Readers

Tuesday, March 23, 2021

યાત્રા 10 - સફર,સમયચક્રના ચગડોળે



 

યાત્રા  10  - સફર,સમયચક્રના ચગડોળે

            ગતિએ ચાલતો ચગડોળ ક્યારેક ઊંચે આસમાન દર્શન કરાવે તો ક્યારેક આસપાસની ખરબચડી જમીન.. સમયચક્રના ચગડોળે બેઠેલાં અમે ઉપર નીચે ને આસપાસના અનેક દૃશ્ય જોતાં રહ્યાં .

.         પ્રશ્નાર્થોમાં અટવાયેલા અમે.એક ગાંધીનગર અને બીજું માંડવી.બંને નોન-ટ્રાન્સફરેબલ .કાં તો ખાટે ટપાલ ખાતું ને કાં તો એસ.ટી.બસ. થોડો કસોટીકાળ શરુ થવાનો હતો, બંનેના ઈશ વિશ્વાસ અને આત્મવિશ્વાસે સમયચક્ર દોડતું રહ્યું. દરેક દિવસ પ્રશ્નાર્થ સાથે ઉગે ,પુરુષાર્થ પગલું માંડે.પણ પછી બીજા દિવસના ઉગવાની પ્રતીક્ષા.એની સેવાપોથીમાં રજા નોંધ વધતી ચાલે અને કચેરીમાંથી આવતા પત્રોના વળતા ઉત્તરોની વણજાર .ને મારી નજર અમદાવાદમાં 'શિક્ષક જોઈએ છે' ની વિજ્ઞાપન તરફ દોડતી રહે.કસોટીના એક વધુ ભાગ રૂપે બધા અખબારોએ કચ્છ આવૃત્તિ શરુ  કરતાં, અમદાવાદની આવૃતિઓ કચ્છ આવતી બંધ .એટલે વિજ્ઞાપનથી પણ વંચિત.પણ કરોળિયો થાક્યો નહોતો તો મારે થાકવાનું હોય જ નહિ .હું તો માણસ અમદાવાદના પરિચિત શોધવાના.. શિક્ષક સંઘના અમદાવાદના એક મિત્રને લખ્યું તો પ્રત્યુત્તર -" અંહીના સંચાલક તો સગાને પણ છોડતા નથી.લેવડ દેવડ કરવી હોય તો પ્રયત્ન કરું." તો બીજી તરફ કચ્છમાં આવેલી કેન્દ્ર સરકારની તમામ કચેરીમાં ડેપ્યુટેશન માટેની અરજીઓ.'ચલના જિનેકી નિશાની.'

          મારા અવનવું લખવાના ક્ષેત્રમાં 'નવશિક્ષિતો 'માટેની પુસ્તિકા "ભૂલ્યા ત્યાંથી ગણીએ " ને રાષ્ટ્રીય પારિતોષિક ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય તરફથી મળ્યું.એક છોગુ ઉમેરાયું.

         સંઘર્ષની ઘડીઓમાં અમારા વિષાદને રોકવા ઈશ્વરે વિચાર્યુંને અમારા ચહેરાઓને ખીલવવા માટેનો અવસર આપ્યો.નવમી જૂન 1984 ના રોજ " પાર્થ " આવ્યો ! જેઠ સુદ ભીમ અંગિયારસ, ગાંધીનગર. રંજનાના મામી જયકુમારીબેનના હાથમાં આવેલાં નવજાત શિશુ નું નામ તેમણે તરત 'પાર્થ ' જ રાખી દીધું. યોગાનુયોગ થોડા દિવસ પછી આવેલા જ્યોત્સ્નાબેન { ફોઈ ) પણ એ જ નામ લઈને આવ્યાં પરિવારમાં મંગલમય વાતાવરણમાં આનંદ છવાયો. દિવસે ન વધે એટલો રાતે વધે. તેના કાલાઘેલા હાવભાવ અને હાસ્ય-રૂદનના અવનવા રંગઢંગ જોવામાં દિવસો દોડતા હતા.ઘરમાં અમારા બે ના સંવાદોમાં હવે એક નવો સ્વર પણ ઉમેરાતો. ટેપ રેકોર્ડરનો સમય હતો એટલે તેના અવાજ અને ભાવોનું ક્યાંક રેકોર્ડિંગ થતું.'મમ્મી મમલાના લાડુ લઇ જા'-'હું ખાઈ જાઉં ?' જેવા કેટલાય વાક્યો તો આજે પણ સ્મરણ પથે ચાલે છે. હનુમાન ચાલીસા સાથે હિંચકા પર સૂવું એ તો જાણે તેનો મનગમતો ક્રમ.પાર્થના ઉછેરમાં તેના નાના,નાની અને માસીનો રોલ ભુલાય તેવો નથી.

            અચાનક વિચાર આવ્યો કે મારાં વેકેશનનો લાભ કેવી રીતે લઇ શકાય ?  હિંમતે મર્દા તો મદદે ખુદા. રિલીફ રોડની પોળમાં સ્વામિનારાયણ ભુજનું એક ગેસ્ટહાઉસ મળી આવ્યું.રોજનું એક રૂપિયો ભાડું. એ જાય લાલ દરવાજા ઓફિસે ને હું તથા પાર્થ વાંચનાલયમાં વિજ્ઞાપનો શોધવા ને કોઈ ટ્રસ્ટીને મળવા. ક્યારેક લોજનાં કુપન,આઝાદના પુરી શાક તો કોઈવાર ટિફિન આરોગવાનો આનંદ  લેતાં લેતાં ,બે ત્રણ વર્ષ આવાં દિવાળી અને મે વેકેશનો આવાં ગાળ્યાં.આ તો તપશ્ચર્યાનો ભાગ હતો.વચ્ચે કોઈ ઈન્ટર્વ્યુ આવે તો આપવાના.એકના એક કચેરી અને બોર્ડ પ્રતિનિધિઓ તો મોટેભાગે ફાઈલ જોવાની તસ્દી પણ ઓછી લેતા..લગભગ ઘણા જ કિસ્સામાં તો ઉમેદવારની પસંદગી અગાઉથી થઇ જ ગઈ હોય ! 

            યાત્રાના પડાવોમાં ક્યાંક કપરી યાત્રા પણ હોય.  મારાં સ્વાસ્થ્યને એક ગ્રહણ લાગ્યું..લાબું ચાલ્યું..સારવાર લંબાતી ચાલી.ગાંધીનગર અલગ ઘર રાખી આરામ અને ઈલાજ ચાલ્યા.તબીબોનો અદભુત સહકારે મને સાજો નરવો કર્યો.અહીં પણ પરિવાર અને ખાસ કરીને  મુ..કુમુદભાઈ મુ.કુંતાબેન અને તેમના પરિવારની સેવા ભુલાય તેવી નથી.

           એ સમયે ધોરણ 12 બોર્ડના પેપર ઘેર જોવા આવતાં. એક બે કિસ્સા નોંધવાનું મન થાય છે.ઉત્તર ગુજરાતના એક શહેરની GEB ની ગાડી મારા માંડવીના ઘર પાસે આવી ઉભી.અધિકારી ઉતર્યા.-" અમારા મોટા સાહેબના દીકરાની એકાઉન્ટન્સીની ઉત્તરવહી તમારી પાસે છે. તેઓ હૃદયની બીમારીના દર્દી  છે.કૈંક કરો."- મેં પૂછ્યું કે હું તો જે ગુણ આવતા હશે તે જ  મુકીશ,પણ બાકીના પરિણામ ?" તેઓનો ઉત્તર 'લાઈન ક્લિયર કરીને છેવટે 400 કી.મી.દૂર તમારી પાસે આવ્યા છીએ.'.વડોદરાથી એક પોલીસ અધિકારી તો ગણવેશમાં આવ્યા હતા.એક તો સચિવાલયના ઉચ્ચ અધિકારીની ભારપૂર્વક ભલામણ લઈને આવેલા.આ સહુને નિરાશ કરીને જ મોકલ્યા.એક આદર્શ નિવાસી શાળાના વ્યાયામ શિક્ષક આવ્યા ,' બેનને કાપડું આપવું છે '-સ્પષ્ટ ના પાડીને મેં પૂછ્યું,' કેમ આવ્યા છો ?' કહે કે ," ભાણીયાને કોપી કરાવતો હતો.પટાવાળો જોઈ ગયો છે .ને ફરિયાદ કરવાનો છે, નિયમ મુજબ તો મારી નોકરી જશે , એટલે તમારી પાસે આવેલ ભાણીયાના પેપરમાંથી  મારા અક્ષર કાઢવા છે." એને પણ ધોયેલા મૂળાની જેમ જ પાછો કાઢ્યો.

        સંઘર્ષયાત્રાના લગભગ  છએક વર્ષ પસાર થયાં હશે,ત્યાં અચાનક એક આશા કિરણ પ્રગટ્યું..જેની વાત યાત્રાના પછીના પડાવમાં

. દિનેશ  લ. માંકડ  ( 9427960979 )

અન્ય લેખ વાંચવા માટે બ્લોગ લિંક પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.coms

No comments:

Post a Comment