Readers

Saturday, March 19, 2022

યાત્રા 30-- અણધારી વિદાય અતુલ્યભાઈની.

 

યાત્રા 30-- અણધારી વિદાય અતુલ્યભાઈની.

           નામ પ્રમાણે ગુણ ક્યારેક બને.પણ અતુલ્યભાઈ (સાળા) ના કિસ્સામાં ચોક્કસ બન્યું છે. સામાન્યરીતે કોઈપણ પરગજુ વ્યક્તિ પરિવા,જ્ઞાતિ,સંસ્થા અને સમાજને જરૂર ઉપયોગી થાય..કોઈક સૂચન અને સાથ આપીને મનથી તો કોઈક હાથ પગચલાવીને તનથી સેવા કરે તો કોઈક વળી આર્થિક રીતે ઘસાઈને સહાય કરે પણ અતુલભાઈ તો તન,મન અને ધન એકેયમાં પાછા ન પડે.તેમની છઠ્ઠી ઇન્દ્રિય સતત જાગૃત હોય.ક્યાં અને શું ખૂટે છે તેની ખબર વ્યક્તિને પડે તેના પહેલાં તેમને પડે. પછી તે સમસ્યા કોઈપણ પ્રકારની હોય,પાછું વાળીને જોવાનું જ નહિ.લાગી જવાનું ઉકેલની દિશામાં.પોતાને પગની, થોડી મણકાની વગેરે તકલીફ હતી પણ કોઈની સમસ્યા ઉકેલની ચિંતા હોય તો તે આ પીડા ભૂલી જાય.પ્રસંગ કે સમસ્યા ગમે તેટલાં અંતરે હોય ગામમાં કે બસો ચારસો કિલોમીટર દૂર,અતુલભાઈ પહોંચે જ.ઉંમર અને તકલીફો વધવા છતાં તેમની સેવાભાવના ઘટવાને બદલે વધતી ચાલે. ચહેરા પર ન થાક કે ખચકાટ..ન જુએ દિવસ કે રાત. જાતે એકેય વાહન ન ચલાવી શકે તો રીક્ષા અને ટેક્સીવાળાને 24*7 તહેનાતમાં રાખે પણ કોઈનું કામ અટકવું ન જોઈએ.. બેન્ક અધિકારી તરીકેની નિષ્ઠા પણ એટલી જ.નિયમમાં રહીને જેને જેટલું ઉપયોગી થવાય તેટલું થવામાં કદી પછી પાની ન કરે .એની સાક્ષી એમની વિદાય  પછી પણ પુરાઈ. ગ્રામ્ય વિસ્તાર બાંટાઇ હોય કે ખંભાળિયા ,કેશોદ રાજકોટ ,મુન્દ્રા માધાપર -પ્રત્યક્ષ કે પરોક્ષ એમને ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કર્યો.

       દ્વારકા બેન્ક અધિકારી હતા ત્યારે તો એમનામાં શામળિયો આવી વસ્યો.બહોળા -બૃહદ પરિવારને દ્વારિકાધીશના એટલી વખત દર્શન કરાવ્યાં કે સહુના હૃદયમાં એ મૂર્તિ સદાયને માટે સ્થાપિત થઇ ગઈ છે.મિત્રો હોય કે મિત્રોના મિત્રો,દૂર દૂરના જાણીતા પણ દ્વારકા આવે તો પોતાના સ્વજન સમજીને પાદુકાપૂજનથી માંડીને અદભુત દર્શન અને બીજી સુવિધા કરાવી આપે..દેશભરમાંથી ઉચ્ચ અધિકારી કે પ્રતિષ્ઠિત સમાજસેવક ,પ્રધાન પણ આવે તો સ્વજનની જેમ છતાં સ્વાર્થરહિત સાથે રહી સુવિધા પુરી પાડે..તેર્મની દ્વારિકાધીશ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા એટલે શ્રદ્ધાના ભાવરૂપે વારંવાર ધજા ચડાવી અને તે પણ બહોળા પરિવારને સાથે રાખીને.એક વાર તો મનમાં વિચાર ઉદ્ભવ્યો કે ભુજના કેટલાય નિકટ સ્નેહીઓ તો ક્યારે આ લાભ મેળવે ? ભુજથી આખી બસ તૈયાર.દ્વારકામાં રૂમો,ભોજન અને અન્ય સુવિધા તૈયાર અને ધ્વજારોહણ ખરું જ..

          હાટકેશજન માટે એમને સ્મરણાંજલિ આપવાની વિગતમાં મારાથી લખાયું "શ્રવણ પુત્ર" .મેટર મોકલતા

પહેલાં તંત્રી શ્રી રસેન્દુભાઈને ફોન કર્યો. તેમનો ઉત્તર વાંચવા જેવો છે," પુરાણના શ્રવણની વાત તો વાંચી પણ સાચો શ્રવણ તો અતુલભાઈમાં પ્રત્યક્ષ જોયો છે." તેમની બદલી દ્વારકા થઇ કે તરત માતાપિતા ( મુ.કુમુદભાઈ અને કુંજલતાબહેન ) ને ત્યાં લઇ ગયા.વારંવાર દ્વારિકાધીશના દર્શન કરાવવા અને સતત ધાર્મિક વાતાવરણમાં તેમના ઉત્તમ દિવસો પસાર કરાવ્યા.તેમની બદલી અન્યત્ર થતાં વડીલો કેટલોક સમય ગાંધીનગર રહયાં ને ત્યાંથી વતનની સ્મૃતિ વાગોળવા ભુજ રહયા.અતુલભાઈ રાજ્યના ગમે તે સ્થળે ગમે તેટલા દૂર હોય શનિ રવિ કે એક દિવસ ની રજા હોય તો ભુજ જ હોય.

      .2013 માં નિવૃત્ત થયા.હવે એક જ લક્ષ્ય માબાપની સેવા. એમને દરરોજ ઈચ્છા મુજબ ફેરવવાં.ભુજનો બહોળો પરિવાર, વડીલો પાસે વારંવાર આવે તો સહુની દિલથી આગતા સ્વાગતા ને વડીલો કોઈને કોઈને ઘેર જાય તો સતત તેમની સાથે સાથે.એમાંય માતુશ્રી કુંજલતાબેન તો વધુવાર પડયાં.ફેક્ચર થયાં આખરે ડોક્ટરે તો આ ઉંમરે શસ્ત્રક્રિયા નહિ કરાવવાની સાચી સલાહ આપી.એટલે એ થયા પથારીવશ. સેવા વધી પણ બકુલાબેનનો પૂરો સાથ.ને અતુલભાઈનો માતૃપ્રેમ.પુરા છ થી વધારે વર્ષમાં ક્યાંય ઓછપ ન આવવા દીધી.એટલે સુધી કે બંનેની મંદિર,નાકાબહાર કે સગાં સ્નેહીને ઘેર જવાનું તો ચાલુ  જ રહ્યું.વહીલચેરમાં કુંજલતાબેન,અતુલભાઈ તે ચલાવે  અને બાજુમાં લાકડી ટેકે કુમુદભાઈ સાથે ચાલે.આ ક્રમ એક બે દિવસ નહિ પણ દરરોજનો.અને તે પણ પુરા આદરભાવે અને હસ્તે ચહેરે. કુંજલતાબહેને એમના જ ખોળામાં વિદાય લીધી.અટુલા પડેલા કુમુદભાઈને પણ વિશેષ કાળજીથી સાચવ્યા.એમને પણ વય અનુસાર પગ વગેરેની તકલીફો થાય.અતુલભાઈ કાયમ ખડેપગે.એ પણ સમયાંતરે વિદાય થયા.

         બંને દીકરીઓને ખુબ સરસ સાસરાં મળ્યા એટલે પોતાના અને દીકરીઓના શ્વસુર પક્ષે પ્રગાઢ અને પ્રસન્નીય સંબંધો રાખીને રહયા.સહુના આયોજન ને અગવડને પોતાના સમજીને ચાલે. પરિવાર પ્રેમમાં તો એમની તોલે કોઈ ન આવે.પોતે તો સતત સહુ સાથે સંપર્કમાં હોય જ.વડીલો પાસે દરરોજ બધાને ફોન કરાવવાનો- ખબરઅંતર પૂછવાનો નિત્યક્રમ શરુ કરાવ્યો.તે એટલે સુધી કે વડીલોના ગયા પછી પણ પોતે તે અચૂક જાળવી જ રાખ્યો.ફોનમાં પરિવારના બધા સભ્યો સાથે વ્યક્તિગત વાત કરવાની. બે વર્ષની પૌત્રી પરાર્ઘ્યા ને 'જય દ્વારિકાધીશ ' બોલતાં આવડ્યું એટલે વિદાયના આગળ દિવસ સુધી તેની સાથે પણ સંવાદ થયો.એ સ્મૃતિ કેમ ભુલાય? 

          એમનો નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો અનહદ પ્રેમ પણ અવર્ણનીય છે.ભુજની મતદાર યાદીમાં નામ.ચૂંટણી વખતે જૂનાગઢ.નોકરી.મતદાન કરવા બંને ચારસો કિલોમીટર સમય, નાણાને અગવડનો વિચાર કર્યા વગર મતદાન કરવાં ભુજ આવ્યાં.નરેન્દ્રભાઈ માટે અનેક માનતા માને ,વિશેષ પ્રાર્થના કરે.કોઈપણ ચેનલ્સ પર જ્યા નરેન્દ્રભાઈ બોલવા આવે કે તે જાતે સભામાં હોય એટલા ઉમંગથી સાંભળે ને મારા જેવા અનેક ને ખાસ ચુકી ન જવાય તેવો આગ્રહ કરીને સાંભળવા ફોન પણ કરે.આ પણ અચૂક અને સતત.નરેન્દ્રભાઈ માટેની એમની શ્રદ્ધા એટલી કે કોઈ મોટી સમસ્યા,બનાવ કે પરિણામ જુએ ત્યારે તેમનો જવાબ એ જ હોય ,' ચિંતા ન કરો .બધું બરોબર થઇ જશે.'

           .અતુલભાઈની ધર્મશ્રદ્ધા અતૂટ .બધાં વર્ષમાં ભાગ્યે જ થોડા દિવસ એવા જતા હશે કે તેમને ચંડીપાઠ ન કર્યો હોય.મુસાફરીમાં હોય કે કોઈ સ્વજનને ઘેર હોય ,વિશેષ શુભેચ્છા સાથે એ પૂર્ણ કરે.કૌટુંબિક રીતે કોઈને પણ ક્યાંક અગવડ હોય તો માં જગદંબાને વિશેષ પ્રાર્થના કરે.જ્ઞાતિ આયોજિત મોટાં અંબાજીની રાત્રિપૂજામાં પણ હવે સામેલ થતા. ગંગાસાગર વગેરેનો પ્રવાસ આયોજન થયો.જોડાયા તો ખરા સાથે સાથે પોતાના ઉદાર અને હસમુખા રમુજી સ્વભાવે અતિ લોકપ્રિય બનાવ્યા. જ્ઞાતિ મિત્રો કાશ્મીર પ્રવાસનું  આયોજન કરતા હતા.પ્રવાસ વિશેષ સારો થાય એટલે વયમર્યાદા સાઈઠ વર્ષ બાંધી.અતુલભાઈ તો હતા 68 વર્ષના.સહુ કહે ,'અતુલભાઈ વગર પ્રવાસ થાય જ કેમ ? ' અને અતુલભાઈ જોડાયા. પ્રવાસને ખુબ માણ્યો.ડિસેમ્બરમાં કાશ્મીર અને અંગે ગરમ કપડાં ન અડાડવા નો કોઠો .એમની તરત સૂઝતી હળવી રમૂજોને લીધે સહુ પ્રવાસીઓ એટલા તો આનંદિત રહેતા કે તેમની આસપાસ જ ગુમ્યા કરે.15 મી ડિસેમ્બરે ( 2021 ) તેમનો જન્મદિવસ.તેમની લોકપ્રિયતામા ઓળગોળ થયેલાં સહુએ તેમને સરપ્રાઈઝ આપી..કેક લાવ્યા અને પ્રવાસ દરમિયાન શ્રીનગરમાં તેમનો જન્મદિવસ ઉજવ્યો.આ તો અતુલભાઈ." મારો આટલો ભવ્ય જન્મદિવસ ઉજવ્યો તેના માનમાં ભુજ જઈને મારા તરફથી ભોજન સમારંભમાં તમારે સહુએ જમાઈઓ સહીત આવવાનું છે." અને ભવ્ય ભોજન સમારંભ થયો પણ ખરો.

         તાજેતરનો  એક અંગત અનુભવ ટાંકવાનું મન થાય છે.અમારા બંને ( હું અને રંજના ) નું ગોકુલ મથુરા આગરા ઘણા વખતથી બાકી રહેતું હતું. ટિકિટ,હોટલ બુક થઇ એટલે સહેજે રાત્રે ફોનમાં અતુલભાઈને અમારા જવાની જાણ કરી.તેમની એક અઠવાડિયાં પછીની કાશ્મીર ટિકિટ હતી એટલે આગ્રહ કરવાનો સવાલ જ નહોતો.પણ અમારા ફોન મુક્યાની થોડી મિનિટોમાં વળતો ફોન આવ્યો," ટિકિટ મળે તો તમારી સાથે આવીશું."- પાર્થે ટિકિટનો પ્રયત્ન કર્યો ને મળી પણ ગઈ.ત્રણ દિવસનો તેમની સાથે પ્રવાસ અમારા માટે સોનામાં સુગંધ બરાબર બન્યો.( વર્ણન અલગ પ્રવાસ વર્ણનમાં છે )   

          ફેબ્રુઆરી,2022 ની મધ્યમાં ફોન આવ્યો.' થોડા દિવસ અમદાવાદ દોહીત્રીને રમાડવા આવીએ છીએ. સમય મળશે તે રીતે તમારી પાસે પણ આવી જઈશું.'.19 મી એ અમારે એક રિસેપશનમાં મણિનગર જવાનું હતું.તો મોડેથી આવ્યા ને મોડે સુધી રોકાયા.કાશ્મીર પ્રવાસની વાતો થઇ. રવિવારે ગાંધીનગર મુકેશભાઈને ઘેર અને અન્ય દિવસોમાં અન્ય નિકટના સ્નેહીઓને ઘેર જઈ મળ્યા. જાણે જતાં પહેલાં બધાંને મળવા આવ્યા હોય!

        24મી ફેબ્રુઆરીએ રાત્રે ફોનમાં, મેં ફરી એકવાર ઘેર આવવાનો આગ્રહ કર્યો પણ -' હવે એક દિવસ ઘરમાં.'- કહ્યું. 25 મી સવારે પાંચ વાગ્યે મોબાઈલની રિંગ વાગી.,પુત્રી જીજ્ઞાને કહ્યું , પાર્થને આપો ' પાર્થે ફોન લીધો.108ના ડોક્ટરે જ ઉત્તર વાળ્યો, ' હવે તેઓ નથી.'- હતપ્રભ સ્થિતિમાં મુકાયાં.માની ન શકાય તેવું છતાં હકીકત હતી.કલ્પી ન શકાય છતાં હકીકત હતી.ભુજ લઇ ગયા ભુજ પણ સ્તબ્ધ બની ગયું હતું.કોઈ બોલ્યું,'સ્વર્ગધામમાં કોઈની વિદાય વખતે 40 વર્ષ પછી આટલી ભીડ અને આટલી ગમગીની જોઈ.'

         જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે જ. તિથિ ,સમય ઈશ્વર નક્કી કરે છે .પણ કેમ જીવવું તે આપણે  નક્કી કરવાનું હોય છે.જ્હોન ગંથરએ પોતાના પુસ્તક Death be not Proud ( મૃત્યુંજય ) માં લખ્યું છે ,' કેટલું જીવ્યા તે કરતાં કેવું જીવ્યા ,તે મહત્વનું છે.'- એટલે જ અતુલભાઈની વિદાય વેળા સહુના હોઠે એક જ શબ્દ હતો 'જીવી ગયા.'   

દિનેશ.લ. માંકડ ( 9427960979 )

અન્ય લેખ વાંચવા ક્લિક કરો mankaddinesh.blogspot.com 

Saturday, March 12, 2022

યાત્રા -29 કહેર કોરોનનો

 

યાત્રા -29 કહેર કોરોનનો

        આમ તો પોતાની જ યાત્રા લખવાની પ્રક્રિયા ચાલે છે પણ કોઈવાર એવું બને કે જે સમગ્ર બને. તેની પ્રત્યક્ષ -પરોક્ષ અસર વર્ણન કરવા મજબુર કરે. ,માર્ચ 2019 થી માંડી ને લાગલગાટ લગભગ બે થી પણ વધારે વર્ષ વિશ્વ આખાં ને ધ્રુજાવી નાખે એવો કોરોના -કોવિડ -19 અને પછી બીજા નામોએ માનવ શરીરમાં પ્રવેશ્યો ને કહેર મચાવ્યો.ભૂકંપ કે પૂર જેવી હોનારત કોઈ સીમિત પ્રદેશને અને થોડા સમય માટે હોય પણ આ કોરોના એક તો સ્પર્શ અને શ્વાસઉચ્છવાસથી થતો રોગ ! ઘરમાંય કોઈ દર્દી હોય તો તેને ય મદદરૂપ ન થવાય.બસ ,ટ્રેન વિમાન જેવી મુસાફરી અને બજાર કે પ્રસંગ જેવા ભીડભાડ થી ને પ્રવાસ સ્થળોથી તો વાયુવેગે ફેલાયો.આમેય વાયરસની કોઈ દવા નહિ અને માણસ માત્ર સામાજિક પ્રાણી એટલે તો આ રોગે આખી માણસજાતને ભરડામાં લીધી.

          રક્તબીજ રાક્ષસની જેમ દિવસે ન વધે એટલા કેસ રાત્રે વધે.અસરગ્રસ્ત ઘરમાં જ જેલ ભોગવે. બાળકોની હાલત તો કલ્પી શકાય જ નહિ.ભારત સહીત વિશ્વના સમૃદ્ધ દેશો પણ ભયગ્રસ્ત રીતે જીવે. લોકડાઉન ને હોમ કોરોન્ટાઇન જેવા નવા શબ્દો માનવહોઠે ચડી ગયા.માસ્કનું મૂલ્ય પેન્ટ શર્ટ જેટલું થઇ ગયું.સૅનેટાઇઝરથી હાથ ધોવાની ટેવ રોજિંદી બની. ગળે વળગીને આત્મીયતા દાખવતા દેશમાં હાથ પણ ન મેળવી શકાય .સામાજિક  અંતર રાખવાની ટેવ સહજ બની.વાયરસને નાથવા વિશ્વ વિજ્ઞાનીઓ અને નામાંકિત પ્રયોગશાળાઓ કામે લાગી.સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ માં ખાલી પથારી શોધવાના ફાંફા પાડવા લાગ્યા.મહિનાઓ સુધી નાથી ન શકાયો. એમાંય નાક ગળાથી પ્રવેશી ને ફેફસાંને પકડે.જો સમયસર અને યોગ્ય સારવાર ન  થાય તો આખરે પરિવાર જન ગુમાવવું પડે.એટલે સુધીકે સ્મશાનયાત્રમાં પણ મર્યાદિત અને અસ્પર્શ વિદાય.

        એવો કોરોના થોડો થમ્યો એટલે હળવી છૂટછાટ મળી એટલે લોક બહાર નીકળ્યું.( તે હળવાશનો અમે પણ લાભ લીધોને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી 'નો પ્રવાસ કર્યો..વર્ણન અલગ બ્લોગ લેખમાં વાંચવા જેવું છે.- mankaddinesh.blogspot.com ) આ તો કોરોના ફરી વકર્યો.અને તે પણ નવા વધારે ભયાનક વાયરસ સાથે.જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ન થઇ તો ચાર પાંચ દિવસમાં માણસ ,અરે પરિવાર હતો ન હતો થઇ જાય.ખુબ મોટો મૃત્યુ આંક.ઓક્સિજન લેવલ ઘટવા માંડ્યું.હોસ્પિટલ્સમાં ઓક્સિજન ખૂટવા લાગ્યો.પથારીઓની તંગી,ઓક્સિજનની તંગી .હાહાકાર મચી ગયો

       .ભારત નસીબદાર એટલું કે બે પ્રયોગશાળા દ્વારા સ્વદેશી વેક્સિન તૈયાર થયા.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જાગરૂકતા એ ઝડપી અને આયોજનબદ્ધ વેક્સિનેશન શરુ થયા.130 કરોડના વિશ્વના બીજા નંબરના દેશમાં ઝડપી વેક્સિનેશનથી દેશના નાગરિકોને શક્ય તેટલું ઓછું નુકસાન થયું.છતાં જે નુકસાન થયું તે અકલ્પ્ય હતું.અંગત ઘણા પરિચિત ગયા.ભાણેજ મુકેશ ( અનિલાબેનનો દીકરો ) ભુજ સિવિલમાં દાખલ થયા.થોડા દિવસની સારવાર પછી વિદાય લઇ ગયા. મને અમદાવાદમાં લાવનાર મારા પૂર્વ ટ્રસ્ટી પ્રેમજીભાઈ પટેલ અને તેમના બહેન ડાહીબહેન અને તમામ નાગર ગૌરવ લે તેવા પૂજ્ય આધ્યાત્માનંદજી પણ  કાળકોળિયા બની ગયા. અહીં દુઃખ એ વાત નું રહેતું કે બીમારી વખતે કે વિદાય વખતે તેના પરિવારજનોને ફક્ત ફોનથી આશ્વાસન આપીને સંતોષ માની લેવો પડતો હતો. 

         લગ્ન કે અન્ય શુભ પ્રસંગે પણ નિયમાનુસાર ખુબ મર્યાદિત સ્વજનો વચ્ચે પ્રસંગ પૂર્ણ કરવાનો. જાગૃત ઇસ્કોન પ્લેટિનમ પણ નિયમો બનાવીને રહેતું. ટેસ્ટ અને વેક્સિનેશનના કેમ્પ અને કોરોનના ભયાવહ સ્વરૂપ વખતે દસ પથારી કામચલાઉ હોસ્પિટલ પણ ઉભી કરેલી. માંડ માંડ કોરોના ની બીજી લહેર હળવી થઇ..ત્રીજી લહેરના એંધાણ હતાં જ પણ ,અને એમઇક્રોન નામ લઇ આવી પણ ખરી.પરંતુ વેક્સિનેશનના ભરપૂર પ્રયાસને તે નુકસાન ઓછું કરી ગઈ.

        આશરે બે વર્ષથી  વધારે સમય સુધી કહેર વર્તાવી ને માંડ લગભગ જવાની તૈયારીમાં છે .( માર્ચ 2022). કોરોના એ જબરું નુકસાન કર્યું.કેટલાયના ધંધા વ્યવસાય બિલકુલ બંધ પડયા.તો કેટલાકના મંદ પડયા.કેટલાય ની નોકરી ગઈ. જોકે કોરોના ઘણું નવું શીખવી ગયો.ઓનલાઇન શિક્ષણથી બાળકો ભણ્યા.સેમિનાર ને બદલે 'વેબિનાર' નવો શબ્દ આવ્યો..વર્ચ્યુઅલ મીટિંગ્સ થવા લાગી.બેસણા,ઉઠમણાં પણ zoom કે ટેલિફોનિક થયા.

        અંગત વાત કરું તો ,એ વખતે GPSC ની સ્પર્ધાત્મક પરીક્ષાના આવેદન ભરાયાં હતાં .મનમાં વિચાર આવ્યો.નાગર યુવાનોને ઓનલાઇન તાલીમ આપી શકાય તો કેવું? કચ્છ સૌરાષ્ટ્ર વડનગરા નાગર મંડળ અમદાવાદને સહકાર આપવા  વાત કરી.તેઓએ હોંશભેર સ્વીકારી.અમદાવાદ અને ગુજરાતમાંથી નાગર અને નિઃશુલ્ક સેવા આપે તેવા નિષ્ણાત શોધ્યા અને ઘણા મળી ગયા.અંગત મોબાઈલ નંબર આપી નોંધણી કરી.રાજ્યભરમાંથી સાઈઠ વધારે એ નોંધણી કરાવી.zoom મિટિંગ દરરોજ રાત્રે નવ થી દસ .અલગ અલગ વિષયના નિષ્ણાતો સમયપત્રક અનુસાર આવે.સંકલન માટે મારી દરરોજ હાજરી હોય જ.ચાલીસ થી વધારે દિવસ એ ચલાવી શકાયું.મંડળે મારી કદર કરી.મેડલ આપી સન્માન કર્યું.

       કોરોનાને લીધે.માણસમાં જાહેર આરોગ્યની સભાનતા વધી..બિન જરૂરી ખર્ચ પર કાપ આવ્યો.અતિરેક તે 

સમજાયું.એટલું ચોક્કસ કે માનવજાત કદી ન બુલે તેવી આ વૈશ્વિક મહામારી ફરી નહિ આવે તેની બાહેંધરી વગર વિદાય થઇ છે.એટલે બિન્ધાસ્ત ફરતા માણસે ભય શબ્દને પોતાના શબ્દકોશમાં સાચવી જ રાખવો પડશે.આપણે સહુ ઇચ્છીએ અને પ્રભુ પ્રાર્થના કરીએ કે ફરીથી જગત આખાં ને ફરી બાન માં ન લેતા.

 દિનેશ લ.માંકડ

મોબાઈલ - 9427960979

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com

Friday, March 11, 2022

ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના " વિષય વિષે.



 

                                        ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના " વિષય વિષે.

               એ વાત નિર્વિવાદ છે કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની સહુથી પ્રાચીન સંસ્કૃતિ છે.આપણી પાસે ભવ્ય વારસો છે. તેમાં સૌથી ગણમાન્ય વારસો તે આપણા વેદ.વિદ્વાનોએ સંહિતા,બ્રાહ્મણ,આરણ્યક અને ઉપનિષદ ,આ ચારેયની મેળવણીને સમગ્ર વેદ કહેલ છે.વેદનો સર્વોચ્ચ ભાગ તે ઉપનિષદ.ઉપનિષદ એ આત્મજ્ઞાન કે બ્રહ્મવિદ્યા તરફ  લઇ જાય છે..પ્રમુખ ઉપનિષદોમાંથી ઘણો જીવનરસ પામી શકાય તેમ છે..

             શિક્ષણ એટલે જીવનને ઉર્ધ્વગતિ તરફ લઇ જવું.’- ઉપનિષદમાં આ જ વાત છે ક્યાંક ગુરુ શિષ્ય સંવાદમાં તો ક્યાંક આદેશ તો ક્યાંક સૂચન કરીને જીવનલક્ષી માર્ગો સૂચવ્યા છે.ખાસ તો વર્તમાન શિક્ષણની માત્ર ' રોટી માટે ના શિક્ષણ' ની ગ્રંથિથી ઉપર જઈને કશુંક પ્રાપ્ત કરવાની દિશા ઉપનિષદોમાં છે.

         ગુરુ -શિષ્ય પરંપરા પ્રાચીન ઉપનિષદ કાળમાં પણ હતી અને આજે પણ છે.પણ બંને કાળની સ્થિતિમાં આસમાન જમીનથી પણ વધારે અંતર દેખાય છે.પ્રાચીન પાસે ગુરુ સંદીપનીના આશ્રમમાં સેવા કરતો બાલકૃષ્ણ છે તો આજે  કોર્ષ ઘટાડવાના બેનર લઈને શાળા દ્વારે ઉભેલો શ્યામલાલ છે  નવ વર્ષના બાળવયથી આશ્રમમાં જ રાખી,પૂર્ણ માનવ બનાવવાં સુધીનું સંગોપન કરી માતા -પિતા અને સમાજને સોંપતા ગુરુઓ તે સમયે હતા તો આજે કમ્મરતોડ શાળા અને ટ્યુશન ફીમાં વાલી નીચોવાઇને આખરે શું મેળવે છે ?  આ એ જ ભારત છે જ્યાં એક સમયે અર્જુન અને દ્રોણઃ હતા ને આજે વિદ્યાર્થી -શિક્ષકમાં પરસ્પર કેટલો નિષ્ઠા અને ત્યાગ ભાવ  હશે ? શિક્ષણ એ માત્ર શાળામાં જ હોય તેવું નથી .એ તો જીવનની આજીવન પ્રક્રિયા છે.શિક્ષણનો અર્થ જ મર્યાદિત થયો છે .તેનો અર્થ સંકોચ થયો છે.ઉપનિષદ એ વાત જ નિર્દેશ કરે છે.કે પોતાનામાં રહેલાં તત્ત્વને ઓળખી ને તેને ઉર્ધ્વ દિશામાં લઇ જાવ. પ્રત્યેક ઉપનિષદ ચોક્કસ સંદેશ લઈને આવે છે.

          આજે સામાન્યજન પાસે તો ઉપનિષદો માટે ફક્ત આદર જ રહ્યો છે.બે ચાર ઉપનિષદના નામ અને કદાચ બે ચાર મંત્રોની ખબર હોય. રાષ્ટ્ર પર અગાઉ થયેલાં પરદેશી આક્રમણો અને પછી પરદેશી પ્રભાવ  છતાં આપણા અમૂલ્ય વારસાને જનસામાન્ય સુધી પહોંચાડવામાં ને તેનું સહજ વિશ્લેષણ કરવામાં ખુબ જ વિદ્વાનોને પ્રદાન કર્યું છે. તેમનું ઋણ યાદ કરવું જ પડે. .

            " પંડની પેટીમાં પડ્યો પારસ ,વાપરી જાણે તે નર બડભાગીયો." એટલે જ વર્તમાન શિક્ષણ વિચારમાં ઉપનિષદના દૃષ્ટિકોણ ઉમેરાય.-ઓળખાય અને જનસામાન્ય સુધી પહોંચે તે ઉદ્દેશ્યથી આ વિષે લખવાનું સાહસ કર્યું છે. શિક્ષણના મૂળભૂત હેતુઓ,શિક્ષણની પાયાની પદ્ધતિઓ ,બાળ જિજ્ઞાસા ,શીખવાની પ્રક્રિયાનું સાચું સ્વરૂપ આદર્શ રીતે સાચા અર્થમાં  કેવું હોવું જોઈએ તે ખંખોળવાનો પ્રયાસ છે.ઉપનિષદ વિચારથી,જીવનલક્ષી શિક્ષણ માટેની જીજીવિષા આત્મવિશ્વાસ ,પહેલવૃત્તિ જેવા દૃષ્ટિકોણ પેદા થાય.ખાસ તો આપણા સહુમાં આપણા જ વારસા  માટે  ચોક્કસ વિશ્વાસ દૃઢીભૂત થાય. શિક્ષણવિદો કશુંક અમલીકરણ કરવાની દિશામાં જાય અને આવનારી પેઢીને શોધનો  એક નવો રસ્તો પણ કદાચ મળે એ મુખ્ય ઉદ્દેશ્ય લખવાનો છે .

            આપણા સદ્નસીબે આદ્યં ગુરુ શંકરાચાર્ય,રાજા રામ મનોહરરાય ,મહર્ષિ અરવિંદ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન, શ્રી રામશર્માજી, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી, મેક્સમૂલર જેવા અનેક ચિંતકોએ તેના ભાષ્ય, સમીક્ષા અને અનુવાદ આપણી સામે મુક્યા છે અને તેથી આપણે કશુંક પામી શકીએ છે .આપણી મૂળભૂત અસ્મિતાને જાળવી શકીએ છીએ.છેવટે સ્મરણ કરી  ગૌરવ પણ લઇ શકીએ છીએ. અહીં બે શબ્દો લખીને એમના પ્રત્યેનો  નાનો અહોભાવ પણ પ્રગટ કરવાની તક લઇ લેવી છે.  વિશાળ રત્નાકરમાંથી ભરેલી એકાદ અંજલિ કે ઘેઘુર વનરાજીમાંના લીધેલાં એકાદ તણખલાં જેવો  આ સ્વાંત સુખાય આ પ્રયાસ છે.

દિનેશ લ. માંકડ

M. 9427960979

mankaddinesh1952@gmail.com