મારી અગાસીનું આકાશ
તે દિવસે હું જન્મ્યો.ને પહેલી વખત મારી ઝીણી આંખ ખોલી. મારી
સામે મારી માતાનો હસતો ચહેરો હતો.મારી આંખો સહેજ પહોળી થઇ તો ઉપર છત અને ચાર દીવાલ
નજરે પડ્યાં.થોડાં અન્ય પરિવારજનો ને ઘરનું રાચરચીલું જોયું. એકાદ વર્ષમાં
ભાંખોડિયાં ભરતો દીવાનખંડમાં ગયો,રસોડાંમાં પણ
ગયો.દીવાલો તો હતી જ. રાચ રચીલું થોડું બદલાયેલું. સમયના સથવારે એક દિવસ સીડી ચડી
ગયો.ને આવી ગયો,ઉપર મારી અગાસીમાં..મારા અચંબાનો પાર ન
રહ્યો.અગાસીની ફક્ત બે ફિટ ઊંચી દીવાલ સિવાય ઉપર ક્યાંય દીવાલ જ નહિ.! અને ઉપર દીવાલો
વગરનું આકાશ! પક્ષીઓનો કિલબિલાટ ને માથે કોઈ મોટ્ટો ચમકતો ગોળો. યાદ
આવ્યું કે મારી માતા હાલરડાંમાં જે સુરજદાદાની વાત ગાતાં હતાં તે આ છે.
બધી જ દિશાઓમાં નજર દોડાવી. ક્યાંય છેડો જ
નહોતો દેખાતો.આકાશ અનંત હોય એ ખબર પડી. જોતો રહ્યો-વિચારતો રહ્યો .સાંજ ઢળી
સૂરજદાદા હવે વિદાય થતા હતા.ત્યાં તો શીતળતાના દ્યોતક
ચાંદામામા આવી ગયા.સાથે અગણિત તારાઓને લાવ્યા. આંખો તો જોતી જ
રહી ગઈ. પિતાજી ક્યારેક બ્રહ્માંડ શબ્દ વાપરે તેનો આ ભાગ હશે. મારાં અગાસીના આકાશે
મારાં મનના આકાશને ખોલી નાખ્યું. .ઘરની દિવાલોની બહાર તો
સઘળું અનંત છે.જેને દીવાલો જ નથી. દીવાલો તો આપણે -માણસે જ બાંધેલી છે.પ્રકૃત્તિએ ક્યાં
કોઈ આડશ ઉભી કરી છે!
માણસે ફ્લેટ્સ
બાંધીને અગાસી સુખ ઓછું કર્યું છે. કદાચ નાની બારીઓમાંથી દેખાતું આકાશ જ એનું
વિશ્વ બની જાય છે.દિવસે પણ વીજળી ગોળા થી
પ્રકાશિત અને પંખા-એ.સી.ની શીતળ બનેલાં દીવાનખાનામાં બેઠેલા પાસે અનંત આકાશની
વિશાળતા અને વિભાવના ક્યાંથી આવી શકે ? વિહવળતામાં વિચરતાં મારાં મનને અચાનક જ,આકાશેથી ઉડી આવેલાં એક
પક્ષીએ ફરી ઢંઢોળી દીધો.
દૂર મંદિરમાંથી
વેદમંત્ર વાયુના વીંઝણે મારે કાને પડ્યા." आ नो भद्राः क्रतवो यन्तु
विश्वतोऽदब्धासो अपरितासउद्भिदः "- દરેક દિશાઓમાંથી અમને શુભ વિચારો પ્રાપ્ત
થાઓ .- વેગીલું મન હવે અગાસીનું આકાશ ઓળંગી ગયું હતું..માણસે ભલે ને સાત ખંડ અને
ભિન્ન ભિન્ન દેશની સીમાઓ બાંધી પણ આ સુરજ,ને ચંદ્ર તો સઘળે વિશ્વે પથરાય છે. તો પછી
જેના પાયા પર આપણી સંસ્કૃતિ ઉભી છે તે ઋગ્વેદની રુચા જ યાદઆવે .-अयं निजः परो वेति गणना लघुचेतसाम्।
उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥ (આ મારુ ને આ
તારું એ વિચાર તો ટૂંકા મન ના લોકો કરે .ઉદાર ચિત્ત વાળા માટે તો સમગ્ર ધરતી જ એક
પરિવાર છે ) અને એટલે જ આર્ષદૃષ્ટા ઋષિઓએ
શબ્દ ધરતી નહિ પણ વસુંધરા પ્રયોગ કર્યો છે.કારણકે 'વસુ' એટલે સોનુ,ધન દ્રવ્ય.અને ગુજરાતી
કવિ સુન્દરમ ગાઈ ઉઠ્યા " વસુંધરાનો વસુ થાઉં સાચો,હું માનવી માનવ થાઉં તો
ઘણું ."
ને મારી અગાસીનું
આકાશ ,મારા મનવિશ્વની બારી બની ગયું.
દિનેશ લ.માંકડ અમદાવાદ
મોબાઈલ -વોટ્સએપ 9427960979
----------------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment