બરછીમાં 'સાહિત્ય ક્ષેત્રે નાગરો' લેખમાળા થોડા
હપ્તામાં ચાલી.તેને લીધે ખુબ વાંચન થયું.' બાળ નગરી' નાટ્ય સંગ્રહ સુમન પ્રકાશન એ બહાર પડ્યો.'મમ્મી બનું મજાનો' ( બાળ વાર્તા સંગ્રહ ) પ્રકાશિત થયો.યુવક મહોત્સવોમાં અનેક
સ્પધૉમાં હરીફ તો ક્યારેક મેનેજર તો ક્યારેક નિર્ણાયકની ભૂમિકામાં જતાં કલાકાર
મિત્રો સાથે નાતો રહ્યો.વાંચન લેખન વિકસતું રહ્યું.શાળામાં નવા પ્રયોગ અને
સંશોધનને થોડો અવકાશ હતો.એટલે 'જોડણી સુધાર ',નકશા પૂર્તિ ',સ્વાધ્યાય પદ્ધતિ ' જેવા પ્રકલ્પ
થયા.શૈક્ષણિક લેખો પણ લખાતા ગયા. દરમિયાન
જયભિખ્ખુ સ્મારક નિબંધ સ્પર્ધામાં 'ગુજરાતની અસ્મિતા ' નિબંધ ઉચ્ચ ગુણવતા પ્રાપ્ત ઠર્યો .રાજ્ય
સરકારની કુટુંબ કલ્યાણ વાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ને રાજ્યકક્ષા શિક્ષક
નિબંધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો.
એક દિવસ અચાનક વર્તમાનપત્રમાં ધ્યાન ગયું.કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિભાગ
દ્વારા 'નવ શિક્ષિતો માટે ' પુસ્તિકા લખવાની સ્પર્ધા ગોઠવાઈ હતી.સમાજને ઉદ્દેશીને
લખવાની ટેવને લીધે પડકાર ઉપાડ્યો.'દુઃખનું ઓસડ ' પુસ્તક મૂક્યું.પસંદ ન થયું,પણ ગુજરાત
વિદ્યાપીઠે તે પ્રકાશિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી.અને પ્રકાશિત થયું.કરોળિયો
પ્રયત્ન ન છોડે તેમ બીજે વર્ષે ;ભૂલ્યા ત્યાંથી ગણીએ' એ જ સ્પર્ધામાં મૂક્યું અને પુસ્તકે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કર્યો.દિલ્હીના કોઈ પ્રકાશકે વધુ નકલો
છાપવાની લાલચમાં રોયલ્ટીનો એકાદ હજાર રૂપિયાનો એડવાન્સ ચેક મોકલ્યો .પછી તો ખબર
પડી કે એની દુકાનનું પાટિયું નહોતું ! ફરી ગુજરાત વિદ્યાપીઠ વહારે
આવ્યું ને પુરસ્કૃત પુસ્તક છપાયું.પ્રસ્તાવના આદરણીય યશવંતભાઈ શુક્લ એ લખી આપેલી.
સ્વાવલંબી અને સતત સક્રિય રહેવાવાળા પિતાશ્રી સમય સદુપયોગ અને પ્રવૃત્તિના ભાગ
રૂપે પણ ક્રિયાશીલ રહેતા.પણ એમના પૂર્વ સંઘર્ષ અને પરિશ્રમે એમને થોડા વહેલા
થકવ્યા.લાંબી સારવારની બીમારી વચ્ચે સપડાયા.અત્યાર સુધી મોટા
પરિવારની સેવા કરતા કરતા માતુશ્રી પણ હવે થાક્યાં
બંનેની તબીબી સારવાર ચાલતી રહી.દૂર -નજીકના ગ્રામ્ય વિસ્તાર માં રહેતા
મોટાભાઈઓ સતત સાથે રહેતા.
જીવનના પ્રવાહમાં કશુંક નવું-અવનવું
બનવાના સંકેત આવી રહ્યા હતા…….?????
અન્ય લેખો વાંચવા માટે
બ્લોગ પર ક્લિક કરો mankaddinesh.blogspot.com
Dinesh Mankad 9427960979
No comments:
Post a Comment