લેખાંક 2
- શિક્ષાવલ્લી
-કખગઘથી કૃતજ્ઞતા સુધી દિનેશ લ.
માંકડ
તૈત્તિરીય ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાના તૈત્તિરીય આરણ્યકનો એક
ભાગ છે.આ આરણ્યકના 10 અધ્યાયોમાંથી ક્રમશઃ
સાતમા,આઠમા અને નવમા અધ્યાયોને ઉપનિષદીય માન્યતા
મળેલી છે.તેના નામ અનુક્રમે શિક્ષાવલ્લી,બ્રહ્માનંદવલ્લી અને ભૃગુવલ્લી છે. શિક્ષાવલ્લીમાં કુલ 12 અનુવાક છે તો બ્રહ્માનંદવલ્લીમાં 9 અને ભૃગુમાં 10 છે.પ્રત્યેક અનુવાકથી પહેલાં શાંતિપાઠ છે.
આમ તો બધાં જ ઉપનિષદોનો શિક્ષણ સાથે અનુબંધ
છે પણ તૈત્તરીય ઉપનિષદનો સહુથી ગાઢ સંબંધ શિક્ષણ aસાથે છે કારણકે તેના ત્રણ ભાગમાં પ્રથમ મુખ્ય ભાગ
શિક્ષાવલ્લી જ છે. શિક્ષાવલ્લીનો શાંતિપાઠ અને પ્રથમ અનુવાક એક જ દર્શાવ્યો
છે.અહીં શિક્ષણના પ્રારંભ,પહેલાં પોતાના શરીર અને
મનને પૂર્ણ સ્વસ્થ રાખવા માટેની પ્રાર્થના
છે.પ્રકૃત્તિના અધિષ્ઠાતા દેવો પાસે કરેલી વિનંતી છે તન અને મનના જે
અધિષ્ઠાતા છે તેમને પ્રાર્થના છે..દિવસ અને પ્રાણના અધિષ્ઠાતા સૂર્ય ( ॐ
शं नो मित्रः शं वरुणः। )
બળ અને ભુજાઓના દેવ ઇન્દ્ર ,વાણી અને બુદ્ધિના અધિષઠતા બૃહસ્પતિ અને આગળ ઉપર આ તમામ
દેવોના આત્મસ્વરૂપ બ્રહ્મને નમસ્કાર. અનુવાકના અંતે " ૐ શાંતિ: શાંતિ: શાંતિ: " માં શાંતિ
શબ્દનો પ્રયોગ ત્રણ વખત કરાયો છે.એટલા માટે કે
આપણા આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણેણ પ્રકાર વિઘ્નોમાં શાંતિ
પ્રાપ્ત થાય. શિક્ષણના પ્રારંભે હ્ર્દયપૂર્વક કરેલી પ્રાર્થનાનું મૂલ્ય કેટલું
ઉત્તમોત્તમ છે એ અહીં અભિપ્રેત છે.
सत्यं
वदिष्यामि સત્યવાદિતા એ ઉપદેશકનો, અધ્યાપકનો, શિક્ષકનો પ્રથમ આવશ્યક
ગુણ છે. ‘ऋतं वदिष्यामि। सत्यं वदिष्यामि।’ -'હું સનાતન સિદ્ધાંતો કહીશ. અર્થાત્ ખોટા
સિદ્ધાંતો નહીં ભણાવું' એમ કહી અધ્યાપક ૠષિએ અહીં
સત્યવાદિતાના સમ ખાધા છે. કારણ ઉપનિષદના ૠષિ અહીં અધ્યાપક છે, અધ્યાપક- ગુરુઓ
શિષ્યના જીવનમાં અને સમાજમાં પોતાનું સ્થાન સમજે છે. પોતાનું કર્તવ્ય સમજે છે.
અસત્યથી કલંકિત શિક્ષણ શિષ્યના જીવનને કેટલું કલુષિત કરી શકે, સંપૂર્ણ સમાજના વાતાવરણમાં કેવું પરિણામ લાવી શકે તે વાતથી
તેઓ જરાય અજાણ નથી.
બીજા જ અનુવાકથી ભાષાશુદ્ધિની પ્રતિજ્ઞા
લેવાય છે ..ॐ शीक्षां व्याख्यास्यामः। वर्णः स्वरः। मात्रा
बलम्। साम सन्तानः ...... ' વર્ણ ,સ્વર માત્રાથી
માંડી ને ઉચ્ચાર શુદ્ધિ પર અતિશય ભાર મકયો છે. હ્ર્સ્વ,દીર્ઘ અને શ,સ, અને ષ ના ભેદ જાણકારી તો હોય પણ ઉચ્ચારોમાં પણ કોઈ નાનીસરખી બાંધછોડ
નહિ.અનુનાસિક વ્યંજનો ઙ, ઞ, ણ, ન, મ ને પણ ચોક્કસ ભિન્ન ભિન્ન સ્વરૂપે જ ઉચ્ચારાય. કોઈ અશુદ્ધ
લેખન કે અશુદ્ધ ઉચ્ચાર મોટો અનર્થ કરી શકે.એટલે જ અહીં ભાષાશુદ્ધિ માટે તો ચુસ્ત
આગ્રહ દર્શાવાયો છે.
ત્રીજો અનુવાક ઉપાસના વિધિ -પદ્ધતિ અને
શિક્ષણના વ્યાપની વાત પર પ્રકાશ પાડે છે.પાંચ મહાસંહિતાના આશ્રય- લોક,જ્યોતિ ,વિદ્યા,પ્રજા અને આત્માંમાં ત્રણેય લોક ,વિજ્ઞાનના મુખ્ય સ્ત્રોત તમામ વિદ્યા ,શરીર વિજ્ઞાન અને
જીવથી શિવ સુધીની શિક્ષણયાત્રાને સમાવી છે. ' અથાધિજ્યોતિષમ ,અગ્નિ ; પૂર્વ રૂપં આદિત્ય ઉત્તર રૂપમ ....' કહીને વિજ્ઞાનની પરંપરાગત ઉર્જાને પ્રાધાન્ય છે.એજ રીતે ' માતા પૂર્વ રૂપમ પિત્તોત્તર રૂપમ, પ્રજા સંધિ.......' સંહિતામાં શરીરવિજ્ઞાન પ્રદર્શિત છે.ચોથા અનુવાકમાં
આરોગ્ય બ્રહ્મચર્ય અને તેજસ્વી બુદ્ધિની સાથે વૈભવની માંગણી છે.Health is
Wealth નો ભારપૂર્વક સંદેશ છે .ચોક્કસ રીતની હવનવિધિ
બતાવી સ્વાહા અને સ્વધાવૃત્તિ નિર્માણ કરવાનો આદેશ છે.
પાંચમા અનુવાકમાં ભુ;,ભૂવઃ અને સ્વ; મહ મંત્રનો ખુબ વ્યાપક અર્થ સુચવીને ત્રણેય લોક
અને બ્રહ્મ, અગ્નિ,વાયુ આદિત્ય અને ચંદ્ર ,પ્રાણ,અપાન વ્યાન અને અન્ન બતાવીને મૂળ મંત્રની
મહત્તા બતાવી છે.આ ચારેય વ્યાહુતિની સમજણપૂર્વકની ઉપાસનાનું ફળ બતાવ્યું છે.ચંદ્રને
ઇન્દ્રિયોનો અધિષઠતા દર્શાવીને તેની ઉપાસના દ્વારા સુષુમ્ણા નાડી દ્વારા પરમેશ્વરને શરીરમાં આવકારવાની ગહન
વિદ્યા છઠઠા અનુવાકમાં બતાવી છે.
સાતમા અનુવાકમાં આધિભૌતિક તત્ત્વોથી
આધ્યાત્મિકમાં જવાની દિશાનું સૂચન છે.આઠમા અનુવાકમાં ' ૐ એ બ્રહ્મ છે ' કહીને તેમાં પરમાત્માના
પ્રત્યક્ષ સ્વરૂપને જોવાનો નિર્દેશ છે .જીવનશૈલીને અનુલક્ષીને નવમા અનુવાકમાં
અધ્યયન અને અધ્યાપન કરતાં કરતાં નિત્ય જીવન વ્યવહારમાં પણ સત્ય,નીતિમત્તા અને નિયમિતતા જાળવવાની વાત છે.ઋષિ ત્રિશંકુના
માધ્યમથી વ્યક્તિમાત્રના આત્મગૌરવને બતાવાયું છે.- ' ઉર્ધ્વપવિત્રો વાજિનીવ સ્વંમૃતમાસ્મિ । ' નો મહામંત્ર દસમા
અનુવાકમાં છે.
અગિયારમો અનુવાક થોડો આજ્ઞાવાચક દેખાય છે
.सत्यं वद। घर्मं चर। स्वाध्यायान् मा प्रमदः। શિષ્ય અભ્યાસ પૂર્ણ કરીને જાય પછી પણ જીવનની ફરજો શ્રષ્ઠ નિભાવે ને સાથે સાથે
અધ્યયન-અભ્યાસમાં પણ આળસ ન કરે તેવો આચાર્ય આદેશ.છે.ઉત્તમ શિષ્યત્વ પ્રાપ્ત
કરવામાં કશુંય બાકી ન રહે તેમ અહીં ગુરુ સહુથી પાયાની નક્કર આજ્ઞા કરે છે .- मातृदेवो
भव। पितृदेवो भव। आचार्यदेवो भव। अतिथिदेवो भव। છેલ્લે આચાર્ય કહે છે - ‘एष आदेशः। एष उपदेशः। एतदनुशासनम्।
एवमुपासितव्यम्।’
બારમો અનુવાક એ શિક્ષાવલ્લીનો અંતિમ
અનુવાક છે અહીં આભાર અને ઉપકારભાવથી કૃતજ્ઞતા વ્યક્ત થઇ છે.બધા જ દેવોને આહવાન
કરીને ' ત્વમેવ બ્રહ્માસિ .' કહીને ઋણ સ્વીકાર છે. "સર્વવ્યાપક અંતર્યામી પરમેશ્વરે મને સદાચરણ તેમજ
સાચું બોલવું અને સદ્ વિદ્યા ગ્રહણ કરવાની શક્તિ આપી ને આ સંસારચક્રથી મારુ રક્ષણ
કર્યું તથા મારા આચાર્યને સર્વત્ર સત્યનો પ્રસાર કરવાની શક્તિ આપી ને તેની
રક્ષા કરી "
શિક્ષાવલ્લી એટલે દિવાલોના શિક્ષણથી બહાર
વ્યવહાર જીવન સુધી ઉત્તમ માણસ તૈયાર કરવાની દિશામાં લઇ જતો શ્રેષ્ઠ માર્ગ. ઉપનિષદના
રત્નાકર માંથી આ પહેલી અંજલિનું આચમન તો કર્યું.તૈત્તરીય ઉપનિષદની
બ્રહ્માંનંદવલ્લી અને ભૃગુવલ્લીની વાત આગળ ઉપર
અસ્તુ.
દિનેશ.લ. માંકડ
9427960979